મુખ્ય પૃષ્ઠ > ડો.શરદ ઠાકરની નવલિકાઓ > પ્રેમની બાંધી છટાઓ કેશમાં, તું હવે લઇ લે મને આશ્લેષમાં

પ્રેમની બાંધી છટાઓ કેશમાં, તું હવે લઇ લે મને આશ્લેષમાં

ઝાંઝરી જરીવાલાએ ખૂબ વિચાર્યા પછી અગમ્યના મસ્તક ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો. એ રાતે શહેરભરના યુવાનોએ કાગળ ઉપર આપઘાતો કરી નાખ્યા. હવે એમને પત્ની તરીકે‘મિસ યુનિવર્સ’મળે તો પણ એ દ્વિતીય કક્ષાની જ હશે એટલું નક્કી થઇ ગયું અને અગમ્યના ઘરમાં અજવાળું-અજવાળું થઇ ગયું.

સૂરજની રોશની નારીનો દેહ ધરીને એના શયનખંડમાં ગોઠવાઇ ગઇ, પણ એક મહિનાની અંદર જ ઝાંઝરીને સમજાઇ ગયું કે એણે ભૂલ કરી નાખી હતી. આવનારી ઘટનાઓના એધાણ તો ત્યારે જ મળી ગયા, જ્યારે અગમ્યે‘હનિમૂન’માટે ગોવા જવાનો કાર્યક્રમ રદ કરી નાખ્યો.

જ્યારે ઝાંઝરીએ પૂછ્યું ત્યારે જવાબમાં અગમ્ય રાવણની જેવું અટ્ટહાસ્ય કરીને બોલ્યો,‘હવે શું જવાનું? જે માણવાનું હતું એ તો ગઇ કાલે રાતે આપણા બેડરૂમમાં જ માણી લીધું.’

ઝાંઝરી સ્તબ્ધ બની ગઇ. આ એ જ પુરુષ હતો જે હજુ થોડા કલાકો પહેલાં જ કામદેવની ફોટોસ્ટેટ કોપી બનીને પોતાના અનુભવ સૌંદર્યને લૂંટી રહ્યો હતો! એ દિવસ તો ઝાંઝરીએ જેમ-તેમ કરીને પસાર કરી નાખ્યો. અગમ્ય તો રોજિંદા ક્રમ અનુસાર લગ્ન પછીના બીજા જ દિવસથી કામ પર ચડી ગયો હતો.

રાતના નવ વાગ્યા, દસ વાગ્યા, છેવટે થાકીને ઝાંઝરીએ જ ફોન કરવો પડ્યો, ‘અગમ્ય, તને કંઇ ભાન-બાન પડે છે? આપણાં લગ્નને હજુ એક જ દિવસ થયો છે. મને એમ કે તું આજે વહેલો ઘરે આવી સાંજે મને ક્યાંક ફરવા લઇ જઇશ, પણ તું દસ વાગ્યા સુધી ડોકાયો જ નહીં!’

‘બસ! બસ! બહુ થયું. કચકચ બંધ કર હવે. તું ભલે નવી હોય, પણ મારો બિઝનેસ તો જૂનો છે ને! એમાં ઘ્યાન આપવું જ પડે. મને આવતાં મોડું થશે.’

પછી કંસની જેવું કુટિલ હસીને એણે ફોન પૂરો કર્યો, ‘હું વહેલો પડું કે મોડો, શો ફરક પડે છે? તું ક્યાં નાસી જવાની છે?! હા… હા… હા..!’ લગ્નજીવનના ચોવીસ કલાકમાં જ ઝાંઝરીને વિચાર આવી ગયો,‘આવા રાક્ષસ સાથે આખી જિંદગી કેવી રીતે કઢાશે? ક્યાંક નાસી જઉ?’

જો પરણેલી સ્ત્રીઓ એટલી આસાનીથી નાસી જઇ શકતી હોત, તો અડધું હિંદુસ્તાન અત્યારે પત્ની વિહોણું બની ગયું હોત. આ દેશની નારીઓને ક્યાંક પિયરની ઇજ્જત રોકતી હોય છે, ક્યાંક હિંમતનો અભાવ અને ક્યાંક અધિકારોની જાણકારીનો અભાવ.

ઝાંઝરી રડી પડી અને રહી પડી. આ તો હજુ શરૂઆત હતી. અનંતકાળ સુધી ન અટકે એવી યાતનાની શરૂઆત. એ પોતાના ભાગ્યને કોસતી રહી. લમ્હોંને ગલતી કી ઔર સદિયોંને સજા પાઇ. પશુ જેવા પુરુષ સાથે લગ્ન કરવાનો નિર્ણય એટલે થોડીક ક્ષણોની ભૂલ અને આ જનમટીપ એટલે સદીઓ સુધી ચાલ્યા કરે તેવી સજા.

ઝાંઝરીની ખૂબસૂરતી કોઇ વિશેષણોની મોહતાજ ન હતી. જ્યાં એ પગ માંડતી ત્યાંની માટી પણ સોનેરી બની જતી હતી. એ સ્વયં-સુગંધા હતી, જ્યાંથી પસાર થતી ત્યાંની હવા અત્તર બની જતી હતી. શહેરનો કોઇ વાંઢો એવો ન હતો જે એને પરણવા માટે આતુર ન હતો અને શહેરનો કોઇ પરિણીત એવો ન હતો જે પોતે સહેજ ઉતાવળ કરી નાખી એવા અફસોસ સાથે જીવી ન રહ્યો હોય!

આખું શહેર આ પદમણીને માટે સ્વયંવરનું સભાગહ હતું. ઝાંઝરી વર્તમાનને બદલે જો પાંચ હજાર વર્ષ પૂર્વે જન્મી હોત તો રામાયણનું યુદ્ધ સીતાને બદલે એના માટે ખેલાયું હોત! અફસોસ, આ એકવીસમી સદીની જનકકન્યા રામને બદલે રાવણના ઘરમાં જઇ પડી!

આખું શહેર આ પદમણીને માટે સ્વયંવરનું સભાગહ હતું. ઝાંઝરી વર્તમાનને બદલે જો પાંચ હજાર વર્ષ પૂર્વે જન્મી હોત તો રામાયણનું યુદ્ધ સીતાને બદલે એના માટે ખેલાયું હોત! અફસોસ, આ એકવીસમી સદીની જનકકન્યા રામને બદલે રાવણના ઘરમાં જઇ પડી!

પૂરાં સાત વરસ પસાર થઇ ગયાં. વરસ સાત હતાં, તો યાતનાના પ્રકારો સિત્તેર હતા, અવહેલનાઓ સાતસો હતી અને અપમાનો સાત હજાર હતાં. સવારનો સૂરજ રોજ એક નવું તોફાન લઇને ઊગતો હતો અને રાત રોજ એક નવો આઘાત આપવા માટે આવતી હતી.

છેલ્લો અને સહન ન થઇ શકે તેવો આઘાત હવે આવ્યો. એક દિવસ બપોરે કોઇનો ફોન આવ્યો. અજાણ્યો અવાજ હતો, ‘હેલ્લો! તમે કોણ? મારે મિસિસ અગમ્ય સાથે વાત કરવી છે.’ ઝાંઝરીની છઠ્ઠી ઇન્દ્રિયે એને ચેતવી દીધી, પોતે કોણ બોલી રહી છે એ જણાવવાને બદલે સામે પૂછ્, ‘તમે કોણ?’

‘હું નામ નહીં આપું, પણ એટલું સમજવું પૂરતું છે કે હું તમારો શુભચિંતક બોલી રહ્યો છું’, ‘હું ઝાંઝરી બોલું છું, અગમ્યની ધર્મપત્ની. એ તો મુંબઇ ગયા છે. બે દિવસ માટે. બિઝનેસના કામ અંગે.’

‘અજાણ્યો અવાજ હસ્યો, ‘હું જાણું છું કે અગમ્ય ક્યાંય નથી ગયો. એ અત્યારે‘હોટલ રિવર સાઇડ’માં એની પર્સનલ સેક્રેટરી મારિયાની સાથે ‘વેલેન્ટાઇન ડે’મનાવી રહ્યો છે. બિઝનેસને બદલે સાઇડ બિઝનેસ જમાવી રહ્યો છે. અગમ્યને ધર્મપત્ની કરતાં આ અધર્મપત્નીમાં વધારે રસ છે.

ઝાંઝરીને સમજાયું નહીં કે એ શું કરે! છતાં એ પૂછી બેઠી,‘મને કેમ વિશ્વાસ પડે કે તમે સાચું જ બોલી રહ્યા છો?’

‘સત્યને સાબિતીઓની ગરજ નથી હોતી, છતાંયે જો તમે સાબિતી માગતો હો, તો અત્યારે જ નીકળી પડો.‘હોટલ રિવર સાઇડ’ના રૂમ નંબર પાંચસો બેમાં બે શરીરો એક બનીને સૂતાં છે. ફોન મૂકું છું, તમે અગમ્યને ન મૂકશો!’

ઝાંઝરી કપડાં બદલવા માટે પણ રોકાઇ નહીં. રિક્ષામાં બેસીને નીકળી પડી. દસ મિનિટ પછી એ હોટલના કમરાના બારણા પાસે હતી અને એની આંગળી ‘ડોરબેલ’ઉપર હતી. બારણું ખૂલ્યું. અંદર ચાદર લપેટીને સૂતેલી નિર્વસ્ત્ર છોકરી હતી અને ટોવેલ પહેરેલો અગમ્ય હતો

‘આ હું શું જોઇ રહી છું? તું તો મુંબઇ જવાનું કહીને..?’ ઝાંઝરીએ રૂમમાં પ્રવેશીને બારણું આડું કરી દીધું. એ મામલો સમજાવટથી હલ કરવા ઇચ્છતી હતી. પણ રાવણ નફ્ટ સિદ્ધ થયો

‘અચ્છા! તો તને ખબર પડી જ ગઇ. મારા દુશ્મને ચાડી ફૂંકી દીધી લાગે છે.’

દુશ્મનની વાત છોડ, આ તારી બહેનપણીની વાત કર!’

‘શી ઇઝ મારિયા. માય પર્સનલ સેક્રેટરી કમ માય…’ ‘કેમ? એ પછીનો યોગ્ય શબ્દ જડતો નથી? ગુજરાતીમાં એને લફરું કહેવાય છે એ પણ તને મારે જ કહેવું પડશે?’ ઝાંઝરીની આંખોમાંથી તણખા ખર્યા.

એને વધુ આઘાત એ વાતનો લાગ્યો હતો કે મારિયા દેખાવમાં સાવ જ સાધારણ હતી. એકવડિયો બાંધો, સપાટ વક્ષ, લાંબો પિત્તળના કુંજા જેવો ચહેરો, તીણું નાક અને ચૂંચી આંખો. એ પૂછી બેઠી, ‘ક્યાં હું કેસરનો આંબો! અને ક્યાં આ ખાખરાનું ઝાડ?! તને આનામાં શું રસ પડ્યો?’

તને એ નહીં સમજાય, ઝાંઝરી! હા, તારી વાત સાચી કે મારિયામાં રસ પડે એવું ખાસ કશું જ નથી. પણ મારા જેવા પુરુષને બધું ચાલે. ટાઇમપાસ માટે બધું જ ચાલે. પત્ની તરીકે ઘરમાં તારા જેવી અપ્સરા હોય પછી બહાર તો ગમે તે ચાલે.

‘પણ બહાર આવું બધું ચલાવવું શા માટે પડે?’, ‘તું હવે હદથી આગળ વધી રહી છે. સમજતી કેમ નથી? ઘરમાં સુંદર સોફાસેટ હોય એનો અર્થ એવો થોડો છે કે ઘરની બહાર જઇએ એટલે મારે ઊભા જ રહેવાનું? જે મળે એની ઉપર બેસી લેવાનું, પછી એ ગાદીવાળી રિવોલ્વિંગ ચેર હોય કે પતરાની ખુરશી!

જા, હવે તું ઘરે ચાલી જા, મારા હવનમાં હાડકું નાખતી બંધ થા! આ લક્ઝુરિયસ સ્યૂટનું ભાડું જાણે છે? પાંચ હજાર રૂપિયા વસૂલ કરવા દે. અને તને મેં પૈસા ખર્ચતા ક્યારે રોકી છે? યુ ઓલ્સો એન્જોય યોરસેલ્ફ!’

અગમ્ય જે અંદાજમાં બોલતો હતો એમાં શરાબની અસર છલકાતી હતી. ઝાંઝરી પાછી વળી ગઇ. કોઇ પણ સંસ્કારી સ્ત્રી ક્યારેય માત્ર કોરા સેક્સને ઝંખતી નથી હોતી, એની ઝંખના કેવળ પ્રેમની હોય છે. આવો પ્રેમ જ્યારે પતિ પાસેથી ન મળે ત્યારે જ એ બીજા પુરુષનું શરણું શોધે છે.

ઝાંઝરીએ વધુ છ મહિના કાઢી નાખ્યા. એની સાડા સાત વર્ષની પનોતી પૂરી થઇ ગઇ. ત્યારે એની જિંદગીમાં એક પુરુષનો પ્રવેશ થયો. પુકાર પંડ્યા એ શહેરમાં નવો જ આવેલ હતો. કોલેજમાં લેક્ચરર હતો.‘રઘુવંશ’ના અજ જેવો સોહામણો હતો અને‘અભિજ્ઞાન શાકુંતલમ્’ના દુષ્યંત જેવો રસિક હતો. ઝાંઝરી માટે તો એ કલ્પનાપુરુષ હતો. બંને હૃદયની આપ-લે કરી બેઠાં.

શુભચિંતક’તો અગમ્યના પણ હોય ને? કોઇએ નનામો ફોન કરી દીધો,
‘અગમ્ય, તારી પત્ની અત્યારે પ્રો.પુકાર પંડ્યાના ઘરની પાછળના બગીચામાં બેઠી છે. રંગે હાથ પકડવી હોય તો પહોંચી જા!’અગમ્ય પહોંચી ગયો.

શુભચિંતકની વાત સાચી નીકળી. ઝાંઝરી અને પુકાર સાબમરતીના કાંઠેથી ક્ષિપ્રાના કિનારે પહોંચી ગયાં હતાં. પુકાર ઢળતા સૂરજની સાક્ષીએ પ્રેમિકાને ‘મેઘદૂત’ના યક્ષની તડપ સમજાવતો બેઠો હતો

અગમ્યે ત્રાડ પાડી,‘કુલટા! પાપીણી! બેશરમ! છતે ધણીએ પારકા પુરુષ સાથે બેસીને વાતો કરતાં તને..?’

‘હું બેઠી છું, સૂતી નથી.’ઝાંઝરીએ કહ્યાં વિના રૂમ નંબર પાંચસો બે વિશે કહી નાખ્યું. અગમ્ય સમજી ગયો કે આ લોકો અભદ્ર હાલતમાં ઝડપાયાં ન હતાં, એણે ઝાંઝરીને મૂકીને પુકારને પકડ્યો, ‘કેટલાં વરસથી આ બધું ચાલી રહ્યું છે?’

સ્વસ્થ પુકાર નફિકરું હસ્યો,‘મારે આ શહેરમાં આવ્યાને હજુ બે જ મહિના થયા છે.

બે મહિનામાં તેં એવું શું જાદુમંતર કરી નાખ્યું કે મારી ઝાંઝરી તારી પાછળ પાગલ થઇ ગઇ?’

બુદ્ધિના બળદ! મેં બે મહિનામાં શું કર્યું એ પ્રશ્ન અસ્થાને છે. સવાલ એ છે કે તેં સાડા સાત વરસમાં શું કર્યું કે ઝાંઝરી જેવી પતિવ્રતા સ્ત્રી મારી પાસે આવી ગઇ? તારી જાતની અંદર ડોકિયું કર! જવાબ જડી જશે.

સાથે બે વાત મારી પણ સાંભળતો જા. મને ડરાવવાની કોશિશ ન કરતો. હું અખાડિયન છું. તારું જડબું ભાંગી નાખીશ અને બીજું હજુ સુધી અમારા સંબંધો માત્ર લાગણી સુધી સીમિત રહ્યા છે. જો શક્ય હોય તો સુધરી જા. તારી ઝાંઝરી ફરી પાછી તારી મહેફિલમાં રણકવા માટે તૈયાર છે. સ્ત્રીને પરણવાથી કામ નથી ચાલતું, એને જીતવી પણ પડે છે.’

(શીર્ષક પંક્તિ : બી.કે.રાઠોડ)

(http://gujaratiliterature.wordpress.com/ માંથી)

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: