મુખ્ય પૃષ્ઠ > ડો.શરદ ઠાકરની નવલિકાઓ > કેમ કરતાં નસ કપાઈ ? ધોરી નસ ? પ્રશ્નના ઉત્તરમાં તું આવું ન હસ!

કેમ કરતાં નસ કપાઈ ? ધોરી નસ ? પ્રશ્નના ઉત્તરમાં તું આવું ન હસ!

શિશિર મહેતાએ ક્રિઝલેસ કોટનના પેન્ટ ઉપર ઇજીપ્શીયન કોટનની લેમન કલરની જર્સી ચડાવી, પાંચ હજાર રૂપીયાની કિંમતના ઈમ્પોર્ટેડ રીમલેસ ગોગલ્સ ધારણ કર્યા, પછી મોટા કદના આયનામાં નજર ફેંકી. પોતાનું પ્રતિબિંબ જોઈને એને ખુદને ઇર્ષા આવી : ”શું હેન્ડસમ છે સાલ્લો… ?” એ બબડી ઊઠયો : ‘આવી જબરદસ્ત પર્સનાલિટી હોય પછી સ્ટેજની અને મોડલીંગની દુનિયામાં એની સામે બીજું કોણ ટકી શકે ? આઈ એન્વી યુ, મિસ્ટર શિશિર મહેતા… ! આઈ રીયલી એન્વી યુ…. !’

બે ઇંચના પ્લેટફોર્મવાળા વૂડલેન્ડના શૂઝ સાથે છ ફીટ અને ત્રણ ઇંચની હાઈટ લઈને એ બહાર જવા માટે નીકળ્યો, ત્યારે અયના હજુ બાથરૂમમાં હતી. શિશિરે બાથરૂમના બારણા ઉપર હળવેકથી ટકોરા માર્યા : ‘બાય, ડાર્લિંગ ! હું જઉં છું. અન્ડરગાર્મેન્ટની એડૂ માટે હું મોડો પડી રહ્યો છું. અત્યારે તું જે હાલતમાં હોઈશ, લગભગ એવી જ હાલતમાં ચાર-પાંચ મોડલ-ગર્લ્સ મારી રાહ જોઈને પાણીમાં છબછબિયાં બોલાવતી મારી વાટ જોઈ રહી હશે ! સાંજે વહેલો આવી જઈશ… બાય…’

‘યુ શટ અપ…’ બાથરૂમની અંદરથી પત્નીનો રોષભર્યો અવાજ સંભળાયો : ‘અને સાંભળ, બને એટલા રિ-ટેઇકસ ઓછાં કરજે. અને સાંજે પાછો ફરે ત્યારે પૂરા કપડાંમાં પાછો આવજે, એડૂનાં કપડાં એડૂ વખતે જ….’

પણ અયનાની શિખામણ પૂરી થાય એ પહેલાં તો શિશિર બારણું વાસીને નીકળી ચૂકયો હતો. હિમાલય એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલા લકઝુરીઅસ ફલેટમાંથી નીચે ઊતરવા માટે લિફટનો ઉપયોગ કરવાને બદલે શિશિરે દાદરના પગથિયાં ઊતરવાનું શરૂ કર્યું. આ એનો રોજનો ક્રમ હતો. દાદરના ઉપયોગ પાછળ બે કારણો હતાં, એક તો એનાથી શરીરની ચૂસ્તી બરકરાર રહેતી હતી અને બીજું… નીચેના ફલેટમાં રહેતી તિમિર લંગડાની અતિશય રૂપાળી પત્ની લબ્ધિનું અનુપમ લાવણ્ય જોવા મળી જતું હતું. રોજ તો નહીં, પણ કયારેક જ્યારે ફલેટનાં દ્વાર ઉઘાડાં હોય ત્યારે શિશિર અચૂક એ ઘરમાં નજર ફેંકી લેતો. કાં તો લબ્ધિ શાકભાજી સમારતી બેઠી હોય, કાં તો કપડાંની ગડી વાળી રહી હોય, પણ પ્રવૃત્તિ ગમે તે ચાલતી હોય, લબ્ધિનું સૌંદર્ય જોઈને શિશિરની આંખો ‘પવિત્ર’ થઈ જાય !

પણ સાથે પેલો તિમિર પણ હાજર જ હોય. મારો બેટો ભારે નસીબદાર છે ! લબ્ધિ જેવા રૂપાળા ખજાનાનો માલિક આવો કઢંગો હોય ? આ ફલેટમાં રહેવા આવ્યાં, ત્યારે શરૂઆતમાં તો શિશિર આ કજોડાને જોઈને સળગી જ ગયો હતો. એને કેમેય કરીને સમજાતું નહોતું કે કોઈ મુગટમાં શોભે એવો કોહીનૂર હીરો આ કચરાપેટીમાં કયાંથી આવી ગયો ! પછી પત્ની પાસેથી માહિતી જાણવા મળી ત્યારે થોડીક હાશ થઈ.

અયનાએ સામેથી જ વાત કાઢી : ‘લબ્ધિ ગરીબ ઘરની છોકરી હતી અને તિમિરભાઈ બહુ પૈસાદાર હતા.’

‘હં, હવે સમજાયું. બેશૂમાર દોલત સામે રૂપની રાશી હંમેશાં હારતી આવી છે. સંપત્તિ અને સૌંદર્યના કજોડાં સદીઓ પૂરાણી વાત છે. પણ તિમિરના ચહેરાની વાત જવા દઈએ, પણ એના પગનું શું છે ? લબ્ધિ એટલી બધી ગરીબ હતી કે એને બે પગ ઉપર ઊભેલો વર ન મળી શકે ?’

‘તિમિરભાઈ પહેલેથી અપંગ નહોતા. એક કાર એકિસડેન્ટમાં એમનો પગ ગયો. બિઝનેસમાં પણ પછી સહેજ પાછા પડી ગયા. બધું પાર્ટનરના ભરોસે છોડી દેવું પડયું. બંગલો વેચીને આ ફલેટમાં પણ એટલે જ રહેવા આવવું પડયું…’

શિશિર કોઈને ન દેખાય એવું હસ્યો. મનોમન બબડયો પણ ખરો : ‘પહેલાં બંગલો ગયો, પછી બિઝનેસ, અને હવે બૈરી પણ જશે. મને મિત્રો એમ ને એમ શિશિર શિકારી તરીકે નથી ઓળખતા ! કાગડાની કોટે બાંધેલા આવાં તો કંઈક હીરા મેં ઝૂંટવી લીધા. એમાં આ એક હીરો વધારે. લબ્ધિ, તૈયાર રહેજે, હું ત્રાટકું છું….’

પછી બીજા જ દિવસથી શિશિરમાં છુપાયેલો એક શિકારી પુરૂષ કામે લાગી ગયો. એણે કાનૂડાની બંસરી અને કામદેવના ધનૂષ્ય-બાણ ધારણ કર્યાં. એણે કાલિદાસની શૃંગારભરી ઉપમાઓ તાજી કરી અને કાસાનોવાની કરામતો જીવંત કરી. સુંદર સ્ત્રીને રીઝવવાના તમામ શસ્ત્રો એણે ધાર કાઢીને સીમારેખા ઉપર તૈનાત કરી દીધા. આ એક એવું યુદ્ધ હતું જેમાં રૂપની હાર અને પુરૂષની જીત નક્કી હતાં. ઊંચા, મોહક પુરૂષની મીઠી, લોભામણી વાતો આગળ એક અપંગ, કદરૂપા પતિની રંભા જેવી પત્ની કયાં સુધી ટક્કર ઝીલી શકવાની હતી ?!

આજે પણ દાદર ઊતરતાં શિશિર આ જ બાબતનો વિચાર કરી રહ્યો હતો. એણે પહેલા માળે આવીને તિમિર લંગના ફલેટ તરફ જોયું. બારણાં ખૂલ્લાં હતાં. અંદર ગુલાબનો બગીચો અને એનો રખેવાળ બંને મોજુદ હતા. તિમિર સોફામાં બેઠો બેઠો હથેળીમાં તમાકુ મસળી રહ્યો હતો. શિશિરને જોઈને એ હસ્યો. એના પીળા દાંતનું પ્રદર્શન જોઈને શિશિરને લૂગ ચડી ગઈ, ‘આટલે દૂરથી મારી આ દશા થાય છે, તો બાપડી લબ્ધિનું શું થતું હશે ? ખરેખર તો અત્યારે ને અત્યારે લબ્ધિને ખભા પર ઊંચકીને નાસી જવું જોઈએ, પેલો કયાં દોડી શકવાનો છે ?

એણે લબ્ધિની સામે જોઈને લૂચક સ્મિત કર્યું. લબ્ધિએ પણ બદલામાં હોઠ ઉપરથી મીઠાશ વહેતી મૂકી. શિશિર સમજી ગયો કે કેસર કેરી બરાબરની પાકી ગઈ છે, બસ, હવે તોડવાની જ વાર છે.

એ દિવસે શૂટીંગ સમય કરતાં વહેલું પતી ગયું. શિશિર પાસે બે-ત્રણ કલાક ફાજલ હતા. એને થયું કે આ સમય છે, જ્યારે એણે વાવેલી ફસલ લણી લેવી જોઈએ. આ મોકો છે લબ્ધિની ઉપલબ્ધિ પ્રાપ્ત કરવાનો ! એણે અત્યાર સુધી કરેલા વાવેતર ઉપર દ્રષ્ટિપાત કરી લીધો. પચાસેક વારની લબ્ધિના ઘરની મુલાકાતો, તિમિરની હાજરીમાં જ અલબત્ત, પણ તોયે માત્ર લબ્ધિનાં જ ઉપયોગમાં આવે એવી અપાયેલી ભેટસોગાદો, જાણી જોઈને તિમિરની શારિરીક ખોડ તરફ કરાયેલા કટાક્ષો…. ! આ બધું પૂરતું હતું.

એણે મોબાઈલ ફોન પરથી લબ્ધિના ફલેટનો ટેલીફોન નંબર ડાયલ કર્યો : ‘હાય, લબ્ધિભાભી ! કેમ છો ?’

‘અરે, શિશિર ! તમે ? અત્યારે કયાંથી ?’ સામે છેડે લબ્ધિ જ હતી.

‘બસ, શૂટીંગમાંથી હમણાં જ નવરો પડયો. થયું કે લાવ, આજ તો તમારી સાથે કોફી પીવાની મજા માણું.’

‘તો આવોને ઘરે !’

‘ના, આજે તો બસ, એમ થાય છે કે આપણાં બે સિવાય ત્રીજું કોઈ ન હોય, તિમિરભાઈ પણ નહીં.’ શિશિરે સમજી-વિચારીને પાસો ફેંકયો.

‘એ તો હમણાં જ બહાર ગયા. પણ એ ઘરમાં હાજર હોય કે ન હોય, તમારા માટે ફલેટના બારણાં ખૂલ્લાં જ છે ! આવો, આપણે સાથે બેસીને કોફીની ચૂસકી ભરીએ…’

‘હેં ?’ શિશિર નાચી ઉઠયો. એને આ ‘ચૂસકી’ શબ્દમાં એક મોહક નારીનું ગરમાગરમ સાંકેતિક ઇજન વરતાયું.

‘હા, શિશિરભાઈ ! મેં તમને કાયમ મારા મોટાભાઈ જેવા માન્યા છે.’ લબ્ધિએ વિસ્ફોટ કર્યો : ‘તમારા મનમાં મારા માટે સહેજ પણ ગેરસમજ હોય તો એ કાઢી નાખજો. હું તિમિર સાથે પ્રેમ કરીને નથી પરણી, પણ પરણ્યા પછી એને પ્રેમ કરતી થઈ ગઈ છું. અને પગની ખોડને ભૂલી જાવ, બાકી એક પુરુષ તરીકે મારો તિમિર સંપૂર્ણ છે, બલ્કે સવાયો પુરુષ છે. મને કોઈ વાતે અતૃપ્તિ નથી. કદાચ થોડી ઘણી અતૃપ્તિ હોય તો એને હોઈ શકે છે. તમે ઘણા સમયથી લાળ ટપકતી નજરે મારી તરફ જોયા કરો છો, માટે જ આટલી સ્પષ્ટતા કરું છું. માઠું ન લગાડશો. હું બે કપ કોફી બનાવવાની તૈયારી કરું છું…. તમે આવો છો ને, શિશિરભાઈ ?’

શિશિરની દશા પૂતળા જેવી થઈ ગઈ. હવે કશું બોલવા જેવું પણ કયાં રહ્યું હતું ? બહેનના આમંત્રણનો સ્વિકાર કર્યે જ ‘ભાઈ’નો છુટકો હતો ! એણે ‘હા’ પાડી અને મોબાઈલ ફોનની સ્વિચ આઁફ કરી.

નિરાશ વદને અને ભાંગેલા પગે એ કોફી શોપના પગથીયા ઊતરી ગયો. સામેની બાજુ ઝાડ નીચે પાર્ક કરેલી કારમાં બેસીને ગાડી ‘સ્ટાર્ટ’ કરવા જાય છે, ત્યાં જ એની નજર કોફી હાઉસના પ્રવેશદ્વાર ઉપર પડી. એ સ્તબ્ધ થઈને જોઈ રહ્યો. કાચના દ્વારને હડસેલીને બે જણાં બહાર આવ્યાં. એક પુરૂષ હતો અને એક સ્ત્રી. પુરુષ એક પગે લંગડાઈ રહ્યો હતો. બંનેના હાથ એકબીજાના હાથમાં હતા. આટલે દૂરથી પણ દેખાઈ આવતું હતું કે બંને જણાં પ્રેમમાં હતાં…. અને ખુશખુશાલ હતાં… !

અને આટલે દૂરથી એક બીજી વાત પણ દેખાઈ રહી હતી, એ તિમિર હતો અને એની સાથે અયના હતી.

શિશિરના બેય હાથની મુઠ્ઠીઓ વળી ગઈ. એણે દાંત ભીંસ્યા. મનની અંદર હમણાં જ સાંભળેલા લબ્ધિના શબ્દો ઉપસી આવ્યા : ‘અતૃપ્તિ મને નથી, જો હોય તો મારા પતિને હોય ! એ પુરુષ નથી, પણ સવાયો પુરુષ છે !’

શિશિરને આંખે અંધારાં આવી રહ્યાં હતાં : ‘મારો બેટો તિમિરીયો… ! એને છલકાવા માટે બીજું કોઈ નહીં અને મારું જ ઘર મળ્યું… ?’

(દિવ્ય-ભાસ્કર)

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: