મુખ્ય પૃષ્ઠ > ડો.શરદ ઠાકરની નવલિકાઓ > હર પ્રસંગે યાદ આવે છે હજી પણ એમની, એ પરાયાં થઈ ગયાં ને તોય સગપણ રહી ગયાં

હર પ્રસંગે યાદ આવે છે હજી પણ એમની, એ પરાયાં થઈ ગયાં ને તોય સગપણ રહી ગયાં

”અરે વાહ ! કેવો સુંદર બંગલો છે ?!” ચાલુ ગાડીએ જ આરોહીના મુખમાંથી અહોભાવયુકત શબ્દો સરી પડયા. એની બાજુમાં ડ્રાઈવીંગ સીટ ઉપર બેઠેલો આસવ ચૂપ જ રહ્યો. કદાચ મનોમન કંઈક વિચારી રહ્યો હતો. બંગલાના બંધ દરવાજા પાસે આવીને એણે ગાડી ધીમી પાડી. બે વાર ધીમેથી હોર્ન માર્યું. બહાદૂર દોડી આવ્યો. દરવાજો ઝડપથી ઉઘાડીને સલામ કરતું પથ્થરનું બાવલું બની ગયો. રોજ તો સાહેબ એકલા જ હોય છે, આજે એમની સાથે આ અજાણ્યું મહેમાન કોણ છે ? અને કોઈ સ્ત્રી આવી સુંદર પણ હોઈ શકે ? બહાદૂર નેપાળનો ગુરખો હતો. ઉપરના મનોમંથન સાથે જ એ ક્ષણવારમાં આખું નેપાળ ખૂંદી વળ્યો. આરોહીનું પ્રતિબિંબ પાડી શકે એવી એક પણ સ્ત્રી સ્મરણે ન ચડી. એણે નિ:સાસો મૂકયો, ત્યાં સુધીમાં ગાડી બંગલાની પોર્ચમાં પાર્ક થઈ ચૂકી હતી.

”બહાદૂર ! રસોઈવાળા મહારાજને કહેજે કે આજે મહેમાન મારી સાથે જ જમશે.” આસવે આરસના પગથિયાં ચડતાં આદેશ આપ્યો. પછી આરોહી સામે જોઈને ઊભરાતું સ્મિત કર્યું : ”શું ભાવશે તને ?”

”કંઈ પણ…” ગ્લાસની સુરાહી જામ સાથે ટકરાતી હોય એવો અવાજ આવ્યો. બહાદૂર ફરીથી પ્રશ્નોની દુનિયામાં સરી પડયો : આવો અવાજ કોઈ પૃથ્વી પરની ઓરતનો હોઈ શકે ? કે પછી સાહેબ સ્વર્ગમાંથી ઈન્દ્રની અપ્સરાનું અપહરણ કરી લાવ્યા છે…?

આસવ અને આરોહી સ્ફૂર્તીના ઝરણની જેમ ડ્રોઈંગરૂમમાં થઈને ઉપરના માળે જતી સીડી ચડી ગયાં.

”બહુ પૈસા કમાયો લાગે છે, આસવ !” આરોહીની નજર બંગલાની ઈંટે ઈંટમાંથી ટપકતા વૈભવનું નિરીક્ષણ કરી રહી હતી.

”હં…!” આસવે શયનખંડનું દ્વાર ખોલ્યું, ”અંદર બેસીશું ? ઈફ યુ ડોન્ટ માઈન્ડ !”

”વાંધો હોત તો અહીં સુધી આવી જ ન હોત ને !” આરોહીએ અર્થલૂચક વાકય કહ્યું.

આસવ થંભી ગયો. શરીર પરથી કોટ ઊતારેલો એ પણ હાથમાં જ રહી ગયો : ”આરોહી, હું જાણું છું કે તું પરાઈ સ્ત્રી છે. પચીસ વર્ષ પહેલાં તું મારી થઈ શકે એવી શકયતા હતી, જે પછી કોઈની જિંદગીની વાસ્તવિકતા બની ગઈ. એક જૂના પ્રેમીના કુંવારા શયનખંડમાં પ્રવેશતી વખતે સવાલ વિરોધનો નથી હોતો, પણ વિશ્વાસનો હોય છે. તને વાંધો હોય તો આપણે બહાર કોઈ રેસ્ટોરન્ટમાં બેસીએ. જમવાનું તો ત્યાં પણ… અને ત્યાં ખૂલ્લામાં પણ વાતો તો થઈ શકશે.”

”ના, આસવ ! ત્યાં આપણને એકબીજાને જોનારી આંખો કરતાં આપણને બન્નેને સાથે જોનારી આંખો વધારે હશે. તારા બેડરૂમમાં… બેસવું મને ગમશે.” આરોહી નજર ઝૂકાવીને બોલી ગઈ. બેડરૂમમાં બોલ્યા પછી ‘બેસવું’ શબ્દ ઉપર એ સહેજ અટકી એ આસવે ખાસ નોંધ્યું.

શયનખંડ પણ સામાન્ય ઘરના ડ્રોઈંગરૂમ કરતાં ત્રણ-ચાર ગણો મોટો હતો. એકલો પુરુષ પણ ડબલબેડ શા માટે વસાવતો હશે ? આરોહી વિચારી રહી. ભૂખ્યા, તરફડતા દેહના નિશ્વાસને પથરાવા માટે પથારી પણ મોટી જોઈતી હશે? ડબલબેડની સામે વિશાળ, ડીઝાઈનવાળો આયનો હતો. બાજુની દિવાલ પાસે બેસવા માટે નાજુક ગાદીવાળો સોફાસેટ હતો. આરોહી સોફામાં સંકોચ સહિત બેઠી.

”ખૂબ પૈસા કમાયો લાગે છે !” ફરી એકવાર એના મુખમાંથી અહોભાવ સરી પડયો.

”હા, ડુંગરપુર તરફ પથ્થરની ખાણો છે. પંદર ખાણોનો માલીક છું. ખાણમાંથી પથ્થરને બદલે પૈસા નીકળે છે એમ સમજી લે !” આસવે ટાઈની નોટ ઢીલી કરતાં કહ્યું.

”કોલેજમાં ભણતો ત્યારે તું કવિતા લખતો હતો. હવે લખે છે કે બંધ કરી ?”

”જે દિવસે તું પરણી ગઈ એ દિવસથી કવિતા લખવી બંધ કરી દીધી. ફૂલનો ધંધો છોડીને પથ્થરનો વેપાર શરૂ કર્યો છે.”

”સુખી છે ?”

આસવે ક્ષણવાર ચૂપકીદી પછી પ્રત્યુત્તર વાળ્યો : ”તું જોઈ રહી છે…!”

”આસવ, મને નહીં પૂછે કે હું સુખી છું કે નહીં ?” આરોહીએ સામે ચાલીને પૂછપરછની ઉઘરાણી કરી.

”સાંભળ્યું છે કે તું પણ સુખી છે. તારો પતિ સરકારી નોકરીમાં ઉચ્ચ હોદ્દા પર છે. સારો પગાર હશે, અને…” આસવ અટકી ગયો. આરોહીના ડૂસકાંએ એના વાકૂપ્રવાહને અવરૂધ્ધ કર્યો. એ સોફા પરથી ઊભી થઈને સીધી ડબલબેડ પર બેઠેલા આસવને વળગી પડી. એની છાતીમાં માથું છુપાવીને રડવા માંડી. આસવ સંયતપણે એના બરડે, એના વાળમાં, એના ગાલ ઉપર હથેળી ફેરવતો રહ્યો.

”શું દુ:ખ છે તારે ?”

”આસવ, મારો પતિ ડ્રગ્ઝનો બંધાણી છે. લગ્નની પ્રથમ રાત્રિએ જ મને આ વાતની જાણ થઈ. ખરું કહું તો બીજા દિવસની સવારે…”

”મધુરજની વખતે જ એ નશો કરીને આવ્યો હતો ?”

”હા, આસવ ! ઘરમાં મહેમાનો હતાં. હું શયનખંડમાં સજાવેલા ઢોલીયા પર એની વાટ જોઈને બેઠી હતી. એ આવ્યો. એના મોંમાં પાન હતું. મારો ઘુંઘટ ઊઠાવીને એણે લથડાતી નજરે મારી સામે જોયું. પછી મારું મોં ખોલીને એણે એક પાન અંદર ખોસી દીધું. થોડી જ વારમાં મારું દિમાગ ચકરાવા માંડયું. એ પછી શું બન્યું એની મને કશી જ ખબર નથી. સવારે જાગી ત્યારે આખું શરીર…! મારી જિંદગીનો એ પ્રથમ નશો. ત્યાર પછી એણે આપેલી એક પણ ચીજ મેં ચાખી નથી અને એમણે નશા વગરની એક પણ રાત વિતાવી નથી.”

આસવ સ્તબ્ધ થઈ ગયો. આવા જડભરત પુરુષો પણ આ જગતમાં વસતા હશે ?! આરોહી જેવી સ્ત્રી પત્ની તરીકે પ્રાપ્ત થઈ હોય, પછી બ્રહ્માંડમાં કઈ ચીજ એવી હોઈ શકે જે પુરુષને આરોહીથી વધુ નશો આપી શકે ?

”બાળકો ?”

”છે. એક દીકરો અને એક દીકરી. બંને મારા પર ગયાં છે. સારું છે કે એમના બાપનું એક પણ અપલક્ષણ એમણે અપનાવ્યું નથી.”

”બીજાં કયાં અપલક્ષણો છે તારા વરમાં ?”

”આમ જુઓ તો આ એક જ અપલખણ છે, પણ એ સૌથી મોટું છે. રાત આખી નશામાં જાય છે. એના દિમાગની તમામ વિકૃતિઓનું વમન એ મારા દેહ ઉપર ઠાલવે છે. પાંચ કલાકની નોકરી પતાવીને ઘેર આવે એ પછી એ ભલા અને એમનું છાપું ભલું ! હીંચકે બેઠાં પાન ચાવ્યા કરે અને મારા શરીરની દિશામાં લાલચભરી નજરના તીર છોડતાં રહે. આવી રહેલી રાતમાં કયા પ્રકારે કામોત્સવ ઊજવવો એના મનસુબા ઘડતા રહે.”

”બસ, એટલું જ ને ? એ સિવાય બીજો કોઈ ત્રાસ તો નથી ને…?”

”ત્રાસ ? આટલો ત્રાસ તને ઓછો લાગે છે, આસવ ? તને ખબર છે કે સ્ત્રી શું ઝંખતી હોય છે ? હું કલાસિકલ મ્યુઝિકની તાલીમ લઉં છું. ગાવામાં મારો અવ્વલ નંબર રહે છે. પણ વીસ-બાવીસ વરસના લગ્નજીવનમાં એમણે એક પણ વાર મને એમ નથી કહ્યું કે આરોહી, આજે તો કંઈક ગાઈ સંભળાવ ! આસવ, મને ચિત્રો દોરવામાં રસ છે. મોટા મોટા કેનવાસ ઉપર ઠલવાયેલી મારી ઊર્મિઓ સ્ટોરરૂમમાં કે માળીયા ઉપર સબડી રહી છે. એ પુરુષે મારા એક પણ ચિત્ર માટે એક પણ વાર એની નશાયુકત નજર ફાળવી નથી. આસવ, આ બધાંને ત્રાસ નહીં, તો બીજું શું કહેવાય ?”

આસવ ઊભો થયો. નાનકડું ટેપરેકોર્ડર લઈ આવ્યો. ”આરોહી, રડીશ નહીં. તારા તમામ ઓરતા પૂરા કરવા માટે આજનો દિવસ તારી હથેળીમાં નસીબ બનીને ઊગ્યો છે. એક પતિ જે નથી કરી શકયો, એ કામ એક પ્રેમી કરશે.”

”આ શું છે ? આઈ મીન, શેના માટે ?”

”તું કંઈ પણ ગા. હું એને કાયમ માટે કેદ કરી લઈશ. પછી આપણે થોડી વાતો કરીશું. એ પણ આ ટચુકડા ટેપરેકોર્ડરમાં સચવાઈ જશે. તને સંતોષ રહેશે કે તને કોઈ સાંભળી રહ્યું છે… અને મારા માટે.. મારા માટે તો આ કેસેટ એ જ મારું લગ્નજીવન બની રહેશે, આરોહી ! અને એક મહત્વની વાત, આપણે જે ત્રણ-ચાર કલાક જેટલું સાથે રહીશું, એ માત્ર પ્રેમીઓ લેખે જ રહીશું… એક સ્ત્રી અને એક પુરુષ તરીકે નહીં.”

આરોહીની આંખો છલકાઈ ઊઠી : ”આસવ, તું કેટલો બધો સારો છે ?”

”હા, અને એનું કારણ જાણે છે તું ? કારણ એક જ, હું તને ચાહું છું.”

એ પછી બંને જણા જમ્યાં. ચારેક કલાક સાથે જ રહ્યાં. જિંદગી આખીનું પાથેય છાતીમાં ધરબીને પછી છુટા પડયાં. એ પછીના પંદર જ દિવસ બાદ આસવે અખબારમાં સમાચાર વાંચ્યા : ”શહેરના ડેપ્યુટી કલેકટર શ્રી અંજન આડતિયાના ધર્મપત્ની શ્રીમતી આરોહીનું એક માર્ગ અકસ્માતમાં કરૂણ મોત થયું છે…”

બેસણામાં જઈ આવેલા એક મિત્રે આસવને માહિતી આપી : ”બહુ માણસો ભેગાં થયાં હતાં. બધાં જ હૈયાફાટ રૂદન કરતા હતાં. એક માત્ર સ્વસ્થ વ્યકિત આરોહીનો પતિ હતો. આવી સ્થિતિમાં પણ એના મોંઢામાં પાનનો ડૂચો મારેલો હતો અને… બસ, આંખોમાં આંસુ નહોતાં. ખાલી એક ન સમજી શકાય એવી જરાક જેટલી ઉદાસી હતી !”

આસવ ધ્રૂજી ઊઠયો. એ કશું જ બોલ્યો નહીં, પણ જાત સાથે વાત કરતો હોય એમ સ્વગત બોલ્યો : ”હું સમજું છું કે એ ઉદાસીનું કારણ શું હશે ? એ ખાલીપો આરોહીના અવસાનથી ખાલીખમ્મ બની ગયેલી પડખાં વગરની પથારીનો ખાલીપો હોવો જોઈએ.”

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: