મુખ્ય પૃષ્ઠ > ડો.શરદ ઠાકરની નવલિકાઓ > વીતેલા દિવસોના ખોળિયામાં દિલ ગયું પાછું, જિવાતી જિંદગી! રોકાઇ જા, આ શું થયું પાછું?

વીતેલા દિવસોના ખોળિયામાં દિલ ગયું પાછું, જિવાતી જિંદગી! રોકાઇ જા, આ શું થયું પાછું?

સત્યકામનો દેહ હવામાં ઊડતા સાપની જેવો કમાનાકાર બની ગયો. આ એની જિંદગીનો પહેલવહેલો અનુભવ હતો. પ્રભાત સર્કસનું મોટું નામ હતું. કોલ્હાપુરની જનતા સર્કસનો આ ઓપનીંગ શો જોવા માટે ઉમટી પડી હતી. સત્યકામે ક્ષણવાર આંખો બંધ કરી, ઇષ્ટદેવનું સ્મરણ કર્યું અને દોરડાના ઝુલાને પગના ધક્કા વડે આંચકો મારવાનું શરૂ કર્યું. નિર્જીવ દોરડામાં જીવ આવ્યો. શરૂમાં ધીમા, પછી ઝડપી, પછી વધુ ઝડપી…! થોડી જ વારમાં ઝુલો હવાનાં બે ઊંચા અંતિમો વચ્ચે ઝૂમી રહ્યો.

સત્યકામે સામેના ઝુલા તરફ જોયું. ત્યાં સંધ્યા ઊભી હતી. એ પણ દેહને કમાનાકારે વાળીને ઝુલાને હિંચોળી રહી હતી. સત્યકામે એક નજર નીચેની તરફ ફેંકી. હૃદય એક ધબકારો ચૂકી ગયું. પ્રેક્ષકોની ચિચિયારી છેક અહીં સુધી સંભળાઇ રહી હતી. એની અને પ્રેક્ષકોની વચ્ચે દોરડાની વિશાળ જાળી હતી. ખેલ દરમ્યાન કોઇ ભૂલ થાય, તો એ જાળી એને ઝીલી લે, બચાવી લે, સંભાળી લે.

સત્યકામે આંખો તેજ કરી. હવે એનું ધ્યાન બીજે કયાંય નહોતું. પક્ષીની આંખ જોઇ રહેલા અર્જુનની જેમ એ ફકત સંધ્યાની દિશામાં તાકી રહ્યો. અચાનક એણે ગુલાંટ મારી. ઊંધા માથે થઇ ગયો. એના બે વળેલા પગ ઝુલાના આડા સળીયાને જકડી રહ્યા હતા. સામે સંધ્યાની પણ એજ સ્થિતિ હતી. બંને ઝુલા એક લયમાં ગોઠવાઇ ગયા અને સંધ્યાએ પગ ઊઠાવી લીધા. એ હવામાં ફંગોળાઇ.

પ્રેક્ષકો શાંત થઇ ગયા. વાતાવરણમાં સન્નાટો પ્રસરી ગયો. ”એ ગઇ…! એ મરી…!” જેવી ચીસો મનમાં ઊઠી અને મનમાં જ શમી ગઇ. એક ક્ષણ… એક જ ક્ષણ પછી સંધ્યાના હાથ સત્યકામના હાથોમાં હતા. બહુ રોમાંચક દ્રશ્ય હતું. તાળીઓના ગડગડાટથી સર્કસનો વિશાળ તંબુ ગાજી ઊઠયો. એ પછી પણ ઝુલાના અનેક ખેલ ભજવાયા. જીવસટોસટની બાજી ખેલીને સત્યકામ અને સંધ્યા રમતા રહ્યાં. મોડી રાતે ખેલ પૂરો થયો. પ્રેક્ષકો વિખેરાયા.

રાત્રે કપડાં બદલાવીને સંધ્યા અને સત્યકામ વાતો કરી રહ્યાં હતાં.

”બાપરે હું તો ડરી ગઇ હતી…” સંધ્યાની કાળી કાળી આંખોમાં અત્યારે પણ ભય ડોકાઇ રહ્યો હતો.

”કેમ?” સત્યકામને નવાઇ લાગી: ”મારી ઉપર વિશ્વાસ નથી? હું તને પડવા શેનો દઉં?”

”વિશ્વાસ હતો એટલે તો ઝુલો છોડી શકી; પણ તારી હથેળીઓ પરસેવાથી ભીની હતી. મારો હાથ સરકતાં માંડ બચ્યો.”

સત્યકામ નીચું જોઇ ગયો: ”હા, સંધ્યા! આટઆટલાં રિહર્સલ્સ કર્યા પણ હજી યે તારા હાથને સ્પર્શું છું… ને મારી હથેળીમાં જ નહીં, પણ સમગ્ર દેહમાં પરસેવો ફૂટે છે! તારી જગ્યાએ બીજી કોઇ યુવતી હોત તો એ સરકી જ ગઇ હોત!”

પછી સત્યકામે ઉપર જોયું. સંધ્યા એની દિશામાં ટગર ટગર જોઇ રહી હતી. એકાંત હતું, શાંતિ હતી, કંઇક કહેવા માટે આતુર પુરુષ હતો અને કંઇક સાંભળવા માટે તૈયાર સ્ત્રી હતી.

સત્યકામ શબ્દોમાં હૈયું ઠાલવીને બોલ્યો: ”સંધ્યા, હું તારા હાથને મારા હાથમાંથી કયારેય સરકવા દેવા નથી માંગતો; ચાહે તે સર્કસનો ખેલ હોય કે જિંદગીની રમત! તું તારો હાથ મારા હાથમાં સોંપવા માટે તૈયાર છે?”

સંધ્યાએ બોલીને જવાબ ન આપ્યો. એનો જમણો હાથ એણે સમર્પણની ભાવના સાથે લાંબો કર્યો. સત્યકામે સ્વીકારની લાગણી સાથે એ હાથને ઝીલી લીધો.

”લગ્ન કયારે કરીશું?” સંધ્યાએ પૂછૂયું.

”તું કહેતી હો, તો કાલે જ!”

”ના, કાલે નહીં, પરમ દિવસે.” સંધ્યાએ કંઇક વિચારીને જવાબ આપ્યો: ”આજે તો બહુ મોડું થઇ ગયું. આવતી કાલે હું મારા મમ્મી-પપ્પાને વાત કરું. એ લોકો સંમતિ આપે એટલે કાલના ખેલમાં આપણે લગ્ન વિષે નક્કી કરીએ…” સત્યકામ સંમત થયો. બંને છુટા પડયાં.

બીજા દિવસની સાંજ પડી. સર્કસનો ખેલ શરૂ થયો. આજે રજાનો દિવસ હતો, એટલે ખેલ ”હાઉસફૂલ” હતો. ઝૂલાનો સમય થવા આવ્યો, પણ સત્યકામ બેચેન હતો. સંધ્યા કેમ દેખાતી નહોતી? એ ન આવે ત્યાં સુધી સત્યકામ નેટ ઉપર ચઢવા જ તૈયાર નહોતો. ખેલનો સમય સાવ નજીક આવી ગયો, ત્યાં સુધીમાં તો સત્યકામની હાલત પાગલ જેવી બની ગઇ. એણે ગણપત મરાઠાને પકડયો. એ સંધ્યાને ઓળખતો હતો.

”શું છે?” ગણપતે છાસિયું કર્યું.

”આજે સંધ્યા દેખાતી નથી…”

ગણપતે કાનમાં માહિતી રેડી: ”કયાંથી દેખાય. આજે સવારથી જ એના ઘરમાં બોલાચાલી જેવું લાગતું હતું. સંધ્યાના લગ્ન બાબતનો ઝઘડો હોઇ શકે.”

”પછી? શું થયું?” સત્યકામને લાગ્યું કે હમણાં જ એની છાતી ફાટી પડશે.

”સંધ્યાને એનાં મા-બાપે એક ઓરડામાં પૂરી દીધી છે. બહારથી તાળુ મારી દીધું છે. હવે એ સર્કસમાં નહીં આવે, સીધી સાસરે જ જશે.”

”અને છોકરો?”

ગણપત હસ્યો: ”છોકરો મરાઠી હશે, ગુજરાતી નહીં.”

અને સત્યકામ ભાગ્યો. સર્કસનું જે થવું હોય તે થાય; પણ સંધ્યાને ગુમાવવી પાલવે એમ નહોતું. પણ જવું કયાં? આ અમદાવાદ નહોતું, કોલ્હાપુર હતું. પોતે ગુજરાતી હતો અને સંધ્યા મહારાષ્ટ્રિયન. એના ઘરે જવું એટલે કારણ વગર ધમાલને આમંત્રણ આપવું. તો પછી શું કરવું? સત્યકામે વિચાર કરી લીધો. એ સીધો પોલીસ સ્ટેશને જઇ પહોંચ્યો.

રાતના અગ્યાર વાગવા આવ્યા હતા. પો.ઇ.શિંદે નાઇટ રાઉન્ડ માટે આવ્યા જ હતા. માંડ અડધો કલાક થયો હતો, ત્યાં સત્યકામ આવી પહોંચ્યો. એના ચહેરા ઉપર વ્યગ્રતા હતી, આંખોમાં બહાવરાપણું હતું. એ હાંફતો હતો: ”ઇન્સ્પેકટર સાહેબ, મારે ફરિયાદ લખાવવાની છે…”

”કોના વિરૂદ્ધ” ઇ. શિંદેએ પૂછવા ખાતર પૂછૂયું.

સત્યકામ એકીશ્વાસે મચી પડયો: ”સંધ્યાના મમ્મી-પપ્પા વિરૂદ્ધ. એ લોકોએ સંધ્યાને ઓરડામાં ગોંધી રાખી છે. અમારા લગ્નનો વિરોધ કરે છે એ લોકો. તમે ગમે તેમ કરીને સંધ્યાને મુકત કરાવો….”

”વર્ણન લખાવો.” ઇ. શિંદેએ હુકમ કર્યો, પછી રાઇટર કોન્સ્ટેમ્બલ નથ્થુરામની સામે જોઇને ફરિયાદ લખવાનો ઇશારો કર્યો.

વર્ણન માટે સત્યકામને કયાં શબ્દો શોધવા જવા પડે એમ હતું? એ જાણે ‘સુંદર છોકરી’ વિષય ઉપર નિબંધ લખતો હોય એમ બોલવા મંડયો: ”હાઇટ સાડા પાંચ ફીટ. વાન તાજમહેલ જેવો. આંખો આસમાન જેવી. ચામડી સાપની કાંચળી જેવી. ગાલ ઉપર મોટો, કાળો તલ..”

નથ્થુરામ ચોંકયો: ”એક મિનિટ, સા’બ! મૈં અભી આયા.” આટલું કહીને એ દોડયો. થોડી વારે પાછો આવ્યો. હવે ચોંકવાનો વારો સત્યકામનો અને ઇ. શિંદેનો હતો. સત્યકામનો તાજમહેલ નથ્થુરામની બાજુમાં ખડો હતો.

”સંધ્યા, તું?!!”

”સત્યકામ, તું?!!”

સંધ્યા અને સત્યકામ વળગી પડયાં. શિંદે થોડું શરમાયા. નથ્થુરામ વધારે શરમાયો.

ઇ. શિંદેએ પૂછૂયું : ”લડકી યહાં કૈસે આઇ?”

નથ્થુરામે ફોડ પાડયો. ઓરડામાં પૂરી દીધેલી સંધ્યા બારીમાંથી કૂદીને નાસી છૂટી. મમ્મી-પપ્પાથી બચવા માટે સીધી પોલીસ સ્ટેશને આવી. ફરિયાદ લખાવી. ત્યાં જ સત્યકામ પણ…

ઇ. શિંદેએ પૂછૂયું: ”સંધ્યા, તું સત્યકામે ચાહે છે.”

”હા.”

”અને સત્યકામ, તું?”

સત્યકામે પણ હા પાડી.

”બસ, તો પછી જોઇ શું રહ્યા છો? પરણી જાવ.”

સત્યકામ આવા સંજોગોમાં પણ હસી પડયો: ”પરણી તો જઇએ, પણ અહીં પોલીસ સ્ટેશનમાં?”

”ના, તમારા અમદાવાદમાં. અહીં કોલ્હાપુરમાં તો એક ઘડી માટે ઊભા રહેવામાં પણ તમારા માથે જોખમ છે. સંધ્યાનાં મા-બાપ ટોળું લઇને આવશે તો તમને બંનેને ટીચી નાખશે. અત્યારે ને અત્યારે કોલ્હાપુર છોડીને ભાગી જાવ.” ઇ. શિંદેએ સલાહ આપી: ”ટ્રેનનો સમય પણ છે.”

”અમને સ્ટેશન સુધી મૂકવા માટે કોઇ આવી શકશે?” સત્યકામે બીતાં બીતાં પૂછૂયું.

”કોઇ શા માટે? આ શિંદે મરી ગયો છે? ચાલો, જીપમાં બેસી જાવ. નથ્થુરામ, ચાલ મારી સાથે. જમવા ન મળે એવી જાનમાં જવાનું છે.” ઇ. શિંદેએ આદેશ આપ્યો. સત્યકામની જાન ઉઘલી. સ્ટેશને સમયસર પહોંચ્યા. ટ્રેઇન પણ સમયસર જ હતી. સત્યકામે બે ટિકિટ કઢાવી. સંધ્યા ડબ્બામાં બેઠી. સત્યકામ પાણી પીવા માટે ગયો. કહીને ગયો: ”બે મિનિટમાં આવું છું.”

પણ એ પાણી પી રહ્યો હતો, ત્યાં જ ટ્રેઇન ઉપડી. વ્હીસલ સાંભળીને એ દોડયો, પણ એ પ્લેટફોર્મ પર ભીડ ઘણી વધારે હતી. એમાંથી રસ્તો કરવામાં એ મોડો પડયો. ટ્રેઇન છૂટી ગઇ.

”હવે?” એ રડમસ થઇ ગયો.

ઇ. શિંદેએ એને રસ્તો બતાવ્યો: ”સામે જ બીજી ટ્રેઇન તૈયાર છે. એ પણ ઉપડવાની તૈયારીમાં છે. ટિકિટ લઇને બેસી જા. આગલા સ્ટેશને સંધ્યા તારી રાહ જોઇને ઊભી હશે. હું ફોન કરીને સ્ટેશન માસ્તરને જણાવી દઉં છું.”

પણ સત્યકામ ઊભો જ રહ્યો. ઇ. શિંદેને આશ્ચર્ય થયું. આ માણસ ખરો છે! એની પ્રેમિકાને લઇને ગાડી ઊપડી ગઇ અને એ બાઘાની જેમ ઊભો છે!

”શું કરું?” સત્યકામ રડમસ હતો: ”મારી પાસે ટિકિટના પૈસા નથી. જેટલા હતા એ બધાં જ સંધ્યાને આપી દીધા…”

”અરે, તો બોલતો કેમ નથી?” ઇ. શિંદેએ ખિસ્સામાંથી નોટો ભરેલું પાકિટ કાઢીને સત્યકામના હાથમાં મૂકી દીધું: ”જલ્દી કર.મારો આભાર માનવા જેટલો સમય નથી, ફકત ટિકિટ કઢાવવા જેટલો જ વખત બચ્યો છે. પાકિટ તારી પાસે રાખજે. વધેલા પૈસા ચાંલ્લાના ગણી લેજે.”

અને સત્યકામ ગયો. ટ્રેઇન ઉપડી એ પછી પણ ઇ. શિંદે કયાંય સુધી એની દિશામાં જોતા ઊભા રહ્યા. સત્યકામની જગ્યાએ એમનો ભૂતકાળ ઊભો હતો અને સંધ્યાની જગ્યાએ કોઇ બીજો ચહેરો હતો. એક ધૂંધળો ચહેરો જે હવે બીજા કોઇના ઘરમાં હતો. વરસો પહેલાં એ બંને ટ્રેન ચૂકી ગયાં હતાં….!

(એક સત્ય ઘટના. સત્યકામ અને સંધ્યા અત્યારે અમદાવાદમાં છે, હેપ્પીલી મેરીડ છે)

(http://gujaratiliterature.wordpress.com/ માંથી)

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: