મુખ્ય પૃષ્ઠ > ડો.શરદ ઠાકરની નવલિકાઓ > જૂઠ બોલીને હળાહળ કોઇ શરમાતું નથી

જૂઠ બોલીને હળાહળ કોઇ શરમાતું નથી

ડો. ખીમાણીએ રંગીન રેપરમાં બંધ ગિફટ પેકેટ ઝડપથી લઇને પેન્ટના ખિસ્સામાં સરકાવી દીધું. પછી તાકીદભર્યા સ્વરમાં કહ્યું, ‘થેન્ક યુ! તમારી કંપની ખરેખર સમજદાર છે, વેપારમાં પણ અને વહેવારમાં પણ. મારો સહકાર ચાલુ રહેશે. પણ એક વાતનું ઘ્યાન રહે, આ વાત માત્ર આપણી બેની વચ્ચે જ રહેવી જોઇએ.

તમે જાણો છો કે આ વિસ્તારમાં મારી ઇજજત કેટલી બધી છે! જે દિવસે આપણી લેતી-દેતીની વાત ત્રીજા માણસ પાસે પહોંચી એટલે સમજી લેજો કે મારા દિમાગમાંથી તમારી દવાઓનાં નામો ગાયબ!’ એક જાણીતી દવા-કંપનીના રિપ્રેઝન્ટેટીવે માથું હલાવ્યું, ‘મારું વચન છે, સર! આ વાત બે જણાં વચ્ચે જ રહેશે. ખુદ ભગવાનને પણ ખબર નહીં થાય!’

અને ખરેખર ભગવાનને પણ ખબર ન મળે એવું વર્તન હતું ડો. ખીમાણીનું. રાત્રે ઘરે જઇને એમણે પત્નીના હાથમાં ગિફટ પેકેટ મૂકી દીધું. ‘શું છે?’ પત્ની વસુંધરાએ પૂછ્યું. ડોકટર હસ્યા, ‘તારા માટેની વસ્તુ છે, તું જ જોઇ લે ને!’ પત્નીએ કાગળ હટાવ્યો. બોકસ ઉઘાડયું. આંખો ચાર થઇ ગઇ, ‘અરે! આ તો ડાયમંડનો નેકલેસ છે!’

‘સાચા ડાયમંડનો નેકલેસ! એ બ્યુટિફુલ ગિફટ ફોર એ બ્યુટિફુલ વાઇફ. આવતી કાલે તારો જન્મદિવસ છે ને!’ પતિએ વોશબેઝિનમાં હાથ ધોવાના બહાને પોતાનું મોં ફેરવી લીધું. રખેને જુઠ્ઠાણું પકડાઇ જાય! ડો. ખીમાણી પંદર હજારની વસ્તીવાળા નાનકડા શહેરમાં જનરલ પ્રેકિટસ કરતા હતા. એમ.બી.બી.એસ. થયેલા ન હતા.

બીજી કોઇ માન્ય ઉપચાર પદ્ધતિની ડિગ્રી પણ એમની પાસે ન હતી. એ, બી, સી, ડીમાંથી ગમે તે ચાર મૂળાક્ષરો પોતાના નામ પાછળ લગાડીને દુકાન ખોલીને બેસી ગયા હતા. એમનું વ્યકિતત્વ અને વાણી-વર્તન એવાં હતાં કે પહેલા જ મહિનાથી ઘરાકી જામી ગઇ હતી.

એમ તો બીજા સાત-આઠ ડોકટર હતા, પણ ડો. ખીમાણીની વાત જ અનોખી હતી. સુંદર સજાવટવાળા એમના કિલનિકની પાછળના ભાગમાં ચાર વિશાળ લંબચોરસ ઓરડાઓ આવેલા હતા. દરેક ઓરડામાં ડો. ખીમાણીએ દસ-દસ ખાટલાઓ ગોઠવી દીધા હતા. આ હતી એમની ઇન્ડોર એરેન્જમેન્ટ. દર્દીને દાખલ કરીને સારવાર આપવામાં બીજી ખાસ ગતાગમ તો એમને હતી નહીં, પરંતુ ગ્લુકોઝના બાટલા ચડાવવાનું કામ એમણે શીખી લીધું હતું.

ડો. ખીમાણીની પ્રેકિટસને પ્રેકિટસ ન કહેવાય, પણ એને તો રજવાડું જ કહેવું પડે. રોજ સવારે આઠ વાગ્યે તો ડોકટર એમની રાજગાદી ઉપર બેસી ગયા હોય. દર્દીઓનો મેળો જામે. સ્થાનિક દર્દીઓ તો ખરા જ, પણ બહારગામના દર્દીઓ પણ ઊમટી પડે. બસ મળે તો બસમાં, નહીંતર ઊંટગાડી કે બળદગાડામાં બેસીને પણ આવે.

‘શું તકલીફ છે?’ પ્રથમ દર્દી. પ્રથમ પ્રશ્ન.
જવાબ ગમે તે હોઇ શકે- ‘તાવ છે… માથું દુ:ખે છે… ઝાડા થઇ ગયા છે… પેટમાં દુ:ખે છે… ઊલટી થાય છે…’ જનરલ પ્રેકિટસ એટલે સામાન્ય રીતે સાત-આઠ ફરિયાદો વચ્ચે સમેટાઇ જતું શરીરવિજ્ઞાન. આટલા કોર્ષ બહારનો પ્રશ્ન સામે આવે એટલે જે-તે વિષયના કન્સલ્ટન્ટ ઉપર ભલામણ ચિઠ્ઠી લખી આપવાની. પણ આ તો બીજા ડોકટરો કરે, ડો. ખીમાણી એટલે તો સબ બંદર કા વેપારી.

દરેક દર્દીને તેઓ બે પ્રશ્નો અચૂક પૂછે જ: ‘ચક્કર આવે છે? અશકિત લાગે છે?’ કોઇ પણ બીમાર માણસ આ બે વાતમાં માથું હલાવીને ‘હા’ જ પાડવાનો. ડો. ખીમાણી આની જ વાટ જોઇને બેઠા હોય. તરત જ કૂદી પડે, ‘તમારું બ્લડપ્રેશર ઘટી ગયું છે. ડિહાઇડ્રેશન થઇ ગયું છે. શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થઇ ગયું છે, માટે ગ્લુકોઝના બાટલા ચડાવવા પડશે.’
‘સાહેબ, ખર્ચ કેટલું થશે?’ અભણ બાપ, ભાઇ કે પતિ પૂછે.

‘એક બાટલાના ચારસો રૂપિયા. પણ બે-ચાર કલાકમાં તમારું માણસ દોડતું કરી આપું.’ એક બાજુ ડો. ખીમાણીનો આત્મવિશ્વાસ, બીજી તરફ લોકોની એમના પરની શ્રદ્ધા અને ત્રીજી મહત્વની વાત, આજુબાજુના સિતેર જેટલાં ગામોમાં ડો. ખીમાણીનો બીજો કોઇ વિકલ્પ ન મળે તે! દર્દી પથારીભેગો થઇ જાય, ખણખણતાં નાણાં ખીમાણીના ખિસ્સાભેગાં થાય અને આભારના ડુંગર નીચે દબાયેલા દર્દીનાં સગાંવહાંલા ડોકટરના ચરણભેગાં થઇ જાય.

ચાલીસે ચાલીસ ખાટલા ભરાયેલા રહે. કેટલાક ખાટલાઓના કિસ્મતમાં તો દર ચાર કલાકે દરદીઓ બદલાતા રહે. સાંજ સુધીમાં અઢીસોથી ત્રણસો બાટલાઓનો ખુડદો નીકળી જાય. મહિને દહાડે સાતથી આઠ હજાર બોટલ્સ! અમદાવાદની કેટલીક જનરલ હોસ્પિટલોમાં આટલો જથ્થો નહીં વપરાતો હોય!

રાત્રે આઠ વાગે એટલે દવાખાનું બંધ અને દુનિયાદારી શરૂ થાય! શટર પાડીને ડો. ખીમાણી પાછલા દરવાજેથી દાખલ થયેલા મેડિકલ રિપ્રેઝન્ટેટિવ સાથે ખાનગી મસલતો શરૂ કરે, ‘બોલ, ભ’ઇલા, આ મહિને શું લાવ્યો છે?’ જવાબમાં દર વખતે કંઇક અનોખી અને કિંમતી ભેટ નીકળી પડે. મુન્ના માટે સોનાની અંગૂઠી, ‘ભાભીજી’ માટે હીરાનો હાર, ઘર માટેનું નવું નક્કોર ફ્રિજ કે પછી મોંઘા ભાવનો ડિજિટલ કેમેરા.

દવાની કંપનીને આ બધું પોસાય ખરું? હા, પોસાય. જો પાંચ-સાત રૂપિયાની કિંમતનું ‘પાણી’ સાત-આઠ હજાર બાટલાની સંખ્યામાં વેંચાતું હોય તો કોઇ પણ ભેંટ મોંઘી ન ગણાય. ડોકટરને તો બંને હાથમાં લાડુ જ લાડુ! સાત રૂપિયાની ગ્લુકોઝ બોટલ, પાંચ રૂપિયાની નળી અને વીસ ગણો નફો. વધારામાં જીવન જરૂરિયાતની ચીજો ભેટ રૂપે!

પણ ડો. ખીમાણીને એક વાતનો ડર: આ વાત કોઇ જાણી જશે તો? માટે જ તેઓ દર વખતે દવાની કંપનીના માણસને એક વાતની ખાસ તાકીદ કરે: ‘જોજે, હં! કોઇને ખબર ન પડે કે હું તારી પાસેથી ‘બોફોર્સ’ની કટકી મેળવું છું.’ પેલો પણ ડોકટરને વચન આપે: ‘માણસ તો શું, ભગવાનને પણ ખબર નહીં પડે!’

આવો વેપાર અને આવો વહેવાર વર્ષો સુધી ચાલતો રહ્યો. ડો. ખીમાણી તો એવા જ વહેમમાં જીવી રહ્યા છે કે એમના ગોરખધંધાની વાત કોઇ નથી જાણતું. પણ હમણાં થોડા સમય પહેલાં મારી ઉપર એક પત્ર આવ્યો. સુંદર મોતીના દાણા જેવા અક્ષરો. સંસ્કારી ભાષા. લખાણ ઉપર વેરાયેલા અશ્રુબિંદુઓના નિશાન.

વાંચીને ખળભળી જવાય તેવાં વાકયો: ‘આદરણીય ઠાકર સાહેબ, છેલ્લાં પંદર વર્ષથી ‘ડોકટરની ડાયરી’ વાંચતી આવી છું. ત્રિવેદી સાહેબ, નાડકર્ણી સાહેબ અને આચાર્ય જેવા સેંકડો દેવતાઇ પુરુષો વિશેની વાતો વાંચીને હું રડી પડું છું. મારા પતિ પણ ડોકટર છે. નામ ડો. ખીમાણી…’ આટલું લખ્યા પછી લખનાર વ્યકિત ડો. ખીમાણીનાં કારસ્તાનોનો પટારો ખુલ્લો કરી દે છે.

પછી ઉમેરે છે: ‘મારું નામ વસુંધરા છે. હું આ દાનવ જેવા પતિની સાથે રહીને પળે-પળે હિજરાયાં કરું છું. મારો પતિ એક રૂપિયાના ઇન્જેકશનના પચાસ રૂપિયા પડાવે છે. વીસ રૂપિયાની એક હજારના ભાવની ટેબ્લેટ્સ આપીને દર્દીઓ પાસેથી દસ હજાર રૂપિયા ખંખેરી લે છે. એકસપાયરી ડેટવાળા બાટલા અને ઇન્જેકશનો વાપરે છે. દવાની કંપનીઓ પાસેથી જાત-જાતની લાંચ સ્વીકારે છે અને ઉપરથી એ એવું માને છે કે આ વાતની કોઇને જાણ નથી.

હું બધું જાણું છું અને ચૂપચાપ જોયા કરું છું. મારા પતિને હું અટકાવી નથી શકતી કે બાળકોને કારણે એને છોડી પણ શકતી નથી. મને એક રસ્તો સૂઝે છે. મારો પતિ માને છે કે આ વાત કોઇ જાણતું નથી, પણ જો તમે તમારી કોલમમાં એનાં કૌભાંડો વિશે એક એપિસોડ લખો તો કેવું રહેશે? મને વિશ્વાસ છે કે એનો આત્મવિશ્વાસ હચમચી જશે. એ તમારી કોલમ નિયમિત વાંચે છે. લિ. તમારી હતભાગી બહેન વસુંધરાનાં વંદન.’

અને હું લખવાનું શરૂ કરું છું. વસુંધરાએ તો ભારપૂર્વક આગ્રહ કર્યો છે કે મારે એના પતિનું સાચું નામ લખવું, પણ એ મારી અંગત નીતિમત્તાની વિરુદ્ધની વાત હોવાથી મેં નામ બદલી નાખ્યું છે. એ આશા સાથે કે ઘણા બધા ડો. ખીમાણીઓ આ સત્યકથાને એમની પોતાની કહાણી માની લઇને બોફોર્સ કટકી કાંડ ઉપર ‘સ્ટે ઓર્ડર’ મૂકી દે! દરેક વાલિયા લૂંટારાએ એક વાત સ્વીકારી લેવી પડશે કે એના પાપકર્મમાં એમની વસુંધરાની સંમતિ હોતી નથી.

(શીર્ષક પંકિત: હારુન કોડીવાલા)

(http://gujaratiliterature.wordpress.com/ માંથી)

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: