મુખ્ય પૃષ્ઠ > ડો.શરદ ઠાકરની નવલિકાઓ > પ્રથમ પાને પ્રકાશિત લેખને જગ્યા પડી ઓછી,જીવનના શેષ પાનામાં અનુસંધાન શોધું છું.

પ્રથમ પાને પ્રકાશિત લેખને જગ્યા પડી ઓછી,જીવનના શેષ પાનામાં અનુસંધાન શોધું છું.

અમાનતને ભયંકર આઘાત લાગ્યો. એનો પતિ આદેશ સવારનો ‘બ્રેકફાસ્ટ’ પતાવીને હમણાં જ ઓફિસમાં જવા માટે નીકળ્યો હતો. કામવાળી રાધા રાહ જોઇને ઊભી હતી.

‘બુન, કચરા-પોતાં કરી નાખ્યા. વાસણ પણ માંજી નાખ્યા. હવે કપડાં આલો એટલે કામનો પાર આવે. આજે જરા મોડું થઇ ગયું. બીજા ચાર ઘરનાં કામ બાકી પડ્યા છે.’

અમાનતે બે બાલદી ભરીને મેલા કપડાં ધરી દીધાં. રાધા કંઇ બોલે તે પહેલાં જ એણે જણાવી દીધું, ‘ઊભી રહે. હજુ તારા સાહેબના પેન્ટ-શર્ટ બાકી છે. લઇ આવું.’

એ બેડરૂમમાં ગઇ. ખીંટી ઉપર લટકતાં પેન્ટ-શર્ટ ઉઠાવ્યા, ખિસ્સામાં કંઇ રહી જતું નથી ને એ તપાસવા માટે એણે પેન્ટના બંને ખિસ્સાઓમાં હાથ નાખ્યો. એકમાંથી લાઇટર નીકળી પડ્યું ને બીજામાંથી સિગારેટનું પેકેટ.

ભયંકર આઘાત લાગ્યો અમાનતને : ‘આ માણસે હજુ પણ તમાકુ ફૂંકવાનું બંધ નથી કર્યું?! એને ખબર છે કે મને સ્મોકગિં પ્રત્યે હાડોહાડ નફરત છે, તો પણ..? અરે, છેલ્લા છ મહિનામાં એ સાંઇઠ વાર તો વચન આપી ચૂક્યો છે.

ગયા મહિને એણે ભગવાનની મૂર્તિ સાથે પાણી હાથમાં લઇને પ્રતિજ્ઞા લીધી હતી કે જિંદગીમાં ક્યારેય બીડી-સિગારેટને હાથ નહીં લગાડું. એ પછી પણ જ્યારે એ પકડાઇ ગયો ત્યારે એણે મારા પર હાથ રાખીને કસમ ખાધી હતી. અને તો પણ..?!’

હા, તો પણ આદેશના પેન્ટના ખિસ્સામાંથી આ મોતનો સામાન નીકળી પડ્યો હતો. એ બપોરે જ્યારે આદેશ લંચ માટે ઘરે આવ્યો ત્યારે અમાનતે ઉગ્ર વિરોધ દર્શાવ્યો. આદેશ વિફરી બેઠો, ‘હા, હું હજુ પણ સિગારેટ પીવું છું અને આખી જિંદગી પીતો રહીશ. તું શું કરી લઇશ?’

અમાનત સ્તબ્ધ બનીને સાંભળી રહી. આ દેશમાં એક પત્ની એનાં પતિની સામે શું કરી શકે? કંઇક બોલવા જાય તો પણ બે ગાળો સાંભળવી પડે. તેમ છતાં અમાનત આટલું તો બબડી જ ગઇ, ‘આદેશ, જેટલો આઘાત તારા કપડાંમાંથી લાઇટર અને સિગારેટનું પેકેટ મળ્યું એ જોઇને નથી લાગ્યો એના કરતાંયે મોટો આઘાત મને એ વાતનો લાગ્યો છે કે તે મારા માટે ખાધેલા સમનું પાલન ન કર્યું. તારે મારા પ્રેમની તો લાજ રાખવી હતી!!’

આદેશ ગર્જી ઊઠ્યો, ‘ખોટી કચકચ કરીને મારું માથું ના દુખાવ! તું મારી જિંદગીમાં કેટલા વર્ષથી આવી છો?’

‘આપણા લગ્નને પાંચ વર્ષ થયા. એની પહેલાં બે વર્ષથી આપણે પ્રેમમાં હતા.’

‘કુલ સાત વર્ષ થયાં ને! તો સાંભળ, સિગારેટ સાથેનો મારો સંબંધ ચૌદ વર્ષ જૂનો છે. તું મને વહાલી છે એના કરતાં સિગારેટ બમણી પ્રિય છે. હું સ્મોકગિં નહીં છોડું અને આજ પછી એના વિશે તારે એક પણ વાર એક પણ શબ્દ બોલવાનો નથી.

આને તું સૂચના પણ માની શકે છે અને ચેતવણી પણ.’ આદેશ પગ પછાડીને ઘરની બહાર નીકળી ગયો. રોજ તો લંચ પછી તે એકાદ કલાક આરામ માટે રોકાતો હતો, પણ આજે એનો ‘મૂડ’ ખરાબ થઇ ગયો હતો. ગાડીનાં એન્જિનની ઘરઘરાટીથી દૂર ચાલી ગઇ અને પછી શમી ગઇ.

અમાનત બેડરૂમમાંથી બહાર આવી, ત્યાં જ રાધા નજરે ચઢી. જાતે બારણાંની પાછળ ઊભી રહીને શેઠ-શેઠાણીનો ઝઘડો સાંભળી રહી હોય એમ એ સંતાઇને ઊભેલી હતી. પોતાની ચોરી પકડાઇ ગઇ એ વાતથી એ છોભીલી પડી ગઇ, ‘બુન! એઠાં વાસણ કાઢી આલો એટલે…’

અમાનત રસોડામાં ગઇ. વાસણોનો ખટકલો રાધાનાં હવાલે કરી દીધો, પણ ત્યાં જ એની આંખોમાં આંસુનું એક-એક મોતી ઊપસી આવ્યું.

રાધા બોલી પડી, ‘બુન, એક વાત કહું? આ મરદ જાત છે જ એવી. આપણે ભલેને એના માટે જાત ઘસી નાખીએ, એને મન આપણી કિંમત જ ન હોય! ભગવાનને પ્રાર્થના કરો કે આવતા જન્મે આપણને અસ્તરીનો અવતાર નો આલે!

મારો ધણીયે મૂવો બીડી પીવે છે!’ સાંભળીને સારું લાગ્યું. રાધાનું આશ્વાસન અમાનતનાં ઘાવ ઉપર મલમ જેવી ઠંડક પ્રસરાવી ગયું. એણે નક્કી કરી લીધું કે હવે પછી ક્યારેય પોતે આદેશને ધૂમ્રપાનની વિરુદ્ધમાં એક પણ શબ્દ નહીં કહે.

પંદર દિવસ માંડ પસાર થયા હશે, ત્યાં નવી ઘટના બની ગઇ. સવારનો સમય હતો. આદેશ સ્નાન માટે બાથરૂમમાં હતો. અમાનત સેન્ડવીચ બનાવી રહી હતી. એટલામાં આદેશનો સેલફોન રણકી ઊઠ્યો. રિંગટોનનો અવાજ બેડરૂમની દિશામાંથી આવી રહ્યો હતો.

અમાનત ગેસ બંધ કર્યા વગર જ દોડી ગઇ. સેલફોન હાથમાં લીધો. બટન દબાવ્યું. હજુ તો બોલવા જાય કે- ‘આદેશ બાથરૂમમાં છે’ તે પહેલાં જ સામેથી કોઇ સ્ત્રીનું મદમસ્ત લહેજામાં બોલાયેલું વાક્ય એનાં કાનમાં રેડાયું, ‘ગૂડ મોર્નિંગ માય હબી!

આજનો વાયદો તને યાદ છે ને? આજે બપોરનું લંચ તારે મારી સાથે લેવાનું છે. ક્યાંક ઘાસ-પાંદડાં જમવા માટે તારી બૈરી પાસે ન પહોંચી જતો! મેં કેટલાં પ્યારથી તારી માટે આમલેટ અને મટન બિરિયાની બનાવી રાખ્યા છે. તું મને કેટલા વાગે પિકઅપ કરવા માટે આવીશ? તું ચૂપ કેમ છે, ડિયર? બોલતો કેમ નથી?’

‘કારણ કે હું આદેશ નથી, હું એની પત્ની અમાનત બોલું છું. તમે કોણ છો?’ અમાનતે ગંભીર અવાજે ઓછામાં ઓછા શબ્દોમાં સંભળાવી દીધું.

‘સોરી, રોંગ નંબર!’ કહીને સામેવાળીએ ફોન કાપી નાખ્યો. પણ એ રોંગ નંબર નહોતો એ દેખીતું હતું. સેલફોનના સ્ક્રીન ઉપર ‘નઝરાના’ લખેલા અક્ષરો ચમકી રહ્યા હતા. એક-બે ક્ષણો વિચારવામાં વિતાવી દીધા પછી અમાનતે ફોનબુકમાં જઇને ‘મેસેજિસ’ વાળું બટન દબાવ્યું.

‘ઇનબોક્સ’ અને ‘સેન્ટ મેસેજિસ’ ના પટારાએ આદેશનો ભાંડો સંપૂર્ણપણે ફોડી દીધો. નઝરાના અને આદેશના એસ.એમ.એસ. ની વણઝાર ઊમટી હતી. રોજેરોજનાં નહીં, પણ પ્રહર-પ્રહરના સંદેશાઓની આપ-લે ચાલતી હતી. હની, ડિયર, ડાર્લિંગ, માય લાઇફ અને માય વર્લ્ડ જેવા શબ્દોથી આ સંદેશાઓ મઘમઘી રહ્યા હતા.

અમાનત ડઘાઇ ગઇ. રસોડામાંથી કશુંક બળવાની વાસ આવી. એ દોડી ગઇ. સેન્ડવીચ કાળો કોલસો બની ચૂકી હતી. ત્યાં જ બાથરૂમનું બારણું ખોલીને આદેશ બહાર નીકળ્યો, ‘શું બળે છે, જાનૂ?’

‘બ્રેડ… અને… સાથે હું પણ..!’ અમાનતથી બોલાઇ ગયું. આદેશ ટોવેલથી માથાના ભીના વાળ લૂછતો હતો એ પત્નીનો જવાબ સાંભળીને ચોંકી ગયો. પછી એને યાદ આવ્યું, ‘સ્વીટી, મને સેલફોનનો રિંગટોન સંભળાયો હતો. કોનો ફોન હતો?’

‘ખબર નથી. રોંગ નંબર હતો. સ્ક્રીન ઉપર રોંગ નંબરવાળીનું નામ પણ લખાયેલું છે. વાંચી લો એટલે ખબર પડી જશે.’ અમાનતનું મોં ફૂલેલું હતું.

આદેશ દોડ્યો. સેલફોન ઉપર તરાપ મારીને તૂટી પડ્યો. બીજી મિનિટે એના હોશકોશ ઊડી ગયા, ‘જાનૂ! એ… એ… નઝરાના મારી કંઇ થતી નથી. એ ગરીબ મુસ્લિમ પરિવારની છોકરી છે. બિચારી નોકરી માટે કરગરતી હતી એટલે મેં એને મારા ફ્રેન્ડની કંપનીમાં પાંચેક હજારના પગારવાળી જોબ અપાવી છે. એ બિચારી આભારની મારી… યુ સી…’

‘મને બધું સમજાય છે, આદેશ. તમે એનો રોટલો બાંધી આપ્યો એટલે નઝરાના હવે તમને માછલી ને મટન જમાડી રહી છે. તમને શરમ નથી આવતી? પપ્પા અને મમ્મીને આ વાતની ખબર પડશે તો એ કેટલાં દુ:ખી થશે એ વાતની તમને કલ્પના છે ખરી?

બેય જણાં બાપડા કોઇ દિ’ કાંદા-લસણને હાથ નથી લગાડતાં! ને તમે આમલેટ અને મટન બિરિયાની સુધી પહોંચી ગયા?! શેમ ઓન યુ!’

‘બસ, બહુ થયું. તારો બકવાસ બંધ કર હવે. પોણા ભાગની દુનિયા નોનવેજ ઉપર જીવે છે. અને હુંય તે રોજ-રોજ ક્યાં..? પંદર-વીસ દિવસે એકાદવાર જરાક જીભનો ચટાકો કરી લીધો તો એમાં તારી ઉપર કયું મોટું આસમાન તૂટી પડ્યું?

એક વાત સાંભળી લે, અમાનત! હમણાં-હમણાંથી તારી કચ-કચ બહુ વધી ગઇ છે. હું પુરુષ છું અને તારાં કરતાં મારું સ્થાન ચાર વેંત ઊંચું છે. તું મારી સમકક્ષ બનવાના ઉધામા ન કરીશ. નહીંતર.’

આદેશના અધૂરા વાક્યમાં જે ખૂટતી હતી એ ધમકી એની આંખોમાંથી ટપકી રહી. એ બળેલી સેન્ડવીચ અને બળેલી પત્નીને પડતાં મેલીને ચાલ્યો ગયો.

‘બુન!’ રાધાનો અવાજ સાંભળીને અમાનત ચોંકી ગઇ, ‘બુન! ભાયડાવ તો હંધાય એક હરખા જ! સાહેબને જે કરવું હોય ઇ કરવા દો, બુન! મારો ધણીયે મૂવો પરમાટી ખાય છે. આપણે હું કરીએ?’ સારું લાગ્યું સાંભળીને. સમદુખિયા જીવ જેવી રાધાનાં દિલાસાભર્યા શબ્દો સાંભળીને અમાનતના ઘાવ ઉપર તત્કાલ થોડીક રૂઝ વળી ગઇ.

ધીમે-ધીમે અમાનત અને રાધા સહેલીઓ બની ગઇ. ક્યારેક રાધા પૂછી લેતી, ‘બુન, ક્યાં તમે? ને ક્યાં મારા સાહેબ? આટલાં રૂપાળાં થઇને તમે આવા માણહને કાં પરણી બેઠાં?!’

રાધાની જેવો જ સવાલ ઘણાં બધાંએ સાત વર્ષ પહેલાં પૂછ્યો હતો. ત્યારે અમાનત જવાબ આપતી હતી : ‘પ્રેમના કારણે.’ અત્યારે એને સમજાતું હતું કે આદેશે એને પૂરી યોજના કરીને પ્રેમની માયાજાળ રચીને ફાંસી લીધી હતી. ત્યારે એ કશું જ ન હતો.

દેખાવમાં કાળો, જાડો, ભણવામાં પણ સામાન્ય હતો. પછી બાપનો જમાવેલો ધંધો હાથમાં આવ્યો એટલે એ રાજા બની ગયો. અને વિશ્વસુંદરી જેવી અમાનત એની પત્ની બની ગઇ. હવે એણે અભિનય કરવાનું બંધ કરી દીધું. સિગારેટ, લફરાબાજી, માંસાહાર અને શરાબપાન જેવી પુરાણી કુટેવો ધીમે-ધીમે બહાર આવવા માંડી.

બે મહિના પછી જે બહાર આવ્યું એ તો કલ્પના બહારનું હતું. અમાનતનાં હાથમાં પતિની બ્રિફકેસમાંથી ડો.સુધા મહેતાના નર્સિંગ હોમનો એક કાગળ આવી ગયો. થડકતી છાતીએ વાંચી ગઇ. ચાર દિવસ પહેલાંની તારીખ હતી. નઝરાનાનું એબોર્શન કરાવ્યાના બદલામાં પાંચ હજાર રૂપિયા ચૂકવ્યા હોવાનું બિલ હતું. દરદીના સગા તરીકે આદેશનું નામ લખેલું હતું.

અમાનત હજુ તો લખાણ વાંચતી જ હતી ત્યાં આદેશ એ કમરામાં આવી ચડ્યો. પત્નીનાં હાથમાં પોતાનું પાપ પકડાઇ ગયું તે જોઇને એ ઉશ્કેરાઇ ગયો, ‘રાં..! કમજાત! મારી જાસૂસી કરે છે? શરમ નથી આવતી?’

‘તમને શરમ નથી આવતી આવા ધંધા કરતા..?’ અમાનતથી આવેશમાં પૂછાઇ ગયું. આદેશની કમાન છટકી. એ તૂટી પડ્યો. ‘ધડાધડ’ ત્રણ-ચાર લાફા એણે ચોડી દીધા. પછી બ્રિફકેસ ઉઠાવીને ઘરની બહાર ચાલ્યો ગયો. સૂજેલા મોંએ અમાનતે ઊંચે જોયું તો રાધા સામે જ ઊભી હતી. અમાનતે પૂછ્યું, ‘શું બધા પુરુષો આવા જ હોતા હશે?’

‘હા, બુન! મારો ધણીયે મુવો લફરાબાજ હતો. પુરુષો હંધાયે હરખા. પણ અસ્તરીઓ હંધીયે તમારાં જેવી નો હોય! બુન, આપણે હંધુયે સહન કરીએ, પણ માર નો ખવાય! મારા ધણીએ એક જ વાર મારી ઉપર હાથ ઉપાડ્યો ને હું એને પડતો મેલીને હાલી આવી. મારા બાપના ઘરે!

આપણો મરદ જ્યાં લગી મરદ રહે ત્યાં લગી ઠીક છે, પણ ઇ જ્યારે જાનવર બની જાય પછી એની ભેગાં નો રે’વાય!’ રાધાનાં શબ્દો સાંભળીને પહેલી વાર અમાનતની વેદના બેવડી બની ગઇ.

આ અભણ રાધા નસીબદાર હતી કે બાપના ઘરે આવી શકી હતી, પોતે તો મા-બાપની મરજી વિરુદ્ધ જઇને પ્રેમલગ્ન કરી બેઠી હતી. અત્યારે એની હાલત કામવાળી કરતાંયે કંગાળ હતી.

(સત્ય ઘટના)

(શીર્ષક પંક્તિ : હિતેન આનંદપરા)

(http://gujaratiliterature.wordpress.com/ માંથી)

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: