મુખ્ય પૃષ્ઠ > ડો.શરદ ઠાકરની નવલિકાઓ > મને સાચ્ચો જવાબ દઈશ તું? તને વ્હાલો વરસાદ કે હું?

મને સાચ્ચો જવાબ દઈશ તું? તને વ્હાલો વરસાદ કે હું?

‘અંદર આવું, સાહેબ ?’ કોલેજના લેકચર-હોલના પ્રવેશદ્વારની વચ્ચોવચ્ચ ઊભા રહીને એક સાવ અજાણ્યા જુવાને પૂછયું. વાંધો સવાલ પૂછાયાનો ન હતો, પણ એ પૂછવાના અંદાજનો હતો. પ્રોફેસર રાવલ ખુદ પણ ચોંકી ગયા. પૂછનારના અવાજમાં પરવાનગી માગનારની નમ્રતા નહોતી, પણ કરડાકી હતી, અવિવેક હતો, નફૂફટાઈ હતી.

‘યસ…, પ્લીઝ, કમ ઇન !’ રાવલ સાહેબે તોળી તોળીને શબ્દો ઉચ્ચાર્યા. એ સાથે જ નફૂફટ જુવાની અંદર પ્રવેશી. સાહેબ એને અવલોકી રહ્યા. આ મૂર્તિ આ કોલેજમાં ભણતી હોય એવી લાગતી તો નહોતી. કોઈ ગુંડા મવાલીની જેમ એ ડાયસ પર ચડીને ઊભો રહ્યો. વ્યાખ્યાન-ખંડ ખીચોખીચ ભરેલો હતો, પ્રથમ હરોળની લાંબી બે બેંચો પર માત્ર છોકરીઓ જ બેઠી હતી. પછી બીજી હરોળથી છોકરાઓ હતા. છેલ્લી હરોળ તો ખાસ્સી દૂર દેખાતી હતી. પેલો જાણે કોઈને શોધી રહ્યો હોય એમ થોડી વાર ડાફોળિયા મારતો રહ્યો.

પ્રો. રાવલ અકળાયા : ‘ભાઈ, કોનું કામ છે તમારે ? શું કામ છે ? તમે કોણ છો ?’

‘હું ?’ પેલાની આંખો હજી સામે બેઠેલા સો-સવાસો જેટલા માથાઓ તરફ હતી. અચાનક એની આંખમાં ચમક આવી. છેક છેલ્લી પાટલીએ બેઠેલા એક ચહેરાને જોઈને એ હસ્યો : ‘હું કરસન માધાણી. જાતનો કણબી છું. સંગ્રામને મારવા માટે આવ્યો છું. ગઈકાલે બજારમાં અમારે બોલાચાલી થઈ ગઈ. એણે મારું અપમાન કર્યું. હું એ વખતે ગમ ખાઈ ગયો. કારણ ? કારણ કે હું એકલો હતો. અત્યારે વીસ જણાને લઈને આવ્યો છું. તમે સંગ્રામને કલાસની બહાર કાઢો, નહીંતર અંદર જ ધીંગાણુ જામશે. પછી કોઈ નિર્દોષને વાગી જાય તો અમારો વાંક નહીં…!’

અમદાવાદની કોલેજીયન પ્રજા માટે આ દ્રશ્ય નવું હોઈ શકે. ઉપરનો સંવાદ પણ અજાણ્યો હોઈ શકે. પરંતુ સૌરાષ્ટ્રના દરેક શહેરમાં આવેલી દરેક કોલેજમાં આવા દ્રશ્યો હવે જૂનાં થઈ ગયા. ત્યાંના ગામડાઓમાંથી શહેરમાં આવતા વિઘાર્થીઓ એમની કોમ-કોમ વચ્ચેના ઝઘડા અને વેરઝેર એમના સામાનની સાથે બાંધીને ભેળા લેતા આવે છે. અને એ કોમો પણ કેવી ? દરબાર, આહીર, કણબી, મેર, ખારવા, કાઠી અને કારડીયા રજપૂત ! આ ઉપર લખ્યો એ સંવાદ આજથી ત્રીસ વરસ પહેલાં મેં જાતે એ વર્ગખંડમાં બેસીને સાંભળેલો છે.

પ્રો. રાવલ ગભરાઈ ગયા. ચાલુ કલાસે મારમારી થાય તો તો ભારે થાય ! એ કૂટનીતિ વાપરવા ગયા : ‘જુઓ, ભાઈ ! તમે ચાલુ અભ્યાસે ખલેલ ન પાડો. બહાર જાઓ. પિરિયડ પૂરો થાય એ પછી…’

પેલો પ્રોફેસરની ચાલાકી સમજી ગયો. પિરિયડ પૂરો થાય પછી સંગ્રામ હાથમાં શાનો આવે ? અને ત્યાં સુધીમાં પ્રોફેસર કોઈ વિઘાર્થીને પ્રિન્સિપાલની ઓફિસમાં દોડાવીને પોલીસને પણ બોલાવી લે. એણે બૂમ મારી : ‘સંગ્રામ, તું બહાર આવે છે કે પછી બોલાવું બધાંને અંદર ?’

અને સંગ્રામ ઊભો થયો. આંખમાંથી આગ વરસાવતો ઊભો થયો. વજ્રા જેવો દેહ અને ઢાલની છાતી લઈને ઊભો થયો. ઊઘાડી તરવાર જેવી હિંમત સાથે ઊભો થયો. આખો ખંડ થરથરી ઊઠે એવી ત્રાડ પાડીને બોલ્યો : ‘અંદર આવવાની મહેનત રે’વા દે, કરસન ! નકામા થાકી જશો. હું જ બહાર આવું છું.’

છોકરા-છોકરીઓ જોઈ રહ્યા. સંગ્રામસિંહ ઝાલા રજપૂત હતો. સાવઝની જેમ એ બહાર નીકળ્યો. કરસન અને એના સાથીઓ મેદાનમાં કુંડાળે વળી ગયા. આખો કલાસ બહાર નીકળી પડયો. સંગ્રામે નવું જ સફેદ રંગનું શર્ટ પહેર્યું હતું. એ ઊતારીને એણે મિત્રોને સોંપ્યું, ‘થોડી વાર માટે પકડશો ? હું પાંચ મિનિટમાં આવું છું.’ બધાં ખસી ગયા. છેવટે એક લૂકલકડી બ્રાહ્મણે શર્ટ પકડવાનું સ્વીકાર્યું.

નજરે જોયેલું દ્રશ્ય છે. સામે ઊભેલા વીસ જેટલા દુશ્મનોની વચ્ચે સંગ્રામ એકલો ખાબકયો, કીડીના રાફડા ઉપર ભારે ભરખમ શીલા પડે એ રીતે ખાબકયો. ત્યાં કોઈએ પાર્ક કરેલી સાઈકલ બે મજબુત કાંડામાં ઊઠાવીને ગોળ ગોળ ફેરવી. પાંચેક જણા ઘવાયા. પછી સાઈકલ પડતી મેલીને કમ્મરે બાંધેલો ચામડાનો પટ્ટો હાથમાં લીધો. સામે પણ કોઈ નામર્દો નહોતા. જીવસટોસટની મારામારી જામી. આવા અનેક યુદ્ધોનો હું કોલેજકાળમાં સાક્ષી રહ્યો છું. સૌરાષ્ટ્રના ગામડાંઓની ભોળી કણબી પ્રજા હંમેશાં મને ગમી છે. આવા દરેક ધીંગાણામાં પટેલોને જ મેં વિજયી બનતા જોયા છે. પણ એ દિવસ સંગ્રામનો હતો. એના હોકારા-પડકારા અને હિંમતથી મેદાન છવાઈ ગયું. વીસ જણાની ધોલાઈ કરીને સંગ્રામ પાછો ફર્યો. પેલા વિપ્ર પાસેથી શર્ટ પાછું લીધું. અત્યારે એ પહેરી શકાય એમ નહોતું. પીઠ ઉપર લોહીના ટશિયા ફૂટયા હતા. જમણો કાન ચિરાઈ ગયો હતો, એમાંથી લોહી ટપકતું હતું. સફેદ શર્ટમાં લાલ ધાબાં પડે એ સંગ્રામને પસંદ ન હતું.

એણે ટોળા સામે જોયું. હસ્યો નહીં. જાણે એ કોઈને શોધી રહ્યો હતો. એ કલાસરૂમમાં ગયો. છોકરીઓનું ટોળું ઊભું ઊભું ધ્રૂજી રહ્યું હતું. એ સલોનીની સામે જઈને ઊભો રહ્યો.

સલોનીની આંખોમાં હરિણી જેવો ગભરાટ હતો. સંગ્રામે એને ભાનમાં આણી : ‘રડવા જેવી શું થઈ ગઈ છે ? મને કંઈ નથી થયું.’

સલોની ભાનમાં આવી : ‘પણ આ લોહી.. ?!’

‘એટલે તો આવ્યો છું તારી પાસે… !’ સંગ્રામસિંહના અવાજમાં અધિકારની ડણક હતી. આટલું બોલીને એ પીઠ ફેરવીને ઊભો રહી ગયો. સલોનીએ એની ઓઢણી ઊતારી અને સંગ્રામના કસરતી બદન ઉપર વહેતું લોહી લૂછવા માંડી.

શરીર આખું સાફ કરી દીધા પછી એ ધીમેથી બોલી : ‘લે, હવે શર્ટ પહેરી લે’

‘ગંદુ થશે તો ?’

‘તો બીજું આપીશ, આ પણ મેં જ આપ્યું છે ને ?’

‘એટલે તો શર્ટ ઊતારીને ગયેલો.’

‘પણ ગયો જ શું કામ ? તને કંઈ થઈ ગયું હોત તો… ?’ સલોનીની કાયા ધ્રૂજી ઊઠી.

સંગ્રામને એ ગમ્યું : ‘સાચું કહું ? હું નહોતો જ જવાનો, પણ પછી થયું કે મારી સલોની બેઠી હોય અને હું ભાગી જઉં ?’

એ પછીના પણ સંવાદો છે. મારા કાનમાં, મારી સ્મૃતિમાં હજુ પણ સચવાઈ રહેલા જે કંઈ થોડાંક રોમેન્ટિક સંવાદો છે એમાં આ પણ ખરાં ! પણ એક બાબત નોંધવા જેવી એ છે કે જેવડું ટોળું પેલો ભીષણ સંગ્રામ જોવા એકઠું થયું હતું એના કરતાં પણ મોટું ટોળું આ રોમેન્ટિક દ્રશ્ય માણવા ઊભું હતું. એમાંથી ઘણાને તો એવો વિચાર પણ આવેલો કે જો સલોની શરીરના ઘા સાફ કરી આપવાની છે એવી જાણ પહેલેથી હોત તો અમે પણ મેદાનમાં કૂદી પડયા હોત !

સલોની સુંદર છોકરી હતી, સ્માર્ટ હતી. એની ઊંચી, તંદુરસ્ત અને ભરી-ભરી કાયા ચૂસ્ત કપડાંમાંથી છલકાતી રહેતી. ટૂંકી ચડ્ડી અને ટી-શર્ટ પહેરીને એ ટેબલ ટેનીસની સ્પર્ધામાં રમવા માટે ઊતરતી, ત્યારે કોલેજીયનો કીડીયારાની જેમ ઊભરાતા. છોકરીઓ રમત જોતી અને છોકરાઓ રમત જોવાનો દંભ કરતા. એક વાર ઈન્ટર-કોલેજીયેટ ટુર્નામેન્ટમાં સલોની અમરેલીથી રમવા આવેલી છોકરી સામે હારી રહી હતી, ત્યાં અચાનક કંઈક બન્યું. સંગ્રામ અમરેલીના કોચના કાનમાં કશુંક ગણગણી આવ્યો. એ પછી પેલી છોકરીનો એક પણ પોઇન્ટ વધ્યો જ નહીં. સલોની મેચ જીતી ગઈ. (એવી જ રીતે અમારી કોલેજની ક્રિકેટ ટીમ પણ એક વાર યુનિવર્સિટી ચેમ્પિઅન બની હતી. સંગ્રામસિંહ બારમો ખેલાડી પણ ન હતો, છતાં પણ ખંજર સાથે એ હાજર હતો. અને તમે માનશો ? અમારા મતે તો ‘મેન ઓફ ધી મેચ’ પણ એ જ હતો ! પણ એ વાત ફરી કયારેક.) અત્યારે તો આપણી નજરનું ટેલિસ્કોપ સલોની અને સંગ્રામની બોલ્ડ એન્ડ બ્યુટિફૂલ જોડી ઉપર કેન્દ્રિત કરીએ.

પૂરા ત્રણ વર્ષ એ બંને વચ્ચેનો સંબંધ પાંગર્યો. સાવ ખ્લ્લાુેઆમ હાથમાં હાથ નાખીને ફરી શકાય એવો એ જમાનો ન હતો, એવું એ કોલેજનું વાતાવરણ ન હતું અને કદાચ સંગ્રામ અને સલોનીની એ માટેની માનસિક તૈયારી પણ નહોતી. પણ ચોમાસાની સાબિતી જેમ વરસાદ હોય છે, એમ આ બંને વચ્ચેના પ્યારની સાબિતીઓ અવાર-નવાર વરસી જતી જોવા મળતી.

એક વાર સલોની સામે જોઈને સીટી મારનાર એક કોલેજીયનના પેટમાં સંગ્રામે છરી પરોવી દીધી. પેલો માંડ બચ્યો. પોલીસ કેઇસ થયો. પોલીસે સંગ્રામને ખૂબ માર્યો. પણ સંગ્રામે ઊંહકારો સુદ્ધાં ન કર્યો. છરી મારવાનું સાચું કારણ પણ જાહેર ન કર્યું. નાહકની સલોની વગોવાય ને ?

દિવાળીની રજાઓ નજીક આવી. પિકનિકનું આયોજન થયું. બધાં ઉત્સાહથી એમાં જોડાયાં. પિકનિકનું સ્થળ સંગ્રામે જ પસંદ કર્યું હતું. શહેરથી દૂર એક મંદિર હતું, નદી હતી, ખેતરો હતા…. વરસાદ હતો અને છલકાતા જુવાન હૈયાં હતાં. બધાં પૂરબહારમાં ખીલ્યાં. રમતો રમીને થાકયા, અંતાક્ષરી ગાઈ ગાઈને ગળાં બેસી ગયા. પછી પેટ ભરીને સૌ જમ્યાં. બપોરે સંગ્રામે લૂચન કર્યું : ‘ચાલો નદીમાં નહાવા પડીયે… ‘

પંદર-વીસ છોકરાઓ કૂદી પડયા. છોકરીઓ તો શાની આવે ? પણ સંગ્રામે આગ્રહ કર્યો એટલે એકલી સલોની આગળ આવી. પાણીમાં પડી. એને તરતાં આવડતું નહોતું, પણ એની જરૂર પણ કયાં હતી ? સંગ્રામ હતો ને ? કયાંય સુધી બંને જણા ગાંડીતૂર બે કાંઠે છલોછલ નદીમાં તરતાં તરતાં ‘ડૂબતાં’ રહ્યાં. સલોનીનો ભીનો તરબોળ દેહ સંગ્રામના હાથોમાં હતો એ દ્રશ્ય પણ નજર સામે હજુ યે તાજું છે.

એ કોલેજકાળ આમ જ પૂરો થઈ ગયો. આખરી દિવસ હતો. સંગ્રામ અને સૌ મિત્રો કોલેજનાં કંપાઉન્ડમાં ઊભા હતા. સામેથી નાગણની જેવી લચકાતી ચાલે સલોની આવી. સૌના દેખતાં સંગ્રામના હાથમાં એક કવર મૂકયું.

‘આ શું છે ?’

‘મારા લગ્નની કંકોત્રી.’ સલોની ‘ભોળું’ હસી : ‘આવશો ને ?’

સંગ્રામની રાડ ફાટી ગઈ : ‘સલોની… !!!”

‘ગુસ્સો થૂંકી નાખો. મારા ખાનદાનને તો તમે ઓળખો છો. અમે રહ્યા ચૂસ્ત લોહાણા પરિવારના, અને મારા પપ્પા ખૂબ પૈસાદાર છે. પછી બીજું કશું વિચારવાનો સવાલ પણ નથી અને જરૂર પણ નથી. ચાલો, હું જઉં. તમે શકય હોય તો અવશ્ય આવજો. પપ્પાને ગમશે.’ અને સલોની લચકાતી ચાલે ચાલી ગઈ. સંગ્રામ પથ્થર જેવો ઊભો રહ્યો. એની આંખમાં ભીનાશ પણ નહોતી.

પણ બીજા દિવસે એ તળાવ ભરાય એટલું રડયો. કારણ ? કોઈકે એને માહિતી આપી કે એક મિત્રે સલોનીને પૂછયું : ‘તેં આવું કેમ કર્યું ? તું અને સંગ્રામ તો એકબીજાને ખૂબ જ ચાહતા હતાં !’

સલોની ત્યારે પણ ‘ભોળું’ હસીને બોલી : ‘હા, અમે ચાહતાં હતાં, પણ અમારો પ્રેમ એક ભાઈ અને એક બહેનની વચ્ચે હોય એવો જ હતો. સંગ્રામના દિલમાં શું હતું એની મને નથી ખબર, પણ મારા મનમાં તો આ જ હતું !’

મારી નજર સામે આજે પણ નદીમાં ઊભેલા ‘ભાઈ’ના હાથમાં લૂતેલી એ ભીંજાયેલી ‘બહેન’ તરવરી જાય છે. સંગ્રામ અત્યારે હયાત નથી. સલોની સુખી છે. પરણી ગઈ છે.

(http://gujaratiliterature.wordpress.com/ માંથી)

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: