મુખ્ય પૃષ્ઠ > ડો.શરદ ઠાકરની નવલિકાઓ > આવી પહોંચશે અહીં ક્યારેક રામ પણ, શ્રદ્ધારૂપે આ હાથમાં શબરીનાં બોર છે

આવી પહોંચશે અહીં ક્યારેક રામ પણ, શ્રદ્ધારૂપે આ હાથમાં શબરીનાં બોર છે

સાંજનો સમય હતો. હું અને ડો. ત્રિવેદી સાહેબ ગાડીમાં બેસીને મહેસાણા તરફ જતા હતા. ત્રિવેદીસાહેબ એટલે અમદાવાદનું નાક ગણાતી વિશ્વશ્રેષ્ઠ કિડની ઇન્સ્ટિટયૂટના સ્થાપક અને પથ પ્રદર્શક.

ત્રિવેદી સાહેબ પોતાની ધૂનમાં મગ્ન હતા. અમે ‘ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન’ની મહેસાણા બ્રાન્ચ તરફથી આયોજિત એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિઓ તરીકે જઇ રહ્યા હતા. પ્રસંગને અનુરૂપ સૂટ પહેરવા એમાં કશુંયે ખોટું ન હતું.

આમ પણ અમને બંનેને સારા, સુઘડ અને વેલસ્ટીચ કપડાં પહેરવાનો શોખ છે. ત્રિવેદી સાહેબના શોખનું કારણ હું નથી જાણતો, પણ મારા વિશે હું ધારું છું કે કદાચ હાઇસ્કૂલ અને કોલેજકાળ દરમિયાન કમિંતી, ફેશનેબલ વસ્ત્રો ન પહેરી શકવાના વસવસામાંથી મારી આ માનસિકતા જન્મી હશે અને સાહેબ માટે હું એટલું અવશ્ય જાણું છું કે કેનેડાની કુબેરી આવકને ઠોકર મારીને જન્મભૂમિને જ કર્મભૂમિ બનાવી દેનારા આ ઋષિતબીબ એક રાતી પાઇનીયે કટકી કર્યા વગર પોતાના પગારમાંથી આ શોખ પોષી રહ્યા છે.

જેમ ભ્રષ્ટાચારી નેતાઓના સાદા ખાદીના કપડાં કરતાં નરેન્દ્ર મોદીના મોંઘા વસ્ત્રો વધારે ‘ઊજળા’ છે એવું જ કંઇક ત્રિવેદી સાહેબના ‘અરમાની’ના સૂટ માટે કહી શકાય.

કોટ-પેન્ટ વિશેની મારી કોમેન્ટ સાંભળીને ડો.ત્રિવેદી સાહેબ હસ્યા, ‘તમે ધારો છો એવું નથી. દરેક પ્રવૃત્તિને પોતાનો ‘ડ્રેસ કોડ’ હોય છે. કોઇ સાધુ ગમે તેટલો મોટો મઠાધિપતિ બની જાય, પણ એ સૂટ નથી પહેરી શકતો, એણે ભગવી ધોતી જ ધારણ કરવી પડે છે. એ જ પ્રમાણે આપણે પણ આપણાં કન્સલ્ટિંગ રૂમમાં ગાંધીજીની જેમ પોતડી ચડાવીને નથી બેસી શકતા.

મારે નેશનલ અને ઇન્ટરનેશનલ તબીબી પરિષદોમાં આપણાં કામનો પ્રસાર કરવો હોય તો એને અનુરૂપ કપડાં પહેરવા જ પડે. એમાં આબોહવા અને ઋતુનો પણ ખ્યાલ રાખવો પડે.

હવે તો આપણાં દેશમાં પણ આવા સંમેલનો એરકન્ડિશન્ડ સભાગહોમાં યોજાય છે. સવાલ સૂટ-બૂટનો નથી, સવાલ તમારી વૃત્તિનો અને પ્રવૃત્તિનો છે. સૂટ ચડાવેલો માણસ સંત હોઇ શકે છે અને ક્યારેક ભગવી ધોતીમાં પણ ધમાલ હોઇ શકે!’

વાતો ચાલતી રહી, પંથ કપાતો રહ્યો. લગભગ આઠેક વાગ્યાના સુમારે મહેસાણા આવી ગયું. ગાડી ઊભી રહી. અમે નીચે ઉતર્યા. આયોજક તબીબ મિત્રો મોટી સંખ્યામાં અમારા સત્કાર માટે ઊભેલા હતા. પરિચય અને આવકારનો લાંબો પણ આનંદદાયક સિલસિલો ચાલ્યો.

પ્રશંસકો સાહેબના કાર્યના હતા અને મારી કલમનાં પણ. પહેલાં ઓટોગ્રાફ્સ માટે પડાપડી ચાલી, પછી ફોટોગ્રાફ્સ માટે. તરત જ અમને ભોજન માટે લઇ જવામાં આવ્યા.

સેંકડોની સંખ્યામાં ડોક્ટરો હાજર હતા. મહેસાણાના એક પણ ડોક્ટર એ સમયે ઘરમાં નહીં બેઠા હોય. અને મોટા ભાગના ડોક્ટરો જાણે લગ્ન પ્રસંગમાં આવ્યા હોય તેમ સજી-ધજીને સૂટ ચડાવીને પધારેલા હતા.

હું ડો. ત્રિવેદી સાહેબના કાનમાં ગણગણ્યો, ‘તમે ભલે ને ગમે તે કહો, પણ હું તો સ્પષ્ટપણે માનું છું કે આવા વસ્ત્રો પહેરીને આપણાંથી છેક છેવાડાના માણસ સુધી પહોંચી ન જ શકીએ. દેશનો સામાન્ય માણસ આપણને જોઇને ગભરાઇ જ જાય. આપણે ધારીએ તો પણ એની નિકટ ન જ પહોંચી શકીએ.’

કાર્યક્રમ શરૂ થઇ ચૂક્યો હતો એટલે સાહેબ કશો જવાબ ન દઇ શક્યા. કદાચ એ વિવાદ ટાળવા માગતા હતા, કે પછી જવાબ આપવાનું કામ એમણે વિધાતાને સોંપી દીધું હતું?! ભગવાન જાણે!

કાર્યક્રમ સુંદર રહ્યો. આપણાં હાસ્યકાર તારક મહેતાનું નાટક ભજવવામાં આવ્યું. વચ્ચેના ઇન્ટરવલમાં ત્રિવેદી સાહેબના અને મારા વક્તવ્યો રજૂ થયા. રાત્રે એક વાગ્યે સૌ છૂટા પડ્યા. વિદાયમાન પણ આવકાર જેટલું જ ભાવપૂર્ણ રહ્યું. અમે મહેસાણા છોડ્યું.

રાતનો સમય હતો. વાહનચાલક અત્યારે વધારે વેગમાં ગાડી દોડાવી રહ્યો હતો. આટલા બધા કલાકો સાથે રહ્યા હોવાના કારણે અમારી વાતો પણ હવે ખૂટવા આવી હતી. હું તો અઠંગ જાગેડુ માણસ રહ્યો, રોજ રાતનાં ત્રણ વાગ્યે પથારીમાં પડનારો. પણ ડો. ત્રિવેદી સાહેબને ઊંઘ આવી રહી હતી.

‘શરદ, ક્યાંક ગાડી ઊભી રખાવીશું? ડ્રાઇવરને ચા પીવી હોય તો…’ સાહેબે બગાસું ખાતાં કહ્યું.

‘ડ્રાઇવરની વાત છોડો ને, સાહેબ! તમારે કોફી પીવી છે એમ કહો ને!’ મેં હસીને જવાબ આપ્યો, પછી ડ્રાઇવર તરફ ફરીને સૂચના આપી, ‘ભાઇ, હાઇ-વે પર ક્યાંક હોટલ દેખાય તો ગાડી ઊભી રાખજે!’

‘સાહેબ, હોટલો તો ઘણી આવે છે, પણ અત્યારે બે વાગે ખુલ્લી ક્યાંથી હોય?’ ડ્રાઇવર મારી અણસમજ ઉપર હસ્યો. ગાડી દોડતી રહી.

અચાનક એણે બ્રેક મારી. ગાડીને ધીમી પાડી. પાછળ જોઇને અમે સાંભળી શકીએ તે રીતે બોલ્યો, ‘આગળ જરાક પ્રકાશ જેવું દેખાય છે. તપાસ કરી જોઉ. કદાચ ચા-કોફીનો મેળ પડી જાય!’

એણે ફરી બ્રેક મારી. ગાડી એક ઝૂંપડી આગળ ઊભી રહી ગઇ. ના, એ ઝૂંપડી ન હતી, એને હોટલ કે રેસ્ટોરન્ટ પણ ન કહેવાય. ત્રણ બાજુ કંતાનની દીવાલો ઊભી કરીને ચોથી ખુલ્લી બાજુએ એક ભાંગેલા-તૂટેલા લાકડાંના ટેબલ પર હિંદુસ્તાનનો સૌથી ગરીબ ટી-સ્ટોલ લઇને એક તદ્દન મુફલિસ આદમી ઊભો હતો.

એક તપેલી હતી, પાંચ-છ ગંદા કપ-રકાબી હતા, ચા-ખાંડના ડબલાં અને દૂધ. ફાનસના ઝાખાં અજવાળામાં એ પોતાનો અસબાબ સંકેલવાની તૈયારીમાં હતો.

‘એક મિનિટ, ભાઇ! બધું સમેટી ના લેશો.’ મેં ગાડીમાંથી કૂદકો મારતાં મોટા અવાજે વિનંતી કરી.

એણે કંટાળેલા અવાજે પૂછ્યું, ‘ઓર્ડર?’

‘બે કપ ચા.’ પછી ત્રિવેદી સાહેબ યાદ આવ્યા એટલે ઉમેર્યું, ‘અને એક કપ કોફી.’

‘ફક્ત ચા મળશે. દૂધ એટલું જ છે. ચા એક કપના દસ રૂપિયા લઇશ.’ એણે તુમાખીપૂર્વક કહ્યું.

‘આપીશું. અને સાંભળ! કોફી દૂધ વગરની જ જોઇએ. છે. સાહેબ કાયમ બ્લેક કોફી જ પીવે છે.’ મેં રસ્તો ખોળી કાઢ્યો અને ગાડીમાં બેઠેલા સાહેબ તરફ જોયું. પેલા માણસે પણ ગાડી તરફ ઘ્યાનથી જોયું. એ સમજી ગયો કે આવડી મોટી કાર ખાસ્સી એવી મોંઘી હોવી જોઇએ.

એણે તરત જ જાહેર કરી દીધું, ‘એક કપ કોફીનાં વીસ રૂપિયા થશે.’

હું આ ચીરી નાખે તેવો ભાવ સાંભળીને કચવાયો. (આ ઘટના લગભગ દસ-બાર વર્ષ પહેલાંની છે.) પણ હા પાડ્યાં સિવાય બીજો રસ્તો ન હતો.

ઐણે સ્ટવનો ધમધમાટ ચાલુ કરી દીધો. મેં સાહેબને વિનંતી કરી, ‘ગાડીમાંથી બહાર આવો, સાહેબ! જુઓ, વાતાવરણ સુંદર છે.’ ત્રિવેદી સાહેબ આવ્યા. થોડીવાર પછી અમે ખુલ્લાં આકાશ નીચે સુમસામ સડક ઉપર ફાલતુ કિટલીની ફાઇવસ્ટાર ચા-કોફી માણી રહ્યા હતા.

મને ટીખળ સૂઝી, ‘સાહેબ, ક્યાં કેનેડાની જાહોજલાલી! અને ક્યાં આપણા દેશની ગરીબી! અહીં આવીને તમે શું મેળવ્યું? ત્યાં રોલ્સ રોયસમાં ફરતાં હોત! એને બદલે અત્યારે આ વગડામાં ઊભા રહીને…’

‘સાહેબ, એક મિનિટ!’ હું ચોંક્યો. અવાજ પેલા ચા વાળાનો હતો. એ મને પૂછી રહ્યો હતો, ‘તમારી સાથે આ સાહેબ છે એ ત્રિવેદી સાહેબ છે? પેલા અમદાવાદના? કિડનીવાળા?’

‘હા, તમે એમને ઓળખો છો?’

‘હા, ભલે હું ક્યારેય એમને મળ્યો નથી, પણ નામ તો બહુ સાંભળ્યું છે. અમારા ગામનાં ઘણાં દર્દીઓ એમના હાથે નવી જિંદગી પામ્યા છે. મેં ક્યાંક વાંચેલું કે આ દેવ જેવા દાગતર કેનેડા છોડીને અમદાવાદમાં…’

‘તે સાચું જ વાંચ્યું છે, ભાઇ! એ લખનારો હું હતો અને એ દેવતા તારી સામે ઊભાં છે.’ મેં માહિતી આપી અને ચાનો ખાલી કપ એના ટેબલ પર મૂક્યો.

પછી ખિસ્સામાંથી પચાસની નોટ કાઢી. એણે મારો હાથ ઠેલી દીધો, ‘સાહેબ, પૈસા ન લેવાય. અડધી રાતે મારા આંગણે ઈશ્વર આવીને ઊભા છે ત્યારે હું પૈસા લેતો હોઇશ!’ પછી ધીમેથી મારા કાનમાં મોં નાખીને એણે પૂછી લીધું, ‘સાહેબ, મારે એમને પગે લાગવું છે. લાગું ને! સાહેબ ના નહીં પાડે ને?’

શો માહોલ હતો! મારી પાસે જો કેમેરા હોત તો મેં અચૂક ફોટો પાડી લીધો હોત! એક સૂટેડ-બૂટેડ ભગવાન હતા અને એક ફાટેલો-તૂટેલો ભક્ત હતો. મોંઘા વિદેશી કપડાંને ચીરીને પણ એક સંતનું જીવનકાર્ય છેક છેવાડાના માણસ લગી પહોંચતું હતું.

(શીર્ષક પંક્તિ – કલ્યાણી મહેતા)

(http://gujaratiliterature.wordpress.com/ માંથી)

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: