મુખ્ય પૃષ્ઠ > તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા > ચાલો ફિલ્મ જોવા – તારક મહેતા

ચાલો ફિલ્મ જોવા – તારક મહેતા

મારા પાડોશી જેઠાલાલને ત્યાં પચ્ચીસ વર્ષ પછી એમના પિતાશ્રીએ પેટલાદથી પધરામણી કરી ત્યારથી જેઠાલાલની ડાગળી ચસકું ચસકું થયા કરતી હતી. જેઠાલાલને એમના એકના એક ચિરંજીવી ટપુડાએ માનસિક રીતે હાલમડોલ તો કરી જ નાખ્યા હતા. તેમાં પિતાશ્રી ચંપકલાલના આવ્યા પછી તો જેઠાલાલ અમારા માળાની સીડી ઉપરથી બે વાર ગોથાં ખાઈ ગયા હતા. રસ્તો ક્રોસ કરવા જતાં એક-બે વાર એ મોટરો નીચે આવતા બચી ગયા હતા. તે ખોટી બસમાં ચઢી જતા અને દુકાનમાં ગ્રાહકો જોડે લડી પડતા. એમ જ લાગે કે જાણે ચંપકલાલ અને તેમના પુત્ર ટપુડાએ એકઠા થઈને જેઠાલાલને પાગલ બનાવવાનું વ્યવસ્થિત કાવતરું કર્યું હતું.

દુકાનેથી પોતાને ઘેર જવાને બદલે હવે જેઠાલાલ મારે ત્યાં આવી તેમની હૈયાવરાળ કાઢતા અને પછી નાછૂટકે મારા આગ્રહને વશ થઈને પોતાને ઘેર જતા. રોજની જેમ આજે એમની રોતી સૂરત સાથે દાખલ થઈ મારા સોફામાં પોટલું થઈને પડતાં જેઠાલાલ કહે :
‘મારા ટપુડાએ ડોસાને ચાકી ચઢાવી ફિલ્મ જોવા તૈયાર કર્યા છે.’ જેઠાલાલે બગડેલા પ્રાઈમસ જેવો નિસાસો નાખતાં કહ્યું.
મને જેઠાલાલનું વલણ પસંદ ના પડ્યું. ‘જુઓ જેઠાલાલ, આ તમારી વાત ખોટી છે. માણસ ઘરડું થાય એટલે શું એને મનોરંજન મેળવવાનો અધિકાર નથી ?’
‘અરે ભાઈસા’બ, એ વાત નથી. મારા ડોસાને બન્ને આંખે મોતિયા પાક્યા છે. એમને એક ફૂટ દૂરનું પણ દેખાતું નથી. દિવસમાં દસ વાર ભીંત સાથે અથડાય છે. આપણે બેઠા હોઈએ ત્યાં આવીને આપણી ઉપર બેસે છે. હવે એમાં શું ફિલ્મ જોવાના હતા ?’
‘એમ તો શ્રવણનાં મા-બાપ આંધળાં હતાં. તોય એણે કાવડમાં બેસાડી ચાર ધામની જાત્રા કરાવી. તો તમારે બાપાને ટેક્સીમાં લાવવા-લઈ જવા છે. દેખાશે નહિ તો ચાર-છ ગાયન સાંભળશે એટલે જરા ખુશ થશે.’ મે જેઠાલાલને હિંમત આપી.

‘મને ખાતરી જ હતી કે તમે આમ જ બોલવાના એટલે મેં ભેગી તમારી પણ બે ટિકિટ લીધી છે.’
‘પણ-’
‘પણબણ કંઈ નહિ. “ધરમ-કરમ”ની છ ટિકિટો લાવ્યો છું.’
‘ધરમ-કરમ ! એ તો ધમાધમીનું ચિત્ર છે.’ મેં કહ્યું.
‘હા- પણ ફિલ્મના નામ ઉપરથી ડોસા એને ધાર્મિક ફિલ્મ સમજ્યા છે. મેં એમને સમજાવ્યા તો કહે : ‘જેઠિયા, પાજી, એમ કહેને કે તારે મને લઈ જવો નથી.’ બોલો, હવે મારે શું કરવું ?’
‘ભલે અમે આવશું’ મારે હા પાડવી પડી.
‘તો જમીને તૈયાર રહેજો. છેલ્લા શોમાં જવું છે.’ કહી જેઠાલાલ ઊપડી ગયા.

રાત્રે સાડા આઠ વાગે અમારો વરઘોડો નીકળ્યો. અમે છ જણ હતા એટલે વિકટોરિયા રોકી. જગાના અભાવે ટપુડો દાદાના ખોળામાં બેઠો અને અમારી રથયાત્રા આગળ ચાલી. ખોળામાં બેઠેલા ટપુડાએ દાદાજીને રનિંગ કોમેન્ટ્રી આપવા માંડી. બે પેઢી વચ્ચે સેન્ડવીચ થઈ ગયેલા જેઠાલાલ મૂંગા મૂંગા ચારે બાજુ ડાફરિયાં મારી પોતાની અસ્વસ્થતા ઢાંકતા હતા.

અમારો વરઘોડો ‘અલંકાર’ સિનેમા પહોંચ્યો. ચંપકલાલની આંખની કચાશને કારણે રસ્તો ઓળંગી સિનેમા સુધી પહોંચવામાં જ અમને બીજો પા કલાક નીકળી ગયો. ફિલ્મ શરૂ થઈ ગઈ હતી. અંદર અંધારું થઈ ગયું હતું. એટલે અમારા બધાની હાલત આંખે મોતિયા જેવી થઈ. ડોરકીપરની બેટરીને આધારે અમે અમારી બેઠકો તરફ આગળ વધ્યા, પણ ટપુડાના ટેકે આગળ વધી રહેલા ડોસાએ કોઈક સન્નારીનો પગ કચર્યો. સન્નારીએ અંધારામાં ચિત્કાર કર્યો એટલે સન્નારી સાથેના પુરુષે જોરથી ઘાંટો પાડ્યો :
‘અબે અંધા હૈ ક્યા ? દીખતા નહીં હૈ !’
મેં કહ્યું : ‘હા ભાઈ, બુઝર્ગ આદમી હૈ, જરા દેખનેમેં તકલીફ હૈ.’
‘તો ફિલમ દેખને ક્યું આતા હૈ ?’
ત્યાં ટપુડાને દાદાનું અપમાન થતું જોઈ શૂર ચઢ્યું : ‘તેરે બાપુજી કા થિયેટર હૈ ?’

સાંભળીને પેલો પુરુષ એકદમ સીટમાંથી સળંગ ઊભો થઈ ગયો અને નજીકથી પસાર થઈ રહેલા જેઠાલાલની બોચી પકડી. પણ અકળાયેલા જેઠાલાલે એને હડસેલો માર્યો. ઊભો થયેલો પુરુષ એની જ સ્ત્રી ઉપર પડ્યો અને સ્ત્રીએ પાછી ચીસ પાડી. દરમિયાનમાં આજુબાજુ બેઠેલા પ્રેક્ષકોએ પણ જાતજાતના અવાજો કરી એમનો વિરોધ દર્શાવવા માંડ્યો. એટલે ડોરકીપરો દોડી આવ્યા અને બૂમાબૂમ કરી રહેલા પેલા પુરુષને સિનેમાની બહાર ફેંકી દેવાની ધમકી આપી. પેલા પુરુષે અમને ધમકી આપી.

અમારા તરફથી ટપુડો યુદ્ધમાં ઊતરવા ઊભો થતો હતો. પણ અમે એને માંડ માંડ રોક્યો. મારાં પત્ની મારા કાનમાં બબડ્યાં, ‘કહું છું, મને તો બીક લાગે છે.’
‘છો લાગે, હમણાં ચુપચાપ બેસી રહો.’ મેં કહ્યું. હજી પત્નીને શાંત પાડું છું ત્યાં ચંપકલાલ કહે, ‘અલ્યા જેઠ, તું ભારે રઘવાટિયો છે. મારે બાથરૂમમાં જવું’તું ને તું મને બારોબાર સિનેમામાં ખેંચી લાયો.’
જેઠાલાલ ધીરેથી કહે, ‘બાપુજી, હવે તો ફિલમ શરૂ થઈ ગઈ. ઈન્ટરવલમાં જજો.’
‘કેમ ! તારે મને બે કલાક આમ બેસાડીને મારી નાખવો છે ?’ ચંપકલાલે ગર્જના કરી. પાછળના પ્રેક્ષકોએ વિરોધ નોંધાવ્યો, પણ દાદાના લાડકા ટપુડાને શૂરાતન ચડ્યું, ‘ચાલો દાદાજી, લઈ જાઉં.’ કહેતો એ ઊભો થયો. સાથે સાથે ડોસા પણ ઊભા થયા. ઉશ્કેરાયેલા જેઠાલાલે બૂમ પાડી, ‘બેસ.’ તેનાથી પાછળ બેઠેલો કોઈ પ્રેક્ષક ધીરજ ગુમાવી બેઠો એટલે એણે ઊભા થઈ ટપુડાને પરાણે બેસાડવા પ્રયત્ન કર્યો. ટપુડો બેસવાને બદલે પોતાની સીટ ઉપર ઊભો થઈ પેલા પ્રેક્ષકને ધક્કા મારવા લાગ્યો. ટપુડાના અણધાર્યા પ્રતિકારથી ઉશ્કેરાયેલા પ્રેક્ષકોએ ટપુડા ઉપર આક્રમણ કર્યું. વળી પાછી ધક્કામુક્કી, ચીસાચીસ થતાં ડોરકીપરોએ અમારા ઉપર બેટરી ફેંકી. બેટરીના અજવાળાથી બધા હતા તેમ ગોઠવાઈ ગયા.

પડદા ઉપર પ્રેમનાથ પડખામાં એક બાળક લઈ વરસતા વરસાદમાં ભાગંભાગ કરતો હતો. વાર્તા જામી ત્યાં પાછા ચંપકલાલ કહે : ‘અલ્યા જેઠા, મારા મોઢમાંથી ચોકઠું પડી ગયું.’
‘હવે અંધારામાં ચોકઠાં ના જડે, બાપુજી. ઈન્ટરવલમાં ખોળજો.’
ચંપકલાલથી એ સહન ન થયું : ‘તને તારા બાપની પડી નથી. તને ફિલમની પડી છે.’
‘પણ બાપુજી, ફિલમ કંઈ ખાવાની વસ્તુ નથી કે તમારે ચોકઠાની જરૂર પડે. જોતા નથી ? આજુબાજુવાળા આપણને મારવા તૈયાર થઈ ગયા છે તે !’ જેઠાલાલે માંડ માંડ ગુસ્સો કાબૂમાં રાખી કહ્યું.
‘હટ બાયલા, તારા કરતાં તો મારો ટપુડો બહાદુર છે. ટપુડા બેટા, ચાલ, જોઉં મારું ચોકઠું ખોળી કાઢ.’

દાદાજીના પ્રોત્સાહનથી રંગમાં આવેલા ટપુડો સીટ ઉપરથી નીચે ઊતર્યો અને ઘૂંટણિયાં તાણી અંધારામાં ખાંખાખોળાં કરવા લાગ્યો. તેમાં એનો હાથ કોણ જાણે આગલી હરોળમાં બેઠેલી કોઈ બાઈને અડી ગયો અને બાઈ અંધારામાં સફાળી ઊભી થઈ ગઈ.
‘હાય, હાય, કંઈ છે, કંઈ છે.’ બોલતી ખુરશીમાં પગ લઈ લીધા.
સમયસૂચકતા વાપરી ટપુડો ડાહ્યોડમરો થઈ ખુરશીમાં બેસી ગયો અને આગલી હરોળવાળાએ ડોરકીપરને બોલાવી ઉંદરો ફરે છે એવી ફરિયાદ કરી. દરમિયાનમાં અમારી આસપાસ જાતજાતની ગાળો-સિસોટીઓ અને હોંકારાઓ ચાલુ થઈ ગયા.
ચંપકલાલ કહે, ‘જેઠા, મારા ચોકઠા ઉપર હું જ બેઠો છું. મને સખત ચપટી ભરાઈ છે.’

મરણિયા થયેલા જેઠાલાલનાં પત્ની દયાબહેને જાણે એ જ પળની રાહ જોઈ રહ્યાં હોય તેમ ઊભાં થઈ ચાલવા માંડ્યું. પ્રેક્ષકોના ગાલીપ્રદાન વચ્ચે અમે ‘ધરમ-કરમ’ છોડ્યું. વરઘોડો જેમ આવ્યો હતો તેમ પાછો વિક્ટોરિયા ગાડીમાં પાછો ફર્યો. માત્ર ચંપકલાલ બોલતા હતા : ‘ટપુડા, ફરી વાર આપણે બે એકલા જ ફિલમ જોવા આવીશું. જેઠો નકામો લોહી પીએ છે, સુખે સિનેમા જોવા નથી દેતો.’

જેઠાલાલ લાચારીથી મારી સામે જોઈ રહ્યા હતા.

(દિવ્ય-ભાસ્કર)

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: