મુખ્ય પૃષ્ઠ > ડો.શરદ ઠાકરની નવલિકાઓ > પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક, રસ્તામાં તારી સાથે મુલાકાત થઇ હશે

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક, રસ્તામાં તારી સાથે મુલાકાત થઇ હશે

ટ્રાફિક પોઇન્ટ ઉપરની લીલી બત્તી બંધ થઈ. લાલ લાઈટ ઝબૂકી ઊઠી. પરખે બ્રેક મારીને એનું મોપેડ ઊભું રાખ્યું. એની સાથેનાં અન્ય વાહનો પણ અટકી ગયાં. એક મોટરબાઈક એની બાજુમાં આવીને ઊભી રહી. સાવ અડોઅડ.

બાવીસ વર્ષની, પૂર્ણવિકસિત પુષ્પ જેવી પરખે જોયું તો એ જ હતો. સાવ મવાલી જેવો દેખાવ. પાતળું, ઊંચું શરીર. આછી દાઢી. વિખરાયેલા વાળ. ઉપર માટી અને કચરાનો અભિષેક. કાળા ધબ્બાવાળું ચોળાયેલું શર્ટ અને જીન્સનું પેન્ટ. એ પણ ડાઘાડૂઘીવાળું. પહેલી નજરે જ ખબર પડી જાય કે ગેરેજમાં મિકેનિક હોવો જોઈએ. ગાડીની નીચે ઘૂસીને જમીન ઉપર ચત્તાપાટ પડીને ગાડીનું સમારકામ કરતો હોય તો જ શરીર અને કપડાં ઉપર આવો ‘મેક-અપ’ ચડે.

લાલ બત્તી બંધ થઈ. ગ્રીન સિગ્નલ ચાલુ. વાહનો જાણે એકસામટાં હરીફાઈમાં ઊતર્યા હોય એમ દોડવા લાગ્યાં. પરખે જાણી જોઈને એનું મોપેડ ધીમું પાડયું. ખાસ એ જોવા માટે કે પેલો શું કરે છે. એણે પણ બાઈકની સ્પીડ ધીમી કરી નાખી.

પરખ મનમાં ને મનમાં ધૂંધવાઈ ઊઠી. છેલ્લી દસ મિનિટથી આ પકડદાવની રમત ચાલી રહી હતી. એણે જોઈ લીધું કે જાહેર રસ્તો છે. હજી તો સમી સાંજનો સમય છે. અંધારું થવાને ઘણી વાર છે. ધમધમતો ટ્રાફિક છે. એક ચીસ પાડે તો પણ ટોળું ભેગું થઈ જાય. પીછો કરનાર મવાલીની વોશિંગ પાઉડર વગર ધોલાઈ થઈ જાય. આ વિચારની સાથે જ એનામાં હિંમત આવી ગઈ.

‘એય..! શું છે?’ એણે મોટેથી પેલાને પડકાર્યો.

‘કેમ? શેનું શું છે?’ પેલો બી માથાનો નીકળ્યો. જાણે કે કંઈ જાણતો જ ન હોય એમ સામે સવાલો પૂછવા મંડયો.

‘છેલ્લી દસ મિનિટથી જોયા કરું છું. તમે મારી પાછળ-પાછળ આવી રહ્યા છો.’

‘હું પણ દસ મિનિટથી જોઉં છું કે તમે મારી આગળને આગળ દોડી રહ્યાં છો.’

‘તમારી આગળ વાહન ચલાવવું એ ગુનો છે?’

‘તો તમારી પાછળ વાહન ચલાવવું એ ગુનો છે? હું એકલો નહીં, બીજાં પચાસ વાહનો તમારી પાછળ આવી રહ્યાં છે. મોકલી દો બધાંને જેલમાં.’

પરખે નાક ફુંગરાવ્યું. ભયંકર ધૂર્ત અને ચાલબાજ લાગે છે આ માણસ. એની દલીલમાં જ કેવો દાંડ છે એ દેખાઈ આવે છે. આની સાથે જીભાજોડીમાં ન પડાય. પરખે મોં ફેરવી લીધું. મોપેડની ઝડપ પણ થોડીક વધારી દીધી. પેલાએ પણ બાઈક ભગાવ્યું. પરખથી આગળ નીકળી ગયો.

‘હાશ!’ પરખ બબડી. પણ એનાં હાશકારાની આવરદા બહુ ટૂંકી નીવડી. ત્રણેક મિનિટ પછી એ બીજા ટ્રાફિક પોઇન્ટ પાસે પહોંચી તો ત્યાં લાલ સિગ્નલ ચાલુ હતું. આ વખતે પરિસ્થિતિમાં સહેજ ફરક હતો. પેલા મવાલીની બાઈક આગળ ઊભી હતી, પરખનું મોપેડ એની તદ્દન પાછળ.

પેલાએ પરખની સામે જોઈને પીંછા જેવું હળવું સ્મિત ફરકાવ્યું : ‘હવે કોણ કોનો પીછો કરે છે?’

પરખનું દિમાગ ફાટયું : ‘મોં સંભાળીને બોલો, મિસ્ટર….’

‘પ્રવાહ.’ પેલો હસ્યો : ‘મિસ્ટર પ્રવાહ બારદાનવાલા નામ છે મારું. તમારું નામ જણાવી શકો ?’

પરખને એના ડાચા ઉપર સેન્ડલ ફટકારવાનું મન થઈ આવ્યું. પણ સમય ક્યાં હતો! લીલી બત્તી ચાલુ થઈ એટલે પેલાએ બાઈક મારી મૂકી. સહેજ આગળ જઇને એ ડાબી બાજુના ખાંચામાં વળી ગયો.

પરખનો માર્ગ પણ એ તરફ થઈને જ જતો હતો. એ પણ ડાબા હાથે વળી. પણ લગભગ અડધા કિલોમીટરના સીધા રસ્તા ઉપર ક્યાંય પેલા ખાલી બારદાનના સગડ દેખાતા નહોતા.

‘હાશ! છૂટયાં.’ પરખે નિરાંતનો શ્વાસ લીધો. ત્યાં જ એનું મોપેડ લડખડાયું. ગતિમાં અચાનક શિથિલતા આવી ગઈ. પરખે વાહન ઊભું રાખ્યું. જોયું તો પાછળના પૈડાનું ટાયર બેસી ગયું હતું. મતલબ કે પંકચર.

‘ઓહ, નો!’ પરખે ઘડિયાળમાં જોયું. કમ્પ્યૂટર કલાસમાંથી છૂટવામાં જ આજે મોડું થઈ ગયું હતું અને ઘરનો રસ્તો હજી પંદર મિનિટનો બાકી હતો. શિયાળાની સાંજ હતી એટલે આછું આછું અંધારું પણ છવાવા માંડયું હતું.

મુખ્ય માર્ગ ઉપર હતી ત્યાં સુધી વાંધો નહોતો. પણ આ ગલીમાં લોકોની અવરજવર નહિવત્ હતી. ગેરેજ ક્યાં હશે? ઘરે ફોન કરવો હોય તો પબ્લિક બૂથ કયાં હશે? અત્યારે પપ્પા પણ ઘરે નહીં હોય. મમ્મીને ફોન કરવાથી યે શું વળવાનું?

એક જ રસ્તો હતો. આજુબાજુના કોઈ મકાનમાં જઈને મદદ માગવી. કાં તો ફોન કરીને ઘરે જણાવી દેવું કે આવતાં થોડુંક મોડું થશે. અથવા તો ત્યાં વાહન મૂકીને રિક્ષામાં બેસીને ઘરભેગા થઈ જવું. પપ્પા પછીથી આવીને મોપેડનો કંઇક રસ્તો ખોળી કાઢશે.

પરખે આસપાસ નજર ઘૂમાવી. પોશ વિસ્તાર હતો. ભવ્ય બંગલાઓ હતા. તોતીંગ દરવાજાઓ હતા. એકના ઝાંપા ઉપર તાળું લટકતું હતું. બીજાના ઝાંપે પાટિયું મારેલું હતું : કૂતરાથી સાવધાન. ત્રીજા બંગલાના ખુલ્લા ઝાંપાને અડીને એક વોચમેન ઊભો હતો. એની આંખોમાંથી ટપકતી લોલૂપતાને જોઈને પરખે મદદ માગવાનો વિચાર માંડી વાળ્યો.

હવે એક જ બંગલો રહ્યો. પરખ સાવધાનીપૂર્વક એનો ઝાંપો હડસેલીને અંદર પ્રવેશી. પણ દાખલ થયા પછી એની આંખો ફાટી ગઈ.

બંગલાની અંદર માર્બલ હોય એ એણે જોયું હતું, પણ બહારના ખુલ્લા ભાગમાં છુટ્ટે હાથે વેરાયેલો ગ્રેનાઈટ એ આજે પહેલી વાર જોતી હતી. જમણા હાથે હારબંધ ચાર ગાડીઓ પાર્ક કરેલી હતી. દૂર ડાબા હાથે એક માળી ઘાસની લોનમાં પાણીનો છંટકાવ કરી રહ્યો હતો.

હીંચકા ઉપર એક જાજરમાન આધેડવયની સ્ત્રી બેઠી હતી. પરખે વિચાર્યું, એ જ આ બંગલાની શેઠાણી હોવી જોઈએ.

પરખ કંઈ બોલવા માટે મોં ઊઘાડે એ પહેલાં શેઠાણીનો કરડાકીભર્યો અવાજ એમનાં કાને અફળાયો : ‘કોનું કામ છે, છોકરી?’

‘જી….જી! હું… મારું વાહન… ટાયરમાં પંકચર પડયું છે…. તો અહીં મૂકી શકું? આજની રાત… કાલે સવારે મારા પપ્પા આવીને…..’

‘ના! આ બંગલો છે. ગેરેજ નથી. એમ રસ્તે જતાં અજાણ્યા માણસોનો વિશ્વાસ ન કરાય.’ શેઠાણીનાં અવાજમાં સ્પષ્ટ નકાર હતો.

‘કોણ છે, મમ્મી?’ પરખ નિરાશ થઈને પાછી ફરવા જતી હતી, ત્યાં જ સહેજ જાણીતો અવાજ સાંભળીને એ ચોંકી. અરે, આ તો પેલો જ! પણ અત્યારે એ આટલો બધો બદલાઈ ગયેલો કેમ લાગે છે? સફેદ કૂર્તા-ઝભ્ભામાં એનું વ્યકિતત્વ જોવું ગમે એવું લાગતું હતું. વાળ વ્યવસ્થિત ઓળેલા હતા. ચહેરો ધોયેલો હતો. એમાંથી ટપકતું સ્મિત એનું એ જ હતું, પણ અત્યાર એ ખંધુ લાગવાને બદલે શાલિનતાથી ભર્યું ભર્યું લાગી રહ્યું હતું.

‘અચ્છા! તો તમે પીછો કરતાં કરતાં છેક મારા ઘર સુધી આવી ગયાં! બોલો, શું કામ આવ્યાં છો? મમ્મીને ફરિયાદ કરવા?’

‘જી! તમે? હું તો સમજી હતી કે તમે ગેરેજમાં….’

‘મમ્મીએ પણ મારા દેદાર જોઈને એવી જ ટકોર કરેલી. પણ હું શું કરું? ઓફિસેથી નીકળ્યો, ત્યાં ગાડી બગડી. ગેરેજમાં ગયો, ત્યાં જમીન ઉપર પગ મૂકતાવેંત માટીમાં લપસી પડયો. ગાડી મૂકીને ગેરેજવાળાની બાઇક ઉપર ઘરે આવતો હતો ત્યાં રસ્તામાં કોઈ સ્વર્ગની અપ્સરાએ મને મવાલી માની લીધો. બોલો, હવે શો હુકમ છે?’

‘તમે જબરા મજાકીયા છો. પારસી છો?’ પરખે હસતાં હસતાં પૂછયું.

‘જન્મે વાણિયો છું, સ્વભાવે પારસી છું. ધંધામાં મારવાડી, દિલથી મજનૂ છું અને દેખાવે ગેરેજવાળો…’

બંને જણાં હસતાં રહ્યાં અને વાતો કરતાં રહ્યાં. પ્રવાહનાં મમ્મી પણ સમજી ગયાં કે બંને જણાં એકબીજાંને મળી ચૂક્યાં લાગે છે. એમણે આગ્રહ કરીને પરખને બેસાડી. એના ઘરે ફોન કરી દીધો. પછી ચા-નાસ્તો કરાવ્યા.

એક કલાક પછી પ્રવાહ એની ઇન્ડિકામાં પરખને બેસાડીને એનાં ઘરે મૂકવા જઈ રહ્યો હતો ત્યારે એક સાથે ત્રણ ઘટનાઓ ઘટી રહી હતી. ઘરે આવેલા પરખના પપ્પાને પરખની મમ્મી પૂછી રહી હતી : ‘આ બારદાનવાલા તો આપણી જ જ્ઞાતિના છે એજને? મૂળ તો શાહ. પણ ખાલી બારદાનના ધંધામાંથી કરોડો કમાયા એટલે એ અટકથી ઓળખાયા. એનો છોકરો કહેવાય છે કે બહુ સંસ્કારી છે. આપણી પરખ માટે…? પણ એવું ભાગ્ય આપણું ક્યાંથી? ક્યાં આપણે અને ક્યાં એ?’

શેઠાણી ફોન ઉપર શેઠ સાથે વાત કરી રહ્યા હતા : ‘મેં ફોન કરીને છોકરીની મમ્મી સાથે વાત કરી ત્યાં જ મને તો ખ્યાલ આવી ગયો કે આ કન્યા આપણને ભાણે ખપતી છે. ઘર ભલે ગરીબ રહ્યું, પણ કન્યા રતન જેવી છે. તમે તો વચમાં બોલશો જ નહીં. પ્રવાહ મારો દીકરો છે. હું કહીશ એમ જ થશે.’

અને એ જ વખતે ઇંડિકામાં બેઠેલાં બે યુવાન હૈયાં ભયંકર મનોમંથનમાં ડૂબેલાં હતાં. બંનેના બંધ હોઠોમાં એકસરખો સવાલ સળવળતો હતો : ‘હમણાં ઘર આવી જશે. આ એક કલાકનો સંગાથ પૂરો થશે. પછી શું? ફરીથી કયારે મળાશે? મળાશે ખરું?’

(સત્ય ઘટના : એક ગરીબ ઘરની દીકરી સાવ નાનકડી આકસ્મિક ઘટનાને કારણે એક અબજોપતિ કુટુંબની પુત્રવધૂ બની ગઈ. નિમિત્ત કયું? એક નાનકડા વાહનના પાછલા પૈડામાં ખીલી વાગવાને કારણે થયેલું પંકચર! માત્ર એટલું જ ? કે એ ખીલી એ બંગલા પાસે જ પડેલી હતી એની પાછળ વિધાતાનો કોઈ સંકેત હતો? કશીક અદ્રશ્ય શકિતની અકળ ગોઠવણ હતી? કોને ખબર! પણ એક વાત નક્કી છે, દીકરી એનું નસીબ સાથે લઈને જન્મે છે.)

શીર્ષક પંકિત : આદિલ મન્સૂરી

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: