Archive

Archive for May 10, 2010

પુત્રને પિતાનો પત્ર

અમિતાભ આકાશવાણીની અવાજની પરીક્ષામાં નાપાસ થયા અને આજે એમના અવાજ પાછળ દુનિયા ફિદા છે.

રંજીવી મૌલિક
મજામાં હશે, જોકે મને વિશ્વાસ છે કે મારી અને તારી મમ્મીની એમ બંનેની મજા બગડી જાય છતાં તારી મજાનો વાળ વાંકો થવાનો નથી.

બેટા, તારું નામ મૌલિક પાડવાનું કારણ એવું છે કે ક્યારેક કોઈ નિવેદન કરે કે જગદીશ ત્રિવેદી મૌલિક નથી તો હું છાતી ઠોકીને કહી શકું કે મૌલિકનો બાપ છું. આમ પણ મૌલિક લેખક થવા કરતાં મૌલિકનો બાપ થવું સહેલું છે.

હવે મૂળ વાત ઉપર આવું તો કદાચ તું ભૂલી ગયો હશે પણ મને બરાબર યાદ છે કે તારે આવતી ચોથી માર્ચથી એસએસસીની પરીક્ષા આપવાની છે. જ્યારથી તું ટેન્થમાં આવ્યો છે ત્યારથી તારી મમ્મી ટેન્સમાં આવી છે.

એ તારી સાથે દરરોજ સવારે ચાર વાગે જાગે છે, તને ચા બનાવી આપે છે. પોતે ચા પીતી નથી છતાં તારા પરિણામની ચિંતામાં એકવાર જાગ્યા પછી સૂઈ શકતી નથી. અને તું પાડો તેલ પીવે એમ બાઉલ ભરીને ચા પીવા છતાં વાંચતા-વાંચતા ઊંઘી જાય છે.

દીકરા, મારે તને થોડાં ઉદાહરણ આપવાં છે, બિલ ગેટ્સની ગણતરી દુનિયાના સૌથી વધુ અમીર માણસમાં થાય છે તે બિલભાઈ એમ કહેતા હતા કે હું ક્યારેય એકથી દસમાં આવ્યો નથી પણ રાજ્યમાં પ્રથમ આવેલા ઘણા યુવાનો મારી કંપનીમાં નોકરી કરે છે.

વિદેશીની વાત છોડો, સચિન તેંડુલકર ઠોઠ નિશાળિયો હતો, એટલે તો એકવાર નાપાસ થયો હતો પરંતુ અત્યારે મહારાષ્ટ્રનાં પાઠ્યપુસ્તકમાં સચિનના જીવન વિશેનો પાઠ આવે છે. અમિતાભ બચ્ચનનું બાળપણ અભાવમાં વીત્યું. આકાશવાણીની અવાજની પરીક્ષામાં નાપાસ થયા અને આજે એમના અવાજ પાછળ આખી દુનિયા ફિદા છે.

મુંબઈવાળાની વાત પણ છોડો, મને બીક છે કે મુંબઈનો ઠેકો લીધેલા ત્રણ ઠાકરેમાંથી એકાદ એમ પણ કહી શકે કે મરાઠી સિવાયના લેખકોએ મુંબઈના લોકો વિશે લખવું પણ નહીં, ઠાકરે કરે તે ઠીક. ગુજરાતીની વાત કરું તો પૂ. મોરારિબાપુ જૂની એસએસસીમાં ત્રણ વખત નાપાસ થયા હતા, નિષ્ફળતાની હેટ્રિક કરનાર બાપુ અત્યારે સૌથી સફળ વક્તા છે.

આપણા ધીરુકાકા ઉર્ફે ધીરુભાઈ અંબાણી ખૂબ ઓછું ભણ્યા અને પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ ભરી આપવાનું કામ કરતા કરતા દુનિયાને મુઠ્ઠીમાં ભરવાનું સપનું જોયું અને અત્યારે અનેક લોકોના આદર્શ બની ગયા.

જો બેટા, બિલ ગેટ્સ, તેંડુલકર, અમિતાભ, મોરારિબાપુ અને ધીરુભાઈ તને પારકા લાગતા હોય તો મારો પોતાનો દાખલો આપું. તને બરાબર ખબર છે કે આ તારો બાપ અગિયારમા ધોરણની સ્થાનિક પરીક્ષામાં નાપાસ થયો. બીજીવાર બારમા ધોરણમાં નાપાસ થયો, બે વખત નાપાસ થયા પછી એવી ચોટલી બાંધી કે બે વખત પીએચ.ડી. થયો અને અત્યારે આખી દુનિયામાં હાસ્યના કાર્યક્રમો આપવા જાય છે.

ઉપરનાં ઉદાહરણોનો અર્થ એવો ન કરીશ કે મહાન બનવા માટે નાપાસ થવું ફરજિયાત છે, પરંતુ નાપાસ થયા પછી પણ મહાન બની શકાય છે. શરત એટલી કે જીવતાં રહેવું જોઈએ. ઉપરના લોકોએ નિષ્ફળતા મળ્યા પછી આપઘાત કરી લીધો હોત તો વિશ્વને તેંડુલકર, અમિતાભ, મોરારિબાપુ કે ધીરુભાઈ મળ્યા હોત ખરા?

દીકરા મને તારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે તું પાસ થવાનો નથી. તું નાપાસ થઇશ એમાં તારો જરાપણ વાંક હશે નહીં, બધો વાંક માઘ્યમિક શિક્ષણ બોર્ડનો જ હશે. એણે તને આવડે નહીં એવા સવાલો પૂછ્યા અને પરીક્ષકે સાવ સાચી રીતે પેપર તપાસ્યાં એમાં તારો શું દોષ?

ભૂતકાળમાં રાજાઓ અમુક રાજ્ય ઉપર એક કરતાં વધુ વખત ચડાઈ કરતા હતા. તું રાજા નથી પણ પ્રજા છે એટલે રાજ્ય ઉપર નહીં પરંતુ રાજ્ય પરીક્ષા બોર્ડ ઉપર બીજીવાર ચડાઈ કરજે. મને શ્રદ્ધા છે કે પરીક્ષા બોર્ડ થાકી જશે પણ મારો દીકરો થાકવાનો નથી, અને કદાચ એવું પણ બને કે નાપાસ થવાની લાયકાતને કારણે ભવિષ્યમાં તું મહાન માણસ બની જાય.

આમ પણ દરેક વ્યક્તિને મહાન માણસ તરીકે મરવા કરતાં મહાન પુત્રના પિતા તરીકે મરવાની મજા વધુ આવતી હોય છે. પરીક્ષા કરતાં પ્રારબ્ધ હંમેશાં ચડિયાતું હોય છે.
બસ એજ લિખિતંગ બે વખત નાપાસ થયેલો બાપ.

(દિવ્ય ભાસ્કર)

Advertisements

મિત્ર સાચો છે મજાની ચોપડી

પુસ્તકોનો સાથ હશે તો મને નર્ક પણ સ્વર્ગ જેવું લાગશે : લોકમાન્ય ટિળક

પુસ્તક-પત્ની વચ્ચે ખૂબ તફાવત છે, પહેલો તફાવત એ છે કે પુસ્તક બોલતું નથી અને પત્ની મૂંગી રહેતી નથી. બીજો તફાવત એવો છે કે પુસ્તક બજારમાં અડધી કિંમતે મળે છે, જયારે પત્ની માટે તો પૂરી રકમનો ખર્ચ લગ્ન સમયે કરવો પડે છે. પુસ્તક એકવાર આપણું થઈ ગયા પછી ખર્ચ કરાવતું નથી, જયારે પત્ની આપણને મળી ગયા પછી ખર્ચ અટકતો જ નથી

હું મિત્ર સાચો છે મજાની ચોપડી
જ્ઞાનથી ભરશે તમારી ખોપડી
વાંચવું સારું અને વિચારવું
ચોપડી છે ચો-પડી ઘી ચોપડી – જગદીશ ત્રિવેદી

ચોપડી અથવા તો પુસ્તક છે એ માણસનો એવો મિત્ર છે જે માત્ર અને માત્ર ઉપયોગી થાય છે, અને આજના યુગમાં યોગી થવા માટે લોકો મોંઘીદાટ ફી ભરીને યોગ શીખવા જાય છે, યોગ ચોક્કસ ફાયદો કરે છે, પરંતુ અત્યારના સમયની માગ પ્રમાણે યોગી થવા કરતાં કોઇને ઉપયોગી થવું વધારે યોગ્ય ગણાશે, ત્યારે પુસ્તક એ એવો મિત્ર છે જે નડવાને બદલે માત્ર ઉપયોગી થાય છે.

આપણે ધારીએ ત્યારે એની પાસેથી જ્ઞાનનું અજવાળુ માગી શકીએ અને વાચક જયારે માગે, જેટલું માગે, જયાં માગે ત્યારે પાઠકને ત્યારે, તેટલું અને ત્યાં આપી શકે તો એકમાત્ર પુસ્તક જ આપી શકે.

મેં હમણાં ડો. હરિવંશરાય બચ્ચનની અમર કવિતા ‘મધુશાલા’નો આપણી માતૃભાષામાં સંપૂર્ણ સમશ્લોકી અનુવાદ કર્યો છે, અને આગામી નવમી ડિસેમ્બરની રાતે વરાછા રોડ ઉપર આવેલા સરદાર સ્મૃતિભવનમાં વિશ્વવંદનીય સંત પૂ. રમેશભાઈ ઓઝા (પૂ.ભાઈશ્રી)ના વરદહસ્તે એનું વિમોચન છે એટલે પુસ્તકની વાત યાદ આવી છે.

મેં એકવાર પુસ્તકના ફાયદા વિશે પ્રવચન કર્યું તો મારા મિત્ર અંબાલાલે સ્વભાવ મુજબ રમૂજ કરી કે પુસ્તક અને પત્ની વચ્ચે ખૂબ તફાવત છે, પહેલો તફાવત એ છે કે પુસ્તક બોલતું નથી અને પત્ની મૂંગી રહેતી નથી. બીજો તફાવત એવો છે કે પુસ્તક બજારમાં અડધી કિંમતે મળે છે, જયારે પત્ની માટે તો પૂરી રકમનો ખર્ચ લગ્ન સમયે કરવો પડે છે.

પુસ્તક એકવાર આપણું થઈ ગયા પછી ખર્ચ કરાવતું નથી, જયારે પત્ની આપણને મળી ગયા પછી ખર્ચ અટકતો જ નથી. પુસ્તક અને પત્ની વચ્ચે મહત્ત્વનો તફાવત એવો છે કે પુસ્તકને પસ્તીમાં આપો તો એની અડધી કિંમત ઉપજે છે, જયારે પત્નીને ભંગારમાં આપવાનો વિચાર પણ શકય નથી, અને છેલ્લો તફાવત મજાનો છે કે પ્રવાસમાં પત્ની બદલે પુસ્તકને સાથે રાખી તો ખર્ચ અડધો આવે અને મઝા બમણી આવે, તથા ચાલુ મુસાફરીએ પુસ્તક વાંચતા વાંચતા કંટાળો આવે તો એને બીજાનાં હાથમાં પકડાવીને સૂઇ જઈએ તો ચાલે જયારે પત્ની બાબતમાં એ શકય નથી.

અંબાલાલની વાત કરી છે તો મને મારો પોતાનો એક અનુભવ યાદ આવી ગયો છું. હું આખો દિવસ વાંચતો અથવા લખતો હોઉ એટલે એક દિવસ મારા પત્નીએ ધોખો કર્યોકે પત્ની કરતાં પણ તમે પુસ્તકને વધુ પ્રેમ કરો છો.

આવતે ભવ મારે પત્ની થવું નથી, પરંતુ મારે પુસ્તક થવું છે, આ સાંભળીને મેં તરત જ જવાબ આપ્યો હતો કે ભગવાન, તું જો પુસ્તક થાય તો પંચાગ થજે જેથી દર દિવાળીએ બદલાવી શકાય.

આ બધી ‘ડીબી ગોલ્ડ’ના મારા વહાલા વાચકોને રાજી કરવા માટે વાત કરી, પરંતુ પુસ્તક એ ઉત્તમ મિત્રની ગરજ સારે છે, અને લોકમાન્ય ટિળકને એકવાર કોઇકે પૂછ્યું કે તમને મૃત્યુ પછી નર્કની સજા થાય તો તમે શું કરો?

ત્યારે ટિળક મહારાજે જવાબ આપ્યો હતો કે મને નર્કની સજા થાય તો હું નર્કમાં થોડા પુસ્તક સાથે લઇને જવાની ઇચ્છા વ્યકત કરીશ, કારણ પુસ્તકોનો સાથ હશે તો મને નર્ક પણ સ્વર્ગ જેવું લાગશે.

(દિવ્ય ભાસ્કર)

ક્યાંય તારા નામની તકતી નથી – જગદીશ ત્રિવેદી

ઘણાં સાંકડા દિલનાં દાતાઓ પોતાની જ્ઞાતિની ભોજનશાળામાં દિલ્હીની કોઇ ચાલુ કંપનીના એક સિલિંગ ફેનનું દાન આપે અને પંખાનાં ત્રણે પાંખિયા ઉપર પોતાની ત્રણ પેઢીનાં નામ લખાવે એ વાજબી લાગે છે? પછી એવું બને કે કોઇ સ્વીચ ઓન કરે અને છગનભાઇ, મૂળજીભાઇ અને પિતાંબરભાઇ એમ ત્રણે પેઢી ગોળ ગોળ ફરવા માંડે ક્યાંય તારા નામની તકતી નથી.
સલામ તારી સખાવતને એ હવા – ધુની માંડલિયા

વર્ષો પહેલાં રાજકોટના યાજ્ઞિક રોડ પાસે આવેલી રાજકુમાર કોલેજનું ખાતમુહૂર્ત હતું. આ કોલેજમાં રાજકુમારોને જ પ્રવેશ આપવાનો હોવાથી એનું નામ રાજકુમાર કોલેજ રાખવામાં આવ્યું હતું, અને તેના ખાતમુહૂર્તમાં ઠેરઠેરથી રાજવીઓ પધારે એ સ્વાભાવિક હતું.

અહીં ગાળવામાં આવેલા પાયામાં દરેક રાજા પોતાના વરદહસ્તે એક એક ખોબો ધૂળ નાખે એવો વિધિ હતી. દરેક રાજાએ ધૂળ નાખી પણ જ્યારે જશદણ દરબાર સાહેબ આલા ખાચરનો વારો આવ્યો ત્યારે તેમણે ખોદેલા પાયામાં એક ખોબો ભરીને ચાંદીના સિક્કા નાખ્યા હતા.

આ સત્ય ઘટનાનો પ્રસંગ છે, વિધિ પૂરી થયા પછી કોઇકે પૂછ્યું કે ખાચરસાહેબ આપ આપની મોટાઇ દેખાડવા માગતા લાગો છો, બધા રાજાએ ધૂળ નાખી અને આપે ચાંદીના સિક્કા નાખ્યા. ત્યારે વિનમ્ર દરબાર આલા ખાચર બોલ્યા કે એવું નહીં, હું તો નાનકડા જશદણનો રાજવી છું, આ બધા તો મોટા રાજાઓ છે પણ મે સિક્કા એટલા માટે નાખ્યા છે.

કારણ એક નાનકડાં દાતા તરીકે મારી સુવાસ છે અને દાનવીર થઇને હું ખોબામાં ધૂળ ભરું તો મારી દાતારી લાજે, અને બીજી અગત્યની વાત એ છે કે આ કોલેજમાંથી રાજાઓ તૈયાર થવાના છે પણ એમાંથી અમુક દાનવીર બને એટલે મેં પાયામાં ચાંદીના સિક્કા નાખ્યા છે. સમાજ માત્રને માત્ર રાજકારણીઓ, કલાકારો, ઉધોગપતિઓ, સાહિત્યકારો, દાકતરો, વકીલો, વેપારીઓ અને ખેડૂતોથી ચાલતો નથી, સમાજમાં દાતાની પણ જરૂર પડે છે.

આપણે એટલે જ દીપચંદ ગાર્ડી, સી. યુ. શાહ, એમ. પી. શાહ જેવા દાતાઓને અવારનવાર યાદ કરીએ છીએ, અને દાન કેવું હોવું જોઇએ? દેવાના બદલે લઇને આવીએ તે દાન નથી. મારા પાડોશી રમણકાકા એક આખો દિવસ દેખાયા નહીં, મે પૂછ્યું કે કાલે કયાં ગયા હતા, તો રમણકાકા બોલ્યા કે, રકતદાન કરવા ગયો હતો. મેં આશ્ચર્યથી પૂછ્યું કે, રકતદાનમાં દસથી પંદર મિનિટ થાય, તમે આખો દિવસ શું કર્યુ?

ત્યારે કાકા બોલ્યા કે મેં બે સીસી લોહી આપ્યું એમાં હું બેભાન થઇ ગયો, પછી અઢાર સીસી મને ચઢાવવું પડ્યું. આ ઘટનામાં રહેલા કાકા બે સીસી આપવાને બદલે સોળ સીસી લઇને આવ્યા એને દાન ન કહેવાય. ઘણાં લોકો દાન કરે પણ દાનની રકમ કરતાં વધારે રકમની જાહેરાત કરાવે એ પણ યોગ્ય નથી. લાખ રૂપિયાનું દાન કરીને પછી પાંચ લાખની વાહ વાહ કરાવે તે યોગ્ય નથી, કારણ માણસે દાન પુણ્ય માટે કરવાનું છે અને દાનનો બદલો એને પુણ્યમાં મળી જાય છે.

પછી પ્રશંસા,ખુશામત, સન્માન વગેરે જેવા શબ્દોથી દૂરને દૂર જ રહેવું જોઇએ. ઘણાં સાંકડા દિલના દાતાઓ પોતાની જ્ઞાતિની ભોજનશાળામાં દિલ્હીની કોઇ ચાલુ કંપનીનાં એક સિલિંગ ફેનનું દાન આપે અને પંખાના ત્રણે પાંખિયા ઉપર પોતાની ત્રણ પેઢીનાં નામ લખાવે એ વાજબી લાગે છે?

પછી એવું બને કે કોઇ સ્વીચ ઓન કરે અને છગનભાઇ, મુળજીભાઇ અને પિતાંબરભાઇ એમ ત્રણે પેઢી ગોળ ગોળ ફરવા માંડે, અને તેની આ લેખની શરૂઆતમાં કવિ ધુની માંડલિયાનો શેર ટાંક્યો છે અને તેમાં કવિ હવાને સલામ ભરે છે, કારણ હવાથી મોટું ડોનેશન આ દુનિયામાં કોઇનું નથી. હવા ન હોય તો જગત ઉપર જીવનું ટકી રહેવું શક્ય નથી.

આખી દુનિયાને જીવાડતી હવાએ ક્યાંય પોતાના નામની તકતી મારી નથી. મંગળ મસ્તી એક દાતાએ મંદિર બનાવ્યું તો તેમાં માત્ર હિન્દુઓ જ આવ્યા, મસ્જિદ બનાવી તો માત્ર મુસ્લિમો જ આવ્યા, પછી તેમણે બહુ વિચાર કરીને પચાસ શૌચાલય બનાવ્યા તો તેમાં તમામ જાતિ, ધર્મ અને પ્રદેશના લોકો કોઇપણ જાતના ભેદભાવ વગર આવ્યા.

આમ તમારા દાનનો લાભ દરેક પ્રકારના લોકોને મળે તે પણ અત્યંત જરૂરી છે. સમાજના ખાસ વર્ગ માટે દાન દેવામાં આવે એ દાન નથી પણ ભેદભાવ છે.
– જગદીશ ત્રિવેદી (દિવ્ય ભાસ્કર)

જગદીશ ત્રિવેદી – કયાં મોદી? કયાં મમતા?

માણસ નામનું પ્રાણી બીજા સજીવ કરતાં ઘણી બાબતોમાં અલગ પડે છે. દાખલા તરીકે માણસ અને હાથી વચ્ચે ઘણાં તફાવત છે. જેમાં એક તફાવત એવો છે કે હાથીને મહાવતના અંકુશનો ડર હોય છે અને માણસ હંમેશાં નિરંકુશ હોય છે. માણસ અને રીંછ વચ્ચે એક તફાવત ઉડીને આંખે વળગે એવો એ છે કે માણસની હજામત થાય છે જયારે જંગલમાં હેર કટિંગ સલૂન તથા બ્યૂટીપાર્લરનાં અભાવે રીંછ અનિલ કપૂર જેવા થઇને રહી જાય છે. માણસ અને ઘોડા વચ્ચે એક તફાવત એવો છે કે ઘોડા દોડે ત્યારે પુષ્કળ માણસો ઠેકડાં મારવા નવરાં થઇ જાય છે અને જો માણસો દોડે તો જોવા માટે એક પણ ઘોડો ફરકતો નથી. માણસ અને નાગ વચ્ચે એક તફાવત એવો છે કે નાગ પહેલાં ભાગે છે અને નાછૂટકે જ કરડે છે, જયારે માણસ પહેલાં તો કરડવા મથે છે અને નાછૂટકે જ ભાગે છે.

માણસ અને સજીવ અમાણસ વચ્ચે જુદા-જુદા તફાવત છે પણ એક કોમન તફાવત એવો છે કે માણસ હસી શકે છે જયારે બીજો એક પણ જીવ હસી શકતો નથી. આથી જો કોઇ ગધેડો હસવા માંડે તો માનવું એ માણસ થવા જઇ રહ્યો છે અને જો કોઇ માણસ કયારેય ન હસે તો એ શું થવા જઇ રહ્યો છે એ ફેંસલો વાચક ઉપર છોડું છું.

થોડા દિવસ પહેલાં રતન તાતાએ મોદીને ગુડ એમ અને મમતાને બેડ એમ કહ્યાં જેનો સીધો અર્થ એવો થાય કે ગુજરાતી ‘મ’ એટલે મસીહા અને બંગાળી ‘મ’ એટલે માથા ફોડ. અંબાલાલ કયાંકથી ઉડતા સમાચાર લાવ્યો છે કે રતનભાઇ પોતાની નાજુક નમણી નૂતન કારનું નામ નેનોને બદલે નમો કરવાનું વિચારી રહ્યા છે. નેનોનો સીધો ઉચ્ચાર નાનો થાય છે. નાનામાં નાનો માણસ પણ ખરીદી શકે એ નેનો છે. નાના માણસની નેનોનાં સર્જનમાં માત્ર ઓગણત્રીસ વરસનાં ગિરીશ વાઘનો સિંહફાળો છે અને નેનોને ગુજરાત સુધી લઇ આવવામાં વડોદરાનાં પૂર્વ કલેકટર રાજીવ ટોપનોએ ટોપ લેવલની ભૂમિકા ભજવી છે.

સ્ત્રીની બુદ્ધિ કયારેય પગની પાનીએ હોતી નથી પરંતુ મગજમાં જ હોય છે પણ સ્ત્રીનો સ્વભાવ છે કે બુદ્ધિ અને પૈસા જયાં સુધી પતિના વપરાય ત્યાં સુધી પોતાના વાપરવા નહીં જો મમતા બેનરજીએ પોતાની અક્કલ અમુક વરસે ડબલ થાય તે માટે ફિકસ ડિપોઝિટમાં ન મૂકી હોત તો અત્યારે સમય આવ્યો હતો ત્યારે વાપરી શકયાં હોત. પ્રગતિબહેન સામે ચાલીને નેનોમાં બેસીને બંગાળને મળવા ગયાં ત્યારે બેનરજીબહેન બાથ લેવા જતાં રહ્યાં તેથી પ્રગતિબહેનને બથ ભરી શકયાં નહીં. વિકાસભાઇ ખુદ હાથમાં કંકાવટી લઇને ચાંદલો કરવા આવ્યા ત્યારે બેનબા ફેસીયલ કરાવવા જતાં રહ્યાં ત્યારે બરાબર લાગ જોઇને નરમાં ઇન્દ્ર જેવા આપણા મુખ્યમંત્રીએ પોતાની ડોક જિરાફની માફક લાંબી કરીને ચાંદલો પોતાના કપાળે કરાવી લીધો. ગુજરાતના સી.એમ.ના ભાલ ઉપર થયેલું તાતાનું કુમકુમ તિલક આખા રાજયની શોભા વધારશે.

– જગદીશ ત્રિવેદી (દિવ્ય ભાસ્કર)

જગદીશ ત્રિવેદી – જનતાથી મોટો કોઇ જજ નથી

જે લોકો સારું સાહિત્ય લખી શકતા નથી તથા સુંદર મૌલિક લખાણને વાંચીને વધાવી શકતા નથી તે લોકો વિવેચક બનીને સરળ ભાષામાં સર્જાયેલી સાહિત્યકૃતિનું અઘરામાં અઘરા શબ્દો વડે મૂલ્યાંકન કરી શકતા હોય છે.

મને કોઇ નિણાર્યક કે વિવેચક સાથે વાંધો નથી પણ આ વાત એટલા માટે લખું છું, કારણ કે થોડા દિવસો પહેલાં હું એક ગુજરાતી ટી.વી. ચેનલની નવોદિત હાસ્ય કલાકરો માટેની સ્પાર્ધામાં નિણાર્યક તરીકે જઇ આવ્યો છું અને હાસ્યના ક્ષેત્રમાં હું પોતે નવોદિત હોવા છતાં જૂનોદિત હોવાનો સફળતાથી ડોળ કરીને સુખરૂપ ઘરે પહોંચી ગયો છું.

ત્રીજી ઓગસ્ટથી દર અઠવાડિયે એક કલાક સુધી રજૂ થનારા આ કાર્યક્રમમાં તદ્દન નવા કલાકારો, બ્રાન્ડ ન્યુ જૉકસનો ખજાનો લઇને રજૂ થવાના છે. આશરે પાંચસો નવા ચહેરાઓને સાંભળીને પચાસને પસંદ કરવાના હતાં. આ પ્રસંગે થયેલી સાવ સાચી રમૂજૉમાંથી થોડી અહીં ઉતારું છું.

એક કલાકારને રજૂઆત માટે અંદર બોલાવ્યો તો અમારા સૌના આશ્ચર્ય વરચે એ તાજી ખરીદેલી સૂટકેસ ઉઘાડી, મદારી જેમ કરંડિયામાંથી નાગ કાઢે એમ એણે લેંઘો બહાર કાઢયો. ત્યાર પછી ચટ્ટાપટ્ટાવાળી ચડ્ટીનું વિમોચન કર્યું, એ પણ કયારેય પહેરાઇ ન હોય એવી કોરી કટ્ટ હતી.

એવું જ અબોટ ગંજીફરાક, તદ્દન નવો હાથરૂમાલ, આ બધું જૉઇને મારાથી પુછાઇ ગયું કે ભાઇ તમે જૉકસ કહેવા આવ્યા છો કે કપડાં વેચવા આવ્યા છો? ત્યારે એ અખંડ બુદ્ધિશાળી બોલ્યો કે ગયા મહિને ઓડિશન માટે આવ્યો ત્યારે પ્રોડયુસર કહેતા હતા કે કુછ નઇ ચીજે લેકર આઓ.

વડોદરા શહેરના હાથીસાહેબ પાંસઠ વર્ષે હિંમત કરીને નવોદિત હાસ્ય કલાકાર તરીકે રજૂ થયા, તેમણે કહ્યું કે મારાં પત્નીની પિયરની અટક માંકડ છે. મદનિયામાંથી હાથી બનતાં હાથીના બરચાને પણ વરસો લાગે છે જયારે મારી પત્ની એક જ દિવસમાં માંકડમાંથી હાથી બની ગઇ.

એક સ્પર્ધકને મેં કહ્યું કે એક મહિના અગાઉથી ફોન કરીને જણાવ્યું હતું કે તમે તદ્દન નવા ટૂચકાઓ તૈયાર કરીને લાવજૉ છતાં તમે ચવાઇને ચૂંથો થઇ ગયેલી રમૂજૉ અમારા માથામાં શા માટે મારી છે? ત્યારે એ બોલ્યો કે મારા ઉપર ફોન આવ્યા પછી પચીસ દિવસ સુધી મેં એમ જ માન્યું કે કોઇ મિત્રએ મારી મશ્કરી કરી લાગે છે, મારામાં એવું શું છે કે મને ટી.વી.વાળા ફોન કરે? પાંચ દિવસ પહેલાં અજયભાઇનો ફરીથી ફોન આવ્યો ત્યારે લાગ્યું કે એ લોકોએ મારામાં વિશ્વાસ મૂકવાની ખરેખર ભૂલ કરી લાગે છે, પાંચ દિવસમાં નવા જૉકસ તૈયાર થાય નહીં એટલે તમે જાણીતા કલાકારો વરસોથી જે એકના એક વાસી જૉક ફટકારો છો એ ગોખીને લાવ્યો છું. એક કલાકારે કહ્યું કે હું ઓડિશન માટે નીકળતો હતો અને મારી પત્ની ઇન્સ્યુરન્સની ફાઇલો ખોલીને પોલિસીઓ જૉતી હતી, મેં કહ્યું કે મને શુભેરછા આપવાને બદલે પોલિસીઓ શા માટે ઉથલાવે છે? ત્યારે બોલી કે તમે રથયાત્રાના દિવસે અમદાવાદ જાવ છો એટલે.

એક એપિસોડના અંતમાં નિણાર્યક તરીકે પ્રતિભાવ આપતા મેં રમૂજ કરી કે મારા દીકરાએ મને પૂછ્યું કે પપ્પા, કળિયુગ આવી ગયો છે એનું પ્રમાણ શું? ત્યારે મેં જવાબ આપ્યો કે હાસ્ય કલાકારોની સ્પર્ધામાં જગદીશ ત્રિવેદી નિણાર્યક હોય એનાથી મોટં પ્રમાણ કયું હોઇ શકે? કોઇ પણ ક્ષેત્રમાં જનતાથી મોટો કોઇ જજ નથી, જનતાથી મોટો જજ પણ છે, પરંતુ એ ત્રિવેદી જગદીશ નથી પણ ભગવાન જગદીશ છે.

– જગદીશ ત્રિવેદી  (દિવ્ય ભાસ્કર)

લક્ષ્મી રમવા નીકળી છે

એક દિવસ હું એક સિગ્નલ ઉપર લાલમાંથી લીલી લાઈટ થાય એની રાહમાં ઉભો હતો. એમાં એક ભિક્ષુકે આવીને કહ્યું કે પાંચ રૂપિયા આપો, મેં તરત જ ખિસ્સામાંથી પાંચની નોટ બહાર કાઢી. હું જમણા હાથે પાંચ રૂપિયાનું દાન કરી રહ્યો હતો ત્યારે મારો ડાબો હાથ મારી ઇરછા વિરુદ્ધ આગળ વધીને પોતાના ભાઇને રોકવા માગતો હતો. મારો ડાબો મારા જમણાને પકડી પાડે એ પહેલાં મેં ઉતાવળ કરીને પાંચ રૂપિયા પેલા ભિખારીને આપી દીધા.

એ સમયે દેવો કોઇ અગત્યના કામમાં વ્યસ્ત હશે એટલે એમણે આકાશમાંથી મારા ઉપર પુષ્પવૃષ્ટિ ન કરી બાકી સદરહુ દાન મારા હાથે થયેલું મોટામાં મોટું દાન હતું. હું પેલાને પાંચ રૂપિયા આપું પછી જ સળગવાની હોય એમ ગ્રીનલાઇટ તરત જ સળગી ઠી. હું રવાના થયો, ઘડીક તો મને એમ થયું કે હું દાનેશ્વરી કર્ણ છું અને મારી સાથે પોતપોતાનાં વાહનોમાં આવે છે એ મારી રૈયત છે.

આગળના ચાર રસ્તા ઉપર પણ સિગ્નલ બંધ હતું. મેં બ્રેક મારી. ત્યાં બીજૉ એક ભિખારી દોડતો મારી પાસે આવ્યો અને બોલ્યો કે મને પણ પાંચ રૂપિયા આપો. આ સાંભળીને હું વિચારમાં પડી ગયો. મેં ભિખારીને કહ્યું કે આજે ભલે બરબાદ થઇ જવું પડે છતાં તને પણ પાંચ રૂપિયા આપવા છે, પરંતુ મને પહેલા એ કહે કે તને ખબર કેમ પડી કે આ અગાઉના સિગ્નલ ઉપર મેં કોઇને પાંચ રૂપિયા જેવી માતબર રકમનું ડોનેશન આપ્યું છે? ત્યારે ભિખારી બોલ્યો કે એનો મારા ઉપર મોબાઇલ આવ્યો છે.

રસ્તા પરથી મારો કલમકેમેરો હવે રમતના મેદાન ઉપર જાય છે. મોહાલી શહેરના પંજાબ ક્રિકેટ એસોસિયેશન મેદાન ઉપર મુંબઇ ઇન્ડિયન્સ અને કિંગ્ઝ ઇલેવન પંજાબની ટીમ વરચે મેચ રમાઇ રહી છે. ઝાકમઝોળ રોશનીમાં ચિયર્સગલ્ર્સ નાચી રહી છે. આ છોકરીઓનાં કપડાં ઉપરથી લાગે છે કે મોંઘવારી ભરડો લઇ ગઇ છે. ઉધોગપતિઓ અને હીરો-હિરોઇન બધાં ક્રિકેટના ‘ક’ની ખબર પડતી નથી છતાં તાલીઓ વગાડે છે. અંતે મેચ પૂરી થાય છે. હરભજન પોતાના સાથી ખેલાડી શ્રીસંતને હરીફ ગણીને ત્રણ કરોડના ખર્ચે થપ્પડ મારે છે.

અહીંથી આપણે હવે હોસ્પિટલમાં જવાનું છે જયાં એક બાપ એની દીકરીને લઇને આવ્યો છે. એની ફરિયાદ એવી છે કે દીકરી વધતી નથી. દાકતરે કેસપેપર ઉપર પેશન્ટનું નામ વાંરયું તો માનવતા હતું. અનુભવી તબીબે તરત જ કહ્યું કે તમારી દીકરીને દવાની જરૂર નથી માત્ર નામ બદલી નાખો.

અત્યારે વિશ્વમાં જે હવા ચાલે છે એ જોતા માનવતાનો વિકાસ થવાની શકયતા ઘણી ઓછી છે. તમે રાશિ બદલવા ન માગતા હોય તો તમારી દીકરીનું નામ માયા, મમતા, મનીષા કંઇ પણ રાખી શકો છો. અત્યારે માયા વધશે, મમતા વધશે, મનીષા વધશે પણ માનવતા વધવાની નથી. તમારે તમારી દીકરીનો સુમો પહેલવાન જેવો વિકાસ કરવો હોય તો એનું નામ મોંઘવારી રાખો, દિવસે બે ગણી રાતે ચાર ગણી વધશે.

ઉપરની ત્રણ ઘટના આજે એટલા માટે યાદ આવી કારણ કે રાજય સરકાર દેખાવો કરીને કહે છે કે મોંઘવારી માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે, અને જયોર્જ બુશ તો એમ કહે છે કે વિશ્વમાં અનાજની તંગી માટે હિન્દુસ્તાન જવાબદાર છે. જયારે હકીકત એવી છે કે વિશ્વમાં ગતા કુલ ઘઉંના ત્રીજા ભાગના ઘઉં એકલો હિન્દુસ્તાન ઉગાડે છે.

અમેરિકાના વિદેશપ્રધાનની અટક રાઇસ હોવા છતાં એમને કદાચ ખબર નથી કે આખી દુનિયામાં થતા રાઇસના કુલ ઉત્પાદનના ચોથા ભાગના ચોખા માત્ર ભારતમાં પાકે છે. ભારત અનાજની આયાત કરતો નથી પણ નિકાસ કરે છે અને તમારા અમેરિકામાં કપડાંમાં પણ સમાતા નથી એવા અદોદરા અમેરિકનો ખાય છે એનાથી વધુ તો ફેંકી દે છે, અને અમેરિકનોએ બગાડ કરેલા અનાજમાંથી એક આખો દેશ ધરાઇ જાય તેમ છે.

જે દેશના ભિખારી પાસે સેલફોન ખરીદવાના રૂપિયા હોય, મહેન્દ્રસિંઘ ધોનીને એક જ ટુર્નામેન્ટમાં યથાશકિત રમવાના છ કરોડ રૂપિયા મળવાના હોય, જે ટુર્નામેન્ટમાં અર્ધનગ્ન નૃત્ય માટે યુવતીને નેવું લાખ રૂપિયા મળવાના હોય, એ દેશને હવે સંસ્કાર અને સાદગીનો દેશ કહેવાની ભૂલ કરશો નહીં.

આપણા વિનુ માંકડ, પોલી ઉમરીગર, વિજય મર્ચન્ટ, સી.કે.નાયડુ કે બાપુ નાડકણa જેવા અસંખ્ય ક્રિકેટરો શિસ્ત અને રાષ્ટ્રપ્રેમથી આખી જિંદગી રમ્યા અને જે રકમ ન મળી તે અત્યારના જાહેરાતિયા, નખરાંબાજ અને ક્રોધી ક્રિકેટરોને એક જ મેચમાં મળી જાય છે, અત્યારે આઇ.પી.એલ.માં ક્રિકેટરો રમતા નથી પણ ધનિકોની લક્ષ્મી રમવા નીકળી છે.

(દિવ્ય ભાસ્કર)

પેટ્રોલ બચાવો સાઇકલ ચલાવો

સિંહણ જેમ બોડમાંથી મોઢું બહાર કાઢે એમ મોંઘીભાભીએ ‘દિવ્ય ભાસ્કર’માંથી ભોડું બહાર કાઢીને પોતાના શિયાળ જેવા ઓશિયાળા પતિને કહ્યું કે મારે સાઇકલ લેવી છે. આ સાંભળી પગથી માથા સુધી થર્મોમિટર જેવી સમથળ દુબળાઇ ધરાવતાં ગુલામ જેવા ધણીના શરીરમાંથી સાડા પાંચ જેટલા રિચર સ્કેલની ધ્રુજારી છૂટી ગઇ, છતાં બિચારો બળપૂર્વક બોલ્યો કે તારે સાઇકલ શું કરવી છે? પાતળિયા પતિનો પારદર્શક પ્રશ્ન સાંભળીને જાડી તથા જોરાળી જોરૂ બોલી કે આજના છાપામાં લખ્યું છે કે રોકેટ બનાવનારા આદિમૂર્તિ રોજ સાઇકલ ઉપર ઓફિસે જાય છે.

જો રોકેટ બનાવનારા સાઇકલ ચલાવી શકે તો રોટલી બનાવનારા કેમ ન ચલાવી શકે? આ સાંભળી અંબાલાલ બોલ્યો કે જીવ સાઇકલ ચલાવે તો સારું લાગે પણ તારા જેવો જમ્બો સાઇઝનો જીવડો સાઇકલ ચલાવે તો સાઇકલ અને સમાજ બંનેનું પર્યાવરણ જોખમાય. જો તું સાઇકલ ચલાવીશ તો પેટ્રોલ બચશે પણ આપણી સોસાયટીનાં બાળકો બચશે નહીં, કારણ તને જીભ અને કાતર ચલાવતાં આવડે છે પણ સાઇકલ કે ઘર ચલાવતાં આવડતું નથી. તું સાઇકલ ચલાવી લે પણ સાઇકલ આવો જુલમ ચલાવી લે એવું માનવામાં આવતું નથી.

એક બેંક મેનેજરે દરરોજ મોડા આવતા પટાવાળાને રોજ મોડા પડવાનું કારણ પૂછ્યું તો પટ્ટા વગરનાં પટાવાળાએ કહ્યું કે ચાલીને આવું છું એટલે મોડું થાય છે. મેનેજર બોલ્યા કે કાલથી સાઇકલ લઇને આવજે. પેલો બીજા દિવસે દરરોજ કરતાં વધારે મોડો આવ્યો. મેનેજરે કારણ પૂછ્યું ત્યારે બોલ્યો કે સવારમાં પહેલા તો પાડોશી પાસે સાઇકલ માગી. પાડોશી બોલ્યો કે જીવ આપું પણ સાઇકલ નહીં આપું, એટલે મેં કહ્યું કે સાઇકલ નહીં આપે તો જીવ આપવો જ પડશે એના કરતાં સાઇકલ આપી દે. એની સાથે બથોબથ બાઝ્યો, માંડ માંડ પરાણે સાઇકલ પડાવીને નીકળ્યો પણ ટ્રાફિકમાં સાઇકલ દોરીને આવતાં વાર તો લાગે જ ને? મેનેજર બોલ્યા કે તેં સાઇકલ દોરી શા માટે? ચલાવીને ન અવાય? ત્યારે પટાવાળો બોલ્યો કે મને સાઇકલ આવડતી જ નથી. આ તો તમે આદેશ કર્યો કે કાલથી સાઇકલ લઇને આવજે એટલે જીવના જોખમે પણ સાઇકલ લઇને આવ્યો.

હું અને અંબાલાલ પાંચ-સાત વરસની ઉંમરે અમે ફોર વ્હીલ ચલાવતા હતા. આ ફોર વ્હીલ એટલે ચાર પૈડાવાળી સાઇકલ. સાઇકલના પાછળના વ્હીલની ડાબે તથા જમણે એક-એક નાનકડાં વ્હીલ આવતાં જે અમને ઢોળાઇ જતાં રોકતાં હતા. આવી ફોર વ્હીલ સાઇકલ આખા ગામમાં માત્ર હૈદરમામા પાસે હતી. હું મોસાળમાં મોટો થયો હોવાથી આખા ગામના દરેક કોમના પુરુષોને મામા કહેતો. હૈદરમામાએ ફોર વ્હીલ સાઇકલ શિખાઉ છોકરાંઓને ભાડે આપવા માટે સરળ હપ્તે વસાવી હતી. સરળ હપ્તે એટલે પહેલા બે મોટાં વ્હીલ, પછી બે નાનાં વ્હીલ, પછી હેન્ડલ એમ ખરીદી હતી.

હપ્તે હપ્તે તૈયાર થયેલી સદરહુ સાઇકલ એક કલાક ફેરવવી હોય તો આઠ આના જેવું ભાડું ચૂકવવું પડતું હતું પરંતુ ખાસ તહેવાર સિવાય મારી ચડ્ડીમાં ખિસ્સામાં આઠ આના જેવી માતબર રકમ તો કયાંથી હોય? આથી સાઇકલભાડાના ગંજાવર ખર્ચને પહોંચી વળવા માટે હું અને અંબાલાલ ચાર-ચાર આનાનું રોકાણ કરીને ભાગીદારીમાં સાઇકલ જેવું વટવાળું વાહન ભાડે કરી લેતા. ત્યારબાદ વધારે ચલાવવા માટે ઝઘડતા. ગમે તેટલો પરસેવો વળે, થાક લાગે, ગમે તેવું કામ અટકતું હોય, અરે ઘણી વાર તો કુદરતી હાજત રોકીને પણ સાઇકલને કલાક સુધી સતત ફેરવતાં. પાંચ-દશ મિનિટ વધારે ચલાવવા માટે હૈદરમામા સાથે ઘડિયાળ સંબંધી રકઝક કરતા હતા.

‘દિવ્ય ભાસ્કર’માં સમાચાર છે કે આદિમૂર્તિની માફક કોઇ નારાયણ નામના કવિ પણ સાઇકલ લઇને જાય છે. જોતજોતામાં આપણે કેટલાં સમૃદ્ધ થઇ ગયા? અત્યારનો કવિ સાઇકલ ચલાવે તે વાત સમાચાર બની જાય છે. દલપતરામ, કાન્ત કે મિન પિયાસીના સમયમાં કવિ પેટ્રોલથી ચાલતું વાહન ચલાવે તે વાત સમાચાર બની જતી. કુદરતની સાઇકલ સુરક્ષિત રાખવા વહેલામાં વહેલી તકે વિશ્વ આખું સાઇકલ ચલાવતું થઇ જાય એવી શુભેરછા

(દિવ્ય ભાસ્કર)