Home > ડો.શરદ ઠાકરની નવલિકાઓ > કમનસીબી એ જ છે કે આંખ ખાલી બે જ છે, શું કરે રાધા કે એના અશ્રુઓ ચોધાર છે.

કમનસીબી એ જ છે કે આંખ ખાલી બે જ છે, શું કરે રાધા કે એના અશ્રુઓ ચોધાર છે.

‘મારે તને કંઇક કહેવું છે, પરિણય.’ સામે દરિયો ઘૂઘવતો હતો અને બીચ પરની ભીની રેતી ઉપર બેઠેલી સ્વરૂપાએ બાજુમાં બેઠેલા યુવાનને કહ્યું.

‘આવા રોમેન્ટિક વાતાવરણમાં તારા જેવી ખૂબસૂરત છોકરી પાસેથી મારે તો માત્ર એક જ વાક્ય સાંભળવું છે. બોલી નાખ- આઇ લવ યુ!’ પરિણયે નખરાળા અંદાજમાં કહી દીધું. ઢળતી સાંજ હતી. હવામાં ખારી-ખારી ભીનાશ હતી. નવોસવો પરિચય હતો. આકાર પામી રહેલાં સપનાઓ હતા.

સ્વરૂપા અને પરિણય સાયન્સ કોલેજમાં ભણતા હતા. કોલેજની ટ્રીપમાં જોડાઇને ચોરવાડના દરિયાકાંઠે ફરવા માટે આવ્યા હતા. અન્ય યુવાનો-યુવતીઓ નાળિયેરીના ખેતરો તરફ ફરવા ગયા હતા એ તકનો લાભ લઇને આ બંને જણાં સમુદ્રી મોજાંના તાલભર્યા ઘૂઘવાટની સંગાથે ઢળતી સાંજનું એકાંત માણી રહ્યા હતા.

થોડીવારની ખામોશી પછી પરિણયે સ્વરૂપાની દિશામાં જોયું. ફરફરતી લટોની વચ્ચે કેદ પૂરાયેલા ગોરા-ગોરા ચહેરા ઉપર કંઇક ન સમજાય તેવી ઉદાસ રેખાઓ જોવા મળી. એટલું તો સ્પષ્ટ થઇ ગયું કે સ્વરૂપા પ્રેમાલાપ કરવાના મૂડમાં ન હતી.

‘પરિણય, હું અતીતને ભૂલી નથી શકતી.’

‘અતીત?! એટલે કે તારો ભૂતકાળ?’

‘ના, મારો દોસ્ત.’ સ્વરૂપાનો અવાજ ઢીલો પડી ગયો, ‘અતીત મારો બાળપણનો ફ્રેન્ડ હતો. અમે છેક નાનાં હતા ત્યારથી સાથે રમીને મોટા થયા હતા. ભણવામાં પણ બાલમંદિરથી કોલેજ સુધી અમે સાથે જ હતા. અમે હોમવર્ક પણ સાથે જ કરતાં ને પરીક્ષા માટેનું વાંચન પણ સાથે કરતા હતા.

‘તું આમ ‘હતાં-હતાં’ એવું શા માટે બોલે છે? અતીત અત્યારે તારો દોસ્ત નથી રહ્યો? એ ક્યાંક પરદેશમાં ચાલ્યો ગયો છે કે પછી બહારગામ જોબ માટે ગયો છે?’ પરિણયને વાતમાં રસ પડી રહ્યો હતો.

દૂરથી ઉછાળા મારતું એક મોટું મોજું આવ્યું અને બંનેના પગ પલાળીને પાછું વળી ગયું. સ્વરૂપા પણ અતીતની વાત તરફ પાછી ફરી, ‘તારી આ જ ટેવ ખરાબ છે, નવલકથાનું છેલ્લું પૃષ્ઠ અને ફિલ્મનું આખરી દ્રશ્ય ક્યારેય પહેલાં ન જોઇ લેવાય. એમ કરવાથી આખી વાત જ મરી જાય.’

‘સારું ત્યારે! હું અંત જાણવાની કોશિશ નહીં કરું. તું જ એક-એક કરીને તમામ પ્રકરણો વાંચી સંભળાવ.’

………

અતીત બહુ ભોળો છોકરો હતો. અને ભલો પણ. જગતને એ વિસ્મયભરી આંખે જોતો હતો અને રોજ રાત્રે પોતાની અંગત ડાયરીમાં એ એના નિરીક્ષણ વિશેની નોંધ ટપકાવતો હતો. એમાં તમામ વિષયો સમાઇ જતા હતા.

રોજનો અનુભવ. અને એના માટે ડાયરીનું એક પાનું. ક્યારે જાગ્યો, શું જમ્યો, ક્યારે ઊંઘ આવી એવું બધું રોજિંદુ કામ નહીં લખવાનું. પણ કોઇ નવું પુસ્તક વાંચ્યું હોય, નવી કવિતા સાંભળી હોય, કોઇ પણ ક્ષેત્રની વિશિષ્ઠ વ્યક્તિને મળાયું હોય, મિત્રો કે સહાઘ્યાયીઓ સાથે કોઇ ખાટો-મીઠો અનુભવ થયો હોય તો એ વિશે અવશ્ય લખવાનું.

સ્વરૂપા ઘણી વાર જીદ કરતી, ‘મને તારી ડાયરી આપ!’

‘નહીં આપું.’ અતીત ચોકખી મનાઇ ફરમાવી દેતો.

‘ક્યારેક હું ચોરી લઇશ.’

‘એવું ન કરાય. કોઇની અંગત ડાયરી આપણા હાથમાં આવી જાય તો પણ ન વંચાય. સંસ્કારીતાનો એક તકાજો છે.’

છેવટે સ્વરૂપાનાં રૂપાળા હોઠો પર સત્ય આવી જતું, ‘મારે બીજું કંઇ નથી વાંચવું. મારે તો બસ, એટલું જ વાંચવું છે કે તારી ડાયરીમાં તેં મારા વિશે શું લખ્યું છે.’

‘ઓહો! એના માટે ડાયરી વાંચવાની શી જરૂર છે? તારી ઇચ્છા હોય તો એ બધી ગાળો હું તને રૂબરૂમાં સંભળાવી દઉ!’

અતીત એને ચીડવતો અને સ્વરૂપા ચીડાઇ જતી હતી. પછી બંને જુવાન થયા, કોલેજમાં આવ્યા. પણ દોસ્તી અતૂટ રહી. બંને વરસોથી ભેગા ઉછર્યા હોવાને કારણે છૂટથી હળી-મળી શકતા હતા. કોલેજમાં પણ એમના સંબંધ ઉપર લવ, ફ્લર્ટિંગ કે રોમાન્સ નામનો કોઇ સિક્કો નહોતો લાગ્યો.

અતીતનો હવે એના ઘરમાં અલાયદો રૂમ હતો. એ રૂમમાં એના સિવાય કોઇને પ્રવેશવાની મંજૂરી ન હતી. એમાં માત્ર બે જણાં બાકાત હતાં. એક, અતીતની મમ્મી. ઓરડાની સફાઇ માટે કે અતીત વાંચી રહ્યો હોય ત્યારે ચા-નાસ્તો આપવા માટે એની મમ્મી જઇ શકતી હતી.

બીજી વ્યક્તિ સ્વરૂપા હતી. એ તો ગમે ત્યારે તોફાન બનીને અતીતના રૂમમાં ઘૂસી જતી અને વાવાઝોડું બનીને નીકળી જતી હતી. પણ એને જેની કાયમી તલાશ હતી એ ડાયરી ક્યારેય એનાં હાથમાં ન આવતી. અતીત હંમેશાં પોતાની ડાયરીને ટેબલના ખાનામાં લોક મારીને સાચવતો હતો.

અચાનક એક દિવસ સ્વરૂપાને લાગ્યું કે અતીતની તબિયત સારી નથી. એણે પૂછ્યું પણ ખરું, ‘અતીત, તું બીમાર છે?’

‘નહીં તો.’ અતીત હસ્યો. સાચો માણસ ખોટું-ખોટું હસે એવું હસ્યો. પછી એણે જમણો હાથ લાંબો કર્યો, ‘જોઇ લે! મારા હાથને અડીને ખાતરી કરી લે, લાગે છે ક્યાંય તાવ જેવું?’ સ્વરૂપાએ એના હાથને સ્પર્શ કર્યો. હાશ થઇ ગઇ. અતીતને નખમાંય રોગ ન હતો.

પછીનો ઘટનાક્રમ અણધાર્યો અને ઝડપી બની ગયો. અતીત કોલેજમાં ગેરહાજર રહેવા લાગ્યો. વચ્ચે-વચ્ચે એને લઇને એના મમ્મી-પપ્પા અમદાવાદ ઉપડી જવા લાગ્યા. પાછા આવતાં ત્યારે પણ અતીતની હાલત સુધરવાને બદલે બગડતી જતી હતી.

એની મમ્મીની આંખો રાત-દિવસ લાલ અને સૂઝેલી રહેતી હતી. સ્વરૂપા સામે જ આવેલા પોતાના ઘરની બારીમાંથી જોયા કરતી, અતીત મોડી રાત સુધી એના રૂમમાં બેસીને ટેબલ લેમ્પના પ્રકાશમાં એની ડાયરીમાં કશુંક ટપકાવતો રહેતો હતો.

કોલેજના અંતિમ દિવસની અંતિમ પરીક્ષા હતી. અતીતે પણ પરીક્ષાઓ આપી. પછી રિઝલ્ટનો દિવસ આવ્યો. સ્વરૂપા એના ઘરે જઇ પહોંચી, ‘ચાલ, રિઝલ્ટ જોવા.’

‘ના.’ અતીત પથારીમાં સૂતો હતો. એની જીભ ઉપર જિંદગીમાં પહેલી વાર કશુંક માગતો હોય એવી આજીજી ઉપસી આવી, ‘સ્વરૂપા, તું પણ આજે કોલેજમાં ન જા ને! આજે મારી પાસે બેસ તો મને ગમશે.’

‘ના, રિઝલ્ટ માટે તો જવું જ પડે. તને મૂડ ન હોય તો તું આરામ કર. હું તારું રિઝલ્ટ પણ લેતી આવીશ. આટલું કહીને સ્વરૂપા દોડી ગઇ. એની ઇચ્છા તો અડધા કલાકમાં પાછા ફરી જવાની હતી, પણ મિત્રો અને સહેલીઓ સાથે ગપ્પા-ગોષ્ઠિ કરવામાં બે કલાક ઊડી ગયા.

જ્યારે એ ઘરે આવી, ત્યારે જિંદગીનો સૌથી મોટો આઘાત એની રાહ જોઇ રહ્યો હતો. આખી શેરી અતીતના ઘર આગળ જમા થઇ ગઇ હતી. અતીતની મમ્મી રડી-રડીને બેહોશ થઇ જવાની તૈયારીમાં હતી. પપ્પા પાગલ બનીને માથું પછાડતા હતા. ડૂમો, ડૂસકાં અને આક્રંદની અનરાધાર હેલી વચ્ચેથી જે માહિતી જાણવા મળી તે આટલી હતી :

અતીતનું અવસાન થયું છે. એને બ્લડ કેન્સર થયું હતું. એક્યુટ લ્યૂકેમિયા. જીવતા માણસની રક્તવાહિનીઓમાં વહેતું કાતીલ મોત. એવો રોગ જે સારવાર માટે ખાસ સમય આપતો નથી અને જીવવા માટે ઝાઝી આવરદા બક્ષતો નથી.

બારમું-તેરમું પતી ગયા પછી અતીતના મમ્મીએ એક સાંજે સ્વરૂપાને બોલાવી. પાસે બેસાડીને કહ્યું, ‘બેટા, અતીત આ દુનિયા માટે ભલે નથી રહ્યો, પણ અમે છીએ ત્યાં સુધી આ ઘરમાં તો એ જીવશે જ. અમે નક્કી કર્યું છે કે અતીતનો ઓરડો અમે જેમનો તેમ સાચવી રાખીશું.

એમાંની એક પણ ચીજવસ્તુ આઘી-પાછી નહીં થાય. એ ઓરડામાં માત્ર બે જ વ્યક્તિઓ જઇ શકશે, એક હું અને બીજી તું.’

સ્વરૂપા રડી પડી, ‘આન્ટી, મને એક વાત નથી સમજાતી. અતીતે પોતાની બીમારીની વાત મારાથી છુપાવી શા માટે? તમે પણ મને કેમ કંઇ ન જણાવ્યું?’

‘અતીતે મનાઇ ફરમાવી હતી. એને ડર હતો કે તું ભાંગી પડીશ.’ આન્ટીએ આંખો લૂછી, ‘મને લાગે છે કે એ સાચો હતો. તને ખબર પડી હોત તો પણ તું શું કરી શકી હોત, સ્વરૂપા?’

‘બીજું કશું તો ન કરી શકી હોત, આન્ટી! પણ કમ સે કમ છેલ્લા દિવસે અતીતની કહેવાની ઉપરવટ જઇને રિઝલ્ટ માટે કોલેજમાં તો ન જ ગઇ હોત!’

એ સાંજે અતીતની ટૂંકી જિંદગીની બે મહત્વની નારીઓ સાથે બેસીને ખૂબ રડી. આંખોના કૂવા ઊલેચી નાખ્યા. પછી આન્ટીએ આંચકાજનક સમાચાર આપ્યા, ‘તારે અતીતની ડાયરી વાંચવી હતી ને! જા, ડાયરી એના ટેબલ પર પડી છે. એ પોતે જ મૂકતો ગયો છે.

અમારા માટે એનો એક અક્ષર પણ વાંચવાની મનાઇ છે. પણ એણે કહ્યું છે – ‘સ્વરૂપા આવે તો એને ડાયરી વાંચવા દેજો!’ જા, બેટા, તારો મિત્ર અક્ષરરૂપે તારી વાટ જોઇ રહ્યો છે.’

સ્વરૂપા દોડી ગઇ. ડાયરીઓ તો આટલા બધા વરસોમાં કેટલી બધી લખાઇ હશે? પણ છેલ્લા વરસની ડાયરી મેજ ઉપર મોજૂદ હતી. સ્વરૂપા છપ્પનિયા કાળનો કોઇ દુકાળિયો અનાજ ઉપર તૂટી પડે એમ ડાયરી ઉપર તૂટી પડી.

… … …

ચોરવાડની ધરતી ઉપર રાતના અંધારા પથરાઇ રહ્યા હતા. દરિયાઇ મોજાંનો હવે ઘૂઘવાટ જ સાંભળી શકાતો હતો. પરિણય ચૂપચાપ સ્વરૂપાની વાતો સાંભળી રહ્યો હતો. અતીત વિશેની અતીત-સફર પૂરી થઇ.

‘બસ, મારે આટલું જ કહેવાનું હતું. પરિણય, તું મને ગમે છે. તારી સાથે લગ્ન કરીને હું સુખી થઇશ એ હું જાણું છું. પણ હું તને છેતરવા નહોતી માગતી. પરિણય, તું મારી બીજી પસંદગી હોઇશ. અતીત જ્યાં સુધી જીવતો હતો, ત્યાં સુધી મારો દોસ્ત હતો. પછી એની ડાયરીએ મને જણાવ્યું કે અમે…’

‘ડાયરીમાં શું હતું, સ્વરૂપા?’ પરિણય પૂછી બેઠો. ‘અતીતના ઓરડામાં ટેબલ હતું. ટેબલ પર ડાયરી હતી. ડાયરીમાં પાનાંઓ હતાં અને પાને-પાને હું હતી. સ્વરૂપા… સ્વરૂપા… સ્વરૂપા! ડાયરીનું છેલ્લું પાનું કોરું મૂકીને અતીત ચાલ્યો ગયો.’ સ્વરૂપાની આંખો ક્ષિતિજમાં ઝબૂકતી આગબોટના આગિયા તરફ હતી.

‘એ છેલ્લું પાનું તેં કોરું શા માટે રહેવા દીધું, સ્વરૂપા?’ પરિણયે પ્રેમિકાનો કોમળ હાથ ઝાલીને મૃદુતાપૂર્વક કહ્યું, ‘આપણે લગ્ન કરતાં પહેલાં છેલ્લી વાર અતીતના ઘરે જઇશું. હું બહાર જ બેસીશ. તું એના ઓરડામાં જઇને આટલું કરજે :

ડાયરીના છેલ્લા કોરા પાના ઉપર લખી આવજે- અતીત, હું પણ તને ચાહતી હતી! એ પછી જ તું મારો સ્વીકાર કરજે.’ પરિણયે કહ્યું અને પછી બંને ઊભા થયા. અતીત સમાપ્ત થઇ ગયો હતો, પણ ભવિષ્ય જાગી રહ્યું હતું.

(શીર્ષક પંક્તિ : હિતેન આનંદપરા)

(http://gujaratiliterature.wordpress.com/ માંથી)

  1. No comments yet.
  1. No trackbacks yet.

Leave a comment