મુખ્ય પૃષ્ઠ > ડો.શરદ ઠાકરની નવલિકાઓ > ઝાડથી ખરે પાંદડું એમાંય, કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે ? આપણી વચ્ચે ‘આવજો’ની કોઈ ભીંત હશે, કે યાદ જેવું કોઈ બારણું હશે?

ઝાડથી ખરે પાંદડું એમાંય, કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે ? આપણી વચ્ચે ‘આવજો’ની કોઈ ભીંત હશે, કે યાદ જેવું કોઈ બારણું હશે?

સમીરે પડોશમાં રહેતા રમણલાલના ઘરમાં પ્રવેશ કર્યો, ત્યારે બપોરના ત્રણ વાગવા આવ્યા હતા. બારણું બંધ હતું, પણ ખાલી જ વાસેલું હતું. સમીરે ટકોરા માર્યા તો અફઘાનીસ્તાનની તોરાબોરાની ગુફામાંથી કોઈ બોલી રહ્યું હોય એવો ગેબી અવાજ સંભળાયો : ”ખુલ્લું જ છે; ધક્કો મારો…!”

ઓરડામાં પગ મૂકતાંવેંત સમીર ડઘાઈ ગયો. આ શું ? ભરબપોરે આવું અંધારું ? બારીઓ બંધ. બારીઓના પડદા પણ પાડી દીધેલા. બે મિનિટ પછી આંખો ટેવાણી ત્યારે લાગ્યું કે સામે સોફા ઉપર કોઈ રીંછ બેઠું છે.

”ઊભો છે શું ? આવ… ! બેસ… !” રીંછ બોલ્યું ત્યારે ખબર પડી કે એ રીંછ નહીં, પણ રમણલાલ હતા. શરીર ઉપર દસ વરસ જૂનું ગરમ સ્વેટર, ગળામાં મફલર, માથે વાંદરાટોપી અને એક જરી ગયેલો રૂંછાવાળો ગરમ ધાબળો.

”રમણકાકા, હજી શિયાળાને તો વાર છે. નવરાત્રી હમણાં પૂરી થઈ. તમે તો અત્યારથી…..”

”ભાઈ, મારે કેલેન્ડર જોઈને ગરમ કપડાં પહેરવાના છે ? કે પછી ઠંડી જોઈને ?” રમણકાકાએ ઠંડીમાં ધ્રૂજતાં ડીલે ગરમ- ગરમ જવાબ ધર્યો : ”મારું ઘર, મારું શરીર અને મારાં કપડાં ! પછી ગામને શાની પંચાત ?”

સમીરને ચાટી ગઈ : ”ભલે, કાકા ! તો પછી હું જાઉં. મને લાગે છે કે તમારી વાત સો ટકા સાચી છે. તમારા ઘરની ખાનગી વાતમાં ગામે શા માટે માથું મારવું પડે ?”

રમણલાલ ચમકી ગયા. આ માળો સમીરીયો કંઈક ભેદમાં બોલતો હોય એમ કેમ લાગે છે ? અને ઘરની ખાનગી વાત એટલે વળી શું હશે ? એમણે વાતને વાળી લીધી : ”અરે, તું બી ખરો છે ! વાત કરી તો વાતને ખાધી. હું ગામને ગાળો આપું છું એમાં તું કયાં આવી ગયો ? બેસ, થોડીવાર પછી મસાલાવાળી ચા પીઈશું. તારી કાકી જરા આરામમાં છે અને માલા એની બહેનપણીનાં ઘરે ગઈ છે. તારી કાકી ઊઠે એટલે ચા મૂકે…..”

સમીર જે વાત કરવા આવ્યો હતો એ સ્ફોટક હતી. એને ગમે એટલી નજાકતથી રજુ કરવામાં આવે તોયે ભડકો થાય એમ હતું. પણ રમણલાલે જ માલાનાં નામનો ઉલ્લેખ કરીને સમીરની મુશ્કેલીને દૂર કરી આપી.

”શું હતું, બોલ ?” રમણલાલનો સવાલ મફલરની ગળણીમાંથી ગળાઈને આવતો હતો.

”માલા…..”

”શું હતું માલાનું ?”

”તમે હમણાં કહ્યું ને કે માલા એની બહેનપણીના ઘરે ગઈ છે ?”

”હા, તે શું છે એનું ?”

”એ બહેનપણીને મળવા નથી ગઈ, ભાઈબંધને મળવા ગઈ છે !”

”શું બકે છે ?” રમણલાલ તાડૂકીને ઊભા થઈ ગયા.

”મારી છોકરી ફૂટપટ્ટી જેવી સીધી છે, કોઈ છોકરાની સાથે વાત પણ નથી કરતી ત્યાં મળવા જવાની તો ….”

”વિશ્વાસ ન પડતો હોય તો ચાલો મારી સાથે. તમારી સગ્ગી આંખે જોઈ લો.” સમીરે પડકાર ફેંકયો : ”પણ મારી સાથે આવવું હોય તો શરીર ઉપરથી આ ડામચિયો હટાવવો પડશે. આમ રીંછની જેમ જશો તો માલા તમને દૂરથી જ જોઈ લેશે.”

રમણલાલે ઊનનો ડામચિયો દૂર કર્યો. આમ પણ એમને હવે ગરમ કપડાંની ગરજ રહી નહોતી; માલા વિષેની માહિતી જાણ્યા પછી આખા શરીરે પરસેવો વળી રહ્યો હતો. આંખમાંથી અંગારા અને તનબદનમાંથી આગ વરસી રહી હતી. ઝડપથી એમણે વસ્ત્રો ત્યાગ્યાં. ઊનાળામાં પહેરી શકાય એવા સદરો- લેંઘો ધારણ કર્યા. પગમાં અવાજ ન આવે માટે ચંપલને બદલે સ્લીપર્સ પહેર્યાં. ઊંઘતી કાકીને ઊંઘતાં જ છોડીને સમીર સાથે નીકળી પડયા.

”કયાં જઈએ છીએ ?” રમણલાલે સમીરના સ્કૂટરની પાછલી સીટ ઉપર બેસતાં પૂછયું.

”ગુલાબવાડીમાં.” સમીરે જૂના બજાજ સ્કૂટરને ‘કીક’ મારી. એ લાત રમણલાલની ઈજ્જત ઉપર વાગી હોય એમ એ ઊકળી ઊઠયા.

”ગુલાબવાડી ? ત્યાં શું છે ?”

”ત્યાં વાડી છે; અને વાડીમાં વૃક્ષો છે, બાંકડા છે, કયારા છે, ફૂલછોડ છે અને એ દરેકની આડશમાં છાનીછપની વાતો છે, ઊનાં ઊનાં નિશ્વાસો છે, ખટ્ટમીઠ્ઠી મુલાકાતો છે, ભરબપોરે લૂરજનાં સામ્રાજ્યમાં શીતળ ચાંદનીનું સામ્રાજ્ય છે. અને આ ચાંદનીનાં એકાદ કિરણનું નામ માલા અને મૌલીક છે.”

”કોણ માલા ?”

”તમારી દીકરી વળી; બીજું કોણ ? એમ પૂછો કે મૌલીક કોણ ?” સમીરે આગ ચાંપી. રમણલાલ ભડકો થઈ ગયા. સારું હતું કે પેટ્રોલની ટાંકી બરાબર બંધ હતી, બાકી આખું સ્કૂટર સળગીને રાખ થઈ ગયું હોત.

”પણ મારી માલા તો એવી નથી.” રમણલાલ બબડી રહ્યા હતા : ”એ તો કોઈ છોકરાની સાથે વાત પણ નથી કરતી. જરૂર કોઈ ગેરસમજ થતી હોય એમ લાગે છે…..”

અને સ્કૂટર ગુલાબવાડીના મુખ્ય ઝાંપા પાસે આવીને ઊભું રહ્યું. સમીર નીચે ઊતર્યો. રમણલાલની સ્થિતિ વિચિત્ર હતી. એક બાજુ દીકરી ઉપર અતૂટ શ્રધ્ધા હતી અને બીજી બાજુ આ સમીરીયો હતો. એ ખોટો પડે તો પછી એની વાત છે ! પણ કયાંક એની બાતમી સાચી ઠરી તો ?

રમણલાલે ગુલાબવાડીના ઝાંપા તરફ નજર ફેંકી. બપોરના સમયે બગીચામાં ફરવા માટે બીજું તો કોણ આવે ? બસ, ઘાયલ અને પાયલ માટે આ શ્રેષ્ઠ સ્થળ હતું અને માફક આવતો સમય હતો. સમીર અને રમણલાલે દબાતે પગલે ગુલાબવાડીમાં ઘૂસ મારી. વાડીના પ્રવેશદ્વાર ઉપર મોટી કમાન ઉપર પાટીયું ઝૂલતું હતું : રોઝ ગાર્ડન. વાંચીને રાજી થવાય એવાં સુંદર અક્ષરો હતા, પણ રમણલાલ અત્યારે રાજી થવાના મૂડમાં ન હતા. ગુલાબવાડી આજે એમને કાંટાવાડી લાગી રહી હતી.

અંદર ગયા પછી જોયું તો ગાર્ડન લૂમસામ હતો. બહાર સ્કૂટરો તો વીસેક જેટલાં પડયાં હતાં, તો પછી એમના માલીકો ગાયબ કયાં થઈ ગયાં ?

સમીરે ફોડ પાડયો : ”તમને એક પણ જુવાનિયો કે જુવાનડી જોવા નહીં મળે. એ લોકો અહીં ફરવા નથી આવતાં, સંતાવા માટે આવે છે. એમને શોધવા હોય તો બાંકડાની આગળ નહીં, પણ પાછળ જવું પડે !”

અને સમીર ખરેખર સાચો હતો. બગીચાનો દરેક બાંકડો એક એક રૂપાળું રહસ્ય છુપાવીને આડો પડયો હતો. દરેક વૃક્ષ એના થડની આડશમાં એક ગોપીત સંબંધનું જતન કરી રહ્યો હતો. પ્રત્યેક છોડ બપોરના પવનવિહોણા વાતાવરણમાં પણ સહેજસાજ હલી રહ્યો હતો.

સમીરે પૂછયું : ”માલાએ આજે કેવા રંગના કપડાં પહેર્યા છે ?”

રમણલાલે યાદ કર્યું : ”ગુલાબી રંગનો ડ્રેસ પહેર્યો છે.”

સમીરે આંખ ઝીણી કરી. દૂર એક ગુલમહોરના વૃક્ષ નીચે થડની એક તરફ ગુલાબી રંગનો દુપટ્ટો ‘લાઈન ઓફ કંટ્રોલ’ની બહાર સરકી ગયેલો જોઈ શકાતો હતો. સમીરે એ તરફ આંગળી ચીંધી : ”તમારા ઘરનું ગુલાબ ગુલમહોરના વૃક્ષ નીચે લૂતું છે. જાવ, જઈને સંભાળી લો. સાથે કાંટો પણ છે. સંભાળજો, વાગી ન જાય….”

રમણલાલ દબાતા પગલે ગયા. પછી જે થયું એ વર્ણનાતીત છે. પાંચ-સાત હાંકોટા, બે-ચાર અપશબ્દો, એકાદ-બે થપ્પડ અને પછી કાંટો ગાયબ અને ગુલાબને ઘસડીને, રીક્ષામાં નાખીને રમણલાલ ઘર ભેગા. પાછળ પાછળ સમીર પણ ખરો.

ઘરે આવીને રમણલાલે માલાનાં રીમાન્ડ શરૂ કર્યાં : ”કોણ હતો એ લોફર ?”

માલા હિબકે ચડી ગઈ : ”પપ્પા, એ લોફર નથી, મૌલીક છે. સંસ્કારી અને સુખી મા-બાપનો દીકરો છે.”

”સુખી હશે, પણ સંસ્કારી નથી.” રમણલાલ ગર્જી ઊઠયા : ”સંસ્કારી ઘરનો છોકરો ભરબપોરે કોઈના ઘરની ઈજ્જતનું આમ બગીચામાં લીલામ ન કરે.”

”પણ અમે એવું કશું જ નહોતાં કરતાં, પપ્પા ! અમે…. એ… એ મને પ્રેમ કરે છે… એ મારી સાથે લગ્ન કરવા પણ તૈયાર છે… તમે એક વાર એને મળો તો ખરા…”

”મળી તો લીધું ! બેટા, આવા સંબંધો બાંધવા માટે મુલાકાત ઘરમાં થવી જરૂરી છે, બગીચામાં નહીં. અને મૌલીક આપણી જ્ઞાતિનો પણ નથી. આવાં લગ્ન મને મંજુર નથી. હવે પછી એ વાત ઉપર ચોકડી પડી ગઈ એમ સમજ.” રમણલાલે ફેંસલો લૂણાવી દીધો. પછી સમીર તરફ જોયું, ”ભાઈ, તને આજે ભગવાને મોકલ્યો. તે મારી માલાની જિંદગી બચાવી લીધી. ઈશ્વર તારું ભલું કરે !” આટલું બોલતામાં તો રમણલાલની આંખો ભીની થઈ ગઈ.

સમીરે ઊંડા આત્મસંતોષ સાથે વિદાય લીધી. હજી તો એને ઘણું કામ બાકી હતું. રમણલાલ જેવા કેટલાય બાપોને ચેતવવાના બાકી હતા. આશિમાના પપ્પા અંબાલાલને માહિતી આપવાની હતી કે તમારી દીકરી તમારા પડોશીના દીકરા જોડે અત્યારે ‘અંબર’ ટોકીઝમાં ‘એ’ હરોળની કોર્નર સીટમાં બેસીને પિકચર ‘જોઈ’ રહી છે ! મહાસુખભાઈને માહિતી આપવાની હતી કે તમારી મોહિની અત્યારે હાઈ-વે પાસેની ઝાડીમાં મહંમદ ઘાંચી સાથે બેસીને કવિ કાલિદાસનું શાકુન્તલ ભજવી રહી છે ! વિધવા લલીતાબહેનને ચેતવવાનાં હતાં કે તમારી લટકાળી લીના પોળના નાકે આવેલા ધોબીના કૂળદીપક પાસે પોતાનાં ઊજળા કપડાં મેલાં કરાવી રહી છે !

સમીર કૂથલીખોર નહોતો. વિકૃત મનોદશાવાળો પણ ન હતો. પણ સીધી લાઈનનો સીધો છોકરો હતો. કોઈ છૂપી ઈર્ષાને વશ થઈને એ આ બધું નહોતો કરી રહ્યો; એની એક માત્ર ઈચ્છા એ જ હતી કે સારા, સંસ્કારી ઘરની છોકરી કોઈ આવારા, મુફલિસની ચુંગાલમાં ફસાઈ રહી હોય તો એને બચાવી લેવી. આવું સાત્ત્વિક કાર્ય કર્યા પછી એને ગજબનો આત્મસંતોષ મળતો. આ વખતે પણ મળ્યો. દિવસો સુધી, સપ્તાહો સુધી અને મહીનાઓ સુધી એ આ ઘટનાને વાગોળતો રહ્યો. પછી બીજી ઘટનાઓ બનતી રહી અને માલાવાળી વાત વિસારે પડી. સમય જતાં રમણલાલ મકાન બદલીને બીજા વિસ્તારમાં રહેવા માટે ચાલ્યા ગયા.

વરસો પછી અચાનક સમીર કોઈ કામ સબબ જઈ રહ્યો હતો, ત્યાં ફૂટપાથ ઉપર ચાલતા જઈ રહેલા રમણલાલ ઉપર એની નજર પડી. જરી ગયેલાં કપડાં, વળી ગયેલી કમર, ગળી ગયેલાં અંગો અને મરી ગયેલી જીજીવિષા…..! લાગતું હતું કે કોઈ બિસ્માર બની ગયેલું મકાન પગપાળા જઈ રહ્યું છે !

સમીર એમને ઓળખી ગયો. બૂમ પાડીને ઊભા રાખ્યા. ગાડી છેક એમની નજીક જઈને ઊભી રાખી. પછી આત્મિયતાથી પૂછયું : ”કયાં જવું છે, કાકા ? બેસી જાવ ગાડીમાં.”

રમણલાલ ન બેઠા. ”માલા શું કરે છે ?” સમીરે પૂછયું. એને અપેક્ષા હતી શાબાશીની અને આશા હતી કે રમણલાલ એનો આભાર માનશે. પણ એને બદલે આ શું ? રમણલાલની આંખોમાં આંસુ હતા.

”માલા વિષે કંઈ ન પૂછ, ભાઈ ! એ તો બાબુ બેવડાના ચીમન જોડે નાસી ગઈ. પેલો મૌલીક તો ખૂબ સારો છોકરો હતો. અમને તો પાછળથી બધું જાણવા મળ્યું. ખૂબ સંસ્કારી, ધાર્મિક વૃત્તિનો અને સંયમી છોકરો હતો. માલાને સાચા દિલથી ચાહતો હતો. જે દિવસે આપણે એને બગીચામાં રંગે હાથ પકડયો, એ દિવસે એ માલાને પહેલી વાર આવી રીતે મળી રહ્યો હતો. બીજે દિવસે તો એ અમને મળવા અમારા ઘરે પણ આવવાનો હતો. પણ અફસોસ ! એક સુંદર રંગોળી ઉપર અજાણતાં જ આપણો પગ પડી ગયો. અને માલાનું નસીબ ફૂટેલું તે આ ચીમન ભટકાઈ ગયો. ચીમનના સંસ્કારની શું વાત કરું ? બસ, એક જ વાકયમાં સમજી જા; એના ઘરના માટલામાં પાણીને બદલે દારૂ ભરેલો હોય છે. શરાબની સાથે બીજા તમામ દુર્ગૂણો તો હોય જ. માલા દુ:ખી દુ:ખી છે.” આટલું બોલીને રમણલાલ પળવાર માટે થંભી ગયા.

પછી બે હાથ જોડીને બોલ્યા, ત્યારે એમના શબ્દે શબ્દે ઠપકો નીતરી રહ્યો હતો : ”ભાઈ, સમીર ! મેં તારું શું બગાડયું હતું ? એ શિયાળાની કડકડતી બપોરે હું ધાબળામાં ગોટમોટ થઈને બેઠો હતો, ત્યારે મારા ઘરની ઈજ્જત ‘બચાવવા’ તું ન આવ્યો હોત તો કેટલું સારું હતું ? તે તો મારા શરીર પરથી કપડાં ઊતારી લીધાં; મને ઊઘાડો કરી નાખ્યો…..”

સમીર સ્તબ્ધ હતો. એને જોરદાર ઈચ્છા થઈ આવી કે એ ત્યાંથી નાસી છૂટે ! એણે ‘ઈગ્નીશન કી’ ઘૂમાવી પણ ખરી; પણ કોણ જાણે કેમ ગાડી સ્ટાર્ટ ન થઈ. ધૂમાડો કાઢીને એન્જિન શાંત થઈ ગયું.

(http://gujaratiliterature.wordpress.com/ માંથી)

Advertisements
 1. KHUSHBU
  ઓક્ટોબર 7, 2010 પર 12:01 પી એમ(PM)

  JAI SHRI KRISHNA

  Jyare ZINDAGI ma koi ni dakhal tahy che ,
  tyar pachi ZINDAGI veran bani jay che………

  jai shri krishna

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: