મુખ્ય પૃષ્ઠ > ડો.શરદ ઠાકરની નવલિકાઓ > કેમ આંબાડાળ પર ટહુકા નથી? મન મૂકીને એ હવે મળતા નથી.

કેમ આંબાડાળ પર ટહુકા નથી? મન મૂકીને એ હવે મળતા નથી.

‘સ્વસ્તિક એકસપોર્ટ એન્ડ ઈમ્પોર્ટ કંપની’ના યુવાન માલીક અભિજાતે હજી તો એની એરકન્ડીશન્ડ ઓફિસમાં પોતાની રીવોલ્વીંગ ચેરમાં સ્થાન ગ્રહણ કર્યું, ન કર્યું, ત્યાં જ ટેલીફોનની લાંબી ઘંટડી રણકી ઊઠી.

અભિજાતે સામે ઊભેલી સેક્રેટરી રોઝીની સામે લૂચક સ્મિત કર્યું : ”રોઝી, લાગે છે કે તારે અડધો કલાક રાહ જોવી પડશે. એ જ ફોન લાગે છે.”

”બટ સર, ધીસ ફાઈલ ઈઝ વેરી ઈમ્પોર્ટન્ટ એન્ડ અરજન્ટ ટૂ….!”

”રોઝી, એ હકીકત હું જાણું છું, પણ તું યે જાણે છે કે આ ફોન પણ એ ફાઈલ જેટલો જ અગત્યનો છે. યુ પ્લીઝ, વેઈટ આઉટસાઈડ ! ફોન પતે એટલે હું તને બોલાવું છું.”

અભિજાત પિસ્તાલીસ વરસનો પુરુષ હતો, પણ આ ઉંમર તો એની જન્મતારીખ પ્રમાણેની હતી. એનું ચૂસ્ત બદન એને માત્ર પાંત્રીસ વરસનો બનાવી મૂકતું હતું; અને હૃદયથી એ ફકત પચીસ જ વરસનો ગુલાબી યુવાન હતો. એણે રિસિવર ઉઠાવ્યું. એની ધારણા સાચી પડી. સામે છેડે અક્ષરા જ હતી. ત્રણસો કિલોમીટર દૂર સૌરાષ્ટ્રના એક છેવાડાના શહેરમાં ઘરસંસાર વસાવીને બેઠેલી અભિજાતની પ્રેમિકા.

”હાય, અભિ ! શું કરે છે ? કંઈ નવા-જૂની ?”

અભિજાત હસ્યો : ”હજી ગઈ કાલે તો આપણે એક કલાક વાત કરી છે, ત્યાં નવાજૂની શી હોય ?”

અક્ષરાને માઠું લાગી ગયું : ”કેમ, ફોન કર્યો એ ન ગમ્યું ?”

”ના, ના, એવું નથી, પણ અક્ષરા, તને ડર નથી લાગતો ? કયારેક ફોન કરતાં તું પકડાઈ જશે તો શું થશે ?”

અક્ષરા ખીલખીલાટ હસી પડી : ”સાવ સ્ત્રી જેવો ડરપોક છે ! મને કોણ પકડવાનું હતું ?”

”તારી દીકરી અઢારની થઈ અને દીકરો ત્રેવીસનો. કયારેક અચાનક કોલેજમાંથી વહેલા ઘરે આવી ચડશે અને જોશે કે મમ્મી તો….”

”બસ, બસ, હવે ! બહુ થયું ! હું સાવચેતીના પૂરા પગલાં લઊં છું અને તેમ છતાં કોઈને ખબર પડી જશે તો હું ડરતી નથી. કહી દઈશ કે હું અભિજાતને લગ્ન પહેલાં પણ પ્રેમ કરતી હતી અને અત્યારે પણ કરું છું. અને જિંદગી આખી પ્રેમ કરતી રહીશ. અને આપણે કયાં બીજું કંઈ ખરાબ પગલું ભરીએ છીએ ? શરીરનો સંબંધ એ કદાચ અપરાધ ગણાતો હશે, બાકી વાતચિતનો વહેવાર તો બંધનોથી પર હોય છે.”

”સારું, સારું, છોડ એ વાત ! બોલ, શા માટે ફોન કર્યો છે ?”

”બસ, એમ જ. તું યાદ આવી ગયો. આજે કયા રંગનું શર્ટ પહેર્યું છે ?”

”ગુલાબી.” અભિજાતે શર્ટનો રંગ દિલ ઉપર પણ ઓઢી લીધો. વાતે હવે રોમેન્ટિક કેડી પકડી લીધી. અક્ષરા ગઝલની જેમ ખૂલતી ગઈ.

અભિજાત વાત સાંભળતો રહ્યો, વચ્ચે વચ્ચે ઘડિયાળમાં પણ જોતો રહ્યો; ત્રીસ મિનિટ, પાંત્રીસ, ચાલીસ…. પચાસ મિનિટ ! આ એસ.ટી.ડી. ફોન પર વાત ચાલી રહી હતી. અક્ષરાને પૈસાની ચિંતા નહીં હોય ? એવું લાગતું હતું કે નહીં જ હોય ! અક્ષરા દર અઠવાડિયે બેથી ત્રણ વાર ફોન કરતી; લાંબી, અર્થહીન વાતો કર્યે રાખતી, આટલે દૂર બેઠાં બેઠાં પણ પ્રેમીને પૂરેપૂરો પામવાની મથામણ કરતી રહેતી.

અને અભિજાતને આ બધું ગમતું હતું. વરસો પહેલાં જેમ અક્ષરા ગમી ગઈ હતી, એમ જ હવે અક્ષરાની પ્રત્યેક ચેષ્ટા ગમતી હતી. એની શ્વેત-શ્યામ જિંદગીમાં અક્ષરા પ્રણયની પીંછી વડે મેઘધનૂષી રંગો ભરી દેતી હતી. સાથે કોલેજમાં હતા, ત્યારે પ્રેમનો એકરાર થઈ ન શકયો. અને જ્યારે એકરાર કરવાની હિંમત આવી ત્યારે માથાના વાળમાં સફેદી બેસવાની શરૂઆત થઈ ચૂકી હતી.

”અક્ષરા, તું આટલા બધા ફોન કરે છે, પણ કયારે ય તને ચિંતા નથી થતી ?” અભિજાતે એકવાર પૂછયું હતું.

”ચિંતા ? શાની ચિંતા ?”

”તારા હસબન્ડને ખબર પડી જશે એ વાતની…”

”મારા વરને કેવી રીતે ખબર પડશે ? કોણ કહી દેશે એને ? તું ?!” અક્ષરા ખીલખીલાટ હસી પડી.

”કેમ ? ટેલીફોનનું જંગી બીલ ચાડી નહીં ફૂંકી દે ? અને હવે તો ટેલીફોન ખાતા તરફથી દર બે મહીને એક વાર એસ.ટી.ડી. કોલ્સની યાદી ફોન નંબર સહીત, મોકલવામાં આવે છે. તારો વર ધારે તો એ વાત પણ જાણી શકે કે તું કયા નંબર ઉપર કોની સાથે આટલી બધી વાર વાતો કરે છે !”

”હા, અભિ, તારી શંકા સાચી છે; પણ આપણે એવો કશો જ ભય રાખવાની જરૂર નથી. બીલની રકમ બાબતમાં હું એને પટાવી લઉં છું. ઘરમાં એકલી એકલી ‘બોર’ થતી હોઉં તો બહારગામ બહેનપણીઓ જોડે વાત કરું પણ ખરી ! એમાં ખોટું શું છે ? અને ટેલીફોન કર્યાની વિગતોની યાદી જ્યારે પણ આવે છે, ત્યારે મારા જ હાથમાં આવે છે. હું તરત જ એનો નિકાલ કરી દઉં છું. અભિ, પ્રેમમાં પડેલી સ્ત્રી પ્રેમ કરવા માટે આવશ્યક છળ અને કપટ પણ શીખી જતી હોય છે.”

”પણ અક્ષરા, કયારેક પકડાઈ ગયાં તો શું કરીશ ?”

”બીજું શું કરવાનું ? મારો વર ઘરમાંથી કાઢી મૂકશે, તો તારા ઘરને ઊંબરે આવીને ઊભી રહી જઈશ. સંઘરીશ ને મને ?” અક્ષરાએ એવા અંદાજમાં એવો સવાલ પૂછયો હતો, જે દુનિયાભરની પ્રેમિકાઓ એમનાં પ્રેમીઓને પૂછતી આવી છે. આ માત્ર પૂછવા ખાતર જ પૂછાયેલો પ્રશ્ન હોય છે, એના જવાબની બંને પક્ષોને જાણ હોય છે; અને તેમ છતાં દરેક પુરુષને એની પ્રેમિકા પાસેથી આ સવાલ સાંભળવો ગમતો હોય છે.

અભિજાતને પણ અક્ષરાનાં લાલઘૂમ હોઠ વચ્ચેથી સરકતા આ શબ્દો સાંભળવા ગમતા હતા. યુવાનીમાં ઈંડાની જેમ સેવેલું એક સ્વપ્ન આ સવાલની સાથે જ જાણે ફૂટી જતું હતું અને એના તૂટેલા કોચલામાંથી એક રેશમી સ્પર્શ જેવી સુહાગરાત આળસ મરડીને બહાર આવતી હોય એવો અહેસાસ અનુભવી શકાતો હતો. મનગમતી સ્ત્રી સાથેના અનેક સપનાં, સુખની અસંખ્ય કલ્પનાઓ, શિયાળાની ભાંગતી રાતે એક જ પથારીમાં લૂતાં લૂતાં માણવા જેવી અનેક વિશ્રંભવાર્તાઓ અક્ષરાના આ એક કાલ્પનિક સવાલ માત્રથી ઊજાગર થઈ ઊઠતી. અભિજાત ચૂપ થઈ જતો.

ટેલીફોન પરની વાતચિતોનો આ સિલસિલો પૂરાં પાંચ વરસ સુધી ચાલતો રહ્યો. વચમાં કયારેક અક્ષરા અમદાવાદ પણ આવી જતી. બંને પ્રેમીઓ બે-ચાર કલાક માટે મળી લેતાં. ચોરીછુપીની આ મુલાકાત ગરમ-ગરમ તવા ઉપર છંટકારાતા પાણીની છાલક જેવી બની જતી. જળબિંદુ ક્ષણવારમાં વરાળ બનીને ઊડી જતાં; દિમાગનો તવો ફરી પાછો ભઠ્ઠીની જેટલો જ ગરમ બની રહેતો.

અક્ષરાની વાતો કયાંથી કયાં સુધી ઘૂમરાતી રહેતી ? આજે કયું શાક બનાવ્યું છે ત્યાંથી માંડીને એની દીકરીનું આરંગેત્રમ કઈ તારીખે નિર્ધાર્યું છે ત્યાં સુધી વાતોનો વ્યાપ રહેતો. મોટો દીકરો કોલેજ પૂરી કરી રહ્યો છે, હવે એના માટે કન્યા શોધાઈ રહી છે, પુત્રવધૂ કેવી હોવી જોઈએ…..! અક્ષરાની જીભ માટે ‘રૂકાવટકે લિયે ખેદ હૈ’ જેવું કોઈ પાટીયું ન હતું.

”એક વાત કહું, અભિ ? આપણે ભલે પરણી ન શકયાં, પણ આપણે પ્રેમમાં છીએ એનો ખરો ફાયદો મારા દીકરાને મળ્યો છે.” અક્ષરાએ ન સમજાય એવી વાત કરી.

”એ કેવી રીતે ?” અભિજાત ગૂંચવાયો.

”મેં તો મારા દીકરાને કહી દીધું છે કે તારે મારાથી કે તારા પપ્પાથી સહેજ પણ ડરવાની જરૂર નથી. તને કોઈ છોકરી ગમતી હોય તો મને કહી દે; હું એની સાથે જ તારા લગ્ન કરાવી આપીશ ! અભિ, મનગમતી રંગોળી વિખેરાઈ જવાની વેદના આપણા જેટલી બીજું કોણ વેઠી શકે ?”

અને અક્ષરાના ફોન આવતા રહ્યા. દીકરા માટે સુંદર છોકરી જોઈ છે, બધાંને ખૂબ જ ગમી છે, આવતા અઠવાડિયે સગાઈ છે, સગાઈ પતી ગઈ, ભાવી પુત્રવધુ અમારા ઘરે આવતી-જતી રહે છે, એને મારી સાથે બહુ ફાવે છે…!

અને અચાનક એક બપોરે અક્ષરાનો ફોન આવ્યો : ”અભિજાત, હવે હું તને ફોન નહીં કરું.”

”કેમ ? શું થયું ?” અભિજાત ડઘાઈ ગયો.

”અભિ, તું આઘાત ન પામીશ. હું હજી પણ તને એટલો જ પ્રેમ કરું છું, અને હંમેશાં કરતી રહીશ…. પણ… હવે મલયના લગ્ન થશે, આવતે મહીને કામ્યા મારી પુત્રવધૂ બનીને મારા ઘરમાં આવશે… એને ખબર પડી જાય કે એની સાસુ કોઈ પરપુરુષના પ્રેમમાં છે, તો…. તો… ? પ્લીઝ, અભિ ! તું મને સમજી શકે છે ને ?” અક્ષરાએ ફોન મૂકી દીધો. અભિજાત કયાંય સુધી રિસિવર હાથમાં પકડીને વિચારતો રહ્યો : ”હા, અક્ષરા ! હું સમજી શકું છું….! પ્રેમને ભલે કોઈ ઉંમર નથી હોતી, પણ પ્રેમિકાને ઉંમર હોય છે… અને એ નડે પણ છે.”

(http://gujaratiliterature.wordpress.com/ માંથી)

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: