મુખ્ય પૃષ્ઠ > ડો.શરદ ઠાકરની નવલિકાઓ > શબ્દ બે-ત્રણ મૂકવા દો અવતરણમાં, કોઇ તો રણદ્વીપ આપો તપ્ત રણમાં

શબ્દ બે-ત્રણ મૂકવા દો અવતરણમાં, કોઇ તો રણદ્વીપ આપો તપ્ત રણમાં

વીસ વરસના ભરતને જિંદગીમાં કરવા જેવા બે જ કામ હતાં; દિવસ દરમ્યાન પ્રેમમાં પડવાનો પ્રયાસ કરવો અને રાત પડયે ગઝલ ઉપર હાથ અજમાવવો. શાયર તરીકે ઉપનામ પણ એણે ગુલાબી મીજાજવાળું પસંદ કરેલું; આખી કોલેજમાં એ ભરત ‘આશિક’ તરીકે પ્રખ્યાત હતો. જો કે એના વિરોધીઓ એને પ્રખ્યાતને બદલે કુખ્યાત તરીકે વધુ ઓળખાવતા!

ભરત ‘આશિકે’ એની આશિકી આમ તો કોલેજનાં પહેલાં વરસથી જ ચાલુ કરી દીધી હતી. ઝાંપામાં પ્રવેશીને એણે સામેથી આવી રહેલી મોનાને પૂછયું હતું : ”ફી ભરવાની બારી કયાં છે?”

મોનાએ ખભા ઊછાળીને જવાબ આપ્યો હતો : ”મને ખબર નથી; હું ય તમારી જેમ નવી જ છું.”

બે દિવસ પછી ભરતે મિત્રોની વચ્ચે ધડાકો કર્યો : ”મોના મારા પ્રેમમાં પાગલ છે.”

કોઇ મૂઢ મિત્રને શંકા જાગી : ”કોઇ સાબિતી?”

ભરતને પ્રખ્યાત શાયર મરીઝની પંકિતઓ યાદ આવી : ”આ પ્રેમ છે અને એના પુરાવા હજાર છે.”

”એમાંથી એકાદ તો બતાવ.”

”સીધી વાત છે; મને જોઇને એણે ખભા ઉછાળ્યા. એને અદા કહેવાય. ગણવો હોય તો સંકેત પણ ગણાય. મને જોયા પછી એની આંખમાં ચમક આવી એ તમે કયાં જોઇ છે? મેં જોઇ છે. એને ફી ભરવાની બારી કયાં આવેલી છે એ વાતની ખબર નહોતી, તો એ ફકત ‘ના’ કહીને વાતચીત પતાવી શકતી હતી. પણ એણે તો આડકતરો ઈશારો કરીને મને જાણ પણ કરી દીધી કે, ‘હું ય તમારી જેમ નવી છું.’ એને જો મારામાં રસ ન હોય તો કોઇ છોકરી સામે ચાલીને આવી માહિતી આપે ખરી?”

મિત્રો ચૂપ થઇ ગયા. કોઇએ સામસામી આંખ મીંચકારી. કોઇ મૂછમાં હસી પડયા. એ રાત્રે ભરતે કાગળ હાથમાં લીધો. પેન લીધી. છાતી ફાડીને ખૂનમાં કલમ ઝબોળીને અક્ષર પાડયા : ”સોના જેવી મોના, ને હીરા જેવી આંખ, ‘આશિક’ તણા હૃદયને ફૂટી નવી પાંખ.”

આંખ, રાખ, માંખ, કાંખ અને ચાખના પ્રાસવાળી ગઝલ પૂરી કરીને શાયર જ્યારે પથારીભેગા થયા, ત્યારે રાતના અઢી વાગ્યા હતા. લૂતાં પહેલાં એણે કાગળના મથાળે, જમણા ખૂણે સમય ટાંકયો : ”રાત્રિના બે વાગીને પાંત્રીસ મિનિટ.”

બીજા દિવસે કોલેજના ભીંતપત્રમાં ભરત ‘આશિક’ની ગઝલ પ્રગટ થઇ. વિઘાર્થીઓના ટોળાં ઊભરાયાં. બધાંને હસવા માટેનું બહાનું અને રમવા માટેનું રમકડું મળી ગયું. કેટલાંક તો ભરતને રૂબરૂ મળીને આવી ‘પ્રાણવાન’ ગઝલ લખવા બદલ અભિનંદન પણ આપી આવ્યા. માત્ર એક જ વ્યકિત આ ગઝલથી નારાજ થઇ; એ હતી મોના. એ આખો દિવસ તો કંઇ ન બોલી, પણ રીસેસમાં ભરત લેડીઝ રૂમ પાસેથી પસાર થઇ રહ્યો હતો, ત્યાં અચાનક મોનાએ એને અટકાવ્યો. હીરા જેવી આંખમાં સળગતા અંગારા જેવી ચમક ભરીને એણે ધમકી આપી : ”તારા જોડકણાં બંધ કર. અને જો ચાલુ રાખવા હોય તો એમાં મારું નામ વાપરવાનું બંધ કરી દે, સમજ્યો? બાકી હું સોના જેવી છું, પણ મારો ભાઇ હથોડા જેવો છે; તારા માથા ઉપર પડશે તો ખોપરી ફાડી નાખશે.”

એ રાત્રે કવિ ભરતે કલમમાં શાહીને બદલે આંસુ ભરીને એક વિરહકાવ્ય રચ્યું. કાગળ ઉપર સમય નાખ્યો : મધ્ય રાત્રિના બારનો. પહેલાં પ્રેમનું બારમું ઊજવીને ભરતે નવાં જોશ સાથે નવા દાવની શરૂઆત કરી.

ધીમે ધીમે મિત્રોને સમજાતું ગયું કે ભરત માટે તો આ રોજનું થયું. જેમ ટાટા, બિરલા કે અંબાણી રોજ સવાર પડે અને નવો ઉઘોગ સ્થાપવાનું વિચારે કે સચીન તેંડુલકર પ્રત્યેક દાવમાં સદી ફટકારવાનું સ્વપ્ન સેવે, એમ જ ભરત ‘આશિક’ એની આંખ સાથે અથડાતી દરેક રૂપાળી છોકરીના પ્રેમમાં પડવાનું આયોજન કરે! ફરક એટલો જ કે આગળ જેમના નામ આપ્યાં એમના સપનાં વચ્ચે વચ્ચે સાચાં પણ પડે!

સમય ગરૂડની પાંખે બેસીને ઊડતો રહ્યો. મોના, આશા, અમિષા, સલોની, સંપદા….! એક એકનાં નામ ઉપર ગુલાબી ગઝલો લખાતી ગઇ અને અડધી રાતના આગોશમાં એક શાયર ઊંડા નિસાસા ભરતો રહ્યો અને દર્દીલી ગઝલોની કબરમાં પેલો ગુલાબી પ્રેમ દફનાવતો રહ્યો.

હવે કેટલાક મિત્રોને એની દયા આવી. મનિષે એને મનાવ્યો, તુષારે તતડાવ્યો, સતીષે સમજાવ્યો, વિનોદે વાર્યો અને છેવટે મનોજે મારવા લીધો; ત્યારે ભરત કંઇક મોળો પડયો.

”આજ પછી જેના-તેના પ્રેમમાં પડવાનું બંધ કરું છું, બસ? હવે તો તમે રાજી ને?” એણે રીસાયેલા લૂરમાં પૂછયું.

”અમે કયાં કહીએ છીએ કે તું પ્રેમમાં ન પડ? બસ, આ વન-વે ટ્રાફિક બંધ કરી દે એટલું જ ઇચ્છીએ છીએ. છોકરી પણ તને ચાહે છે એટલું પૂરવાર થાય, પછી તું છુટ્ટો છે!” મિત્ર લલિતે લીલી ઝંડી ફરકાવી.

”કબુલ છે; હવે હું પ્રેમમાં પડીશ અને તમને નક્કર પુરાવાઓ પણ આપીશ. પછી તો તમે માનશો ને કે છોકરીઓ પણ મને ચાહતી હોય છે?” ભરતના બોલવામાં આત્મવિશ્વાસ ઝલકતો હતો.

અને બીજા જ દિવસથી એણે ફિલ્ડ વર્ક શરૂ કરી દીધું. ભરૂચની શર્વરી અમદાવાદ એના મામાના ઘરે રહીને ભણતી હતી. ભરતની સાથે જ કોલેજના ત્રીજા વરસમાં હતી. ભરત એની સુંદરતા પર ઓળઘોળ થઇ ગયો. એકાદ વાર એણે ચાલુ પિરિયડે ગરદન ઘૂમાવીને પાછળ નજર ફેંકી. ભરતની સાથે નજર ટકરાણી. બે તલવારો અફળાય અને તણખાં ઝરે એમ તણખા ઝર્યા. ભરત ઘાયલ થઇ ગયો. પછી બે-ચાર દિવસ સ્મિતની ફેંકાફેંકી ચાલી; અલબત્ત, એકતરફી. પછી કલાસરૂમની બહાર એક દિવસ ભરતે હિંમત કરીને એને રોકી : ”તમારી નોટબૂક મને આપશો?”

બધા મિત્રો દૂર ઊભા આ દ્રશ્યને જોઇ રહ્યા હતા. એમને ખાતરી હતી કે આ દ્રશ્યના કલાઇમેકસમાં શર્વરીનો જોરદાર તમાચો ભરતના ગાલ ઉપર પડવો જોઇએ. પણ ધાર્યા કરતાં ઊલટું જ બન્યું. થોડી વાતચિત પછી શર્વરીએ એની નોટબૂક ભરતને આપી દીધી. ભરત માટે આ બેવડો આનંદ હતો. નોટ પાછી વાળવાને બહાને શર્વરીને બીજી વાર મળવાનું પણ અનાયાસ ગોઠવાઇ ગયું.

અને આ બાબતમાં ભરત કાચો પડે એવું હતું જ નહીં. નોટ પાછી આપવા માટે એ સીધો શર્વરીને ઘરે પહોંચી ગયો. એનાં મામા- મામી હાજર હતાં. મામાએ પ્રેમથી આવકાર આપ્યો. મામીએ ચા- નાસ્તો ધર્યા. શર્વરીએ પણ કોલેજના મિત્ર સાથે એક મિત્ર તરીકે વાતો કરી. ભરત નોટબૂક આપીને વિદાય થયો.

”બસ, આટલો પુરાવો ચાલશે? કે હજી વધારે જોઇએ?” એ દિવસે કોલેજમાં મિત્રો આગળ ભરતે આખી વાત રજુ કરી.

”આમાં પ્રેમ કયાં આવ્યો?” તુષારે પૂછયું.

”કેમ? પ્રેમ વગર એમ ને એમ શર્વરીએ મને એના ઘરે આવવા દીધો હશે?”

”તું કયાં શર્વરીને પૂછીને ગયો હતો?” એક મિત્રે ભરતની દુખતી રગ ઉપર આંગળી દબાવી.

”તો શું થઇ ગયું? શર્વરીએ ધાર્યું હોત તો મારું અપમાન કરી શકી હોત. મને ઘરમાં પ્રવેશતાં અટકાવી શકી હોત. એણે એમ ન કર્યું એનો મતલબ કે એ મને પ્રેમ કરે છે.”

”ના; એનો મતલબ કે એ વિવેકી છે. આંગણે આવેલા માણસનું અપમાન ન કરાય એટલું એને ભાન છે.”

”સારું.” ભરતે મનમાં ગાંઠ વાળી : ”તમને નક્કર સાબિતી લાવી આપું પછી તમારી વાત છે.”

એ દિવસ પછી ભરત તન, મન અને ધનથી સાબિતીઓ એકત્ર કરવામાં ડૂબી ગયો; જો કે ‘તન, મન અને ધન’ એ તો માત્ર વાકય-પ્રયોગ ખાતર જ લખ્યું છે, બાકી ધનની બાબતમાં ભરત ખરેખર સાચા કવિ જેવો જ હતો. પણ એણે કલાસરૂમની અંદર અને બહાર શર્વરીને મળતાં રહેવાની દરેક તક ઝડપવા માંડી. નોટૂસની આપ-લે વધારી મૂકી. અઠવાડિયે એક વાર શર્વરીના મામાના ઘરે જવાનું ચાલુ રાખ્યું.

બાર વરસના તપ પછી સામાન્ય બાવો પણ ૠષિમાં ખપી જાય, એમ છએક મહિનાની આકરી ફિલ્ડીંગ પછી કોલેજ આખીમાં ભરત- શર્વરીના પ્રેમસંબંધની આબોહવા બંધાઇ ગઇ. અને અચાનક એક દિવસ તકદિરે ભરત ઉપર મહેરબાની વરસાવી.

શર્વરીએ આપેલી અંગ્રેજી નિબંધની નોટબૂક લઇને ભરત ઘરે આવ્યો. રાત્રે નોટબૂકનાં પાનાં ઉથલાવતો હતો, ત્યાં અંદરથી એક છુટ્ટો, ગડી વાળેલો કાગળ સરી પડયો. ભરતની આંખોમાં ચમક આવી ગઇ. કાગળની ગડી ઊકેલતાં એનું હૃદય બસના એન્જિનની જેમ જોર-જોરથી ધડકી રહ્યું. કાગળમાં લખાણ શર્વરીના જ હસ્તાક્ષરમાં હતું. આગળ કંઇ સંબોધન નહોતું, પાછળ લિખિતંગ જેવું કશું ન હતું; બસ, થોડાં વાકયો હતાં. પણ કેવાં વાકયો? જે વાંચીને ભરતની જિંદગી સીધી વસંતૠતુમાં પ્રવેશી હતી; જ્યાં એના પિત્તળ જેવા વર્તમાન ઉપર સોનેરી ભવિષ્યનો ઢોળ ચડી જતો હતો; જે વાકયો એના શંકાશીલ મિત્રોને બતાવવા માટેની સાબિતીઓ પૂરી પાડતા હતાં. શું લખ્યું હતું શર્વરીએ?

”આઇ લવ માય ભરત. મારા પપ્પા મારા માટે મૂરતીયો પસંદ કરી રહ્યા છે. કોલેજનું ભણવાનું પૂરું થાય એ સાથે જ ગ્રીન કાર્ડ હોલ્ડર છોકરા સાથે પરણાવી દઇને પપ્પા મને અમેરિકા મોકલી દેવા ઇચ્છે છે. પણ ત્યાં હું ભરત વગર શી રીતે જીવી શકીશ? મને ખબર નથી પડતી કે શું શું કરું? ઘર છોડીને નાસી જઉં? કે પછી આપઘાત કરું? તું જ મને રસ્તો બતાવ કે મારે શું કરવું જોઇએ?…..”

એવું લાગતું હતું કે આ પત્ર શર્વરીએ એની અંગત બહેનપણીને ઉદ્દેશીને લખ્યો હોવો જોઇએ. અથવા ભગવાનને ઉદ્દેશીને એણે પોતાની વ્યથા કાગળ ઉપર આલેખી હોય એમ પણ બને. આખું લખાણ અંગ્રેજીમાં હતું.

કાગળ વાંચીને ભરત ઊછળી પડયો. હવે મિત્રોની વાત છે! આવતી કાલે કોલેજમાં ધમાલ મચી જશે. લૂરજ જેવી સાબિતી જોયા પછી મિત્રોની દશા અંધકાર જેવી બની જશે. એ રાત ભરત ‘આશિકે’ રોમેન્ટિક ગઝલો લખવામાં ગાળી નાખી.

બીજા દિવસની સવાર માંડ માંડ પડી. આંખોમાં ઊજાગરાની રતાશ અને છાતીમાં સપનાંઓનું વાવેતર કરીને ભરત કોલેજે પહોંચ્યો. મિત્રોના ટોળા વચ્ચે શર્વરીનો પત્ર મૂકયો. ટોળામાં સન્નાટો. આ શું કહેવાય? દુનિયામાં દરેક દહીંથરા ઉપર કાગડાનું જ નામ લખેલું હશે? માંડ કળ વળી, ત્યાં શર્વરી સામેથી આવી રહેલી નજરે ચડી.

એને જોઇને ભરતની આંખમાં ચમક આવી ગઇ. હવે તો એ એની ભાવિ પત્ની હતી. એના હસ્તાક્ષરમાં લખાયેલી પ્રેમની કબુલાત ખિસ્સામાં પડી હતી. ભરત પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે શર્વરીની દિશામાં આગળ વધ્યો. સાથે મિત્રો પણ હતા.

”હાય…!” ભરતે ‘પ્રેયસી’નું અભિવાદન કર્યું.

શર્વરી જાણે સમજી ન હોય એમ બોલી : ”કેમ, શું છે?”

ભરતને લૂઝયું નહીં કે આગળ શી રીતે વધવું. એણે ખિસ્સામાંથી કાગળ કાઢયો : ”થેન્ક યુ, શર્વરી! થેન્ક યુ વેરી મચ! તારો પત્ર વાંચ્યો. પણ તું બેફિકર રહેજે. તારા ભરતથી તને કોઇ તાકાત અલગ નહીં કરી શકે. આપણે નાસી જઇશું. હું જોઉં છું કે તારા પપ્પા….”

”શટ અપ!” શર્વરી તાડૂકી : ”તું શું બકે છે એનું તને ભાન છે?”

ભરત બાઘા જેવો બની ગયો : ”કેમ? તે પોતે જ આમાં લખ્યું છે કે આઇ લવ માય ભરત… હું ભરત વગર શી રીતે જીવી શકીશ…?”

શર્વરીએ કપાળ કૂટયું : ”ઓહ ગોડ! આને શું કહેવું મારે? ભરત, એટલું તો જો કે આ લખાણ અંગ્રેજીમાં છે. અને તું જેને ‘ભરત’ તરીકે વાંચી રહ્યો છે, એ વાસ્તવમાં મેં ‘ભારત’ માટે લખેલું છે. હું ભારતને એટલી હદે પ્રેમ કરું છું કે અંગ્રેજીમાં પણ એને ”ઈન્ડિયા” તરીકે નથી આલેખતી. બાકી જો મારે તારા જેવા જડભરત સાથે લગ્ન કરવાના હોય, તો હું ભારત છોડવા પણ તૈયાર છું. હવે તું રસ્તામાંથી આઘો ખસીશ? કે પછી…”

અને એ રાત્રે કવિ ભરત ‘આશિક’ રાતના અઢી વાગ્યે એક દર્દ ટપકતી ગઝલ રચી રહ્યા હતા.

(http://gujaratiliterature.wordpress.com/ માંથી)

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: