મુખ્ય પૃષ્ઠ > ડો.શરદ ઠાકરની નવલિકાઓ > તારી સુગંધ ખુદ આપી દેશે ઓળખ એની, કોઇ રૂમાલે કોઇ નિશાની નહીં કરવાની.

તારી સુગંધ ખુદ આપી દેશે ઓળખ એની, કોઇ રૂમાલે કોઇ નિશાની નહીં કરવાની.

રવિવારનો દિવસ હતો. સવારનો સમય. મસ્તક મહેતા એના ફ્લેટની બાલ્કનીમાં બેઠો-બેઠો અખબારી પૂર્તિ વાંચી રહ્યો હતો, ત્યાં નીચે રસ્તા પરથી કોઇએ બૂમ પાડી, ‘અરે! તું અહીં રહે છે?’ મસ્તકે છાપું હટાવીને નજર ફેંકી. નીચે ઊભેલી આલિશાન ગાડીની બાજુમાં એની જ ઉમરનો એક ‘રિચી રિચ’ પુરુષ ઊભો હતો. છેલ્લે એને જોયેલો એ ઘટનાને દસ-બાર વર્ષ થવા આવ્યાં હોવા છતાં મસ્તક એને ઓળખી ગયો, ‘અરે, અન્જાન?! તું અહીં ક્યાંથી? આવ, ઘરમાં આવ!’

‘ભાભી છે ઘરમાં? ગરમા-ગરમ ચાની એક પ્યાલી મળશે? તો આવું?’ ‘ચા મળશે. ભાભી નહીં મળે. ચાર-પાંચ દિવસ માટે પિયરમાં ગઇ છે. પણ હું તો છું ને. આવ, કેટલાં બધાં વર્ષો પછી મળી રહ્યા છીએ?!’ ‘હા, મળવાનું મહત્વનું હોય છે, સ્થળ મહત્વનું નથી હોતું.’ ‘હું સમજયો નહીં.’

‘બે મિનિટમાં તૈયાર થઇને નીચે ઊતર. હું ગાડીમાં બેઠો છું. આખો દિવસ મારા ફાર્મ હાઉસ ઉપર સાથે ગુજારીશું. તારી ઘડિયાળમાં આઠ-દસ કલાકનો સમય ભરીને આવજે. ત્યાં પહોંચ્યા પછી ખોટી ઉતાવળ ના કરાવીશ.’ અન્જાને તમામ ઔપચારિકતાઓ ફગાવીને વર્ષો પછી મળી ગયેલા સહાઘ્યાયીને રવિવારનો દિવસ સાથે ગાળવાનું આમંત્રણ આપી દીધું. આમંત્રણ નહીં, પણ આદેશ. કારણ કે આમંત્રણને તો ઠુકરાવી પણ શકાય, આદેશનું પાલન તો કરવું જ પડે.

બે ને બદલે દસેક મિનિટમાં તૈયાર થઇને મસ્તક નીચે આવી ગયો. અન્જાને ગાડીમાં બેસીને ડાબી તરફનું ‘ડોર’ ઉઘાડ્યું. કાચ ઉપર ડાર્ક ફિલ્મ લગાડી હોવાથી બહારથી ગાડીની અંદરનું દ્રશ્ય દેખાતું ન હતું, પણ જેવું ‘ડોર’ ઊઘડયું એ સાથે જ મસ્તકની ઘ્રાણેન્દ્રિય ઉપર રાતરાણીની માદક મહેકનો હુમલો શરૂ થઇ ગયો. એણે પાછળની ‘સીટ’ તરફ નજર ફેંકી, ત્યાં એક અવર્ણનીય રૂપવતી યુવતી બેઠી હતી.

ગાડીને સ્ટાર્ટ કરતાં અન્જાને ઓળખાણ કરાવી, ‘શી ઇઝ અદા. અને અદા, આ મારો જૂનો કોલેજકાળનો મિત્ર છે. મસ્તક મહેતા.’ અદાએ પલકો ઉઠાવીને મસ્તક સામે જોયું. એના સુંદર ચહેરા ઉપર પાગલ કરી મૂકે તેવું આછેરું સ્મિત ઊપસી આવ્યું. એના કંઠમાંથી ઝાંઝરી રણકી ઊઠી, ‘હાય! નાઇસ ટુ મીટ યુ.’

મસ્તક બે ઘડી માટે તો જવાબ આપવાનું પણ વીસરી ગયો. જ્યારે એ કામરુ દેશની અધિષ્ઠાત્રીના મોહપાશમાંથી મુકત થયો ત્યારે માંડ આટલું બોલી શકયો, ‘તમને જોઇને મને પણ આનંદ થયો, અદાભાભી!’ પછી એને પોતાને જ લાગ્યું કે એના સંબોધનમાં કંઇક ખૂંચે છે, એટલે એણે પૂછી લીધું, ‘તમારા નામની પાછળ ‘ભાભી’ જામતું નથી, હું તમને ખાલી ‘અદા’ કહીને બોલાવી શકું?’

એની વાત સાંભળીને અન્જાન અને અદા એકસાથે ખડખડાટ હસી પડ્યાં. મસ્તકને લાગ્યું કે તૂટતી ભેખડ અને વહેતું ઝરણું એક-મેકમાં ભળી ગયાં!

ફાર્મ હાઉસ ખાસ્સું દૂર નીકળ્યું. નગરથી પચાસેક કિ.મી.દૂર રસ્તામાં વાતો ચાલતી હતી. મોટા ભાગે તો અન્જાન જ બોલતો હતો. મસ્તક જરૂર પૂરતો હોંકારો પુરાવતો હતો. ક્યારેક અન્જાન પાછળની દિશામાં જોઇ લેતો હતો, સાથે પૂછી પણ લેતો હતો, ‘કેમ, મેં સાચું કહ્યું ને, ડાર્લિંગ?’

જવાબમાં ઝાંઝરી આછું એવું રણકી ઊઠતી, ‘હા, સ્વીટહાર્ટ!’ મસ્તક એ સાંભળીને પાગલ થઇ જતો હતો. પણ એને સમજાતું ન હતું કે એ શેનાથી પાગલ થઇ જતો હતો! અદાનાં રૂપ છલકાવતાં વ્યક્તિત્વથી? એના વશીકરણ જન્માવતા અવાજથી? કે પછી એના હોઠમાંથી સરકતા ‘સ્વીટહાર્ટ’ સંબોધનથી? એવું લાગતું હતું કે અંગ્રેજી શબ્દકોશ જ્યારે તૈયાર થયો હશે ત્યારે એના રચયિતાઓએ નિયમ બનાવ્યો હશે કે આ શબ્દ માત્ર અદા નામની વિશ્વસુંદરીના અંગત વપરાશ માટે જ છે. અદા એવી તો અધિકત અદા સાથે ‘સ્વીટહાર્ટ’ બોલી રહી હતી કે એ સાંભળીને ઢીલા-પોચા ‘સ્વીટહાર્ટ’ને તો હાર્ટ એટેક જ આવી જાય! ‘અઠવાડિયાના છ દિવસ સખત મહેનત કરું છું, દોસ્ત!’ અન્જાને ગાડીને હાઇ-વે પરથી ડાબા હાથ તરફ વાળી લીધી.

હવે પછા કાચો રસ્તો શરૂ થતો હતો. ઊબડ-ખાબડ માર્ગ, વરસાદને કારણે ભરાઇ ગયેલાં ખાબોચિયાં અને ભૂખરી ધરતી ઉપર પથરાઇ રહેલી લીલી જાજમ : ‘પણ રવિવારે હું શહેરમાં રહેવાનું પસંદ નથી કરતો. ફાર્મ ઉપર આવી જઉ છું. કાર્બન ડાયોક્સાઇડથી કાળાં પડી ગયેલાં ફેફસાંને પ્રાણવાયુથી માંજીને, વીંછળીને ફરી પાછા ચોખ્ખાં ચણાક બનાવી દઉ છું અને સાચું કહું? મને અને અદાને જીવનનો સાચો રોમાન્સ લૂંટવાનો આ એક જ દિવસ મળે છે. બાકીના છ દિવસ એ એની ઘરેડમાંથી ઊચી નથી આવી શકતી અને હું મારી ઘરેડમાંથી નીકળી નથી શકતો. સન્ડે ઇઝ રિયલી ફન-ડે ફોર અસ.’

‘ત્યારે તો હું ખોટો આવી ગયો તમારી સાથે. કબાબ મેં હી!’ ‘એવું ન વિચારીશ. યુ આર એન ઓલ્ડ બી. મારો દોસ્ત આવી વરસાદી મોસમમાં ઘરમાં એકલો બેસીને માખીઓ મારે એ મને કેમ ગમે? અને તું કબાબમાં હી બનવાની ચિંતા ન કરીશ. હું અને અદા તારી હાજરીનો ભાર રાખ્યા વગર અમારે જે કરવું હશે એ જ કરીશું. રવિવાર રોજ રોજ હાથમાં નથી આવતો… અને અદા પણ..! એમ આઇ રાઇટ, ડાર્લિંગ?’ અન્જાને પાછળની તરફ જોયું.

‘યસ, સ્વીટહાર્ટ!’ પાછળથી પડઘો સંભળાયો. મસ્તક વિચારી રહ્યો : ચાસણીથી વધારે ગળ્યું કશુંક હોઇ શકે ખરું?!

એક શાર્પ ટર્ન, એક સાવ કાચી કેડી અને પછી એક વિશાળ ફાર્મ હાઉસનો તોતિંગ દરવાજો. બહારથી કોઇ જોઇ ન શકે કે અંદર શું ચાલે છે. અન્જાને હોર્ન વગાડયું. કેર ટેકર માણસ દોડી આવ્યો. દરવાજો ઉઘાડીને ઝૂકીને ઊભો રહ્યો. ગાડી અંદર, દરવાજો પાછો બંધ અને નવી જિદગી શરૂ.

‘દોસ્ત, તું બેસ અને છાપાં વાંચ. અમારી સાથે ન આવ્યો હોત તો આ જ કામ કરી રહ્યો હોત ને!’ અન્જાને બેઠા ઘાટના બંગલામાં પ્રવેશતા વેંત મસ્તકના હાથમાં તે દિવસના, ગાડીમાં સાથે લાવેલાં તમામ અખબારો ખડકી દીધાં.

‘અને તું? આઇ મી, તમે બંને?’ ‘હું અને અદા સ્વિમિંગ પૂલમાં મસ્તી કરીને આવીએ! હું કલાકથી વધુ સમય નહીં લઉ.’ અન્જાન અંદરના ઓરડામાં ચાલ્યો ગયો. થોડી વાર પછી પાછલા બારણેથી એ અને અદા સ્વિમિંગ પૂલ તરફ સરકી ગયાં. છાપાં ઉથલાવીને કંટાળેલા મસ્તકે બારી પાસે ઊભા રહીને જોયા કર્યું. વાઉ! અન્જાને માત્ર ટૂંકી ચી જ પહેરેલી હતી અને અદા પણ બિકિનીમાં આવૃત્ત હતી. મસ્તકનું દિમાગ ઇર્ષાથી ઊભરાઇ ગયું, ‘સાલ્લો જબરો નસીબદાર છે ને! પૃથ્વીની ફેક્ટરીમાંથી નીકળેલો સ્વર્ગમાં ‘એક્સપોર્ટ’ કરવા જેવો સામાન ઝૂંટવી ગયો છે!’

પાણીમાં પૂરા બે કલાક સુધી બંને જણાં જળક્રીડા કરતાં રહ્યાં. કોઇ પણ હિંદી ફિલ્મના પ્રણય દ્રશ્યને ઝાંખું પાડી દે તેવું ઉત્કષ્ટ દ્રશ્ય એ લોકો ભજવી રહ્યાં હતાં. અદા અત્યારે સોળે કળાએ ખીલી ઊઠી હતી. ખોબામાં પાણી ભરીને છાલક ઉપર છાલક અન્જાનના ચહેરા ઉપર મારી રહી હતી. છેવટે અન્જાને એને પકડી પાડી જોરદાર આલિંગનમાં જકડી લીધી. આટલે દૂરથી પણ મસ્તકને અદાની વિનંતીઓ સંભળાઇ રહી હતી, ‘છોડ, અન્જાન! પ્લીઝ, સ્વીટહાર્ટ! હું મરી જઇશ. છોડ મને.’ અન્જાને ન એને છોડી, ન મરવા દીધી.

બારેક વાગવા આવ્યા, ત્યારે કામદેવ અને રતિ સ્વિમિંગ પૂલમાંથી બહાર નીકળ્યાં. પાછલા બારણેથી મકાનમાં પ્રવેશી ગયાં. થોડીવાર પછી સ્વચ્છ ઝભ્ભા-લેંઘામાં શોભતો અન્જાન બેઠકખંડમાં આવ્યો અને આછા પિંક અર્ધપારદર્શક ગાઉનમાં ઢંકાયેલી અદા કિચન તરફ દોડી ગઇ. એને જોઇને અન્જાને આંખ મીંચકારી, ‘આજે તું છે એટલે અદાનો ગાઉન અર્ધપારદર્શક છે, જો તું ન હોત તો…’

પહેલા ફળોનો રસ આવ્યો, પછી થોડીવારે ભોજનની સોડમ જેવો અદાનો અવાજ સંભળાયો, ‘સ્વીટહાર્ટ! લંચ ઇઝ રેડી. ટેબલ પાસે ગોઠવાઇ જાવ. હું સર્વ કરું છું.’

બે જ ડિશોમાં ભોજન પીરસાયું. મસ્તકે કહ્યું, ‘અદા, તમે પણ અમારી સાથે જ બેસી જાવ ને! ત્રીજી ડિશ લઇ આવો!’ જવાબમાં જલતરંગ રણકી ઊઠયું, ‘હું અને સ્વીટહાર્ટ એક જ ડિશમાં જમીએ છીએ. તમે સાથે ન આવ્યા હોત તો પણ. ડિશો તો અહીં દસ-બાર છે, પણ આ અમારો નિયમ છે, નહીં સ્વીટહાર્ટ?’

મસ્તક બોલ્યો તો કંઇ નહીં, પણ મનમાં એવો વિચાર તો ઝબકી જ ગયો – ‘જો હું અત્યારે અહીં હાજર ન હોત તો તમે એક ડિશથી જ નહીં, પણ એક કોળિયાથી જમતાં હોત!’ જમ્યાં પછી મસ્તકને એક બેડરૂમમાં ધકેલીને મિયાં-બીબી બીજા બેડરૂમમાં પુરાઇ ગયાં. ભોજન પછીના ધેનમાં ગરકાવ થયેલા મસ્તકના કાનોમાં દીવાલને વીંધીને આવતી શંગારિક ધમાલ-મસ્તી ઠલવાતી રહી. ઊઘમાં પણ એ એક જ વાત વિચારતો રહ્યો, ‘જિંદગીમાં મેં જોયેલા સૌથી વધારે સુખી પતિ-પત્ની એટલે અન્જાન અને અદા.

આવી સુંદર સહચરીનો સુંવાળો સાથ એક દિવસ પૂરતોય જો માણવા મળે તો બાકીનું આખું અઠવાડિયું જગતના તમામ તાપ-પરિતાપ વેઠી લેવા માટે તૈયાર છે. મને તો પેલા સ્વિમિંગ પૂલમાં અદા જેવી અપ્સરા સાથે બે કલાક જળક્રીડા કરવા મળે ને તો આખી જિંદગી હું તો વાંઢો રહેવા પણ તૈયાર છું.’ બપોરનો આરામ, સાંજની ચા, રાતનું વાળું. લગભગ દસેક વાગ્યે ત્રણેય જણાં પાછાં ફર્યા. રસ્તામાં એક જગ્યાએ અન્જાને કાર ઊભી રાખી, ‘ડાર્લિંગ, તને અહીં જ ઉતારી દઉ તો ચાલશે ને? કે પછી તારા ફ્લેટ સુધી મૂકી જઉ?’ અદા ‘નો, સ્વીટહાર્ટ! થેંકસ એન્ડ ગુડ નાઇટ!’ કહીને ઊતરી ગઇ. મસ્તક આશ્ચર્યવિમૂઢ બની ગયો, ‘અદા…તારી વાઇફ… નથી?’

‘ના, દોસ્ત! એ મારી પ્રેમિકા છે, પણ મારી પત્ની મને જે નથી આપતી એ અદા આપે છે. બદલામાં મેં એને ફ્લેટ, કપડાં, ખાદ્યખર્ચી અને જીવનભરનો સંબંધ આપવાનું વચન આપ્યું છે. મેં શા માટે આવું કર્યું એ જાણવું હોય તો કયારેક મારા ઘરે આવીને મારી પત્નીને મળજે. સોમથી શનિ સુધી હું નર્કની યાતના ભોગવું છું. મારાથી વધુ કર્કશા પત્ની અબ્રાહમ લિંકન કે સોક્રેટીસની પણ નહીં હોય. મારી રણ જેવી જિંદગીમાં ખીલેલું ગુલાબ એટલે અદા. એ મારું ઉપવસ્ત્ર નથી, પણ મારી ત્વચા છે જેને મારે દુનિયાથી સંતાડીને રાખવી પડે છે. ચાલ, તારો ફ્લેટ આવી ગયો. ગુડ નાઇટ!’

ફ્લેટનું બારણું ઉઘાડતો મસ્તક મહેતા જાતને પૂછી રહ્યો, ‘દુનિયામાં પુરુષોને ‘સ્વીટહાર્ટ’ કહેનારી માત્ર પ્રેમિકાઓ જ શા માટે હોતી હશે? અને તમામ પત્નીઓ એમના પતિદેવોને કાયમ આવું કેમ કહેતી હશે કે ‘તમારામાં તો કંઇયે બળ્યું નથી?’

(http://gujaratiliterature.wordpress.com/ માંથી)

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: