મુખ્ય પૃષ્ઠ > ડો.શરદ ઠાકરની નવલિકાઓ > સ્વપ્ન પણ કેવું બરોબર નીકળ્યું, મારા ઘર સામે સરોવર નીકળ્યું

સ્વપ્ન પણ કેવું બરોબર નીકળ્યું, મારા ઘર સામે સરોવર નીકળ્યું

”માત્ર નામ જ શ્વેતા છે, બાકી ચામડીનો રંગ તો એવો છે કે માણસના પેટે જન્મ લેવાને બદલે કોલસાની ખાણમાંથી ખોદી કાઢવામાં આવી હોય !’-પ્રાપ્તિ

ચંપકલાલ, ચંપાબેન, દીકરો સમીપ અને જુવાન દીકરી પ્રાપ્તિ; આખું ઘર રાતનું વાળું પતાવીને ટી.વી. સામે ગોઠવાઈ ચૂકયું હતું. નવ વાગવા આવ્યા હતા. ”કૌન બનેગા કરોડપતિ ?” શરૂ થવા માટે સેકંડો ગણાઈ રહી હતી. ત્યાં જ ડાઁરબેલ રણકી.

પ્રાપ્તિએ દોડીને બારણું ખોલ્યું. સામે સંકલ્પ ઊભો હતો. ટી.વી.ના સ્ક્રીન ઉપર અમિતાભની ‘એન્ટ્રી’ થઈ અને એ જ વખતે ઘરમાં સંકલ્પની !

‘આવી ગયો મુરતિયો !!’ સમીપે મિત્રને આવકાર્યો : ‘ફરી પાછો છોકરી જોવા માટે જ આવ્યો છે ને ?’

સંકલ્પે જવાબ ન આપ્યો. બૂટ ઉતારીને સોફા ઉપર ગોઠવાયો. પ્રાપ્તિ દોડીને પાણીનો ગ્લાસ લઈ આવી. આ ઘરમાં સંકલ્પની એક ખાસ જગા હતી, પ્રેમભર્યું સ્થાન હતું. એ આવે એટલે અમિતાભનો કાર્યક્રમ ચાલી રહ્યો હોય તો પણ શું થયું ? સમીપે જાતે ઊઠીને ટી.વી. સેટને ચૂપ કરી દીધો.

પ્રાપ્તિએ થનગનતી જીભે પૂછી લીધું : ‘જમવાનું બાકી છે ને ?’

‘હા.’ સંકલ્પે પેટ ઉપર હાથ ફેરવ્યો : ‘કકડીને ભૂખ લાગી છે. જે વધ્યું હોય એ જ પીરસી દે, નવું રાંધવાની જરૂર નથી.’

સંકલ્પ આ કુટુંબનો એક સભ્ય હોય એટલો પ્રેમ એને અહીં મળતો હતો અને એ પણ પૂરા અધિકારભાવથી એના હક્કને ભોગવતો રહેતો.

ઝટપટ ભોજન પતાવીને એણે નિરાંતે બેઠક જમાવી. ચંપકલાલે વડીલની હેસિયતથી વાતનો દોર હાથમાં લઈ લીધો : ‘કાલે કયાં આક્રમણ કરવાનું છેે ?’

‘અંકલ, આ વખતની લડાઈ પૂરું એક અઠવાડિયું ચાલવાની છે. સાત – આઠ કન્યાઓનાં નામ – સરનામા સાથે લઈને આવ્યો છું. રોજ સવાર – સાંજ એક – એક છોકરી જોવાની છે. સમીપ, તારે પણ આવવાનું છે સાથે…’

‘ના, ભ’ઈ ના ! આપણે તો થાકી ગયા. તારી સાથે અત્યાર સુધીમાં પચાસ છોકરીઓને જોઈ ચૂકયો છું. તારે તો કંઈ નથી; બીજા દિવસે વડોદરા નાસી જવાનું છે; પણ મારે અહીં આ શહેરમાં જ રહેવું છે. છોકરીનો બાપ રસ્તામાં મળી જાય છે, ત્યારે મારે રસ્તો બદલી નાંખવો પડે છે. આ વખતે હું તારી સાથે નહીં આવું.’

સંકલ્પે ચંપકલાલ સામે નિશાન તાકયું : ‘અંકલ, તો પછી તમે આવો.’

‘હું ? અરે, ના દીકરા ! મારાથી ન અવાય. મારો પોતાનો દીકરો હોય તો જુદી વાત છે. પણ તું ગમે તેવો અંગત હો, પણ સમાજની દ્રષ્ટિએ તું આખરે મારા દીકરાનો મિત્ર જ ગણાય.’ ચંપકલાલે હાથ ઊંચા કરી દીધા.

ચંપાબેનનો તો આમાં કયાંય સવાલ જ ન હતો. બાકી વધી પ્રાપ્તિ.

સંકલ્પે એને પકડી. વિનંતીના લૂરમાં આદેશ આપ્યો : ‘તારે તો આવવું જ પડશે. તું પણ ના પાડી દઈશ તો હું વડોદરા પાછો જતો રહીશ.’

પ્રાપ્તિએ હા પાડી દીધી. બીજા દિવસથી સંકલ્પ અને પ્રાપ્તિ નીકળી પડયાં. સવારે એક છોકરી જોવાની અને સાંજે બીજી. પછી રાત્રે જમ્યા પછી બધાં નિરાંતે બેસીને કન્યાપક્ષનું નામું તપાસે, જમા – ઉધાર પાસાની ચર્ચા ચાલે.

‘પ્રાપ્તિ, શ્વેતા કેવી લાગી ?’

‘શ્યામ !’ પ્રાપ્તિ મોં મચકોડીને અભિપ્રાય આપતી : ‘માત્ર નામ જ શ્વેતા છે, બાકી ચામડીનો રંગ તો એવો છે કે માણસના પેટે જન્મ લેવાને બદલે કોલસાની ખાણમાંથી ખોદી કાઢવામાં આવી હોય !’

ચંપાબેન એને રોકે : ‘એવું ન બોલીએ, બેટા ! ન ગમી હોય તો સારી ભાષામાં ના પાડી દઈએ. પારકાની દીકરીની ટીકા ન કરાય…’

સંકલ્પ આગળ પૂછે : ‘અને સાંજવાળી કોમલ કેવી લાગી ?’

‘બાકી બધી રીતે સારી છે; પણ ચામડી સાવ ખરબચડી લાગી ! નામ પ્રમાણે ગુણ નથી.’

બીજે દિવસે પણ એ જ દ્રશ્ય ભજવાયું. ત્રીજે દિવસે અને ચોથા દિવસે પણ એ જ ! તેજલ ‘ડલ’ પડતી હતી અને સોનલ કથીર જેવી લાગતી હતી. શીતલ ગરમ સ્વભાવની દેખાતી હતી, તો પ્રતિમા ખંડિત હતી.

છેલ્લે દિવસે સંકલ્પની હાલત ઠેરના ઠેર જેવી હતી. પાંચ દિવસ રોજના પાંચ-પાંચ કલાક ક્રિકેટ ટીચ્યા પછી ટેસ્ટમેચ ડ્રો જાય એવી પરિસ્થિતિ હતી. એ માથે હાથ દઈને બેઠો હતો. આજે પણ પ્રાપ્તિએ બંને કન્યાઓને નાપાસ જાહેર કરી હતી.

એ રાત્રે સંકલ્પ બરાબર ઊંધી શકયો નહીં. મોડે સુધી પડખાં બદલતો રહ્યો. આવતી કાલે સવારે તો વડોદરા પાછું જવાનું છે. કયાં સુધી આમ ને આમ…?

સવારે ચા – નાસ્તો કરીને એ નીકળ્યો હતો. બસ સ્ટેશને વળાવવા માટે સમીપ એની સાથે આવ્યો. બસને આવવાને હજુ વાર હતી. અચાનક સમીપે ધડાકો કર્યો : ‘સંકલ્પ, પ્રાપ્તિ તને કેવી લાગે છે ?’

‘કેમ ? સારી છે અને સારી લાગે છે !’ સંકલ્પ એના ખુદના વિચારોમાં ગરકાવ હતો. દોસ્તના સવાલ પાછળ છુપાયેલો અર્થ એ પકડી ન શકયો.

‘હું એ રીતે નથી પૂછતો… હું એમ કહું છું કે પ્રાપ્તિ તારી… તું એને લગ્ન માટે કન્સિડર કરે ખરો ?’

‘શું ?’ સંકલ્પનો અવાજ મોટો થઈ ગયો. આસપાસમાં ઊભેલા માણસોનું ધ્યાન પણ એમની તરફ ખેંચાયું. ત્યાં જ બસ આવી. ટોળાની સાથે સંકલ્પ પણ બસમાં ચડી ગયો.

હવે એ ‘સીટ’ પર બેઠો હતો અને સમીપ બારી પાસે ઊભો હતો. વગર પૂછૂયે એ કંઈક પૂછી રહ્યો હતો.

સંકલ્પે જે સાચું હતું એ કહી દીધું : ‘સમીપ, પ્રાપ્તિ તારી બહેન છે અને તું મારો મિત્ર છે. મેં એને મિત્રની બહેનના સ્વરૂપમાં જ જોઈ છે. એના વિષે કયારેય આ રીતે તો વિચાર્યું જ નથી.’

‘તો હવે વિચાર !’ સમીપે ગંભીરતાપૂર્વક લૂચવ્યું અને બસ ઉપડી.

‘હું ફાઁન કરીને જણાવીશ…’ બસની બારીમાંથી સંકલ્પનો અવાજ સંભળાયો. શબ્દો પ્રવાસીઓના કોલાહલમાં ડૂબી ગયા.

વડોદરા પહોંચ્યા પછી પણ બે દિવસ સુધી સંકલ્પ વિચારોમાં ઘેરાયેલો રહ્યો; સમીપે કયા આશયથી એની બહેન માટે વાત મૂકી હશે ? શું એને પોતાની સ્થિતિની દયા આવી ગઈ હશે ? એમ જ હશે, નહીંતર પહેલાં જ આ આઁફર ન કરી હોત ? છેક રહી રહીને શા માટે ?

વળતી સાંજે એણે સમીપના ઘરનો ફાઁન નંબર લગાડયો. એની ઇચ્છા સમીપને એ પૂછવાની હતી કે, પ્રાપ્તિ શું ઇચ્છે છે ! પણ ફાઁન પ્રાપ્તિએ જ ઉઠાવ્યો : ‘હલ્લો…! કોનું કામ છે ?’

સંકલ્પના દેહમાં ઝણઝણાટી પ્રસરી ગઈ. આ અવાજ અત્યાર સુધીમાં એ કેટલીયે વાર સાંભળી ચૂકયો હતો, પણ આજે આવું કેમ થતું હશે ? એણે વિચારીને પૂછી લીધું : ‘પ્રાપ્તિ, સમીપે મને તારા વિષે વાત કરી છે, પણ હું એ જાણવા માંગુ છું કે તારી પોતાની ઇચ્છા…’

‘સાવ બુદ્ધુ છો તમે !!’ પ્રાપ્તિએ છણકો કર્યો : ‘મોટાભાઈને મેં જ તો કહ્યું હતું કે એ તમારી સમક્ષ મારી વાત કરે ! તમને મારા વર્તન પરથી, મારી વાતચીત પરથી કશું જ નથી સમજાયું ? તમે જોયેલી દરેક છોકરીને મેં શા માટે નાપાસ જાહેર કરી એ બાબતનો પણ તમને કદિયે વિચાર ન આવ્યો ? શું છોકરીઓ જોવા નીકળી પડતા હતા ? માત્ર કન્યાઓના ચહેરા જ જુઓ છો ? કયારેય એમના મનોભાવો જોતા શીખશો કે નહીં ?’

(આજે સંકલ્પ અને પ્રાપ્તિ સાંઇઠની ઉપર પહોંચ્યાં છે. અત્યંત સુખી દાંપત્ય જીવન માણી રહ્યાં છે. સંકલ્પ આજે આપણી ભાષાનો સુપ્રસિદ્ધ વાર્તાકાર – નવકલથાકાર છે.)

(http://gujaratiliterature.wordpress.com/ માંથી)

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: