મુખ્ય પૃષ્ઠ > તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા > ચંપકલાલની લાચારી – તારક મહેતા

ચંપકલાલની લાચારી – તારક મહેતા

[લોકપ્રિય હાસ્યલેખક શ્રી તારકભાઈની સુપ્રસિદ્ધ કૉલમ ‘દુનિયાને ઊંધા ચશ્માં’ પરથી બનેલ હાસ્ય ધારાવાહિક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સોની-સબ ટી.વી પર સોમથી ગુરુ રાત્રે 8.30 વાગે પ્રસારીત થઈ રહી છે જે વાચકમિત્રોની જાણ માટે.  ચિત્રલેખાના સૌજન્યથી પ્રકાશિત પ્રસ્તુત લેખ માટે પરવાનગી આપવા બદલ શ્રી તારકભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 79 26302647 સંપર્ક કરી શકો છો. (કાર્યક્રમની વધુ માહિતી માટે જુઓ : http://www.sabtv.com/shows/shows_inside.php?id=45)%5D

મુંબઈનો ઉનાળો અકળાવી નાખનારો છે. બફારાને લીધે આખો દહાડો પરસેવાના રેલા નીતર્યા કરે છે. સવારે પહેરેલાં કપડાં બપોર સુધીમાં પરસેવાથી ગંધાતાં થઈ જાય છે. લોકોને બેસવા કે ઊભા રહેવાની શું, ટ્રેનમાં ઘૂસવાની જગા મળતી નથી. ડબ્બામાં છત પર લટકતા પંખા પોતાનું મોં વકાસીને આમથી તેમ ઘુમાવી પેસેન્જરોની દશા જોતા રહે છે. પંખા પણ પરસેવે રેબઝેબ હોય છે. પેસેન્જરોનાં શરીર એકબીજાં સાથે એટલાં ભીંસાય છે કે આજુબાજુના પેસેન્જરોના પરસેવાની દુર્ગંધ પોતાના શરીરમાંથી આવતી થઈ જાય છે. મુંબઈના રસ્તા એથીય બદતર હાલતમાં છે. વરસાદ પહેલાં ગટર સાફ કરવાનું સુધરાઈને ઝનૂન ચડ્યું છે. બધે ખોદકામ ચાલી રહ્યાં છે. વાહનો એકબીજાના બમ્પર સૂંઘતાં સૂંઘતાં ગોકળગાયની ગતિએ ચાલે છે. કારમાં બેઠેલો માણસ ઘણી વાર પગે ચાલતા માણસોની ઈર્ષ્યા કરતો થઈ જાય છે.

ઑફિસમાંય ચેન નથી. મારા બેમાથાળા બૉસના દસ-બાર લાખ શૅરબજારની અફડાતફડીમાં ડૂબી ગયા છે એટલે એમની કમાન સતત છટકેલી રહે છે. ગલીમાં રખડતા ડાઘિયા કૂતરાની જેમ એ બધા સામે વડચકાં ભરતાં રહે છે. ઑફિસેથી છૂટીને બસમાં પણ એ જ રામાયણ. બળદગાડાની માફક ચાલતી બસમાં બારી પાસે જગા મળે તો નાકમાં ધૂળ અને ધુમાડા જાય. ઊભા રહેવું પડે તો આખી બસ રેતી, સિમેન્ટ અને કાંકરાનું મિશ્રણ કરતાં પેલાં મશીન જેવી લાગે. સાંજે ઘેર પહોંચતાં સુધીમાં એવા નિચોવાઈ જવાય છે કે સોફા પર ફસડાઈને બેસી પડ્યા પછી ટીવીના રિમોટનું બટન દબાવવાની તાકાત રહેતી નથી. જમ્યા પછી જરા સારું લાગે છે.

એક રાત્રે જમ્યા પછી હું ટીવીમાં ભારત-વેસ્ટઈન્ડિઝની મૅચ જોતો બેઠો હતો. સહેવાગને ઊંઘમાં ઊભાં ઊભાં સાતમી વખત હવામાં બૅટ વીંઝતો જોયા પછી મને પણ એની ઊંઘનો ચેપ લાગી રહ્યો હતો. ત્યાં જ બારણું ખખડ્યું. અમારાં શ્રીમતીજીએ બારણું ખોલ્યું કે તરત જેઠાલાલ પાછળ મારકણો સાંઢ પડ્યો હોય એમ ધસી આવ્યા. હું સોફામાં બેઠો થઈ ગયો.
‘મહેતાસાહેબ, આફત થઈ ગઈ.’
‘એ તો તમને જોઈને જ હું સમજી ગયો.’ મેં ટીવી ઓલવતાં કહ્યું, ‘હવે મને કહેશો કે પાછું શું થયું ?’
‘ડોસા….’
‘કેમ, તમારા બાપુજીને કંઈ થયું ?’ એકસાથે અનેક અશુભ અટકળો કરતાં મેં પૂછ્યું.
‘ડોસા હજી ઘેર નથી આવ્યા.’ કાંપતે અવાજે જેઠાલાલ બોલ્યા.
‘ક્યાં ગયા છે ?’
‘રોજની જેમ સાંજે પાંચ વાગ્યે ફરવા જાઉં છું કહીને ગયા છે. નવ વાગવા આવ્યા તોય પત્તો નથી.’
‘એમનો સરસામાન તો ઘરમાં જ છે ને ?’
‘એટલે ?’
‘એટલે એમ કે તમારી સાથે ઝઘડીને ડોસાએ કંઈ ગાડી તો નથી પકડીને ?’
‘ના રે ના, એમ એ કંઈ ગામભેગા થઈ જાય એવી કાચી માયા નથી. એ તો મને ગાડી પકડાવે એવા છે.’ જેઠાલાલે ધોતિયામાં નાક સીકડતાં કહ્યું.
‘કંઈ સિનેમા-બિનેમામાં બેસી ગયા હશે.’
‘ના મહેતાસાહેબ, એમને આંખે કાચું છે, એકલા એકલા એ ક્યાંય ઘૂસે એમ નથી. અંધારું થાય એ પહેલાં તો એ ઘેરભેગા થઈ જાય છે.’
‘રસ્તામાં કોઈ ઓળખીતું ભેટી ગયું હશે.’
‘અરે ભાઈસા’બ, રસ્તામાં હું ભેટી જાઉં તો મને પણ એ ઓળખે નહીં એમ ચાલ્યા જતા હોય છે. મને તો મહેતાસાહેબ, ફડકો પડી ગયો છે કે ક્યાંક એમને એક્સિડન્ટ-બેક્સિડન્ટ ન થયો હોય. મેં ટપુડાને પણ દોડાવેલો, એ પણ કલાક બધે જોઈ આયો, પણ ક્યાંય કંઈ ડોસાની એંધાણી નથી.’

જેઠાલાલની વાત સાંભળીને હું પણ ચિંતામાં પડી ગયો. એમના પિતા ચંપકલાલ અવારનવાર અણધારી આફતો ઊભી કરતા હતા, પણ એ પોતે એકાએક ક્યાં અલોપ થઈ ગયા એ જબરું રહસ્ય બની ગયું. જો કે મુંબઈની માયાજાળ એવી છે કે ભલભલા ગાયબ થઈ જાય. વિવિધ અટકળોને અંતે હું અને જેઠાલાલ એવી તારવણી પર આવ્યા કે ચંપકલાલને જરૂર ક્યાંક અકસ્માત થયેલો હોવો જોઈએ. ચંપકલાલની આંખે કાચું દેખાતું એટલે ઘરમાં હરતાં-ફરતાંય નજીવા અકસ્માતના ભોગ તો એ બનતા જ હતા. આજે કોઈ વાહનની અડફેટમાં આવી હૉસ્પિટલમાં પડ્યા હશે એવી અમને દહેશત જાગી.

તાત્કાલિક અમે અમારા લત્તાના પોલીસસ્ટેશનને પહોંચ્યા. ટપુના ઉધમાતોને કારણે પોલીસ સ્ટેશનના અમલદારો, હવાલદારો અમારાથી પરિચિત હતા. ચામાં માખી પડે ને માણસનું મોં બગડે એમ અમારા પ્રવેશ સાથે આખા પોલીસસ્ટેશનનું મોં બગડી ગયું. જેઠાલાલે એમના પિતા ચંપકલાલ ગુમ થયા છે એવું નિવેદન કર્યું ત્યારે ઘડીભર તો પોલીસસ્ટેશનમાં એવું તો હર્ષનું મોજું ફરી વળ્યું કે અમને એમ જ લાગ્યું, કદાચ પોલીસ ઈન્સ્પેક્ટર મીઠાઈ વહેંચશે, પણ જેઠાલાલનું દુ:ખી ડાચું જોઈ ઈન્સ્પેક્ટરે પોતાનો આનંદ અંકુશમાં લઈ લીધો અને અકસ્માતને લગતી યાદી મગાવી. અમારા લત્તામાં તો એવો કોઈ એક્સિડન્ટ થયો નહોતો. ઈન્પેક્ટરે માનવતાનું એક પગથિયું ઉપર ચઢી આસપાસનાં બીજાં સ્ટેશનોનો પણ સંપર્ક સાધ્યો. જ્યાં એક્સિડન્ટ થયા હતા ત્યાં ચંપકલાલ જેવી કોઈ વ્યક્તિ ઈજા પામી નહોતી.

જેઠાલાલ અને હું એકબીજાની સામે પ્રશ્નાર્થ ચિહ્નની જેમ જોઈ રહ્યા. ત્યાં ઈન્સ્પેક્ટરે સલાહ આપી કે ઘણી વાર એવા એક્સિડન્ટ બને છે કે જે પોલીસને ચોપડે નોંધાતા નથી. લોકો બારોબાર જ માણસને ઈસ્પિતાલમાં નાખી આવે અને પછી કોર્ટ-કચેરીની બીકે અમને ઈન્ફોર્મ ન કરે. એનો અર્થ એ થયો કે અમારે હવે હૉસ્પિટલમાં તપાસ શરૂ કરવાની હતી. શહેરની હૉસ્પિટલમાં ચંપકલાલનો પત્તો મેળવવો એ ઘાસની ગંજીમાંથી સોય ખોળી કાઢવા જેટલું કપરું કામ હતું. અમે વ્યથિત ચહેરે પોલીસસ્ટેશનની બહાર પડ્યા. નજીકની હૉસ્પિટલથી અમારી શોધખોળનો આરંભ કરવાનો વિચાર કરતા ટપાલપેટીની જેમ મોં પહોળાં કરી ઊભા હતા ત્યાં તો દૂરથી ટપુ આવતો દેખાયો. સુપુત્રને આવતો જોઈ જેઠાલાલમાં આશાનું કિરણ ફૂટ્યું.
‘ડોસા ઘેર આવી ગયા લાગે છે.’ જેઠાલાલના જીવમાં જીવ આવતાં એ ઉત્સાહથી બબડ્યા.
‘તો તો સારું.’ મેં કહ્યું.
‘બાપુજી જડી ગયા ?’ ટપુ નજીક આવ્યો એટલે અધીરા જેઠાલાલે એના તરફ ધસતાં પૂછ્યું.
‘ના.’
‘તો તું અહીં કેમ રખડે છે ?’ જેઠાલાલે ટપુ પર અકળામણ ઠાલવી.
‘મારા એક બૂટ-પૉલિશવાળા ફ્રેન્ડે દાદાજીને જોયેલા.’ ટપુએ ટમકો મૂક્યો. સાંભળીને જેઠાલાલ આશ્ચર્યથી એવા ઊછળ્યા કે એમની ટોપી પણ હવામાં અડધો ફૂટ ઊછળી પાછી માથા પર ગોઠવાઈ ગઈ.
‘ક્યાં છે ? ક્યાં છે ? ક્યાં છે ?’ પિતાને પકડવા અધીરા જેઠાલાલ દોડવા માટે તૈયાર થઈ ગયા.
‘મારો ફ્રેન્ડ કહેતો હતો કે દાદાજીને પોલીસવાળા પકડી ગયા.’
ટપુના જવાબથી જેઠાલાલને આંખમાં કોઈએ અંગૂઠો ખોસી દીધો હોય એવો આંચકો લાગ્યો :
‘ડોસાએ એવું શું કર્યું કે પોલીસે પકડ્યા !’
‘ખબર નથી. દાદાજી રસ્તો ક્રૉસ કરતા હતા ત્યાં પોલીસવાળાનો ખટારો આવ્યો ને ત્યાં ઊભેલા બધા ભિખારીઓને પકડી ગયા.’
‘સત્યનાશ.’ જેઠાલાલે ફૂટપાથ પર એવી જોરથી રાડ પાડી કે પોલીસસ્ટેશનમાંથી બે હવાલદાર અમારી પાસે દોડી આવ્યા. હવાલદારોને જોઈ જેઠાલાલ જુસ્સામાં આવી ગયા :
‘મારા બાપને તમે ભિખારી સમજો છો ?’ હવલદારનો કમરપટ્ટો પકડી જેઠાલાલ બૂમો પાડવા લાગ્યા : ‘બોલ ! બોલ ! ક્યાં છે મારો બાપ ?’

જેઠાલાલના અણધાર્યા હુમલાથી બન્ને હવલદાર કાચી ઊંઘમાંથી ઓચિંતા જાગ્યા હોય એમ હેબતાઈને એકબીજા સામે જોઈ રહ્યા. જેઠાલાલની બૂમાબૂમથી જિજ્ઞાસુ જનતા જમા થવા લાગી. મને ભય લાગ્યો કે જેઠાલાલ એ હવલદારને હચમચાવી નાખશે તો બાપને છોડાવવાને બદલે એ પોતે જ ઝડપાઈ જશે. ટપુ ઉત્સુકતાથી પિતાના પરાક્રમને નિહાળી રહ્યો હતો. જેઠાલાલને સ્થિતિની ગંભીરતા સમજાવી હું એમને પાછા પોલીસસ્ટેશનમાં ખેંચી ગયો. હવાલદારો તમાશો જોવા એકઠા થયેલા લોકોને વિખેરવામાં પડ્યા. અમે ઈન્સ્પેક્ટરને સમજાવ્યું કે હવાલદારોએ ભૂલથી ચંપકલાલને ભિખારી સમજી પકડ્યા છે. ઈન્સ્પેકટરે અમને કહ્યું : ‘પકડાયેલા ભિખારીઓને ચેમ્બુરના બેગર્સ હોમમાં રાખવામાં આવે છે. ડોન્ટ વરી, જેઠાલાલ, તમારા ફાધર સલામત છે.’
અમે ઊભા થયા ત્યાં ઈન્સ્પેક્ટરે ઉમેર્યું :
‘મિસ્ટર જેઠાલાલ, તમારા ફાધરને જરા સારાં કપડાં પહેરાવો, નહીં તો રોજ આવી રીતે એ પકડાશે.’

અમે ટૅક્સી કરી ચેમ્બુર ગયા. ત્યાં પણ અમારે એ જ ઉપાધિ થઈ. બેગર્સ હોમના અધિકારી કહે :
‘એમ અમે તમને માણસ સોંપીએ નહીં. એ ચંપકલાલ ભિખારી નથી એનો પુરાવો શું ?’
અત્યાર સુધી શાંત બેઠેલો ટપુ એકાએક તપી ગયો : ‘મારા દાદાને ભિખારી કહે છે ? તારો બાપ ભિખારી હશે, પૂરી દે એને.’
અધિકારી ટપુના વાકપ્રહારથી ઘડીભર હેબતાઈ ગયો. પછી એણે જોરજોરથી ટેબલ-ઘંટડી વગાડી ચપરાસીઓને બોલાવ્યા. મને લાગ્યું કે મારે હવે કડક થવું પડશે. મેં અધિકારીને કહ્યું : ‘ભિખારી હોય કે ન હોય, પણ અહીં દાખલ થનાર દરેક માણસનાં સગાંવહાલાંને તમારે ખબર આપવી જોઈએ.’
‘અહીં તો પોલીસવાળા રોજના સો ભિખારીને પકડી લાવે છે, એમ દરેકનાં સગાંવહાલાંને અમે ખોળવા જઈએ તો આ બેગર્સ હોમનો બંદોબસ્ત કોણ સંભાળે ?’ અધિકારી બોલ્યા.
મેં કહ્યું : ‘જુઓ સાહેબ, હું એક વકીલ છું અને ચંપકલાલ મારો અસીલ છે. તમે એને ભિખારી ગણીને એની સમાજમાં બદનામી કરી છે. એ બદલ હું સરકાર સામે કેસ કરીશ અને એ વખતે તમારે કોર્ટમાં પુરવાર કરવું પડશે કે એ ભિખારી છે.’
મારી વાત સાંભળી અધિકારી સાહેબ ઢીલા પડ્યા. એમણે ચંપકલાલને બોલાવી મગાવ્યા. પ્રવેશતાવેંત જ ડોસાનો પારો આસમાને પહોંચ્યો : ‘અલ્યા જેઠિયા, આ હાળા કઈ જાતના પોલીસવાળા છે. રસ્તામાં મારે બીડી ચેતાવવી હતી તો એક માણસ પાસે મેં દીવાસળીનું બાક્સ માગ્યું પછી મને થયું કે વરસાદના છાંટા પડે છે કે શું ? એ જોવા માટે મેં હાથ લંબાવ્યો ત્યાં કોઈકે મારી હથેળીમાં આઠ આની મૂકી દીધી. હજી હું કંઈ બોલું એ પહેલાં તો આ હાળાઓએ મને ઊંચકીને એમના ખટારામાં નાખ્યો ને અહીં લાવીને ખોસી દીધો.’

‘બાપુજી, અમે તમને લેવા જ આવ્યા છીએ.’ જેઠાલાલે પિતા પ્રત્યે સહાનુભૂતિ દાખવતાં કહ્યું.
‘ડફોળ, તારા બાપને તું કેવો ફેરવે છે કે બધા ભિખારી કહે છે. અહીંના ભિખારીઓ પણ મને કાકા કહીને બોલાવતા હતા. કોઈ માનવા તૈયાર નહોતું કે મારો દીકરો વેપારી છે.’
પછી ડોસ પેલા અધિકારી તરફ ફર્યા :
‘અલ્યા ટુણિયાટ, મેં તને નહોતું કહ્યું કે હું ભિખારી નથી, જો, જો હવે તો માને છે ને !’
‘દાદાજી, મેં તો આ ટુણિયાટને એક ગાળ દઈ દીધી.’ ટપુએ ઉત્સાહથી કહ્યું.
હવે પેલો સાહેબ ઉશ્કેરાયો : ‘એય મિસ્ટર, જબાન સંભાળીને બોલો. હવે પછી આ ડોસો અને છોકરો ડબડબ કરશે તો બન્નેને અંદર પૂરી દઈશ.’
‘કેમ તારા બાપનું રાજ ચાલે છે ?’ જેઠાલાલ ઊછળ્યા. મેં એમને ઝાલ્યા. પેલા સાહેબે આંખો કાઢતાં કહ્યું : ‘ઠીક છે. લઈ જાવ, પણ તમારે મને લેખિતમાં રસીદ આપવી પડશે.’
‘રસીદ ? કેવી રસીદ ?’ હું ચોંક્યો.
‘વડીલ પાછા મળ્યાની રસીદ. કાલે ઊઠીને તમે મારા ગળે પડો તો ? અહીં બેસીને લખી આપો કે તમે આ, જે નામ હોય તે ભિખારીને, સૉરી, વડીલને જોઈ-તપાસીને પાછા મેળવી લીધા છે. ડિલિવરી લેતી વખતે કોઈ તોડ-ફોડ કે નુકશાની થયેલી માલૂમ પડી નથી. અને એમ પણ લખજો કે અમે વડીલને ફરીથી આ રીતે છૂટા-રખડતા નહીં મૂકીએ.’
‘છૂટા એટલે ? દાદા કંઈ રખડતા કૂતરા છે ?’ ટપુ ઉકળ્યો. મેં ટપુને વાર્યો. હવે એક મિનિટ પણ વધારે રોકાવામાં જોખમ હતું. મેં પરિસ્થિતિનું સુકાન હાથમાં લઈને અધિકારીને મનાવી લીધા. એમને જોઈતી હતી એવી રસીદ ફટાફટ લખી આપી. ચંપકલાલને છોડાવી અમે બહાર નીકળ્યા.

‘બાપુજી, આજ પછી હવે તમારે એકલા બહાર ફરવા નહીં જવાનું.’ જેઠાલાલે આદેશ આપ્યો.
‘જા, જા, ડોબા, તારા ઘર કરતાં તો મને અહીં વધારે શાંતિ હતી.’ ચંપકલાલ ઉવાચ.
‘ખરેખર, દાદાજી ? તો પછી તમે ફરીથી પકડાઓ ત્યારે જોડે મને પણ લેતા આવજો.’ ટપુએ મહેચ્છા પ્રદર્શિત કરી. જેઠાલાલ સમસમીને શાંત થઈ ગયા. ટૅક્સીમાં દાદા અને પૌત્રનો સંવાદ ચાલતો રહ્યો. મને થયું કે એમની વાતો સાંભળીશ તો કદાચ મને પણ ભિખારી બનવાનું મન થઈ જશે એટલે નાછૂટકે હું ચૂપચાપ આંખ મીંચી ઊંઘવાનો પ્રયત્ન કરતો પડ્યો રહ્યો.

(દિવ્ય-ભાસ્કર)

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: