મુખ્ય પૃષ્ઠ > ડો.શરદ ઠાકરની નવલિકાઓ > યાદની વણજાર તો વણથંભ છે, યાદ તારી ખાસ છે આજેય પણ

યાદની વણજાર તો વણથંભ છે, યાદ તારી ખાસ છે આજેય પણ

‘સોરી સર, આપ એકલા જ છો. આપને પહાડ ઉપર ચડવાની મંજૂરી નહીં મળી શકે.’

‘કેમ ? એકલો છું તો શું થયું? હું પાંત્રીસ વરસનો છું, પાંચ વરસનો નહીં.’

‘સોરી સર ! નો આર્ગ્યુમેન્ટ્સ. આ જાપાનનો ફેમસ સ્યુસાઈડલ રોક છે. અહીં લોકો આપઘાત કરે છે. નો પરમિશન.’

‘પણ હું આપઘાત કરવા નથી આવ્યો. આપઘાત કરવા માટેનું મારી પાસે કોઈ કારણ પણ નથી.’

‘કારણ તમારી પાસે ભલે નહીં હોય, પણ આ પહાડ પાસે છે. એ વાત તમને ઉપર ગયા વગર નહીં સમજાય. આ ટેકરી ચડયા પછી તમને જે લેન્ડસ્કેપ જોવા મળશે એ એટલો અદભૂત છે કે એ જોઇને લોકો પાગલ બની જાય છે. આ દુન્યવી જંજાળમાં પાછા ફરવાનું કોઈને મન થતું નથી. શિખર ઉપરથી ખીણમાં કૂદી પડે છે. વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં આત્મહત્યાઓ આ જગ્યાએ થયેલી છે. નો પરમિશન. સોરી સર.’

જાપાનનો બટકો કર્મચારી પયટર્ન વિભાગની ટિકિટબારી પાસે બેસીને ભાંગ્યા-તૂટયા અંગ્રેજીમાં બોલ્યે જતો હતો અને ધૈવતનો ગુસ્સો સ્યુસાઈડ (આપઘાત) ને બદલે હોમીસાઈડ (ખૂન) કરી બેસે એ કક્ષાએ પહોંચી રહ્યો હતો. દુનિયાભરના સહેલાણીઓ આ સંવાદ સાંભળીને હસતાં-હસતાં આગળ ધપી રહ્યાં હતાં.

કોઈ યુગલ સ્વરૂપે હતાં, તો કોઈ વળી મોટા સમૂહમાં. ધૈવત અકળાયો. એ તો બિઝનેસ ટૂર માટે એકલો જ અહીં આવ્યો હતો. આ સ્થળનાં વખાણ સાંભળીને અહીં ખેંચાઈ આવ્યો હતો, અને આ જાપાની ઠીંગુજી સાવ વિચિત્ર અને સાવ વાહિયાત કારણ બતાવીને એને અટકાવી રહ્યો હતો.

અચાનક ધૈવત ઊભો હતો એ કતારમાં પાછળથી કોઈનો અવાજ આવ્યો : ‘હું પણ એકલો છું. એ ભાઈ પણ એકલા છે. અમને બંનેને સાથે ગણીને તમે પ્રવેશ આપી શકો. એ આપઘાત કરવા જશે તો હું એમને અટકાવીશ અને મને મરવાની ઇચ્છા થશે તો આ મિત્ર મને સમજાવશે. ઈઝ ધેટ ઓલ રાઈટ ?’

ઠીંગણો જાપાની ગૂંચવાયો. ચૂંચી આંખો બે-ચાર વાર ઉઘાડ બંધ કરી. પછી બે ટિકિટો ફાડી આપી : ‘યુ ઈન્ડિયન્સ આર’ વેરી ક્લેવર ! તમે ઉપર જઈ શકો છો, ધૈવત અને એનો સાથીદાર આગળ વઘ્યા.

‘હું ધૈવત છું, અમદાવાદનો છું. તમે ?’

‘હું સ્તવન દેસાઈ, સુરતનો છું.’

બંને જણા મિત્રો બની ગયા. વાતો કરતાં ટેકરી ચડવા માંડયા. ‘સ્યુસાઈડલ રોક’ એટલે આપઘાતી ટેકરી. પહાડ કરતાં નીચી અને સામાન્ય ટેકરી કરતાં ઘણી ઊંચી. જેમ-જેમ ઉપર ચઢતા જાવ, તેમ નવાં નવાં દ્રશ્યો આંખ સમક્ષ આવતા જાય. દરેક દ્રશ્ય આગળના દ્રશ્ય કરતાં વધારે સુંદર. વિસ્તરતું જતું આકાશ, ગહન થતી ખીણ, ડૂબવાની તૈયારીમાં પડેલો સૂરજ અને અંતરમનમાં છવાતી જતી અસીમ શાંતિ.

ધૈવત અને સ્તવન સૌથી છેલ્લા હતા. એ લોકો શિખર ઉપર પહોંચ્યા, ત્યાં સુધીમાં બીજા પ્રવાસીઓ પરત થઈ રહ્યા હતા. એકાદ-બે યુગલો પ્રેમચેષ્ટામાં મગ્ન હતાં એ પણ આ બેયને જોઈને ઊભાં થઈ ગયાં.

ધૈવતને લાગ્યું કે સ્તવન જરા વધારે પડતો શાંત છે કે પછી વાતોનો વિષય જડતો નહોતો ? એણે શરૂઆત કરી : ‘હું અહીં બિઝનેસ માટે આવ્યો છું. ફરવા માટે પણ ખરો. તમે ?’

સ્તવને થોડીવારની ખામોશી બાદ ધડાકો કર્યો: ‘હું અહીં મરવા માટે આવ્યો છું.’

‘મરવા ?’ ધૈવત ચોંકી ઊંઠયો : ‘મરવા માટે કોઈ આટલા રૂપિયા ખર્ચતું હશે ? સુરત શું ખોટું હતું ?’

સ્તવન ફિક્કું હસ્યો : ‘સુરતનું જમણ વખણાય છે, મરણ નહીં. અને જો મરવું જ હોય, આપઘાત કરીને મરવું હોય તો આ સ્યુસાઈડલ રોકથી વધુ સુંદર જગ્યા બીજે ક્યાં મળવાની હતી?’

આસમાન ગેરુઆ રંગે રંગાઈ ચૂકયું હતું. દૂર નીચેની તળેટીમાં માણસોની ભીડ પાંખી થઈ રહી હતી. સ્તવન છેક ટેકરીની ધાર પાસે જઇને ઊભો રહી ગયો. નીચે ઊંડી ખીણ જાણે એના પડતા શરીરને ઝીલવા માટે તત્પર હોય એવી વિસ્તરેલી હતી.

સ્તવન એક ડગલું આગળ ભરવા ગયો, ત્યાં જ ધૈવતે એનો હાથ ઝાલી લીધો : ‘શરમ નથી આવતી આમ કાયરની જેમ પડતું મેલતાં ? શાની ખોટ છે તારે ? પ્રેમની ? પૈસાની ? પત્ની કે બાળકોની ? મોત એ કોઈ જ સમસ્યાનો ઉકેલ નથી. તારી તકલીફ જણાવ, હું તને રસ્તો બતાવીશ.’

સ્તવન થંભી ગયો. રસ્તો ? શું પોતાની તકલીફનો કોઈ ઉકેલ હોઈ શકે ખરો ? અને જો હોય તો એ આ ધૈવત જેવો સાવ અજાણ્યો માણસ બતાવી શકે ખરો ?

‘તકલીફમાં તો એવું છે ને કે… એ જ પ્રણય-ત્રિકોણનો ત્રીજો ખૂણો જે સદીઓથી લોકોને નડતો આવ્યો છે એ મને પણ નડી રહ્યો છે.’ સ્તવને કટકે-કટકે એના કાળજામાં વાગતા કાંટાની વાત કરી : ‘એનું નામ સુરખી. મારી જિંદગીની ધન્ય ક્ષણે મેં એને પ્રથમ વાર જોઈ.

પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય એ પ્રશ્નનો જવાબ સુરખીના દર્શને સ્પષ્ટ કરી આપ્યો. એણે પણ મને થોડો-ઘણો પ્રતિભાવ આપવાનું શરૂ કર્યું, પણ પ્રેમની અભિવ્યકિત માટે મારી પાસે શબ્દો નહોતા, હિંમત નહોતી અને તક નહોતી. હું મોડો પડયો. અચાનક એ અમારી જ કોલેજના એક ટેબલ-ટેનિસ પ્લેયર જોડે જોડાઈ ગઈ.

મેં એને ભૂલવાની ભરચક કોશિશ કરી. આજે તો કોલેજ પૂરી કર્યાને પણ ત્રણ વરસ થઈ ગયા. સુરખી પરણીને એના માળામાં ગોઠવાઈ પણ ગઈ છે. અને હું… હજી પણ છાતીના પીંજરામાં ઘવાયેલું પંખી સંઘરીને બેઠો છું. બસ, હવે જીવવું નથી, હું દુનિયાની શ્રેષ્ઠ સ્ત્રી માટે દુનિયાના શ્રેષ્ઠ સ્થળે મારા જીવનનો અંત આણવા આવ્યો છું’

સ્તવને એનો હાથ છોડાવવાનો મરણિયો પ્રયાસ કર્યો, પણ ધૈવતે એને જકડી રાખ્યો. પછી પથ્થરની એક સપાટ શિલા ઉપર બેસાડીને એને સમજાવ્યો.

‘સ્યુસાઈડલ રોક’ અંતે પરાજિત થયો અને ધૈવતનો વિજય થયો. સ્તવને આપઘાતનો વિચાર પડતો મૂકયો.

‘ચાલો, અંધારું થવા આવ્યું, આપણે હવે જઈશું ?’ સ્તવને પૂછયું.

ધૈવત એમ કંઈ બિનઅનુભવી નહોતો : ‘હા, પણ આપણે સાથે નથી જવું. તું પહેલાં ચાલવા માંડ. હું થોડી વાર રહીને નીકળું છું.’

સ્તવન ઊભો થઈને ટેકરી ઊતરવા માંડયો. ધૈવત એની પીઠ પાછળ કટાક્ષનું સ્મિત ફેંકીને બબડયો : પ્રેમ ! આવો હોતો હશે પ્રેમ ? પેલી છોકરીને તો ખબર સુઘ્ધાં નથી અને આ ભાઈસાહેબ યમરાજાને આલિંગન આપવા નીકળી પડયા ! પ્રેમ તો અમેય કર્યોહતો.

ભૃંગા જેવી સૌંદર્યની દેવીને દિલોજાનથી ચાહી હતી, ઈશ્વર કરતાં વધારે શ્રદ્ધાથી પૂજી હતી. પ્રેમનો એકરાર પણ કર્યો હતો અને ભૃંગાએ સ્વીકાર કર્યો હતો. પછી લગ્ન ન થઈ શક્યાં એ અલગ વાત છે. એ એનાં સંસારમાં સુખી છે અને આપણે આપણા સંસારમાં.

જીવીએ છીએ ને ઠાઠથી ? ક્યારેય મરવાનો વિચાર સરખોયે કરીએ છીએ ? અને આ મારા બેટાઓ નીકળી પડયા છે…!’

પછી એકાએક ધૈવત ગમગીન બની ગયો. ‘આ જીવી રહ્યો છું એને જીવન કહી શકાય ખરું ? ભૃંગાને આજે પણ ભૂલી શકયો છું હું? જો ભૂલી શકયો હોત, તો અત્યારે અચાનક એ યાદ કેવી રીતે આવી ગઈ ?

આ સ્તવન તો ગમાર છે. બાકી ભૃંગા જેવી સુંદરતમ પ્રેમિકાને ગુમાવ્યા પછી જે પુરુષ જીવી શકે એને પ્રેમ કેવી રીતે કહેવાય ?’ સૂરજ ઢળી ગયો. અંધારું થઈ ગયું. નીચે તળેટીમાં ધૈવતની રાહ જોઈને ઊભેલો સ્તવન કંટાળી ગયો. આખરે જાપાની ચોકિયાતોને લઈને એ પાછો ટેકરી ઉપર જઈ પહોંચ્યો.

‘ધૈવત… ! ધૈવત… !’ એણે બૂમો પાડી. પણ ધૈવત ક્યાંય ન હતો. પ્રકૃતિની નિ:સીમ સુંદરતાના ખોળે સંસારની નિષ્કૃષ્ટ કુરૂપતાનો ભોગ બનેલો એક પ્રેમી પોઢી ગયો હતો. આત્મઘાતી શિખર વિજયી સ્મિત ફરકાવી રહ્યું હતું.

(http://gujaratiliterature.wordpress.com/ માંથી)

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: