મુખ્ય પૃષ્ઠ > ડો.શરદ ઠાકરની નવલિકાઓ > છે અવિરત ધૂન તારા નામની, જિંદગી બાકી નથી કંઇ કામની

છે અવિરત ધૂન તારા નામની, જિંદગી બાકી નથી કંઇ કામની

વેણી બક્ષી ખૂબસૂરત હતી. એની સાથે એનાં ક્લાસમાં ભણતા બધા જ છોકરાઓ તોફાની, નટખટ અને નફ્ફટ હતા અને હિંમતવાન પણ.

‘મારી વેણીમાં ચાર ચાર ફૂલ…’ બકુલેશ રોજ મોડો આવતો અને ક્લાસરૂમમાં એન્ટ્રી મારતી વખતે જાણી જોઇને મોટેથી આ ગીત ગાતો. ગાતી વખતે એની નજર વેણીની દિશામાં જ મંડરાયા કરતી.

પહેલેથી ગોઠવી રાખ્યા મુજબ પાછલી બેન્ચ ઉપર બેઠેલો કોઇ વિદ્યાર્થી બૂમ પાડે, ‘છોડ ને યાર! આ ગીત તો સ્ત્રીઓએ ગાવા માટેનું છે, આપણે પુરુષોએ નહીં.’ બકુલેશ ત્યાં સુધીમાં અંદર આવી ચૂક્યો હોય અને બરાબર એ બિંદુ પર ઊભો હોય જે પહેલી બેન્ચ ઉપર બેઠેલી વેણીથી માંડ છ ઇંચ છેટું હોય.

પછી એ પાછલી બેન્ચવાળાને જવાબ આપતો હોય એવો ડાયલોગ ફટકારે, ‘શું કરું, યાર! મને વેણી ગમે છે. એમાંય મોગરાના ફૂલોની વેણી એટલે તો અધધ..! અહોહો! હાય! માર ડાલા! ગોરી ગોરી. તાજી તાજી. સુંદર મજાની મહેંક ધરાવતી વેણી. આવી વેણી જો એક વાર મારી થઇ જાય તો બંદા ન્યાલ થઇ જાય.’

બકુલેશની છટા, એની અદાકારી અને એનો દ્વિઅર્થી સંવાદ સાંભળીને ખીચોખીચ ભરાયેલો વર્ગખંડ હાસ્યના ઘ્વનિથી ગૂંજી ઊઠતો. બકુલેશના શબ્દોમાં અશ્લીલ કહેવાય એવું કશું જ ન હતું, પણ દ્વિઅર્થી અવશ્ય હતું. વેણી બધું જ સમજી જતી, પણ વિરોધ કરી શકતી ન હતી.

જો પ્રોફેસર કે પ્રિન્સિપાલને ફરિયાદ કરવા જાય તો બકુલેશની તિજોરીમાં ખુલાસાઓનો ખજાનો હાજર જ હતો, ‘શું વાત કરો છો, સર? મને તો એ વાતની ખબર પણ નથી કે આ રૂપાળી, મહેંકતી, અપ્સરા જેવી સુંદરીનું નામ વેણી છે. હું તો મોગરાના ફૂલોમાંથી બનાવેલી વેણી વિશે વાત કરતો હતો. મને શી ખબર કે આ ગોરી-ગોરી, નાજુક, કોમળ…’

‘ઠીક છે! ઠીક છે! મિસ વેણી બક્ષીની સુંદરતા વિશે વધુ કંઇ બોલવાની જરૂર નથી. યુ કેન ગો નાઉ! અને મિસ વેણી, તમારે પણ બકુલેશ જેવા તોફાનીઓ તરફ ઘ્યાન આપવાની જરૂર નથી. આ તો કોલેજ લાઇફ છે. થોડી નિર્દોષ છેડછાડ અને ગમ્મત ચાલતી જ રહેવાની.

અલબત્ત, જો કોઇ છોકરો તમારા વિશે સીધી કોમેન્ટ કરે તો અવશ્ય મારું ઘ્યાન દોરજો. આઇ વિલ ડિસમિસ હિમ!’ પ્રિન્સિપાલ બિટવિન ધી લાઇન્સ મોઘમ ધમકી ઉચ્ચારીને મામલા ઉપર ધૂળ ભભરાવી દેતા.

હવે મામલો અટક્યો સીધી કોમેન્ટ ઉપર. બીજે દિવસે નટુ સુથાર નામનો કોલેજિયન નાટકના તખ્તા પર પ્રવેશતો હોય એવી છટાથી ક્લાસરૂમમાં દાખલ થયો. એના જમણા હાથમાં અસલી ફૂલોની વેણી હતી, જેને સૂંઘતા-સૂંઘતાં એ અધમીંચેલી આંખો સાથે વેણી બક્ષીની બરાબર સામેથી પસાર થયો.

એના સાગરીતે બનાવટી પૂછપરછ કરી, ‘અલ્યા નટિયા! તારા હાથમાં શું છે?’

‘મારા હાથમાં વેણી છે.’ બંને હાથ હવામાં ફેલાવીને નટુએ શરૂ કર્યું, ‘હાથમાં જ શા માટે? મારા હૈયામાં, મારા દિમાગમાં, મારા દેહના રોમરોમમાં વેણીની ખૂશ્બુ સમાયેલી છે. આ વેણીને હું મારા દિલની સાવ પાસે રાખવા માગું છું, જ્યાંથી એને કોઇ છીનવી નહીં શકે.’

છોકરાઓએ બેન્ચો થપથપાવીને ધમાલ મચાવી દીધી. વેણી બક્ષીની હાલત પાતળી થઇ ગઇ.બરાબર એ જ સમયે ઘંટ વાગ્યો ને ફિઝિક્સના પ્રોફેસર જાની સાહેબ આવી પહોંચ્યા. કોલાહલ સાંભળીને તાડૂક્યા, ‘શું ચાલી રહ્યું છે આ બધું? આ ક્લાસરૂમ છે, શેરબજાર નથી.’

વેણી બક્ષીએ તક ઝડપી લીધી. ઊભાં થઇને ધીમા સ્વરે શક્ય તેટલા ટૂંકાણમાં નટુ સુથારની બદમાશીની ચાડી ફૂંકી દીધી. પ્રો.જાની બગડ્યા, ‘નટુ, વેણી ક્યાં છે?’ નટુએ વેણી બક્ષી તરફ આંગળી ચીંધી, ‘આ રહી, સર!’

‘હું એ વેણી વિશે વાત નથી કરતો, હું તારી વેણીનું પૂછી રહ્યો છું.’

‘આહ! મારી વેણી?! આ બે શબ્દો સાંભળવા જ કેટલાં ગમે છે! વાહ, મારી વેણી!’ નટુ પાછો ભાવાવેશમાં આવી ગયો.

‘મિ.નટુ, આઇ વિલ સી ધેટ યુ આર રસ્ટીકેટેડ ફ્રોમ ધી કોલેજ. સાથે ભણતી છોકરીની છેડાછેડ કરવી એ…’

‘સર, હું ક્યાં છોકરી વિશે વાત કરું છું? તમે તો હમણાં કહ્યું કે તમે વેણી બક્ષીનું નહીં, પણ મારી વેણી વિશે પૂછી રહ્યા છો!’

‘યસ, યસ, એ… જ હોય તે…’ સાહેબ ગૂંચવાયા, ‘વ્હેર ઇઝ યોર વેની?’

નટુએ ડાબી તરફના ખિસ્સામાં સંતાડી દીધેલી વેણી બહાર કાઢી. પ્રો.જાનીએ એ ઝૂંટવી લીધી. વેણીને તોડી-મચેડીને જમીન ઉપર ફેંકી દીધી. તોયે સંતોષ ન થયો એટલે બૂટવાળો પગ એની ઉપર મૂકીને વેણીનાં ફૂલોને ચગદી નાખ્યા.

છોકરાઓ ખામોશ. નટુ નાસીપાસ. વેણી બક્ષી વિશ્વવિજેતા. પ્રો.જાની સંતુષ્ટ અને ગર્વષ્ઠ બનીને બ્લેકબોર્ડ તરફ ચાલવા માંડ્યા. ફિઝિક્સનો વિજય ભણાવવા માંડ્યા. એમને થયું કે મામલો પૂરો થઇ ગયો.

બીજા દિવસે ખબર પડી કે મામલો પૂરો નહીં પણ હવે જ ખરો શરૂ થયો છે. કોલેજની તમામ દીવાલો ઉપર કોલસાથી લખાઇ ગયું હતું : આજકી તાજા ખબર. આજકી તાજા ખબર. અત્યાર સુધી તો માત્ર કોલેજમાં ભણતા છોકરાઓને જ વેણીમાં રસ હતો. હવે તો પ્રોફેસરો પણ વેણીમાં રસ લેવા માંડ્યા છે.

ગઇ કાલે ફિઝિક્સના પ્રો.જાની સાહેબે વેણીને કચડી નાખી, માસૂમ વેણીને મસળી નાખી! બિચારી નિર્દોષ વેણી એક જાલીમ પુરુષ દ્વારા પીંખાઇ ગઇ!

આ અને આનાથી ચડિયાતા લખાણોવાળા ચોપાનિયા કોલેજ કેમ્પસમાં ઊડતાં થઇ ગયા. પ્રો.જાની ત્રણ દિવસ સુધી સ્ટાફ રૂમની બહાર નીકળી શક્યા નહીં. વેણી બક્ષીએ એક અઠવાડિયા માટે રજા પાડી દીધી. એ પછી પણ જ્યારે એણે કોલેજમાં આવવાનું શરૂ કર્યું ત્યારે છેડછાડનું સમૂહગાન ફરી પાછું શરૂ થઇ ગયું.

હવે તો એનાં રૂપની સુગંધ પોતાનાં ક્લાસ પૂરતી સિમિત ન રહેતાં આખી કોલેજમાં પ્રસરી ગઇ હતી. એ જ્યાંથી, જ્યારે પણ પસાર થાય કે તરત જ ત્યાં ઊભેલું ટોળું ગેલમાં આવી જતું.

છોકરાઓ કત્રિમ કરૂણાના ભાવ સાથે મોંમાંથી ડચકારો બોલાવીને આવું વાક્ય બોલી ઊઠતા, ‘ડચડચ! બિચારી વેણી! પ્રોફેસરના હાથે પીંખાઇ ગઇ. એના કરતાં આપણે શું ખોટા હતા?!’

કાયદેસર આમાંના એક પણ શબ્દ વિરુદ્ધ કંઇ જ થઇ શકે તેમ ન હતું. વેણી હારી ગઇ. એણે હવે ફક્ત અભ્યાસમાં જ ઘ્યાન કેન્દ્રિત કરી દીધું. ફરિયાદ કરે તોયે કોની સામે કરે? કેટલાંની સામે કરે? એની બહેનપણીઓએ એને સલાહ આપી જોઇ, ‘વેણી, એક કામ કર! તારું નામ બદલી નાખ!’

‘શા માટે? આ નઠારા છોકરાઓથી ડરી જઇને મારું આટલું સરસ નામ હું શા માટે બદલાવી નાખું? આઇ લવ માય નેમ. ઇટ સ્યૂટ્સ માય પર્સનાલિટી.’

વેણીની વાત સાવ સાચી હતી. એ નાગરકન્યા કોલેજના એ દિવસો પૂરા થઇ ગયા. તરુણાઇનું તોફાન હવાની પાંખ ઉપર બેસીને ઊડી ગયું. વેણી પરણી ગઇ. એનો પતિ ભાવનગરમાં એક મિલ્ટનેશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર સ્થિત હતો. એટલે સુગંધનું પૂર ભાવનગરની હવાને ધન્ય કરવા માટે વહી ગયું.

ચાર-પાંચ વર્ષ વીતી ગયા. એક દિવસ બપોરના સમયે વેણી એનાં ઘરમાં એકલી જ હતી. પતિ ઓફિસમાં ગયેલો હતો. ત્રણ વર્ષનો દીકરો કે.જી.માં ગયો હતો. ત્યાં ફોનની ઘંટડી વાગી.

વેણીએ ભીનો હાથ લૂછતાં-લૂછતાં રીસીવર ઊઠાવ્યું, ‘હેલ્લો! આપને કોનું કામ છે? મારા હસબન્ડ તો ઘરમાં…’

‘નથી એ હું જાણું છું, માટે તો મેં આ સમયે ફોન કર્યો છે.’ સામા છેડે કોઇ પુરુષ બોલી રહ્યો હતો.

વેણી સહેજ ડરી, થોડીક ગુસ્સે થઇ જરાક આશ્ચર્યચકિત બની, ‘તમે કોણ?’

‘હું તમારો પ્રેમી બોલી રહ્યો છું.’ પુરુષે કહ્યું, પછી તરત જ એણે અવાજનો ટોન બદલીને હૃદયનો પટારો ખોલી નાખ્યો,

‘મહેરબાની કરીને આટલું વાક્ય સાંભળીને તમે ફોન કાપી ન નાખશો. હું કોઇ આવારા, હાલીમવાલી કે મજનુ નથી. મને ખબર છે કે તમે પરણી ચૂક્યાં છો. મેં ફોન એટલા માટે નથી કર્યો કે મારે તમને પામવા છે. એ સમય મેં કેટલાંક વર્ષો પહેલાં જ ગુમાવી દીધો છે.’

‘તો આજે શા માટે ફોન કર્યો છે?’

‘ફોન તો ક્યારનોય કરવો હતો, પણ નંબર ક્યાં હતો? માંડ તમારો ફોન નંબર મળ્યો છે. તમારી સાથે બે મિનિટ વાત કરવી હતી. વિચાર્યું કે આ સમય જ યોગ્ય રહેશે. તમારા પતિ કામ પર ગયા હશે…’

‘એક મિનિટ પૂરી થઇ ગઇ, હવે એક જ મિનિટ બચી છે.’ બોલી નાખો, ‘શું કહેવું છે?’

‘આમ તો ઘણું બધું. પણ એ બધું કહેવા બેસું તો સાત જન્મો ઓછા પડે. એટલે તો એક જ વાક્યમાં પતાવ્યું કે ‘હું તમારો પ્રેમી બોલું છું.’ વેણી, હું તમને એટલી તીવ્રતાથી ચાહતો હતો ને ચાહું છું જેટલી તીવ્રતાથી કોઇ ભક્ત ભગવાનને ચાહતો હોય!

મારામાં હિંમત નહોતી માટે આ જ વાત યોગ્ય સમયે હું તમને કહી ન શક્યો. પણ મને લાગે છે કે ‘હું તમને ચાહું છું’ એટલું જણાવ્યા વગર હું જગત છોડીને ચાલ્યો જઇશ તો મારો આત્મા અવગતે જશે. માટે આ ફોન કર્યો. બસ, વધારે કશું જ નથી કહેવું. તકલીફ બદલ ક્ષમા. ફોન મૂકું છું.’

‘એક મિનિટ, પ્લીઝ! ફોન કાપી ન નાખશો.’ વેણીએ ઝડપ કરી, ‘તમે કોણ છો એ તો તમે કહ્યું જ નહીં.’

‘એ કહેવાની જરૂર નથી.’

‘હા, જરૂર નથી, કારણ કે હું તમને ઓળખી ગઇ છું. તમારું નામ વ્યાપક વસાવડા છે. રાઇટ? તમે કોલેજમાં મારી સાથે ભણતા હતા. ગોરા-ગોરા, હેન્ડસમ, સૌમ્ય, સંસ્કારી…’

‘યસ, પણ તમે મને કેવી રીતે ઓળખી પાડ્યો?’

‘પ્રેમ ક્યારેય ભાષાનો મહોતાજ નથી હોતો, વ્યાપક! હું જોતી હતી કે તમે મારી સામે જ ટગર-ટગર જોયા કરતા હતા. આખા ક્લાસમાં ફક્ત તમે એક જ એવા હતા જેણે ક્યારેય મારી મજાક, મસ્તી કે છેડછાડ કરી ન હતી.

બીજા છોકરાઓ જ્યારે આવું બધું કરતા હતા, ત્યારે તમને દુ:ખ થતું હતું એ પણ હું જોઇ શકતી હતી. વ્યાપક, સાચું કહું? તમે પણ મને ગમતા હતા. જે વાત તમે આજે મને કહી દીધી એ જ વાત જો એ સમયે જણાવી દીધી હોત, તો..!’

‘તો?’

‘તો બીજું શું? આજે આપણે ફોન પર વાત ન કરતાં હોત! હૃદયમાં ઊઠતી સાચી લાગણીને વ્યક્ત કરવા માટે સાચો સમય અને સાચી હિંમતની જરૂર હોય છે. એ ન હોય તો કિસ્મતમાં બચે છે : ધૂળ, ધુમ્મસ ને ધુમાડો!’

(શીર્ષક પંક્તિ : બી.કે.રાઠોડ)

(http://gujaratiliterature.wordpress.com/ માંથી)

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: