મુખ્ય પૃષ્ઠ > ડો.શરદ ઠાકરની નવલિકાઓ > એક ચિનગારી વડે ભડકા થયા, પ્રેમના મારગ ઉપર તણખા થયા.

એક ચિનગારી વડે ભડકા થયા, પ્રેમના મારગ ઉપર તણખા થયા.

”આ બાજુવાળા પરમસુખ પારેખની દીકરી આજ કાલ…” ઘરાકના શર્ટ માટે કાપડ વેતરી રહેલા મહેશ દરજીએ કાપડને બદલે વાત વેતરવાનું શરૂ કર્યું.

”કોની વાત કરે છે ? કલગીની ?” દરજીની દુકાનથી ચોથી દુકાનવાળા પ્રેમજીએ પૂછૂયું.

”હા, જોઇ છે ને ફટાકડીને? કેવી સુંદર છે.?” મહેશના જમણા હાથમાં મોટી કાતર હતી, પણ કલગીની ખુબસુરતીનું વર્ણન કરવામાં એ કાતર ચલાવવાનુંયે ભૂલી ગયો.

”તે શું છે એનું ?”

”એનાં લક્ષણ આજકાલ ઠીક નથી લાગતાં. સામે પાનના ગલ્લે પેલો ટપોરી ઊભો છે ને ? એની સાથે….”

”કોણ ? પેલો મોહિત ? કોલેજના ત્રીજા વરસમાં ભણે છે એની સાથે ? ન હોય !”

”ન હોય શું ? છે અને સો ટકા છે ! કલગીના બાપને કાને વાત નાખવી પડશે.” મહેશે કાતર ચલાવી. નવા-નક્કોર કાપડને વેતરી નાખ્યું, કોઇ અણગમતા સંબંધને વેતરતો હોય એવા ઝનૂનથી એ કાતર ચલાવતો રહ્યો.

પ્રેમજીએ પાનના ગલ્લાની દિશામાં જોયું. અત્યારે ખાસ ઘરાકી ન હતી. એકલો મોહિત ઊભો હતો. એના ગલોફામાં પાન હતું. અને નજર કલગીના ઘર તરફ હતી. એ વારે વારે કાંડાઘડિયાળમાં જોતો હતો અને સામે જોઇને કંઇક ઇશારાઓ કરતો હતો. પ્રેમજીને લાગ્યું કે મહેશની વાતમાં દમ જરૂર હતો. કલગી અને મોહિત વચ્ચે મસાલેદાર પાન જેવું કશુંક રંધાઇ રહ્યું હતું.

પ્રેમજીની દુકાને ઘરાક આવ્યું. છોકરો બોલાવવા આવ્યો એટલે કાથાના રંગ જેવી લાલચટ્ટાક વાત પડતી મેલીને એણે ઊઠવું પડયું. પણ અધૂરી રહેલી વાતનું અનુસંધાન એણે બીજા દિવસે સાંધી લીધું. નવરો પડયો એટલે મહેશની દુકાને આવીને બેસી ગયો,

”શું છે સમાચાર? પેલાના….!” છેલ્લો શબ્દ ઉચ્ચારતાંની સાથે એણે સડકના સામા છેડે ઇશારો ફેંકયો. પાનના ગલ્લા આગળ પ્રેમી મોજુદ હતો.

”વાત આગળ વધતી જાય છે. મારે છોકરીના બાપને મળીને ‘બ્રેક’ મરાવવી પડશે.” મહેશનો હાથ સીલાઇ મશીનના પૈડા પર ફરતો હતો એ અચાનક થંભી ગયો.

”જવા દેને, મહેશ ! આપણા બાપનું શું જાય છે?” પ્રેમજીએ એની ”બ્રેક”નો વિરોધ કર્યો.

”આમાં આપણા બાપની વાત કયાં આવી ? છોકરીના બાપની વાત કર ને ! પરમસુખની તો દીકરી જઇ રહી છે ! કયાં કલગી અને કયાં પેલો મોહિત?

”પણ મહેશ, છોકરો કંઇ સાવ કાઢી નાખવા જેવો નથી લાગતો…. ” પ્રેમજીએ ઝીણી આંખ કરીને મોહિતને નિરખ્યો. જુવાન હતો, દેખાવડો હતો, ચહેરા પરથી સાવ ડફોળ પણ નહોતો દેખાતો.

