મુખ્ય પૃષ્ઠ > ડો.શરદ ઠાકરની નવલિકાઓ > કારણ જુદાં જુદાં હો ફરક દર્દમાં નથી, એક જ તડપ મળી છે બધા બેકરારને

કારણ જુદાં જુદાં હો ફરક દર્દમાં નથી, એક જ તડપ મળી છે બધા બેકરારને

દાને-દાને પે લિખા હૈ ખાનેવાલે કા નામ. ડો. પરીખ આ કહેવત એવા અંદાઝમાં બોલી ગયા કે હું ચોંકી ગયો. મારા કાન સરવા થઇ ગયા. ‘કેમ? શું થયું? આ સદીઓ જૂની કહેવત અત્યારે શા માટે યાદ કરવી પડે છે?’ મેં પૂછ્યું.એ મૂછમાં હસ્યા, ‘ખાસ કંઇ નથી. બસ, એમ જ.’ પછી અમારા આવાસના પ્રવેશદ્વાર તરફ જૉઇને બબડયા, ‘લૂક ધેર! તમારા માટે કોલ આવી રહ્યો છે.’ મને ફાળ પડી. ખરેખર જ બારણામાં મોંઘી ભેલી હતી. હાથમાં ‘ઇમરજન્સી કોલ’નો લાલ પૂંઠાવાળો મોટો ચોપડો લઇને. હવે એમ ન પૂછશો કે ડો.પરીખને એ વાતની ખબર શી રીતે પડી ગઇ કે પેશન્ટને તપાસવા જવાનું આમંત્રણ મારા માટે હતું અને એમના માટે નહીં. અમે જે હોસ્પિટલમાં નોકરી કરી રહ્યા હતા, ત્યાં કર્મચારીઓના ભેદ બહુ સ્પષ્ટ હતા. ડો.પરીખ જનરલ સર્જન હતા અને હું ગાયનેકોલોજિસ્ટ. જૉ વોર્ડબોય ચોપડો લઇને આવે તો ડો.પરીખ માટે જ હોય અને જૉ આયા આવતી દેખાય તો એ મારા માટે.

લગભગ પચીસ વરસ પૂર્વેની ઘટના. અમદાવાદથી આશરે એંશી-પંચાશી કિ.મી. દૂર આવેલું નાનકડું શહેર. મોટી હોસ્પિટલ. નીચેના બે માળ પર પથરાયેલી હોસ્પિટલ અસંખ્ય દર્દીઓથી ઓવરફલો થતાં ડેમની જેમ ભરાતી રહેતી. ત્રીજા મજલે અમારા આવાસો હતા. હું એકલો જ હતો. વિશાળ કવાર્ટરમાં હું એકલો, જૂની હવેલીમાં ભટકતા ભૂતની જેમ મારી જિંદગીનો એક અતિ રમ્ય ટુકડો સમયના પાંદડે બાઝેલી વ્યસ્તતાની ઝાકળ બનીને વ્યતીત કરી રહ્યો હતો. મારાથી થોડેક દૂર ખુલ્લી અગાસી આવેલી હતી, જેના બીજા છેડે સર્જન મિત્ર ડો.પરીખનું શ્નથાણું’ હતું. ડો.પરીખ પણ જુવાન હતા, તાજા જ પરણેલા હતા. ઇન્દ્રના દરબારની એક અપ્સરા લપસીને, સરકીને, ગબડીને ભાગ્યવશાત્ એના શયનખંડમાં આવી પડી હોય એવી સુંદર એમની પત્ની હતી.

મારે આ પરીખ દંપતી સાથે સારી એવી આત્મીયતા બંધાઇ ગયેલી જયારે પણ નવરો પડું એટલે ડો.પરીખ ફોન કરે, ‘આવી જાવ. ચા તૈયાર છે.’

હું જવાબ આપું, શ્નચા બનાવતાં તો મને પણ આવડે છે! તમારી અપ્સરાના હાથમાં મેંદી મૂકેલી છે? એને કહો કે ચાની સાથે નાસ્તો પણ બનાવે!’

‘કહેવાની જરૂર નથી. અપ્સરા આપણા માટે ગરમાગરમ ભજીયા ઉતારી જ રહી છે. જૉ તમે મોડા પડો તો મારો વાંક ન કાઢશો. દાને-દાને પે લિખા હૈ ખાનેવાલે કા નામ!’

આ અમારી જિંદગી હતી. એ વખતની જિંદગી. દિવસ-રાત ગધેડા જેટલું વૈતરું કરતા હતા અને હાથી જેટલું ખતા હતા. માણસની ખાલ ઓઢીને દેવોય ન માણી શકે એટલી મઝા માણતા હતા.

પણ હું જે ઘટના વિષે લખી રહ્યો છું એ એક ખાસ દિવસ હતો. એ દિવસે ગુરુવાર હતો. શહેરના એક ડોકટર મિત્રે મને અને પરીખ દંપતીને પોતાના ઘરે રાત્રિભોજન માટે નિમંત્રણ આપેલું હતું. આમંત્રણ આપનાર ડો. શાહ એ શહેરના સ્થાનિક જનરલ પ્રેકિટશનર હતા. પૈસેટકે સુખી હતા અને મિત્રોને જમાડવાના શોખીન પણ. એકસાથે વીસ-ત્રીસ મિત્રોનો જમેલો એ કયારેય ન કરતા. દર અઠવાડિયે બે કુટુંબોને ભોજન માટે બોલાવતા રહેતા. એ દિવસે અમારો વારો હતો.

હું અને પરીખ બકાસુર બનીને રાતના સાડા આઠ વાગ્યાની પ્રતીક્ષા કરી રહ્યા હતા ત્યાં મોંઘી આવી પહોંચી. ચોપડામાં લખેલું હતું, ‘એન ઇમરજન્સી પેશન્ટ હેઝ કમ ફ્રોમ એ વિલેજ વિથ એકયુટ એબ્ડોમિનલ પેઇન એન્ડ વેજાઇનલ બ્લીડિંગ. હર કન્ડિશન ઇઝ ક્રિટીકલ. કાઇન્ડલી રશ ટુ ધી ઇમરજન્સી રૂમ. થેન્કસ.’

હું કપાળે હાથ દઇને ભો થયો. મનમાં નિદાનોની શૃંખલા ઠી રહી હતી. દર્દીની ગંભીરતા અનુસાર એક કલાકથી લઇને ત્રણ-ચાર કલાકનો સમય ઘડિયાળમાંથી છટકી રહ્યો હતો અને જીભ પરથી મધમીઠું મિષ્ટાન અને સ્વાદિષ્ટ ફરસાણ પણ હાથતાળી દઇને સરકી રહ્યા હતા. ડો. પરીખ મૂછમાં મલકી રહ્યા હતા. મેં એની બાજુમાં ભેલી એની લાવણ્યમયી પત્નીની સામે જૉયું.

‘ભાભી, આ ભુખાળવાને કહેજૉ કે ખાવમાં થોડો કાબૂ રાખે. મારા માટે કંઇક બચાવીને રાખે. પાછા આવો ત્યારે ટિફિન ભરીને લેતાં આવજૉ.’

ડો.પરીખે મને કાપી નાખ્યો, ‘એમ કોઇના ધેર અમારાથી ‘ભિક્ષા’ નહીં માગી શકાય પણ તમે ભૂખ્યા રહેવાની ચિંતા ન કરશો. રાત્રે ઘરે આવીને પન્ના તમારા માટે ખીચડી રાંધી આપશે. ઠીક છે?’હું પગ પછાડતો ચાલ્યો ગયો. મારી પીઠ પાછળ બે વ્યકિતઓના હસવાનો સ્વર અફળાયો, એક તંગ તાણેલા નરઘા પરથી ઠતો પુરુષ સ્વર એન એક સમી સાંજની આરતી ટાણે મંદિરમાં વાગતી ઝાલરના જેવો કર્ણમંજુલ સ્રી-સ્વર.

ઁઁઁ

મેં જૉયું કે ટેબલ ઉપર સૂતેલી ગરીબ, આદિવાસી સ્રીની હાલત ખરેખર ગંભીર હતી. એ જમાનો આજની સરખમણીએ અત્યંત દુવિધાયુકત હતો. તાલુકાના એ શહેરમાં દર્દીઓે તો પુષ્કળ હતા, પણ વૈજ્ઞાનિક ઉપકરણો ખૂબ અલ્પ સંખ્યામાં હતાં. એકસ-રે મશીન હતું, પણ ખોટકાયેલી હાલતમાં હતું. સોનોગ્રાફી નામનો શબ્દ પણ ત્યાં લગી પહોંરયો ન હતો. લેબોરેટરીમાં બે-ત્રણ પ્રાથમિક પરીક્ષણો જ થતાં હતાં. બ્લડ ટ્રાન્ઝફયુઝનની જરૂર પડે તો છેક નડિયાદ કે વડોદરાથી મગાવવું પડતું હતું. એનેસ્થેસિયા અમારે જ આપવું પડતું હતું.

એ સ્રીની શારીરિક તપાસ પછી મને લાગ્યું કે નિદાન સરળ ન હતું. પેટની જાદુઇ પેટીમાં શું છુપાયેલું છે એ જાણવા માટે પણ પેટીનું ઢાંકણ ખોલવું પડે એમ હતું. અમારી તબીબી પરીભાષામાં આવા (એટલે કે અનિિશ્ચત નિદાનને ખોળવા માટેના) ઓપરેશનને ‘એકસ્પ્લોરેટરી લેપ્રોટોમી’ કહે છે. દર્દીનું પેટ ખોલી નાખવાનું, એ પછી જે બીમારી દેખાય એનું ઓપરેશન કરી નાખવાનું. મેં પુષ્પાને બેહોશીનું ઇન્જેકશન આપ્યું પછી એનાં પેટ ઉપર ‘ઇન્સીઝન’ મૂકયો. મારો બેટ્ટો પરીખ અત્યારે ગુલાબજાંબુ અને બટાકાવડાં માણી રહ્યો હશે, મનમાં એક ક્ષણ પૂરતો આ વિચાર ઝબકયો અને પછી શમી ગયો.

હું ઓપરેશનમાં ડૂબી ગયો. ઓપરેશન થિયેટરમાં ચર્ચના જેવી શાંતિ પથરાઇ ગઇ. માત્ર કાતર અને ચીપિયાઓનો ‘કટ-કટ’ અવાજ કાન ઉપર અથડાતો રહ્યો. પુષ્પાનું પેટ ખોલ્યા પછી સૌથી પહેલું કામ મેં એનું ગર્ભાશય તપાસવાનું કર્યું. ગર્ભાશય હાથમાં પકડીને બંને છેડે આવેલી ફેલોપિઅન ટયૂબ્ઝ તપાસી લીધી.

મને ‘એકટોપિક પ્રેગ્નન્સી’ની આશંકા હતી પણ સદ્ભાગ્યો પુષ્પાની બંને નળીઓ સલામત અને સારી હતી. બંને અંડાશયો પણ સાજાસારાં હતાં પણ બ્લીડિંગ થતું હતું એનું કારણ શું? અંડાશયોએ તરત જવાબ આપી દીધો: એ માસિક સ્રાવ હતો. બીમારી સાવ અલગ જ હતી. બ્લીડિંગ માત્ર જૉગાનુજૉગ હતું.

મેં નર્સને સૂચના આપી, ‘ડો. પરીખ અત્યારે ડો. શાહના ઘરે બેઠા છે. એમને ફોન લગાડો અને રિસીવર મારા કાન પાસે ધરો.’

અડધી મિનિટ પછી હું વાત કરતો હતો, ‘ડો.પરીખ, જલદી આવી જાવ. પેશન્ટને ગાયનેકની કોઇ જ બીમારી નથી. આંતરડામાં કયાંક અવરોધ પેદા થયો હોય એવું લાગે છે. ઇટ ઇઝ પ્યોરલી એ સર્જિકલ કેસ. દર્દીનું ધેન તરી જાય એ પહેલાં તમે આવી જાવ. બાય ધી વે, તમે અત્યારે શું કરી રહ્યા છો?’

ડો.પરીખનો અવાજ માટીના લોંદા જેવો હતો, ‘બસ, પીરસાયેલી થાળીમાં હાથ નાખવાની શરૂઆત જ કરી રહ્યો હતો.’

‘તો હવે હાથ ન નાખશો. થાળી ભલે ત્યાં જ રહી. તમે આવો, એટલે હું ત્યાં ગોઠવાઇ જઉં છું. આખરે તમારુ કહેવું સાચું પડયું: દાને દાને પે લિખા હૈ ખાનેવાલે કા નામ!’ ટેલિફોનના આ છેડે હું હસી રહ્યો હતો, ફાટેલા ઢોલ જેવું અને સામેનો છેડો ખામોશ હતો. હા, બાજુમાંથી ધીમી-ધીમી ઝાલર વાગવાનો મીઠો સ્વર આવી રહ્યો હતો!

(શીર્ષક પંકિત:‍ ‘મરીઝ’)

(http://gujaratiliterature.wordpress.com/ માંથી)

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: