મુખ્ય પૃષ્ઠ > ડો.શરદ ઠાકરની નવલિકાઓ > શ્વાસમાં છલકાય છાની ગંધ તો? ને બધે ચર્ચાય આ સંબંધ તો?

શ્વાસમાં છલકાય છાની ગંધ તો? ને બધે ચર્ચાય આ સંબંધ તો?

આજથી સાંઇઠ- સિત્તેર વરસ પહેલાંની વાત છે. ભાવનગરથી એકત્રીસ કિલોમીટર દૂર આવેલું સોનગઢ ગામ. સવારનો સમય. હીરા ભગત બહારગામ જવા નીકળ્યા છે. મૂળ નામ તો હીરાચંદ ત્રિભોવનદાસ દામાણી; ગામનું સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ખોરડું. પણ વ્યવસાયે વેપારી હોવા છતાં વર્તન ભગતના જેવું. એટલે આખો પંથક એમને હીરાચંદ શેઠને બદલે હીરા ભગતના નામે ઓળખે. ધાર્યું હોત તો એ જમાનામાં પણ એમને ઘરની ગાડી પોસાઇ શકે એમ હતી. ગાડીને બદલે ગાડું પણ ચાલે. ઘોડેસવારી પણ હાથવગી હતી, પણ ભગત તો પગપાળા જવાનું જ પસંદ કરતા.

ગામની સીમ છોડીને જ્યાં ગાડાવાટે આગળ વધવા જાય ત્યાં જ પગ થંભી ગયા. ”ઊંવા…. ઊંવા…” કયાંકથી કોઇ બાળકના રડવાનો અવાજ સંભળાયો. રૂદનનો સ્ત્રોત શોધવા માટે બહુ મથામણ કરવાની જરૂર ન પડી. ડાબી બાજુ પરના થોરીયાની વાડ નીચે કાંટા- ઝાંખરામાં એક ટપકાંની ભાતવાળી ફાટેલી ગોડદીમાં એક નવજાત જિંદગી થરથરી રહી હતી.

”નમો અરિહંતાણં….” હીરા ભગત જૈન હતા. મુખમાંથી નવકાર-મંત્ર સરી પડયો. આજુબાજુ નજર દોડાવી. વગડો વેરાન કળાયો; તાજા જન્મેલા બાળકના ભવિષ્ય જેવો! ઈશ્વરનું નામસ્મરણ કરતાં એ થોરની વાડ પાસે ગયા. નીચા નમીને જોયું. બાળક છોકરી હતું. ભગત સામે જોઇને એણે હાથ-પગ ઊછાળ્યા. જાણે કહેતી ન હોય કે મને ઊંચકી લો! ભગતની આંખ ભીની થઇ ગઇ. બાળકીની આજીજીનું પાલન કરતા હોય એમ એને ગોદડી સમેત ઊઠાવી લીધી.

”શો જમાનો આવ્યો છે! આવા કૂમળા જીવને આવા ઝાડી-ઝાંખરામાં ફેંકી દેતા કોનો જીવ ચાલ્યો હશે?” ભગત વિચારતા રહ્યા. હવે શું કરવું આનું? પોલીસને સોંપી દેવી? સરકારી દવાખાને છોડી આવવું? કે પછી કોઇ અનાથાશ્રમમાં? એક બાજુ પોતાને બહારગામ જવાનું મોડું થતું હતું અને બીજી તરફ આ ગાંડી એમની સામે જોઇને હસી રહી હતી!

બીજી જ પળે હીરા ભગતે નિર્ણય કરી લીધો. છોકરીને લઇને ઘરની દિશામાં પાછા વળી ગયા. રસ્તામાં ગામલોકો મળવા લાગ્યા; રાયસંગ દરબાર મળ્યા, કરસન કોળી મળ્યો, વેરસી રબારી મળ્યો, વાલી ભરવાડણ મળી. જે જુએ એ પૂછતા : ”ભગત, હાથમાં શું છે?”

”દીકરી છે.”

”દીકરી? કયાંથી ઊપાડી લાવ્યા?”

”કયાંયથી નહીં. વાટમાં પડી હતી. જડી એટલે ભગવાનનો પ્રસાદ માનીને સ્વીકારી લીધી.”

સાંભળનારને સહેજ પણ આશ્ચર્ય ન થયું. આ માણસની નિષ્પાપ પ્રકૃતિને સૌ જાણતા હતા. એમનો ભૂતકાળ યશસ્વી હતો. હજુ છ મહિના પહેલાંની જ વાત ગામલોકોને યાદ હતી. એ સાલ આડત્રીસની હતી. મહાત્મા ગાંધીજીની સ્વદેશીની ચળવળ પૂરજોશમાં ચાલી રહી હતી. બાપુ ગામેગામ ફરીને હિંદુસ્તાની પ્રજાજનોને વિદેશી માલના બહિષ્કારની વાતો સમજાવી રહ્યા હતા. ભાવનગર ખાતે એમણે મોટી જાહેરસભા ભરી. સભા સમાપ્ત થઇ એ પછી હીરાચંદ નામનો જૈન વેપારી એમની સામે બે હાથ જોડીને ઊભો રહી ગયો : ”બાપુ, અમારા ગામમાં પધારો.”

”કયું ગામ?” બાપુ બોખું હસ્યા.

”સોનગઢ.” હીરાચંદે માહિતી આપી; પછી ઈરાદો જાહેર કર્યો : ”હું કાપડનો વેપારી છું. વિદેશી માલ વેચું છું. રેશમી કાપડના તાકાથી દુકાન ઠાંસોઠાંસ ભરી છે. તમે આવો અને તમારા સ્વહસ્તે માલમાં દિવાસળી મૂકો.”

ગાંધી આ ગામડાના વેપારી સામે તાકી રહ્યા. બાપુ જમાનાના ખાધેલ માણસ હતા; ઘણી વાર લોકો કેવી રમત રમી જતા હોય છે એ જાણતા હતા. પ્રતીકાત્મક રીતે એકાદ રેશમનો ટુકડો કે તાર હોળીમાં પધરાવીને બાપુના આશિર્વાદ મેળવી લેનારા ઢોંગીઓ ગાંધીજી જોઇ ચૂકયા હતા. આ માણસ એવો તો નહીં હોય ને?

બાપુએ હીરા ભગતનું પાણી માપી લીધું. પોરબંદરના વાણીયાએ સોનગઢના વાણીયાને પીછાણ્યો. કહી દીધું : ”તમે જાવ; હું કાલે સવારે સોનગઢ આવું છું.”

અને બીજે દિવસે સોનગઢના ટંડેલીયા ચોકમાં હીરાચંદ શેઠે મહાત્મા ગાંધીની હાજરીમાં આખી દુકાનનો માલ ઠાલવ્યો. બાપુએ હીરા ભગતના હાથે જ એમાં દિવાસળી મૂકાવી. ચીનથી આવેલું મોંઘુદાટ રેશમ ભડભડ સળગવા માંડયું.

”કેટલા રૂપિયાની રાખ કરી, ભગત?” બાપુએ પૂછયું.

”બે લાખ રૂપિયાનું કાપડ હતું.”

”કોઇ અફસોસ?”

”ના, આ રાખ જેટલો પણ નહીં. બે લાખનો માલ મેં મહાત્માના બોલ ઉપર ન્યોચ્છાવર કર્યો છે, જેનું મુલ્ય બે કરોડ રૂપિયા કરતાં પણ વધારે છે.” અને બે ય વણીકો મુકત મને હસી પડયા.

આવા હીરા ભગતે વગડામાંથી જડેલી દીકરીને ઘરે લાવીને પત્નીના હાથમાં મૂકી : ”આનું નામ જડી. આજથી આપણી દીકરી છે.”

શેઠાણી કશું જ ન બોલ્યાં. ખોળામાં એમની સગ્ગી દીકરી લૂતી હતી. પડી પડી ધાવતી હતી. એને ઉપાડીને ઘોડિયામાં નાખી. જડીને છાતીએ વળગાડી.

હીરા ભગત ખાધેપીધે સુખી હતા. જડીના આવ્યા પછી વધુ સુખી થયા. આંગણે અગ્યાર ભેંશો બંધાણી. અઢી શેર સોનું કમાયા. ગાડું ભરીને વાસણ થયા. રોજનું અઢી કિલો ઘી ઊતરતું. છાશ વલોવવા માટે ખાસ રબારણને રાખવી પડી. જડી આવી એ પહેલાં જ શેઠ શેઠાણીને બે દીકરા અને એક દીકરી હતા. જડીના ઊમેરાયા પછી બીજા પાંચ પુત્રો અને ત્રણ પુત્રીઓ જન્મી. પણ શેઠને સૌથી વહાલી તો જડી જ રહી. જડીને ધાવણ ઉપર ઉછેરી, એની સાથેની જ સગી દીકરી ઈચ્છાને બહારના દૂધ ઉપર મોટી કરી.

કયારેક નવરા પડે ત્યારે હીરા ભગત વિચારે ચડી જતા : ”આ જડી કોનું સંતાન હશે? કોઇ કુંવારી માતાની મજબુરી હશે? કે પછી કોઇ ભૂલનો ભોગ બનેલી વિધવાનાં આંસુ? એની જનેતા આપણા ગામમાં જ હશે કે પછી બીજે ગામ ચાલી ગઇ હશે? એને કયારેય એનું પેટ યાદ નહીં આવતું હોય?”

શેઠ ઝીણી નજરે જોયા કરતા. સગાંવહાલાં એમને ત્યાં આવે, બાળકોને રમાડે, ગામના પટેલો આવે, દેગડો ભરીને છાશ મૂકી હોય એ લેવા ગામની સ્ત્રીઓ આવે; શેઠની ત્રાંસી નજર કોઇ સ્ત્રીના હૃદયમાંથી છલકાતા વહાલને શોધી રહી હોય. શેઠાણીને અને છાશ વલોવવા માટે રાખેલી રબારણ રાખીને પણ એમણે કહી રાખેલું : ”અંદરનું કે બહારનું, કોઇ પણ માણસ હોય, જડીને વધારે પડતું વહાલ કરતું નજરે પડે તો મારું ધ્યાન દોરવું.” પણ એ ઉપાય નિષ્ફળ જ ગયો. જડી હતી જ એવી સુંદર કે આખું ગામ એની ઉપર વરસતું હતું.

મોટી થઇ એટલે નિશાળે મૂકી. ગામલોકોએ પૂછયું પણ ખરું : ”શેઠ તમારે આંગણે શી ખોટ છે તે છોડીને ભણવા મૂકી?”

શેઠ હસીને કહેતા : ”મારી બધી છોકરીઓને ભણવા મૂકી છે, પછી જડી શું કામ બાકી રહી જાય? મારે તો એને જૈન જ્ઞાતિમાં જ પરણાવવી છે અને બીજી દીકરીઓને આપું એના કરતાં વધારે સોનું આપીને વરાવવી છે.”

પણ જડીને વળાવવાનો સમય ધાર્યા કરતાં બહુ વહેલો આવી ગયો. માંડ બાર વરસની હતી, ત્યાં જ જડી શીતળાના રોગનો ભોગ થઇ પડી. એ જમાનામાં હોશિયાર ડોકટરોના હાથ પણ બંધાયેલા હતા. હીરા ભગતે ભાવનગર સુધી ધક્કા ખાધા, પણ જડીનો તાવ વધતો જ ગયો. અને એક સાંજે જે રીતે એ ભગતના હાથમાં આવી હતી, એવી જ રીતે અશ્રુભરી ચાલી ગઇ. એના મૃતદેહને ચિતા પર લૂવડાવતી વખતે ભગત જે રડયા છે… જે રડયા છે! એવું રૂદન આજ પછી સોનગઢ ગામમાં એક પણ બાપે દીકરીના મોત પાછળ નથી કર્યું.

દીકરીને વળાવીને હીરા ભગત ઘરે આવ્યા. ડેલીમાં પગ મૂકયો ત્યારે ઘરના ફળિયાને તીવ્ર આક્રંદથી ભરી દેતો સ્ત્રીસ્વર એમણે સાંભળ્યો. અવાજ પારખીને એમને આશ્ચર્ય થયું. સ્ત્રીઓનું ટોળું સ્તબ્ધ મનોદશામાં બેઠું હતું. શેઠાણીની આંખોમાં પાણી થીજી ગયા હતા અને રાણી રબારણ માથાં પછાડી પછાડીને રડતી હતી. શેઠ અંદરના ઓરડામાં ચાલ્યા ગયા.

બીજા દિવસે એમણે રાણીને પોતાની પાસે બોલાવીને પૂછયું : ”બેટા, તું…?”

”હા, ભગતબાપુ! હું જ! જડી મારી દીકરી હતી. એને રોજ રમાડવા માટે તો હું તમારા ઘરે છાશ વલોવવા આવતી હતી….!”

(http://gujaratiliterature.wordpress.com/ માંથી)

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: