Home > ડો. જગદીશ ત્રિવેદીની કોમેડી > જગદીશ ત્રિવેદી – કયાં મોદી? કયાં મમતા?

જગદીશ ત્રિવેદી – કયાં મોદી? કયાં મમતા?

માણસ નામનું પ્રાણી બીજા સજીવ કરતાં ઘણી બાબતોમાં અલગ પડે છે. દાખલા તરીકે માણસ અને હાથી વચ્ચે ઘણાં તફાવત છે. જેમાં એક તફાવત એવો છે કે હાથીને મહાવતના અંકુશનો ડર હોય છે અને માણસ હંમેશાં નિરંકુશ હોય છે. માણસ અને રીંછ વચ્ચે એક તફાવત ઉડીને આંખે વળગે એવો એ છે કે માણસની હજામત થાય છે જયારે જંગલમાં હેર કટિંગ સલૂન તથા બ્યૂટીપાર્લરનાં અભાવે રીંછ અનિલ કપૂર જેવા થઇને રહી જાય છે. માણસ અને ઘોડા વચ્ચે એક તફાવત એવો છે કે ઘોડા દોડે ત્યારે પુષ્કળ માણસો ઠેકડાં મારવા નવરાં થઇ જાય છે અને જો માણસો દોડે તો જોવા માટે એક પણ ઘોડો ફરકતો નથી. માણસ અને નાગ વચ્ચે એક તફાવત એવો છે કે નાગ પહેલાં ભાગે છે અને નાછૂટકે જ કરડે છે, જયારે માણસ પહેલાં તો કરડવા મથે છે અને નાછૂટકે જ ભાગે છે.

માણસ અને સજીવ અમાણસ વચ્ચે જુદા-જુદા તફાવત છે પણ એક કોમન તફાવત એવો છે કે માણસ હસી શકે છે જયારે બીજો એક પણ જીવ હસી શકતો નથી. આથી જો કોઇ ગધેડો હસવા માંડે તો માનવું એ માણસ થવા જઇ રહ્યો છે અને જો કોઇ માણસ કયારેય ન હસે તો એ શું થવા જઇ રહ્યો છે એ ફેંસલો વાચક ઉપર છોડું છું.

થોડા દિવસ પહેલાં રતન તાતાએ મોદીને ગુડ એમ અને મમતાને બેડ એમ કહ્યાં જેનો સીધો અર્થ એવો થાય કે ગુજરાતી ‘મ’ એટલે મસીહા અને બંગાળી ‘મ’ એટલે માથા ફોડ. અંબાલાલ કયાંકથી ઉડતા સમાચાર લાવ્યો છે કે રતનભાઇ પોતાની નાજુક નમણી નૂતન કારનું નામ નેનોને બદલે નમો કરવાનું વિચારી રહ્યા છે. નેનોનો સીધો ઉચ્ચાર નાનો થાય છે. નાનામાં નાનો માણસ પણ ખરીદી શકે એ નેનો છે. નાના માણસની નેનોનાં સર્જનમાં માત્ર ઓગણત્રીસ વરસનાં ગિરીશ વાઘનો સિંહફાળો છે અને નેનોને ગુજરાત સુધી લઇ આવવામાં વડોદરાનાં પૂર્વ કલેકટર રાજીવ ટોપનોએ ટોપ લેવલની ભૂમિકા ભજવી છે.

સ્ત્રીની બુદ્ધિ કયારેય પગની પાનીએ હોતી નથી પરંતુ મગજમાં જ હોય છે પણ સ્ત્રીનો સ્વભાવ છે કે બુદ્ધિ અને પૈસા જયાં સુધી પતિના વપરાય ત્યાં સુધી પોતાના વાપરવા નહીં જો મમતા બેનરજીએ પોતાની અક્કલ અમુક વરસે ડબલ થાય તે માટે ફિકસ ડિપોઝિટમાં ન મૂકી હોત તો અત્યારે સમય આવ્યો હતો ત્યારે વાપરી શકયાં હોત. પ્રગતિબહેન સામે ચાલીને નેનોમાં બેસીને બંગાળને મળવા ગયાં ત્યારે બેનરજીબહેન બાથ લેવા જતાં રહ્યાં તેથી પ્રગતિબહેનને બથ ભરી શકયાં નહીં. વિકાસભાઇ ખુદ હાથમાં કંકાવટી લઇને ચાંદલો કરવા આવ્યા ત્યારે બેનબા ફેસીયલ કરાવવા જતાં રહ્યાં ત્યારે બરાબર લાગ જોઇને નરમાં ઇન્દ્ર જેવા આપણા મુખ્યમંત્રીએ પોતાની ડોક જિરાફની માફક લાંબી કરીને ચાંદલો પોતાના કપાળે કરાવી લીધો. ગુજરાતના સી.એમ.ના ભાલ ઉપર થયેલું તાતાનું કુમકુમ તિલક આખા રાજયની શોભા વધારશે.

– જગદીશ ત્રિવેદી (દિવ્ય ભાસ્કર)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: