Archive

Archive for May, 2010

અમને પગે પુજનાર પણ તમે જ હતાં, ને અમારી થાળીમાં થુંકનાર પણ તમે જ છો?

“દિગ્વિજય, આ ૨૫ લાખનો ચેક છે,જરાક બેંક ઓફ બરોડામાં જઇને પૈસા ઉપાડી આવ ને…” મહેશભાઇએ કહ્યું.

“હા હા,સાહેબ…કેમ નહીં,લાવો હું હમણાં જ જઇને આવું છું” દિગ્વિજયએ નમ્રતાથી ઉત્તર આપ્યો.

“આમ તો તમારી પોસ્ટ ક્લાર્કની છે પણ મેનેજર જેટલી જવાબદારી તમને સોંપુ છું.આ બાબતમાં પ્રમાણિક માણસ હોય તો સારું”

“ના ના…એવું ના બોલશો માલિક, આ તો મારી ફરજ પુરી કરું છું બાકી કરવાવાળો તો ઇશ્વર છે.આપણે તો માત્ર નિમિત્ત છીએ.”

“વાહ ભાઇ વાહ…કેટલા ઉચ્ચ વિચારો છે તારા.ધન્ય છે તમારા મા-બાપને જેમણે આવા સરસ સંસ્કાર આપ્યા છે.તમે ખરેખર કુતરાં જેવાં જ છો” -મહેશભાઇ

“શું” -દિગ્વિજય

“એટલે કે તમે કુતરાં જેવાં જ વફાદાર છો.એમ હું કહેવા માંગતો હતો. લો, આ ચેક.” મહેશભાઇએ મલકાતાં કહ્યું

——————-*———————

આઇકોન ટેક્નોલોજી માં થયેલો આ સંવાદ.મહેશભાઇ એટલે કંપનીના માલિક.એમનાં પત્ની એટલે આશાબેન.બંને ભગવાનનાં માણસ.સંતાનમાં જે ગણો એ એમનો એકનો એક દિકરો-અનિકેત.મહેશભાઇએ હવે પુત્રને પોતાની કંપનીમાં બોલાવી કેટલો માલ લેવો,કેટલો માલ આપવો,ગ્રાહક જોડે કેવી રીતે વાત કરવી એ બધૂં શીખવાડી રહ્યા હતા.અનિકેત આમ તો એમ.બી.એ. હતો પણ કોલેજનાં થીયરીટીકલ નૉલેજ કરતાં કંપનીનુ પ્રેક્ટીકલ નૉલેજ વધારે મહત્વનુ હોય છે.

મહેશભાઇનો જમણૉ હાથ એટલે દિગ્વિજય.રૂપિયા લાખોમા હોય કે કરોડોમાં હોય.દિગ્વિજયનાં હાથમાં હોય એટલે સમજો કામ થઇ ગયું.દિલમા જરાય પાપ નહિ.એક પૈસો પણ લેવાની વ્રુતિ નહિ.એટલે જ મહેશભાઇએ આજે ૨૫ લાખ રૂપિયા લાવવાનું કીધું હતું.

“હવે જલદી જાવ નહિતર મોડૂં થશે તો સારી છાપ નહિ પડે.”આશાબેને મહેશભાઇને કહ્યુ.

“હા હવે નીકળીએ જ છીએ.” મહેશભાઇનએ કહ્યુ

આજે મહેશભાઇ અને અનિકેત એક કન્યા જોવા જવાના હતાં.એટલે આશાબેને ટકોર કરી.જોડે ખાખરાં અને પાણીની બોટલ લીધી.૩-૪ સી.ડી. ની કૅસેટ લીધી.અને બાપ-દિકરો સુકન્યા (કન્યાનાં પિતાના કહેવા પ્રમાણે) જોવા નીકળ્યા.પણ્ર રસ્તામાં મોબાઇલ ફોન આવતા મહેશભાઇનુધ્યાન બીજી બાજું જતાં સામેથી આવતી લકઝરી ધડાકાભેર ટકરાઈ. સામે તો લકઝરી હોવાથી ગાડીતો ફુગ્ગાની જેમ હવામા ઉછળી અને બાજુની ખીણમા પડી.માઉન્ટ આબુની ખીણ એટલે વાત જ ના થાય.કોઇની લાશ મળી નહિ.ગાડીનો તો કચ્ચરઘાણ થઇ ગયો હશે.

આશાબેનને આ વાતની જાણ થતા જ રોકકળ કરવા માંડ્યા.કેમ કે આશાબેનની બધી આશા પર પાણી ફરી વળ્યુ હતુ.તેઓ તો દિકરાના લગ્નના સપના જોતા હતા અને ત્યાં જ…

“મેડમ, બે દિવસ પહેલા સાહેબે મને ૬૦ લાખ રુપિયા લાવવાના કીધા હતા.આ વાત મારા અને શેઠ સિવાય બીજા કોઇને નથી ખબર.લો આ રહ્યા.” એમ કહી દિગ્વિજયે આશાબેનને ૬૦ લાખ રુપિયા આપ્યા.

દિગ્વિજયની પ્રમાણિકતા માટે આશાબેનને માન થયુ.અને આમ પણ આશાબેનને દિગ્વિજયની પ્રમાણિકતા વિશે ખબર હતી.તેમને સૌથી મોટી ચિંતા એ હતી કે હવે તેઓ આ કંપની કેવી રીતે ચલાવશે? પણ તમણે મનોમન વિચરી દીધુ કે આ તેઓ દિગ્વિજયને સોંપશે.

પણ પૈસા આવતાં જ માણસનૂં વર્તન અને વાણી બંને બદલાઇ છે.રાવણ જેવો જ્ઞાની માણસ બીજો કોઇ નથી.રાવણ તેની ઇચ્છા પ્રમાણ્રે શંકર ભગવાન ને પ્રગટ કરી શકતો.તેણે એક રુપસુંદરીના લીધે આખી લંકા ખોઈ જ્યારે આ તો દિગ્વિજય હતો.રાવણ જોડે જેટલુ પાણી ન હતુ એટલુ તો એની જોડે સોનુ હતુ.(અત્યારે પાણી મફત મળે છે અને સોનાનાં ભાવ આસમાને છે.)અને એ જ્ઞાની પુરુષ સીતામાતાને લીધે લપસી પડે તો દિગ્વિજય તો કયા ઝાડનુ મૂળ?

પછી તો દિગ્વિજય આશાબેનને રીતસર ધીક્કારવા માંડ્યો.આખી કંપની તેણે પોતે જ પચાવી પાડી.બે ટાઇમ જમવાનૂ દિગ્વિજય તરફથી મળી રહેતુ.રહેવા માટે ઘર તો હતુ જ.એક અઠવાડીયુ બરાબર ચાલ્યુ અને પછી તો જમવાનુ આવવાનુ પણ બંધ થઇ ગયુ.અને બંગલો ખાલી કરવાની નોટિસ મળી ગઇ.આશાબેન હવે ભક્તિભાવ બાજુ વળ્યાં હતાં. આશાબેનને હવે શુ ખાવુ અને ક્યા રહેવુ એ મોટો પ્રશ્ન હતો.એમની હાલત હવે ખરેખર સીતામાતા જેવી થઈ ગઈ હતી.(રાજમહેલમાંથી વન તરફ પ્રયાણ.)તેઓ બબડ્યાં કે હે ઇશ્વર…અત્યારે મારે આ દિવસો જોવાનો વારો ના આવત જો અનિકેત અને એના પપ્પા જીવતા હોત.

અને ત્યાં જ જાણે ચમત્કાર થયો.પતિ તો ગયા પણ અનિકેત બારણામા ઉભો હતો. આશાબેનને તો વિશ્વાસ જ ના પડ્યો.જ્યારે અનિકેતે એની મમ્મીના ચરણસ્પર્શ કર્યા ત્યારે તેમને વિશ્વાસ પડ્યો.અનિકેતે સાચી વાત કરતા જણાવ્યુ કે “અમે ખીણમા પડી ગયા હતા પણ સદભાગ્યે હુ બચી ગયો કેમ કે હું એક ઝૂપડી ઉપર પડ્યો.નાની મોટી ઇજા થઇ હતી પણ સારુ થઇ ગયુ.જ્યારે હૂ ભાનમા આવ્યો ત્યારે આજુ-બાજુ આદિવાસીઓ હતા.તેમણે મને બચાવી લીધો.તેમનો આભાર માનીને હુ તરત અહી આવી ગયો.રામ રાખે એને કોણ ચાખે? બરાબરને મમ્મી?” કહેતા તે મમ્મીને ગળે વળગી પડ્યો.

ત્યારબાદ આશાબેને દિગ્વિજયે પચાવી પડેલી કંપનીની વાત કરી.અનિકેતે કોર્ટ્માં કેસ કર્યો.મહેશભાઇના વારસ તરીકે અનિકેત હોવાથી તે કેસ જીતી ગયો.દિગ્વિજય તો અનિકેતને જોઇને દંગ જ રહી ગયો.

જ્યારે અનિકેત મહેશભાઇની ચૅર પર બેઠો ત્યારે ચાર આંખો માંથી પાણી વહેતાં હતા ને બે દિલ અંદરખાને હસતાં હતા.અને હવે રહી વાત દિગ્વિજયની તો એને હવે કોઇ ક્લાર્ક તો શું પટાવાળાની નોકરી પણ નથી આપતું

(શિર્ષક પંક્તિ – સોહમ રાવલ)

(નોંધ – આ નવલિકાનાં તમામ પાત્રો કાલ્પનિક છે.આ નવલિકાનો કોઇ જીવીત કે મ્રુત વ્યક્તિ સાથે કોઇ સંબંધ નથી – લેખક)


બીજી નવલિકા બે દિવસ ની અંદર પ્રસિધ્ધ થશે.

Advertisements

પુત્રને પિતાનો પત્ર

અમિતાભ આકાશવાણીની અવાજની પરીક્ષામાં નાપાસ થયા અને આજે એમના અવાજ પાછળ દુનિયા ફિદા છે.

રંજીવી મૌલિક
મજામાં હશે, જોકે મને વિશ્વાસ છે કે મારી અને તારી મમ્મીની એમ બંનેની મજા બગડી જાય છતાં તારી મજાનો વાળ વાંકો થવાનો નથી.

બેટા, તારું નામ મૌલિક પાડવાનું કારણ એવું છે કે ક્યારેક કોઈ નિવેદન કરે કે જગદીશ ત્રિવેદી મૌલિક નથી તો હું છાતી ઠોકીને કહી શકું કે મૌલિકનો બાપ છું. આમ પણ મૌલિક લેખક થવા કરતાં મૌલિકનો બાપ થવું સહેલું છે.

હવે મૂળ વાત ઉપર આવું તો કદાચ તું ભૂલી ગયો હશે પણ મને બરાબર યાદ છે કે તારે આવતી ચોથી માર્ચથી એસએસસીની પરીક્ષા આપવાની છે. જ્યારથી તું ટેન્થમાં આવ્યો છે ત્યારથી તારી મમ્મી ટેન્સમાં આવી છે.

એ તારી સાથે દરરોજ સવારે ચાર વાગે જાગે છે, તને ચા બનાવી આપે છે. પોતે ચા પીતી નથી છતાં તારા પરિણામની ચિંતામાં એકવાર જાગ્યા પછી સૂઈ શકતી નથી. અને તું પાડો તેલ પીવે એમ બાઉલ ભરીને ચા પીવા છતાં વાંચતા-વાંચતા ઊંઘી જાય છે.

દીકરા, મારે તને થોડાં ઉદાહરણ આપવાં છે, બિલ ગેટ્સની ગણતરી દુનિયાના સૌથી વધુ અમીર માણસમાં થાય છે તે બિલભાઈ એમ કહેતા હતા કે હું ક્યારેય એકથી દસમાં આવ્યો નથી પણ રાજ્યમાં પ્રથમ આવેલા ઘણા યુવાનો મારી કંપનીમાં નોકરી કરે છે.

વિદેશીની વાત છોડો, સચિન તેંડુલકર ઠોઠ નિશાળિયો હતો, એટલે તો એકવાર નાપાસ થયો હતો પરંતુ અત્યારે મહારાષ્ટ્રનાં પાઠ્યપુસ્તકમાં સચિનના જીવન વિશેનો પાઠ આવે છે. અમિતાભ બચ્ચનનું બાળપણ અભાવમાં વીત્યું. આકાશવાણીની અવાજની પરીક્ષામાં નાપાસ થયા અને આજે એમના અવાજ પાછળ આખી દુનિયા ફિદા છે.

મુંબઈવાળાની વાત પણ છોડો, મને બીક છે કે મુંબઈનો ઠેકો લીધેલા ત્રણ ઠાકરેમાંથી એકાદ એમ પણ કહી શકે કે મરાઠી સિવાયના લેખકોએ મુંબઈના લોકો વિશે લખવું પણ નહીં, ઠાકરે કરે તે ઠીક. ગુજરાતીની વાત કરું તો પૂ. મોરારિબાપુ જૂની એસએસસીમાં ત્રણ વખત નાપાસ થયા હતા, નિષ્ફળતાની હેટ્રિક કરનાર બાપુ અત્યારે સૌથી સફળ વક્તા છે.

આપણા ધીરુકાકા ઉર્ફે ધીરુભાઈ અંબાણી ખૂબ ઓછું ભણ્યા અને પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ ભરી આપવાનું કામ કરતા કરતા દુનિયાને મુઠ્ઠીમાં ભરવાનું સપનું જોયું અને અત્યારે અનેક લોકોના આદર્શ બની ગયા.

જો બેટા, બિલ ગેટ્સ, તેંડુલકર, અમિતાભ, મોરારિબાપુ અને ધીરુભાઈ તને પારકા લાગતા હોય તો મારો પોતાનો દાખલો આપું. તને બરાબર ખબર છે કે આ તારો બાપ અગિયારમા ધોરણની સ્થાનિક પરીક્ષામાં નાપાસ થયો. બીજીવાર બારમા ધોરણમાં નાપાસ થયો, બે વખત નાપાસ થયા પછી એવી ચોટલી બાંધી કે બે વખત પીએચ.ડી. થયો અને અત્યારે આખી દુનિયામાં હાસ્યના કાર્યક્રમો આપવા જાય છે.

ઉપરનાં ઉદાહરણોનો અર્થ એવો ન કરીશ કે મહાન બનવા માટે નાપાસ થવું ફરજિયાત છે, પરંતુ નાપાસ થયા પછી પણ મહાન બની શકાય છે. શરત એટલી કે જીવતાં રહેવું જોઈએ. ઉપરના લોકોએ નિષ્ફળતા મળ્યા પછી આપઘાત કરી લીધો હોત તો વિશ્વને તેંડુલકર, અમિતાભ, મોરારિબાપુ કે ધીરુભાઈ મળ્યા હોત ખરા?

દીકરા મને તારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે તું પાસ થવાનો નથી. તું નાપાસ થઇશ એમાં તારો જરાપણ વાંક હશે નહીં, બધો વાંક માઘ્યમિક શિક્ષણ બોર્ડનો જ હશે. એણે તને આવડે નહીં એવા સવાલો પૂછ્યા અને પરીક્ષકે સાવ સાચી રીતે પેપર તપાસ્યાં એમાં તારો શું દોષ?

ભૂતકાળમાં રાજાઓ અમુક રાજ્ય ઉપર એક કરતાં વધુ વખત ચડાઈ કરતા હતા. તું રાજા નથી પણ પ્રજા છે એટલે રાજ્ય ઉપર નહીં પરંતુ રાજ્ય પરીક્ષા બોર્ડ ઉપર બીજીવાર ચડાઈ કરજે. મને શ્રદ્ધા છે કે પરીક્ષા બોર્ડ થાકી જશે પણ મારો દીકરો થાકવાનો નથી, અને કદાચ એવું પણ બને કે નાપાસ થવાની લાયકાતને કારણે ભવિષ્યમાં તું મહાન માણસ બની જાય.

આમ પણ દરેક વ્યક્તિને મહાન માણસ તરીકે મરવા કરતાં મહાન પુત્રના પિતા તરીકે મરવાની મજા વધુ આવતી હોય છે. પરીક્ષા કરતાં પ્રારબ્ધ હંમેશાં ચડિયાતું હોય છે.
બસ એજ લિખિતંગ બે વખત નાપાસ થયેલો બાપ.

(દિવ્ય ભાસ્કર)

મિત્ર સાચો છે મજાની ચોપડી

પુસ્તકોનો સાથ હશે તો મને નર્ક પણ સ્વર્ગ જેવું લાગશે : લોકમાન્ય ટિળક

પુસ્તક-પત્ની વચ્ચે ખૂબ તફાવત છે, પહેલો તફાવત એ છે કે પુસ્તક બોલતું નથી અને પત્ની મૂંગી રહેતી નથી. બીજો તફાવત એવો છે કે પુસ્તક બજારમાં અડધી કિંમતે મળે છે, જયારે પત્ની માટે તો પૂરી રકમનો ખર્ચ લગ્ન સમયે કરવો પડે છે. પુસ્તક એકવાર આપણું થઈ ગયા પછી ખર્ચ કરાવતું નથી, જયારે પત્ની આપણને મળી ગયા પછી ખર્ચ અટકતો જ નથી

હું મિત્ર સાચો છે મજાની ચોપડી
જ્ઞાનથી ભરશે તમારી ખોપડી
વાંચવું સારું અને વિચારવું
ચોપડી છે ચો-પડી ઘી ચોપડી – જગદીશ ત્રિવેદી

ચોપડી અથવા તો પુસ્તક છે એ માણસનો એવો મિત્ર છે જે માત્ર અને માત્ર ઉપયોગી થાય છે, અને આજના યુગમાં યોગી થવા માટે લોકો મોંઘીદાટ ફી ભરીને યોગ શીખવા જાય છે, યોગ ચોક્કસ ફાયદો કરે છે, પરંતુ અત્યારના સમયની માગ પ્રમાણે યોગી થવા કરતાં કોઇને ઉપયોગી થવું વધારે યોગ્ય ગણાશે, ત્યારે પુસ્તક એ એવો મિત્ર છે જે નડવાને બદલે માત્ર ઉપયોગી થાય છે.

આપણે ધારીએ ત્યારે એની પાસેથી જ્ઞાનનું અજવાળુ માગી શકીએ અને વાચક જયારે માગે, જેટલું માગે, જયાં માગે ત્યારે પાઠકને ત્યારે, તેટલું અને ત્યાં આપી શકે તો એકમાત્ર પુસ્તક જ આપી શકે.

મેં હમણાં ડો. હરિવંશરાય બચ્ચનની અમર કવિતા ‘મધુશાલા’નો આપણી માતૃભાષામાં સંપૂર્ણ સમશ્લોકી અનુવાદ કર્યો છે, અને આગામી નવમી ડિસેમ્બરની રાતે વરાછા રોડ ઉપર આવેલા સરદાર સ્મૃતિભવનમાં વિશ્વવંદનીય સંત પૂ. રમેશભાઈ ઓઝા (પૂ.ભાઈશ્રી)ના વરદહસ્તે એનું વિમોચન છે એટલે પુસ્તકની વાત યાદ આવી છે.

મેં એકવાર પુસ્તકના ફાયદા વિશે પ્રવચન કર્યું તો મારા મિત્ર અંબાલાલે સ્વભાવ મુજબ રમૂજ કરી કે પુસ્તક અને પત્ની વચ્ચે ખૂબ તફાવત છે, પહેલો તફાવત એ છે કે પુસ્તક બોલતું નથી અને પત્ની મૂંગી રહેતી નથી. બીજો તફાવત એવો છે કે પુસ્તક બજારમાં અડધી કિંમતે મળે છે, જયારે પત્ની માટે તો પૂરી રકમનો ખર્ચ લગ્ન સમયે કરવો પડે છે.

પુસ્તક એકવાર આપણું થઈ ગયા પછી ખર્ચ કરાવતું નથી, જયારે પત્ની આપણને મળી ગયા પછી ખર્ચ અટકતો જ નથી. પુસ્તક અને પત્ની વચ્ચે મહત્ત્વનો તફાવત એવો છે કે પુસ્તકને પસ્તીમાં આપો તો એની અડધી કિંમત ઉપજે છે, જયારે પત્નીને ભંગારમાં આપવાનો વિચાર પણ શકય નથી, અને છેલ્લો તફાવત મજાનો છે કે પ્રવાસમાં પત્ની બદલે પુસ્તકને સાથે રાખી તો ખર્ચ અડધો આવે અને મઝા બમણી આવે, તથા ચાલુ મુસાફરીએ પુસ્તક વાંચતા વાંચતા કંટાળો આવે તો એને બીજાનાં હાથમાં પકડાવીને સૂઇ જઈએ તો ચાલે જયારે પત્ની બાબતમાં એ શકય નથી.

અંબાલાલની વાત કરી છે તો મને મારો પોતાનો એક અનુભવ યાદ આવી ગયો છું. હું આખો દિવસ વાંચતો અથવા લખતો હોઉ એટલે એક દિવસ મારા પત્નીએ ધોખો કર્યોકે પત્ની કરતાં પણ તમે પુસ્તકને વધુ પ્રેમ કરો છો.

આવતે ભવ મારે પત્ની થવું નથી, પરંતુ મારે પુસ્તક થવું છે, આ સાંભળીને મેં તરત જ જવાબ આપ્યો હતો કે ભગવાન, તું જો પુસ્તક થાય તો પંચાગ થજે જેથી દર દિવાળીએ બદલાવી શકાય.

આ બધી ‘ડીબી ગોલ્ડ’ના મારા વહાલા વાચકોને રાજી કરવા માટે વાત કરી, પરંતુ પુસ્તક એ ઉત્તમ મિત્રની ગરજ સારે છે, અને લોકમાન્ય ટિળકને એકવાર કોઇકે પૂછ્યું કે તમને મૃત્યુ પછી નર્કની સજા થાય તો તમે શું કરો?

ત્યારે ટિળક મહારાજે જવાબ આપ્યો હતો કે મને નર્કની સજા થાય તો હું નર્કમાં થોડા પુસ્તક સાથે લઇને જવાની ઇચ્છા વ્યકત કરીશ, કારણ પુસ્તકોનો સાથ હશે તો મને નર્ક પણ સ્વર્ગ જેવું લાગશે.

(દિવ્ય ભાસ્કર)

ક્યાંય તારા નામની તકતી નથી – જગદીશ ત્રિવેદી

ઘણાં સાંકડા દિલનાં દાતાઓ પોતાની જ્ઞાતિની ભોજનશાળામાં દિલ્હીની કોઇ ચાલુ કંપનીના એક સિલિંગ ફેનનું દાન આપે અને પંખાનાં ત્રણે પાંખિયા ઉપર પોતાની ત્રણ પેઢીનાં નામ લખાવે એ વાજબી લાગે છે? પછી એવું બને કે કોઇ સ્વીચ ઓન કરે અને છગનભાઇ, મૂળજીભાઇ અને પિતાંબરભાઇ એમ ત્રણે પેઢી ગોળ ગોળ ફરવા માંડે ક્યાંય તારા નામની તકતી નથી.
સલામ તારી સખાવતને એ હવા – ધુની માંડલિયા

વર્ષો પહેલાં રાજકોટના યાજ્ઞિક રોડ પાસે આવેલી રાજકુમાર કોલેજનું ખાતમુહૂર્ત હતું. આ કોલેજમાં રાજકુમારોને જ પ્રવેશ આપવાનો હોવાથી એનું નામ રાજકુમાર કોલેજ રાખવામાં આવ્યું હતું, અને તેના ખાતમુહૂર્તમાં ઠેરઠેરથી રાજવીઓ પધારે એ સ્વાભાવિક હતું.

અહીં ગાળવામાં આવેલા પાયામાં દરેક રાજા પોતાના વરદહસ્તે એક એક ખોબો ધૂળ નાખે એવો વિધિ હતી. દરેક રાજાએ ધૂળ નાખી પણ જ્યારે જશદણ દરબાર સાહેબ આલા ખાચરનો વારો આવ્યો ત્યારે તેમણે ખોદેલા પાયામાં એક ખોબો ભરીને ચાંદીના સિક્કા નાખ્યા હતા.

આ સત્ય ઘટનાનો પ્રસંગ છે, વિધિ પૂરી થયા પછી કોઇકે પૂછ્યું કે ખાચરસાહેબ આપ આપની મોટાઇ દેખાડવા માગતા લાગો છો, બધા રાજાએ ધૂળ નાખી અને આપે ચાંદીના સિક્કા નાખ્યા. ત્યારે વિનમ્ર દરબાર આલા ખાચર બોલ્યા કે એવું નહીં, હું તો નાનકડા જશદણનો રાજવી છું, આ બધા તો મોટા રાજાઓ છે પણ મે સિક્કા એટલા માટે નાખ્યા છે.

કારણ એક નાનકડાં દાતા તરીકે મારી સુવાસ છે અને દાનવીર થઇને હું ખોબામાં ધૂળ ભરું તો મારી દાતારી લાજે, અને બીજી અગત્યની વાત એ છે કે આ કોલેજમાંથી રાજાઓ તૈયાર થવાના છે પણ એમાંથી અમુક દાનવીર બને એટલે મેં પાયામાં ચાંદીના સિક્કા નાખ્યા છે. સમાજ માત્રને માત્ર રાજકારણીઓ, કલાકારો, ઉધોગપતિઓ, સાહિત્યકારો, દાકતરો, વકીલો, વેપારીઓ અને ખેડૂતોથી ચાલતો નથી, સમાજમાં દાતાની પણ જરૂર પડે છે.

આપણે એટલે જ દીપચંદ ગાર્ડી, સી. યુ. શાહ, એમ. પી. શાહ જેવા દાતાઓને અવારનવાર યાદ કરીએ છીએ, અને દાન કેવું હોવું જોઇએ? દેવાના બદલે લઇને આવીએ તે દાન નથી. મારા પાડોશી રમણકાકા એક આખો દિવસ દેખાયા નહીં, મે પૂછ્યું કે કાલે કયાં ગયા હતા, તો રમણકાકા બોલ્યા કે, રકતદાન કરવા ગયો હતો. મેં આશ્ચર્યથી પૂછ્યું કે, રકતદાનમાં દસથી પંદર મિનિટ થાય, તમે આખો દિવસ શું કર્યુ?

ત્યારે કાકા બોલ્યા કે મેં બે સીસી લોહી આપ્યું એમાં હું બેભાન થઇ ગયો, પછી અઢાર સીસી મને ચઢાવવું પડ્યું. આ ઘટનામાં રહેલા કાકા બે સીસી આપવાને બદલે સોળ સીસી લઇને આવ્યા એને દાન ન કહેવાય. ઘણાં લોકો દાન કરે પણ દાનની રકમ કરતાં વધારે રકમની જાહેરાત કરાવે એ પણ યોગ્ય નથી. લાખ રૂપિયાનું દાન કરીને પછી પાંચ લાખની વાહ વાહ કરાવે તે યોગ્ય નથી, કારણ માણસે દાન પુણ્ય માટે કરવાનું છે અને દાનનો બદલો એને પુણ્યમાં મળી જાય છે.

પછી પ્રશંસા,ખુશામત, સન્માન વગેરે જેવા શબ્દોથી દૂરને દૂર જ રહેવું જોઇએ. ઘણાં સાંકડા દિલના દાતાઓ પોતાની જ્ઞાતિની ભોજનશાળામાં દિલ્હીની કોઇ ચાલુ કંપનીનાં એક સિલિંગ ફેનનું દાન આપે અને પંખાના ત્રણે પાંખિયા ઉપર પોતાની ત્રણ પેઢીનાં નામ લખાવે એ વાજબી લાગે છે?

પછી એવું બને કે કોઇ સ્વીચ ઓન કરે અને છગનભાઇ, મુળજીભાઇ અને પિતાંબરભાઇ એમ ત્રણે પેઢી ગોળ ગોળ ફરવા માંડે, અને તેની આ લેખની શરૂઆતમાં કવિ ધુની માંડલિયાનો શેર ટાંક્યો છે અને તેમાં કવિ હવાને સલામ ભરે છે, કારણ હવાથી મોટું ડોનેશન આ દુનિયામાં કોઇનું નથી. હવા ન હોય તો જગત ઉપર જીવનું ટકી રહેવું શક્ય નથી.

આખી દુનિયાને જીવાડતી હવાએ ક્યાંય પોતાના નામની તકતી મારી નથી. મંગળ મસ્તી એક દાતાએ મંદિર બનાવ્યું તો તેમાં માત્ર હિન્દુઓ જ આવ્યા, મસ્જિદ બનાવી તો માત્ર મુસ્લિમો જ આવ્યા, પછી તેમણે બહુ વિચાર કરીને પચાસ શૌચાલય બનાવ્યા તો તેમાં તમામ જાતિ, ધર્મ અને પ્રદેશના લોકો કોઇપણ જાતના ભેદભાવ વગર આવ્યા.

આમ તમારા દાનનો લાભ દરેક પ્રકારના લોકોને મળે તે પણ અત્યંત જરૂરી છે. સમાજના ખાસ વર્ગ માટે દાન દેવામાં આવે એ દાન નથી પણ ભેદભાવ છે.
– જગદીશ ત્રિવેદી (દિવ્ય ભાસ્કર)

જગદીશ ત્રિવેદી – કયાં મોદી? કયાં મમતા?

માણસ નામનું પ્રાણી બીજા સજીવ કરતાં ઘણી બાબતોમાં અલગ પડે છે. દાખલા તરીકે માણસ અને હાથી વચ્ચે ઘણાં તફાવત છે. જેમાં એક તફાવત એવો છે કે હાથીને મહાવતના અંકુશનો ડર હોય છે અને માણસ હંમેશાં નિરંકુશ હોય છે. માણસ અને રીંછ વચ્ચે એક તફાવત ઉડીને આંખે વળગે એવો એ છે કે માણસની હજામત થાય છે જયારે જંગલમાં હેર કટિંગ સલૂન તથા બ્યૂટીપાર્લરનાં અભાવે રીંછ અનિલ કપૂર જેવા થઇને રહી જાય છે. માણસ અને ઘોડા વચ્ચે એક તફાવત એવો છે કે ઘોડા દોડે ત્યારે પુષ્કળ માણસો ઠેકડાં મારવા નવરાં થઇ જાય છે અને જો માણસો દોડે તો જોવા માટે એક પણ ઘોડો ફરકતો નથી. માણસ અને નાગ વચ્ચે એક તફાવત એવો છે કે નાગ પહેલાં ભાગે છે અને નાછૂટકે જ કરડે છે, જયારે માણસ પહેલાં તો કરડવા મથે છે અને નાછૂટકે જ ભાગે છે.

માણસ અને સજીવ અમાણસ વચ્ચે જુદા-જુદા તફાવત છે પણ એક કોમન તફાવત એવો છે કે માણસ હસી શકે છે જયારે બીજો એક પણ જીવ હસી શકતો નથી. આથી જો કોઇ ગધેડો હસવા માંડે તો માનવું એ માણસ થવા જઇ રહ્યો છે અને જો કોઇ માણસ કયારેય ન હસે તો એ શું થવા જઇ રહ્યો છે એ ફેંસલો વાચક ઉપર છોડું છું.

થોડા દિવસ પહેલાં રતન તાતાએ મોદીને ગુડ એમ અને મમતાને બેડ એમ કહ્યાં જેનો સીધો અર્થ એવો થાય કે ગુજરાતી ‘મ’ એટલે મસીહા અને બંગાળી ‘મ’ એટલે માથા ફોડ. અંબાલાલ કયાંકથી ઉડતા સમાચાર લાવ્યો છે કે રતનભાઇ પોતાની નાજુક નમણી નૂતન કારનું નામ નેનોને બદલે નમો કરવાનું વિચારી રહ્યા છે. નેનોનો સીધો ઉચ્ચાર નાનો થાય છે. નાનામાં નાનો માણસ પણ ખરીદી શકે એ નેનો છે. નાના માણસની નેનોનાં સર્જનમાં માત્ર ઓગણત્રીસ વરસનાં ગિરીશ વાઘનો સિંહફાળો છે અને નેનોને ગુજરાત સુધી લઇ આવવામાં વડોદરાનાં પૂર્વ કલેકટર રાજીવ ટોપનોએ ટોપ લેવલની ભૂમિકા ભજવી છે.

સ્ત્રીની બુદ્ધિ કયારેય પગની પાનીએ હોતી નથી પરંતુ મગજમાં જ હોય છે પણ સ્ત્રીનો સ્વભાવ છે કે બુદ્ધિ અને પૈસા જયાં સુધી પતિના વપરાય ત્યાં સુધી પોતાના વાપરવા નહીં જો મમતા બેનરજીએ પોતાની અક્કલ અમુક વરસે ડબલ થાય તે માટે ફિકસ ડિપોઝિટમાં ન મૂકી હોત તો અત્યારે સમય આવ્યો હતો ત્યારે વાપરી શકયાં હોત. પ્રગતિબહેન સામે ચાલીને નેનોમાં બેસીને બંગાળને મળવા ગયાં ત્યારે બેનરજીબહેન બાથ લેવા જતાં રહ્યાં તેથી પ્રગતિબહેનને બથ ભરી શકયાં નહીં. વિકાસભાઇ ખુદ હાથમાં કંકાવટી લઇને ચાંદલો કરવા આવ્યા ત્યારે બેનબા ફેસીયલ કરાવવા જતાં રહ્યાં ત્યારે બરાબર લાગ જોઇને નરમાં ઇન્દ્ર જેવા આપણા મુખ્યમંત્રીએ પોતાની ડોક જિરાફની માફક લાંબી કરીને ચાંદલો પોતાના કપાળે કરાવી લીધો. ગુજરાતના સી.એમ.ના ભાલ ઉપર થયેલું તાતાનું કુમકુમ તિલક આખા રાજયની શોભા વધારશે.

– જગદીશ ત્રિવેદી (દિવ્ય ભાસ્કર)

જગદીશ ત્રિવેદી – જનતાથી મોટો કોઇ જજ નથી

જે લોકો સારું સાહિત્ય લખી શકતા નથી તથા સુંદર મૌલિક લખાણને વાંચીને વધાવી શકતા નથી તે લોકો વિવેચક બનીને સરળ ભાષામાં સર્જાયેલી સાહિત્યકૃતિનું અઘરામાં અઘરા શબ્દો વડે મૂલ્યાંકન કરી શકતા હોય છે.

મને કોઇ નિણાર્યક કે વિવેચક સાથે વાંધો નથી પણ આ વાત એટલા માટે લખું છું, કારણ કે થોડા દિવસો પહેલાં હું એક ગુજરાતી ટી.વી. ચેનલની નવોદિત હાસ્ય કલાકરો માટેની સ્પાર્ધામાં નિણાર્યક તરીકે જઇ આવ્યો છું અને હાસ્યના ક્ષેત્રમાં હું પોતે નવોદિત હોવા છતાં જૂનોદિત હોવાનો સફળતાથી ડોળ કરીને સુખરૂપ ઘરે પહોંચી ગયો છું.

ત્રીજી ઓગસ્ટથી દર અઠવાડિયે એક કલાક સુધી રજૂ થનારા આ કાર્યક્રમમાં તદ્દન નવા કલાકારો, બ્રાન્ડ ન્યુ જૉકસનો ખજાનો લઇને રજૂ થવાના છે. આશરે પાંચસો નવા ચહેરાઓને સાંભળીને પચાસને પસંદ કરવાના હતાં. આ પ્રસંગે થયેલી સાવ સાચી રમૂજૉમાંથી થોડી અહીં ઉતારું છું.

એક કલાકારને રજૂઆત માટે અંદર બોલાવ્યો તો અમારા સૌના આશ્ચર્ય વરચે એ તાજી ખરીદેલી સૂટકેસ ઉઘાડી, મદારી જેમ કરંડિયામાંથી નાગ કાઢે એમ એણે લેંઘો બહાર કાઢયો. ત્યાર પછી ચટ્ટાપટ્ટાવાળી ચડ્ટીનું વિમોચન કર્યું, એ પણ કયારેય પહેરાઇ ન હોય એવી કોરી કટ્ટ હતી.

એવું જ અબોટ ગંજીફરાક, તદ્દન નવો હાથરૂમાલ, આ બધું જૉઇને મારાથી પુછાઇ ગયું કે ભાઇ તમે જૉકસ કહેવા આવ્યા છો કે કપડાં વેચવા આવ્યા છો? ત્યારે એ અખંડ બુદ્ધિશાળી બોલ્યો કે ગયા મહિને ઓડિશન માટે આવ્યો ત્યારે પ્રોડયુસર કહેતા હતા કે કુછ નઇ ચીજે લેકર આઓ.

વડોદરા શહેરના હાથીસાહેબ પાંસઠ વર્ષે હિંમત કરીને નવોદિત હાસ્ય કલાકાર તરીકે રજૂ થયા, તેમણે કહ્યું કે મારાં પત્નીની પિયરની અટક માંકડ છે. મદનિયામાંથી હાથી બનતાં હાથીના બરચાને પણ વરસો લાગે છે જયારે મારી પત્ની એક જ દિવસમાં માંકડમાંથી હાથી બની ગઇ.

એક સ્પર્ધકને મેં કહ્યું કે એક મહિના અગાઉથી ફોન કરીને જણાવ્યું હતું કે તમે તદ્દન નવા ટૂચકાઓ તૈયાર કરીને લાવજૉ છતાં તમે ચવાઇને ચૂંથો થઇ ગયેલી રમૂજૉ અમારા માથામાં શા માટે મારી છે? ત્યારે એ બોલ્યો કે મારા ઉપર ફોન આવ્યા પછી પચીસ દિવસ સુધી મેં એમ જ માન્યું કે કોઇ મિત્રએ મારી મશ્કરી કરી લાગે છે, મારામાં એવું શું છે કે મને ટી.વી.વાળા ફોન કરે? પાંચ દિવસ પહેલાં અજયભાઇનો ફરીથી ફોન આવ્યો ત્યારે લાગ્યું કે એ લોકોએ મારામાં વિશ્વાસ મૂકવાની ખરેખર ભૂલ કરી લાગે છે, પાંચ દિવસમાં નવા જૉકસ તૈયાર થાય નહીં એટલે તમે જાણીતા કલાકારો વરસોથી જે એકના એક વાસી જૉક ફટકારો છો એ ગોખીને લાવ્યો છું. એક કલાકારે કહ્યું કે હું ઓડિશન માટે નીકળતો હતો અને મારી પત્ની ઇન્સ્યુરન્સની ફાઇલો ખોલીને પોલિસીઓ જૉતી હતી, મેં કહ્યું કે મને શુભેરછા આપવાને બદલે પોલિસીઓ શા માટે ઉથલાવે છે? ત્યારે બોલી કે તમે રથયાત્રાના દિવસે અમદાવાદ જાવ છો એટલે.

એક એપિસોડના અંતમાં નિણાર્યક તરીકે પ્રતિભાવ આપતા મેં રમૂજ કરી કે મારા દીકરાએ મને પૂછ્યું કે પપ્પા, કળિયુગ આવી ગયો છે એનું પ્રમાણ શું? ત્યારે મેં જવાબ આપ્યો કે હાસ્ય કલાકારોની સ્પર્ધામાં જગદીશ ત્રિવેદી નિણાર્યક હોય એનાથી મોટં પ્રમાણ કયું હોઇ શકે? કોઇ પણ ક્ષેત્રમાં જનતાથી મોટો કોઇ જજ નથી, જનતાથી મોટો જજ પણ છે, પરંતુ એ ત્રિવેદી જગદીશ નથી પણ ભગવાન જગદીશ છે.

– જગદીશ ત્રિવેદી  (દિવ્ય ભાસ્કર)

લક્ષ્મી રમવા નીકળી છે

એક દિવસ હું એક સિગ્નલ ઉપર લાલમાંથી લીલી લાઈટ થાય એની રાહમાં ઉભો હતો. એમાં એક ભિક્ષુકે આવીને કહ્યું કે પાંચ રૂપિયા આપો, મેં તરત જ ખિસ્સામાંથી પાંચની નોટ બહાર કાઢી. હું જમણા હાથે પાંચ રૂપિયાનું દાન કરી રહ્યો હતો ત્યારે મારો ડાબો હાથ મારી ઇરછા વિરુદ્ધ આગળ વધીને પોતાના ભાઇને રોકવા માગતો હતો. મારો ડાબો મારા જમણાને પકડી પાડે એ પહેલાં મેં ઉતાવળ કરીને પાંચ રૂપિયા પેલા ભિખારીને આપી દીધા.

એ સમયે દેવો કોઇ અગત્યના કામમાં વ્યસ્ત હશે એટલે એમણે આકાશમાંથી મારા ઉપર પુષ્પવૃષ્ટિ ન કરી બાકી સદરહુ દાન મારા હાથે થયેલું મોટામાં મોટું દાન હતું. હું પેલાને પાંચ રૂપિયા આપું પછી જ સળગવાની હોય એમ ગ્રીનલાઇટ તરત જ સળગી ઠી. હું રવાના થયો, ઘડીક તો મને એમ થયું કે હું દાનેશ્વરી કર્ણ છું અને મારી સાથે પોતપોતાનાં વાહનોમાં આવે છે એ મારી રૈયત છે.

આગળના ચાર રસ્તા ઉપર પણ સિગ્નલ બંધ હતું. મેં બ્રેક મારી. ત્યાં બીજૉ એક ભિખારી દોડતો મારી પાસે આવ્યો અને બોલ્યો કે મને પણ પાંચ રૂપિયા આપો. આ સાંભળીને હું વિચારમાં પડી ગયો. મેં ભિખારીને કહ્યું કે આજે ભલે બરબાદ થઇ જવું પડે છતાં તને પણ પાંચ રૂપિયા આપવા છે, પરંતુ મને પહેલા એ કહે કે તને ખબર કેમ પડી કે આ અગાઉના સિગ્નલ ઉપર મેં કોઇને પાંચ રૂપિયા જેવી માતબર રકમનું ડોનેશન આપ્યું છે? ત્યારે ભિખારી બોલ્યો કે એનો મારા ઉપર મોબાઇલ આવ્યો છે.

રસ્તા પરથી મારો કલમકેમેરો હવે રમતના મેદાન ઉપર જાય છે. મોહાલી શહેરના પંજાબ ક્રિકેટ એસોસિયેશન મેદાન ઉપર મુંબઇ ઇન્ડિયન્સ અને કિંગ્ઝ ઇલેવન પંજાબની ટીમ વરચે મેચ રમાઇ રહી છે. ઝાકમઝોળ રોશનીમાં ચિયર્સગલ્ર્સ નાચી રહી છે. આ છોકરીઓનાં કપડાં ઉપરથી લાગે છે કે મોંઘવારી ભરડો લઇ ગઇ છે. ઉધોગપતિઓ અને હીરો-હિરોઇન બધાં ક્રિકેટના ‘ક’ની ખબર પડતી નથી છતાં તાલીઓ વગાડે છે. અંતે મેચ પૂરી થાય છે. હરભજન પોતાના સાથી ખેલાડી શ્રીસંતને હરીફ ગણીને ત્રણ કરોડના ખર્ચે થપ્પડ મારે છે.

અહીંથી આપણે હવે હોસ્પિટલમાં જવાનું છે જયાં એક બાપ એની દીકરીને લઇને આવ્યો છે. એની ફરિયાદ એવી છે કે દીકરી વધતી નથી. દાકતરે કેસપેપર ઉપર પેશન્ટનું નામ વાંરયું તો માનવતા હતું. અનુભવી તબીબે તરત જ કહ્યું કે તમારી દીકરીને દવાની જરૂર નથી માત્ર નામ બદલી નાખો.

અત્યારે વિશ્વમાં જે હવા ચાલે છે એ જોતા માનવતાનો વિકાસ થવાની શકયતા ઘણી ઓછી છે. તમે રાશિ બદલવા ન માગતા હોય તો તમારી દીકરીનું નામ માયા, મમતા, મનીષા કંઇ પણ રાખી શકો છો. અત્યારે માયા વધશે, મમતા વધશે, મનીષા વધશે પણ માનવતા વધવાની નથી. તમારે તમારી દીકરીનો સુમો પહેલવાન જેવો વિકાસ કરવો હોય તો એનું નામ મોંઘવારી રાખો, દિવસે બે ગણી રાતે ચાર ગણી વધશે.

ઉપરની ત્રણ ઘટના આજે એટલા માટે યાદ આવી કારણ કે રાજય સરકાર દેખાવો કરીને કહે છે કે મોંઘવારી માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે, અને જયોર્જ બુશ તો એમ કહે છે કે વિશ્વમાં અનાજની તંગી માટે હિન્દુસ્તાન જવાબદાર છે. જયારે હકીકત એવી છે કે વિશ્વમાં ગતા કુલ ઘઉંના ત્રીજા ભાગના ઘઉં એકલો હિન્દુસ્તાન ઉગાડે છે.

અમેરિકાના વિદેશપ્રધાનની અટક રાઇસ હોવા છતાં એમને કદાચ ખબર નથી કે આખી દુનિયામાં થતા રાઇસના કુલ ઉત્પાદનના ચોથા ભાગના ચોખા માત્ર ભારતમાં પાકે છે. ભારત અનાજની આયાત કરતો નથી પણ નિકાસ કરે છે અને તમારા અમેરિકામાં કપડાંમાં પણ સમાતા નથી એવા અદોદરા અમેરિકનો ખાય છે એનાથી વધુ તો ફેંકી દે છે, અને અમેરિકનોએ બગાડ કરેલા અનાજમાંથી એક આખો દેશ ધરાઇ જાય તેમ છે.

જે દેશના ભિખારી પાસે સેલફોન ખરીદવાના રૂપિયા હોય, મહેન્દ્રસિંઘ ધોનીને એક જ ટુર્નામેન્ટમાં યથાશકિત રમવાના છ કરોડ રૂપિયા મળવાના હોય, જે ટુર્નામેન્ટમાં અર્ધનગ્ન નૃત્ય માટે યુવતીને નેવું લાખ રૂપિયા મળવાના હોય, એ દેશને હવે સંસ્કાર અને સાદગીનો દેશ કહેવાની ભૂલ કરશો નહીં.

આપણા વિનુ માંકડ, પોલી ઉમરીગર, વિજય મર્ચન્ટ, સી.કે.નાયડુ કે બાપુ નાડકણa જેવા અસંખ્ય ક્રિકેટરો શિસ્ત અને રાષ્ટ્રપ્રેમથી આખી જિંદગી રમ્યા અને જે રકમ ન મળી તે અત્યારના જાહેરાતિયા, નખરાંબાજ અને ક્રોધી ક્રિકેટરોને એક જ મેચમાં મળી જાય છે, અત્યારે આઇ.પી.એલ.માં ક્રિકેટરો રમતા નથી પણ ધનિકોની લક્ષ્મી રમવા નીકળી છે.

(દિવ્ય ભાસ્કર)