મુખ્ય પૃષ્ઠ > ડો.શરદ ઠાકરની નવલિકાઓ > આ આંખ ભટકતાં થાકી ગઈ, આ પ્રેમનો પોરો ખાવો છે; કોઈ દિલની સરાઈ છોડીને, ગલીઓમાં ગુજારો શા માટે

આ આંખ ભટકતાં થાકી ગઈ, આ પ્રેમનો પોરો ખાવો છે; કોઈ દિલની સરાઈ છોડીને, ગલીઓમાં ગુજારો શા માટે

અમદાવાદથી સવારના સાત વાગે ભાડાની કાર લઈને નીકળેલો પ્રેમ પટેલ બપોરે સાડા બાર વાગ્યે સુખપર ગામના પાદરે આવેલા લીમડાના ઝાડ નીચે આવીને ઊભો રહ્યો.

”સાહેબ, ગાડી ગામમાં લઈ લઉં કે પછી અહીં જ ઊભી રાખવી છે ?” ભાડાના ડ્રાઇવરે લૂચક રીતે પૂછયું. એની થાકેલી નજર લીમડાનો છાંયો જોઈને લલચાઈ ગઈ હતી. ગામમાં નાખી નજર પહોંચે ત્યાં સુધી આવું શીળું પાર્કિંગ એને દેખાતું ન હતું.

પ્રેમનું ચાલ્યું હોત તો એણે પણ ડ્રાઇવરના મનની વાત માની જ લીધી હોત. એ ગામની બહાર ઉભો રહે એ જ પ્રેમને ફાવતી વાત હતી. પણ એક તોગામ હજી થોડુ દૂર હતું અને ઉપરથી વૈશાખનું ઉઘાડું આકાશ અંગારા વરસાવી રહ્યું હતું. ત્યાં સુધી પગે ચાલવામાં ‘સનસ્ટ્રોક’ લાગી જવાનો ભય હતો.

”ગાડી ગામમાં લઈ લે. કૂવો આવે ત્યાં સુધી. ડાબા હાથે સરપંચની ઓફિસ આગળ લીંબુડી છે એના છાયામાં ઊભી રાખજે. લઈ લે, ચાલ…” પ્રેમે જાણકારની અદાથી કહ્યું.

”પહેલાં આવી ગયા લાગો છો આ ગામમાં…!” ડ્રાઇવરે કાંકરીવાળા કાચા રસ્તા પર સેકન્ડ ગીયરમાં ગાડી લેતાં પૂછયું, ”મોસાળ છે કે પછી…?”

”હેં…!” પ્રેમ ચમકી ગયો, પણ પછી ચમકની સાથે-સાથે એણે અવાજને પણ સાચવી લીધો : ”ના, ના ! એવું નથી, પણ દૂરનુંસગું છે. આ બાજુ નીકળ્યા છીએ તો થયું કે મળતા જઈએ. બસ, આ કૂવો આવી ગયો. અને પેલી રહી લીંબુડી. તું બીડી પી, એટલીવારમાં હું આવું છું… મિત્રને મળીને !”

ડ્રાઇવરે બીડી કાઢીને સળગાવી. હોઠમાં બીડી અને દિમાગમાં પ્રશ્ન સળગી રહ્યો હતો : ”હમણાં કેતા’તા કે દૂરનું સગું છે અને હવે કે’છે મિત્ર ! આમાં સાચું શું સમજવું ?”

પ્રેમ પટેલનું મૂળ નામ પ્રેમજી પટેલ. રંગપુરના મુખી શંકર પટેલનો દીકરો. અમેરિકા જઈને કમાયો. પ્રેમજીમાંથી ‘જી’ કાઢી નાંખ્યું. ઇન્ડિયન હતો એ હવે અમેરિકન બની ગયો. સસલી જેવી ધોળી પત્ની અને રૂના પોલ જેવા બે છોકરા હતા. એંશીની સાલમાં દેશ છોડયો હતો. હવે બે દાયકા પછી પાછો આવ્યો હતો. હમણાં બે દિવસ પહેલા સી. જી. રોડ પર આવેલા રેડીમેડ કપડાંના શાઁ-રૂમમાં ધરમશી ભટકાઈ ગયો એને પૂછયું કે તારા શું કરે છે ત્યારે ખબર પડી એ તો…!

પ્રેમ ધોમધખતા તડકામાં બોચીમાં ફૂટતો પસીનો લૂછતો, ધૂળમાં ખૂંપી જતા પગને બહાર કાઢતો, આમતેમ ડાફોળિયા મારતો આગળ વધ્યો. કેટલું બધું બદલાઈ ગયું છે સુખપર ! અને છતાં યે કયાં કશું બદલાયું છે ! વૃક્ષો થોડા વૃદ્ધ થયા છે; અને જમીન સહેજ વધુ લૂક્કી ! માણસો પણ લૂક્કા બની ગયા છે. પ્રેમને યાદ આવ્યું, વીસ વરસ પહેલાં પોતે કાઁલેજના મિત્રોને સાથે લઈને એન.એસ.એસ.ની સફાઈ ઝુંબેશ માટે સુખપર ગામ આવ્યો હતો, ત્યારે માણસો કેવા લીલા-છમ્મ હતા ! અને હવે ? હવે એને આવકારો દેવા માટે ચકલું સુધ્ધાં ફરકતું નહોતું. ગરમ હવાનો સપાટો વિંઝાયો અને ધૂળની ડમરી ચઢી. ગામડાની બપોર અત્યારે પણ એવી ને એવી જ રહી હતી, દઝાડનારી.

પ્રેમને યાદ આવ્યું; વીસ વરસ પહેલાં જ્યારે એણે સુખપરમાં પગ મૂકેલો ત્યારે સવાર હજુ તો એની આંખો ઊધાડી રહી હતી. ગામડું મીઠા લૂરમાં જાગી રહ્યું હતું અને વાતાવરણ ગાજી રહ્યું હતું. વીસ જણાની ટુકડી સીધી સરપંચની આઁફિસે જ પહોંચી ગઈ હતી.

”શહેરમાંથી આવીએ છીએ. સફાઈ કરવા આવ્યા છી. અમને કામ બતાવો, ગામ બતાવો, ગામના મુખ્ય રસ્તાના નામ બતાવો.”

સરપંચ હસી પડયા હતા. શહેરથી આવેલા આ ભણેલાં સફાઈ-કામદારોને જોઈને એમને રમૂજ થયેલી એમને ખબર હતી કે આ બધા આરંભે શૂરા હતા એક બાજુ એમણે કામની વહેંછણી કરી આપેલી અને બીજી બાજુ એમના માટે જમવાનું બનાવવાની તૈયારીઓ શરૂ કરાવી દીધેલી.

પટેલવાસમાં જનારી ટુકડીનો આગેવાન પ્રેમજી હતો. એ ખડતલ હતો અને તરવરીયો પણ ! મૂળ એ ગામડાનો જ હોવાને કારણે અહીંના રીતરિવાજથી પરિચિત પણ ખરો. એના હાથ નીચેની ટુકડી બરાબર કામે વળગી ગઈ, ત્યારે એ પંચાલના ઘરે પૂછપરછ કરવા ઊભો રહ્યો : ”આ શેરીમાં કરસન પટેલ રહે છે ? એમની દીકરી તારા અમારી સાથે કોલેજમાં હતી… ગયા વરસે…! હવે તો ભણતાં ઊઠી ગઈ છે.”

જવાબમાં તારાના ઘરની ભાળ મળી. ત્રીજી મિનિટે પ્રેમજી તારાના ઘરની પરશાળમાં ઊભો હતો. તારાની મા ગયા વરસે જ મરી ગઈ હતી. બાપુ ખેતરમાં ગયા હતા. તારાને તાવ ચડયો હતો એટલે એ પથારીમાં લૂતી હતી.

પ્રેમજીને જોઈને એ બેઠી થઈ ગઈ : ”આવો ને અંદર. તમે કયાંથી ? આમ અચાનક..!” પ્રેમજીને જોઈને તારાનો તાવ વધી ગયો કે પછી એવું એને લાગ્યું હતું ?

”યાદ કરતી’તી મને ?” પ્રેમજી અંધારીયા ઓરડામાં ઘૂસ્યો : ”મને તો એમ કે સાવ ભૂલી જ ગઈ !”

”એમ તે કાંઈ હોતું હશે ?” તારાની આંખો અમાસના તારોડિયાની જેમ ચમકી રહી : ”કોલેજ છોડી છે, તારી યાદને નહીં.”

અને પછી સંવાદો શમી ગયા, જોબનને જીભ ફૂટી. વહેલી સવારની આછી ચહલપહલ વચ્ચે કોઈને કશી ગંધ પણ ન આવી; તારાનાં ઘરનાં કમાડ ધીરેકથી વસાયા અને બે ઉન્મત્ત દેહોના ભોગળ ખૂલી ગયાં.

હાંફતી તારાએ બારણું ઉઘાડતાં પૂછી લીધું : ”લગ્ન તો કરીશને મારી સાથે ? ભૂલી તો નહી જાય ને ?”

”એમ તે કંઈ ભૂલી જવાતું હશે ?” પ્રેમજીની આંખોમાં ભોજન કરી લીધા પછીનો ઓડકાર હતો : ”તને ભરેલી બથ છોડી છે, તારી યાદને નહીં.” અને બંને જણ હસી પડયા. તારાએ માન્યું કે આ વચન છે અને પ્રેમજીને સંતોષ થયો કે એનાથી સરસ વાકય બોલાઈ ગયું. આવા ઓડકારના સમયે આવા ચબરાકીભર્યા વાકયો પ્રેમિકાને માનસિક સંતોષ આપતા હોય છે !

એ પછી ગામની સફાઈ પતાવીને જમી-કારવીને બધાં રવાના થઈ ગયાં. પછી તો કાઁલેજ પૂરી કરીને પ્રેમજી ઇમીગ્રેશન વિઝા હેઠળ અમેરિકા ચાલ્યો ગયો. પ્રેમજી મટીને પ્રેમ બની ગયો અને ‘પ્રેમ’ને ભૂલી પણ ગયો. એ પછી છેક આટલા વરસે…

”મે’માન સો ? કોના ઘીરે જાવું સે ?” પ્રેમ ચોંકી ગયો. કોઈ આધેડ ગામડીયો આદમી એને પૂછી રહ્યો હતો. પ્રેમ જવાબ ઉડાડવા જતો હતો, પણ પછી એને યાદ આવ્યું કે આ ગામડું છે, શહેર નથી અહીં તો દરેક જણના દરેક પ્રશ્નના ઉત્તર આપવા ફરજિયાત હોય છે. જવાબો ટાળવાથી સામેવાળાના મનમાં શંકા પેદા થાય છે અને શંકા બીજા અનેક સવાલોની જન્મદાત્રી છે.

”કરસન પટેલના ઘરે જવું છે; આઇ મીન પટેલવાસમાં… મેં ઘર જોયું છે.” પ્રેમે જવાબ પણ વાળ્યો અને પેલાને ટાળ્યો પણ ખરો.

પણ એમ ટળે તો એ ગામડિયો શાનો ?

”કરસન પટેલ તો ગૂજરી ગ્યા…કયારુંના…! તમને ખબર નથ્ય ?”

”ખબર છે ને ! ખબર છે….” પ્રેમે થૂંક ગળા હેઠ ઉતાર્યું : ”પણ ઘરમાં કોઈક તો હશે ને ?” એને ખબર હતી કે ઘરમાં તારા હતી. હોવી જોઈએ. હજી બે દિવસ પહેલાં જ સી.જી. રોડ પરના એક શાઁ-રૂમમાં અચાનક ભટકાઈ પડેલા ધરમશીએ જ માહિતી આપેલી : ”તારા હજુ સુધી પરણી નથી. તેં એની સાથે પરણવાનું વચન આપ્યું હતું ને ! તારી રાહમાં આખી જિંદગી કાઢી નાંખી એણે. ગરીબાઈ આંટો લઈ ગઈ છે બિચારીને. બાપ મરી ગયા પછી ટી.બી. થઈ ગયો છે. ગામવાળાએ બહુ સમજાવી કે લગન કરી લે, પણ છોડી માની નહીં.”

અને પ્રેમ સડક થઈને સાંભળતો રહ્યો. એનાથી ‘હેં ?’ પણ બોલી ન શકાયું. આજે જલાબાપાના દર્શને જવું છે કહીને એકલો જ ભાડાની ગાડીમાં નીકળી પડયો. મનમાં એક જ ઇચ્છા હતી તારાના પગ પકડીને માફી માંગી લેવી. રડતી આંખે પાપ કબૂલી લેવું. એ સાંભળી શકે તો એને કહેવું કે…

”તારા, મને માફ કરી દે. એ પ્રેમ ન હતો, તોફાની ઉંમરની લગામ વગરની વાસના હતી. તારો દેહ પામવા માટે મારાથી બોલાઈ જવાયેલું કે હું તારી સાથે લગ્ન કરીશ, બાકી મને એ વખતે પણ ખબર હતી કે હું ભવિષ્યમાં અમેરિકા ચાલ્યો જવાનો છું. મારું વચન એ મર્દનું વચન નહોતું પણ સામાન્ય પુરૂષનું અતિ સામાન્ય વાકયમાત્ર હતું, એમાં નરી રેતી જ રેતી હતી, સીમેન્ટ જરા પણ નહોતો. હું દિલગીર છું અને શરમિંદો પણ ! તારા, તું બીજે પરણી જા. જોઈએ તો હું તને સારવાર માટે પૈસા આપું, પણ…”

”કરસન પટેલ ગૂજરી ગ્યા ઈ ખબર સે, પણ એની દીકરી મરી ગઈ એની ખબર નથી લાગતી તમને ! હજુ ગઈકાલની જ વાત સે. લ્યો, હવે પાસા જાવ. બે ઘડી પોરો ખાવો હોય તો હાલો, સરપંચની હાઁફિસે…” પેલો ગામડિયો બોલ્યે જતો હતો અને પ્રેમ સ્તબ્ધ થઈને પથ્થરના પૂતળાની જેમ ઊભો હતો.

પેલો હજી ચૂપ થતો ન હતો : ”હાંભળ્યું સે કે કોઈ વાસનાભૂખ્યા જનાવરે તારાની જિંદગી બગાડી નાંખી. ગામમાં કોઈને એના નામની ખબર નથ્ય, પણ જે દિ’ બેટો પકડાયો તે દિ’ આવી બનવાનું સે. જીવતો પાછો જાવા દઈએ તો ગામને ફટ કે’જો.”

અને પ્રેમને લાગ્યું કે હવે એણે પાછા વળી જવું જોઈએ. વધુ વાર અહીં ઊભા રહેવામાં જોખમ હતું. કોઈને જો સહેજ પણ શક પડયો તો એનાથી પાછું અમેરિકા નહીં જઈ શકાય. એણે રીતસર ગાડીની દિશામાં દોટ જ મૂકી.

(અમદાવાદ આવીને એ પત્ની આગળ ખૂબ રડયો. જે પાપની કબૂલાત એ તારા સમક્ષ ન કરી શકયો એ કામ પત્ની સમક્ષ કરી બતાવ્યું. એની ગોરી પત્નીએ સજા ફરમાવી : ”ડુ સમ ચેરીટી વર્ક ઇન ધ મેમરી ઓફ ધેટ પુઅર ગર્લ !” અને પ્રેમ પટેલે માત્ર સુખપરના જ નહીં, પણ આસપાસના દસ-બાર ગામનાં છોકરાંઓ માટે અભ્યાસની નોટબુકો છુટ્ટા હાથે વહેંચી, બા-કાયદા આગળના પૂંઠા ઉપર ‘સ્વ. તારા’નો ફોટોગ્રાફ છપાવીને ! સ્પોન્સરશીપના કોઈ પણ જાતના નામોલ્લેખ વગર જ, અબલત્ત ! નામ ન લખવાનું કારણ; થોડી નમ્રતા અને થોડો ડર ! ગામવાળા હજી પેલા પાપીને શોધી રહ્યા છે…!)

Source:

Advertisements
  1. tadvi pravin
    ઓગસ્ટ 6, 2013 પર 12:22 એ એમ (AM)

    vah gujju bhai vah rang rakhyo tame to.

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: