મુખ્ય પૃષ્ઠ > ડો.શરદ ઠાકરની નવલિકાઓ > પ્રેમના નામે અહીં છળ નીકળે, જળ ધારો ને મૃગજળ નીકળે.

પ્રેમના નામે અહીં છળ નીકળે, જળ ધારો ને મૃગજળ નીકળે.

તમારા અને અવસ્થાનાં ભગ્ન પ્રેમની ચિતા ઉપર મારા જેવી અરમાનોથી ઊભરાતી એક નિર્દોષ યુવતીની ભેટ શા માટે ચડાવી દીધી? જગતમાં એવી અભાગી નવોઢાઓ કેટલી હશે જેમનાં પતિદેવો લગ્નની પહેલી રાતે પત્નીને ભૂલીને પ્રેમિકાની યાદો સાથે મધુરજની માણતાં હોય?!
શયનખંડના મંદ પ્રકાશમાં ઝળહળતાં અરમાનો છાતીમાં લઇને આલોચના પતિની પ્રતીક્ષા કરી રહી હતી. લગભગ બાર વાગ્યે આયુષ્ય આવ્યો. અંદર આવીને એણે દ્વારો વાસ્યા. સ્ટોપર બંધ કરવાની સાવ નાનકડી ક્રિયામાં પડઘાતી હવે પછીની શંગારીક દ્દશ્યાવલી આલોચનાની કૌમાર્યભરી આંખો સામેથી પસાર થઇ ગઇ. એ લજજાનાં વિજપ્રવાહથી કંપી ઊઠી. પણ ત્યાં જ આયુષ્યના વાકયો જાણે ખરેખરી વીજળી બનીને એની ઉપર ત્રાટકયા.
‘થાકી ગઇ હોઇશ. ઊઘી જા!’ આટલું કહીને નવવધૂની દિશામાં નજર પણ માંડયા વિના દુલ્હેરાજા બાથરૂમમાં ઘૂસી ગયા. આલોચનાનાં મગજમાં જાત-જાતની શંકાઓ-કુશંકાઓ ઊભરી આવી. એ પોતાની જાતને પૂછી રહી, ‘શું હું એમને નહીં ગમતી હોઉ? કોઇ મજબૂરી કે દબાણને વશ થઇને એમણે મારી સાથે લગ્ન કર્યું હશે? શું એમનામાં પૌરુષની ઊણપ હશે?’ પ્રત્યેક સવાલની સાથે જ એનો જવાબ પણ એના દિમાગમાંથી તત્ક્ષણ ઊઠતો હતો : ‘મારા જેવી અદભુત અને અનુપમ સુંદર સ્ત્રી જેને ન ગમે એવો પુરુષ હજુ સુધી પૃથ્વી પર પેદા થયો નથી. હા, દબાણની વાતમાં થોડો ઘણો દમ હોઇ શકે છે. આયુષ્ય સાથે સગાઇ નક્કી થઇ તે વખતે સાસરીમાં કંઇક નાની-મોટી ગુપ્ત ચણભણ ચાલતી હતી. પણ છેવટે ઘીનાં ઠામમાં ઘી ઢળી ગયું હતું. આયુષ્યે સગાઇ માટે હા પાડી દીધી હતી. રહી વાત પૌરુષની ખામીની! એ તો…’ આલોચના ભયની મારી ધ્રૂજી ઊઠી.
ખેર, પતિના પુરુષત્વનો પુરાવો પ્રાપ્ત થાય તેવી કોઇ ઘટના ન ઘટી. એ રાત્રે તો નહીં જ. આયુષ્ય જયારે બાથરૂમમાંથી બહાર નીકળ્યો ત્યારે એણે કપડાં બદલી નાખ્યા હતા. વરરાજાના વસ્ત્રો ઉતારીને શ્વેત, ચોખ્ખા ઝભ્ભો-લેંઘો પહેરી લીધા હતા. આવીને એ સીધો ખૂણા પાસે ગોઠવાયેલા ટેબલ-ખુરશી પાસે પહોંચી ગયો. ત્યાં પડેલા ટેબલ-લેમ્પની સ્વીચ એણે ‘ઓન’ કરી દીધી. પછી બંધ ડ્રોઅરમાંથી કશુંક બહાર કાઢયું અને ટેબલ લેમ્પના પ્રકાશમાં ધરીને એ વાંચવા માંડયો.
ખાસ્સો એવો સમય વીતી ગયો. બે વાગી ગયા. આલોચના આડી પડી હતી, પણ એની આંખોમાં ઊઘ ન હતી. છેવટે એ ઊભી થઇ. છુપાવવાનો જરા પણ પ્રયત્ન કર્યા વગર એ પતિની દિશામાં આગળ વધી. એનાં પગનાં ઝાંઝર અને હાથની બંગડીઓ રણકી ઊઠી. આયુષ્યે ગરદન ઘૂમાવીને પત્નીની સામે સ્મિત ફરકાવ્યું, ‘નિંદર નથી આવતી?’
‘ના, તમને પણ કયાં આવે છે?’ આલોચનાએ મેક-અપ વાળા નમણા ચહેરા પર મેકઅપવાળું સ્મિત ઉપસાવ્યું, પછી મૃદુતા સહ પૂછી લીધું, ‘શું કરી રહ્યા છો બે કલાકથી?’
આયુષ્ય એક ક્ષણ માટે ખચકાયો. પછી સરળતાપૂર્વક બોલી ગયો, ‘મારી પ્રેમિકાનાં પત્રો અને તસવીરો સાથે સુહાગરાત ઊજવી રહ્યો છું. નવસો નવ્વાણું વાર વાંચેલા પ્રેમપત્રો એક હજારમી વાર વાંચી રહ્યો છું.’
લગ્નની પ્રથમ રાત અને પતિની આ કબુલાત?! આલોચનાનાં પગ ધ્રૂજી ગયા. છાતીમાં અકથ્ય ભાવો ઊમટયા. આયુષ્યના ત્રણ લીટીનાં જવાબમાં આયુષ્યભરનું દામ્પત્ય સળગી રહ્યું હોય તેવો ભાસ થયો. છતાં પણ એણે ધીરજ અને સ્વસ્થતા જાળવી રાખ્યા. મનોભાવોને દબાવી રાખ્યા. કત્રિમ સ્મિત રેલાવીને વધુ માહિતી પૂછી, ‘શું નામ છે એનું?’
‘અવસ્થા.’ આયુષ્યની આંખોમાં પ્રેમિકાનાં નામોચ્ચાર સાથે એક ખાસ પ્રકારની ચમક આવી ગઇ, ‘આપણી સોસાયટીમાં જ રહે છે. છોકરી નથી, પણ ગુલાબની પાંખડીથી મઢેલો ચાંદ છે! મારા શ્વાસોરછ્વાસ એનાં નામની જપમાળા સાથે ચાલતા રહે છે. હું ફેફસાંમાં પ્રાણવાયુ નથી ભરતો, પણ મારી અવસ્થાનાં દેવતાઇ સૌંદર્યની ખુશ્બુને ખેંચું છું.”તો પછી તમારા પ્રાણવાયુ વગર જીવવાનું તમે શા માટે પસંદ કર્યું? એની સાથે જ લગ્ન કરી લેવા હતા ને?”હું તો તૈયાર જ હતો. અવસ્થા પણ રાજી હતી. પણ સમાજ આડો ઊતર્યો. અવસ્થા આપણી જ્ઞાતિની ન હતી એ વાતનો બંનેના પરિવારોએ વિરોધ કર્યો. છેવટે અવસ્થાને બીજા મુરતિયા સાથે પરણાવી દેવામાં આવી. એક મહિનો થયો એ વાતને.’
‘એક પ્રશ્ન પૂછું, આયુષ્ય? જવાબ આપશો? તમારા અને અવસ્થાનાં ભગ્ન પ્રેમની ચિતા ઉપર મારા જેવી અરમાનોથી ઊભરાતી એક નિર્દોષ યુવતીની ભેટ શા માટે ચડાવી દીધી? જગતમાં એવી અભાગી નવોઢાઓ કેટલી હશે જેમનાં પતિદેવો લગ્નની પહેલી રાતે પત્નીને ભૂલીને પ્રેમિકાની યાદો સાથે મધુરજની માણતાં હોય?! જો આમ જ કરવું હોય તો તમારે પરણવાની ના પાડી દેવી હતી!’ આલોચનાનાં અવાજમાં ઉપાલંભ ન હતો, આક્રોશ ન હતો, ફરિયાદ પણ ન હતી, હતી માત્ર કરુણા. અને પત્નીની કરુણા માટે પતિ પાસે કઠોરતા સવિાય બીજી કોઇ પ્રતિક્રિયા ન હતી. કદાચ હતી તો આયુષ્ય એ જાહેર કરવા નહોતો માગતો..
……….
અવસ્થા સુંદર હતી એમાં ના નહીં. અત્યંત સુંદર. માત્ર આયુષ્યની સોસાયટી જ નહીં, પણ પૂરા શહેરનું એ એક મૂલ્યવાન આભૂષણ હતી. એનાં પ્રેમમાં કોઇ યુવાન ન પડે તો જ આશ્ચર્ય ગણાય. પણ બીજા યુવાનોને સૌથી મોટી સમસ્યા એ વાતની નડતી હતી કે અવસ્થા સુધી પહોંચવાનો રસ્તો જડતો ન હતો, જયારે આયુષ્યના ઘરને અડીને જ અવસ્થાનો રસ્તો જતો હતો. એક જ સોસાયટીમાં સાથે રમીને મોટા થયા હોવાને કારણે બંનેની વચ્ચે સહજ દોસ્તીનો સંબંધ હતો, જેને જુવાનીમાં પગ મૂકયા પછી મીઠાં પ્રણયમાં પલટાતાં વાર ન લાગી.
જગતમાં જેમ બનતું આવ્યું છે તેવું જ આયુષ્ય-અવસ્થાની બાબતમાં પણ બન્યું. બે વર્ષ સુધી ગુપ્તપણે ચાલેલાં મિલનો. પછી હવાની પાંખે સવાર થઇને વડીલોના કાન સુધી જઇ પહોંચેલી માહિતી અને પછી બંનેના ઘરોમાં સર્જાયેલા ધરતીકંપો.આખરે બંને પ્રેમીજનો તૂટી ગયા. આખરી વાર ભેગા થયા, તે પણ કાયમ માટે છૂટાં પડવાની તૈયારી સાથે. અવસ્થા કરગરતી હતી, ‘આયુષ્ય, હજુ પણ તક છે, ચાલને ભાગી જઇએ!’
આયુષ્ય વ્યવહારુ નીકળ્યો, ‘ના, એ શકય નથી. મારી મમ્મી ઝેર ગટગટાવી લેશે અને પપ્પા પંખા ઉપર દોરડું બાંધીને લટકી જશે. આપણે સાચા દિલથી પ્રેમ કર્યોછે એટલું પૂરતું છે. આપણાં માટે એકબીજાની જોડે જ પરણવું એ વાત ફરજિયાત નથી.’ અવસ્થા ઊભી થઇ ગઇ. એની આંખોમાં પાષાણના જેવી મક્કમતા હતી, ‘ઠીક છે, આયુષ્ય! તું કહે છે એટલા ખાતર હું બીજાની સાથે લગ્ન કરી લઇશ. પણ એ લગ્ન ફકત દુનિયાને દેખાડવા માટેનું જ લગ્ન હશે. હું મારા પતિને જીવનપર્યંત મારા દેહનો સ્પર્શ કરવાની છૂટ નહીં આપું!’
‘શું બકે છે તું ?’ આયુષ્ય ઉપર-ઉપરથી તો આશ્ચર્ય પામ્યો હોય એવું બતાવતો હતો, પણ અંદરખાને એનું મન નાચી ઊઠયું હતું. પોતાની પ્રેમિકા પોતાના સવિાય બીજા કોઇ પુરુષને એનું શરીર ન સોંપે એ વાતથી જ એનો પુરુષ સહજ ‘ઇગો’ સંતુષ્ટ થઇ જતો હતો. છતાં પણ આયુષ્યે સમજાવવાનો ડોળ તો ચાલુ જ રાખ્યો, ‘આવું ન કરાય, ગાંડી! લગ્ન પછી તો તારી ઉપર તારા વરનો જ અધિકાર ગણાય. કાયદો પણ એવું જ કહે છે. જો તું ના પાડીશ તો એ તને કાઢી મૂકશે.’ ‘તો શું? હું પાછી આવતી રહીશ. પણ હું એક ભવમાં બીજો ભવ તો નહીં જ કરું!’
અવસ્થાની રૂપાળી આંખોમાંથી બે ખારાં મોતી ખરી પડયા. આયુષ્ય હલી ગયો, ‘જો એમ જ હોય તો હું પણ પ્રતિજ્ઞા કરું છું કે લગ્ન પછી હું પણ મારી પત્ની સાથે સંસાર નહીં ભોગવું. મારી સામાજિક ફરજો નિભાવતો રહીશ, પણ એની સાથે શરીરસુખની તો કલ્પના સુદ્ધાં નહીં કરું!’ એ પછી થોડાં દિવસ બાદ અવસ્થા પરણી ગઇ. એના એક મહિના બાદ આયુષ્ય પણ પરણી ગયો.
ભીષણ પ્રતિજ્ઞાના અતૂટ પાશ વડે બંધાયેલો આયુષ્ય કાચની પૂતળી જેવી પત્નીની પાસે પણ ફરકતો ન હતો. આલોચનાને જયારે સાચા કારણની ખબર પડી, ત્યારે શરૂઆતમાં તો એને બહુ મોટો ઝટકો લાગ્યો, પણ પછી એણે પતિને આકર્ષવાના, શરીરસુખ માટે લલચાવવાના તમામ પ્રયાસો શરૂ કરી દીધા. રોજ રાત્રે એ સોળે શણગાર સજીને પતિની સામે પેશ થવા લાગી.
મધરાતે પડખું ફેરવીને પોઢેલા આયુષ્યનાં શરીર ઉપર જાણીને છતાં અજાણતામાં હોય તે રીતે એ પોતાનો હાથ કે પગ મૂકી દેતી. પણ આયુષ્ય જેનુ નામ! મેરુ ચળે તો ભલે ચળે, પણ આયુષ્યનું મનડું ન ચળે! ત્યાં અચાનક એક ઘટના બની ગઇ. આલોચનાની નણંદ એટલે કે આયુષ્યની નાની, જુવાન બહેન બરખા એક સમાચાર લઇ આવી, ‘મોટા ભાઇ, કંઇ ખબર પડી? તમારી જૂની બહેનપણી બે દિવસથી પિયરમાં આવી છે.’
‘આવી હશે! એમાં મારે શું?’ આયુષ્યે બહારથી બેપરવાઇ બતાવી.’અવસ્થા બીમાર પડીને આવી છે.’ હવે આયુષ્ય નિર્લેપ રહી શકયો નહીં, ‘હેં ? શું થયું છે એને?’ બરખાએ આંખો નચાવી, ‘પરણેલી સ્ત્રીને બીજું શું થાય? ઊલટી, ઊબકા અને ચક્કર! ડોકટરને બતાડયું. લેડી ડૉકટરે સોનોગ્રાફી કરીને કહ્યું કે એને સારા દિવસો જઇ રહ્યા છે. બરાબર દોઢ મહિનો પૂરો થવા આવ્યો…’
આયુષ્ય ભડકી ઊઠ્યો. મનોમન ધૂંધવાઇ ગયો. ‘હેં? દોઢ મહિનો? મારા લગ્નને આજે પંદર દિવસ થયા. એના એક મહિના અગાઉ અવસ્થાનાં લગ્ન અને દોઢ મહિનાનો ગર્ભ. એનો મતલબ એ કે… અવસ્થા સુહાગરાતે જ ગર્ભવતી..?’ બાકીનો દિવસ આયુષ્યે માંડ માંડ પૂરો કર્યો. એના દિમાગમાં કોલેજકાળમાં ભણેલી કવિ રાવજી પટેલની અછાંદસ કવિતાની આખરી પંકિતઓ ઘૂમરાતી રહી : નવાં દૂર્વાંકુરો ફરફર થતાં, સહેજ ચમકયું/સૂતેલી પત્નીનું શરીર, ઝબકયો હુંય, પરખી./ જરા મેં પંપાળી પ્રથમ, ઊર મારુંય છલકયું/ વિતેલાં વર્ષોમાં કદિય પણ ચાહી નવ તને/ સ્તનોના પુષ્પોમાં શરમ છુપવીને રડી પડયો.
આજે આલોચના સહેજ થાકેલી હતી. પતિને પામવાના તમામ પ્રયત્નો પરહરીને એ આજે દસ વાગતાંમાં જ પથારી ભેગી થઇ ગઇ હતી. એકાદ કલાક પછી કશોક ખડખડાટ થતાં એની આંખો ઊઘડી ગઇ. એણે જોયું તો આયુષ્ય ઓરડાની વચ્ચે એક મોટી થાળી મૂકીને સળગતી મીણબત્તી વડે પત્રોનો થોકડો અને પ્રેમિકાનાં ફોટોગ્રાફસ બાળી રહ્યો હતો. આલોચના પથારીમાં બેઠી થઇ ગઇ, ‘અરે! આ શું કર્યું ? તમે હવે મધુરજની કોની સાથે માણશો?’ ‘તારી સાથે!’
આયુષ્ય મીણબત્તી બુઝાવીને એની તરફ ફર્યો, ‘મને માફ કર, આલોચના! આજે મારો ભરમ તૂટી ગયો. પ્રેમિકા એટલે નર્યું છળ! સત્ય એટલે માત્ર પત્ની જ. હું આ ડાઘ ધોઇને આવું છું. ધસમસતાં પુરુષ બનીને આવું છું. હણહણતો અશ્વ બનીને આવું છું. વાયગ્રાની જરૂર ન પડે તેવો નાયગ્રા બનીને આવું છું. આજની રાત તને ઊઘવા નહીં મળે!’ ‘

(શીર્ષક : મહેબૂબ મોડાસિયા)

(http://gujaratiliterature.wordpress.com/ માંથી)

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: