Archive

Archive for May 1, 2010

હામ હારી ના જઇશ મર્દાનગીના સમ તને, ઘોર અંધારાએ દીધા રોશનીના સમ તને.

જુવાનસિંહ બાપુની તબિયત આજે મોળી હતી. શરીરમાં કળતર હતું અને દિલમાં બળતર. સવારથી માથુંયે ભારે લાગતું હતું. બાપુએ ચાકર દોડાવ્યો, ‘જા, ભગા વાળંદને બોલાવી આવ. કે’જે કે બાપુના માથે તેલમાલિશ કરવા બરક્યો છે.’

ભગો એટલે બાપુનો ખાસમખાસ માણસ. ભીતરના ભેદુનો જાણતલ. પણ આમ પાછો અળવીતળો ભારે. જાત-જાતના તેલની શીશીઓ લઇને ઊભા પગે આવી પૂગ્યો, ‘બાપુ! આ શું કે’વાય? તમનેય વળી માથાં દુ:ખે?!’

‘કેમ, બાપુના માથા ખાલીખમ્ હોય? છાનોમાનો માલિશ કરવા માંડ, નહીંતર તારું માથું ખડી જાશે!’ ભગાએ રજવાડી માલિશ શરૂ કરી દીધી.

ત્યાં ફોન રણક્યો. ભગો બોલ્યો, ‘બાપુ, ફોન…’ બાપુએ છાશિયુ કર્યું, ‘હું બીમાર છું, બહેરો નથી. ઘંટડી વાગે છે એ મને પણ સંભળાય છે. જા, તું જ વાત કરી લે!’ ભગો વાત કરીને પાછો વળ્યો, ‘બાપુ, જોરુભાનો ફોન હતો. આજે સાંજે આખેટ ઉપર નીકળવાના છે.

તમનેય તૈયાર રહેવાનું કહેવડાવ્યું છે.’ ‘જોરુભા! આખેટ! હં..! સાથે બીજું કોણ કોણ જવાનું છે એ પૂછ્યું કે નહીં?’ ‘પૂછ્યું ને, બાપુ. જોરુભાની સાથે તમારા હંધાય ભેરુઓ પણ જોડાવાના છે, લખુભા, તખુભા, કાળુભા, મૂળુભા અને મેરૂભા બાપુયે ખરા.’

‘આખેટ! આખેટ! આજે ક્યાં મારામાં તાકાત છે આખેટ પર નીકળવાની? સાંજે એ બધાં આપણી ડહેલીએ આવે ત્યારે ના પાડી દેજે. કે’જે બાપુને આજે સુસ્તી જેવું લાગે છે.’ જુવાનસિંહે આટલું બોલીને બગાસુ ખાધું. જાણે કે વાક્યની પાછળ પૂર્ણવિરામ મૂક્યું!

‘હેં બાપુ, આ આખેટ એટલે શું?’ ‘શિકાર. અખેટ એટલે શિકાર. આ જુવાનસંગે જુવાનીમાં બહુ શિકાર કર્યા. એ વખતે તો ગરાસ હતો. ભાયાતોની સાથે ઘોડે ચડીને જંગલ તરફ નીકળી પડતા.

નદી કે ઝરણા પાસેના ઝાડ ઉપર પહેલેથી માંચડો બંધાવી રાખ્યો હોય. અડધી-અડધી રાત સુધી જાગીને વાટ જોઇએ. ક્યારેક વાઘ કે ચિત્તા જેવું મોટું પ્રાણી હાથમાં આવે, તો ક્યારેક સસલા-હરણાંથી પણ મન મનાવી લેવું પડે.

પછી બીજે દિવસે શિકાર રાંધીને, શરાબની મહેફિલ જમાવીને પાછા ઘરભેગા!’

‘બસ, બાપુ? કબાબ અને શરાબમાં જ બધું આવી ગયું? સાથે બીજી ખાસ રંગત ખરી કે નહીં?’ ભગાના હાથ વાળમાં ફરતાં અટકી ગયા.

‘ભગલા, તારી જીભની ગતિ ધીમી કર ને હાથની ગતિ ચાલુ રાખ અને તું તો બધુંય જાણે છે. રજવાડાંમાં આવી વાતની નવાઇ ન હોય. પણ હવે એ બધું આથમી ગયું, ભગલા. હવે તો ઠકરાણાંયે મરી ગયાં ને પેલાં લાલ-લીલાં લૂગડાંયે હાથમાંથી સરકી ગયા.

આ કળતર એનું જ લાગે છે મને તો.’ ‘બાપુ.’ ભગલો બાપુના માથા પાસે તો હતો જ, હવે એ બાપુના કાન પાસે સરક્યો. અવાજની સપાટી સાવ ધીમી કરી દીધી. પછી મુદ્દાની વાત ઊખેળી, ‘બાપુ, પેલી રંગપુરવાળી છેલછબીલીનું શું થયું?’

બાપુએ પહાડ જેવડો નિ:સાસો નાખ્યો, ‘પેલી રૂપલી ને? સરપંચના દીકરાની પરણેતર ને? એ મારી દાઢમાં છે, પણ હાથમાં નથી આવતી. ચિઠ્ઠી ઉપર ચિઠ્ઠી મોકલાવી, પણ જવાબ નથી આવતો. ભગા, માલિશ ચાલુ રાખ નહીંતર તારી આજે ખેર નથી.’

બાપુની હાલત અફીણ વગરના બંધાણી જેવી થઇ ગઇ હતી. ભગાને એક બાજુ હસવું આવતું હતું ને એક બાજુ દયા આવતી હતી અને મનમાં જિજ્ઞાસાનો ઉદર ઘૂમરીઓ ખાતો હતો.

છેવટે એણે પૂછી જ નાખ્યું, ‘બાપુ, કૈંક વાત તો કરો. તમે એ રૂપલીને પહેલવહેલાં ક્યાં મળ્યા, ક્યારે મળ્યા, એની સાથે શું વાત થઇ એ તો જણાવો.’ ‘એનાથી આ માથું દુ:ખતું મટી જશે?’ ‘ના, પણ આ દિલનું બળતર ઓછું થઇ જશે… કદાચ. મનનો ભાર મારી પાસે નહીં ઠાલવો તો બીજા કોની આગળ ખાલી કરશો, બાપુ? તમારા ભાયાતો આગળ?’

‘ના, હો, ભગલા! જોજે એમના સુધી આ વાત ન પહોંચવી જોવે. નહીંતર આ જોરુભા ને મૂળુભાને તખુભા-લખુભા મારી પહેલાં રૂપલીની પાસે પહોંચી જાશે.’

‘તમતમારે બેફિકર રહો, બાપુ. આ ભગલો ન બોલવા જેવું હોય ત્યારે મૂંગો બની જાય છે, તમને ક્યાં ખબર નથી.’ ‘ઇ સંધુયે સાચું, પણ હાલ પૂરતો તું મૂંગાની સાથે-સાથે બે’રો પણ બની જા, ભગલા! આ રૂપલીવાળી વાતમાં તારે પડવા જેવું નથી.’

‘કેમ, બાપુ? અમે હાંભળવામાંથીયે ગ્યા?’ ‘તારી વાત છોડ, રઘલા, આ કામમાંથી તો હવે અમેય પરવારી ગયેલા છીએ. ભગલો માથાના વાળમાં ટપલીઓ મારતો, ટાચકા ફોડતો, કરામત આંગળીઓનો કસબ દેખાડતો માલિશ કરી રહ્યો.

સાથે સાથે બાપુનું નિરીક્ષણ પણ કરતો રહ્યો. લથડી ગયેલું શરીર, ઢળી ગયેલા ખભા, શિથિલ ત્વચા, ઝાંખપ વળી ગયેલી આંખો, શ્યામ રંગ પકડતો જતો નિસ્તેજ ચહેરો અને ખરવાની વાટ જોઇને બેઠેલા સફેદ, પાંખા કેશ.

ભગલાને લાગ્યું કે બાપુની વાત સાચી છે, જુવાનીની વસંત વિદાય લઇ ચૂકી છે અને અવસ્થાની પાનખર બેસી ગઇ છે. ‘બાપુ, તમારા હાથ-પગ સાવ બગડી ગયા છે, ઝાડની તૂટેલી ડાળીની જેમ. તમે હા પાડો તો ચંપી કરી આપું.’

‘રે’વા દે, ભગલા! ચંપીનું જોખમ લેવા જેવું નથી. તારાથી ક્યાંક જરાક વધુ ભાર દેવાઇ ગયો, તો મારો તો હાથ-પગ ખડી જાશે. હવે તો બસ મને શાંતિથી પડયો રે’વા દે!’

પણ ભગલો બાપુને ચાહતો હતો. જુવાનસિંહ બાપુને મૂડમાં લાવવા માટે એ ગમે તે કામ કરવા તૈયાર હતો. ‘બાપુ, જૂની ફિલ્લમના ગીત હાંભળવા છે? આપણી પાસે જૂનું થાળીવાજુયે છે, ને મોટા કુંવર શહેરમાંથી આપી ગ્યા છે ઇ ‘ટેપ’ પણ છે.’

બાપુ ખીજવાયા, ‘ભગલા, તું મારો પીછો ક્યારે છોડીશ? તને એક વાર કીધું ને કે જીવનમાંથી રોનક જ સમૂળગી ચાલી ગઇ છે. જો મનમાં રંગત ન હોય તો કાનમાં સંગીત રેડવાથી શું મળવાનું હતું?! આ તારા હાથની માલિશથી જે થોડું-ઘણું માથું હલકું પડ્યું છે, એ પાછું રાગડા સાંભળી-સાંભળીને દુખવા માંડશે.’

ભગલાને ખાતરી થઇ ગઇ કે જુવાનસિંહ બાપુના મન ઉપર સાચે જ હવે ઘડપણનો રંગ ચડી ચૂકયો છે. અત્યાર સુધી જે ગીતો હતા એ હવે રાગડા બની ગયા! ભગલો મૂંગે મોંઢે બાપુને માલિશ કરતો રહ્યો. બાપુની આંખો મળી ગઇ.

‘વાહ રે, જિંદગી! તું પણ કેવા-કેવા રંગ દેખાડે છે? બાકી બાપુ કંઇ એંશી-નેવું વરહના થોડા થયા છે? બહુ-બહુ તો સાઠ-પાંસઠના હશે. પણ મન જુઓ તો નેવુંને આંબી ગ્યું છે?’ ભગો વિચારી રહ્યો. ત્યાં શેરીમાંથી ચાર-પાંચ છોકરાઓ આવીને નાના કુંવરને ખેંચી ગયા, ‘અમારી સાથે રમવા માટે આવો ને!’

કુંવર દોડી ગયા. બપોરે બે વાગ્યે બાપુએ બે કોળિયા ખાધા ન ખાધા ત્યાં તો પેટ ભરાઇ ગયું, ‘ભગલા, ભૂખ તો ઘણી લાગે છે, પણ કોળિયો ચવાતો નથી. દાંત હલબલે છે અને પાચન પણ થવું જોઇએ ને! આ બધું વ્યસનોનું પરિણામ છે, ભગા!’

જુવાનસિંહ જમ્યા પછી ઝોલે ચડી ગયા. નમતી બપોરે ભેરુબંધોને ભાયાતો આવી ચડ્યા. હાકલા-પડકારા કરવા માંડ્યા, ‘જુવાનસંગ, તૈયાર છો ને!’ બાપુએ ના કે’વડાવી દીધી. મૂળુભાએ આગ્રહ કર્યો, ‘એમાં થાક શેનો લાગે?

પગે હાલીને શિકાર કરવા નથી જવાનું? જીપ લઇને નીકળ્યા છીએ.’ પણ બાપુની ના એટલે ના, ‘કહી દે, ભગલા, કે હવે અમારો જમાનો પૂરો થઇ ગ્યો. હવે જો અમે શિકાર કરવા નીકળીએ તો માંચડા ઉપરથી હેઠે પડીએ. વાઘ અમારો શિકાર કરી નાખે. તમતમારે સિધાવો. જે માતાજી!’

સાંજ ઢળી. અવની માથે અંધારાં પથરાવા માંડયા. નાના કુંવરને ભણાવવા માટે માસ્તર આવ્યા. કુંવર નવમા ધોરણમાં ભણતા હતા, પણ સંસ્કૃત એની જીભે ચડતું નહોતું. માસ્તર ધીરજ ધારીને એમને શિખવતા હતા, ‘કુંવર, આજે શું ભણવું છે?’

‘માસ્તર, આ શ્લોક સમજાતો નથી. એને બોલવાની તો મજા પડે છે, પણ અર્થ સમજાતો નથી.’ કહીને કુંવર ગાવા માંડ્યા : ‘અંગમ્ ગલિતમ્ પલિતમ્ મુંડમ્ દશન વિહિનમ્ જાતમ્ તુંડમ્…’

ભગલો કાન માંડીને સાંભળી રહ્યો. માસ્તરે સમજાવવાનું શરૂ કર્યું, ‘કુંવર, આ શ્લોકમાં તો મનુષ્યની લાલસાની આબેહૂબ વાત કરેલી છે : શરીર ગળી ગયું છે, માથાના વાળ ખરી ગયા છે, જેના મુખમાં એક પણ દાંત બચ્યો નથી, એવો એક વૃદ્ધ માણસ હાથમાં લાકડી ગ્રહીને ચાલી રહ્યો છે છતાં પણ આશા નામની ચીજને એ છોડી શકતો નથી.’

માસ્તર બોલવાનું પૂરું કરે એ પહેલાં ટેલિફોને ચીસ પાડવાનું ચાલુ કર્યું.

ભગલો દોડયો રિસીવર ઉઠાવ્યું. જઇને બાપુને પકડાવી દીધું, ‘બાપુ! લ્યો વાત કરો, તમારો ફોન છે. કોઇ બાઇ માણહ બોલે છે.’

બાપુ મડદાલની જેમ સળવળ્યા. રિસીવર ઝાલ્યું. બોલ્યા, ‘કોણ? પછી ‘હેં?! રૂપલી?’ કહેતાંમાં તો જાણે વીજળીનો ઝટકો લાગ્યો હોય એમ ઊછળી પડ્યા. ખાટલામાં બેઠા થઇ ગયા,

‘એમ? આજે મેળ પડે એવો છે? સાચું કે’ છે? તારો ધણી ને સસરો બેય ગામતરે ગ્યા છે? અરે, અવાશે ને? કેમ નો’ અવાય? રાતે અંધારું થાય ને ગામ આખું જંપી જાય એટલે હું પૂગ્યો સમજ. પાછલું બારણું ખાલી અડકાવેલું રાખજે. ના રે ના, એમ કંઇ થોડાં ઘરડા થઇ ગ્યા છીએ? આવું છું એટલે આવું જ છું.’

બાપુ ઠેકડો મારીને ઊભા થઇ ગયા. નહાઇ-ધોઇને નવાં કપડાં પહેરીને તૈયાર થવામાં પૂરા બે કલાક બગાડી દીધા. પછી ભગવાન ઘોડી પર સવાર થયા.

ભગવાનને સૂચના આપી, ‘ભગા, આજે રાતવાસો અહીં જ કરજે. હું સવારનો સૂરજ ઊગે ઇ પે’લા પાછો આવી જઇશ. કુંવરનું ઘ્યાન રાખજે.’ જુવાનસિંહ બાપુને જાણે જુવાનીની પાંખો ફૂટી હતી!

ખેપટ ઊડાડતી ઘોડી બાપુને લઇને અંધારામાં ઓગળી ગઇ. ભગલો બબડી રહ્યો, ‘આ પણ એક જાતનો શિકાર જ છે ને! પુરુષને ક્યારેય થાક ન લાગે એવો શિકાર. પેલા માસ્તર ભણાવતા હતા એ શ્લોકમાં આશાની જગ્યાએ ઔરતજાત શબ્દ મૂકી દેવા જેવો છે. શ્લોક વધારે સાચો બની જશે.’

(શીર્ષક પંકિત : ખલીલ ધનતેજવી)

(http://gujaratiliterature.wordpress.com/ માંથી)

Advertisements

લે લખ્યો આખોય આ અવતાર તારા નામ પર, દેશ તારો ને લખી સરકાર તારા નામ પર

બાવીસ વર્ષની બ્યુટીફુલ બૌછાર બેલાણીએ જેવો પ્રતીક્ષાકક્ષમાં પગ મૂક્યો એવી જ એ છવાઇ ગઇ. ઊચી સપ્રમાણ મોહક કાયાને મરુન કલરના ફ્રોકમાં ઢાંકતી, માથા પરનાં ખુલ્લા રેશમી વાળને ઝટકાવતી, છટાદાર ચાલે ચાલતી એ સીધી રિસેપ્શન-કાઉન્ટર પાસે જઇ પહોંચી, ‘ગુડ મોર્નિંગ! આઇ એમ મિસ બૌછાર. હું ઇન્ટરવ્યૂ આપવા માટે આવી છું. હીયર ઇઝ માય કોલ-લેટર.’

રિસેપ્શન ગર્લ જુલી પોતે સુંદર હોવા છતાં બૌછારનાં અનુપમ વ્યક્તિત્વથી આભી બની ગઇ. અવશપણે પૂછી બેઠી, ‘કમીંગ ફ્રોમ હેવન?’

‘ઓહ યા!’ બૌછારે ગરદનને નમણો ઝટકો મારીને જવાબ આપ્યો. ખંડમાં બીજા યુવાનો અને યુવતીઓ પણ ઇન્ટરવ્યૂ માટે આવેલા હતા. એ લોકો તો આ અપ્સરાનો આત્મવિશ્વાસ જોઇને ડઘાઇ જ ગયા. કોઇ રૂપસુંદરી સરેઆમ જાહેર કરી શકે ખરી કે પોતે ધરતી પરથી નહીં પણ સ્વર્ગલોકમાંથી આવી રહી છે?!

પણ બૌછારનું વાક્ય અધૂરું હતું, જે એણે પાગલ કરી મૂકે તેવી અદામાં પૂરું કર્યું, ‘યસ, આઇ એમ ફ્રોમ હેવન. મારા ઘરનું સરનામું છે : હેવન સોસાયટી, ટેનામેન્ટ નંબર દસ, પેરેડાઇઝ પાર્કની બાજુમાં. બાય ધ વે, વ્હોટ ડુ આઇ ડુ નાઉ?’

જુલી વશીકરણમાંથી માંડ-માંડ બહાર નીકળી, ‘પ્લીઝ, તમારે થોડી વાર માટે પ્રતીક્ષા કરવી પડશે. ઇન્ટરવ્યૂ હવે શરૂ થવામાં જ છે. તમારી પહેલાં પાંચ વત્તા ચાર એમ કુલ નવ ઉમેદવારો છે. પણ અમારા બોસ ઇન્ટરવ્યૂ લેવામાં બહુ ઝડપી છે. હી ઇઝ યંગ, હી ઇઝ હેન્ડસમ એન્ડ હી ઇઝ સ્માર્ટ, યુ નો? તમે ત્યાં સોફામાં બેસો. બોસ હવે આવતા જ હશે.’

બૌછારે વિશાળ ખંડમાં ત્રણેય દીવાલોને અડીને ગોઠવાયેલા સોફાઓમાંથી એક ખાલી સ્થાન બેસવા માટે પસંદ કર્યું. એનાં આગમન સાથે જ બાકીની પાંચ યુવતીઓ ઝાંખી પડી ગઇ. દરેકના મનમાં આ જ વાત ઊગી, ‘ચાલો ત્યારે! આ નોકરી તો આપણા હાથમાંથી ગઇ એમ જ સમજવું.’

પણ સામેના સોફામાં બેઠેલા ચારેય યુવાનો આ સૌંદર્યના બગીચાને જોઇને ખીલી ઊઠ્યા. એક યુવાને તો પડખેવાળાને કોણી મારીને પૂછી પણ લીધું, ‘શું કરવું છે? હવે ઇન્ટરવ્યૂ આપવાનો કોઇ અર્થ રહેતો નથી. જે બોસ અંધ હોય કે મંદબુદ્ધિવાળો હોય એ જ આને નોકરીમાં ન રાખે. આપણે બેસવું છે કે પછી ચાલ્યા જવું છે?’

બાકીના ત્રણેય ‘સંસ્કારી’ અને ‘સંયમી’ યુવાનોનો મત એક સરખો જ પડ્યો, ‘નોકરી ગઇ ચૂલામાં. ઇન્ટરવ્યૂ પતે નહીં ત્યાં સુધી મેદાન છોડવા જેવું નથી. આવું નયનસુખ અત્યાર સુધીની જિંદગીમાં ક્યારેય માણવા મળ્યું નથી. નોકરી ખોવાના દુ:ખ કરતાં આ નોકરી જોવાનું સુખ હજારગણું અધિક છે. માટે હવે તો અઠ્ઠે દ્વારકા. મેદાન છોડે એ મરદ નહીં.’

ઘડિયાળનો કાંટો માંડ પાંચ મિનિટ જેટલું ચાલ્યો હશે ત્યાં એક સૂટેડ-બૂટેડ સોહામણા યુવાને ઓરડામાં પ્રવેશ કર્યો. એને જોતાં જ જુલી ઊભી થઇ ગઇ, ‘ગુડ મોર્નિંગ સર!’

‘વેરી ફાઇન મોર્નિંગ, જુલી!’

આટલું બોલીને એ યુવાને સામેની બાજુએ આવેલું બારણું ખોલ્યું અને એની ઓફિસમાં ચાલ્યો ગયો. ઇન્ટરવ્યૂ માટે આવેલા તમામ ઉમેદવારો સમજી ગયા કે એ જ હેન્ડસમ યુવાન આ કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર હોવો જોઇએ. એ સિવાય આવી નવયુવાન વયે એના ચાલવામાં આટલી ચપળતા ન હોઇ શકે, ચહેરા ઉપર આટલો આત્મવિશ્વાસ ન હોઇ શકે અને બોલવામાં આવી ઓથોરિટી ન હોઇ શકે.

તો પણ એક બુદ્ધુએ બાફી માર્યું, ‘આ ભાઇ પણ ઇન્ટરવ્યૂ આપવા માટે આવ્યા છે? એ છેલ્લે આવ્યા તો પછી સૌથી પહેલા કેમ અંદર ઘૂસી ગયા?’

જુલી હસવું ખાળી ન શકી, ‘એ અમારા બોસ છે. એમનું નામ ભાઇ નથી પણ મિ.એમ.કે.શ્રોફ છે. એ ઇન્ટરવ્યૂ આપવા નહીં પણ લેવા માટે પધાર્યા છે.’

એમ.કે.શ્રોફ?! બોસનું નામ કાને પડતાં જ સોફામાં બેઠેલી બૌછાર ચમકી ગઇ. આ નામ તો એણે બહુ સાંભળેલું છે. એટલી બધી વાર અને એટલા બધા સંદર્ભમાં સાંભળ્યું છે કે ‘ક્યાં સાંભળ્યું છે?’ એવો સવાલ પૂછવાની પણ જરૂર ન પડે.

બૌછારનાં દિમાગમાં ખળભળાટ વ્યાપી ગયો, ‘એમ.કે.શ્રોફ. આ શહેરનો સૌથી મોટો ચારિત્ર્યહીન પુરુષ. લંપટતાનો મૂર્તિમંત દાખલો. મારી સગી મોટી બહેન બગિયનની જિંદગી તબાહ કરી દેનારો બદમાશ.’ બૌછારની આંખો સામે બહેનની બરબાદી ફિલ્મની પટ્ટીની જેમ ફરવા માંડી.

…..

‘હાય! તમારું નામ બગિયન છે?’

‘હા, પણ તમે..?’

‘મારી વાત પછી. પહેલાં તમને કોમ્પ્લીમેન્ટ્સ આપી લેવા દો! બગિયન! વાહ, શું નામ છે? હું ક્યારનો અહીં ઊભો-ઊભો વિચાર કરતો હતો કે આ સુગંધ કઇ દિશામાંથી આવી રહી છે? બગીચો કેમ દેખાતો નથી? પણ હવે ખબર પડી.’

‘શું?’

‘કે બગીચો ક્યારેક એક ફૂલનો બનેલો પણ હોઇ શકે છે. અને ખુશ્બૂ માત્ર ફૂલોમાં જ નથી હોતી, સાધંત સુંદર સ્ત્રીનાં શરીરમાં પણ સુગંધનો દરિયો લહેરાતો હોય છે.’

કોલેજનું પ્રથમ અઠવાડિયું અને ઉપરનો સંવાદ. બગિયન એનાં મામાના ઘરે અમદાવાદમાં કોલેજ કરવા આવી હતી. ત્યાં એને બગીચાનો આશક મળી ગયો. પછી ખબર પડી કે એ પણ એનાં જ શહેરમાંથી અહીં આવેલ હતો. મુરાદ શ્રોફ એનું નામ.

મુરાદ દેખાવમાં સોહામણો હતો અને અંદરથી કદરૂપો. દિલથી તરબતર હતો અને દિમાગથી ગટર જેવો ગંદો. એને ત્રણ ચીજોનો ઉપયોગ કરીને ફેંકી દેવાની આદત હતી : કપડાં, જૂતા અને સ્ત્રી.

બગિયન ભોળી હતી. એને આ ભમરાનો ભોગ બનતાં વાર ન લાગી. હજુ તો કોલેજનું પ્રથમ જ વર્ષ હતું. સત્તર વર્ષની કાચી કુંવારી કબુતરી ઘોઘર બિલાડાના હાથે પીંખાઇ ગઇ. પરીક્ષા આડે એક મહિનાની વાર હતી ત્યારે એને ગર્ભ રહી ગયો.

‘મુરાદ, હવે શું થશે? મારા પપ્પા મને મારી નાખશે. ચાલ, આપણે પરણી જઇએ.’ બગિયને એકાંતમાં રડતાં-રડતાં કહ્યું.

મુરાદે હસતાં-હસતાં જવાબ આપ્યો, ‘ડરે છે શા માટે? તારા પપ્પા તને મારી નાખે એની પહેલાં આપણે આ ગર્ભને…’

મુરાદે ગર્ભને મરાવી નાખ્યો. ડોકટરને ત્યાં જઇને એબોર્શન કરાવી લીધું. બીજા વર્ષે બગિયન ફરી વાર ગર્ભવતી બની. ફરીથી ગર્ભપાત. ત્રીજી વાર જ્યારે આવું બન્યું ત્યારે બંને જણાં ત્રીજા અને છેલ્લા વર્ષમાં ભણતા હતા.

આ વખતે બગિયને જીદ પકડી, ‘મુરાદ, હવે તો આપણી કોલેજ પૂરી થવામાં છે. મને બીજો જ મહિનો ચાલે છે. પરીક્ષા પછી આપણે લગ્ન કરી લઇએ તો આ બાળક જીવી જાય. વારંવારની ભૃણહત્યાઓ હું સહી નથી શકતી.’

‘તો ચાલુ રાખ! મારે શું?’ મુરાદ ખભા ઉલાળીને હસી પડ્યો.

બગિયન એનું આ સ્વરૂપ પહેલી વાર જોઇ રહી હતી. એનાં હૃદયની ચોટ સવાલ બનીને એની જીભ ઉપર આવી ગઇ, ‘કેમ? તારે શું એટલે તું કહેવા શું માગે છે?’

‘એ જ કે હું કંઇ તારાં જેવી મૂર્ખ છોકરીને મારી પત્ની બનાવું?’

‘તો આ બધું શું હતું? છેલ્લા ત્રણ-ત્રણ વર્ષથી તું મને..?’

‘એ નાટક હતું. તારાં રૂપને ભોગવવાનું ત્રિઅંકી નાટક. પ્રેમ એ મારો કીમિયો હતો, લગ્નનું વચન એ મારું શસ્ત્ર હતું અને બેવફાઇ એ મારા નાટકનો અંત છે. એક વાત યાદ રાખજે, પગલી! પુરુષને જે ચીજની અપેક્ષા લગ્ન પછી હોય છે એ ચીજ જો લગ્ન પહેલાં મળી જાય તો પછી એ લગ્ન શા માટે કરે?! હા..! હા..! હા..!’ અને પાંખોની જેમ પગ ફેલાવીને સીટી બજાવતો ભ્રમર અલોપ થઇ ગયો.

મુરાદે જે કરવું હતું એ કરી નાખ્યું, પછી બગિયને પણ કરવા જેવું કરી લીધું. શહેરના પ્રખ્યાત તળાવમાં બીજા દિવસે એની લાશ તરતી હતી. મુરાદના પૈસાના પેપરવેઇટ હેઠળ પોલીસકેસના કાગળો દબાઇ ગયા. બૌછાર અને એનાં પપ્પા અમદાવાદ આવીને બગિયનનો સામાન લઇ ગયા.

બૌછાર ઘણી વાર મોટી બહેનની નોટબુક અને ડાયરીના પૃષ્ઠો ઉથલાવી નાખતી હતી. પાને-પાને એની બરબાદીનું નામ વંચાતું હતું : એમ.કે.શ્રોફ… એમ.કે… શ્રોફ… એમ.કે.શ્રોફ!

…..

બગિયનની બરબાદીનું ચલચિત્ર યાદ આવતાં જ બૌછાર ઉદાસ બની ગઇ. એનાં દિલમાં આક્રોશની આગ ભભૂકી ઊઠી : ‘હે ભગવાન! તારી અદાલતમાં આવો જ ન્યાય મળે છે? એક નિર્દોષ સ્ત્રીને ચિતાની આગ મળે છે અને આ બદમાશને સિંહાસન? નથી જોઇતી આ નોકરી મારે!’

‘મીસ બૌછાર બેલાણી..! સર તમને બોલાવે છે.’ જુલીનું વાક્ય સાંભળીને બૌછાર અટકી ગઇ. બીજા ઉમેદવારો પણ બગાવત ઉપર ઊતરી આવ્યા : ‘અમે આની પહેલાં આવીને બેઠા છીએ. વ્હાય ઇઝ શી ઇન્વાઇટેડ ફર્સ્ટ?’

જુલી હસી પડી, ‘આઇ એમ સોરી. પણ આ બોસનો હુકમ છે. એમણે મીસ બૌછાર બેલાણીને સિલેક્ટ કરી લીધા છે. તમે બધાં ઘરે જઇ શકો છો.’

ટોળામાં જેટલો ઘૂંઘવાટ ઊઠ્યો એના કરતાં વધારે ગુસ્સો બૌછારનાં મનમાં જાગ્યો. એ લાલઘૂમ ચહેરો લઇને ઓફિસ તરફ ધસી ગઇ. બારણું હડસેલીને સીધી જ બોસની સામે ઊભી રહી ગઇ, ‘તમે સમજો છો શું તમારા મનમાં? બહાર વેઇટિંગ રૂમમાંથી પસાર થયા ને મારી ઉપર અછડતી નજર પડી ગઇ એટલામાં ઇન્ટરવ્યૂ લેવાઇ ગયો?

મારી આવડત, મારા સર્ટિફિકેટ્સ..?’ એમ.કે.શ્રોફ એમના સોહામણા ચહેરા પરથી મૌનભર્યું સ્મિત ફરકાવી રહ્યા. બૌછારનો બોંબ મારો ચાલુ જ હતો : ‘મારી બહેન બગિયનની જિંદગી તો બરબાદ કરી નાખી, હજુ મન નથી ભરાયું કે હવે મને લપેટવા માટે..?’

‘શટ અપ! વિલ યુ?’ યુવાન બોસે એને વધુ બોલતાં અટકાવી, ‘મારે ત્રણ જ વાત કરવી છે. એક, તમારી દીદી સાથે થયેલા અન્યાય વિશે હું બધું જાણું છું. બીજું, એ લંપટ માણસ હું નહીં, મારો મોટો ભાઇ મુરાદ હતો. એનું બીજા જ વર્ષે મર્ડર થઇ ગયું.

હું શ્રોફ કંપનીનો એક માત્ર વારસદાર મકસદ શ્રોફ છું. અને ત્રીજી વાત. ઓફિસમાં આવતી વખતે તમારી દિશામાં મેં જોયું પણ નથી. આ તો ઉમેદવારોની યાદીમાં ‘બૌછાર બેલાણી’નું નામ વાંચ્યું એટલે મને રસ પડ્યો. તમારો બાયોડેટા વાંચીને ખાતરી થઇ કે તમે બગિયનની નાની બહેન છો. તમારી દીદીને તો હું ઇન્સાફ અપાવી નથી શક્યો, પણ મને થયું કે તમને ‘જોબ’ આપીને કમ-સે-કમ થોડુંક સાટુ તો વાળી આપું.

બાકી તમારાં સમ, મને તો ખબર પણ ન હતી કે તમે ખૂબસૂરત છો કે કદરૂપા! તમને જોયા વગર જ મેં નોકરીમાં રાખી લેવાનો નિર્ણય લઇ લીધો હતો.’

બૌછારથી પૂછાઇ ગયું, ‘અને હવે મને જોયા પછી એ નિર્ણય બદલાઇ તો નથી ગયો ને?’

‘ના, બદલાઇ નથી ગયો, પણ બેવડાઇ ગયો છે.’ મકસદ લાગણીથી છલકાતાં સ્વરે વાક્ય પૂરું કર્યું, ‘બૌછાર મારી ઓફિસમાં પણ અને મારા ઘરમાં પણ! એકના માટે એપોઇન્ટમેન્ટ લેટર તૈયાર કરાવું છું, બીજા માટે કંકોતરી!’

(શીર્ષક પંક્તિ : આકાશ ઠક્કર)

(http://gujaratiliterature.wordpress.com/ માંથી)

યાદની વણજાર તો વણથંભ છે, યાદ તારી ખાસ છે આજેય પણ

‘સોરી સર, આપ એકલા જ છો. આપને પહાડ ઉપર ચડવાની મંજૂરી નહીં મળી શકે.’

‘કેમ ? એકલો છું તો શું થયું? હું પાંત્રીસ વરસનો છું, પાંચ વરસનો નહીં.’

‘સોરી સર ! નો આર્ગ્યુમેન્ટ્સ. આ જાપાનનો ફેમસ સ્યુસાઈડલ રોક છે. અહીં લોકો આપઘાત કરે છે. નો પરમિશન.’

‘પણ હું આપઘાત કરવા નથી આવ્યો. આપઘાત કરવા માટેનું મારી પાસે કોઈ કારણ પણ નથી.’

‘કારણ તમારી પાસે ભલે નહીં હોય, પણ આ પહાડ પાસે છે. એ વાત તમને ઉપર ગયા વગર નહીં સમજાય. આ ટેકરી ચડયા પછી તમને જે લેન્ડસ્કેપ જોવા મળશે એ એટલો અદભૂત છે કે એ જોઇને લોકો પાગલ બની જાય છે. આ દુન્યવી જંજાળમાં પાછા ફરવાનું કોઈને મન થતું નથી. શિખર ઉપરથી ખીણમાં કૂદી પડે છે. વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં આત્મહત્યાઓ આ જગ્યાએ થયેલી છે. નો પરમિશન. સોરી સર.’

જાપાનનો બટકો કર્મચારી પયટર્ન વિભાગની ટિકિટબારી પાસે બેસીને ભાંગ્યા-તૂટયા અંગ્રેજીમાં બોલ્યે જતો હતો અને ધૈવતનો ગુસ્સો સ્યુસાઈડ (આપઘાત) ને બદલે હોમીસાઈડ (ખૂન) કરી બેસે એ કક્ષાએ પહોંચી રહ્યો હતો. દુનિયાભરના સહેલાણીઓ આ સંવાદ સાંભળીને હસતાં-હસતાં આગળ ધપી રહ્યાં હતાં.

કોઈ યુગલ સ્વરૂપે હતાં, તો કોઈ વળી મોટા સમૂહમાં. ધૈવત અકળાયો. એ તો બિઝનેસ ટૂર માટે એકલો જ અહીં આવ્યો હતો. આ સ્થળનાં વખાણ સાંભળીને અહીં ખેંચાઈ આવ્યો હતો, અને આ જાપાની ઠીંગુજી સાવ વિચિત્ર અને સાવ વાહિયાત કારણ બતાવીને એને અટકાવી રહ્યો હતો.

અચાનક ધૈવત ઊભો હતો એ કતારમાં પાછળથી કોઈનો અવાજ આવ્યો : ‘હું પણ એકલો છું. એ ભાઈ પણ એકલા છે. અમને બંનેને સાથે ગણીને તમે પ્રવેશ આપી શકો. એ આપઘાત કરવા જશે તો હું એમને અટકાવીશ અને મને મરવાની ઇચ્છા થશે તો આ મિત્ર મને સમજાવશે. ઈઝ ધેટ ઓલ રાઈટ ?’

ઠીંગણો જાપાની ગૂંચવાયો. ચૂંચી આંખો બે-ચાર વાર ઉઘાડ બંધ કરી. પછી બે ટિકિટો ફાડી આપી : ‘યુ ઈન્ડિયન્સ આર’ વેરી ક્લેવર ! તમે ઉપર જઈ શકો છો, ધૈવત અને એનો સાથીદાર આગળ વઘ્યા.

‘હું ધૈવત છું, અમદાવાદનો છું. તમે ?’

‘હું સ્તવન દેસાઈ, સુરતનો છું.’

બંને જણા મિત્રો બની ગયા. વાતો કરતાં ટેકરી ચડવા માંડયા. ‘સ્યુસાઈડલ રોક’ એટલે આપઘાતી ટેકરી. પહાડ કરતાં નીચી અને સામાન્ય ટેકરી કરતાં ઘણી ઊંચી. જેમ-જેમ ઉપર ચઢતા જાવ, તેમ નવાં નવાં દ્રશ્યો આંખ સમક્ષ આવતા જાય. દરેક દ્રશ્ય આગળના દ્રશ્ય કરતાં વધારે સુંદર. વિસ્તરતું જતું આકાશ, ગહન થતી ખીણ, ડૂબવાની તૈયારીમાં પડેલો સૂરજ અને અંતરમનમાં છવાતી જતી અસીમ શાંતિ.

ધૈવત અને સ્તવન સૌથી છેલ્લા હતા. એ લોકો શિખર ઉપર પહોંચ્યા, ત્યાં સુધીમાં બીજા પ્રવાસીઓ પરત થઈ રહ્યા હતા. એકાદ-બે યુગલો પ્રેમચેષ્ટામાં મગ્ન હતાં એ પણ આ બેયને જોઈને ઊભાં થઈ ગયાં.

ધૈવતને લાગ્યું કે સ્તવન જરા વધારે પડતો શાંત છે કે પછી વાતોનો વિષય જડતો નહોતો ? એણે શરૂઆત કરી : ‘હું અહીં બિઝનેસ માટે આવ્યો છું. ફરવા માટે પણ ખરો. તમે ?’

સ્તવને થોડીવારની ખામોશી બાદ ધડાકો કર્યો: ‘હું અહીં મરવા માટે આવ્યો છું.’

‘મરવા ?’ ધૈવત ચોંકી ઊંઠયો : ‘મરવા માટે કોઈ આટલા રૂપિયા ખર્ચતું હશે ? સુરત શું ખોટું હતું ?’

સ્તવન ફિક્કું હસ્યો : ‘સુરતનું જમણ વખણાય છે, મરણ નહીં. અને જો મરવું જ હોય, આપઘાત કરીને મરવું હોય તો આ સ્યુસાઈડલ રોકથી વધુ સુંદર જગ્યા બીજે ક્યાં મળવાની હતી?’

આસમાન ગેરુઆ રંગે રંગાઈ ચૂકયું હતું. દૂર નીચેની તળેટીમાં માણસોની ભીડ પાંખી થઈ રહી હતી. સ્તવન છેક ટેકરીની ધાર પાસે જઇને ઊભો રહી ગયો. નીચે ઊંડી ખીણ જાણે એના પડતા શરીરને ઝીલવા માટે તત્પર હોય એવી વિસ્તરેલી હતી.

સ્તવન એક ડગલું આગળ ભરવા ગયો, ત્યાં જ ધૈવતે એનો હાથ ઝાલી લીધો : ‘શરમ નથી આવતી આમ કાયરની જેમ પડતું મેલતાં ? શાની ખોટ છે તારે ? પ્રેમની ? પૈસાની ? પત્ની કે બાળકોની ? મોત એ કોઈ જ સમસ્યાનો ઉકેલ નથી. તારી તકલીફ જણાવ, હું તને રસ્તો બતાવીશ.’

સ્તવન થંભી ગયો. રસ્તો ? શું પોતાની તકલીફનો કોઈ ઉકેલ હોઈ શકે ખરો ? અને જો હોય તો એ આ ધૈવત જેવો સાવ અજાણ્યો માણસ બતાવી શકે ખરો ?

‘તકલીફમાં તો એવું છે ને કે… એ જ પ્રણય-ત્રિકોણનો ત્રીજો ખૂણો જે સદીઓથી લોકોને નડતો આવ્યો છે એ મને પણ નડી રહ્યો છે.’ સ્તવને કટકે-કટકે એના કાળજામાં વાગતા કાંટાની વાત કરી : ‘એનું નામ સુરખી. મારી જિંદગીની ધન્ય ક્ષણે મેં એને પ્રથમ વાર જોઈ.

પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય એ પ્રશ્નનો જવાબ સુરખીના દર્શને સ્પષ્ટ કરી આપ્યો. એણે પણ મને થોડો-ઘણો પ્રતિભાવ આપવાનું શરૂ કર્યું, પણ પ્રેમની અભિવ્યકિત માટે મારી પાસે શબ્દો નહોતા, હિંમત નહોતી અને તક નહોતી. હું મોડો પડયો. અચાનક એ અમારી જ કોલેજના એક ટેબલ-ટેનિસ પ્લેયર જોડે જોડાઈ ગઈ.

મેં એને ભૂલવાની ભરચક કોશિશ કરી. આજે તો કોલેજ પૂરી કર્યાને પણ ત્રણ વરસ થઈ ગયા. સુરખી પરણીને એના માળામાં ગોઠવાઈ પણ ગઈ છે. અને હું… હજી પણ છાતીના પીંજરામાં ઘવાયેલું પંખી સંઘરીને બેઠો છું. બસ, હવે જીવવું નથી, હું દુનિયાની શ્રેષ્ઠ સ્ત્રી માટે દુનિયાના શ્રેષ્ઠ સ્થળે મારા જીવનનો અંત આણવા આવ્યો છું’

સ્તવને એનો હાથ છોડાવવાનો મરણિયો પ્રયાસ કર્યો, પણ ધૈવતે એને જકડી રાખ્યો. પછી પથ્થરની એક સપાટ શિલા ઉપર બેસાડીને એને સમજાવ્યો.

‘સ્યુસાઈડલ રોક’ અંતે પરાજિત થયો અને ધૈવતનો વિજય થયો. સ્તવને આપઘાતનો વિચાર પડતો મૂકયો.

‘ચાલો, અંધારું થવા આવ્યું, આપણે હવે જઈશું ?’ સ્તવને પૂછયું.

ધૈવત એમ કંઈ બિનઅનુભવી નહોતો : ‘હા, પણ આપણે સાથે નથી જવું. તું પહેલાં ચાલવા માંડ. હું થોડી વાર રહીને નીકળું છું.’

સ્તવન ઊભો થઈને ટેકરી ઊતરવા માંડયો. ધૈવત એની પીઠ પાછળ કટાક્ષનું સ્મિત ફેંકીને બબડયો : પ્રેમ ! આવો હોતો હશે પ્રેમ ? પેલી છોકરીને તો ખબર સુઘ્ધાં નથી અને આ ભાઈસાહેબ યમરાજાને આલિંગન આપવા નીકળી પડયા ! પ્રેમ તો અમેય કર્યોહતો.

ભૃંગા જેવી સૌંદર્યની દેવીને દિલોજાનથી ચાહી હતી, ઈશ્વર કરતાં વધારે શ્રદ્ધાથી પૂજી હતી. પ્રેમનો એકરાર પણ કર્યો હતો અને ભૃંગાએ સ્વીકાર કર્યો હતો. પછી લગ્ન ન થઈ શક્યાં એ અલગ વાત છે. એ એનાં સંસારમાં સુખી છે અને આપણે આપણા સંસારમાં.

જીવીએ છીએ ને ઠાઠથી ? ક્યારેય મરવાનો વિચાર સરખોયે કરીએ છીએ ? અને આ મારા બેટાઓ નીકળી પડયા છે…!’

પછી એકાએક ધૈવત ગમગીન બની ગયો. ‘આ જીવી રહ્યો છું એને જીવન કહી શકાય ખરું ? ભૃંગાને આજે પણ ભૂલી શકયો છું હું? જો ભૂલી શકયો હોત, તો અત્યારે અચાનક એ યાદ કેવી રીતે આવી ગઈ ?

આ સ્તવન તો ગમાર છે. બાકી ભૃંગા જેવી સુંદરતમ પ્રેમિકાને ગુમાવ્યા પછી જે પુરુષ જીવી શકે એને પ્રેમ કેવી રીતે કહેવાય ?’ સૂરજ ઢળી ગયો. અંધારું થઈ ગયું. નીચે તળેટીમાં ધૈવતની રાહ જોઈને ઊભેલો સ્તવન કંટાળી ગયો. આખરે જાપાની ચોકિયાતોને લઈને એ પાછો ટેકરી ઉપર જઈ પહોંચ્યો.

‘ધૈવત… ! ધૈવત… !’ એણે બૂમો પાડી. પણ ધૈવત ક્યાંય ન હતો. પ્રકૃતિની નિ:સીમ સુંદરતાના ખોળે સંસારની નિષ્કૃષ્ટ કુરૂપતાનો ભોગ બનેલો એક પ્રેમી પોઢી ગયો હતો. આત્મઘાતી શિખર વિજયી સ્મિત ફરકાવી રહ્યું હતું.

(http://gujaratiliterature.wordpress.com/ માંથી)

પીપળાનાં પાન જેવા શ્વાસ છે, જિંદગીનો જર્જરિત આભાસ છે

હું ત્રેવીસ વરસનો હતો જ્યારે ડો. કાચવાલાને પ્રથમ વાર મળ્યો હતો. ડો. કાચવાલા સર્જ્યન હતા. શહેરમાં એમનું પ્રાઇવેટ સર્જિકલ નર્સિંગ હોમ હતું અને સાથે સાથે તેઓ જનરલ હોસ્પિટલની સાથે પણ સંલગ્ન હતા. રોજ સવારે બે કલાક પૂરતા તેઓ માનદ સેવા આપવા માટે આવતા હતા. મારી પ્રથમ મુલાકાત આ સમયે જ થઇ હતી.

ડો. કાચવાલા એટલે આવડતનું પડીકું અને આત્મવિશ્વાસનું પોટલું. એમની જિંદગીમાં કોઇ વાતની કમી ન હતી. ઓ.પી.ડી.માં હું એમની સામેની ખુરશીમાં બેસતો હતો. એ મારી ઇન્ટર્નશીપના દિવસો હતા.

‘ડોક્ટર, હું નવા પેશન્ટો તપાસું છું, તું જૂના તપાસજે!’ ડો. કાચવાલાએ પ્રથમ દિવસે જ વ્યવસ્થા ગોઠવી દીધી. મને એમની વાત ગળે ઊતરી ગઇ. એમણે જોયેલો નવો દરદી જ્યારે ‘ફોલો અપ’ માટે બીજા અઠવાડિયે મારી પાસે આવે ત્યારે મને બેવડો ફાયદો થતો હતો.

એક, ડો. કાચવાલાએ શું નિદાન કર્યું હતું એની મને જાણકારી મળી રહેતી અને બીજો ફાયદો એ થતો કે એમની સારવાર લીધા બાદ એ પેશન્ટને કેવી ને કેટલી રાહત થતી એ પણ મને શીખવા મળતું હતું.

‘આ બધું તો ઠીક છે, ડોક્ટર!’ તેઓ મારો ઉત્સાહ જોઇને ક્યારેક બીજી વાતો પર પણ ચડી જતા હતા, ‘નિદાન અને સારવાર તો બધાં ડોક્ટરોને આવડતાં જ હોય છે, સાચું શીખવા જેવું જો કંઇ હોય તો તે છે દરદી સાથેની રીત-ભાત.’

‘હું સમજ્યો નહીં’. હું બોલી ગયો, બોલ્યા પછી પણ મારું મોં ખુલ્લું રહી ગયું. ડો. કાચવાલા એ દિવસે મૂડમાં હતા. હસ્યા, ‘તમે કોઇ પણ વ્યવસાયમાં હોવ, છેવટે તો તમારા ગ્રાહકને ઇમ્પ્રેસ કરવાની જ રમત હોય છે.’

‘ગ્રાહક?’ મારું ખુલ્લું મોં વધારે ખૂલી ગયું.

‘યસ, આઇ મીન પેશન્ટ! દરદી પણ છેવટે તો ગ્રાહક જ છે ને! એ આપણી પાસે શા માટે આવે છે? બીજા ડોક્ટર પાસે શા માટે નથી જતો? કારણ કે એ આપણને બીજા ડોક્ટરો કરતાં બહેતર માને છે. અને મૂળ કરામત અહીં જ કરવાની હોય છે. વી હેવ ટુ ઇમ્પ્રેસ ધી પેશન્ટ. ધેટ્સ ઓલ!’

દરદીને આંજી નાખવાની કરામત કેવી રીતે કરવાની હોય છે એવો સવાલ પૂછવા માટે ન હતો, પણ નરી આંખે જોવા-જાણવા માટેનો હતો. માત્ર પાંચ ફૂટ જેટલા અંતરે બેસીને હું ડો. કાચવાલાની મેનરીઝમ્સ નિહાળ્યા કરતો.

કોઇ પેશન્ટ આવે. ફરિયાદ કરે, ‘સાહેબ, પેટમાં દુ:ખે છે.’ ડો. કાચવાલા થોડાંક સવાલો પૂછે પછી દરદીને ટેબલ ઉપર સૂવડાવે. પેટ ઉપર હાથ ફેરવે, દબાવે, ટકોરા મારે અને બહાર આવીને પોતાની ખુરશીમાં ગોઠવાઇ જાય. દરદી સ્ત્રી પોતાનાં કપડાં ઠીક-ઠાક કરીને બહાર આવે ત્યાં સુધીમાં તો ડો. કાચવાલા એનાં કેસપેપરમાં નિદાનથી માંડીને સારવાર સુધીનો નક્શો ચીતરી ચૂક્યા હોય. સ્ત્રીનો પતિ પૂછે, ‘શું લાગે છે, સાહેબ?’

‘લાગતું નથી, પણ છે! તારી બૈરીનાં પેટમાં મોટી ગાંઠ છે. તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. આજે જ ‘એડમીટ’ કરી દઉ છું. આવતી કાલે સવારે ઓપરેશન કરી આપીશ.’

‘પણ, દાગતર સાહેબ… પતિ આગળ ન બોલી શકે. એના અધૂરા વાક્યમાં ઘણી બધી મુશ્કેલીઓ સમેટાયેલી હોય. પૈસાની સગવડથી માંડીને ગામડે જઇને ઘર સાચવવાની વ્યવસ્થા ગોઠવવા જેવા ઘણા બધા સવાલો પડેલા અને નડેલા હોય. એ ધીમે ધીમે એક પછી એક મૂંઝવણની રજૂઆત કરતો રહે, પણ ડો. કાચવાલાના પટારામાં દરેક સમસ્યાનું રામબાણ સમાધાન મોજૂદ હોય.

‘તારે પૈસાની વ્યવસ્થા ક્યાં કરવાની છે? ગાંડા, આ તો સરકારી હોસ્પિટલ છે. મફતમાં બધું પતી જવાનું છે અને ઘરની વ્યવસ્થા માટે ગામડે જવાની ક્યાં જરૂર છે? કાલે સવારે ઓપરેશન પતે એટલે તું નીકળી જજે. તારી બૈરીને ખાવા-પીવાનું તો કંઇ છે નહીં. ચોવીસ કલાક માટે તો ગ્લુકોઝની ડ્રીપ આપવાની છે.’

‘પણ સાહેબ…’ એને એકલી છોડીને એમ તો કેવી રીતે જઇ શકાય? આટલું મોટું ઓપરેશન હોય એટલે રામ જાણે એને…’

‘અરે, ગાંડા, તારી ઘરવાળીને કંઇ થવાનું નથી. ઓપરેશન ભલેને મોટું હોય, તો સામે ડોક્ટર પણ મોટો છે ને? મારા માટે તો આ રમત વાત છે. ચાલ, એડમીટ કરી દે તારી વાઇફને! મારામાં વિશ્વાસ રાખ. એને કશું જ નહીં થાય.’ બે કલાકમાં જો કોઇ એક વાક્ય સૌથી વધારે વાર પુનરાવર્તન પામતું હશે તો એ આ હતું, ‘તમારા દરદીને કશું જ નહીં થાય.’

‘બપોરે એક વાગ્યે ઓ.પી.ડી. પૂરી કર્યા પછી ડો. કાચવાલા મારી સામે જોઇને હસી પડે, ‘કંઇ સમજાયું, ડોક્ટર?’

‘હા, સમજાયું.’

‘શું સમજાયું તે સમજાવો!’

‘તમારી પાસેથી એક વાત શિખવા મળી કે તબીબી વ્યવસાયમાં સફળતા માટે ડોક્ટરની આવડત કરતાં પણ એના આત્મવિશ્વાસનું મહત્ત્વ અનેક ગણું હોય છે. દરદીના સગાંઓને એક જ સવાલ નડતો હોય છે- ‘અમારા પેશન્ટને કંઇ થશે તો નહીં ને?’ સારો સર્જ્યન એ છે જેની પાસે આવો જવાબ છે- ‘ના, એને કશું જ નહીં થાય!’

મારા માટે આ નવી વાત હતી. એમ.બી.બી.એસ.ના અભ્યાસક્રમમાં અમને ભણાવવામાં આવ્યું હતું કે કોઇ પણ બીમારી અને એની સારવાર વિશે દરદીના સગાં સાથે સ્પષ્ટપણે ચર્ચા કરવી જોઇએ. જો કોઇ ઓપરેશન કરવાનું હોય તો એમાં રહેલા જોખમો બાબતે પણ એમને માહિતગાર કરી દેવા જોઇએ.

આ માત્ર કાનૂની દ્રષ્ટિએ જ આવશ્યક નથી, પણ દરદીની માનસિક તૈયારી માટે પણ આમ કરવું હિતાવહ છે. પણ જે ભણાવવામાં આવ્યું હતું તે ‘થીયરી’ હતી, અત્યારે હું જે જોઇ રહ્યો હતો એ ‘પ્રેક્ટિકલ’ જ્ઞાન અને ડો. કાચવાલા એ વ્યવહારુ જ્ઞાનના મહાઋષિ હતા.

………

મારો ત્રણ મહિનાનો ફરજકાળ સમાપ્ત થવાની અણી પર હતો. બે-ચાર દિવસ રહ્યા હશે. એક દિવસ હું ડો. કાચવાલાની ઓ.પી.ડી.માં બેઠો હતો, ત્યાં વોર્ડબોયે આવીને એમના હાથમાં ટેલિફોનનું રીસીવર પકડાવી દીધું. એ સમયે મોબાઇલ ફોનની સુવિધા હજુ ભારતમાં પ્રવેશી ન હતી.

ડો. કાચવાલાએ વાત શરૂ કરી, ‘કોણ? સ્વપ્નિલ બોલે છે? બોલ, દીકરા!… તે એમાં ગભરાવા જેવું શું છે? કપાળ ઉપર નાનકડી રસોળી નીકળી છે એ તો હું પણ થોડાંક દિવસથી જોઇ રહ્યો છું… ના, એ દવાથી નહીં મટે, એને ઓપરેશન કરીને કાઢવી જ પડશે… અરે, બીવે છે શા માટે? કશું જ નહીં થાય… હું અહીંના કામથી પરવારી જ ગયો છું, આમ પણ હવે ઘરે જ આવતો હતો.

તું એક કામ કર! સીધો આપણા પ્રાઇવેટ નર્સિંગ હોમ પર પહોંચી જા! હું પણ ત્યાં જ પહોંચું છું. બે મિનિટનું તો કામ છે. પછી તરત આપણે લંચ માટે ઘરે…

હું સાંભળી રહ્યો, જોઇ રહ્યો. ડો. કાચવાલાના વાણી-વર્તનમાં એ જ આત્મવિશ્વાસ એમના ખુદના દીકરાની સર્જરી માટે ઝલકતો હતો, જેવો સામાન્ય દરદીના ઓપરેશન વખતે ઝલકતો હોય. સ્વપ્નિલ એમનો એક માત્ર પુત્ર હતો. સવા વાગ્યે સાહેબ ગાડીમાં બેસીને વિદાય થયા.

બે વાગ્યે આખા શહેરમાં હાહાકાર મચી ગયો. સમાચાર અત્યંત આઘાતજનક હતા: ડો. કાચવાલાના લાડકવાયા પુત્ર સ્વપ્નિલનું ઓપરેશન દરમિયાન કરૂણ મૃત્યુ નિપજયું હતું!

………

ખરેખર શું બન્યું હતું એની ત્રૂટક-ત્રૂટક માહિતી બીજા દિવસે કાનમાં પડી શકી. સૌરાષ્ટ્રનું નાનકડું શહેર હતું, એટલે સરકારી અને ખાનગી ડોક્ટરોમાં નિકટનો ઘરોબો હતો. સંપૂર્ણ તબીબીજગત ડો. કાચવાલાને આશ્વાસન આપવા માટે દોડી ગયું. ડો. કાચવાલા વાત કરી શકવાનીયે સ્થિતિમાં ન હતા.

ખરખરાની ગળણીમાંથી જે વિગતો ફિલ્ટર થઇને મારા કાને પડી એ આ હતી: ડો. કાચવાલાએ દીકરાને ઓપરેશન ટેબલ ઉપર સૂવડાવ્યો. એનેસ્થેસિયા આપીને બેભાન કરવાનું એમણે મુલત્વી રાખ્યું. સ્વપ્નિલે કહ્યું પણ ખરું, ‘પપ્પા, બહુ દુખશે તો નહીં ને?’

‘અરે, દીકરા! ડરે છે શા માટે? તને પૂરો બેભાન કરવાને બદલે હું આ રસોળીની ફરતેની ચામડીને લોકલ એનેસ્થેસિયા આપીને બહેરી કરી દઉ છું. તને ખબર પડે એ પહેલાં તો તારા પપ્પા આ સોપારી જેવડી ગાંઠને ચેકો મૂકીને બહાર કાઢી લેશે.’

ડો. કાચવાલાએ ઇન્જેકશનનું પ્રવાહી સિરિંજમાં ભર્યું. સ્વપ્નિલની ચામડીમાં દાખલ કર્યું. એ પછી શું થયું તે કોઇ જાણતું નથી. એ દવાનું રિ-એક્શન આવ્યું કે પછી દવાનું પ્રવાહી રક્તવાહિનીની અંદર ચાલ્યું ગયું, પણ તત્ક્ષણ સ્વપ્નિલનો શ્વાસ અને હૃદયની ગતિ બંધ પડી ગયા. બાપ પોતે કુશળ તબીબી હોવા છતાં જોતો રહી ગયો, દીકરાને બચાવી ન શક્યો.

આજે એ ઘટનાને ત્રણ દાયકાથી પણ વધુ સમય થઇ ગયો છે, પણ હું એને ભૂલી શક્યો નથી. હું પોતે છેલ્લાં પચીસ વરસથી પ્રાઇવેટ પ્રેકિટસ કરતો રહ્યો છું. કોઇ પેશન્ટ જ્યારે પૂછે છે કે, ‘સાહેબ, ઓપરેશનમાં કંઇ જોખમ જેવું તો નથી ને?’ ત્યારે જવાબ આપતાં પહેલાં મારી આંખો સામે ડો. કાચવાલાનો ચહેરો તરવરી ઊઠે છે. એ ડો. કાચવાલા જે એક દિવસ કાચની જેમ તૂટી ગયા હતા.

હું બોલી ઊઠું છું, ‘આજ લગી તો મારા હાથે એક પણ દરદીનું મૃત્યુ થયું નથી. હું પૂરી સાવધાની અને હોશિયારી સાથે તમારું ઓપરેશન કરીશ, પણ એ દરમિયાન કશું પણ જોખમ આવી શકે કે નહીં એ નક્કી કરવાનું કામ મારા હાથમાં નથી. એ શક્તિ કોઇ અગમ્ય તત્વના હાથોમાં હોય છે. આવડત મારી, આત્મવિશ્વાસ ઇશ્વરનો!’

(શીર્ષક પંક્તિ: ‘પાગલ’)

(http://gujaratiliterature.wordpress.com/ માંથી)

પ્રેમના નામે અહીં છળ નીકળે, જળ ધારો ને મૃગજળ નીકળે.

તમારા અને અવસ્થાનાં ભગ્ન પ્રેમની ચિતા ઉપર મારા જેવી અરમાનોથી ઊભરાતી એક નિર્દોષ યુવતીની ભેટ શા માટે ચડાવી દીધી? જગતમાં એવી અભાગી નવોઢાઓ કેટલી હશે જેમનાં પતિદેવો લગ્નની પહેલી રાતે પત્નીને ભૂલીને પ્રેમિકાની યાદો સાથે મધુરજની માણતાં હોય?!
શયનખંડના મંદ પ્રકાશમાં ઝળહળતાં અરમાનો છાતીમાં લઇને આલોચના પતિની પ્રતીક્ષા કરી રહી હતી. લગભગ બાર વાગ્યે આયુષ્ય આવ્યો. અંદર આવીને એણે દ્વારો વાસ્યા. સ્ટોપર બંધ કરવાની સાવ નાનકડી ક્રિયામાં પડઘાતી હવે પછીની શંગારીક દ્દશ્યાવલી આલોચનાની કૌમાર્યભરી આંખો સામેથી પસાર થઇ ગઇ. એ લજજાનાં વિજપ્રવાહથી કંપી ઊઠી. પણ ત્યાં જ આયુષ્યના વાકયો જાણે ખરેખરી વીજળી બનીને એની ઉપર ત્રાટકયા.
‘થાકી ગઇ હોઇશ. ઊઘી જા!’ આટલું કહીને નવવધૂની દિશામાં નજર પણ માંડયા વિના દુલ્હેરાજા બાથરૂમમાં ઘૂસી ગયા. આલોચનાનાં મગજમાં જાત-જાતની શંકાઓ-કુશંકાઓ ઊભરી આવી. એ પોતાની જાતને પૂછી રહી, ‘શું હું એમને નહીં ગમતી હોઉ? કોઇ મજબૂરી કે દબાણને વશ થઇને એમણે મારી સાથે લગ્ન કર્યું હશે? શું એમનામાં પૌરુષની ઊણપ હશે?’ પ્રત્યેક સવાલની સાથે જ એનો જવાબ પણ એના દિમાગમાંથી તત્ક્ષણ ઊઠતો હતો : ‘મારા જેવી અદભુત અને અનુપમ સુંદર સ્ત્રી જેને ન ગમે એવો પુરુષ હજુ સુધી પૃથ્વી પર પેદા થયો નથી. હા, દબાણની વાતમાં થોડો ઘણો દમ હોઇ શકે છે. આયુષ્ય સાથે સગાઇ નક્કી થઇ તે વખતે સાસરીમાં કંઇક નાની-મોટી ગુપ્ત ચણભણ ચાલતી હતી. પણ છેવટે ઘીનાં ઠામમાં ઘી ઢળી ગયું હતું. આયુષ્યે સગાઇ માટે હા પાડી દીધી હતી. રહી વાત પૌરુષની ખામીની! એ તો…’ આલોચના ભયની મારી ધ્રૂજી ઊઠી.
ખેર, પતિના પુરુષત્વનો પુરાવો પ્રાપ્ત થાય તેવી કોઇ ઘટના ન ઘટી. એ રાત્રે તો નહીં જ. આયુષ્ય જયારે બાથરૂમમાંથી બહાર નીકળ્યો ત્યારે એણે કપડાં બદલી નાખ્યા હતા. વરરાજાના વસ્ત્રો ઉતારીને શ્વેત, ચોખ્ખા ઝભ્ભો-લેંઘો પહેરી લીધા હતા. આવીને એ સીધો ખૂણા પાસે ગોઠવાયેલા ટેબલ-ખુરશી પાસે પહોંચી ગયો. ત્યાં પડેલા ટેબલ-લેમ્પની સ્વીચ એણે ‘ઓન’ કરી દીધી. પછી બંધ ડ્રોઅરમાંથી કશુંક બહાર કાઢયું અને ટેબલ લેમ્પના પ્રકાશમાં ધરીને એ વાંચવા માંડયો.
ખાસ્સો એવો સમય વીતી ગયો. બે વાગી ગયા. આલોચના આડી પડી હતી, પણ એની આંખોમાં ઊઘ ન હતી. છેવટે એ ઊભી થઇ. છુપાવવાનો જરા પણ પ્રયત્ન કર્યા વગર એ પતિની દિશામાં આગળ વધી. એનાં પગનાં ઝાંઝર અને હાથની બંગડીઓ રણકી ઊઠી. આયુષ્યે ગરદન ઘૂમાવીને પત્નીની સામે સ્મિત ફરકાવ્યું, ‘નિંદર નથી આવતી?’
‘ના, તમને પણ કયાં આવે છે?’ આલોચનાએ મેક-અપ વાળા નમણા ચહેરા પર મેકઅપવાળું સ્મિત ઉપસાવ્યું, પછી મૃદુતા સહ પૂછી લીધું, ‘શું કરી રહ્યા છો બે કલાકથી?’
આયુષ્ય એક ક્ષણ માટે ખચકાયો. પછી સરળતાપૂર્વક બોલી ગયો, ‘મારી પ્રેમિકાનાં પત્રો અને તસવીરો સાથે સુહાગરાત ઊજવી રહ્યો છું. નવસો નવ્વાણું વાર વાંચેલા પ્રેમપત્રો એક હજારમી વાર વાંચી રહ્યો છું.’
લગ્નની પ્રથમ રાત અને પતિની આ કબુલાત?! આલોચનાનાં પગ ધ્રૂજી ગયા. છાતીમાં અકથ્ય ભાવો ઊમટયા. આયુષ્યના ત્રણ લીટીનાં જવાબમાં આયુષ્યભરનું દામ્પત્ય સળગી રહ્યું હોય તેવો ભાસ થયો. છતાં પણ એણે ધીરજ અને સ્વસ્થતા જાળવી રાખ્યા. મનોભાવોને દબાવી રાખ્યા. કત્રિમ સ્મિત રેલાવીને વધુ માહિતી પૂછી, ‘શું નામ છે એનું?’
‘અવસ્થા.’ આયુષ્યની આંખોમાં પ્રેમિકાનાં નામોચ્ચાર સાથે એક ખાસ પ્રકારની ચમક આવી ગઇ, ‘આપણી સોસાયટીમાં જ રહે છે. છોકરી નથી, પણ ગુલાબની પાંખડીથી મઢેલો ચાંદ છે! મારા શ્વાસોરછ્વાસ એનાં નામની જપમાળા સાથે ચાલતા રહે છે. હું ફેફસાંમાં પ્રાણવાયુ નથી ભરતો, પણ મારી અવસ્થાનાં દેવતાઇ સૌંદર્યની ખુશ્બુને ખેંચું છું.”તો પછી તમારા પ્રાણવાયુ વગર જીવવાનું તમે શા માટે પસંદ કર્યું? એની સાથે જ લગ્ન કરી લેવા હતા ને?”હું તો તૈયાર જ હતો. અવસ્થા પણ રાજી હતી. પણ સમાજ આડો ઊતર્યો. અવસ્થા આપણી જ્ઞાતિની ન હતી એ વાતનો બંનેના પરિવારોએ વિરોધ કર્યો. છેવટે અવસ્થાને બીજા મુરતિયા સાથે પરણાવી દેવામાં આવી. એક મહિનો થયો એ વાતને.’
‘એક પ્રશ્ન પૂછું, આયુષ્ય? જવાબ આપશો? તમારા અને અવસ્થાનાં ભગ્ન પ્રેમની ચિતા ઉપર મારા જેવી અરમાનોથી ઊભરાતી એક નિર્દોષ યુવતીની ભેટ શા માટે ચડાવી દીધી? જગતમાં એવી અભાગી નવોઢાઓ કેટલી હશે જેમનાં પતિદેવો લગ્નની પહેલી રાતે પત્નીને ભૂલીને પ્રેમિકાની યાદો સાથે મધુરજની માણતાં હોય?! જો આમ જ કરવું હોય તો તમારે પરણવાની ના પાડી દેવી હતી!’ આલોચનાનાં અવાજમાં ઉપાલંભ ન હતો, આક્રોશ ન હતો, ફરિયાદ પણ ન હતી, હતી માત્ર કરુણા. અને પત્નીની કરુણા માટે પતિ પાસે કઠોરતા સવિાય બીજી કોઇ પ્રતિક્રિયા ન હતી. કદાચ હતી તો આયુષ્ય એ જાહેર કરવા નહોતો માગતો..
……….
અવસ્થા સુંદર હતી એમાં ના નહીં. અત્યંત સુંદર. માત્ર આયુષ્યની સોસાયટી જ નહીં, પણ પૂરા શહેરનું એ એક મૂલ્યવાન આભૂષણ હતી. એનાં પ્રેમમાં કોઇ યુવાન ન પડે તો જ આશ્ચર્ય ગણાય. પણ બીજા યુવાનોને સૌથી મોટી સમસ્યા એ વાતની નડતી હતી કે અવસ્થા સુધી પહોંચવાનો રસ્તો જડતો ન હતો, જયારે આયુષ્યના ઘરને અડીને જ અવસ્થાનો રસ્તો જતો હતો. એક જ સોસાયટીમાં સાથે રમીને મોટા થયા હોવાને કારણે બંનેની વચ્ચે સહજ દોસ્તીનો સંબંધ હતો, જેને જુવાનીમાં પગ મૂકયા પછી મીઠાં પ્રણયમાં પલટાતાં વાર ન લાગી.
જગતમાં જેમ બનતું આવ્યું છે તેવું જ આયુષ્ય-અવસ્થાની બાબતમાં પણ બન્યું. બે વર્ષ સુધી ગુપ્તપણે ચાલેલાં મિલનો. પછી હવાની પાંખે સવાર થઇને વડીલોના કાન સુધી જઇ પહોંચેલી માહિતી અને પછી બંનેના ઘરોમાં સર્જાયેલા ધરતીકંપો.આખરે બંને પ્રેમીજનો તૂટી ગયા. આખરી વાર ભેગા થયા, તે પણ કાયમ માટે છૂટાં પડવાની તૈયારી સાથે. અવસ્થા કરગરતી હતી, ‘આયુષ્ય, હજુ પણ તક છે, ચાલને ભાગી જઇએ!’
આયુષ્ય વ્યવહારુ નીકળ્યો, ‘ના, એ શકય નથી. મારી મમ્મી ઝેર ગટગટાવી લેશે અને પપ્પા પંખા ઉપર દોરડું બાંધીને લટકી જશે. આપણે સાચા દિલથી પ્રેમ કર્યોછે એટલું પૂરતું છે. આપણાં માટે એકબીજાની જોડે જ પરણવું એ વાત ફરજિયાત નથી.’ અવસ્થા ઊભી થઇ ગઇ. એની આંખોમાં પાષાણના જેવી મક્કમતા હતી, ‘ઠીક છે, આયુષ્ય! તું કહે છે એટલા ખાતર હું બીજાની સાથે લગ્ન કરી લઇશ. પણ એ લગ્ન ફકત દુનિયાને દેખાડવા માટેનું જ લગ્ન હશે. હું મારા પતિને જીવનપર્યંત મારા દેહનો સ્પર્શ કરવાની છૂટ નહીં આપું!’
‘શું બકે છે તું ?’ આયુષ્ય ઉપર-ઉપરથી તો આશ્ચર્ય પામ્યો હોય એવું બતાવતો હતો, પણ અંદરખાને એનું મન નાચી ઊઠયું હતું. પોતાની પ્રેમિકા પોતાના સવિાય બીજા કોઇ પુરુષને એનું શરીર ન સોંપે એ વાતથી જ એનો પુરુષ સહજ ‘ઇગો’ સંતુષ્ટ થઇ જતો હતો. છતાં પણ આયુષ્યે સમજાવવાનો ડોળ તો ચાલુ જ રાખ્યો, ‘આવું ન કરાય, ગાંડી! લગ્ન પછી તો તારી ઉપર તારા વરનો જ અધિકાર ગણાય. કાયદો પણ એવું જ કહે છે. જો તું ના પાડીશ તો એ તને કાઢી મૂકશે.’ ‘તો શું? હું પાછી આવતી રહીશ. પણ હું એક ભવમાં બીજો ભવ તો નહીં જ કરું!’
અવસ્થાની રૂપાળી આંખોમાંથી બે ખારાં મોતી ખરી પડયા. આયુષ્ય હલી ગયો, ‘જો એમ જ હોય તો હું પણ પ્રતિજ્ઞા કરું છું કે લગ્ન પછી હું પણ મારી પત્ની સાથે સંસાર નહીં ભોગવું. મારી સામાજિક ફરજો નિભાવતો રહીશ, પણ એની સાથે શરીરસુખની તો કલ્પના સુદ્ધાં નહીં કરું!’ એ પછી થોડાં દિવસ બાદ અવસ્થા પરણી ગઇ. એના એક મહિના બાદ આયુષ્ય પણ પરણી ગયો.
ભીષણ પ્રતિજ્ઞાના અતૂટ પાશ વડે બંધાયેલો આયુષ્ય કાચની પૂતળી જેવી પત્નીની પાસે પણ ફરકતો ન હતો. આલોચનાને જયારે સાચા કારણની ખબર પડી, ત્યારે શરૂઆતમાં તો એને બહુ મોટો ઝટકો લાગ્યો, પણ પછી એણે પતિને આકર્ષવાના, શરીરસુખ માટે લલચાવવાના તમામ પ્રયાસો શરૂ કરી દીધા. રોજ રાત્રે એ સોળે શણગાર સજીને પતિની સામે પેશ થવા લાગી.
મધરાતે પડખું ફેરવીને પોઢેલા આયુષ્યનાં શરીર ઉપર જાણીને છતાં અજાણતામાં હોય તે રીતે એ પોતાનો હાથ કે પગ મૂકી દેતી. પણ આયુષ્ય જેનુ નામ! મેરુ ચળે તો ભલે ચળે, પણ આયુષ્યનું મનડું ન ચળે! ત્યાં અચાનક એક ઘટના બની ગઇ. આલોચનાની નણંદ એટલે કે આયુષ્યની નાની, જુવાન બહેન બરખા એક સમાચાર લઇ આવી, ‘મોટા ભાઇ, કંઇ ખબર પડી? તમારી જૂની બહેનપણી બે દિવસથી પિયરમાં આવી છે.’
‘આવી હશે! એમાં મારે શું?’ આયુષ્યે બહારથી બેપરવાઇ બતાવી.’અવસ્થા બીમાર પડીને આવી છે.’ હવે આયુષ્ય નિર્લેપ રહી શકયો નહીં, ‘હેં ? શું થયું છે એને?’ બરખાએ આંખો નચાવી, ‘પરણેલી સ્ત્રીને બીજું શું થાય? ઊલટી, ઊબકા અને ચક્કર! ડોકટરને બતાડયું. લેડી ડૉકટરે સોનોગ્રાફી કરીને કહ્યું કે એને સારા દિવસો જઇ રહ્યા છે. બરાબર દોઢ મહિનો પૂરો થવા આવ્યો…’
આયુષ્ય ભડકી ઊઠ્યો. મનોમન ધૂંધવાઇ ગયો. ‘હેં? દોઢ મહિનો? મારા લગ્નને આજે પંદર દિવસ થયા. એના એક મહિના અગાઉ અવસ્થાનાં લગ્ન અને દોઢ મહિનાનો ગર્ભ. એનો મતલબ એ કે… અવસ્થા સુહાગરાતે જ ગર્ભવતી..?’ બાકીનો દિવસ આયુષ્યે માંડ માંડ પૂરો કર્યો. એના દિમાગમાં કોલેજકાળમાં ભણેલી કવિ રાવજી પટેલની અછાંદસ કવિતાની આખરી પંકિતઓ ઘૂમરાતી રહી : નવાં દૂર્વાંકુરો ફરફર થતાં, સહેજ ચમકયું/સૂતેલી પત્નીનું શરીર, ઝબકયો હુંય, પરખી./ જરા મેં પંપાળી પ્રથમ, ઊર મારુંય છલકયું/ વિતેલાં વર્ષોમાં કદિય પણ ચાહી નવ તને/ સ્તનોના પુષ્પોમાં શરમ છુપવીને રડી પડયો.
આજે આલોચના સહેજ થાકેલી હતી. પતિને પામવાના તમામ પ્રયત્નો પરહરીને એ આજે દસ વાગતાંમાં જ પથારી ભેગી થઇ ગઇ હતી. એકાદ કલાક પછી કશોક ખડખડાટ થતાં એની આંખો ઊઘડી ગઇ. એણે જોયું તો આયુષ્ય ઓરડાની વચ્ચે એક મોટી થાળી મૂકીને સળગતી મીણબત્તી વડે પત્રોનો થોકડો અને પ્રેમિકાનાં ફોટોગ્રાફસ બાળી રહ્યો હતો. આલોચના પથારીમાં બેઠી થઇ ગઇ, ‘અરે! આ શું કર્યું ? તમે હવે મધુરજની કોની સાથે માણશો?’ ‘તારી સાથે!’
આયુષ્ય મીણબત્તી બુઝાવીને એની તરફ ફર્યો, ‘મને માફ કર, આલોચના! આજે મારો ભરમ તૂટી ગયો. પ્રેમિકા એટલે નર્યું છળ! સત્ય એટલે માત્ર પત્ની જ. હું આ ડાઘ ધોઇને આવું છું. ધસમસતાં પુરુષ બનીને આવું છું. હણહણતો અશ્વ બનીને આવું છું. વાયગ્રાની જરૂર ન પડે તેવો નાયગ્રા બનીને આવું છું. આજની રાત તને ઊઘવા નહીં મળે!’ ‘

(શીર્ષક : મહેબૂબ મોડાસિયા)

(http://gujaratiliterature.wordpress.com/ માંથી)

મરણની હથેળીઓ થઇ જાય ભીની, તને એક પળ પણ વિસારી શકું તો

મુગ્ધ અને મૃણાલ. બત્રીસ વર્ષ પહેલાં અમદાવાદની એક જાણીતી કોલેજમાં અભ્યાસ કરતાં બે પાત્રો. મૃણાલ આગના ભડકા જેવી તેજ સ્વભાવની રૂપયૌવના અને મુગ્ધ એક ગરીબ પણ તેજસ્વી દિમાગ ધરાવતો યુવાન. એક ક્ષણની કૂખમાંથી પ્રેમનો ગર્ભ જન્મ્યો.

મુગ્ધ મૃણાલનાં સૌંદર્ય પાછળ લટ્ટુ થઈ ગયો. એના મિત્ર હનુમાને એને બહુ સમજાવ્યો, પણ મુગ્ધ ન માન્યો. વાત વટે ચડી ગઈ. બંને મિત્રો શરત મારી બેઠા. ત્રણ દિવસની અંદર મુગ્ધ મૃણાલની પડખોપડખ ચાલતો, એની સાથે વાતો કરતો ચાલી બતાવે, કોલેજના ઝાંપાથી બસસ્ટોપ સુધીનું અંતર તય કરી બતાવે, નહીંતર હાર કબૂલ કરે. મુગ્ધે પડકાર ઝીલી લીધો. અઢી દિવસ તો એમ ને એમ નિષ્ફળતામાં જ વીતી ગયા. ત્રીજા દિવસના થોડા કલાકો બરયા.

મુગ્ધ હવે જીવ ઉપર આવી ગયો. રિસેસમાં મૃણાલ લાઇબ્રેરીમાં જઈને બેઠી ત્યારે મુગ્ધ બરાબર એની સામેની ખુરશીમાં ગોઠવાઈ ગયો.

એના એક હાથમાં કોરો કાગળ હતો અને બીજા હાથમાં પેન. પ્રેમપત્ર લખવાની તો એનામાં હામ નહોતી. એને શું સૂઝ્યું એ તો ભગવાન જાણે, પણ એ કશા જ ઉદ્દેશ વગર કાગળ ઉપર કંઈક ચિત્ર-વિચિત્ર ચીતરામણ કરતો રહ્યો. મૃણાલ તો પોતાના પુસ્તકમાં ખોવાયેલી હતી.

અચાનક હનુમાન ત્યાં આવી ચડયો : ‘અલ્યા, તું અહીં બેઠો છે? હું તો ક્યારનોયે તને બહાર શોધી રહ્યો છું. ચાલ, કેન્ટીનમાં કટલેટ્સ ખવડાવી દે. શરત તો તું હારી ગયો છે.’

મુગ્ધ ચિડાયો : ‘શરતનો સમય પૂરો થવાને હજુ બે કલાકની વાર છે.’

હનુમાને એની પીઠ ઉપર ધબ્બો માર્યો: ‘એ પહેલાં તું આ શું કરી રહ્યો છે? કાગળ ઉપર ખર્ચના આંકડા પાડી રહ્યો છે?’

‘ગધેડા, તને આ લખાણમાં આંકડા દેખાય છે? આ તો મારું નામ લખ્યું છે.’

‘કઈ ભાષામાં?’ હનુમાને લિપિ ઉકેલવા પ્રયત્ન કર્યો. સફળતા ન મળી.

‘બંગાળીમાં.’

‘તમને બંગાળી આવડે છે?!’

મુગ્ધ ચોંકયો. એની અપેક્ષા હતી કે આ સવાલ હનુમાન તરફથી આવશે. એને બદલે સામેની ખુરશીમાં બેઠેલું પરોઢની ઝાકળ જેવું રૂપાળું શિલ્પ એના અવાજમાં રહેલી તમામ ઉગ્રતા ત્યાગીને મધમીઠા અવાજમાં આ સવાલ પૂછી રહ્યું હતું.

મુગ્ધ હતાશાના ઊંડા જળમાં ડૂબી રહ્યો હતો. એણે બે હાથે આ સવાલનું તરણું ઝાલી લીધું : ‘બંગાળી આવડે છે એમ પૂછો તો તમે? અરે, હું તો બંગાળી ભાષા અચ્છી તરહ જાણું છું. ટાગોરને પૂરી રીતે માણવા માટે જ હું એ ભાષા શીખ્યો છું અને હવે તો એ ભાષા મારા માટે એવી સહજ બની ગઈ છે કે ધારું તો હું બંગાળીમાં કાવ્યો પણ લખી શકું!’

‘લખવાની વાત છોડો, મને એ કહો કે તમે કોઈને આ ભાષા શીખવી શકો ખરા?’ મૃણાલ હવે કોઈ જુદી જ મૃણાલ હતી. એના જેવી રૂપસામ્રાજ્ઞી આવી અદામાં કોઈ જુવાન પુરુષને એમ પૂછે કે ‘તમે તમારો જીવ આપી શકો?’ તો જવાબમાં પેલો પ્રાણ પણ કાઢી આપે. આ તો માત્ર બંગાળી શીખવવાની જ વાત હતી.

‘જરૂર, જરૂર! પણ ક્યારે? ક્યાં? ક્યારથી શરૂ કરવાનું છે?’ મુગ્ધ જાણે હાથમાં આવેલી તકને સરી જવા દેવા નહોતો માગતો.

મૃણાલે વિચારીને જવાબ આપ્યો : ‘મારા ઘરે તો શકય નથી. પપ્પા સારા છે, પણ મમ્મી રૂઢિચુસ્ત છે. તમારા ઘરે હું આવી ન શકું. અહીં કોલેજમાં કેમ રહેશે? રિસેસમાં?’

મુગ્ધ બાઘો ન હતો : ‘રિસેસમાં ન ફાવે. એને બદલે એમ કરીએ, સાંજે પાંચ વાગે કોલેજ છૂટે એટલે….’

હનુમાન જોઈ રહ્યો, સાંભળી રહ્યો. હજુ ખરું જોવાનું તો સાંજે બાકી હતું. પાંચ વાગે આખી કોલેજના યુવાનો સળગીને રાખ થઈ ગયા. મુગ્ધ નામના મદારીએ મૃણાલ નામની ફૂંફાડા મારતી સાપણને કોઈ જાદુના બળે વશ કરી લીધી હતી. જાણે બે જુગજુગનાં પ્રેમીજનો ફરવા નીકળ્યાં હોય એવા દ્રશ્યથી નહેરુબ્રિજ નાચી ઊઠયો.

હનુમાન શરત હારી ગયો, પણ મુગ્ધની હાલત આઈ.સી.યુ.માં દાખલ કરાયેલા પેશન્ટના જેવી હતી. ન જીવી શકાતું હતું. ન મરી શકાતું હતું. પ્રેમિકા બનાવવાની ઈચ્છા થાય એવી મૃણાલ સાથે રોજ દસ-પંદર મિનિટનું સાંનિઘ્ય માણવા મળતું હતું, પણ મૃણાલને બંગાળી ભાષા સિવાય બીજા કશામાં રસ જ નહોતો.

મુગ્ધ રોજ એને પાંચ નવા શબ્દો શીખવતો હતો, એના શુદ્ધ ઉચ્ચારો સાથે અને બસમાં બેસીને ઘરે ગયા પછી રાતભર મૃણાલનાં રૂપને યાદ કરીને પથારીમાં તરફડતો રહેતો હતો.

એક દિવસ એણે હિંમત કરી સાંજે બસસ્ટોપ પાસે છૂટા પડતી વખતે એક બંધ પરબીડિયું મૃણાલના હાથમાં મૂકયું : ‘અંદર એક પત્ર છે. ઘરે જઈને વાંચજે.’

મૃણાલ ભડકી ઊઠી : ‘એમાં કંઈ એલફેલ જેવું તો નથી લખ્યું ને?’

મુગ્ધ શું બોલે? પરબીડિયું મૂકીને એ ચાલતો થયો. શરીર ગરમ-ગરમ થઈ ગયું. ઘરે જઈને ભૂખ પણ ન લાગી. રાતભર વિચારોમાં ડૂબેલો રહ્યો : પરબીડિયામાં પત્ર હતો અને પત્રમાં પ્રેમ. એ વાંચીને મૃણાલ શું કરશે? આવતી કાલે એને ફટકારશે? પ્રિન્સિપાલ પાસે જઈને ફરિયાદ કરશે? કોલેજમાંથી મુગ્ધને ‘સસ્પેન્ડ’ કરાવશે?

સવાર સુધીમાં તો મુગ્ધને તાવ આવી ગયો. એણે કોલેજમાં જવાનું માંડી વાળ્યું. બીજા દિવસે પણ એ ન ગયો. એ દિવસે સાંજે હનુમાન એને મળવા આવ્યો.

‘કેમ હમણાં બે દિવસથી ભણવા નથી આવતો? આજે તો મૃણાલ પણ પૂછતી હતી.’ હનુમાને સમાચાર આપ્યા. મુગ્ધ બેઠો હતો ત્યાંથી પડવા જેવો થઈ ગયો.

‘મૃણાલ? મારા વિષે પૂછતી હતી? એ વખતે એના હાવભાવ કેવા હતા?’

‘એ તો મેં ન જોયું, પણ મૃણાલ કંઈક નારાજ હોય એવું લાગતું હતું.’

સાંભળીને મુગ્ધને ફરીથી તાવ ચઢી ગયો. પણ એ રાતે એણે દ્રઢ નિર્ણય કર્યો. જે થઈ ગયું એ થઈ ગયું, વાસ્તવિકતાથી મોં ફેરવી લેવાનો કંઈ અર્થ નથી. સવારે ઊઠયો ત્યારે એ મક્કમ બની ચૂકયો હતો. કોલેજના ઝાંપામાં પગ મૂકયો ત્યાં જ મૃણાલ એને સામે મળી.

‘આ પત્રમાં તેં જે કંઈ લખ્યું છે એ સાચું છે?’ મૃણાલના સવાલમાં બ્લેડની ધાર હતી.

‘હા, લખતી વખતે પણ હું પ્રામાણિક હતો અને અત્યારે પણ છું.’

‘મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છે?’

‘તું હા પાડે તો!’

‘પછી બીજા કોઈ પણ બહાને તારા નિર્ણયમાંથી પીછેહઠ નહીં કરે ને?’

‘આ જનમમાં તો નહીં, પણ આવતા જન્મે પણ….’

‘હું હરિજન-કન્યા છું એ જાણ્યા પછી પણ નહીં?’

આભમાં જાણે વીજળીનો કડાકો થયો હોય એવું વાકય બોલીને મૃણાલ ખામોશ થઈ ગઈ. (હું પોતે હિંદુધર્મમાં ન્યાત-જાતની વાડાબંધી છે એમાં લેશમાત્ર વિશ્વાસ ધરાવતો નથી. મારા દલિત-મિત્રો મારા રસોડામાં બેસીને મારી સાથે જમી શકે છે. હરિજન શબ્દનો ઉલ્લેખ પણ હું એટલા માટે કરું છું કે એ શબ્દ ખુદ મૃણાલે વાપર્યો હતો.)

આજથી બત્રીસ વર્ષ પહેલાં રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારના યુવાન ઉપર મૃણાલનાં સવાલથી શી અસર થઈ હશે એ તો માત્ર મુગ્ધ જ કહી શકે. પણ એનો જવાબ ટૂંકો હતો, ત્વરીત હતો અને એક સાચા પ્રેમીને છાજે એવો હતો.

‘હા, તો પણ હું લગ્ન કરીશ.. તારી સાથે જ…’

મૃણાલનો તંગ ચહેરો કૂણો પડયો. ‘થેન્કસ, મુગ્ધ! તું પણ મને ગમે છે અને તારી હિંમત પણ મને ગમે છે, પણ મને માફ કરજે. હું તારી સાથે પરણી શકું એમ નથી. આવાં લગ્ન માટે જે હિંમત જોઈએ, લગ્ન પછી સમાજ સામે ઝઝૂમવાની તાકાત જોઈએ એ તારામાં હશે, મારામાં નથી. તું બીજી કોઈ સ્ત્રી જોડે પરણી જજે.’

‘અને તું?’

‘હું? મારે એરહોસ્ટેસ બનવું છે. એ માટે ઉમેદવારે કોઈ પણ ત્રણ ભાષાઓ ઉપર પ્રભુત્વ મેળવવું જરૂરી હોય છે. તારી પાસે બંગાળી શીખવા પાછળનો મારો હેતુ એ જ હતો. મારે આ બંધિયાર દેશની પછાત મનોદશા ધરાવતા સમાજમાં માનભર્યું સ્થાન મેળવવું છે પણ એ કોઈ સવર્ણ પતિનું ઓઠું મેળવીને નહીં. હું મારી પોતાની શકિતના આધારે મારું આત્મગૌરવ પ્રાપ્ત કરીશ.’

મૃણાલ એ પછી કોલેજ બદલાવીને ચાલી ગઈ. એના પપ્પા મોટા સરકારી અધિકારી હતા. બંગલો હતો, ગાડી હતી અને સમૃદ્ધિની છોળો હતી. મુગ્ધ મૃણાલને ગુમાવ્યાના આઘાતમાંથી વરસો પછી બહાર આવ્યો. પરણ્યો. બાપ બન્યો. આજે એની રીતે ગોઠવાઈ ચૂકયો છે અને છતાં પણ…

આજે એ મૃણાલને ભૂલ્યો નથી. ઘરમાં હોય કે બહાર રસ્તા ઉપર, પણ આસમાનમાં સંભાળતી એરોપ્લેનની ઘરઘરાટી સાંભળીને એનાથી અનાયાસ ઉપરની દિશામાં જોવાઈ જાય છે. આપણને લાગે કે એ વિમાનને જોતો હશે, માત્ર એ જ જાણે છે કે એની આંખો કોઈક એરહોસ્ટેસને શોધી રહી છે. (સાવ સત્ય ઘટના)

(મૃણાલ અદ્રશ્ય થયા પછી દસ-બાર વરસે અચાનક કલકત્તાથી એનો પત્ર મુગ્ધના સરનામે આવ્યો હતો. સરનામું એણે કયાંકથી શોધી લીધું હતું. એ પત્ર દ્વારા મુગ્ધને ખબર પડી કે મૃણાલ આખરે એરહોસ્ટેસ બની ગઈ છે. બંગાળી ઉપરનું પ્રભુત્વ એને કામમાં આવ્યું. એ ખૂબ સુખી છે, પૈસાદાર છે અને કુંવારી છે.)

(શીર્ષક પંકિત: મનોજ ખંડેરિયા)

(http://gujaratiliterature.wordpress.com/ માંથી)

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક, રસ્તામાં તારી સાથે મુલાકાત થઇ હશે

ટ્રાફિક પોઇન્ટ ઉપરની લીલી બત્તી બંધ થઈ. લાલ લાઈટ ઝબૂકી ઊઠી. પરખે બ્રેક મારીને એનું મોપેડ ઊભું રાખ્યું. એની સાથેનાં અન્ય વાહનો પણ અટકી ગયાં. એક મોટરબાઈક એની બાજુમાં આવીને ઊભી રહી. સાવ અડોઅડ.

બાવીસ વર્ષની, પૂર્ણવિકસિત પુષ્પ જેવી પરખે જોયું તો એ જ હતો. સાવ મવાલી જેવો દેખાવ. પાતળું, ઊંચું શરીર. આછી દાઢી. વિખરાયેલા વાળ. ઉપર માટી અને કચરાનો અભિષેક. કાળા ધબ્બાવાળું ચોળાયેલું શર્ટ અને જીન્સનું પેન્ટ. એ પણ ડાઘાડૂઘીવાળું. પહેલી નજરે જ ખબર પડી જાય કે ગેરેજમાં મિકેનિક હોવો જોઈએ. ગાડીની નીચે ઘૂસીને જમીન ઉપર ચત્તાપાટ પડીને ગાડીનું સમારકામ કરતો હોય તો જ શરીર અને કપડાં ઉપર આવો ‘મેક-અપ’ ચડે.

લાલ બત્તી બંધ થઈ. ગ્રીન સિગ્નલ ચાલુ. વાહનો જાણે એકસામટાં હરીફાઈમાં ઊતર્યા હોય એમ દોડવા લાગ્યાં. પરખે જાણી જોઈને એનું મોપેડ ધીમું પાડયું. ખાસ એ જોવા માટે કે પેલો શું કરે છે. એણે પણ બાઈકની સ્પીડ ધીમી કરી નાખી.

પરખ મનમાં ને મનમાં ધૂંધવાઈ ઊઠી. છેલ્લી દસ મિનિટથી આ પકડદાવની રમત ચાલી રહી હતી. એણે જોઈ લીધું કે જાહેર રસ્તો છે. હજી તો સમી સાંજનો સમય છે. અંધારું થવાને ઘણી વાર છે. ધમધમતો ટ્રાફિક છે. એક ચીસ પાડે તો પણ ટોળું ભેગું થઈ જાય. પીછો કરનાર મવાલીની વોશિંગ પાઉડર વગર ધોલાઈ થઈ જાય. આ વિચારની સાથે જ એનામાં હિંમત આવી ગઈ.

‘એય..! શું છે?’ એણે મોટેથી પેલાને પડકાર્યો.

‘કેમ? શેનું શું છે?’ પેલો બી માથાનો નીકળ્યો. જાણે કે કંઈ જાણતો જ ન હોય એમ સામે સવાલો પૂછવા મંડયો.

‘છેલ્લી દસ મિનિટથી જોયા કરું છું. તમે મારી પાછળ-પાછળ આવી રહ્યા છો.’

‘હું પણ દસ મિનિટથી જોઉં છું કે તમે મારી આગળને આગળ દોડી રહ્યાં છો.’

‘તમારી આગળ વાહન ચલાવવું એ ગુનો છે?’

‘તો તમારી પાછળ વાહન ચલાવવું એ ગુનો છે? હું એકલો નહીં, બીજાં પચાસ વાહનો તમારી પાછળ આવી રહ્યાં છે. મોકલી દો બધાંને જેલમાં.’

પરખે નાક ફુંગરાવ્યું. ભયંકર ધૂર્ત અને ચાલબાજ લાગે છે આ માણસ. એની દલીલમાં જ કેવો દાંડ છે એ દેખાઈ આવે છે. આની સાથે જીભાજોડીમાં ન પડાય. પરખે મોં ફેરવી લીધું. મોપેડની ઝડપ પણ થોડીક વધારી દીધી. પેલાએ પણ બાઈક ભગાવ્યું. પરખથી આગળ નીકળી ગયો.

‘હાશ!’ પરખ બબડી. પણ એનાં હાશકારાની આવરદા બહુ ટૂંકી નીવડી. ત્રણેક મિનિટ પછી એ બીજા ટ્રાફિક પોઇન્ટ પાસે પહોંચી તો ત્યાં લાલ સિગ્નલ ચાલુ હતું. આ વખતે પરિસ્થિતિમાં સહેજ ફરક હતો. પેલા મવાલીની બાઈક આગળ ઊભી હતી, પરખનું મોપેડ એની તદ્દન પાછળ.

પેલાએ પરખની સામે જોઈને પીંછા જેવું હળવું સ્મિત ફરકાવ્યું : ‘હવે કોણ કોનો પીછો કરે છે?’

પરખનું દિમાગ ફાટયું : ‘મોં સંભાળીને બોલો, મિસ્ટર….’

‘પ્રવાહ.’ પેલો હસ્યો : ‘મિસ્ટર પ્રવાહ બારદાનવાલા નામ છે મારું. તમારું નામ જણાવી શકો ?’

પરખને એના ડાચા ઉપર સેન્ડલ ફટકારવાનું મન થઈ આવ્યું. પણ સમય ક્યાં હતો! લીલી બત્તી ચાલુ થઈ એટલે પેલાએ બાઈક મારી મૂકી. સહેજ આગળ જઇને એ ડાબી બાજુના ખાંચામાં વળી ગયો.

પરખનો માર્ગ પણ એ તરફ થઈને જ જતો હતો. એ પણ ડાબા હાથે વળી. પણ લગભગ અડધા કિલોમીટરના સીધા રસ્તા ઉપર ક્યાંય પેલા ખાલી બારદાનના સગડ દેખાતા નહોતા.

‘હાશ! છૂટયાં.’ પરખે નિરાંતનો શ્વાસ લીધો. ત્યાં જ એનું મોપેડ લડખડાયું. ગતિમાં અચાનક શિથિલતા આવી ગઈ. પરખે વાહન ઊભું રાખ્યું. જોયું તો પાછળના પૈડાનું ટાયર બેસી ગયું હતું. મતલબ કે પંકચર.

‘ઓહ, નો!’ પરખે ઘડિયાળમાં જોયું. કમ્પ્યૂટર કલાસમાંથી છૂટવામાં જ આજે મોડું થઈ ગયું હતું અને ઘરનો રસ્તો હજી પંદર મિનિટનો બાકી હતો. શિયાળાની સાંજ હતી એટલે આછું આછું અંધારું પણ છવાવા માંડયું હતું.

મુખ્ય માર્ગ ઉપર હતી ત્યાં સુધી વાંધો નહોતો. પણ આ ગલીમાં લોકોની અવરજવર નહિવત્ હતી. ગેરેજ ક્યાં હશે? ઘરે ફોન કરવો હોય તો પબ્લિક બૂથ કયાં હશે? અત્યારે પપ્પા પણ ઘરે નહીં હોય. મમ્મીને ફોન કરવાથી યે શું વળવાનું?

એક જ રસ્તો હતો. આજુબાજુના કોઈ મકાનમાં જઈને મદદ માગવી. કાં તો ફોન કરીને ઘરે જણાવી દેવું કે આવતાં થોડુંક મોડું થશે. અથવા તો ત્યાં વાહન મૂકીને રિક્ષામાં બેસીને ઘરભેગા થઈ જવું. પપ્પા પછીથી આવીને મોપેડનો કંઇક રસ્તો ખોળી કાઢશે.

પરખે આસપાસ નજર ઘૂમાવી. પોશ વિસ્તાર હતો. ભવ્ય બંગલાઓ હતા. તોતીંગ દરવાજાઓ હતા. એકના ઝાંપા ઉપર તાળું લટકતું હતું. બીજાના ઝાંપે પાટિયું મારેલું હતું : કૂતરાથી સાવધાન. ત્રીજા બંગલાના ખુલ્લા ઝાંપાને અડીને એક વોચમેન ઊભો હતો. એની આંખોમાંથી ટપકતી લોલૂપતાને જોઈને પરખે મદદ માગવાનો વિચાર માંડી વાળ્યો.

હવે એક જ બંગલો રહ્યો. પરખ સાવધાનીપૂર્વક એનો ઝાંપો હડસેલીને અંદર પ્રવેશી. પણ દાખલ થયા પછી એની આંખો ફાટી ગઈ.

બંગલાની અંદર માર્બલ હોય એ એણે જોયું હતું, પણ બહારના ખુલ્લા ભાગમાં છુટ્ટે હાથે વેરાયેલો ગ્રેનાઈટ એ આજે પહેલી વાર જોતી હતી. જમણા હાથે હારબંધ ચાર ગાડીઓ પાર્ક કરેલી હતી. દૂર ડાબા હાથે એક માળી ઘાસની લોનમાં પાણીનો છંટકાવ કરી રહ્યો હતો.

હીંચકા ઉપર એક જાજરમાન આધેડવયની સ્ત્રી બેઠી હતી. પરખે વિચાર્યું, એ જ આ બંગલાની શેઠાણી હોવી જોઈએ.

પરખ કંઈ બોલવા માટે મોં ઊઘાડે એ પહેલાં શેઠાણીનો કરડાકીભર્યો અવાજ એમનાં કાને અફળાયો : ‘કોનું કામ છે, છોકરી?’

‘જી….જી! હું… મારું વાહન… ટાયરમાં પંકચર પડયું છે…. તો અહીં મૂકી શકું? આજની રાત… કાલે સવારે મારા પપ્પા આવીને…..’

‘ના! આ બંગલો છે. ગેરેજ નથી. એમ રસ્તે જતાં અજાણ્યા માણસોનો વિશ્વાસ ન કરાય.’ શેઠાણીનાં અવાજમાં સ્પષ્ટ નકાર હતો.

‘કોણ છે, મમ્મી?’ પરખ નિરાશ થઈને પાછી ફરવા જતી હતી, ત્યાં જ સહેજ જાણીતો અવાજ સાંભળીને એ ચોંકી. અરે, આ તો પેલો જ! પણ અત્યારે એ આટલો બધો બદલાઈ ગયેલો કેમ લાગે છે? સફેદ કૂર્તા-ઝભ્ભામાં એનું વ્યકિતત્વ જોવું ગમે એવું લાગતું હતું. વાળ વ્યવસ્થિત ઓળેલા હતા. ચહેરો ધોયેલો હતો. એમાંથી ટપકતું સ્મિત એનું એ જ હતું, પણ અત્યાર એ ખંધુ લાગવાને બદલે શાલિનતાથી ભર્યું ભર્યું લાગી રહ્યું હતું.

‘અચ્છા! તો તમે પીછો કરતાં કરતાં છેક મારા ઘર સુધી આવી ગયાં! બોલો, શું કામ આવ્યાં છો? મમ્મીને ફરિયાદ કરવા?’

‘જી! તમે? હું તો સમજી હતી કે તમે ગેરેજમાં….’

‘મમ્મીએ પણ મારા દેદાર જોઈને એવી જ ટકોર કરેલી. પણ હું શું કરું? ઓફિસેથી નીકળ્યો, ત્યાં ગાડી બગડી. ગેરેજમાં ગયો, ત્યાં જમીન ઉપર પગ મૂકતાવેંત માટીમાં લપસી પડયો. ગાડી મૂકીને ગેરેજવાળાની બાઇક ઉપર ઘરે આવતો હતો ત્યાં રસ્તામાં કોઈ સ્વર્ગની અપ્સરાએ મને મવાલી માની લીધો. બોલો, હવે શો હુકમ છે?’

‘તમે જબરા મજાકીયા છો. પારસી છો?’ પરખે હસતાં હસતાં પૂછયું.

‘જન્મે વાણિયો છું, સ્વભાવે પારસી છું. ધંધામાં મારવાડી, દિલથી મજનૂ છું અને દેખાવે ગેરેજવાળો…’

બંને જણાં હસતાં રહ્યાં અને વાતો કરતાં રહ્યાં. પ્રવાહનાં મમ્મી પણ સમજી ગયાં કે બંને જણાં એકબીજાંને મળી ચૂક્યાં લાગે છે. એમણે આગ્રહ કરીને પરખને બેસાડી. એના ઘરે ફોન કરી દીધો. પછી ચા-નાસ્તો કરાવ્યા.

એક કલાક પછી પ્રવાહ એની ઇન્ડિકામાં પરખને બેસાડીને એનાં ઘરે મૂકવા જઈ રહ્યો હતો ત્યારે એક સાથે ત્રણ ઘટનાઓ ઘટી રહી હતી. ઘરે આવેલા પરખના પપ્પાને પરખની મમ્મી પૂછી રહી હતી : ‘આ બારદાનવાલા તો આપણી જ જ્ઞાતિના છે એજને? મૂળ તો શાહ. પણ ખાલી બારદાનના ધંધામાંથી કરોડો કમાયા એટલે એ અટકથી ઓળખાયા. એનો છોકરો કહેવાય છે કે બહુ સંસ્કારી છે. આપણી પરખ માટે…? પણ એવું ભાગ્ય આપણું ક્યાંથી? ક્યાં આપણે અને ક્યાં એ?’

શેઠાણી ફોન ઉપર શેઠ સાથે વાત કરી રહ્યા હતા : ‘મેં ફોન કરીને છોકરીની મમ્મી સાથે વાત કરી ત્યાં જ મને તો ખ્યાલ આવી ગયો કે આ કન્યા આપણને ભાણે ખપતી છે. ઘર ભલે ગરીબ રહ્યું, પણ કન્યા રતન જેવી છે. તમે તો વચમાં બોલશો જ નહીં. પ્રવાહ મારો દીકરો છે. હું કહીશ એમ જ થશે.’

અને એ જ વખતે ઇંડિકામાં બેઠેલાં બે યુવાન હૈયાં ભયંકર મનોમંથનમાં ડૂબેલાં હતાં. બંનેના બંધ હોઠોમાં એકસરખો સવાલ સળવળતો હતો : ‘હમણાં ઘર આવી જશે. આ એક કલાકનો સંગાથ પૂરો થશે. પછી શું? ફરીથી કયારે મળાશે? મળાશે ખરું?’

(સત્ય ઘટના : એક ગરીબ ઘરની દીકરી સાવ નાનકડી આકસ્મિક ઘટનાને કારણે એક અબજોપતિ કુટુંબની પુત્રવધૂ બની ગઈ. નિમિત્ત કયું? એક નાનકડા વાહનના પાછલા પૈડામાં ખીલી વાગવાને કારણે થયેલું પંકચર! માત્ર એટલું જ ? કે એ ખીલી એ બંગલા પાસે જ પડેલી હતી એની પાછળ વિધાતાનો કોઈ સંકેત હતો? કશીક અદ્રશ્ય શકિતની અકળ ગોઠવણ હતી? કોને ખબર! પણ એક વાત નક્કી છે, દીકરી એનું નસીબ સાથે લઈને જન્મે છે.)

શીર્ષક પંકિત : આદિલ મન્સૂરી