”પણ કલગીની તોલે તો ન જ આવે ને ? કયાં આ રેશમનો તાકો અને કયાં પેલું ટેરીકોટન ?”

”હા, એ સાચી વાત, પણ મરવા દે ને ! આપણા કેટલા ટકા ? છોકરી આંધળી તો નથી ને ? ઉઘાડી આંખે કૂવામાં પડતી હોય તો આપણે કરી પણ શું શકીએ?”

”ઇચ્છા હોય તો ઘણું કરી શકીએ. તેને કૂવામાં પડતાં અટકાવી શકીએ. છોકરી ભલે દેખતી હોય, પણ પ્રેમ અંધ છે એનું શું ? મારે પરમસુખ વાણીયાને મળીને વાત કરવી પડશે. આપણો પડોશી છે, કંઇ દુશ્મન થોડો છે?” નિર્ણય પર આવી ગયેલા મહેશની કાતર હવે સડસડાટ ચાલી રહી હતી. કાપડ માપ પ્રમાણે વેતરાઇ રહ્યું હતું. સામા ગલ્લે મોહિતના ગલોફામાં પાન જામી રહ્યું હતું. અને આ છેડે એની છાતીમાં પાંગરી રહેલી એક રંગોળીને કોઇ વેર-વિખેર કરવાના પ્રયત્નોમાં લાગી ગયું હતું.

એ રાત્રે મહેશ દરજીએ કલગીના પપ્પા પરમસુખના કાનમાં સી.બી.આઇ.ના એજન્ટની અદાથી બાતમી ફૂંકી : દીકરી ઉપર નજર રાખો. નહીંતર મોંઢા ઉપર કાળો ડૂચડો ફરી જશે.

”કોણ ? કોની સાથે ? કયાં ?”

”પાનનો ગલ્લો. સાંજનો સમય. મોહિત નામ છે.”

”ભલે, હું મામલો સંભાળી લઇશ.” પરમસુખે કહ્યું. વાત પૂરી થઇ અને વહિવટ શરૂ થયો.

અઠવાડિયાની અંદર ખાડીયુદ્ધ સમાપ્ત થઇ ગયું. મોહિત ઉપર ચારેય દિશાઓમાંથી આક્રમણ કરવામાં આવ્યું. બે વાર ધોલધપાટ, ચાર વાર ચિમકી, નવેક વાર નનામા ફોન….! મોહિતે પાનનો ગલ્લો છોડી દીધો. મહેશ દરજીને કંઇક સારૂં કામ કર્યાનો સંતોષ મળ્યો.

એ પછી બે મહિને મહેશની આંખ ફરી એકવાર ચમકી. સામે પાનના ગલ્લા પાસે અઠવડિયામાં ત્રણ વાર એક નવી નક્કોર મર્સિડિઝ બેન્ઝ આવીને ઊભી રહેતી એણે જોઇ. અંદર બેઠેલો એક ફૂટડો જુવાન પણ એણે જોયો. પાંચસો પંચાવન બ્રાન્ડની સીગારેટ સળગાવતાં એની આંખમાં આવતી ચમક એણે ભાળી. અને પછી એને સમજાતું ગયું કે એ ચમકની દિશા કયાં હતીં.!

એ સાંજે પણ પ્રેમજીએ મહેશને વારવાની કોશિશ કરી : ”રહેવા દે મહેશ ! આપણા કેટલા ટકા ? આ વખતે તો છોકરો દેખાવડો પણ છે. ભલે મામલો જામી જતો….!”

”કેમ આમ બોેેલે છે? છોકરો કઇ ન્યાતનો છે એ આપણને ખબર છે? આ ગાડી આપકમાઇની છે કે બાપકમાઇની એ આપણે જાણીએ છીએ ? આજકાલ તો ભાડાનાં કપડાં પહેરીને ડ્રાઇવરો પણ મર્સિડીઝમાં ફરતા હોય છે. અને છોકરો દેખાવડો છે એટલે તું શું કહેવા માગે છે? રેશમના તાકા આગળ બહુ બહુ તો એને નાયલોનનું કપડું કહી શકાય. બાકી કલગી પાસે એનું કાવડિયું પણ ન આવે, સમજ્યો ? મારે આજે જ પરમસુખના કાને વાત નાખવી પડશે.”

એ રાત્રે મહેશ દરજીએ વાત નાખી, બીજા દિવસથી પરમસુખે પરસેવો પાડવો શરૂ કર્યો. અઠવાડિયા પછી મર્સિડિઝ ગાડી એ સડક ઉપર દેખાતી બંધ થઇ ગઇ. મહેશ દરજીએ સંતોષનો ઓડકાર ખાધો. પછી તો ઇશ્વરે એને આવી સત્કાર્યો કરવાની સાત-આઠ જેટલી તકો આપી. અને મહેશ દરજી દરેક વખતે માપ પ્રમાણે કાતર વાપરતો રહ્યો.

બે મહિના વિતી ગયા. એક સાંજે મહેશ બેઠો બેઠો કોઇ ઘરાકનું ફાટેલા શર્ટને રફુકામ કરી રહ્યો હતો, ત્યાં પ્રેમજી આવીને બેઠો.

‘મહેશ, કંઇ સાંભળ્યું ?”

”ના, શું છે?”

”તારા પડોશની વાત છે અને તને ખબર નથી ?” પ્રેમજીએ વાતમાં મોણ નાંખ્યું.

મહેશની તાલાવેલી ઓર વધી ગઇ : ”શું છે એ ભસી નાખને ?”

”કલગીની સગાઇ નક્કી થઇ ગઇ.”

”એમ? કયાં ?”

”એના બાપે કહ્યું ત્યાં, છોકરો એમની જ જ્ઞાતિનો છે. કલગીના મામાએ ઘર બતાવ્યું. પરમસુખે હા પાડી દીધી. આવતી કાલે તો ચાંલ્લા છે.”

”બહુ સરસ.” મહેશે વધુ એકવાર સંતોષનો ઓડકાર ખાધો : ”પરમસુખની આબરૂ રહી ગઇ. છોકરી રતન જેવી હતી અને કયાંક ઊકરડે જઇને બેસવાની હતી, એમાંથી મેં ઊગારી લીધી. હવે….”

”પણ સાંભળ મહેશ ! તે જે ઊકરડાઓમાંથી એને ઊગારી લીધી એ બધાં છોકરાઓ તો ખૂબ સારા હતા. કલગીના રૂપથી આકર્ષાઇને શહેરના શ્રેષ્ઠ મુરતિયાઓ એને પરણવાની તૈયારી સાથે પાનના ગલ્લા સુધી ખેંચાઇ આવ્યા હતા. એમાંથી કોઇનીયે સાથે પરણીને કલગી રાજરાણીના જેટલું સુખ ભોગવી શકી હોત.”

”અને આ મુરતિયો ?”

”સાવ છેલ્લી પાટલીનો નપાવટ છે! અત્યાર સુધીમાં ચાડી ફૂંકીફૂંકીને તેં કલગીની આબરૂ ખરાબ કરી નાખી. પરિણામે સારા ઘરનો એક પણ છોકરો એનો હાથ પકડવા તૈયાર નથી. બિચારીના નસીબમાં છેવટે ઉકરડો જ લખાયો હશે.”

પ્રેમજી તો આટલું બોલીને ચાલ્યો ગયો. પણ મહેશ સ્તબ્ધ નજરે હાથમાં રહેલા ફાટેલા શર્ટ સામે તાકી રહ્યો. જિંદગીનું સત્ય હવે એને સમજાઇ રહ્યું હતું, કન્યા નામે વસ્ત્ર ગમે એટલું મુલાયમ હોય, પણ એને ‘મેચ’ થાય એવો તાકો શોધી આપનાર આપણે કોણ?”

સાચો દરજી તો ઉપર આકાશમાં બેઠો છે. ફાટેલા રેશમી કપડાં ઉપર કયારેક એ કંતાનનું થીગડું પણ મારી દે છે, અને આપણે એને અટકાવી પણ શકતા નથી.!

(http://gujaratiliterature.wordpress.com/ માંથી)

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: