મુખ્ય પૃષ્ઠ > ડો.શરદ ઠાકરની નવલિકાઓ > એવું ક્યાં ભીંતો વગરનું ઘર મળે, છાપરું કે છત બધુ અદ્ધર મળે

એવું ક્યાં ભીંતો વગરનું ઘર મળે, છાપરું કે છત બધુ અદ્ધર મળે

અમદાવાદનો તર્પણ. કોઈને આદર્શવાદી લાગે, કોઈને ધૂની તો કોઈને મન વળી મૂર્ખ. હીરો જેવો હેન્ડસમ, ખાદીનાં વસ્ત્ર જેવો સાદગીસભર, નવા જન્મેલા બાળકના પ્રથમ સ્મિત જેવો નિર્દોષ, પણ એનું મન એટલે આશ્ચર્યોની તિજોરી અને વિચિત્રતાઓનો ભંડાર.

તુલસી નામની છોકરી એને પસંદ તો પડી ગઈ, પણ પરણવા માટે એ એકલો જ ગયો. જાન જોડવાની ધમાલ નહીં, ફટાકડાઓનો તાશીરો નહીં, બેન્ડવાજાંની અશ્લિલતા નહીં, ખુલ્લી સડક ઉપર પોપ-ભાંગડાની તર્જ ઉપર હાથ ઊંચા કરીને નાચવાની બેશર્મી નહીં.

તુલસીના છોડ ઉપરથી જે રીતે કોઈ ભકત પૂજા માટે પાંદડું ચૂંટી લાવે, એવી જ સહજતાથી તર્પણ પત્નીને લઈ આવ્યો. પૂરેપૂરી સમજદારી અને ગંભીરતા સાથે સંસારની શરૂઆત કરી. બાળકના આગમન માટે બાપ બનવાની કોશિશ આરંભી. ‘સૌંદર્યો પામતાં પહેલાં, સૌંદર્ય બનવું પડે’-કલાપીની આ ઉકિતને એણે સહેજ જુદા સંદર્ભે અપનાવી.

પછી એક દિવસ પત્નીને પાસે બેસાડીને નવો ધડાકો કર્યો: ‘નોકરી છોડીને ખાનગી ધંધો શરૂ કરું છું.’

‘પણ નોકરી સારી છે…મહિને પંદર હજાર રૂપિયાનો પગાર મળે છે.’ પત્નીએ પીછાં જેવી દલીલ કરી, હળવી છતાં પણ અનુભવી શકાય એવી!

‘સવાલ પૈસાનો નથી, સંતોષનો છે. આપણે ધારીએ તો મહિને પાંચ હજારમાં પણ ઘર ચલાવી શકીએ. મને ગાંધીજીની જેમ પ્રયોગો તો કરવા દે.’

અને મહાત્મા તર્પણના સત્યના પ્રયોગો શરૂ થયા. રાજકોટ શહેરમાં એક મકાન રાખ્યું, દુકાન રાખી, માલ ભર્યો, બધો જ વહેવાર એક નંબરનો. બે નંબરી ચોપડાની વાત નહીં. દુકાનનું નામ પણ ઈશ્વરને સંબંધિત રાખ્યું.

પહેલો ઘરાક માલ ખરીદવા આવ્યો : ‘લોન લઇને નાનકડું ઘર બનાવ્યું છે. થોડું ખપ પૂરતું ફર્નિચર બનાવવું છે. લાકડું અને પ્લાયવૂડ ખરીદવાં છે. સારો અને સસ્તો માલ બતાવો. કિંમત જરા વાજબી..નોકરિયાત માણસ છું..’

છેલ્લા શબ્દો એ ન બોલ્યો હોત તો પણ ચાલત. એની આર્થિક સ્થિતિ એની આંખોમાંથી ડોકાઈ રહી હતી. તર્પણે મીઠું સ્મિત પહેલાં પીરસ્યું, પછી વાકય – ‘ભાઈ, આ ઈશ્વરની દુકાન છે. માલ સારો જ મળશે. રહી વાત ભાવ-તાલની; તો માલની કિંમત તમે નક્કી કરજો. હું નહીં કરું.’

‘એટલે?’ ઘરાકનું મોં ખુલ્લું રહી ગયું.

‘માલ તમારી નજર સામે પડયો છે. જે પસંદ પડે એ લઈ જઈ શકો છો. બિલબુક મારા ખાનામાં છે. જે માલ વેપારી પાસેથી ખરીદ્યો એની અસલી પહોંચ હું તમને બતાવું છું. એ હશે મૂળકિંમત. એની ઉપર તમારે જેટલો નફો મને આપવો હોય એ તમે આપી શકો છો. હું ગણ્યા વગર પૈસા લઈ લઈશ.’ તર્પણે ખાનામાંથી પાવતીઓ કાઢીને ટેબલ ઉપર મૂકી.

‘પણ…’ ઘરાક ગૂંચવાઈ ગયો : ‘એમ તે કેમ ચાલે? ધારો કે હું તમને મૂળકિંમત કરતાંયે ઓછો ભાવ આપું તો?’

‘કંઈ વાંધો નથી. આજે રાત્રે તમને જ ઊંઘ નહીં આવે. અખતરો કરી જુઓ. ‘તર્પણે માનવીની જાતમાં ભારોભાર વિશ્વાસ મૂકયો અને એ વિશ્વાસ સાચો ઠર્યો. ઘરાકે જાતે જ ખરીદેલા માલ ઉપર નફાનું ધોરણ નક્કી કર્યું અને પૈસા ગણી આપ્યા.

એક ધનવાન ઘરાકે ‘એન્ટ્રી’ મારી : ‘નવો બંગલો બંધાવ્યો છે. વીસ લાખનું ફર્નિચર બનાવવું છે. માલ લેવા આવ્યો છું. ઉત્તમ કવોલિટી છે? કિંમતની ચિંતા ન કરશો.’

ઘરાકના અવાજમાં રૂપિયાનો અહંકાર રણકતો હતો. કમાઈ લેવાનું ટાણું હતું, પણ તર્પણ એનો એ જ હતો. માલની મૂળકિંમત ઘરાકની નજર સામે અને નફો કેટલો ચડાવવો એ ઘરાક નક્કી કરે. ભલેને એ ઘરાક આખી દુકાન ખાલી કરવા આવ્યો હોય! રામ કી ચીડિયા, રામ કા ખેત! ધંધો હવામાં આવેલા પતંગની જેમ જામ્યો. નોકરીના પંદર હજાર તો ક્યાંય પાછળ રહી ગયા.

એક રાત્રે વળી તર્પણને નવો વિચાર સૂઝ્યો. તુલસી આગળ એ વિસ્ફોટને એણે રજૂ કર્યો: ‘આવતી કાલથી આપણા ઘરનાં બારણાં ઊઘાડાં રહેશે. ઘરમાં જેટલાં તાળાં હોય એ બધાં સવાર પડતાં જ ફેંકી દઇશું.’

‘ભલે, રાત્રે સૂતી વખતે જ…’

‘ના, રાત્રે પણ બારણાં વાસવાનાં નહીં. ઘરની અંદર તિજોરીને પણ તાળું નહીં મારવાનું, કબાટો પણ ખુલ્લાં રહેશે.’

‘પણ તાળાં છો ને રહ્યાં ઘરમાં! કયાંક બહાર જઇએ ત્યારે તો મારવાં પડશે ને?’

આનો જવાબ એ જ સાંજે મળી ગયો. તર્પણ અને તુલસી નાટક જોવા માટે ગયાં. રાતનો છેલ્લો ખેલ હતો. નવથી બાર સુધીનો. ઘર ખુલ્લું મૂકીને ગયાં. રાત્રે એક વાગ્યે પાછાં ફર્યા તો મુખ્ય બારણે ખંભાતી તાળું લટકે! પડોશીઓ કોઈ પણ જાતના વ્રત વગરનું જાગરણ વેઠતા બેઠા હતા.

‘તાળું કોણે માર્યું?’ તર્પણ અકળાયો.

‘અમે માર્યું.’ પડોશી રમણભાઈ બોલ્યા : ‘તમે જુવાનિયા તે કંઈ માણસો છો? આવી બેદરકારી? ઘર બંધ કરવાનું જ ભૂલી ગયા?’

એમને સમજાવતાં નાકે દમ આવી ગયો. બધી વાત જાણ્યા પછી રમણભાઈ બગડયા : ‘આવા અખતરાઓ બંધ કરો!

‘મારે એ જ જોવું છે. મારે જોવું છે કે માનવી આખરે કેવો છે. મને એની સારપમાં શ્રદ્ધા છે. જો ચોર મારા ઘરમાંથી કંઈ લઈ જશે તો હું માનીશ કે એ વસ્તુની મારા કરતાં ચોરને વધુ જરૂર હશે.’

‘પછી તમે શું કરશો?’

‘કાં તો એ વસ્તુ વગર ચલાવી લઈશ…કાં બીજી નવી ખરીદી લઈશ.’ તર્પણે ખતરનાક અખતરો શરૂ કર્યો, જે આજ સુધી સફળતાપૂર્વક ચાલુ છે. ઘરમાં અનાજ, કપડાં, ધન, દાગીના બધું જ ભર્યું પડ્યું છે. દ્વારો દિશાની જેમ ખુલ્લા છે. પતિ-પત્ની આરામથી ફરે છે. એક પણ ચીજની ચોરી થઈ નથી! હા, પેલા પડોશી રમણભાઈના ઘરમાં બે વાર ચોરી થઈ ચૂકી છે.

ઘરમાં પારણું બંધાવાનો દિવસ નજીક આવી ગયો. તર્પણ પત્નીને લઇને અમદાવાદ આવ્યો. પૂરા મહિને ઓપરેશન દ્વારા બાળકનો જન્મ થયો. બાળકનું નામ પાડયું યુવરાજ. એ દિવસોમાં તર્પણ લગભગ દસ-બાર દિવસ અમદાવાદમાં રહ્યો, પણ રાજકોટનું ઘર ખુલ્લું જ હતું.

ઘર છોડતી વખતે ટેબલ ઉપર રૂપિયાની નોટો પડી હતી, એ ઊંચકીને તુલસી કબાટમાં મૂકવા ગઈ તો તર્પણે એને અટકાવી : ‘ના, એ પણ એક જાતનું તાળું જ કહેવાય. માણસજાતમાં વિશ્વાસ મૂકવો તો પૂરો મૂકવો. ચોરીની શરૂઆત અવિશ્વાસમાંથી જ થાય છે.’

એક સાત્વિક માણસનું તપ આ હળાહળ કળિયુગમાં કોઈ વેદકાલીન તપસ્વીની જેમ સોળેકળાએ ખીલી રહ્યું છે અને જે લોકોને આ વાતની જાણ છે એ તમામ આંખનું મટકું મારવાનુંયે ભૂલી ચૂકયા છે. આવું બની શકે ખરું? ખરેખર?! પ્રશ્નાર્થની પાછળ જ એના કરતાંયે મોટું આશ્ચર્યચિહ્ન ઊભેલું છે.

આ વાત મને કહેવા માટે તર્પણ રૂબરૂ મળવા આવ્યો. એ ઘટનાને આજે બેથી અઢી વરસ થવા આવ્યાં છે. અખબારી કોલમ માટે આવી કથા જબરદસ્ત આકર્ષણની વાત ગણાય, પણ છતાં મારે અંકુશ રાખવો પડયો. કારણ?

કારણ એટલું જ કે તર્પણની એક જ શરત હતી : ‘જો મારી વાત તમારી કોલમમાં લખો, તો મારું નામ-સરનામું પણ સાચું જ લખશો.’

હું ભડકી ગયો : ‘એમાં જોખમ છે, ભાઈ! આજ સુધી ભલે તારા ઘરે ચોરી નથી થઈ, પણ એક વાર તારું ઘર છાપે ચડશે પછી…ચોરી જરૂર થશે! મને માણસની દુર્જનતામાં પૂરો વિશ્વાસ છે!’

‘અને મને એની સજજનતામાં.’ તર્પણ હસ્યો હતો : ‘રામરાજ્ય ભારતમાં જ હતું ને, કે બીજે ક્યાંય? હું તો ભવિષ્યમાં દુકાનનું શટર પણ ખુલ્લું રાખવાનું વિચારી રહ્યો છું. અંદર દસ લાખનો માલ ભર્યો હોય, તો પણ…! અને આખી રાત…!’

‘સારો વિચાર છે. હું એ દિવસની રાહ જોઇશ. ઘરમાં ફર્નિચર બનાવવું હશે તો લાકડું ‘લેવા’ માટે છેક રાજકોટ આવીશ. એય તે મધરાતે!’

મેં કહ્યું અને એ હસી પડયો; એક નવું જન્મેલું બાળક હસે એમ; તદ્દન નિષ્પાપ, તદ્દન નિષ્કપટ.

(તર્પણને આપેલું વચન મેં તોડયું છે. એની જાણ બહાર પાત્રોનાં નામ બદલ્યાં છે. કારણ કે હું પણ માનવજાતને બરાબર ઓળખું છું. અહીં તો ગાંધીને પણ ગોળી મારનારા પડયા છે, દોસ્ત, તું કઈ વિસાતમાં?)

(શીર્ષક પંકિત : સ્વ. બાલુ પટેલ)

(http://gujaratiliterature.wordpress.com/ માંથી)

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: