મુખ્ય પૃષ્ઠ > ડો.શરદ ઠાકરની નવલિકાઓ > ફૂલને ગમે કે ના ગમે, પણ ભમરો તો ત્યાં જ ભમે

ફૂલને ગમે કે ના ગમે, પણ ભમરો તો ત્યાં જ ભમે

‘સર, મેં આપેલો પાઠ કેવો લાગ્યો?’ બાવીસ વર્ષની ખૂબસૂરત બિંદીએ બી.એડ્.કોલેજના ટીચર સુમંત સવાણીને પૂછ્યું.

સવાણીના મોંઢામાં પાન હતું, જવાબ આપતાં પહેલાં એણે થૂંકનો ઘૂંટડો ગળી નીચે ઉતાર્યો. તમાકુનો રસ અંદર ગયો અને તમાકુ જેવી જ વિષૈલી રસિકતા બહાર સરી, ‘પાઠ પણ સુંદર હતો અને તારી પીઠ તો એના કરતાં પણ વધારે સુંદર હતી.’

‘સર, પીઠ..?’

‘હા, તું જ્યારે લખવા માટે બ્લેકબોર્ડ તરફ ફરતી હતી, ત્યારે પાતળી પટ્ટીના અર્ધપારદર્શક બ્લાઉઝમાંથી ડોકાતી તારી ગોરી-ગોરી પીઠ જોઇને થોડી વાર માટે તો હું પાઠ તપાસવાનુંયે ભૂલી જતો હતો.’

‘સર!’ બિંદીનો રૂપાળો ચહેરો લાલઘૂમ બની ગયો, શરમથી નહીં પણ રોષથી. પરંતુ એ મજબૂર હતી. બી.એડ્.ના અભ્યાસક્રમના આ અંતિમ દિવસો ચાલી રહ્યા હતા અને ઉજવળ કારકિર્દી માટે ઇન્ટર્નલ મૂલ્યાંકનમાં સારા ગુણ આવે તે જરૂરી હતું.

બિંદી બાબુલાલ બાવીશી ગરીબ ઘરની સંસ્કારી યુવતી હતી. પિતા જામનગર જિલ્લાનાં એક નાના ગામડાંમાં ટપાલખાતાના કર્મચારી હતા. નિવૃત્તિને આરે ઊભેલા હતા. બિંદી ઉપરાંત એમને બીજી ત્રણ દીકરીઓ હતી. સૌથી નાનો એક દીકરો હતો. આવક બંધ થવાની તૈયારીમાં હતી અને ખર્ચાઓ હવે જ શરૂ થવાના હતા.

બિંદીને કોલેજ પૂરી થયા પછી બાબુલાલે પાસે બેસાડીને સમજાવી હતી, ‘બેટા, તારા માટે મુરતિયો શોધી રહ્યો છું. તને વાંધો નથી ને?’

‘ના, પપ્પા! મારે હમણાં પરણવું નથી.’

‘બેટા, આ ખોબા જેવડા ગામમાં તારું દરિયા જેવડું રૂપ સમાતું નથી.’

‘તમે મારી ચિંતા ન કરશો, મને મારી આબરૂનું રક્ષણ કરતાં આવડે છે. મારે બી.એડ્. કરવું છે, નોકરી કરવી છે, પૈસા કમાવા છે અને નાની બહેનોને અને ભાઇને ભણાવી-ગણાવીને ડાળે વળગાડવા છે. એ માટે જો મારે જીવનભર કુંવારા બેસી રહેવું પડશે તો પણ મને વાંધો નથી.’ અને આમ બિંદી બી.એડ્.ની કોલેજમાં દાખલ થઇ.

બી.એડ્.ની તાલીમ માટે નિશ્વિત સંખ્યામાં પાઠો આપવાના હોય છે. કોઇ નિર્ધારિત માઘ્યમિક શાળામાં જઇને વિદ્યાર્થીઓને ગમે તે એક વિષય ભણાવવાનો હોય છે. આ મૂલ્યાંકન એટલે જ ઇન્ટર્નલ માર્ક્સ.

સુમંત સવાણીની મેલી નજર શરૂઆતથી જ સુંદર યુવતીઓ ઉપર ઠરેલી રહેતી. એમાં બિંદીનો ક્રમ સૌથી મોખરે હતો. સત્રની શરૂઆત જ દ્વિઅર્થી શબ્દો દ્વારા થઇ.

‘શું નામ છે તારું?’ સવાણીએ પ્રથમ પાઠ વખતે જ પૂછી લીધું.

‘સર, બિંદી.’

‘સુંદર. અતિ સુંદર. મને બિંદી તો બહુ જ ગમે.’

‘સર! હું સમજી નહીં. તમે મારા પિતાતુલ્ય થઇને આવું બોલી જ કેમ શકો?’

‘હું ક્યાં કશુંય એલ-ફેલ બોલ્યો છું. મને બિંદી ગમે છે… બિંદી એટલે આપણી બહેનો કપાળમાં જે ચાંલ્લો કરે છે ને? એને બિંદી કહેવાય છે, હું એની વાત કરતો હતો. હવે એ કહે કે તું શું સમજી હતી?’

બિંદી સમજી શકતી હતી કે સવાણી સાહેબે ગુલાંટ મારી દીધી, પણ એનાથી કશું જ થઇ શકે તેવું ન હતું.

એક વાર સવાણી સાહેબનો ‘ક્લાસ’ હતો. સાહેબે ભણાવતાં ભણાવતાં અચાનક દ્વિઅર્થી વાક્યો બોલવા માંડ્યા : ‘બિંદી એટલે કે મીંડું એટલે કે શૂન્ય. સ્ત્રી એક મોટું શૂન્ય છે અને પુરુષ એકડો છે. એકલી સ્ત્રીનો કોઇ અર્થ નથી હોતો. પણ જો એ એકડાની સાથે જોડાઇ જાય તો એ મૂલ્યવાન બની જાય છે. માટે જ તો કહું છું કે દરેક બિંદીએ બને તેટલાં વહેલા કોઇ સારા પુરુષની સાથે જોડાઇ જવું જોઇએ. પછી જુઓ કે એનું આંતરિક મૂલ્યાંકન કેટલું વધી જાય છે!’

બિંદી સમજી ગઇ કે આંતરિક મૂલ્યાંકનની આડમાં ‘ઇન્ટર્નલ માર્ક્સ’ની લાલચ અપાઇ રહી છે. પણ શબ્દોની રમતમાં સવાણી પાવરધો હતો. એ એવું બોલતો જેના સારા-નરસા બે અર્થોકાઢી શકાય. એટલે એની વિરુદ્ધમાં ફરિયાદ કરવામાં જોખમ રહેલું હતું. પણ આજે એ થાપ ખાઇ ગયો, પ્રાસ કરવાની લાલચમાં એ બોલી ગયો કે ‘તારો તો પાઠ પણ સુંદર હતો અને પીઠ પણ.’

આ વખતે ‘સુંદર પીઠ’નો સારો, નિર્દોષ અર્થ કાઢવાની કોઇ છટકબારી રહી ન હતી. પણ ફરિયાદ કોની પાસે જઇને કરવી? બહુ વિચારણાને અંતે બિંદી આચાર્ય સાહેબની ઓફિસમાં પહોંચી ગઇ. આચાર્ય મકવાણા સાહેબે એની વાત સહાનુભૂતિપૂર્વક સાંભળી, એને આશ્વાસન આપ્યું, ઠંડું પાણી પીવડાવ્યું અને પછી સૂચન કર્યું, ‘હમણાં તું શાંતિ રાખજે, સમય આવ્યે હું એ સવાણીના બચ્ચાને જોઇ લઇશ. એક વાર એને રંગેહાથ પકડવો પડશે.’

‘પણ સર, આ વખતે એ રંગેહાથ જ ઝડપાઇ ગયો છે. આખા ક્લાસની હાજરીમાં એણે મારા શરીરના વખાણ…’

‘હા, પણ તારી પાસે કોઇ સાક્ષી છે? છોકરાઓ તો બધાં ફરી જશે.’ મકવાણા સાહેબે પરિસ્થિતિની સાચી સમજ આપી, ‘અત્યારે તો તને હું સવાણીના સકંજામાંથી છોડાવવાનું કામ પહેલા કરું છું. હવે પછી તારા બધા જ પાઠો હું પોતે ઓબ્ઝર્વ કરીશ. હવે તો રાજી ને?’

‘થેન્ક યુ, સર. હું આપના ઉપકારનો બદલો શી રીતે..?’

‘એ ક્યાં અઘરું છે?’ કહીને મકવાણા સાહેબે પોતાના હોઠ ઉપર જીભ ફેરવી લીધી,’ તું જો ધારે તો બદલામાં મને પણ રાજી કરી શકે તેમ છે. હું જાણું છું કે તને સારા ટકાની સખત જરૂર છે, જે તને તાત્કાલિક નોકરી અપાવી શકશે. અને હું તને એમાં મદદ કરી શકું તેમ છું.’

‘સર, તમે પણ..?’ બિંદી ઊભી થઇ ગઇ, ‘માફ કરજો, મકવાણા સાહેબ! મેં તમને આવા નહોતા ધાર્યા. હવે તો હું સવાણીની સાથે સાથે તમારી વિરુદ્ધમાં પણ ફરિયાદ કરીશ. નિરીક્ષક સાહેબ પાસે જઇશ, જિલ્લા શિક્ષણાધિકારી પાસે જઇશ, શિક્ષણપ્રધાન સુધી પહોંચીશ, પણ તમને છોડીશ નહીં!’

બિંદી હોસ્ટેલમાંથી બે દિવસની છુટ્ટી મેળવીને એજ્યુકેશન ઇન્સ્પેકટરને મળવા પહોંચી ગઇ. જોષી સાહેબ ચાલીસેક વર્ષની ઉંમરના બચરવાળ માણસ હતા. એમણે બિંદીની ફરિયાદ ઘ્યાનપૂર્વક સાંભળી. પછી એક કોરો કાગળ ધર્યો, ‘તે જે કંઇ કહ્યું એ આ કાગળ ઉપર લખી આપ.’

‘શા માટે, સર.’

‘તું લખી તો આપ! પછી જો કે હું એ બદમાશોની શી હાલત કરું છું! બેયને નોકરીમાંથી ઘરે ન બેસાડી દઉ તો હું મરદ નહીં! અને તને પણ એક સલાહ આપી દઉ, આ સમાજ પુરુષપ્રધાન સમાજ છે. એમાં એક સ્ત્રી તરીકે સાવ એકલી તું કેવી રીતે ઝઝૂમતી રહીશ? અને ક્યાં સુધી ટકી રહીશ? એના કરતાં એક સમર્થ પુરુષનો હાથ ઝાલી લે, જે તને બાકીના અસંખ્ય લંપટ પુરુષોથી બચાવી શકે. જગત ભલે એને લફરુ કહે, હું તો આવા સંબંધને સ્ત્રીઓ માટેનું સુરક્ષાકવચ જ કહીશ. બોલ, તારી હા હોય તો આપણે આગળ વધીએ…’

આટલું કહીને નિરીક્ષક સાહેબ ખરેખર બિંદીનું બારીકાઇથી નિરીક્ષણ કરવા માગતા હોય તેમ ઊભા પણ થયા અને આગળ પણ વઘ્યા. બિંદીમાં એને લાફો મારવાની હિંમત ન હોતી, એટલે એ બારણું પછાડીને બહાર નીકળી ગઇ. વહેલી આવે ડી.ઇ.ઓ.ની ઓફિસ!

ડિસ્ટિ્રકટ એજ્યુકેશન ઓફિસર ઘરડા માણસ હતા. નિવૃત્તિની આડે માંડ એકાદ-બે મહિના બાકી હતા. બિંદીની ફરિયાદ સાંભળીને સાહેબ સળગતો અંગારો બની ગયા, ‘દીકરી! હું એ લંપટોને જીવતા નહીં છોડું. મારી પાસે માંડ બે મહિના બચ્યા છે, પણ એ ત્રણ કામાંધોને સીધા કરવા માટે એટલો સમય પૂરતો છે.’ આટલું કહીને સાહેબ ઊભા થયા. ઓફિસનું બારણું બંધ કર્યું, પછી બિંદીની નજીક જઇને એના ખભા ઉપર હાથ મૂક્યો.

બિંદીએ હાથને ઝટકાવી નાખ્યો, ‘સર, હું તમારી દીકરી જેવી છું.’

સાહેબ હસ્યા, ‘હા, પણ તું મારી દીકરી તો નથી જ ને? આવ, જરા પણ શરમાઇશ નહીં. અંદરની ઓરડીમાં બધી સગવડ છે. આવ…’

બિંદી એક ક્ષણ માટે નક્કી ન કરી શકી કે આ બુઢ્ઢાને શું કહેવું! એનાથી પૂછાઇ ગયું, ‘સર, આ જગતમાં બધા પુરુષો માત્ર ‘પુરુષ’ જ હોતા હશે? એમાંથી એક પણ પુરુષ ‘મર્દ’ નહીં હોય?’

‘બીજાની ખબર તો મને નથી, પણ હું તો પુરુષ છું.’ સાહેબે એનો હાથ પકડીને ખેંચ્યો, ‘બોલ, શો વિચાર છે? આવવું છે અંદર?’

અને બિંદી એ બુઢ્ઢાની પાછળ ચાલી ગઇ.કોઇ જાતની આનાકાની વગર. રાજીખુશીથી. મજબૂરી એક એવા સડેલા ફળનું નામ છે જેની છાલ હંમેશાં સંમતિસૂચક હોય છે અને રૂપાળી પણ.

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: