મુખ્ય પૃષ્ઠ > ડો.શરદ ઠાકરની નવલિકાઓ > સાંજ છે, ચિઠ્ઠી મળી છે, શું જવાબો આપશું, રૂબરૂમાં એમને મળીશું ને ગુલાબો આપશું.

સાંજ છે, ચિઠ્ઠી મળી છે, શું જવાબો આપશું, રૂબરૂમાં એમને મળીશું ને ગુલાબો આપશું.

”સવાલ એ નથી કે પન્ના નાસી ગઇ, પણ સવાલ એ છે કે એણે પ્રેયસને જાણ શી રીતે કરી ? આપણી યોજના ‘લીક’ કેવી રીતે થઇ?” – ધીરજલાલ

આખા ઘરમાં ધમાલ મચી ગઈ. જેલ જેવો જાપ્તો રાખ્યો, તો યે પન્ના નાસી ગઇ. વરાળની જેમ ઊડી ગઈ. પ્રેમીઓ જીત્યાં અને પહેરેગીરો હાર્યા. છેલ્લા છ મહિનાનો ચોકીપહેરો માથે પડયો. વડોદરાના બસ સ્ટેશનમાંથી પન્ના પંખી બનીને અદ્રશ્ય થઈ ગઈ.

પન્નાના પપ્પાના ક્રોધને કોઇ કિનારો ન હતો. એ પોતાના સાળા અને પન્નાનાં મામા મનોજભાઇને ખખડાવી રહ્યા હતા : ”તમ શું કરતા હતા બાઘા જેવા? છોકરી ચકમો આપીને નીકળી ગઇ અને તમે જોતા રહ્યા !”

મનોજમામા પીઢ હતા. આઘાત તો એમને પણ લાગ્યો હતો, પણ તેમ છતા એ પન્નાના પપ્પા કરતાં થોડાક સ્વસ્થ હતા. એમણે જીજાજીને ઠંડા પાડયા : ”ધીરજલાલ, ધીરજ રાખો. આ તો ક્રિકેટની રમત જેવું છે, તેંડુલકર જેવો ટેણીયો પણ કયારેક તેર જણાને ભારે પડે. અગ્યાર ફિલ્ડરો અને બે અમ્પાયરો હાથ હલાવતા ઊભા રહે અને બેટમાંથી નીકળેલો ફટકો ફોર બનીને બાઉન્ડ્રીની બહાર નીકળી જાય. તમારે હવે કકળાટ નહીં કરવાનો. શાંતિથી ચોક્કો ‘ડીકલેર’ કરી દેવાનો….”

ધીરજલાલ વધુ અકળાયા : ”મને સમજાવવા નીકળ્યા છો? મારૂં ચાલે તો ચોક્કાને બદલે છક્કો જાહેર કરી દઉં, તમને ! સગ્ગી ભાણી માટે ‘ફટકો’ શબ્દ વાપરો છો? શરમાતા નથી?”

મનોજમામા ચૂપ થઇ ગયા. આ માણસ હવે છેલ્લે પાટલે બેસી ગયો છે. શબ્દમાં સમાયેલા અર્થને બદલે એ હવે શબ્દને પકડી રહ્યો છે. વાતચિતમાં વપરાતા ઉપમા કે રૂપક અલંકાર સમજવાની એનામાં ન તો શકિત બચી છે, ન ધીરજ. એનું નામ બદલવું પડશે!

આખા ઘરમાં આવો જ માહોલ હતો. ધીરજલાલના ધર્મપત્ની જયાબેન પણ અત્યારે પરાજયનો ભાવ અનુભવી રહ્યા હતા. પન્નાના બે ભાઇઓ અજીત અને અભય આમ તો અખાડીયનો હતા, પણ અત્યારે એ પણ બોકસીંગની રીંગમાં પંદરમા રાઉન્ડ સુધી માઇક ટાયસનના હાથનો માર ખાઇને અધમૂવા થઇ ગયેલા મુક્કાબાજ જેવા બની ગયા હતાં.

”સવાલ એ નથી કે પન્ના પેલા લફંગા જોડે નાસી ગઇ, પણ હવે સવાલ એ છે કે એ કેવી રીતે નાસી ગઇ?” ધીરજલાલ પ્રાથમિક શાળામાં પાંત્રીસ વરસથી શિક્ષક હતા, એમની વાતચિતની પરિભાષા સવાલ-જવાબની જ જોવા મળતી.

ધીરજલાલના પ્રશ્નમાં રહેલો લફંગો એટલે પ્રેયસ. પન્નાને એ મુમતાઝ મહેલને ચાહતા શાહજહાં જેટલો પ્રેમ કરતો હતો. પણ એના કમનસીબે એની પ્રેમિકાનો બાપ ધીરજલાલ જાલીમ જમાનો બનીને એ બેયની વચ્ચે ઉભા હતા. એમના શબ્દકોષમાં શિખરમંત્રણા નામનો શબ્દ જ ન હતો. એક પણ વાર એમણે પ્રેયસને સમજાવવાની કે એના પપ્પા-મમ્મીને મળીને વાત કરવાની કોશિશ કરી નહીં. સીધી જ એકસો ચૂમાલીસની કલમ લાગુ કરી દીધી, એ પણ વચ્ચેથી બે ભાગ કરીને ! આખી કલમમાં ચાર જણાને મળવા ઉપર પ્રતિબંધ હોય છે, અહીં બે જણનાં મળવા ઉપર પ્રતિબંધ હતો.!

અમદાવાદની રથયાત્રા વખતે શહેરના પોલીસ કમિશ્નર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવતા હોય એમ ધીરજલાલે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો.

પહેલો ચાબખો એમણે પત્નીને માર્યો : ”જો જયા, કાન ખોલીને સાંભળી લે. આ વખતે જયા જેટલી જેવું ના કરતી. કોઇને ઘરમાં ઘૂસવા ના દઇશ. અને આપણી છોકરીને ઊંબરો ઓળંગવા ન દઈશ.”

”પણ પરીક્ષા આપવા તો જવા દેવી પડશે ને? આ છેલ્લું જ વરસ છે…” જયાબેન ઝીણા સાદે બોલ્યાં.

પણ ધીરજલાલે એમને વાઢી નાખ્યા : ”વેવલી થા મા વેવલી ! ડીગ્રીનો મોહ રાખવા જઇશ, તો દીકરીથી હાથ ધોઇ બેસીશ.”

પન્ના રૂમમાં હાજર હતી. કંઇક વિચારીને એણે રજુઆત કરી : ”પપ્પા, કોલેજે ન જવા દો તો કંઇ નહીં, પણ મંદીરે દર્શન કરવા તો જવા દેશો ને? રોજ સાંજે મહાદેવના દર્શન કર્યા વગર હું અનાજનો દાણો મોંમાં નથી મૂકતી…”

”હવે તારા મહાદેવનું તો…” ધીરજલાલ ગુસ્સાના આવેશમાં જરૂર કંઇક એલફેલ બોલી નાખત, પણ પછી ભાનમાં આવ્યા એટલે આગળ વધતાં અટકી ગયા. એમને સમજાઇ ગયું કે પોતાના ગુસ્સાથી મહાદેવનું રૂંવાડું યે નહીં ફરકે, પણ જો ભગવાન આશુતોષનું ત્રીજું નેત્ર ઊઘડી ગયું, તો ધીરજલાલનો તો ”ધ” પણ ભારતવર્ષમાં જોવા નહીં મળે.

એમણે વાત બદલી નાખી : ”ઠીક છે… ઠીક છે… મંદીરે જવાની તને છૂટ છે, પણ સાથે અજીત અને અભય પણ આવશે. ભાઇઓ વગર બહારનું તો ઠીક છે, પણ ઘરના મંદીરમાં પણ તારે પગ નથી મૂકવાનો, સમજી ?”

પન્ના સમજી ગઇ. પછી ધીરજલાલે બેય દીકરાઓને ઝપટમાં લીધા : ”ઊલ્લુના પઠ્ઠાઓ ! કસરત કરી કરીને તમે સ્નાયુના ગઠ્ઠા તો સારા જમાવ્યા છે, પણ તમારૂં દિમાગ દુકાળગ્રસ્ત ગામના કુવા જેવું ખાલીખમ બની ગયું છે. આ પન્નાડીને પકડી નહીં રાખો તો પાણીના રેલાની જેમ દદડી જશે. તમને જવતલ હોમવાનો યે ચાન્સ નહીં આપે. મંદીરે જાવ ત્યારે મહાદેવની મૂર્તિ સામે ટગર-ટગર જોયા ન કરશો. આજુબાજુ ચારે બાજુ ડોળા ફેરવતા રે’જો. પેલો નાલાયક નજરે ચડેતો એની ટાંગ તોડી નાખજો.”

અખાડીયનોએ બુદ્ધિ ઝળકાવી : ”ખાલી ટાંગ જ તોડી નાખીએ, કે પછી પૂરેપૂરો પતાવી જ….”

ધીરજલાલ ભડકયા : ”તમે એ નાલાયકને બદલે મને મારી નાંખશો. તમારા મગજ આમ મગદળ જેવા કેમ થઇ ગયા છે, પહેલવાનો ? તમે જરા ઠંડા પડો. એક કામ કરો, તમારે માત્ર આપણી પન્નાને સાચવવાની, જ્યાં સુધી પ્રેયસ કંઇ પરાક્રમ ન કરે, ત્યાં સુધી તમારે કશું જ નહીં કરવાનું ! ઠીક છે?”

”હવે બરાબર….!” કહીને અજીત અને અભય રવાના થયા. એ દિવસથી બંને જણાં ભાઇ મટીને બ્લેકકેટ કમાન્ડો બની ગયા.

આ બાજુ ધીરજલાલે આડી ચાવી, ઊભી ચાવી શરૂ કરી દીધી. પોતાના સાળા મનોજને ફોન કરીને વ્યૂહરચના સમજાવી દીધી : ”પહેલી તારીખે આવીને તમારી ભાણીને લઇ જાવ. હું એના માટે છોકરો શોધી કાઢું છું. તમે પણ નજર દોડાવતા રહેજો. જેમ બને તેમ જલદી પન્નાના હાથ પીળા કરી દેવા છે. મોડા પડીશું તો આપણું મોં કાળુ થતાં વાર નહીં લાગે. આ વાતની પન્નાને ખબર નથી. ખબર પડવી પણ ન જોઈએ, નહીંતર આપણો પ્લાન ચોપટ થઇ જશે. વાત ફૂટી જશે તો પેલો આતંકવાદી ચેતી જશે. પન્નાને લઇને છુમંતર થઇ જશે”

મનોજમામાએ વાત પૂરીપૂરી ખાનગી રાખી હતી. કોઈને ગંધ સરખી પણ આવવા દીધી નહોતી. ચાલુ મહિનાની આખર તારીખે અચાનક જ આવી ચડયા હોય એમ એ જયાબેનને મળવાના બહાને આવી ગયા હતા. છેક સવારે મામાએ ભાણીને હુકમ કર્યો : ”પન્ના, તારી બેગ તૈયાર કરી દે. મારી સાથે આવવાનું છે. બપોરે જમીને નીકળવાનું છે.”

પન્નાએ જાણે નવાઇ લાગી હોય એવો અભિનય કર્યો હતો. એ અભિનય હતો એ તો હવે ખબર પડી. બાકી એ વખતે તો એણે ચૂપચાપ બેગ તૈયાર કરી હતી અને મામાની સાથે જ બસમાં પણ ચડી ગઇ હતી.

”મને શું ખબર કે એણે પ્રેયસને આખી યોજનાની જાણ કરી દીધી હશે?” મનોજમામા વાળ પીંખી રહ્યા હતા : ”વડોદરા આવ્યું અને ભાણી ટચલી આંગળી બતાવીને નીચે ઊતરી ગઇ. હવે આ કામમાં તો મારાથી એની પાછળ કેવી રીતે જવાય? પ્રેયસ એની રાહ જોઇને જ નીચે ઊભો હશે. બંને જણા કયારે સરકી ગયા એની ખબર પણ ન પડી. એ તો બસ ઉપડવાનો સમય થયો અને પન્ના પાછી ન ફરી ત્યારે નીચે ઊતરીને મેં તપાસ કરી, એ પછી ખબર પડી કે….

”સવાલ એ નથી કે પન્ના નાસી ગઇ, પણ સવાલ એ છે કે એણે પ્રેયસને જાણ શી રીતે કરી ? આપણી યોજના ‘લીક’ કેવી રીતે થઇ?”

આખું કુટુંબ માથાં ખંજવાળતું થઇ ગયું. ટેલીફોનને તાળુ મારેલું હતું. ચિઠ્ઠી- ચપાટીને માટે કોઇ અવકાશ ન હતો. પન્નાની કોઇપણ બહેનપણીને ઘરમાં આવવાની છૂટ ન હતી. સંદેશાવ્યવહારનું એક પણ માધ્યમ હાજર ન હતું. બારી પાસે કોઇ કબૂતર પણ ફરકી ન શકે એ વાતની ધીરજલાલે વ્યવસ્થા ગોઠવી રાખી હતી, ‘કબૂતર જા….જા…જા…’નો પણ કોઇ સવાલ ન હતો. તો પછી પન્નાએ શી રીતે પ્રેયસ સુધી વાત પહોંચતી કરી હતી?

ધીરજલાલને દીકરાઓ ઉપર શંકા પડી : ”બળદિયાઓ, તમે તો કયાંક ઊંઘી નહોતા ગયા ને? મંદીરમાં પેલા આખલાને જોયો હતો?”

અભયે બળદની જેમ જ ડોકું હલાવ્યું : ”કયારેય નહીં, બસ, ખાલી એક જ વાર અમે એને જોયો હતો. છેલ્લે દિવસે પન્નાની સાથે અમે મંદીરે ગયા, ત્યારે….! જોકે એ તો અમારી પહેલાં જ આવી ગયો હતો. દૂર ઓટલા ઉપર બેઠો હતો. અમને જોઇને એણે માથું ઝૂકાવી દીધું હતું. પન્નાએ પણ એની દિશામાં નજર સરખીયે ફેંકી નહોતી. ચૂપચાપ ચંપલ ઉતારીને ભગવાનના દર્શન કરવા ચાલી ગઇ હતી. અજીત ચંપલ સાચવવા માટે ઊભો રહ્યો અને હું બહેનની સાથે ગયો.

”પછી?”

”બસ, પછી કંઇ નહીં, દર્શન પતાવીને અમે બહાર નીકળ્યાં, બૂટ-ચંપલ પહેરીને સીધા ઘરભેગાં! પન્નાની અને પ્રેયસની નજર પણ મળી નહોતી. કાગળ કે ચબરખીની આપ-લેનો પણ સવાલ નથી.”

ધીરજલાલે કપાળ કુટયું. જયાબેનની હાલત દયાજનક હતી. મનોજભાઇએ બેન-બનેવીને આશ્વાસન આપ્યું : ”ધીરજલાલ, ગાંડા ન થાવ. જમાનો બદલાઇ ગયો છે. આપણી ફરજ આપણે બજાવી.

પણ આપણે વન-ડે મેચ હારી ગયા. હવે મેન ઓફ ધી મેચ બનનાર ખેલાડીને તાળીઓથી નહીં, બલ્કે કંકુ-ચોખાથી વધાવી લો. આબરૂનો અજગર પૂરેપૂરો સરકી જાય એ પહેલાં એનું પૂંછડું પકડી લો. બાકી ઇજ્જતના ધજાગરા થઇ જશે.”

ધીરજલાલે જિંદગીમાં પહેલીવાર ‘સાલાની’ સલાહનો સ્વીકાર કર્યો. પ્રેયસના મમ્મી-પપ્પાને મળીને આ ભાગેડુ પ્રેમી-પંખીડાને લગ્નના પીંજરમાં કેદ કરી દીધાં.

પછી એકવાર નીરાંતે ધીરજલાલે જમાઇરાજાને ખાનગીમાં પૂછી નાખ્યું : ”પ્રેયસકુમાર , હવે તો કહો કે અમારા કાવત્રાની બાતમી પન્નાએ તમારા સુધી પહોંચાડી કેવી રીતે?”

પ્રેયસ હસી પડયો : ”એમાં કંઇ મોટી વાત છે! મંદીરના પગથિયા પાસે જ્યાં પન્નાએ ચંપલ કાઢૂયા, ત્યાંજ મારા બૂટ પણ પડયા હતા. પન્ના મારા શૂઝને તો ઓળખે જ ને ! દર્શન કરીને પાછા ફરતી વખતે એ ચંપલની પટ્ટી સરખી કરવાને બહાને નીચે નમી અને કાગળની ચબરખી મારા બૂટમાં મૂકી દીધી. તમારા બંને દીકરાઓ ત્યાંજ ઊભા હતા. પણ એમનું ધ્યાન મારી તરફ હતું, મારા પગરખાં તરફ નહીં…! એ લોકો ગયા એ પછી હું પણ બૂટ પહેરીને ચાલતો થયો!”

(http://gujaratiliterature.wordpress.com/ માંથી)

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: