મુખ્ય પૃષ્ઠ > ડો.શરદ ઠાકરની નવલિકાઓ > મારા પર હસનાર, ચાહું છું એ લાચારી મળે, લાગણી જેવી જ તમને કોઈ બીમારી મળે.

મારા પર હસનાર, ચાહું છું એ લાચારી મળે, લાગણી જેવી જ તમને કોઈ બીમારી મળે.

ટેલીફોનની લાંબી રીંગ વાગી. એક વાર, બે વાર, ….. ચોથી, પાંચમી… આઠમી વાર ! રીટાયર્ડ હેડ કલાર્ક મહાસુખભાઈ જમવા બેઠા હતા. સિત્તેર વરસના સ્ફૂર્તિ વગરના શરીર માટે ફોન સુધી પહોંચવા માટે આટલો સમય બહુ વધારે ન ગણાય. નવમી રીંગે એમણે રિસિવર ઉઠાવ્યું.

”મોટાભાઈ, જય બોલું છું.”

”કોણ, જયકિશન ?” મહાસુખભાઈએ નાના ભાઈનો અવાજ સાંભળ્યો અને ઉંમર છ દાયકા જેટલી પાછી ખસી ગઈ : ”કેમ છો ? મજામાં ને ? લતા કેમ છે ? અને રોકી ?” આ પ્રવાહ પ્રશ્નોનો નહોતો, પણ પ્રેમનો હતો. જયકિશન છેક અમેરિકામાં હતો, પણ…. એનું બીજું ઘર મોટાભાઈ મહાસુખભાઈની છાતીમાં હતું, ખરેખર તો એ જ પહેલું ઘર હતું. બંને ભાઈઓ વચ્ચે જવલ્લે જ જોવા મળે એવો પ્રગાઢ ‘ભાઈચારો’ હતો.

મોટાભાઈના અવાજમાં રહેલો ઊછાળ હવામાં વીંઝાયેલા હાથની જેમ ફસકી ગયો. સામે જયકિશન સાવ ઢીલોઢફ બનીને બોલી રહ્યો હતો : ”વી આર ઓ.કે. ! પણ અમે ઇન્ડિયા આવીએ છીએ. આવતી કાલની ફલાઈટ છે. બોમ્બેથી સાડા સાત વાગ્યાના જેટમાં અમદાવાદ આવીશું. હું અને લતા આવીએ છીએ.”

”કેમ, અચાનક ?!” મહાસુખભાઈ સ્તબ્ધ થઈ ગયા. જય ઇન્ડિયા આવતો હતો એ સમાચાર ન હતા, પણ અગાઉથી જાણ કર્યા વગર આવતો હતો, અચાનક આગલા દિવસે ફોન કરીને આવી રહ્યો હતો એ જરૂર એક સમાચાર હતા, અને એ બહુ સારા સમાચાર ન હતા.

જયનો ઢીલો અવાજ વધુ ઢીલો પડી ગયો : ”મોટાભાઈ ! વી આર બેડલી હર્ટ ! રોકીએ અમને બહુ મોટો આઘાત આપ્યો છે.”

”શું ? શું થયું ?”

”એ મેરેજ કરી રહ્યો છે, આ વીક-એન્ડમાં. અહીંની છોકરી છે. અને અમને ઇન્વાઇટ કરવાની ના પાડે છે !!”

”કેમ ? તમે છોકરીનો વિરોધ કરેલો ?”

”ના.”

”તો પછી ?”

”બસ, એમ જ ! વધુ વાતો ત્યાં આવીને કરીશું. પણ દીકરાનું મેરેજ હોય અને માબાપ હાજર ન હોય એ કયાંય જોયું છે ? અમારે તો અહીંના ગુજરાતી સમાજમાં મોં બતાવવું ભારે થઈ પડયું છે. ભાભીની તબિયત ખરાબ છે – એવું બહાનું કાઢીને અહીંથી છટકી રહ્યાં છીએ. ખબર નથી પડતી કે દીકરો આવો કેમ પાકયો ? જયકિશનના વાકયની પાછળ પ્રશ્નાર્થ યિહૂન હતું એના કરતાંયે મોટું તો ડૂસકું હતું. અને એની વાત સાવ સાચી હતી. રોકીને ઊછેરવામાં, એને વહાલ કરવામાં એણે કશીયે ખામી રાખી ન હતી. એને સારામાં સારૂં એજ્યુકેશન આપ્યું હતું, એવું ધારી લીધું હતું કે શિક્ષણની સાથે સાથે સંસ્કાર પણ આપોઆપ મળી જતા હોય છે ! રોકી અત્યાર સુધી તો સારો લાગતો હતો, પણ અચાનક આ શું થયું ?

ફોન પરની વાત પૂરી થઈ અને મહાસુખભાઈના મનમાં વહી ગયેલી વાર્તા પડખું ફેરવીને બેઠી થઈ.

* * *

”પૂ. મોટાભાઈ, પૂ. ભાભી તથા વહાલાં બાળકો, મુંબઈથી લિ. જયકિશનના પ્રણામ. આ પત્ર ખાસ એટલા માટે લખું છું કે….” આજથી બરાબર ત્રીસ વરસ પહેલાં મુંબઈની એન્જિનિયરીંગ કોલેજમાં ભણવા ગયેલા જયકિશનનો મોટાભાઈ ઉપર પત્ર આવ્યો હતો. એનું ભણવાનું હમણાં જ પૂરું થયું હતું. મહાસુખભાઈએ જ એને ભણાવ્યો હતો. ટૂંકા પગારની નોકરીમાંથી, વધારાના ટયૂશન્સમાંથી, પત્નીનાં સાડલા ઉપર મારેલા થીગડાંમાંથી અને સગ્ગા દીકરાના મોંમાંથી બચાવેલા બિસ્કિટના ખર્ચમાંથી જયકિશનના અભ્યાસનો ખર્ચ એમણે ચોરી લીધો હતો. જયકિશનને એ કહેવા જ જતા હતા કે ”ભાઈ, હવે ભણવાનું પૂરૂં થયું. તું અમદાવાદ આવી જા. મેં અહીં નોકરી માટે બે-ત્રણ ઠેકાણે તપાસ કરી રાખી છે.”

પણ એ પહેલાં જ જયકિશનનો પત્ર આવી ગયો. એ આગળ લખતો હતો : ”આ પત્ર ખાસ એટલા માટે લખું છું કે મેં મારા માટે એક છોકરી જોઈ રાખી છે. અમે બંને એક-બીજાંને પસંદ છીએ. એ આપણી જ્ઞાતિની નથી, પણ મારો વિચાર એની સાથે જ લગ્ન કરવાનો છે. મને ખાતરી છે કે ગામડાંમાં રહેતાં બા-બાપુ અને આપણા કાકાઓ આ લગ્ન મંજુર નહીં જ રાખે. તમે મારા ભાઈ છો એટલે જાણ કરું છું, બાકી એ લોકોને તો કહેવા માટે પણ મારી હિંમત ચાલતી નથી. તમે જો મને સહકાર આપો, તો હું…”

આગળ લખાણ તો હજી પણ ઘણું હતું, પણ એમાં અર્થ માત્ર એટલો જ હતો કે મહાસુખભાઈ અને ભાભીના ટેકા વગર જયનું લગ્ન અશકય હતું. શું કરવું ?

એ રાત્રે પતિ-પત્ની વચ્ચે લંબાણપૂર્વકની ચર્ચા થઈ. એક પૂરી પેઢી પૂર્વેનો જમાનો હતો. ન્યાત-જાતનાં બંધનો ચીનની દિવાલ જેવા અભેઘ હતા. જો જયકિશનને સહકાર આપે તો જ્ઞાતિમાંથી ઠપકો મળે એમ હતું. ખુદ બાપુ અને કાકાઓ પણ બહિષ્કાર પોકારે એવી પૂરી શકયતા હતી. અને જો ના પાડે તો ? તો નાનો ભાઈ તૂટી જાય એમ હતો.

મહાસુખભાઈએ પત્ર લખીને લીલી ઝંડી ફરકાવી દીધી : ”જા, મારા તરફથી તને છૂટ છે. તું કહીશ ત્યારે તારી જાન જોડવા તૈયાર છું. ખર્ચની ચિંતા ન કરીશ. અને જ્ઞાતિમાંથી કોઈ લગ્નમાં હાજરી આપવા નહીં આવે તો પણ મુંઝાઈશ નહીં. મેં આટલી જિંદગીમાં જખ નથી મારી. સંબંધોની જ વાવણી કરી છે. જાડેરી જાન જોડીને મારા ભાઈને પરણાવીશ. કયારે આવે છે ?”

જયકિશન તો જવાબ વાંચીને પાગલ થઈ ગયો. તરત જ દોડીને લતાની પાસે પહોંચી ગયો. મોટાભાઈનો પત્ર વંચાવ્યો. ઠાવકી લતાનું નમણું મોં ઊતરી ગયું.

”કેમ ? શું થયું ?”

”તમારા પક્ષ તરફથી તો ‘હા’ આવી ગઈ, પણ મારા પપ્પા તરફથી આપણાં લગ્નને કયારેય મંજુરી નહીં મળે !” એણે રડમસ અવાજે કહ્યું.

”તારો ભાઈ ? મોટી બહેન ? માસી, મામા, ફુઆ… ?”

”ઊંહું… ! કોઈના તરફથી નહીં.”

”એમાં રડવા શું બેઠી ? મારા મોટાભાઈ બેઠા છે ને ! એ બધું ઊજવી લે એવા છે ! લાવ, એમને જાણ કરીએ.” અને જયકિશને આ વખતે અજબ-ગજબની દરખાસ્ત ધરાવતો કાગળ લખ્યો. એનું લૂચન ગણો કે ફરમાઈશ, એ આ હતી : ”હું અને લતા પંદરમી તારીખે અમદાવાદ પહોંચીએ છીએ. લગ્નનું મુહૂર્ત સોળમીનું છે. લતાનાં પક્ષ તરફથી કોઈ હાજર નહીં રહે. માટે બંનેનું માન સચવાય એવી ગોઠવણ કરશો. બેન્ડવાજા કે બીજી ઝાકઝમાળની જરૂર નથી, પણ બની શકે તો ઘર જરા ઠીકઠાક કરાવી લેશો. એક તો પોળનું મકાન છે, એ ય વળી ભાડાનું અને.. લતા પૈસાદાર મા-બાપની દીકરી છે. એને લઈને મારે હોટલમાં ન રહેવું પડે એ જરા જોશો…”

પત્ર વાંચીને મહાસુખભાઈને આંચકો લાગ્યો. ભાઈના લગ્નની સોનાની થાળીમાં કયાંક આ પત્રમાં એકાદ વાકયની લોઢાની મેખ જરૂર હતી. છાતીમાં કયાંક કશુંક ભોંકાયું હોય એવી વેદના થઈ, પણ શરણાઈના કલ્પિત સુરો વચ્ચે આ શૂળની પીડા વિસરાઈ ગઈ.

”તને શું લાગે છે ?” એમણે પત્નીને પૂછયું.

”જયભાઈની વાત સાચી છે. આવું ભૂખડી બારસ જેવું ઘર જોઈને આવનારી વહુ ડઘાઈ ન જાય તો બીજું શું થાય ?”

”અરે, પણ આ કયાં એન્જિનિયરનો બંગલો છે ? તો એક મામુલી કારકૂનનું ઘર છે. લતાએ ઘર સામે જોવાનું કે એના વર સામે ?”

”એ એણે વિચારવાનું, આપણે નહીં.”

”તો આપણે શું કરવાનું ?”

”બીજું શું ? બની શકે એટલું આ મકાનને સારું બનાવી દેવાનું ! દિવાલો ઉપર પોપડા ખરી ગયા છે એનું સમારકામ કરી નાખવાનું, ચૂનો ધોળી દેવાનો અને ફર્શમાં મોટી તીરાડો પડેલી છે એમાં…”

”પણ એટલો સમય કયાં છે ? આજે તેરમી તારીખ તો પૂરી થવા આવી !”

”તો શું થયું ? હજી આપણી પાસે દોઢ દિવસ છે અને બે રાત પણ…” અભણ પત્નીનું ગણીત પાક્કું હતું અને સમજણ સાચી હતી.

એ જ ક્ષણથી બંને જણાં મચી પડયાં. આખા ઘરનો સામાન ફળિયામાં કાઢૂયો. કડિયા અને ચૂનાવાળાને દોઢા દામ ચૂકવીને પકડી લાવ્યા. યુધ્ધના ધોરણે જર્જરીત મકાનનો જીર્ણોદ્ધાર શરૂ કરી દીધો. જેણે જોયું એ દંગ થઈ ગયા. ચાલુ લડાઈમાં તૂટેલા પૂલનું સમારકામ કરતા સૈનિકોની ઝડપે પતિ-પત્ની કામ કરી રહ્યાં. ચૌદમીની સાંજ પડી ત્યાં સુધીમાં દિવાલો તો નવી નક્કોર બનાવી દીધી. હવે ફર્શ અને પગથિયાં બાકી રહ્યાં. કડીયાએ એ પણ તોડીને રીપેર કરી નાખ્યાં. પ્લાસ્ટર પત્યું ત્યારે રાતનાં ત્રણ વાગી ચૂકયા હતા. કડિયો એની મજુરી લઈને વિદાય થયો.

હવે જ મહાસુખભાઈને ખબર પડી કે કામ પૂરું નહીં, પણ શરૂ થયું હતું. એક મસમોટી મુશ્કેલી આંખ સામે ઊભી હતી. અડધાં કરતાં પણ વધારે રાત્રિ વીતી ચૂકી હતી અને ફર્શ હજી સાવ તાજી હતી. સિમેન્ટ પૂરેપૂરો લૂકાવાનો બાકી હતો… ! અને સમય કયાં હતો ? સવારના આઠ વાગતાંમાં તો જયકિશન લતાને લઈને આવી પહોંચવાનો હતો ! લતાને કેવું લાગશે ? ઓરડામાં પગ મૂકવાનું પણ શકય ન હતું.

મહાસુખભાઈએ દોડાદોડી કરી મૂકી. પડોસમાંથી બે-ત્રણ ટેબલ ફેન માગી લાવ્યા. બારણામાં જ ગોઠવી દીધાં. છેક અંદર સુધી પવનનો સપાટો પહોંચે એમ ન હતો, ત્યાં દબાતે પગલે એ ખુદ પહોંચી ગયા. બીજા ખૂણે પત્નીને બેસાડી દીધી. કેલેન્ડરના પૂંઠા વડે પવન નાખવાનું શરૂ કર્યું. નાનો દીકરો પણ બાપને જોઈને ત્રીજા ખૂણે બેસી ગયો. બે દિવસનો તનતોડ થાક, ઉજાગરો, અને સવારે શું થશે એની ચિંતા… ! કયારેય ઉનાળાની ગરમીમાં પણ વીજળીનો પંખો વસાવવાનું વિચાર્યું નહોતું, ત્યાં રાતભર ત્રણ-ત્રણ ટેબલ ફેન ચાલતા રહ્યા. અને બે મોટા અને એક નાનો હાથ સતત પૂંઠાના પંખાને વીંઝતા રહ્યાં. આને શું કહી શકાય ? મૂર્ખામી ? ઝનૂન ? કે પછી પ્રેમ ? જે ગણો તે, પણ લૂર્યનું પ્રથમ કિરણ જ્યારે ફળિયામાં પડતાં પ્રવેશદ્વારમાં થઈને અંદરના ઓરડાની ફર્શ ઉપર પડયું, ત્યારે એ ધરતી લૂકાઈને સખત થઈ ચૂકી હતી. એ કિરણના પગલાંની છાપ ન ઊઠી ! કિરણને બદલે સાક્ષાતૂ લૂર્યદેવતાના સાત-સાત અશ્વો એ ધરતી ઉપર ઊતરી આવ્યા હોત તો પણ એમના ડાબલા ન ઊઠયા હોત ! રાતભર એ સિમેન્ટ ઉપર વરસેલા પરસેવાએ એમાં રહેલા પાણીને શોષી લીધું હતું.

”બસ, હવે વાંધો નહીં !” મહાસુખભાઈએ ઓરડામાં થોડું ચાલી જોયું. પછી પત્નીને હુકમ કર્યો : ”લે, હવે ચા મૂક.”

”દાતણ નથી કરવું ?”

”એ તો જાગીને કરવાનું હોય ને ! અહીં તો લૂતું જ છે કોણ ?” પતિ-પત્ની હસી પડયાં.

અને સાડા આઠ વાગ્યે ડહેલીની સાંકળ ખખડી. મહાસુખભાઈએ દોડીને બારણું ઉઘાડયું. નાના ભાઈને બાથમાં સમાવી લેવા માટે આગળ વધ્યા, પણ… !

બારણાંની વચ્ચે ટપાલી ઊભો હતો : ”કાકા, ટેલીગ્રામ છે.”

”હેં ?!” કાકા હબકી ગયા : ”શું થયું ? કંઈ માઠા સમાચાર તો નથી ને ? ભાઈ, તું જ વાંચી સંભળાવ ને…”

”કાકા, ગભરાઈ ન જાવ. કશું જ અમંગળ નથી. શુભ સમાચાર છે. તમારા નાનાભાઈનો તાર છે. લખે છે : અમે લગ્ન કરી લીધાં છે. રાહ ન જોશો. લતાનાં પીયરમાંથી કોઈ હાજરી ન આપે તો એનું નીચું દેખાય, એટલે અમે અમદાવાદ નથી આવ્યાં. અહીં આર્ય સમાજમાં જઈને…”

મહાસુખભાઈને અંધારા આવી ગયા. આખી રાતનો પરીશ્રમ હાથમાં, પગમાં અને છાતીના ડાબા ભાગમાં કળતર બનીને ઊભરી આવ્યો.

* * *

આજે ત્રીસ વરસ પછી મહાસુખભાઈ જયકિશનને અને લતાને દિલાસો આપી રહ્યા હતા : ”એવું તો બન્યા જ કરે. એમાં રડવાનું શું વળી ?”

”પણ મોટાભાઈ, દીકરાઓ એમના મા-બાપના પ્રેમને કયારે સમજી શકશે ?” જયકિશન ચોંધાર આંસુએ રડતો હતો.

મહાસુખભાઈ આ સવાલના જવાબને ત્રીસ વરસ પહેલાંની એક ભીની ફર્શમાંથી વીણી લાવ્યા : ”જ્યારે એ દીકરાઓ ખુદ બાપ બનશે ત્યારે.. !”

(એક શતપ્રતિશત સત્ય ઘટના.)

(http://gujaratiliterature.wordpress.com/ માંથી)

Advertisements
  1. beena
    સપ્ટેમ્બર 7, 2011 પર 11:21 એ એમ (AM)

    jesi karni weshi bharni…………………………..

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: