મુખ્ય પૃષ્ઠ > ડો.શરદ ઠાકરની નવલિકાઓ > જિંદગી આવડ્યું તેવી રીતે મેં જીવી લીધી, પડી તિરાડ તો, ડૂસકાં ભરીને સીવી લીધી

જિંદગી આવડ્યું તેવી રીતે મેં જીવી લીધી, પડી તિરાડ તો, ડૂસકાં ભરીને સીવી લીધી

કેટલીક વ્યકિતઓ એવી હોય છે જે પાત્ર બનીને આપણા જીવનમાં પ્રવેશે છે, એનો પાઠ પૂરો થાય એટલે ચાલી જાય છે. પછી નાટકની ઉપર પડદો પડી જાય છે, પણ કેટલાંક પાત્રો આમાં અપવાદ જેવાં નીકળે છે. નાટક પૂરું થઈ જાય, પડદો પડી જાય, મેકઅપના થથેડા ઊતરી જાય એ પછી પણ એમનો પાઠ ભજવાતો રહે છે.

આવી જ એક છોકરી એટલે હેતા. આજથી થોડાંક વરસ પહેલાં સાવ અચાનક વાવંટોળની માફક એ મારા જીવનમાં આવી. પછી ફોતરાંની જેમ ઊડી ગઈ. મારા મગજના સંવેદનતંત્ર ઉપર કેટલાક ઉઝરડા છોડતી ગઈ અને પછી…

પણ ‘પછી’ના અનુસંધાનની વાત પછી કરીશું. પહેલાં શરૂઆત તો જોઈ લઇએ. ત્રણ-ચાર વરસ પહેલાંની વાત. બપોરનો સમય. ત્રણેક વાગ્યા હશે. બપોરનું ભોજન એનિસ્થીસ્યા બનીને દિમાગમાં પ્રસરી રહ્યું હતું. ત્યાં ટેલિફોનની ઘંટડી વાગી. નીચે આવેલા નર્સિંગહોમમાંથી સ્ટાફ-સિસ્ટરનો અવાજ હતો : ‘કોઈ છોકરી મળવા માટે આવી છે. એપોઇન્ટમેન્ટ લીધી નથી.’

‘ના પાડી દો. કહી દો કે ફોન કરીને આવે…’ મારું વાકય પૂરું થાય એ પહેલાં અવાજ બદલાયો. ‘તમારે આવવું જ પડશે. હું વાચક છું, ભિખારી નથી. તમારા સમય ઉપર અમારો અધિકાર છે.’

‘કબૂલ. પણ એ સમય લેવા માટે તમારે ફોન તો કરવો જોઇએ ને?’

‘એ વાત મને કબૂલ, પણ તમારો સમય લેવા માટે મારી પાસે સમય નથી. બાજુમાં જ કાંકરિયા તળાવ છે. હું જિંદગીથી છેતરાયેલી, લૂંટાયેલી યુવતી છું. તમારી મદદની આશા હતી. ફળે તો ઠીક છે, બાકી આપઘાત કરવા માટે મારે કાંકરિયાના પાણીની ‘એપોઇન્ટ્મેન્ટ’ મેળવવી જરૂરી નથી.’

હું ખળભળી ગયો. આ યુવતીના અવાજમાં હક્ક હતો, એક વફાદાર વાચક તરીકેનો. એક રુક્ષતા હતી, મારી ઊંઘ ઝાકળની જેમ ઊડી ગઈ. બે મિનિટ પછી હું એની સામે હતો. એ હેતા હતી.

આશરે વીસેક વરસની જુવાન છોકરી. એકવડિયો બાંધો. આંખોમાં કોલેજિયન છોકરીનાં જેવી ચમક. સાફ ઘઉંવણર્ણો ચહેરો. રૂપાળી બહુ ન કહેવાય, પણ નમણાશ ભારોભાર. મને જોઇને ચરણસ્પર્શ કરવા નીચે નમી, મેં એને રોકી :

‘રહેવા દે. તું મરવાનું નક્કી કરીને જ બેઠી હો, તો મને પગે ન લાગીશ.

સો વરસ જીવવાના મારા આશીર્વાદ ખોટા પડશે એ મને નહીં ગમે.’ એ રડી પડી: ‘મને બચાવી લો. મારે પણ જીવવું છે.’

‘વાત સંભળાવ. મારાથી થાય એટલું કરીશ. વચન આપું છું,’ મેં કહ્યું એ પછીની વાત હું રવિવારની મારી કટાર ‘રણમાં ખીલ્યું ગુલાબ’માં લખી ચૂકયો છું, એટલે વિસ્તારને ટાળીને વાતનો ‘એકશન રિપ્લે’ બતાવી દઉં.

હેતા મઘ્યમવર્ગીય કુટુંબની ભોળી છોકરી. પપ્પાનું અવસાન થઈ ચૂકેલું. મમ્મી, ત્રણ બહેનો અને એક નાનો ભાઈ. હેતા સોળ-સત્તર વરસની મુગ્ધાવસ્થાના ઊંબરે એક પ્રપંચી પુરુષની શબ્દજાળમાં ફસાઈ ગઈ. પેલો પુરુષ પરણેલો, છતાં કુંવારા હોવાનો દેખાવ કરે. સિટીબસમાં આયોજનપૂર્વક હેતાને મળ્યો.

‘મેડિકલ સ્ટૂડન્ટ છું’ કહીને હેતાને આંજી નાંખી. લગ્નનો વાયદો કર્યો. કોઈ મિત્રની હોસ્ટેલમાં લઈ જઈને એણે હેતાને પીંખી નાંખી. પછી તો ભાવતું મિષ્ટાન્ન એ વારંવાર ઝાપટતો રહ્યો. એક સમય એવો આવ્યો કે હેતાએ લગ્ન માટે જીદ પકડી. ચાંચિયો મુંઝાયો, પણ પછી એણે પણ સમાજની શરમ નેવે મૂકી દીધી.

એક પત્ની હયાત હોવા છતાં એણે હેતાને ઘરમાં બેસાડી દીધી. હેતાનાં કુટુંબે પોલીસમાં ફરિયાદ નોંધાવી, પણ હેતા હવે અઢાર વરસની થઈ ચૂકી હતી. પ્રેમ નામના ભ્રામક શબ્દની માયાજાળમાં પૂરેપૂરી કેદ થઈ ચૂકી હતી. એણે ઘરે પાછા ફરવાનો ઇન્કાર કરી દીધો.

મમ્મી અને બહેનોએ એના મોં પર કહી દીધું : ‘તું અમારા માટે મરી ચૂકી. હવે પેટ ભરીને પસ્તાઇશ, તો પણ અમારા ઘરે ન આવતી…’

જિંદગીનો એક અંક સમાપ્ત થયો. બીજો અંક અઢાર વરસની હેતા ઉપર સિતમ બનીને ત્રાટકયો. પુરુષની લંપટતાની પાંખડીઓ ધીમે-ધીમે ખૂલતી ગઈ. હેતાને ખબર પડી કે એનો પ્રેમી ચાલીસ-પિસ્તાળીસ વરસનો છે, એક દીકરીનો બાપ છે.

ડોકટર તો નથી જ, પણ બીજું કશું પણ કરતો નથી. કમાણી શૂન્ય છે. પત્ની નોકરી કરે છે અને ભાઇસાહેબ ધણખૂંટની જેમ દિવસ આખો આથડયા કરે છે. સિટીબસમાં ફરે છે અને કોઈ ભોળું કબૂતર મળી જાય છે, તો એને ચણ નાંખીને…!

દિવસ આખો હેતા ઘરકામ કરે, પ્રેમીની દીકરીને સાચવે, રાત પડે એટલે પ્રેમીને સાચવે. બે વરસની નરકયાતના પછી એ હારી ગઈ. કાંકરિયાનું શરણ લેતાં પહેલાં એણે ધારી લીધેલા સક્ષમ લેખક પાસે ધા નાંખી. ‘મને બચાવી લો, નહીંતર હું સીધી આપઘાત કરવા જઉં છું.’

અને મેં એની વાતને મારી કટારમાં વાચા આપી. બીજા કેટલાક લખાઈ ચૂકેલા હપ્તાઓને બાજુ પર રાખીને હેતાની કથાને પ્રાયોરિટી આપી. મારા મનમાં એકસાથે અનેક સમીકરણો રમી રહ્યાં હતાં. કદાચ આ લેખ અખબારમાં છપાયા પછી હેતામાં પેલા લફંગાની જેલમાંથી નાસી છૂટવાની હિંમત આવે.

કદાચ એની મમ્મી એનો સ્વીકાર કરે. આમાંનું કશું ન થાય, તો હેતાનો હાથ પકડનાર કોઈ ‘પુરુષ’ મળી આવે. મેં આ માટે કોલમના અંતિમ ચરણમાં વેધક અપીલ પણ કરી હતી. પેલાને સજા કરવાનો આશય પણ મનમાં હતો.

અને મારી ધારણાઓ અનેક અર્થમાં સાચી પડી. હેતા અને એનાં પરિવારનું મિલન થયું પણ ભૂતકાળની કડવાશ બંને પક્ષે હજુ તાજી હતી, એટલે હેતાનો એનાં જ ઘરમાં સંપૂર્ણ સ્વીકાર ન થઈ શકયો. પેલા ‘મજનૂ’ને પાઠ ભણાવવા માટે ગુજરાતભરના વાચકો મેદાનમાં આવી ગયા.

કેટલાંક વળી એના ઘરે જઈને એની શબ્દશ: ‘ખબર’ લઈ આવ્યા. પેલાની હાલત પાણીથીયે પાતળી થઈ ગઈ. જૂનાગઢ પાસેના કેશોદ ગામેથી એક અસલી રાજપૂતનો ફોન આવ્યો: ‘મને ઈ ભડના દીકરાનું સરનામું આપો. આવતી કાલે સાંજ પડે ઈ પે’લાં એને ભડાકે દેવો સે.’ મેં માંડ માંડ દરબારને શાંત પાડયા.

પણ એક વાત એવી બની જે મારીયે ધારણા બહારની હતી. ગુજરાતભરમાંથી જુવાન, ભણેલા-ગણેલા, સારી જ્ઞાતિના, કમાતા-ધમાતા મુરતિયાઓની ટંકશાળ મારા સરનામે વરસી પડી. બધાંના પત્રોમાં એક જ વાત :

‘હું હેતાનો હાથ પકડવા તૈયાર છું. એનો અગ્નિની સાક્ષીએ પત્ની તરીકે સ્વીકાર કરીશ. રાણીની જેમ રાખીશ. હથેળીનો છાંયો કરીશ. એના કલંકિત ભૂતકાળ વિષે જિંદગીમાં એક હરફ સરખો પણ નહીં ઉરચારું…’

હું દંગ રહી ગયો. મારા ગુજરાતમાં આવા સાત્ત્વિક, આટલા ઉદાર હૃદયના, આવા પરોપકારી યુવાનો પણ વસે છે! મારી એક ટહેલના બદલામાં આ લોકો એક ચૂંથાઈ ગયેલી સ્ત્રીને ઘરનાં કૂંડામાં તુલસીનું પવિત્ર સ્થાન આપવા માટે તૈયાર થયા છે!

અને આ કક્ષાના યુવાનો મારી કોલમને આટલા ભકિતભાવથી વાંચે છે! મારી દસ વરસની કટારલેખનની કારકિર્દીમાં વાચકો તરફથી મને મળેલી આ સર્વોત્તમ ભેટ હતી, છે અને રહેશે. આનાથી મોટો પુરસ્કાર તો તંત્રી પણ બીજો કયો આપી શકે?

પોરબંદરથી એક નાગર દંપતીની ટપાલ મળી. ‘અમે બંને સરકારી નોકરીમાં છીએ. ખૂબ સુખી છીએ. હેતાને અમે દીકરી તરીકે અપનાવવા માટે તલપાપડ (તૈયાર નહીં) છીએ. એને પરણાવવા સુધીની જવાબદારી પણ અમારી. કયારે મોકલો છો?’

મેં હેતાને જ પૂછ્યું : ‘શું જોઇએ છે? પતિ કે મમ્મી-પપ્પા? સાસરું કે પિયર? એ શરમાઈ ગઈ. બોલી : ‘તમે જિંદગી આપી છે. તમે જયાં મોકલશો ત્યાં જઇશ.’

મેં તમામ પત્રો એક તરફ ખસેડયા. ખિસ્સામાંથી એક અલાયદું ‘કવર’ બહાર કાઢયું : ‘ખેડા જિલ્લાના એક મોટા શહેરમાંથી કાગળ આવ્યો છે. સ્ત્રીઓ માટેની મોટી સંસ્થાના એક હિંમતવાન, દીર્ઘદ્રષ્ટા અને સમાજસેવી સન્નારી આશાબહેનનું આમંત્રણ છે. હું તને એમના સલામત હાથોમાં સોંપું છું. જઇશ?’

હેતા ઊઠીને મને પગે લાગી. આ વખતે મેં જે આશીર્વાદ એને આપ્યા, એ અત્યાર સુધી તો ફળ્યા છે. આશાબહેનના હાથમાં હેતાની જિંદગી સોળે કળાએ ખીલી ઊઠી છે. આશાબહેને હેતાને પોતાની જેમ જ એડવોકેટના અભ્યાસક્રમમાં દાખલ કરી દીધી છે. સ્ત્રી છાત્રાલયમાં હેતા બરાબર પાંગરી રહી છે.

થોડા મહિના અગાઉ કામ સબબ આશાબહેનનો પત્ર લઇને એ મને મળવા માટે આવી હતી. એની આંખોમાંથી છલકાતો આત્મવિશ્વાસ જોઇને મને લાગ્યું કે ભરબપોરે ઊડી ગયેલી આપણી ઊંઘનું અનુસંધાન કોઇકની જિંદગીમાં કેવો ઊજાસ બનીને ઊઘડે છે!

(શીર્ષક પંકિત : રમેશ પારેખ)

(http://gujaratiliterature.wordpress.com/ માંથી)

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: