લક્ષ્મી રમવા નીકળી છે

એક દિવસ હું એક સિગ્નલ ઉપર લાલમાંથી લીલી લાઈટ થાય એની રાહમાં ઉભો હતો. એમાં એક ભિક્ષુકે આવીને કહ્યું કે પાંચ રૂપિયા આપો, મેં તરત જ ખિસ્સામાંથી પાંચની નોટ બહાર કાઢી. હું જમણા હાથે પાંચ રૂપિયાનું દાન કરી રહ્યો હતો ત્યારે મારો ડાબો હાથ મારી ઇરછા વિરુદ્ધ આગળ વધીને પોતાના ભાઇને રોકવા માગતો હતો. મારો ડાબો મારા જમણાને પકડી પાડે એ પહેલાં મેં ઉતાવળ કરીને પાંચ રૂપિયા પેલા ભિખારીને આપી દીધા.

એ સમયે દેવો કોઇ અગત્યના કામમાં વ્યસ્ત હશે એટલે એમણે આકાશમાંથી મારા ઉપર પુષ્પવૃષ્ટિ ન કરી બાકી સદરહુ દાન મારા હાથે થયેલું મોટામાં મોટું દાન હતું. હું પેલાને પાંચ રૂપિયા આપું પછી જ સળગવાની હોય એમ ગ્રીનલાઇટ તરત જ સળગી ઠી. હું રવાના થયો, ઘડીક તો મને એમ થયું કે હું દાનેશ્વરી કર્ણ છું અને મારી સાથે પોતપોતાનાં વાહનોમાં આવે છે એ મારી રૈયત છે.

આગળના ચાર રસ્તા ઉપર પણ સિગ્નલ બંધ હતું. મેં બ્રેક મારી. ત્યાં બીજૉ એક ભિખારી દોડતો મારી પાસે આવ્યો અને બોલ્યો કે મને પણ પાંચ રૂપિયા આપો. આ સાંભળીને હું વિચારમાં પડી ગયો. મેં ભિખારીને કહ્યું કે આજે ભલે બરબાદ થઇ જવું પડે છતાં તને પણ પાંચ રૂપિયા આપવા છે, પરંતુ મને પહેલા એ કહે કે તને ખબર કેમ પડી કે આ અગાઉના સિગ્નલ ઉપર મેં કોઇને પાંચ રૂપિયા જેવી માતબર રકમનું ડોનેશન આપ્યું છે? ત્યારે ભિખારી બોલ્યો કે એનો મારા ઉપર મોબાઇલ આવ્યો છે.

રસ્તા પરથી મારો કલમકેમેરો હવે રમતના મેદાન ઉપર જાય છે. મોહાલી શહેરના પંજાબ ક્રિકેટ એસોસિયેશન મેદાન ઉપર મુંબઇ ઇન્ડિયન્સ અને કિંગ્ઝ ઇલેવન પંજાબની ટીમ વરચે મેચ રમાઇ રહી છે. ઝાકમઝોળ રોશનીમાં ચિયર્સગલ્ર્સ નાચી રહી છે. આ છોકરીઓનાં કપડાં ઉપરથી લાગે છે કે મોંઘવારી ભરડો લઇ ગઇ છે. ઉધોગપતિઓ અને હીરો-હિરોઇન બધાં ક્રિકેટના ‘ક’ની ખબર પડતી નથી છતાં તાલીઓ વગાડે છે. અંતે મેચ પૂરી થાય છે. હરભજન પોતાના સાથી ખેલાડી શ્રીસંતને હરીફ ગણીને ત્રણ કરોડના ખર્ચે થપ્પડ મારે છે.

અહીંથી આપણે હવે હોસ્પિટલમાં જવાનું છે જયાં એક બાપ એની દીકરીને લઇને આવ્યો છે. એની ફરિયાદ એવી છે કે દીકરી વધતી નથી. દાકતરે કેસપેપર ઉપર પેશન્ટનું નામ વાંરયું તો માનવતા હતું. અનુભવી તબીબે તરત જ કહ્યું કે તમારી દીકરીને દવાની જરૂર નથી માત્ર નામ બદલી નાખો.

અત્યારે વિશ્વમાં જે હવા ચાલે છે એ જોતા માનવતાનો વિકાસ થવાની શકયતા ઘણી ઓછી છે. તમે રાશિ બદલવા ન માગતા હોય તો તમારી દીકરીનું નામ માયા, મમતા, મનીષા કંઇ પણ રાખી શકો છો. અત્યારે માયા વધશે, મમતા વધશે, મનીષા વધશે પણ માનવતા વધવાની નથી. તમારે તમારી દીકરીનો સુમો પહેલવાન જેવો વિકાસ કરવો હોય તો એનું નામ મોંઘવારી રાખો, દિવસે બે ગણી રાતે ચાર ગણી વધશે.

ઉપરની ત્રણ ઘટના આજે એટલા માટે યાદ આવી કારણ કે રાજય સરકાર દેખાવો કરીને કહે છે કે મોંઘવારી માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે, અને જયોર્જ બુશ તો એમ કહે છે કે વિશ્વમાં અનાજની તંગી માટે હિન્દુસ્તાન જવાબદાર છે. જયારે હકીકત એવી છે કે વિશ્વમાં ગતા કુલ ઘઉંના ત્રીજા ભાગના ઘઉં એકલો હિન્દુસ્તાન ઉગાડે છે.

અમેરિકાના વિદેશપ્રધાનની અટક રાઇસ હોવા છતાં એમને કદાચ ખબર નથી કે આખી દુનિયામાં થતા રાઇસના કુલ ઉત્પાદનના ચોથા ભાગના ચોખા માત્ર ભારતમાં પાકે છે. ભારત અનાજની આયાત કરતો નથી પણ નિકાસ કરે છે અને તમારા અમેરિકામાં કપડાંમાં પણ સમાતા નથી એવા અદોદરા અમેરિકનો ખાય છે એનાથી વધુ તો ફેંકી દે છે, અને અમેરિકનોએ બગાડ કરેલા અનાજમાંથી એક આખો દેશ ધરાઇ જાય તેમ છે.

જે દેશના ભિખારી પાસે સેલફોન ખરીદવાના રૂપિયા હોય, મહેન્દ્રસિંઘ ધોનીને એક જ ટુર્નામેન્ટમાં યથાશકિત રમવાના છ કરોડ રૂપિયા મળવાના હોય, જે ટુર્નામેન્ટમાં અર્ધનગ્ન નૃત્ય માટે યુવતીને નેવું લાખ રૂપિયા મળવાના હોય, એ દેશને હવે સંસ્કાર અને સાદગીનો દેશ કહેવાની ભૂલ કરશો નહીં.

આપણા વિનુ માંકડ, પોલી ઉમરીગર, વિજય મર્ચન્ટ, સી.કે.નાયડુ કે બાપુ નાડકણa જેવા અસંખ્ય ક્રિકેટરો શિસ્ત અને રાષ્ટ્રપ્રેમથી આખી જિંદગી રમ્યા અને જે રકમ ન મળી તે અત્યારના જાહેરાતિયા, નખરાંબાજ અને ક્રોધી ક્રિકેટરોને એક જ મેચમાં મળી જાય છે, અત્યારે આઇ.પી.એલ.માં ક્રિકેટરો રમતા નથી પણ ધનિકોની લક્ષ્મી રમવા નીકળી છે.

(દિવ્ય ભાસ્કર)

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. મે 29, 2011 પર 3:38 પી એમ(PM)
  2. મે 29, 2011 પર 7:24 પી એમ(PM)
  3. મે 29, 2011 પર 7:24 પી એમ(PM)
  4. મે 30, 2011 પર 10:11 એ એમ (AM)
  5. મે 30, 2011 પર 10:11 એ એમ (AM)
  6. મે 30, 2011 પર 10:14 એ એમ (AM)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: