મુખ્ય પૃષ્ઠ > ડો.શરદ ઠાકરની નવલિકાઓ > બારસો રૂપિયાને બદલે બાર આના નીકળ્યા,જેમને મોટા ગણ્યા’તા એ જ નાના નીકળ્યા

બારસો રૂપિયાને બદલે બાર આના નીકળ્યા,જેમને મોટા ગણ્યા’તા એ જ નાના નીકળ્યા

ડૉ.સુભાષ શાહે આલમ અંધારિયાની આંખો આધુનિક યંત્ર વડે ઝીણવટથી તપાસી. પછી એ આલમની પત્ની સામે ફર્યા, ‘શું નામ છે તમારું?’

‘ઉલફત. એ મારા હસબન્ડ છે.”સરસ.’ ડૉ.સુભાષે પ્રશંસા કરી, ‘સુંદર નામો છે તમારાં. આલમ અને ઉલફત. નામ સાંભળીને જ પ્રેમમાં પડી જવાય.’

ઉલફતના ગોરા ગોરા ગાલ ગુલાબી થઇ ગયા, ‘અમારાં લગ્ન લવમેરેજ છે, સર. બાય ધી વે, આલમની આંખોમાં શી તકલીફ છે? હમણાં-હમણાંથી એ જૉવામાં અને ઓળખવામાં ખાસી એવી ગરબડો કરતો ફરે છે.’ડૉ.સુભાષ થોડી વાર માટે ઉલફતની સામે તાકી રહ્યા. એમની આંગળીઓ પેનને ગોળ-ગોળ ફેરવતી રહી. પછી એક ઊડો શ્વાસ છાતીમાં ભરીને એમણે કહ્યું, ‘ધ ન્યૂઝ ઇઝ બેડ, મિસિસ અંધારિયા. તમારા પતિની રેટીનામાં અંધારું છવાતું જાય છે. ફકત દસ ટકા જેટલું વિઝન બરયું છે, એ પણ એકાદ મહિનામાં.’

‘ઓહ્ નો! પછી..?’

‘પછી કંઇ નહીં, બસ અંધારી રાત.’

‘એનો કોઇ જ ઉપાય નથી? કોઇ દવા? સારવાર? ઓપરેશન?’

‘કદાચ ના.’ ડૉ.શાહનાં વિધાનો બહુ સ્પષ્ટ હતાં, ‘હું તમને એમ નહીં કહું કે મારો એક-એક શબ્દ તમે જેમનો તેમ સ્વીકારી લો. આ એક ‘રેર’ નિદાન છે. લાખો દર્દીઓમાં એકાદ વાર જૉવા મળે છે. તમે આલમને અમદાવાદ, મુંબઇ કે અમેરિકા લઇ જઇ શકો છો. પણ જ્યાં સુધી મને લાગે વળગે છે, ત્યાં સુધી હું મારા નિદાનમાં મક્કમ છું. આની કોઇ જ સારવાર નથી. આઇ એમ સો સોરી. ઉલફત, તમારા પતિને તમારા સ્નેહની જરૂર છે, સંભાળની જરૂર છે, સહકારની અને તમારા સથવારાની જરૂર છે. ટેક કેર ઓફ હિમ.’

ડૉ.શાહ ભલા હતા, હોશિયાર હતા, પણ આ કિસ્સામાં લાચાર હતા. બંધ બારણાને ખોલી શકાય પણ દીવાલ ઊભી હોય એમાંથી રસ્તો શી રીતે કાઢી શકાય? ડૉકટરે ફીના પૈસા પણ ન લીધા. સારવાર આપી શકાય તેમ ન હતી, એટલે સલાહ આપીને ફરજમાંથી મુકત થઇ ગયા. આટલા સુંદર ‘લવ-કપલ’ની બદકિસ્મતી જૉઇને અફસોસમાં ડૂબી ગયા. મનોમન બબડી રહ્યા, ‘ધીસ ઇઝ જેન્યુઇન્લી એ રેર કેસ. મારે મેડિકલ જર્નલમાં આનો કેસ રિપોર્ટ મોકલવો જ પડશે.’ ડૉ.સુભાષ શાહના સંવેદનશીલ હૈયામાં ઊથલપાથલ મચી ગઇ.

એના કરતાં સો ગણી ઊથલપાથલ આલમ અંધારિયાના પરિવારમાં ઊમટી પડી. ઘરે આવ્યા ત્યારે પ્રથમ સવાલ આલમની વૃદ્ધ થવા આવેલી માએ પૂછ્યો, ‘વહુ બેટા, શું કહ્યું આંખના દાકતરે? મારા આલમને સારું તો થઇ જશે ને?’જવાબ આપ્યા વગર ઉલફત પોતાના બેડરૂમમાં ચાલી ગઇ. થોડીવારની અકળામણ શાંતિ પછી ઉલફત પાછી નીચે આવી, ત્યારે એના હાથમાં એક મોટી સૂટકેસ હતી અને બીજા હાથમાં મોટું પર્સ હતું.

‘ઉલફત, અત્યારે આવા સમયે કયાં જાય છે?’ એના સસરા દિનકરરાયે પૂછ્યું.’જ્યાંથી આવી હતી ત્યાં.’ ઉલફતના અવાજમાં તોફાન હતું, ઉદ્ધતાઇ હતી, બગાવત હતી,’ આલમની આંખોમાં અંધાપો આવી રહ્યો છે. ડૉકટરના મતે એની કોઇ સારવાર નથી. હું આખી જિંદગી તમારા દીકરાની હાથલાકડી બની શકું તેમ નથી. હું મારા પિયારમાં જઇ રહી છું. છૂટાછેડાના કાગળો તમને થોડાંક દિવસો પછી મોકલી આપીશ.’ઘરમાં ખળભળાટ વ્યાપી ગયો. આલમના માથે તો જાણે વીજળી ત્રાટકી! ઉલફતનાં સાસુ દમયંતીબહેન રડી પડયાં, ‘વહુ, જરીક તો દયા રાખો, તમે મારા આલમ સાથે પ્રેમ કરીને આ ઘરમાં..!’

‘મેં દેખી શકતા આલમને પ્રેમ કર્યોહતો, આંધળા આલમને નહીં.”પણ એ તો વિચારો કે આખી જિંદગી એનું ઘ્યાન કોણ રાખશે?’

‘કેમ? તમે છો ને! આલમ તમારો દીકરો છે, તમે સાચવો! હું શા માટે એની પાછળ મારી પૂરી જિંદગી બરબાદ કરું?’

આટલું કહીને ખભા ઉછાળતી, પગ પછાડતી, પોતાની પાછળ નફરતનો ધુમાડો છોડતી ઉલફત ઘર છોડીને ચાલી ગઇ. એનાં ગયાં પછી જ્યારે દસ ટકા જેટલી દ્રષ્ટિ ધરાવતા આલમે કબાટોની ઊલટતપાસ કરી ત્યારે એને ખબર પડી કે ઉલફત શયનખંડમાંની સો ટકા જેટલી કમિંતી ચીજવસ્તુઓ પોતાની સાથે લઇ ગઇ હતી.

આલમને અફસોસ એ વાતનો ન હતો કે ઉલફત ચાલી ગઇ હતી, પણ એનો અફસોસ એ હતો કે ‘પ્રેમ’ નામના શબ્દનું પોતે કરેલું અર્થઘટન સાવ જ ખોટું સાબિત થયું હતું. જેને વફાદાર પ્રેમિકા માની હતી એ પાણીનો પરપોટો પુરવાર થઇ હતી. આથમતી રોશનીના સથવારે આલમ એના ઉજાસભર્યા અતીતને વાગોળી રહ્યો. કોલેજના દિવસો હતા.

જુવાનીના હાકેમ જેવો પોતે હતો અને ખૂબસૂરતીના પર્યાય જેવી ઉલફત હતી. આલમને ખબર ન હતી કે ઉલફતનાં પપ્પાની આર્થિક હાલત બહુ સારી ન હતી. એક દિવસ એનાથી ગફલત થઇ ગઇ, ‘ઉલફત, એક સૂચન કરું? તમે કાયમ વાદળી અને પીળા રંગના જ સલવાર-કમીઝ શા માટે પહેરો છો? ભગવાને તમને ખોબો ભરીને રૂપ આપ્યું છે. તમને તો બધાં જ રંગો શોભે તેમ છે. વ્હાય ડોન્ટ યુ ટ્રાય અધર કલર્સ ઓલ્સો?’ ‘આલમ, મારી પાસે ત્રીજૉ ડ્રેસ નથી.’ ઉલફત નીચું જૉઇ ગઇ હતી.’ઓહ્, સોરી! મને તો ખબર જ ન હતી કે…’

‘નેવર માઇન્ડ. તમે પૈસાદાર બાપાના વારસદાર છો, આલમ! હું ગરીબ મા-બાપની દીકરી છું.’એ દિવસે તો આલમ ચૂપચાપ ચાલ્યો ગયો હતો, પણ બીજે દિવસે કોલેજ છૂટયા પછી એ ઉલફતને ગાડી પાસે લઇ ગયો, ‘આ તમારા માટે છે, ઉલફત.’ એની ગાડીની પાછળ સીટ ઉપર પાંચ નવા પોશાકોની થપ્પી ગોઠવાયેલી હતી. ઉલફતનું હૈયું નાચી ઊઠયું, ‘આ લાંચ તો નથી ને?”ના, ગઇ કાલે મેં આચરેલી ગુસ્તાખીની સજા છે. ‘ એ ક્ષણ પછી આલમ અને ઉલફત પ્રેમમાં પડયાં. આલમના પપ્પા સુખી અને સઘ્ધર હતા. શહેરની બહાર ઠીક ઠીક કહી શકાય તેવો મોટો બંગલો હતો, બજાર વચ્ચે દુકાન હતી. સારી કમાણી હતી. ગાડી હતી અને સુખની સોનેરી જિંદગીમાં સુગંધના ઉમેરણ જેવી રૂપાળી પુત્રવધૂ પણ હવે આવી ગઇ હતી.

પણ અચાનક જાણે એમનાં સુખને કોઇની નજર લાગી ગઇ! આલમની આંખોમાંથી ઉજાસ ઊડી ગયો સાથે જ કુળવધૂ નામે ઝળહળાટ પણ આથમી ગયો. જ્યારે જિંદગીમાં કશું જ બરયું હોતું નથી ત્યારે જ નવી જિંદગીની સાચી શરૂઆત થાય છે. ડૉ.શાહે ભાખ્યું હતું કે આલમની દસ ટકા બચેલી દ્રષ્ટિ પણ એકાદ મહિના પછી લુપ્ત થઇ જશે. મા-બાપ અને દીકરો મસલત કરવા બેઠાં. છેવટનો નિર્ણય આ લેવામાં આવ્યો : એક વાર અમદાવાદ અને પછી જૉ જરૂર પડે તો મુંબઇ જઇ આવવું.

રસ્તો સામે ચાલીને મળવા માટે આવ્યો. ડૉ.સુભાષ શાહ ગાડીમાં બેસીને એમના ઘરે આવી ચડયા, ‘દિનકરભાઇ! દમયંતીબે’ન! તમારા દીકરા માટે ખૂબ સારા સમાચાર લાવ્યો છું. હું આલમની બીમારી વિશે અમારા ઓપ્થેલ્મોજીના મોટા અનુભવી સાહેબો સાથે સંપર્કમાં હતો. મને જે સાહેબે ભણાવેલો છે તે અમદાવાદમાં છે. એમણે આખીયે વાત જાણીને મને ઠપકો આપ્યો. કહ્યું કે ‘તંે શા માટે તારા દર્દીને ખોટું કહીને હતાશ કરી નાખ્યો? તને ખબર નથી કે આ રોગનો ઉપચાર હમણાં જ શોધાઇ ગયો છે? તું એને લઇ આવ. હું તારા દર્દીને ફરીથી દેખતો કરી આપું છું.’ દિનુભાઇ, તમે જરા પણ ફિકર ન કરશો. હું એક અઠવાડિયું દવાખાનું બંધ રાખીને તમારા આલમને લઇને અમદાવાદ જઇશ. મારા માટે આ પ્રાયિશ્ચત પણ હશે અને એક પવિત્ર કાર્ય પણ.’

એક મહિના પછી આલમ સંપૂર્ણ રીતે સાજૉ થઇ ગયો. એની દ્રષ્ટિ પહેલાંના જેવી જ ફરી પાછી તેજ અને સ્પષ્ટ બની ગઇ. માત્ર એક જ નાની સરખી સમસ્યા ચાલુ થઇ ગઇ. પિયરમાં બેઠેલી ઉલફત રોજ દસ-બાર ફોન કરીને ત્રણેયના જીવ ખાધા કરે છે : ‘આલમ! પપ્પા! મમ્મી! મને માફ કરી દો! મેં મોકલાવેલા મારી સહીવાળા ડિવોર્સપેપર્સ ફાડીને ફેંકી દેજૉ. લગ્ન એક પવિત્ર સંસ્થા છે, બે આત્માઓનું મિલન છે, સ્વર્ગમાં રચાયેલું બંધન છે. આલમ, મેં તમને પ્રેમ કરીને પછી લગ્ન કર્યું છે. આલમનો અર્થ થાય છે : દુનિયા અને ઉલફત એટલે ચાહત. તમે સમજવાનો પ્રયત્ન કરો, તમે મારું વિશ્વ છો અને… અને… હું તમારી ચાહત..!’ અફસોસ, ઉલફતને કોઇ ઉત્તર નથી આપતું.

(દિવ્ય-ભાસ્કર)

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: