મુખ્ય પૃષ્ઠ > ડો.શરદ ઠાકરની નવલિકાઓ > આપ સર-આંખો ઉપર છો, આપ જ્યારે આવશો, આ સુગંધિત શ્વાસની છલકેલ છાબો આપશું. Posted on November 5,

આપ સર-આંખો ઉપર છો, આપ જ્યારે આવશો, આ સુગંધિત શ્વાસની છલકેલ છાબો આપશું. Posted on November 5,

ચા-નાસ્તાથી ખરડાયેલો સુરાગ અને ગાળોથી ખરડાયેલી રંઝીશ, નત-મસ્તકે ઊભા રહેતાં, સહન કર્યે જતાં અને વચ્ચે-વચ્ચે અછડતી નજર ફેંકીને એકબીજાની સામે જોઇ લેતા હતા.

નામ અરમાન લાકડાવાલા. પણ એને ઓળખનારા એને જુદી જ રીતે ઓળખતા હતા. એના સ્વર્ગસ્થ પિતા શેઠ ચીમનલાલ ચંદનના લાકડાં જેવા શીતળ હતા. પણ છોકરો નાનપણથી જ ભડકાનો અવતાર બનીને ફરતો હતો. એની ઝપટે જે ચડયો એ દાઝ્યો સમજો.

‘લાકડાવાલા ઇન્ડસ્ટ્રીઝ’ની હેડઓફિસમાં દર મહિને કર્મચારીઓ બદલાતાં રહેતા, એનું એક માત્ર કારણ આ અરમાન શેઠનો ક્રોધી સ્વભાવ. ગઇકાલની જ ઘટના એનું તાજુ પ્રકરણ. સવારે અગિયાર વાગ્યે અરમાન શેઠે ઓફિસમાં પગ મૂકયો. લાલચોળ અંગારા જેવા ડોળા ચોતરફ ફેરવી લીધા. પછી પોતાના પી.એ. સુરાગ દેસાઇ તરફ જોઇને ગર્જના કરી, ‘મોના કેમ નથી દેખાતી?’ સુરાગ દેસાઇએ મોનાનો બચાવ કરવાની કોશિશ કરી, ‘બસ, એ આવતી જ હશે… ગઇકાલે એ કહેતી હતી કે એનાં મમ્મીની તબિયત ઠીક નથી… કદાચ એના કારણે ‘લેટ’ પડી હશે.’ મોના જરાક વધુ લેટ પડી હોત તો સારું થાત. પણ એ બરાબર એ જ ક્ષણે ઓફિસમાં દાખલ થઇ. અરમાન બોસે ઠંડી ક્રૂરતાથી એને ક્રોસ એકઝામીન કરી લીધી, ‘કેમ છે તારા મમ્મીને?’

મોનાએ આશ્ચર્ય વ્યકત કર્યું, ‘મમ્મીને? મારી મમ્મીને? એને તો કંઇ નથી થયું!’ ‘તો પછી ઓફિસમાં આવતાં મોડું કેમ થયું?’ ‘એમાં એવું થયું સર, કે હું ઘરેથી નીકળી હતી, પણ રિક્ષા માટે રસ્તા પર ઊભી હતી ત્યાં મારી બાજુમાંથી કોઇ બાઇકવાળો પસાર થયો. એણે ખાબોચિયામાં થઇને બાઇક દોડાવી અને મારા કપડાં ગંદા પાણીથી ખરડાઇ ગયા. મારે ડ્રેસ બદલવા માટે પાછું ઘરે જવું પડયું. એના લીધે થોડી વાર..’ અરમાને ત્રાડ પાડી, ‘ઓફિસમાં કામ કરવા આવો છો કે ફિલ્મના શૂટિંગ માટે આવો છો? કપડાં ખરડાયા હોય તો ઓફિસમાં આવ્યા પછી પાણીથી સાફ કરી નાખવા હતા. આવા નટીવેડાં મારે ત્યાં નહીં ચાલે.’

‘સર, આઇ એમ સોરી… બટ…’ ‘મારી સામે દલીલો કરે છે? મારી સામે?! આઉટ! ગેટ આઉટ એટ વન્સ! સુરાગ, આનો હિસાબ કરી દો અને પગારની જે રકમ થાય એ એનાં ઘરે મોકલાવી દો! મોના, યુ કેન ગો નાઉ.’ મોના ચાલી ગઇ. એ પછી અરમાન શેઠે સુરાગ દેસાઇને તતડાવ્યો, ‘શા માટે જુઠું બોલતા હતા? મોના તમારી સગલી થાય છે? આના માટે મેં તમને મારા પર્સનલ આસિસ્ટન્ટ બનાવ્યા છે? યાદ રાખજો, પી.એ.મસ્ટ બી ફેઇથફુલ ટુ ધી બોસ, નોટ ટુ ધી સ્ટાફ મેમ્બર્સ.’

ઓફિસમાં સૌથી મહત્વની કામગીરી એની હતી, એટલે અપમાનિત થવાનો સૌથી વધારે ગેરલાભ એના જ ભાગે આવતો હતો. પણ એક વ્યક્તિ એવી હતી જે સુરાગ કરતાંયે સો ગણી કમનસીબ હતી. એ હતી રંઝીશ. એ અરમાન લાકડાવાલાની યુવાન, ખૂબસૂરત પત્ની હતી. વાત-વાતમાં અપમાન, નફરત અને ગાળાગાળી અને સુરાગ આ બધાનો સાક્ષી હતો. સુરાગ દેસાઇ અરમાનનો પર્સનલ આસિસ્ટન્ટ હતો, એટલે રોજ સવારના પહોરમાં નવ વાગ્યે શેઠના બંગલે હાજર થઇ જતો હતો. લગભગ રોજ એનું સ્વાગત અરમાનના હાથમાંથી સુદર્શન ચક્રની જેમ ફેંકાયેલી ચાની રકાબી કે નાસ્તાની પ્લેટથી થતું હતું.

કપડાં સુરાગના ખરડાતા હતા અને કાન રંઝીશનાં! ‘તારી માએ તને બટાકાપૌંઆ બનાવતાં નથી શીખવ્યું? અરમાન ભાન ભૂલીને પત્નીની ઉપર વરસી પડતો. સુરાગની હાજરીમાં પોતાનું અપમાન થાય એ રંઝીશ બર્દાશ્ત ન કરી શકતી એટલે પતિને શાંત પાડવાની કોશિશ કરતી, ‘સોરી, આજે જરા ખાંડ વધારે પડી ગઇ…’ ‘પડી ગઇ કે જાણી જોઇને પાડી દીધી? તને એમ હશે કે મને ડાયાબિટીસ લાગુ પડે અને હું મરી જાઉ તો તારો વહેલો છુટકારો થાય. પણ યાદ રાખજે, મરતાં પહેલાં હું તારું તો ગળું દબાવી નાખીશ! હલકટ..!’ ચા-નાસ્તાથી ખરડાયેલો સુરાગ અને ગાળોથી ખરડાયેલી રંઝીશ, નત-મસ્તકે ઊભા રહેતાં, સહન કર્યે જતાં અને વચ્ચે-વચ્ચે અછડતી નજર ફેંકીને એકબીજાની સામે જોઇ લેતા હતા. બંનેની નજરોમાં એક જ સવાલ ઊપસી જતો હતો : ‘કયાં સુધી આ તિરસ્કાર, એકસરખો જુલમ વેઠતાં બે જીવો વચ્ચે એક ખાસ પ્રકારનો મદુ સંબંધ વિકસી જતો,રંઝીશ તક મળે ત્યારે સુરાગની સામે જોઇને આછું એવું મલકી જતી હતી.

એક દિવસની વાત છે. સુરાગ દેસાઇ એના રોજિંદા ક્રમ પ્રમાણે શેઠના બંગલામાં પ્રવેશ્યો. અરમાન ત્યારે સેન્ડવિચ અને કોફી માણીને ઊભો થતો હતો. ‘વેઇટ ફોર એ મિનિટ’ એવું એને કહીને એ અંદર ગયો. થોડી વારમાં તૈયાર થઇને બહાર આવ્યો. આમ તેમ ડાફોળિયા માર્યા પછી એણે બરાડો પાડયો, ‘રંઝીશ! મારા બૂટ કયાં છે?’ ‘એ…લાવી..!’ બોલતી રંઝીશ એણે જાતે પોલિશ કરેલા ચમકતા શૂઝ હાથમાં પકડીને આવી પહોંચી. બૂટ એણે પતિ પરમેશ્વરના ચરણો પાસે મૂકયા. અરમાને એક બૂટ હાથમાં ઉપાડયો. એણે બૂટનું નિરીક્ષણ કર્યું. બૂટની સપાટી ઉપર હાથની આંગળી ફેરવી. બારીક રજની સપાટી ઉપર આછો લિસોટો પડયો. એ સાથે જ એનું માથું ફાટયું, ‘સા…લ્લી! હરામખોર! આવી રીતે પોલિશ કરે છે? વેઠ ઉતારતાં તને શરમ નથી આવતી? કામચોર! કમજાત! જા, લઇ જા આ બૂટને અને ફરીથી બ્રશ મારી આપ!’ હદ તો હવે આવી ગઇ, અરમાને બેય બૂટ ઉપાડીને વારાફરતી છુટ્ટો ઘા કર્યો. એક બૂટ રંઝીશના ગોરા, નમણાં મુખ ઉપર વાગ્યો અને બીજો એની છાતી ઉપર.

સુરાગ દેસાઇ હચમચી ઊઠયો. રંઝીશનું અપમાન એણે આજ પહેલાં પણ જોયું હતું, પણ આજે તો એની અંતિમ હદ આવી ગઇ હતી. સુરાગથી બોલ્યા વગર રહી ન શકાયું, ‘એકસ્યુઝ મી, સર! મેડમને આ કામ નહીં ફાવે. હું આવતીકાલથી એક છોકરાની વ્યવસ્થા કરી દઉ છું. અરમાને તોપનું નાળચું સુરાગની દિશામાં ફેરવ્યું, ‘મારા ખાનદાનની આબરૂ તને કયારથી વહાલી લાગવા માંડી? કે પછી બીજું કોઇ વહાલું લાગવા માંડયું છે? તું મારો પર્સનલ આસિસ્ટન્ટ છે કે મારી પત્નીનો? બોલતો કેમ નથી, ઇડિયટ? પગાર મારો ખાય છે ને ફેવર બીજાની કરે છે?’ ‘સર..! મેડમ બીજું કોઇ નથી, આપના પત્ની જ છે. એટલે હું…’

‘બસ, આ વાકય તું બોલ્યો એ સાચું બોલ્યો. રંઝીશ મારી પત્ની છે, તારી નહીં. આ વાત યાદ રાખજે.’ રંઝીશ નતમસ્તકે નવેસરથી ચમકાવેલા બૂટ મૂકીને ઊભી રહી, અરમાન રાક્ષસની અદાથી એમાં પગ નાખીને ચાલતો થયો અને એની પાછળ સુરાગ પણ બંગલામાંથી બહાર નીકળ્યો. ગાડીમાં બેસી ગયા પછી સુરાગને યાદ આવ્યું, ‘સર, એક અગત્યની ફાઇલ ટેબલ પર જ રહી ગઇ. હું આમ ગયો ને આમ આવ્યો.’ હકીકતમાં પાછા અંદર જવા માટે એણે જાણી જોઇને જ ફાઇલને ટેબલ પર રહેવા દીધી હતી. એ અંદર ગયો ત્યારે રંઝીશ મૂર્તિની જેમ ઊભેલી હતી.

સમય ખૂબ ઓછો હતો. સુરાગે સીધું જ પૂછી લીધું, ‘મેડમ, મારા એક સવાલનો જવાબ આપશો? આટલું અપમાન વેઠયા પછીયે તમે શા માટે આ માણસની સાથે જીવી રહ્યાં છો? એને છોડીને ચાલ્યાં કેમ જતાં નથી?’ રંઝીશ નામની જીવતી લાશે હોઠ ફફડાવ્યાં, ‘પિયરમાં કોઇ નથી. હું ભણેલી છું, પણ લંપટ પુરુષોથી ઊભરાતાં આ જગતમાં મને નોકરી કોણ આપે? શેના માટે આપે? અને બદલામાં મારી પાસેથી શું-શું ન માગે? માટે હું આ દૈત્યની સાથે જીવી રહી છું. પણ હવે તમે મારા એક પ્રશ્નનો જવાબ આપો, તમે શા માટે આ દાનવની નોકરીમાં પડી રહ્યા છો? તમે તો પુરુષ છો. તમને આવી સો નોકરીઓ મળી રહેશે.’ સુરાગ આછું એવું હસ્યો, ‘મેડમ, હું એટલા ખાતર અહીં પડી રહ્યો છું કેમ કે મને તમે ગમો છો.

મહિનામાં એકાદ વાર તમે મારી સામે જોઇને એક પ્રેમભર્યું સ્મિત ફરકાવો છો ને એની પ્રતીક્ષામાં બાકીનો મહિનો હું કાઢી નાખું છું. સાચું કહું, મેડમ? હું ધીરજપૂર્વક એ ઘડીની વાટ જોઇ રહ્યો છું જ્યારે તમારી ધીરજ ખૂટી પડે! હું કરોડપતિ ભલે ન હોઉ, પણ સાવ રોડપતિ યે નથી. તમને મારી હથેળીનો છાંયો કરીને સાચવીશ.’ રંઝીશે પાંપણો ઝપકાવીને મીઠો ટહુકો કર્યો, ‘હું તૈયાર છું.’

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: