મુખ્ય પૃષ્ઠ > ડો.શરદ ઠાકરની નવલિકાઓ > મહેંદી તમારી જોઇને જાણી ગયાં અમે, રંગો હતાં હૃદયનાં એ હાથે ચડી ગયાં.

મહેંદી તમારી જોઇને જાણી ગયાં અમે, રંગો હતાં હૃદયનાં એ હાથે ચડી ગયાં.

જઝબાત ઝવેરી એટલે સૌંદર્યનો સમાનાર્થી શબ્દ. એ જ્યારે કોરીડોરમાંથી ચાલતી પસાર થતી હોય ત્યારે કોલેજિયનોના ટોળા અને આંખ ભરીને નિહાળવા માટે જમા થઇ જતા હતા. જઝબાત ઝવેરી આગના ભડકા જેવી હતી, કોબ્રાના ફૂંફાડા જેવી હતી, ચાબુકના સટાકા જેવી હતી. જે મજનૂ મર્યાદા ઓળંગીને આગળ વધવા ગયો એ ખતમ થઇ જતો હતો.

કોલેજની દીવાલો ભૂતકાળની ઘટનાઓની ખામોશ ગવાહ હતી. સનમ સ્માર્ટ નામના રોમિયોએ એક દિવસ રિસેસમાં જઝબાતને જોઇને સીટી મારી. જઝબાતે સેન્ડલ કાઢીને એને એવો તો ફટકાર્યોકે સનમે સીટી વગાડવાનું ભૂલીને ત્રણ દિવસ પથારીમાં સૂઇ રહેવું પડયું. આકાશ પટેલે એક વાર જાણી જોઇને જઝબાતને અડવાની કોશિશ કરી, એ પણ આથમી ગયો. આકાશમાંથી જમીન પર આવી ગયો. ચેતન લંબુએ જબરી હિંમત કરી. પ્રેમના ઊભરાઓ ઠાલવીને ચિઠ્ઠી ઘસડી મારી. જઝબાતને હાથોહાથ આપવા ગયો. એના પર ચીંથરા ઊડી ગયા. જઝબાત ઝવેરીની કોલેજમાં અશ્ક આચાર્ય પણ ભણતો હતો.

જઝબાતની પાછળ એ પણ પાગલ હતો. એક દિવસ અશ્ક જઝબાતની સામે જઇને ઊભો રહી ગયો. એ જરા દૂરનો એકાંત ખૂણો હતો. જઝબાત એકલી જ હતી. અશ્કે શરૂઆત કરી, ‘જઝબાત..! હું તને કંઇક કહેવા માટે આવ્યો છું.’ જઝબાત ગર્વપૂર્વક હતી. એનાં હોઠ તિરસ્કારમાં મરડાયા, ‘પુરુષજાત પાસે મારા જેવી સૌંદર્યમૂર્તિને કહેવા જેવું બીજું શું હોય છે? ઓન્લી થ્રી વડ્ર્ઝ સેન્ટેન્સ! જે વાકય તમારી પહેલાં સો યુવાનો મને કહી ચૂકયા છે અને તમારા પછી દસ હજાર પુરુષો મને કહેવાના છે. તમારે પણ એ જ કહેવું છે ને કે ‘આઇ લવ યુ!’

‘ના.’ અશ્કના જડબા ભીંસાયા. વાસ્તવમાં એ પણ ‘આઇ લવ યુ’ કહેવા માટે જ આવ્યો હતો, પણ જઝબાતનો ટોણો સાંભળીને એનું પૌરુષ ઘવાયું. એકીશ્વાસે એ બોલી ગયો, ‘જઝબાત, તું અત્યંત મનમોહક છો માટે જ પુરુષજાત તારી આજુબાજુ મંડરાતી રહે છે. એમાં નવાઇ પણ નથી ને કશું ખોટું પણ નથી. શાયરે કહ્યું જ છે કે સૌંદર્યની હુઝૂરે પ્રણયનો વિવેક છે.’ પણ હું માત્ર તારા તંગ કપડાંમાંથી બહાર ધસી આવવા મથતાં આ અંગોને પામવાની કામના ધરાવતો જાનવર નથી. હું તો ખરેખર તારો પ્રેમી છું. તને વિશ્વાસ ન પડતો હોય તો તું મારી કસોટી કરી શકે છે. તું જો મારા પ્રેમનો સ્વીકાર કરીશ તો હું વચન આપું છું કે મારા અંતિમ શ્વાસ સુધી હું તારો સાથ નહીં છોડું.’

એ એક ક્ષણ હતી જેના પર ઈશ્વરની અમીનજર પડી ગઇ હોવી જોઇએ. નહીંતર વિફરેલી વાઘણ જેવી જઝબાત પગમાંથી સેન્ડલ કાઢવાને બદલે આમ મુગ્ધ બનીને અશ્કની વાત સાંભળતી ન રહે. જઝબાતને લાગ્યું કે આ પુરુષ સાચું બોલતો હતો. એણે ‘હા’ પાડી દીધી, ‘તમે મારા ડેડી સાથે વાત કરી લેજો. જો એ હા પાડે તો મારી ના નહીં હોય.’ અશ્ક ખુશીનો માર્યોઝૂમી ઊઠયો. બંનેની જ્ઞાતિ એક જ હતી. મમ્મી-પપ્પાની બે જોડીઓ મળી અને ત્રીજી જોડીની રચના માટે લીલી ઝંડી ફરકી ગઇ.

જઝબાત અને અશ્કની સગાઇ જાહેર થઇ ગઇ. હજુ કોલેજનું એક વર્ષ બાકી હતું. એ પતી જાય એ પછી લગ્ન લેવાનું નક્કી કરવામાં આવ્યું. જઝબાતની ગાઢ બહેનપણી આશના ઘણીવાર એની મીઠી મજાક કરી લેતી, ‘રોજ રોજ આ શું લખે છે?’ ‘પ્રેમપત્ર.’ જઝબાત શરમાઇને ઉત્તર આપતી. એક વરસ ઝાકળના બુંદની જેમ ઊડી ગયું. પરીક્ષાઓ પૂરી થઇ ગઇ. જઝબાત અને અશ્ક રંગે-ચંગે પરણી પણ ગયાં.

મધુરજની માણવા માટે જ્યારે અશ્ક એની નવોઢાનો હાથ પકડીને શયનખંડમાં દાખલ થયો ત્યારે ઓરડામાં પગ મૂકતાં જ જઝબાત દંગ રહી ગઇ. ખંડની મઘ્યમાં ફૂલોથી સજાવેલો પલંગ તો હતો જ, પણ ખરી સજાવટ દીવાલોની હતી. ઓરડાની પ્રત્યેક દીવાલ જઝબાતે અશ્કને લખેલા પ્રેમપત્રોથી શોભી રહી હતી. ‘ઓ માય સ્વીટહાર્ટ! માય હસબન્ડ! માય ડિયરેસ્ટ અશ્ક! આઇ લવ યુ…’ નવોઢા એનાં પતિને વળગી પડી. એનાં ગરમ-ગરમ હોઠોમાંથી પ્રેમભર્યાં સંબોધનો સરકી રહ્યા. જઝબાતને પ્રેમની અભિવ્યક્તિ કરવાની અશ્કની આ શૈલી ખૂબ જ પસંદ આવી હતી. વર્ષભરમાં લખાયેલા પત્રો અત્યારે એની મધુરજનીના સાક્ષી બનીને મલકી રહ્યા હતા. એ પછીના દિવસો પણ જઝબાત માટે મીઠા મધ જેવા બની ગયા. અશ્ક એને હથેળીમાં રાખતો હતો. કયારેય ઠપકાનું વેણ પણ ઉચ્ચારતો ન હતો.

એક વાર જઝબાત શોપિંગ માટે નીકળી હતી, ત્યાં એને જૂની સખી આશના મળી ગઇ. આશનાએ પૂછી લીધું, ‘જઝબાત, તું તો ખૂબ જ ખુશ દેખાય છે ને! અશ્ક તને બહુ સુખ આપતો હોય એવું લાગે છે.’ જઝબાતે કબૂલાત કરી, ‘તું તદ્દન સાચી છે, આશના! અશ્ક જેવો પતિ કોઇ સ્ત્રીને ન મળી શકે. હી ઇઝ સો લવિંગ, સો કેટરિંગ એન્ડ સો વન્ડર ફુલ! હું તો આવનારા ચોર્યાશી લાખ જન્મો સુધી બીજા કોઇ પુરુષ વિશે વિચાર સુદ્ધાં નથી કરી શકતી. ભવોભવ મને તો અશ્ક જ પતિ તરીકે મળે!’

લગ્નના બરાબર એક વર્ષ પછી એક ભયાનક અકસ્માત અભિશાપ બનીને ત્રાટકયો અને જઝબાતની નસીબરેખામાંથી અશ્કને આંચકી ગયો. અશ્ક પૂરપાટ વેગે સુરતથી કારમાં બેસીને અમદાવાદ તરફ આવતો હતો, ત્યાં એક ગાંડાતુર બનેલા ટેન્કરે એને અડફેટમાં લઇ લીધો. અશ્કની ફાટી ગયેલી ખોપરીમાંથી સડક ઉપર પથરાયેલું રૂધીર જઝબાતનાં કપાળમાં શોભતો લાલ ચટ્ટાક રંગ ભૂંસી ગયું.

જઝબાતે રડી-રડીને દરિયાઓ છલકાવી દીધાં. આખો દિવસ એ શયનખંડમાં બેસી રહે. દીવાલો પર હાથ ફેરવ્યા કરે. અશ્કના કપડાં, એણે લખેલા પ્રેમપત્રો, એની તસવીરો આ બધું પાગલની જેમ જોયા કરે. અશ્કના ડેડીએ જ સામે ચાલીને વેવાઇને કહી દીધું, ‘જઝબાતને તમે લઇ જાવ. એ જો આ ઘરમાં રહેશે તો કાં પાગલ થઇ જશે, કાં મરી જશે.’ પપ્પાના ઘરે આવ્યા પછી પણ જઝબાતની હાલતમાં બહુ મોટો ફરક ન પડ્યો. કયારેક એને પ્રિય સખી આશના એની સાથે સમય પસાર કરવા માટે આવી ચડતી.

આમ ને આમ છ મહિના વીતી ગયા. જઝબાતનાં પપ્પાની સૂચના અનુસાર એક દિવસ આશનાએ વાત કાઢી, ‘જઝબાત, જે થયું તેને ભૂલી જા. જો બિત ગઇ સો બાત ગઇ. તું હજુ યુવાન છે, નછોરવી છે. સારો છોકરો મળી જાય તો…’ જઝબાતનો ચહેરો ફરી ગયો અને અવાજ પણ, ‘જો આ વાત ફરીવાર કરવી હોય તો કયારેય મને મળવા ન આવીશ.

આશના, મારો અશ્ક એક જ હતો, બીજો નહીં થાય. એને ભૂલવો એ મારા માટે શક્ય નથી.’ આશના જોઇ શકતી હતી કે આમ બોલતી વખતે જઝબાતની આંખોમાં આંસુ ન હતાં, એને બદલે ત્યાં એક મક્કમ નિર્ધારની દ્દઢતા જોઇ શકાતી હતી.

બીજા છ મહિના પસાર થઇ ગયા. આશના પોતાના પીએચ.ડી.ના કાર્યમાં વ્યસ્ત હોવાને કારણે જઝબાતને મળવા માટે જઇ ન શકી. પણ એક દિવસ બંનેનો ભેટો અચાનક અને આકસ્મિક રીતે થઇ ગયો. આશના સાંજના ડિનર માટે શહેરની એક પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં ગઇ હતી, ત્યાં એની નજર દૂરના ટેબલ પાસે બેઠેલી જઝબાત ઉપર પડી. આશના ચોંકી ઊઠી, કારણ કે જઝબાતની સાથે એક પુરુષ પણ હતો.

આશના ઊભી થઇને જઝબાતનાં ટેબલ પાસે જઇ પહોંચી, ‘હાય!’ એણે કહ્યું. જઝબાત ખુશ તો હતી જ, આશનાને જોઇને વધારે ખુશ બની ગઇ, ‘અરે, આશુ કયાં ખોવાઇ ગઇ હતી તું છ મહિનાથી? નેવર માઇન્ડ! આવ, હું તને તારા જીજુ સાથે ‘ઇન્ટ્રો’ કરાવું. આ આગમન છે. આગમન મહેતા. મારા હસબન્ડ. અમારા લગ્નને ચાર મહિના થયા અને આગમન, ધિસ ઇઝ માય ફ્રેન્ડ આશના.’

આશના અને આગમને ‘હાય-હલ્લો’ કર્યું. પછી આગમન કંઇક કારણસર ઊભો થઇને રિસેપ્શન-કાઉન્ટર તરફ ગયો. બંને બહેનપણીઓ બેકલી પડી. આશનાની નજરમાં પ્રશ્ન હતો. જઝબાતની જીભ ઉપર જવાબ, ‘સોરી, આશના! હું તને જાણ પણ ન કરી શકી. બધું બહુ ઝડપથી બની ગયું. આગમન ડિવોર્સી છે. અમેરિકન એન.આર.આઇ. યુવતીની સાથે એણે લગ્ન કર્યાં હતા. ત્યાં ગયા પછી એને ખબર પડી કે એ પતિ-કમ-સર્વન્ટ હતો.

સસરાની મોટેલમાં ચોવીસ કલાક લોન્ડ્રી વર્ક કરવામાંથી એ ઊચો જ નહોતો આવતો. એની પત્નીએ એનો પાસપોર્ટ પણ સંતાડી દીધો હતો. જેમ-તેમ કરીને આગમને એ શોધી કાઢયો. પપ્પાની બીમારીનું બહાનું કાઢીને એ ભારત ભેગો થઇ ગયો. છૂટાછેડા મેળવવામાં તકલીફ ન પડી. મને આગમનની હાલત ઉપર દયા આવી ગઇ, આગમનને મારી બદનસીબી ઉપર અનુકંપા ઊપજી ગઇ.’ ‘માટે તે મેરેજની હા પાડી દીધી!’

‘હા, અને તું માનીશ? આગમન મને ખૂબ જ આનંદમાં રાખે છે. અમે બંને અમારા ગમને ભૂલવાના પ્રામાણિક પ્રયત્નો કરતાં રહીએ છીએ. આગમન દુનિયાનો સૌથી શ્રેષ્ઠ પતિ છે. આશના, સાચું કહું છું, એણે મને અશ્કને ભૂલાવી દીધો છે.’ આશના જોઇ રહી, સાંભળી રહી, જિંદગીની અકળ ચાલને સમજવાની કોશિશ કરી રહી. કઇ જઝબાત સાચી હતી : ‘અશ્ક સાથેની પહેલા-પહેલા પ્રેમવાળી? કે પછી આગમન સાથેના સમાધાનવાળી?

(http://gujaratiliterature.wordpress.com/ માંથી)

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: