મુખ્ય પૃષ્ઠ > ડો.શરદ ઠાકરની નવલિકાઓ > વાતો ઘણી થઇ ને ખુલાસા ઘણા થયા, થોડો હવે તો પ્યાર કરો રાત જાય છે.

વાતો ઘણી થઇ ને ખુલાસા ઘણા થયા, થોડો હવે તો પ્યાર કરો રાત જાય છે.

પિસ્તાલીસની ઉંમર. મલખમના થાંભલા જેવું શરીર. સફરજનની છાલ જેવી લાલ ચામડી. આંખોમાં ચોવીસે કલાક અંજાયેલી રહેતી શરાબી રતાશ. આ બધાંનો સરવાળો કરો એટલે જે માણસ બને એનું નામ કર્નલ લાલુભા. હિંદુસ્તાની ફૌજના રીટાયર્ડ કર્નલ. બાંગ્લાદેશ વખતના યુધ્ધ પછી લાલુભા નિવૃત્ત થયેલા. ઘણા કહેતા કે એમને ફરજીયાત નિવૃત્ત કરવામાં આવેલા. રોજ સાંજે એમની શરાબ પીવાની આદત. લશ્કરમાં તો દરેક સૈનિકને એના કવોટા પ્રમાણે વ્હીસ્કી પૂરી પાડવામાં આવે; પણ લાલુભાને એ પ્રમાણ ઓછું પડે. એમની ટૂકડીમાં જે સોલ્જર દારૂ ન પીતો હોય એને લાલુભા ‘ગંગાજળીયા’ તરીકે ઓળખાવતા. આવા એકાદ- બે ગંગાજળીયાના ભાગનો શરાબ પણ રાત પડતાં પહેલાં લાલુભાની પેટની તીજોરીમાં બંધ થઇ જતો. દારૂ પીધા પછી લાલુભા હિંદુસ્તાન- પાકિસ્તાન વચ્ચેનો ભેદભાવ ભૂલી જતા. કયારેક તો એમના જ સૈનિકો તરફ રાયફલનું નાળચું ધરી દેતા. અંતે ભારતીય ફૌજે આ કર્નલથી સ્વૈચ્છિકપણે છુટકારો મેળવ્યો.

જેને લશ્કર પણ પચાવી ન શકયું એવા લાલુભા સૌરાષ્ટ્રના એક નાનકડા શહેરમાં આવીને એમના ખાનદાની, જૂના, ખખડધજ, મકાનમાં ઠરીઠામ થયા. નિવૃત્ત થયા પછીયે લશ્કરની કેટલીક નિશાનીઓ એમણે જાળવી રાખેલી. મીલીટરી રંગનું પેન્ટ, લશ્કરી બૂટ, માથે ટૂંકા વાળ, એક ચોરેલી કે ખરીદેલી સર્વિસ રિવોલ્વર, થોડાં કારતૂસ અને શરાબ પીવાની આદત.

દિવસ તો આખો શાંતિથી પસાર થઇ જાય; પણ સાંજ પડી નથી અને લાલુભાએ બાટલી કાઢી નથી! સાત- આઠ પેગ પેટમાં ઠાલવ્યા પછી લાલુભા માણસ મટીને મહારાજ બની જાય; અસલી રાજાપાઠમાં ઘરની બહાર નીકળે. પછી જે દ્રશ્યો ભજવાય એ ઈતિહાસના ચોપડે દર્જ થઇ જાય. એક નમુનો :- ”લાલુભા, લાલુભા, આજે તો અમને કંઇક પાર્ટી આપો.” સાંજ વિદાય લેવાની અણી ઉપર. લાલુભા લથડતી ચાલે ઘરની બહાર નીકળ્યા છે અને ફળીનાં છોકરાં એમને ઘેરી વળ્યા છે.

”અલ્યા, શેની પાર્ટી એ તો કહો.”

”કેમ? પાકિસ્તાનને તમે હરાવ્યું એની.”

”પણ એ તો જૂની વાત થઇ ગઇ… ઠેઠ એકોતરની સાલમાં…! એનું આજે શું છે?”

”પાર્ટી તો ગમે ત્યારે મગાય ને? અને તમારે આપવીયે પડે. નહીંતર કહી ઘો કે તમે એ લડાઇમાં ભાગ નહોતો લીધો.” છોકરાંવ લાલુભાને બરાબર ઓળખી ગયા હતા.

લાલુભાએ કહી દીધું : ”શું ખાવું છે એ બોલી નાખો.”

”ફાફડા અને જલેબી.”

”હાલો. મગન કંદોઇની દુકાને તાવડો ચાલુ જ હશે.” લાલુભાઇ ગંજીભેર આગળ ચાલ્યા. ખમીસ પહેરવાયે ન રોકાયા. પાછળ પંદર- વીસ છોકરાંઓનું ટોળું. પુંચ સેકટર ઉપર ગોળીબાર કરવા જતા હોય એમ મગન કંદોઇની દુકાન ઉપર મોરચો લઇ ગયા : ”મગના, ફાફડા ઉતાર ગરમાગરમ! અને મીઠી સાકર જેવી જલેબી પણ!”

”કેટલી આપું?” મગને કોલસાની સગડીના બાકોરા તરફ પૂંઠાથી પવન વિંઝતાં પૂછયું.

”આ છોકરાંવ ધરાય એટલાં વળી!” લાલુભાએ પોરસથી કહ્યું.

”કોનાં છે આ બધાં?” મગનને મજાક લૂઝી.

”કોની તે મારાં વળી; બીજા કોના? છાનોમાનો સગડી ફૂંક, નહીંતર ‘ફાયર’ કરી નાખીશ.” લાલુભાએ મીલીટરી રંગના પેન્ટના ખિસ્સામાંથી મીલીટરી ઢબે પિસ્તોલ બહાર કાઢી. એ પછી એક પણ સવાલ પૂછે એનું નામ મગન કંદોઇ નહીં.

દરેક છોકરાએ સો-સો ગ્રામ ગાંઠીયા ખાધા. સો- સો ગ્રામ જલેબી ખાધી. પણ તોયે હજી ઓડકાર ન ખાધો.

”લાલુભા, મલાઇવાળું દૂધ પીવું છે.” એકે ફરમાઇશ કરી. લાલુભાને દૂધની વાત પસંદ આવી. એમને મન ફકત બે જ પીણાં શ્રેષ્ઠ હતા; દૂધ અને દારૂ. આ ઉંમરે દારૂ ન પીવરાવાય, એટલે દૂધ માટે એમણે લીલી ઝંડી ફરકાવી.

”અલ્યા, કરસન! બધાંને એક- એક ગ્લાસ મલાઇવાળું દૂધ પીવડાવી દે!” કર્નલે કંદોઇને અડીને આવેલી દુકાનમાં દૂધનો તાવડો માંડીને બેઠેલા કરસનને હુકમ કર્યો. હવે બધાંએ ઓડકાર ખાધા.

”શું આપવાનું છે?” લાલુભાએ લાલ આંખે સવાલ કર્યો.

”સવાસો થાય, પણ સો આપો.” મગને રિવોલ્વરની ગણતરી ધ્યાનમાં રાખીને જવાબ આપ્યો. લાલુભાએ સો રૂપિયાની નોટનો ઘા કર્યો.

”અને તારા કેટલા?”

”પચાસ થાય, પણ ત્રીસ આપો….” કરસને દસ- દસની ત્રણ નોટ હવામાં ઝીલી લીધી; નહીંતર દૂધના તાવડામાં પડત.

બાળકોએ કર્નલના નામની જય બોલાવી. પછી સૌ વિખેરાયા. લાલુભા પથારીભેગા થયા પછી સપનામાં પણ એ દાનેશ્વરી કર્ણની ભૂમિકામાં જ જીવતા રહ્યા. પણ સવાર પડી, નશો ઊતર્યો, ચા- પાણી પીધાં; પછી રાતની ઘટના આછી આછી યાદ આવી. પાકિટમાં બચેલી નોટો ગણી જોઇ. એકસો ત્રીસ રૂપીયાનો અભાવ ન પૂરાય એવો લાગ્યો. આ કેમ ચાલે? પોતે નશામાં હતા, મગન કંદોઇ ઓછો નશામાં હતો…? લાલુભા સીધા કંદોઇની દુકાને જઇને ઊભા રહ્યા :

”ગઇ કાલવાળા સો રૂપીયા પાછા આપી દે.”

”કેમ? તમે તો છોકરાંઓને લઇને આવ્યા’તા….”

”તો શું થઇ ગયું? એ મારા છોકરાં થઇ ગ્યા? હું તો આખા ગામને લઇને આવીશ, તો શું કરીશ? પચાસ હજાર માણસને ફાફડા- જલેબી ખવડાવી દઇશ? તું તો જાણે છે કે મારે દીકરો- દીકરી કંઇ નથી, પછી શેના સો રૂપીયા ખંખેરી લીધા? પૈસા કાઢ, નહીંતર હું પિસ્તોલ કાઢું છું.”

મગન કંદોઇએ તો સોની નોટ કાઢી આપી, પણ એની પહેલાં બાજુવાળા કરસન દૂધવાળાએ ત્રીસ રૂપિયા કાઢીને લાલુભાના હાથમાં ધરી દીધા. લાલુભાએ રિવોલ્વર મ્યાન કરી.

એકસો ત્રીસ રૂપિયામાંથી બીજા દિવસની બાટલીનો ખર્ચ નીકળી ગયો. એ દિવસે રાત્રે નવેક વાગ્યે શરાબસેવનનો દૌર સમાપ્ત કરીને લાલુભા પાનના ગલ્લે ઊભા હતા, ત્યાં એમની નજર પગ આગળ આળોટતા કાળા ગલુડીયા ઉપર પડી. લાલુભા શિસ્તના જબરા આગ્રહી. એમણે ઘડીયાળમાં જોયું. આ તે કંઇ આળોટવાનો સમય છે? નાનાં ગલુડીયાએ તો ઘરભેગાં થઇ જવું જોઇએ. કર્નલની આંખ ફરી : ”મોતી, ઘરે ચાલ્યો જા. બારણાં ઊઘાડાં મૂકીને જ આવ્યો છું. જઇને ફળીયામાં લૂઇ જા.”

કૂતરાએ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું. કર્નલનો અવાજ ઊંચો થયો : ”મોતી, એબાઉટ ટર્ન. કવીક માર્ચ. ગો હોમ…” કૂતરાએ કર્નલને કાન ન આપ્યો. લાલુભાએ મગજ ઉપરનો કાબુ ગુમાવ્યો. આંખના પલકારામાં પગ ઉઠાવ્યો અને ભારેખમ બૂટની જોરદાર લાત ગલુડીયાના પડખામાં ઠોકી દીધી. ગલુડીયું સામેની ભીંત સાથે અફળાયું અને ત્યાંથી સરકીને ધરાશયી થઇ ગયું. લાલુભા પાન ચાવતાં ઘરે ગયા. ખડકીમાં પગ મૂકયો તો સડક થઇ ગયા. ખૂણામાં કંતાનની પથારી કરીને મોતી ઘસઘસાટ ઊંઘતો હતો. લાલુભાને કંઇ સમજાણું નહીં. એ પણ નિંદ્રાદેવીના શરણમાં પહોંચી ગયા.

બીજા દિવસે બપોરે નશો- બશો ઊતર્યા પછી ખબર પડી કે કાલે રાત્રે સામેની શેરીમાં રહેતા એક સરકારી અધિકારીના ગલુડીયાને કોઇએ લાત મારીને મારી નાખ્યું હતું. લાલુભા બબડયા : ”મને થતું જ હતું કે મોતી મારું કહેવું સાંભળે કેમ નહીં? પણ મોતી હોય તો સાંભળે ને અને સમજે ય ને?”

આવા ખૂંખાર લાલુભા એક વાર મઘપાનનો કાર્યક્રમ પૂરો કરીને રાત્રે ફરવા માટે નીકળી પડયા. નશામાં ને નશામાં શહેરની બહાર નીકળી ગયા. પછી પાછા ફરતાં મોડું થઇ ગયું. રાતનો એક વાગી ગયો. લથડતી ચાલે એ ઘર સુધી પહોંચ્યા. ડહેલીની સાંકળ ખખડાવી. બારણું ઊઘડતાં વાર લાગી. લાલુભાએ લાત ફટકારી. મીલીટરીના બૂટ અને ખપાટીયાવાળું બારણું. હચમચી ગયું. આખરે દ્વાર ખૂલ્યા. સામે રંભા ઊભી હતી.

લાલુભાએ ગોળીની જેવો પ્રશ્ન છોડયો : ”બારણું ઊઘાડતાં આટલી બધી વાર? અને તારાં કપડાં આમ કેમ?” રંભા ચૂપ.

પણ બંને સવાલનો જવાબ અંદર ઓરડામાં ઊભો હતો. લાલુભાએ રિવોલ્વર કાઢી : ”તું કોણ છે?”

”હું રંભાનો પ્રેમી…. પણ… તમે…. કોણ….?” એક મડદાલ આવારા જણ થરથર કાંપતો ઊભો હતો.

”હું? હું રંભાનો ધણી, કર્નલ લાલુભા. હવે પછી નજરે ચઢયો છે તો જીવતો નહીં જવા દઉં. એક… બે…” લાલુભા બે પૂરા ગણી રહે ત્યાં તો પેલો બકરી બેં થઇ ગયો. જીવ બચાવીને નાસી છૂટયો.

રંભા પગમાં પડી ગઇ : ”ભૂલ થઇ ગઇ, નાથ! પહેલી અને છેલ્લી ભૂલ માફ કરો. હવે પરપુરૂષ સામે નજર કરું તોયે ગોળીએ દેજો. ગુસ્સો થૂંકી નાખો અને શયનખંડમાં પધારો… સ્વામી…!”

રંભાની તસતસતી જવાની, ભાંગતી રાત અને મધમીઠું આમંત્રણ. લાલુભા ડહેલી વાસીને ઘરમાં ગયા. ઢોળીયા ઉપર ઢળ્યા. છેક પરોઢીયે લૂતા. આખી રાતનો ઊજાગરો અને દારૂ વત્તા રંભાનો એમ બેવડો નશો. છેક બપોરે બે વાગ્યે ઊંઘ ઊડી. આળશ મરડીને બેઠા થયા. ચા- નાસ્તો લઇને રંભા સામે જ ઊભી હતી.

”અરે, રંભા? તું કયાંથી? અને આ ઘર કેમ બદલાયેલું લાગે છે?” લાલુભા ચકરાઇ ગયા. ધીમે ધીમે સમજાયું કે આ ઘર પોતાનું નથી. આ તો બાજુવાળા રામજી મીસ્ત્રીનું મકાન. રામજી અને એની ઘરવાળી તો કયારના મરી પરવાર્યા. પાછળ એકલી રંભા રહી ગઇ હતી. રામજીની રૂપાળી, જુવાનજોધ દીકરી. નિશાળમાં મે’તાણી હતી. સારો, કમાતો વર ન મળ્યો એમાં કુંવારી રહી ગયેલી. પણ પોતે અહીં રંભાના ઘરમાં કયાંથી?

”ખરા છો તમે પણ!” રંભાએ છણકો કર્યો : ”મધરાતે મારા વર બનીને મધુરજની માણી લીધી અને હવે ઓળખતાં પણ નથી! આમ અડધે રસ્તે છોડી દેવી હતી તો અડધી રાતે હાથ શા માટે પકડયો? પેલો હતો એ શું ખોટો હતો?” રંભાની આંખમાં આંસુ ધસી આવ્યાં.

”પણ એ કોણ હતો….?” લાલુભાને રાતની વાત આછી- આછી યાદ આવવા માંડી.

”જે હતો એ, પણ વિશ્વાસ રાખો; પહેલી વાર જ આવ્યો હતો. અને હજી તો મારો હાથેય પકડયો નહોતો ત્યાં તમે સાંકળ ખખડાવી. હવે આખી શેરી જાણી ગઇ છે કે તમે મારા ઘરમાં મારી સાથે રાતવાસો કર્યો છે. તમારે તો ઠીક છે કે આ રોજનું થયું. દારૂનું બહાનું કાઢીને છટકી જશો. છોકરાઓને જલેબી- ફાફડા ખવડાવ્યા એના પૈસા પાછા લઇ આવ્યા. પારકા ગલુડીયાને તમારો કૂતરો માનીને મારી નાખ્યો. અને હવે નશામાં ને ગફલતમાં તમારા ઘરને બદલે મારા ઘરમાં….” રંભા રડી પડી.

લાલુભા ગર્જી ઊઠયા : ”અરે, શેનો નશો અને શેનાં બહાનાં? ચાલ ઊભી થા અને માર તારા ઘરને તાળું! વિચાર તો આમ એકલપંડે જ જિંદગી કાઢી નાખવાનો હતો, પણ સાચું કહું, રંભા? કાલની રાત જેવી નશીલી રાત આ લાલુભાએ પિસ્તાલીસ વરસમાં એક પણ વાર માણી નથી. આજે ખબર પડી કે બાટલીનો નશો તો બાયડીનાં નશા આગળ પાણી ભરે!”

”એમ?” રંભાએ નેણ ઊલાળ્યાં : ”તો મૂકો પાણી; આજથી દારૂ પીવાનું બંધ….”

લાલુભાએ પાણી મૂકયું : ”લે, બસ? આજથી દારૂ બંધ અને તને પીવાનું ચાલુ….”

(શીર્ષકપંકિત :- સૈફ પાલનપુરી)

(http://gujaratiliterature.wordpress.com/ માંથી)

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: