Archive

Archive for the ‘ડો.શરદ ઠાકરની નવલિકાઓ’ Category

इस जहांसे कब कोइ बचकर गया, जो भी आया खा कर पथ्थर गया

”નામ?” મેં સામે ઊભેલા ઊમેદવારને પૂછૂયું: પૂછવા ખાતર જ પૂછૂયું, કારણ કે એનું નામ તો નોકરી માટેની અરજીમાં લખેલું જ હતું. પણ વાતચીતનો પૂલ બાંધવા માટે પરિચયનું બહાનું આવશ્યક હોય છે.

એણે શાંતિથી જવાબ આપ્યો: ”પ્રતાપ.”

”ચિત્તોડથી આવો છો?” મેં મજાક કરી.

”ના.” એ ઇન્ટરવ્યુમાં હસી શકાય એટલું, માપ પ્રમાણેનું હસ્યો: ”વડોદરાથી આવું છું.”

”ડીગ્રી?”

”એમ.બી.બી.એસ.” એણે મારા હવે પછીના સંભવિત સવાલો પણ લૂંઘી લીધા: ”ગયા વરસે એમ.બી.બી.એસ. પાસ કર્યું. પંદર દિવસ પહેલાં ઇન્ટર્નશીપ પૂરી કરી.”

”હવે? શું કરવાનો ઇરાદો છે? નોકરી?”

”જો તમે આપો, તો..!”

”નોકરી ન આપવાનો સવાલ જ નથી. સવાલ તમારા દ્વારા નોકરીનાં સ્વીકારવાનો છે.”

”હું આપના કહેવાનો અર્થ સમજ્યો નહીં.” એના ચહેરા પર પ્રમાણિક કબુલાત હતી. હું જોઇ શકયો કે એ ખરેખર મારા વાકયમાં રહેલો લૂચિતાર્થ સમજી શકયો ન હતો.

”ધીમે ધીમે સમજી જશો.” મેં વાતની દિશા બદલી નાખી: ”કયારથી હાજર થવું ફાવશે?”

”બે દિવસનો સમય આપો તો સારૂં. ઘરે જઇને સામાન લઇ આવું.”

હું આ સાવ નવા, ઉત્સાહી જુવાન ડોકટરને જોઇ રહ્યો. એને બાપડાને ખબર હશે કે એ કેવી હાડમારી ભરેલી નોકરી સ્વીકારવાની હા પાડી રહ્યો છે? મારૂં ચાલત તો અવશ્ય એને ફોડ પાડીને સમજાવી દેત, પણ મારી જીભ થીજેલી હતી અને હોઠ સિવાયેલા હતા. હોસ્પિટલનું ટ્રસ્ટીમંડળ મારી સામે જ બેઠેલું હતું. એમાંથી એક પણ ટ્રસ્ટી ડોકટરી વ્યવસાય સાથે સંકળાયેલા ન હતા, મોટાભાગના વેપારીઓ હતા. પણ હોસ્પિટલ, હાઇસ્કૂલ, કોલેજ, ધર્મશાળા જેવી સખાવતી સંસ્થાઓનો વહીવટ કરી કરીને ધીટ થઇ ચૂકેલા વડીલો હતા. આ હોસ્પિટલનો ઇનચાર્જ ચીફ મેડીકલ ઓફિસર હું હોવાને કારણે નવા ડોકટરનો ઇન્ટરવ્યુ લેવાનું મારા ભાગે આવ્યું હતું. બાકી પગારથી માંડીને અન્ય તમામ બાબતોની લગામ આ વેપારીઓના હાથમાં હતી.

ટ્રસ્ટીઓનાં ડોકાં દૂરથી લૂચક રીતે હલ્યાં અને મેં ઘંટડી મારી. બહાર ઉભેલો પટાવાળો અંદર આવ્યો.

”જી, સર!”

”લાલજી, આ આપણા નવા મેડીકલ ઓફિસર છે. એમને હરીશભાઇ પાસે લઇ જા. અત્યારે જ ઓર્ડર તૈયાર કરાવી દે. બે દિવસ પછી તેઓ હાજર થશે. ત્યાં સુધી એમનું કવાર્ટર સાફસુફી કરાવીને તૈયાર રાખવાનું ના ભૂલીશ. જાઓ, ડોકટર! વિશ યુ ઓલ ધી બેસ્ટ!” મેં મારા નવા, ભાવિ જુનિયર સાથીને એમની પ્રથમ નોકરી માટે શુભેચ્છા આપી.

એ આભાર માનીને ઊભો થયો. લાલજીની પાછળ પાછળ ઓફિસની દિશામાં ઓઝલ થયો.

બે દિવસ પછી એ ફરજ પર હાજર થઇ ગયો. સામાન લઇને સીધો મારા રહેઠાણ પર આવ્યો. મને ફાળવવામાં આવેલું મકાન વિશાળ હતું. પચાસ માણસો બેસી શકે એટલો મોટો ડ્રોઇંગ રૂમ હતો. ત્રણ-ચાર બેડરૂમ્સ હતા. દરેક ખંડમાં આવશ્યક ફર્નિચર પણ સંસ્થા દ્વારા પુરૂં પાડવામાં આવ્યું હતું.

ડો. પ્રતાપ આ બધું જોઇને ખુશ થયો: ”અરે, વાહ! અહીં તો બધી જ સગવડ છે ને કંઇ! હું નાહકનો બધો સામાન ઉપાડી લાવ્યો!”

”એવું નથી, પ્રતાપ!” મેં અવાજમાં બને એટલી સ્વસ્થતા ભેળવીને કહ્યું: ”તારી નિમણુંક મોબાઇલ મેડીકલ ઓફિસર તરીકેની છે. અને હું અહીં ફૂલટાઇમ ગાયનેકોલોજીસ્ટ છું. તું જે કંઇ જોઇ રહ્યો છે એ તમામ સુવિધાઓની અપેક્ષા.. આઇ મીન, તને આપવામાં આવેલું રહેઠાણ..” હું ઇચ્છા હોવા છતાં મારૂં વાકય પુરૂં કરી ન શકયો. વધુ કંઇ કહેવાને બદલે મેં ઘંટડી મારીને વોર્ડ બોયને બોલાવ્યો: ”ડોકટર સાહેબને એમનો.. રૂમ બતાવી દે..!”

દસ મિનિટ પછી પ્રતાપ સામાન મૂકીને પાછો આવ્યો. આ વખતે એનો ચહેરો વિલાયેલો હતો: ”સર! આનાં કરતાં તો ધર્મશાળા પણ સારી હોય. માત્ર એક જ રૂમ અને .. બસ, એક રૂમ જ!”

હું જોઇ શકતો હતો કે પ્રતાપના ચહેરા ઉપર ફરિયાદ ન હતી, માત્ર આઘાત જ હતો. દુ:ખ તો મને પણ હતું. પ્રતાપ ભલે માસથી પાંચ-છ વરસ જુનિયર હતો. પણ આખરે એક ડોકટર હતો. સમાજના બૌધ્ધિક સ્તરમાંથી આવતો હતો. બોર્ડની પરીક્ષામાં પંચાણું ટકા માર્કસ લઇને તબીબી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવો એ ટાટા, બિરલા કે અંબાણી બનવા જેટલું સહેલું કામ નથી ગણાતું. અને આવો તેજસ્વી, યુવાન ડોકટર જ્યારે એક નાનકડાં શહેરની ગ્રામિણ કહી શકાય એવી ગરીબ પ્રજાની સેવા કરવા માટે સામાન્ય પગારની નોકરી સ્વીકારતો હોય ત્યારે એને ખાવા-પીવા, રહેવાની ઉત્તમ સગવડ મળવી જ જોઇએ.

”પ્રતાપ, શાંત થા, દોસ્ત! તું એકલો જ છે. મને આટલી બધી સગવડ આપવામાં આવી છે, પણ હું યે એકલો જ છું. ભોગવી શકું છું એ બધું? આપણે અહીં કામ કરવા માટે આવ્યા છીએ, આનંદ કરવા માટે નહીં.” મેં એને હિંમત આપી. એના ગળે મારી વાત ઊતરી ગઇ.

એ દિવસે એણે સવારની ચા પણ મારી સાથે જ પીધી. પછી એણે ફરજ બાબત પૂછપરછ કરી.

”મારે કામ શું કરવાનું છે?”

”તું અહીં મોબાઇલ મેડીકલ ઓફિસર તરીકે નિમણુંક પામ્યો છે. આ હોસ્પિટલ આજુબાજુના બસો ગામડાંઓ વચ્ચે એક માત્ર આરોગ્ય – સુવિધા છે. પણ કેટલાંક ગામડાં એટલા દુર છે કે દરદીઓ અહીં સુધી આવી પણ ન શકે. એમને સમયસર બસ પણ નથી મળતી. ખાસ એ લોકો માટે આપણે મોબાઇલ મેડીકલ વેનની સગવડ ઉભી કરી છે. રોજ સવારે તારે નીકળી પડવાનું. તારી સાથે એક ડ્રાઇવર હશે અને એક કમ્પાઉન્ડર. રોજ પાંચ ગામડાં ફરવાના રહેશે. દરેક ગામડે તારા માટે સરપંચ તરફથી એક રૂમ ફાળવવામાં આવી હશે. ત્યાં બેસીને તારે દરદીઓ તપાસવાના રહેશે. પછી બીજું ગામ, ત્રીજું ગામ અને પછી ચોથું, પાંચમું!”

”રસ્તામાં કયાંય ચા-પાણી?”

”નહીં મળે. પીવાનું પાણી સાથે લઇ જવાનું રહેશે. ગામડામાં જે પાણી હશે એ તમામ પ્રકારના પેરાસાઇટૂસથી દુષિત હશે. તારે અહીં પાછાં ફરતાં દોઢ-બે વાગી જશે. પછી જમવાનું આપણે સાથે રાખીશું. મારા માટે જ્યાંથી ટીફીન આવે છે, ત્યાંથી તારા માટે પણ વ્યવસ્થા કરાવી દઇશ.”

નીચે મોબાઇલ વેનનું હોર્ન વાગતું સંભળાયું. પ્રતાપ ગયો. એ વખતે ઘડિયાળમાં સવારના સાડા આઠ વાગ્યા હતા. હું પણ મારા કામ પર ચડયો. વોર્ડનું અને ઓ.પી.ડી.નું કામ પતાવ્યું ત્યાં એક વાગી ગયો. બે ઓપરેશનોએ બે વગાડી દીધા. ઉપર આવીને જોયું તો ટિફિનમાં ભોજન ઠંડી પડી ચૂકયું હતું. મારી ભૂખ ગરમ થઇ રહી હતી, પણ મને યાદ હતું કે મારે પ્રતાપની રાહ જોવાની હતી. અઢી, ત્રણ, સાડા ત્રણ…!

છેક ચાર વાગ્યે પ્રતાપ આવ્યો. પણ કેવો થઇને આવ્યો હતો? ડોકટર તરીકે ગયો હતો અને દરદી જેવો બનીને પાછો આવ્યો હતો. સીધો જ સોફામાં ફસડાઇ પડયો. થોડીવાર માંડ પાણી પીવા પૂરતો પુનર્જિવિત થયો. પછી હાથ-મોં ધોઇને જમવા બેઠો.

”આ શું છે?” એણે રોટલીનો ટૂકડો તોડવાની કોશિશ કરી.

”લોકો એને રોટલી કહે છે.”

”રોટલી?! આવી?”

”હા, આપણી મમ્મીઓએ નથી બનાવી, માટે આવી જ હોય. અને ફૂલાવરનું શાક ખાતી વખતે આંખ બંધ રાખજે.”

”કેમ?”

”અંદર ઇયળો છે. ખૂલ્લી આંખે તું ખાઇ નહીં શકે.” મેં ચેતવણી આપી. એ ઉભો થઇ ગયો. ત્રણ-ચાર બિસ્કીટૂસ ખાઇને એના રૂમમાં જઇને લૂઇ ગયો. એ સાંજે એણે ટિફિન ખોલવાની હિંમત ન કરી. ‘દૂધ એક સંપૂર્ણ આહાર છે’ એ વિધાનમાં પૂરી શ્રધ્ધા દર્શાવીને એણે દૂધે વાળું પતાવ્યું.

બીજા દિવસની સવારે ચા-નાસ્તા વખતે એ ફરી પાછો તાજો-માજો લાગતો હતો: ”કાલે પહેલો દિવસ હતો ને, એટલે જરા વસમું પડી ગયું. બાકી આજે થાક નહીં લાગે.”

એ દિવસે એ ચાર વાગ્યે આવ્યો. આજે મેં એની રાહ જોયા વગર જમી લીધું હતું. પણ મેં જોયું કે આજે તો એની હાલત ગઇ કાલ કરતાં પણ વધુ ખરાબ હતી. એ તદ્દન લાશ જેવો બનીને પાછો આવ્યો હતો.

”શું થયું?”

”અરે, વાત જ ન પૂછશો, સાહેબ! મારામાં તો બોલવાના પણ હોશ-કોશ બચ્યા નથી.” એ સોફામાં ફર્નિચરનો એક ભાગ હોય એમ પડયો રહ્યો. પછી અચાનક ટિફિન ખોલીને તૂટી પડયો. રબ્બરની રોટલી, પથ્થરનું શાક અને તલવારની ધાર જેવી તીખી દાળ ઝાપટી ગયો.

પછી આજના દિવસની દર્દનાક દાસ્તાન શરૂ કરી: ”ગાડીને ધક્કા મારી મારીને દમ નીકળી ગયો. પાંચને બદલે ત્રણ જ ગામ પૂરા કરી શકયો. દસ મિનિટ માટે મોબાઇલવેન ચાલે અને વીસ મિનિટ સુધી મારે નીચે ઉતરીને ધક્કા મારવા પડે. કમ્પાઉન્ડરની પણ એ જ હાલત. ફરક માત્ર એટલો કે એ ટેવાઇ ચૂકેલો અને હું જિંદગીમાં પહેલી વાર..! ઓહ, બાપ રે મરી ગયો!”

અચાનક એણે ચાલુ વાતે ચીસ પાડી.

”કેમ, શું થયું?” હું ઉભો થઇ ગયો. એ પેટ દબાવીને પથારીમાં ઉછળી રહ્યો હતો.

”એસિડીટી વધી ગઇ હોય એવું લાગે છે. જમવાનું બહુ તીખું હતું. મરી ગયો રે..!”

”ચિંતા ન કર. હું દવા આપું છું.” મેં હાયપર એસિડીટીની ગોળી કાઢીને એના હાથમાં મૂકી.

”તમને પણ..?”

”હા, જેમ કમ્પાઉન્ડર ગાડીને ધક્કા મારી મારીને ટેવાઇ ગયો છે એમ હું એસિડીટીથી ટેવાઇ ગયો છું. રોજ જમ્યા પછી મુખવાસમાં રેનિટિન ખાઉં છું. તું પણ ધીમે ધીમે ટેવાઇ જઇશ.”

ત્રીજા દિવસે એને મરડો થઇ ગયો. બે દિવસ રૂમમાં પડી રહ્યો. પ્રતાપ હવે મહારાણાને બદલે હાડપીંજર જેવો દેખાવા માંડયો. પંદર દિવસ પછી એને મેલેરિયા થઇ ગયો. વજન ખાસ્સું ઊતરી ગયું.

એક દિવસ સાંજે એ ગમગીન હતો. ”મને સમજ નથી પડતી કે હું શું કરૂં?”

”નોકરી ન ફાવતી હોય તો છોડી દે!” મેં એને સલાહ આપી: ”પોસ્ટ-ગ્રેજ્યુએશન કર.”

”માર્કસ ઓછાં પડે છે. સારી બ્રાન્ચમાં પ્રવેશ મળે એમ નથી.” એનો અવાજ ભાંગેલો હતો.

”તો પછી પ્રાઇવેટ પ્રેકટીસ શરૂ કરી દે.”

”એ માટે પણ એકાદ-બે લાખ રૂપિયા જોઇએ. અને મારા ઘરની આર્થિક સ્થિતિ..” અધૂરા વાકયમાં પૂરો અર્થ સ્પષ્ટ હતો.

”સરકારી નોકરી..”

”લાંચ આપવી પડે એમ છે.” એનો જવાબ ભારે થયે જતો હતો અને મારી પાસે સલાહોનો ભંડાર ખાલી થઇ રહ્યો હતો. એ ચૂપ થઇ ગયો. પણ મને લાગતું હતું કે એ જરૂર કોઇ નિર્ણય ઉપર આવી રહ્યો હતો.

એક મહિનાની નોકરી પૂરી કરીને એણે સામાન બાંધ્યો. રૂમને તાળું મારીને મારી પાસે આવ્યો: ”લો, ચાવી.”

”કેમ? જાય છે?”

”હા.”

”કયાં જઇશ? શું કરીશ?” મારી પૂછપરછમાં સહાનુભૂતિ હતી.

”મારા લગ્નનું નક્કી થઇ ગયું છે. છોકરી અમેરિકાની છે. આવતા અઠવાડિયે લગ્ન છે. પછી ગમે ત્યારે હું ઊડી જઇશ.”

”છોકરી સારી છે?”

”ઠીક છે. પણ એનું ગ્રીન-કાર્ડ બહુ સારૂં છે.” આ ઉત્તરાર્ધમાં ઘણું બધું સમાઇ જતું હતું.

”સારૂં, પ્રતાપ! વિશ યુ ઓલ ધી બેસ્ટ! પત્ર લખીશ ને?”

”હા, પણ તમે જવાબ લખશો?”

હું હસ્યો: ”તને ખબર તો છે કે હું પત્રોના જવાબ નથી લખી શકતો. પણ મને પત્રો વાંચવા ગમે છે.”

એ પછી છ મહિને અમેરિકાથી એનો પત્ર આવ્યો. એની વાત હતી, એની પત્ની રેખા વિશે વાતો હતી, પ્રતાપે ઇ.સી.એફ. એમ.જી.ની પરીક્ષા પાસ કરી લીધી હતી. હવે એ રેસીડેન્સી કરી રહ્યો હતો. સુખી હતો અને ખુશ પણ..!

આજે એ ઘટનાને પણ વીસ વરસ થવા આવ્યા. છેલ્લે એનો ફોન આવ્યો: ”સર! ખૂબ સારૂં કમાયો છું. હમણાં જ મારી માલિકીનું એક નાનકડું હેલિકોપ્ટર ખરીઘું છે. તમે અમેરિકા ફરવા આવો તો સહેલ કરાવું.”

”ના, ભાઇ, ના! વચ્ચે કયાંક હેલીકોપ્ટર બંધ પડે અને તું મને ધક્કો મારવાનું કહે તો..?” એ ખડખડાટ હસી પડયો.

હું ન હસી શકયો. આપણા દેશની ગરીબ પ્રજાની સેવા કરવા માટે તૈયાર થયેલો એક ડોકટર અત્યારે અમેરિકાના સુખ અને વૈભવ દ્વારા ખરીદાઇ ચૂકયો હતો અને એની રીતે એ સાચો હતો. પણ…! પેલા ગામડાઓમાં હરતી, ફરતી અને મરતી પ્રજા આજે પણ તબીબી સુવિધાથી વંચિત છે અને પેલી હોસ્પિટલમાં આજે પણ મોબાઇલ મેડીકલ ઓફિસરની જગ્યા ખાલી જ છે.

(http://www.gujaratiliterature.wordpress.com માંથી )

Advertisements

સામેની ફૂટપાથ ઉપર લૂતાં હો બાળક ભૂખ્યાં પેટે આંસુ પીને ઊના શ્વાસે, સામેની ફૂટપાથે કોઈ હોટલ આલીશાન મળેને, ત્યારે સાલું લાગી આવે

રાજેશ કયારનો પપ્પા ઘેર આવે એની રાહ જોઈને બેઠો હતો. આવતીકાલે કાઁલેજની ફી ભરવાનો છેલ્લો દિવસ. આજે તો નક્કી પપ્પા વ્યવસ્થા કરીને જ આવશે. પૈસા લાવશે. સવારે આઁફિસ ખૂલતાંવેંત એ ફીની રકમ જમા કરી દેશે. પછી છ મહિનાની શાંતિ.

પ્રાણલાલ આવ્યા. સીધા હાથ-પગ ધોઈને જમવા બેસી ગયા. દીકરાની સામે નજર પણ ન ફેંકી. તપેલાનું ઢાંકણું ખોલીને બે ચમચા ખીચડી થાળીમાં નાખી ન નાખી અને કોળીયા ભરવા માંડયા.

રાજેશ આશાભરી નજરે બાપને જોઈ રહ્યો. મા હતી, પણ બિમાર હતી. ભોજનમાં ખીચડી સિવાય બીજું કશુંય વધારે રાંધવાની એની શારીરિક હાલત ન હતી અને પ્રાણલાલની આર્થિક હાલત ન હતી.

રાજેશ સમજી ગયો કે પપ્પા આંખ ચોરાવી રહ્યા છે. એ ચૂપચાપ બેસી રહ્યો. પ્રાણલાલ જમી રહ્યા એટલે રાજેશે શરૂઆત કરી: ”પપ્પા, આજે…”

”હા, બેટા ! મને યાદ છે.” આટલું બોલીને પ્રાણલાલ પાણીયારા તરફ વળી ગયા: ”પણ દીકરા, માંડ માંડ ચારસોનો જોગ ખાધો છે. બાકીના સો રૂપિયા માટે સાત બારણાં ખખડાવી જોયાં, પણ એકેય ખૂલ્યું નહીં. એક દિવસ ખમી જા. કદાચ કાલ રાત સુધીમાં…”

”પપ્પા, હું તો ખમી જઉં, પણ મારી કાઁલેજવાળા નહીં ખમે. કાલનો દિવસ આખરી દિવસ છે. આની પહેલાં ત્રણ-ત્રણ વાર મને વધારાની મુદત મળી ચૂકી છે. છેલ્લાં ત્રણ દિવસથી તો નોટીસબોર્ડ ઉપર મારું નામ પણ ચડયું છે. પપ્પા, મને શરમ આવે છે.”

પ્રાણલાલ ઢીલા પડી ગયા: ”બેટા, શરમ તો મનેય આવે છે, તારા કરતાં પણ વધારે. પણ શું કરું ? ઘરમાં હવે ગીરવે મૂકવા જેવું પણ કશું બચ્યું નથી.”

પ્રાણલાલની વાત સાચી હતી. રાજેશની શરમ કરતાં એમની શરમ વધુ મોટી હતી. રાજેશની આબરૂ એના મિત્રો પાસે ઘટી રહી હતી, જ્યારે અહીં તો એક બાપ એના દીકરા આગળ છોભીલો પડી રહ્યો હતો.

બીજા દિવસે કાઁલેજે જતી વખતે રાજેશ ભયંકર તણાવમાં હતો. આ મેડીકલ કાઁલેજનું છેલ્લું વર્ષ હતું અને ફી ન ભરી શકવાને કારણે અભ્યાસ અટકી પડે એ એના દિમાગમાં કેમેય કરીને ઊતરતું ન હતું. એ સાંજે એ ઘેર આવ્યો ત્યારે ફી ભરાઈ ગઈ હતી. બાકીના ખૂટતાં સો રૂપિયાની વ્યવસ્થા રાજેશે જાતે જ કરી લીધી હતી.

એ ઘરે આવ્યો, અને એની પથારીવશ માનાં મોંમાંથી દીકરાને જોઈને ચીસ નીકળી ગઈ: ”રાજુ, બેટા ! આ શું ? માથે ટકો શેનો ?”

”કંઈ નથી, મમ્મી ! કાઁલેજમાં એક મિત્ર જોડે શરત મારી હતી.”

”અને તું શરત હારી ગયો ?”

”ના, મમ્મી ! જીતી ગયો. સો-સો રૂપિયાની શરત હતી. એણે કહ્યું કે માથે ટકો કરાવીને કાઁલેજમાં આવે તો સો રૂપિયા તારા ! નહીંતર તું હાર્યો. તારે મને સો રૂપિયા આપવાના !”

મમ્મીની આંખો છલકાઈ ઊઠી: ”બેટા, સો રૂપિયા ખાતર તેં માથું મુંડાવ્યું ?”

”ના, મમ્મી ! સો રૂપિયા માટે નહીં, પણ ડોકટર બનવા માટે. કાઁલેજની ફી ભરવામાં એટલી જ રકમ ખૂટતી હતી અને તું શા માટે રડે છે ? મેં તો ખાલી વાળ કપાવ્યા છે, માથું થોડું કપાવ્યું છે ?”

રાત્રે પ્રાણલાલ ઘરે આવ્યા, ત્યારે એ પણ વાળ વગરના મસ્તકવાળા વારસદારને જોઈને હચમચી ગયા. આવું અપશુકનિયાળ કૃત્ય કરવા બદલ સામાન્ય સંજોગોમાં કોઈ પણ બાપ દીકરા ઉપર ઊકળી પડે, પણ પ્રાણલાલ ગરમ થવાની સ્થિતિમાં ન હતા. આજે પણ એ સો રૂપિયાની સગવડ કર્યા વગર જ ઘરે આવ્યા હતા. પૈસાનો અભાવ ઘણીવાર દિમાગનો પારો નીચો રાખવા માટે જવાબદાર હોય છે.

હમણાં વરસો બાદ રાજેશને મળવાનું થયું, ત્યારે મને જાણવા મળ્યું કે મસ્તકનું મુંડન કરાવવાની શરત પણ રાજેશે જ ઊભી કરેલી હતી. સામે ચાલીને એણે એક ધનિક કુટુંબના નબીરાને આવી શરત માટે ઉશ્કેર્યો હતો અને એ રીતે એણે ફી માટેના ખૂટતા પૈસા ”કમાઈ” લીધા હતા.

પણ દરેક ક્રિયાની એક પ્રતિક્રિયા પણ હોય જ છે. ઘણીવાર એ જોઈ શકાતી નથી. પ્રતિક્રિયા કયારેક દિમાગમાં જ ઊકળતા પાણીની જેમ ખદબદતી રહે છે. રાજેશની બાબતમાં પણ આવું જ હતું. માથું મુંડાવવું પડયું એ કંઈ એનો શોખ ન હતો, ચાલાકી પણ ન હતી, એ તો હતી મજબુરી અને મજબુરી એનો ભોગ બનનાર વ્યકિતના દિલોદિમાગમાં કિંગ કોબ્રાની દાઢમાં હોય એના કરતાં પણ અનેકગણું વધારે વિષ કાયમ માટે ભરી દેતી હોય છે.

રાજેશના દિમાગમાં પણ આવું જ કાતિલ વિષ જમા થઈ રહ્યું હતું. એ મનોમન આપણા સમાજને કહી રહ્યો હતો: ”થોડો સમય જવા દો. એક વાર હું ડોકટર બનીને બહાર પડું, પછી તમારી વાત છે ! મારા ગુમાવેલા એક એક વાળનાં બદલામાં હું એક એક હજાર રૂપિયા વલૂલ ન કરું તો મારું નામ રાજેશ નહીં.

આ ઝેર હતું અને કાતિલ ઝેર હતું. એક જુવાન ડોકટર જમાનાની થપ્પડો ખાઈને બહુ કઢંગી રીતે ઘડાઈ રહ્યો હતો અને આ કંઈ પહેલવહેલી થપ્પડ ન હતી. આની પહેલાં પણ અનેક વાર આવું જ બન્યું હતું. પ્રસંગો જુદા હતા, મજબુરી એક જ હતી !

કયારેક આખો કલાસ પિકનિક ઉપર જઈ રહ્યો હોય, મિત્રો રાજેશને પણ જવા માટે આગ્રહ કરે, ત્યારે એ ના ન કહી શકતો. પછી છેક છેલ્લી ઘડીએ કોઈ બહાનું રજુ કરીને એ ખસી જતો. દિમાગની દાઢમાં ઝેરનું એક નવું બુંદ ઉમેરાઈ જતું. એ દ્રઢ નિર્ધાર કરી લેતો: ”બસ, ડોકટર બની જઉં એટલી જ વાર છે. અત્યારે મારી પાસે દસ કિલોમીટર દૂર આવેલા પિકનિકના સ્થળૂ જવાના પૈસા નથી. કંઈ વાંધો નહીં. ડોકટર બનીને તમને લૂંટીશ. બેંકના ખાતાં છલોછલ કરી દઈશ. આઠ મહિના ”પ્રેકટીસ કરીશ અને બાકીના ચાર મહિના ”વર્લ્ડ ટૂર ઉપર ફરવા ઊપડી જઈશ.

માત્ર બે જોડ કપડાં ઉપર કાઁલેજનો રંગીન કાળ પસાર કરતી વખતે એ વસ્ત્રોનો એક એક તાર ઝેરી બની જતો: ”બસ, હવે ઝાઝી વાર નથી. ચાર-પાંચ વરસ જ. પછી મારા વોર્ડરોબમાં પાંચસો-હજાર કપડાં હશે.

એવું ન હતું કે એના પપ્પા કશું કમાતા ન હતા. પ્રાણલાલ ખાનગી પેઢીમાં મામુલી પગારની નોકરીમાં હતા. કુટુંબ બહુ મોટું ન હતું. બે દીકરા હતા અને બે માણસ પોતે હતા. પણ એક તો પગાર ટૂંકો અને એમાં પત્નીની બિમારી ભળી. લાકડી જેવા હતા, એમાંથી સળી જેવા બની ગયા. દુર્ભાગ્યે દલિત પણ નહોતા, બ્રાહ્મણ હતા, એટલે સરકાર તરફથી એક પૈસાની પણ આર્થિક સહાય કે ફી માફીનો પ્રશ્ન જ રહેતો નહોતો.

આવી હાલતમાં રાજેશે છેલ્લાં વરસની છેલ્લી પરીક્ષા આપી. પાસ થઈ ગયો. હવે પછીનું એક વર્ષ ઈન્ટર્નશીપનું હતું. પછી આગળની જિંદગી અનેક વિકલ્પો બનીને એની નજર સામે ઊઘડતી હતી. અમેરિકા જવું, ભારતમાં રહીને પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું, પ્રાઈવેટ પ્રેકટીસ કરવી કે સરકારી નોકરી સ્વીકારી લેવી.

સૌથી સીધો અને સહેલો માર્ગ સરકારી નોકરીનો હતો. બીજા રસ્તાઓમાં મૂડીરોકાણ આવશ્યક હતું. એણે નોકરી સ્વીકારી લીધી. વાસ્તવમાં એણે પસંદ કરેલા આ એક જ ઉપાયમાં બબ્બે વિકલ્પો એકસામટા સમાઈ જતા હતા. એણે નક્કી કરી રાખ્યું હતું કે સરકારી નોકરીમાં મોટા ભાગના તબીબો કરે છે એમ એ પણ કરશે. નાનાં શહેરોમાં કે પ્રાયમરી હેલ્થ સેન્ટરોમાં અસંખ્ય ડોકટરો સરકારી ખુરશીમાં બેસીને દરદીઓને તપાસતા હોય છે, એમને સરકારી ગોળીઓ ખવડાવતા હોય છે અને બદલામાં દરદીઓ ‘રાજીખુશીથી’ જે કંઈ ”બક્ષીસ આપે એનો નતમસ્તકે સ્વીકાર કરતા હોય છે. કેટલાક અણસમજુ લોકો આને લાંચ કે રીશ્વત જેવા નામથી બદનામ કરતા રહે છે. રાજેશે પણ નક્કી કરી લીધું કે ”મહાજન: યે ગત: સા પન્થા” !

એની નોકરીનો પ્રથમ દિવસ હતો. એણે જોયું કે એની સાથે બીજા ત્રણ તબીબો પણ હતા. પાંચ-સાત વરસથી નોકરીમાં હતા, એટલે ખાધે-પીધે સુખી હતા. ”બક્ષીસ”નું તંત્ર વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું હતું. ગામડાંના અભણ દરદીઓ આવે, કેઈસ-પેપર કઢાવે, ડોકટર એને ગોળીઓ લખી આપે અને પછી… ? બાજુમાં ઉભેલો સરકારી વર્દી ધારણ કરેલો, ડોકટરનો મળતિયો દરદીના કાનમાં ફૂંક મારે ”વીસ રૂપિયા ટેબલ ઉપર મૂકી દો.” પેલા બાપડા માટે પૈસા મૂકયા વગર છુટકો જ ન મળે. ટીપે ટીપે સરોવર ભરાય. સવાર-સાંજની ઓ.પી.ડી. પતે એટલે દરેક ડોકટર છલકાયેલી દાનપેટી ખીસ્સામાં ઠાલવીને ઘરે જાય. પહેલી તારીખે તગડો પગાર મળે એ આઈસ્ક્રીમની ઉપર ગોઠવેલી લાલ ચેરી જેવો મીઠો લાગે !

હવે ડોકટર બની ગયેલા રાજેશે આ જોયું. ભોજન જમતા પહેલાં જ એને ઓડકારની એંધાણી આવવા માંડી. એણે ઘંટડી મારી. વોર્ડબોયે પ્રથમ દર્દીને એની દિશામાં જવાનો સંકેત કર્યો. સાવ ગરીબ, ચિંથરેહાલ સ્ત્રી, કાંખમાં એના કૂળદીપકને તેડીને આવી. કૂળદીપક પણ પાછો ઓલવાઈ જવાની અણી ઉપર.

”શું થયું છે ?” ડો. રાજેશે પૂછૂયું.

”ઝાડા થઈ ગ્યા સે.” બાઈ બોલી: ”તઈણ દા’ડા થઈ ગ્યા. આજે તો ઊલટીયે ચાલુ થઈ સે. પેટમાં પાણીનું ટીપુંયે ટકતું નથી.”

”એમ ? તો તો પછી છોકરાને દાખલ કરવો પડશે.” રાજેશની આંખમાં ખણખણાતી ચમક હતી: ગ્લુકોઝનો બાટલો ચડાવવો પડશે. ઈન્જેકશનો આપવા પડશે.”

”તે એમાં વાટ કોની જોવાની સે ?” બાઈ બોલી: ”કરી ઘો દાખલ તમતમારે !”

હવે ડોકટરનું કામ પૂરું થયું. વોર્ડબોય મગનનું કાર્યક્ષેત્ર શરૂ થયું. મગને બાઈને ફોડ પાડયો: ”બસો રૂપિયા ચાર્જ થશે. સાથે લાવી છો ?”

”ચારજ શેનો ? બસો રૂપિયા હોત તો આંઈ સરકારી દવાખાને શેના આવીયે ?”

”તો જા, રાહ કોની જુએ છે ? કોઈ વાતે સમજતી નથી. હાળી રોંચા જેવી જાત ! દવા સરકારી છે, પણ સારવાર તો ડોકટરની પોતાની છે ને ?”

બાઈ બિચારી રડી પડી. લાચાર હતી. નજર સામે છોકરો મુરઝાવાની અણી ઉપર હતો. સાડલાના છેડે બાંધેલી ગાંઠ ખોલતી એ બબડી હતી: ”બસો રૂપિયા તો નથી, પણ સો જેટલાં નીકળી રે’શે. મનમાં હતું કે આ નોટ નહીં વપરાય તો મોટા સોકરાની ફી અને સોપડા હાટુ કામ લાગશે, પણ…”

”એક મિનિટ ! મગન, એ બહેન પાસેથી એક પણ પૈસો ન લઈશ.” અવાજ ડો. રાજેશનો હતો: ”એને દાખલ કરી દે.”

”પણ સાહેબ, અહીં તો રીવાજ છે…”

”રીવાજ નથી, એ રીશ્વત છે અને મારે એવો એક પણ પૈસો ન જોઈએ. હવે પછી કયારેય કોઈપણ દરદી પાસે મારા માટે કશું પણ ન માગીશ.”

ઓ.પી.ડી.માં સોપો પડી ગયો. બીજા ડોકટરો પાસે ભીડ હતી. એ આ બાજુ વળી ગઈ. એક સામટી ત્રણ દુકાનો બંધ થઈ ગઈ. માત્ર એક સારવારનું ક્ષેત્ર ધમધમતું બની ગયું.

એ સાંજે સાથી તબીબોએ તકરાર કરી, પણ રાજેશ ટસનો મસ ન થયો: ”હું તમને નહીં રોકું. તમે મને ન ટોકશો. પેલા પણ બીજું શું કરી શકે ? માથા કૂટીને પાછા ગયા.

અને ડો. રાજેશના દિમાગમાં જમા થયેલું ઝેરનું શું થયું ? એણે ઘડી રાખેલાં સપનાંનું શું ?

આજે પા સદિની નોકરી પૂરી કર્યા પછી હજી પણ માત્ર એક સ્કૂટર જ વસાવી શકેલો રાજેશ મને મળ્યો, ત્યારે કહેતો હતો :”હું ગરીબ હતો એ મારો પ્રોબ્લેમ હતો. એની સાથે બિચારા દરદીઓને શો સંબંધ ? એ બધાં પણ ગરીબ જ છેને ? એક ભૂતપૂર્વ ભીખારી બીજા વર્તમાન ભીખારીઓને લૂંટીને ધનવાન કેવી રીતે બની શકે ? અને રહી વાત મારા અરમાનોની, તો મિત્ર ! હું સુખી છું. વર્લ્ડ ટૂર પર જવાની ઈચ્છા થાય છે ત્યારે ગામના વગડા સુધી લટાર મારી આવું છું. ઓડકાર આવી જાય છે. ભોજનમાં ફરક હોઈ શકે છે, તૃપ્તિમાં નહીં… !”

(શીર્ષક પંકિત: મુકેશ જોષી)

(http://www.gujaratiliterature.wordpress.com માંથી )

કાળ એ તો સર્વલક્ષી કાળ છે, પળ વિપળમાં માપવાથી શું ટળે

બાર-તેર વરસ પહેલાંની વાત. શિયાળાની થરથરતી રાત. રાતના બાર વાગ્યા હશે. હું થોડી વાર પહેલાં જ એક નવા જન્મનો સાક્ષી બન્યાનું સદૂભાગ્ય પામીને પથારીમાં પડયો હતો. શરીર આરામ માગતું હતું, પણ આંખોમાં ઊંઘ ન હતી. મેં મહાકવિ કાલિદાસનું ‘ૠતુસંહાર’ ઊઠાવ્યું. ગરમ, હુંફાળા ધાબળામાં લપેટાઇને ગ્રીષ્મૠતુનું અદૂભૂત વર્ણન વાંચવામાં કંઇક એવી જ મજા હતી જેવી શિયાળાની ભાંગતી રાતે ખૂલ્લા ખેતરમાં તાપણા પાસે બેસીને શેકેલી મકાઇનો સ્વાદ માણવામાં હોય છે. ‘નિદાધ કાલ: અયમૂ ઉપાગત: પ્રિયે…..”થી વધુ રોમેન્ટિક પંકિત ઊનાળાની ગરમી વિષે વિશ્વનો કોઇ કવિ લખી શકે કે કેમ એના વિચારમાં હું ડૂબેલો હતો; ત્યાં જ ટેલીફોનની ઘંટડી વાગી.

”કોણ?”

”ઈશ્વર.” સામે છેડે બોલાયેલું નામ સાંભળીને હું બેઠો થઇ ગયો. ઈશ્વર સાથે ફોન પર વાત કરવાનો આ મારો પહેલો જ અનુભવ હતો. મને મારા સાંભળવા ઉપર વિશ્વાસ ન બેઠો.

”કયાંથી?”

”ઢોરબજારમાંથી.” ઈશ્વરે પોતાનું ઠામ-ઠેકાણું જણાવ્યું ત્યારે ફોડ પડયો. આ તો ઈશ્વરલાલ ભટ્ટ બોલી રહ્યા હતા. મારા એક નજીકના સંગાના નજીકના સગા. અમારો સંબંધ સરવાળે દૂરનો. પણ વ્યકિત નિકટની હોય કે દૂરની, એ જ્યારે મધરાતે ફોન કરે ત્યારે બહુ દૂરની નથી રહી શકતી.

”બોલો, ઈશ્વરલાલ! શું હતું?”

”બાની હાલત ગંભીર છે. છાતીમાં ડાબી બાજુએ દુખાવો થાય છે. શ્વાસ પણ લઇ શકતાં નથી. તમે જલદી આવો.” ઈશ્વરભાઇના અવાજમાં નિસહાયતા હતી, તાકિદ હતી, ગંભીરતા હતી.

”સારું, આવું છું.” કહીને મેં રિસિવર મૂકયું. આમ તો પથારી છોડવાનું મન ન થાય એવું વાતાવરણ હતું. હાથમાં કાલિદાસ હતો અને હવામાં ઠંડી. સગાઇ દૂરની હતી અને હું જાણતો હતો કે માજીની ઉંમર નેવું વરસની હતી. વળી દેખીતી રીતે જ આ કેઇસ મારો ન હતો. એટલે ઈશ્વરના ધામમાં ન જવા માટે મારી પાસે અનેક કારણો હતા, પણ જવા માટેનું એક જ કારણ હતું; અને એ એટલું જ કે એક મરણપથારીએ પડેલી ઘરડી માને જોઇને ગભરાઇ ગયેલા દીકરાએ પ્રથમ ફોન મને કર્યો હતો.

ઊભા થઇને મેં કપડાં બદલ્યાં. જાડું, ગરમ સ્વેટર ચડાવ્યું. ગાડીમાં ગોઠવાયો અને ભૂતકાળમાં ભાગ્યે જ એકાદ વખત કોઇક સામાજીક કારણથી જ્યાં જવાનું થયું હતું એ ઘર અને સરનામું યાદ કરતો કરતો નીકળી પડયો.

અમદાવાદ આટલાં વરસ પછીયે મારા માટે અજાણ્યું શહેર છે; એક પણ ઘર કોઇને પૂછયા વગર હું શોધી શકતો નથી. પણ રાત્રે સાડા બાર વાગ્યે સરનામું પૂછવું પણ કોને? ગાડી ચલાવતાં હું મુંઝાઇ રહ્યો હતો. યાદશકિત પ્રમાણેનો વિસ્તાર નજીક આવ્યો, એટલે મેં ગાડી ધીમી પાડી. બંધ ગાડીની બારીનો કાચ નીચે ઊતાર્યો. કોઇ મળી જાય તો પૂછપરછ કરી શકું એ આશયથી ઈધર-ઉધર નજર ઘૂમાવી. ત્યાં જ અચાનક અંધારામાંથી એક બુકાનીબંધ ઓળો ઝબકયો. છેક પાસે આવીને એણે બુકાની ઊતારી ત્યારે ખબર પડી કે એ બુકાની નહીં, પણ મફલર હતું અને ઓળો અન્ય કોઇ નહીં, પણ ઈશ્વરલાલ ખુદ હતા. એ મારી રાહ જોઇને જ ઊભા હતા.

હું એમની સાથે એમના ઘરમાં પ્રવેશ્યો. આખું ઘર જાગતું હતું અને બા પથારીમાં હતાં. ભયંકર રીતે ઉદાસ વાતાવરણ હતું.

મેં જઇને બાનો હાથ પકડયો. કાંડા પર આંગળી મૂકી. પલ્સ તો ચાલુ હતી. મને હાશ થઇ. પછી બ્લડ પ્રેશર માપ્યું. બી.પી. ઘણું ઊંચું નીકળ્યું. છાતી ઉપર સ્ટેથોસ્કોપ મૂકયું. માજીએ આંખો ખોલી.

”કયાં દુખે છે?”

”અહીં.” એ બબડયાં.

”કેવું દુખે છે?”

”કોઇ છરી ભોંકતું હોય એવું….” માજી મરણ પામતાં પહેલાં અંતિમ શબ્દો ઉચ્ચારતાં હોય એમ બોલ્યા.

મેં પૂછપરછ કરી. પછી ઈશ્વરભાઇ તરફ ફર્યો.

”હાર્ટ એટેક હોય એવું લાગે છે. ફિઝિશિયનને બોલાવવા પડશે. કાર્ડિયોગ્રામ કાઢવાની પણ જરૂર પડે. શું કરીશું?”

ઈશ્વરભાઇ સંમત થયા: ”બાને ફિઝિશિયન પાસે લઇ જઇએ તો? કેવું રહેશે?”

”ફીની બાબતમાં સસ્તું રહેશે અને આયુષ્યની બાબતમાં મોંઘું….!” મેં સ્પષ્ટ સમજ આપી દીધી.

”તો પછી તમે જેમ કહો એમ! હું તો કોઇને ઓળખતો નથી. તમે જ નક્કી કરો કે કોને બોલાવવા છે…!” ઈશ્વરભાઇએ સંપૂર્ણ જવાબદારી મારા શીરે નાખી દીધી.

મને અભિજીત યાદ આવ્યો. મારો મિત્ર તો ગણાય, પણ ગાઢ મિત્ર નહીં. મારાથી જુનિયર હતો. એકાદ વરસથી જ પ્રેકટીસ શરૂ કરી હતી. સારું એવું નામ થતું આવતું હતું.

મેં જ ફોન જોડયો. પાંચેક વાર ઘંટડી વાગી, પછી રિસિવર ઊઠાવવાનો અવાજ, એક બગાસું, એક આળસનો મરડાટ અને પછી ઊંઘરેટીયો અવાજ: ”કોણ?”

જવાબમાં મેં પરિસ્થિતિનું બયાન ઠાલવી દીધું.

પછી પૂછયું: ”આવે છે ને?”

”આવું છું પણ કદાચ મને ઘર ન જડે.” અભિજીતે મુશ્કેલી રજુ કરી. મને આશ્ચર્ય થયું, કારણ કે એ તો જન્મથી જ અમદાવાદી હતો. મને જૂનાગઢમાં આંખે પાટા બાંધીને છુટો મૂકી દો તોયે હું ધારેલું ઘર ખોળી આપું.

”તું ચિંતા ન કર.” મારી પાસે અભિજીતની મુશ્કેલીનો ઉપાય તૈયાર જ હતો: ”તું ચાર રસ્તા સુધી પહોંચીશ, ત્યાં અંધારામાં એક બુકાનીધારી ઓળો ઊભેલો જ હશે.”

એણે હસીને રિસિવર મૂકયું. મેં ઈશ્વરલાલ તરફ જોઇને ઈશારો કર્યો. એમણે ચહેરા ફરતે મફલર વિંટવાનું શરૂ કર્યું.

વીસ મિનિટ પછી અભિજીત એની વિઝીટ બેગ સાથે હાજર હતો.

એની વાતચિતે, દરદીને તપાસવાની એની શૈલીએ, એની ઈ.સી.જી. કાઢવાની અદાએ, એની પૂછપરછે બધાંને સાચા અર્થમાં આંજી દીધા. પહેલેથી જ ગંભીર વાતાવરણને વધુ ગંભીર બનાવી દીધું. એમાં કયાંય બનાવટ ન હતી. માત્ર સત્ય હતું અને વાસ્તવિકતા હતી..

કાર્ડિયોગ્રામ વાંચ્યા પછી એ પોતે પણ ગંભીર બની ગયો: ”શી ઈઝ ટૂ સિરિયસ ટુ બી શિફટેડ! માજીને આઇ.સી.સી.યુ.માં ખસેડવામાં પણ જોખમ છે. કદાચ અધવચ્ચે જ….” એણે વાકય અધૂરું જ છોડયું. એ ન બોલાયેલા વાકયમાં અમે ”ઉકલી જાય” એવા શબ્દો સાંભળી શકયા.

થોડી વાર સુધી સન્નાટાનું સામ્રાજ્ય છવાયેલું રહ્યું. પછી ઈશ્વરલાલે શરૂઆત કરી: ”બા જાય એનો અફસોસ નથી. બહુ જીવ્યાં. નેવું વરસ કંઇ ઓછાં ન ગણાય. પણ એકાદ મહિનો ખેંચી કાઢે તો સારું.”

”કેમ?”

”આ માગશરમાં દીકરાના લગ્ન લીધાં છે. બાને જો કંઇ થઇ ગયું તો લગ્ન એકાદ વરસ માટે….”

અભિજીતે મારી સામે જોયું. મારી આંખોમાં પ્રશ્નાર્થ હતો. એણે ડોકું ધૂણાવ્યું: ”કંઇ કહી ન શકાય. હું સારવાર આપી શકું, સમય નહીં.”

અભિજીતની વાત સાચી હતી. માજી ખર્યું પાન હતાં, આખરી શ્વાસોના તાંતણે જિંદગીની ડાળ ઉપર લટકી રહ્યા હતાં. એ તંતુ કયારે તૂટી જાય એ કહી શકાય નહીં.

ઈશ્વરભાઇ મને બાજુ પર લઇ ગયા. ધીમેથી મારા કાનમાં ગણગણ્યા: ”બા બહુ લાંબું ખેંચે એમ નથી એ તો હું પણ જાણું છું.

મને પોતાને બાંસઠ વરસ થયા. એટલે હવે બા જાય એમાં કશી નવાઇ નથી, પણ ગમે એમ કરીને એકાદ મહિનો જો નીકળી જાય…..”

ડાઁ. અભિજીતે ઈન્જેકશન આપ્યું. બ્લડપ્રેશરની ગોળી આપી. હૃદયનો દુખાવો મટાડવાની ગોળી જીભ નીચે મૂકી. ઓકિસજનનો સિલિન્ડર મગાવ્યો અને એની નળી માજીના નાકમાં ખોસી દીધી. સંપૂર્ણ આરામ, નિયમિત દવા અને પ્રભુને પ્રાર્થના; એમ ત્રિવિધ ઉપાયોનું પ્રિસ્ક્રીપ્શન આપીને એ ગયા.

હું પણ થોડી વારે વિદાય થયો. ઘરે જઇને કાલિદાસના ૠતુસંહારમાં ચિત્ત ન લાગ્યું.

ગમે ત્યારે કાળ નામનાં અલૂર દ્વારા માજી-સંહાર રચાશે એ ખ્યાલમાં વહેલી સવારે નિદ્રાધીન થયો.

એક દિવસ, બે દિવસ, અઠવાડિયું, મહિનો….! માજી ટકી ગયાં. ઈશ્વરલાલનો પુત્ર પરણી ગયો. એના ઘરે ય આજે બાળક રમે છે.

અને અચાનક એક દિવસ ઈશ્વરભાઇના પિતરાઇ તરફનો ફોન આવ્યો: ”અશુભ સમાચાર છે.”

”આખરે માજી ગયાં?”

”ના, માજી તો અડીખમ છે! ઈશ્વરભાઇ ગયા!!”

આ જીવન છે; કયારેક પીળું પાન ટકી જાય છે અને મજબૂત ડાળી તૂટી પડે છે!

हम सब रंगमंचकी कठपूतलियां है, जीसकी डौर उपरवाले के हाथमें है; यहां कौन, कब और कहां ऊठेगा ये कोइ नहीं कहे सकता…!

(http://www.gujaratiliterature.wordpress.com માંથી )

સત્ છે, અસત્ છે, સરતું જગત છે, મંઝિલ બરાબર, રસ્તો ગલત છે

‘ડાઁકટર સાહેબ, અહીં ભારતમાં તો ડાઁકટરોનો જબરદસ્ત ફુગાવો છે. મારો દીકરો વિપુલ ત્રણ વરસથી ફિઝિશિયન બનીને બેઠો છે. એ ભણતો હતો ત્યારે એમ હતું કે અમે સોનાની ખાણ ખોદી રહ્યાં છીએ. હવે લાગે છે કે…” ધીરૂભાઇ આટલું બોલીને અટકી ગયા. આગળ બોલવા માટે શબ્દો નહોતા જડતાં એવું નહોતું. પણ ખાલી જગ્યામાં પૂરવા માટે બીજો કોઇ વેપાર-ધંધો નહોતો લૂઝતો. ભારત દેશમાં અત્યારે કયો ધંધો એવો છે જેમાં ભીડ નથી. શેરીએ શેરીએ ડોકટર પણ છે, મોચીયે છે, વાળંદ પણ છે અને વેપારીઓ પણ છે. પાંચ હજારનું કામ કરવા માટે પાંચસો રૂપરડીમાં મળી રહેતો સાયન્સ ગ્રેજ્યુએટ છે અને બે-અઢી હજારની નોકરી માટે તમામ પ્રકારની બાંધછોડ કરવા તત્પર ‘બહેનો’ પણ છે ! ધીરૂભાઇએ એમના દીકરાને ડોકટર ન બનાવ્યો હોત તો બીજું શું બનાવ્યો હોત એ પૂછવા જેવો સવાલ છે.

એક ફિઝિશિયન બનેલા તેજસ્વી યુવાનના બાપની ફળફળતી વેદના સાંભળનાર હતા ડાઁ. પાઠક સાહેબ. વરસોથી પાઠક સાહેબ ઇંગ્લેંડમાં વસેલા છે. સાંઇઠના દાયકામાં ત્યાં ગયેલા , એટલે જામી ગયા છે, બાકી અત્યારે ઇંગ્લેંડમાં પણ તકલીફ છે.

એમણે એ જ વાત ધીરૂભાઇને કરી: ”બેકારીનો દર ત્યાં પણ વધતો જાય છે. અને ઇન્ડિયામાં આવીને મેં તો બે જ ધંધામાં બરકત જોઇ છે…”

”કયાં ?” ધીરૂભાઇની આંખમાં ચમક આવી.

”ભજનના અને ભોજનના ! કમાવું હોય તો કાં સાધુ બનો, કાં ખાણી-પીણીના ધંધામાં ઝંપલાવો.”

ધીરૂભાઇ હસવું પડે એટલે હસ્યા. બાકી અત્યારે એ મજાકના મૂડમાં ન હતા. દીકરાની ચીંતા એમને કોરી રહી હતી: ”વિપુલને ત્યાં મોકલી આપું તો ? તમે એને ‘સેટલ’ કરવામાં મદદ ન કરો ?”

ડાઁ. પાઠક સાહેબ ના જ પાડવા જતા હતા. પણ બોલવા માટે મોં ઊઘાડતાં પહેલાં એમનાથી ધીરૂભાઇ સામે જોવાઇ ગયું. સામે કો’કનો બાપ ઊભો હતો અને પોતે પણ કો’કનો પુત્ર હતો.

”વેલ, આઇ વીલ ટ્રાય. તમે એને યુ.કે. મોકલવાની તૈયારી કરો. હું રજાઓ માણીને આવતા અઠવાડિયે પાછો જઉં છું, પછી એને કયાંક નોકરી મળે એવી વ્યવસ્થા કરૂં છું.” ડાઁ. પાઠકે જીભ આપી. એ ક્ષણથી જ એમના મનમાં વિપુલને કયાંક ગોઠવવા માટેના તાણાવાણા ગૂંથાવા શરૂ થયા.

ડાઁ. પાઠક ડિસેમ્બરમાં આવ્યા હતા. રજાઓ પૂરી કરીને પાછા ઊડી ગયા. ત્યાં જઇને ‘સર્જરી’માં ખૂંપી ગયા. ઇંગ્લેંડમાં કિલનિકને ‘સર્જરી’ તરીકે ઓળખવામાં આવે છે.

એકાદ મહિનો થયો, ત્યાં ઇંડિયાથી ધીરૂભાઇનો પત્ર આવ્યો: ”પાઠક સાહેબ, મારા વિપુલનું કયાંક ઠેકાણે પાડશો. ગરીબ માણસ છું. દેવું કરીને દીકરાને ભણાવ્યો છે. અહીંનું વાતાવરણ ખરાબ થઇ ગયું છે. જનરલ પ્રેકટીશનરોને કમિશન ન આપે તો કોઇ પેશન્ટ ન મોકલે ! મારો વિપુલ સીધી લાઇનનો છે. તમે ગમે તેમ કરીને એને…”

ડાઁ. પાઠક ખરેખર વિપુલ માટે પ્રયાસો કરતા હતા. પણ પત્ર જૂનો થાય એટલે વાત કોરાણે મૂકાઇ જાય. બીજા મહિને ફરીથી બીજો પત્ર. ત્રીજા મહિને ત્રીજો. ધીમે ધીમે પત્રોની સંખ્યા વધતી ગઇ, બે પત્રો વચ્ચેનું અંતર ઘટતું ગયું. લખાણ ઓછું થતું ગયું, પણ એમાંથી ટપકતી વેદના, લાચારી, આજીજી વધતાં ગયાં.

છેક દસમા મહિને મેળ પડયો. પાઠક સાહેબે વધામણીનો ફોન કર્યો.

”પાસપોર્ટ તૈયાર છે ?”

”હા.” આ વખતે ફોન ઉપર વિપુલ પોતે હતો.

”હું સ્પોન્સરશીપનો કાગળ મોકલું છું. અહીંની એક મોટી જનરલ હોસ્પિટલમાં એક મહિનાની હંગામી નોકરી મળે છે. ”

”બસ ? એક જ મહિનો ? ! પછી….?”

”પછી બધું તારી ઉપર છે, આ તો ક્રિકેટના ટીમ જેવું છે, હું તારૂં સિલેકશન કરાવી આપું. પછી રન્સ તારે કરવા પડે, નહીંતર બીજા મેચમાં તને ટીમમાંથી કાઢી પણ મૂકે.!”

”રન કરવાના ?” ડાઁકટરે ? દવાખાનામાં ?”

”વાતનો અર્થ સમજ, ભાઇ ! હું તને એક મહિના માટે ગોઠવી દઉં. આ હોસ્પિટલ અહીંની બહુ મોટી અને પ્રતિષ્ઠિત હોસ્પિટલ છે. એનો વહિવટ અંગ્રેજ ડાઁકટરોના હાથમાં છે. બધાં જ માણસો બહુ ભલા છે. એ લોકો તારૂં કામ જોશે, આવડત જોશે, નિષ્ઠા જોશે. તારે તારી પ્રમાણિકતાથી એમને ખુશ કરી દેવાના ! પછી તરત જ છ મહિના માટે તારી નોકરી લંબાવી આપવામાં આવશે.”

”બસ ? છ જ મહિના ?”

”અરે, ભાઇ ! આ તો બીજો મેચ હશે, છ મહિના પછી ફરીથી બીજા છ મહિના… પછી ત્રીજા…! એમને એમ તું ધારે તો આખી જિંદગી ઇંગ્લેંડમાં કાઢી શકે છે. ઇંગ્લેંડમાં બધું હપ્તે-હપ્તે હોય, સળંગ ન હોય… લગ્ન પણ !”

પાઠક સાહેબે ફોન મૂકી દીધો. અને વિપુલ વિદેશગમનની જોરદાર તૈયારીમાં ડૂબી ગયો.

છાપામાં ફોટા છપાયા. જ્ઞાતિમાં સન્માન સાથે વિદાય માન અપાયું. વિપુલ ઇંગ્લેંડ પહોંચ્યો. ત્યાંની ફેરફીલ્ડ જનરલ હોસ્પીટલમાં ‘ડયુટી’ પર હાજર થયો.

ડાઁ. કેરીંગ્ટને એને આવકાર આપ્યો: ”વેલકમ, ડોક ! ડાઁ. પાઠક હેડ એ ગૂડ વર્ડ એબાઉટ યુ. સો વી ડીસાઇડેડ ટુ ગીવ યુ એ ચાન્સ. યુ આર ઓન ફોર એટલીસ્ટ એ મન્થ…! (મતલબ: ”તારૂં સ્વાગત છે. ડાઁ. પાઠકે તારા માટે સિફારીશ કરી છે. એટલે અમે તને તક આપવાનું નક્કી કર્યું છે. તું એક મહિના માટે નોકરી ઉપર છે.”)

”થેન્ક યુ, સર !” કહીને ડાઁ. વિપુલ બેગ-બિસ્તરા સાથે એને ફાળવવામાં આવેલા રહેઠાણ તરફ જવા રવાના થયો.

ત્રીસ દિવસ તો ચપટીમાં પસાર થઇ ગયા. વિપુલે ખરા અર્થમાં પરસેવો પાડીને કામ કર્યું. એણે ન દિવસ જોયો, ન રાત જોઇ. કામનાં કલાકો ન ગણ્યા, કેટલાં દરદીઓ તપાસ્યા એ પણ ન ગણ્યા. પરસેવાના પ્રવાહમાં તબીબી જ્ઞાન, ચીવટ, દરદી સાથે ભલું વર્તન અને અસરદાર સારવાર ઊમેરી.

પહેલાં પંદર દિવસમાં જ એનું ભાવિ નક્કી થઇ ગયું.એક મહિનો પૂરો થયો પહેલાં તો ડાઁ. કેરીંગ્ટને એના હાથમાં છ મહિનાનું ‘એકસટેન્શન’ મૂકી દીધું.

વિપુલ મીઠાઇનું બોકસ લઇને ડો. પાઠક સાહેબના ઘરે ગયો. એમના પગમાં પડી ગયો: ‘અંકલ, તમે ન હોત તો મારૂં શું થાત ?”

ડાઁ. પાઠકે એની પીઠ થાબડી: ”વેલ ડન, માય સન, ! મારી ઉપર ડાઁ. કેરીંગ્ટનનો ફોન હતો. તારા ખૂબ વખાણ કરતા હતા. કહેતા હતા કે આવો મહેનતુ ડાઁકટર એમણે બીજો જોયો નથી. એમને નવાઇ લાગતી હતી કે તું ઇન્ડિયામાં કેમ ન ચાલ્યો.”

”ભ્રષ્ટાચાર, અંકલ, ભ્રષ્ટાચાર !” વિપુલે નિસાસો નાંખ્યો. ”બીજું કશું જ નહીં. ભારતમાં રહેવું હોય તો તમારે ભ્રષ્ટાચારને ભેટવું જ રહ્યું. નહીંતર ભારત દેશ તમને ઘડીનાં છઠ્ઠા ભાગમાં ખતમ કરી નાંખે.’

એ સાંજે પાઠક સાહેબના પત્નીએ ભોજન બનાવ્યું. વિપુલ એમની સાથે જમીને વિદાય થયો. અઠવાડિયે પંદર દિવસે એના ફોન આવતાં રહેતાં. એની પ્રગતીની વાતો સાંભળીને પાઠક સાહેબ રાજી થતાં.

પછી અચાનક સળંગ એક મહિના સુધી ડાઁ. વિપુલનો એક પણ ફોન ન આવ્યો. ”શું થયું હશે?” ડાઁ. પાઠક સાહેબને ચિંતા થઇ: ”બહુ કામ રહેતું હશે ? કે પછી ભૂલી ગયા હશે? માંદો બાંદો તો નહીં પડયો હોય ને? કંઇ નહીં, એણે ફોન ન કર્યો, તો આપણે કરીએ…” એમણે ફોન લગાવ્યો. સામા છેડે ડાઁ. કેરીંગ્ટન હતા.

”હાય ! કેમ છે ?”

”અમારો હીરો શું કરે છે ?” ડાઁ. પાઠકે પૂછૂયું.

”કોણ ? વિપુલ !” હી હેઝ ગોન ટુ ઇંડિયા.”

”વ્હોટ ?”

”હા, નાતાલની રજાઓ આવે છે ને ? અને કદાચ પાછો નથી આવવાનો…”

ડાઁ. પાઠકે આડી અવળી વાતો કરીને રિસિવર મૂકી દીધું: પણ એક-બે બાબત એમના દિમાગમાં બેસતી નહોતી. બે મહિનાની નોકરી પછી વિપુલ વેકેશન માણવા માટે ભારત શાનો જાય ? અને જાય તો પણ એ પાછો કેમ નથી આવવાનો ? ડાઁ. કેરીગ્ટન જવાબ આપતી વખતે અચકાતા કેમ હતા ? નક્કી કંઇક ગરબડ લાગે છે.

એમણે ફરીથી ફોન જોડયો: ”હલ્લો….! ડાઁ. કેરીંગ્યન ?”

”યસ…”

”સર, સાચું કહો, હકીકત શી છે?”

પળવાર ખામોશી. પછી ડાઁ. કેરીગ્ટને પૂછૂયું: ”આઇ બિલિવ ધેટ ડો. વિપુલ ઇઝ યોર રીલેટીવ. ઇઝન્ટ હી ?”

”નો, બટ હી ઇઝ સર્ટન્લી ફ્રોમ માય પાર્ટ ઓફ ઇન્ડિયા. કેમ, સું વાત છે?”

અને ડાઁ. કેરીંગ્ટને વાતનો કરંડીયો ખૂલ્લો કર્યો. અંદરથી ફૂંફાડો મારતી નાલેશી નીકળી હતી. હોસ્પિટલનું ટેલીફોન બીલ અત્યાર સુધીમાં કયારેય ન આવ્યું હોય એવું ભારે આવ્યું હતું. એમાંથી સવા લાખ રૂપિયા તો ખાલી આઇ.એસ.ડી. ફોન કોલ્સના જ હતા. હોસ્પિટલમાં આઠથી દસ ડાઁકટરો વિદેશી હતા. એ દરેકની પૂછપરછ કરવામાં આવી. ખાનગીમાં વિવેકપૂર્વક તપાસ કરવામાં આવી. જાપાનના ઓકિરોથી માંડીને ચીનના શુંગ-કાઇ-ફૂંગ સુધીના તમામના માથાં નકારમાં હલ્યા. ડાઁ. વિપુલે પણ ઇન્કાર કર્યો. પણ એને ખબર ન હતી કે બીલનાં કાગળમાં જયાં ફોન કરવામાં આવ્યા હતા એ સ્થળના નંબર નોંધેલા હતા. એ બધા નંબરો એક જ શહેરના હતા, અમદાવાદના !

ડાઁ. કેરીંગ્ટને ખાનગીમાં એ નંબર ઉપર વાત કરી: ”તમે ડાઁ. વિપુલને ઓળખો છો ? એણે તમને ફોન કર્યો છે ?”

દરેક જગ્યાએથી જવાબમાં ‘હા’ મળી. હોસ્પિટલના સંચાલકોની સમિતિએ ફરી એક વાર ડાઁ. વિપુલને તક આપી: ”તું સાચું બોલી નાખ. અમે આ રકમ માફ કરી દેવા માટે તૈયાર છીએ.”

”ના, મેં એક પણ ફોન નથી કર્યો.” વિપુલને ખબર નહોતી કે પૂછપરછ કરનારા પાસે પૂરાવાઓ મોજુદ છે.

અને, અફસોસ ! ડાઁ. વિપુલને નોકરીમાંથી બરતરફ કરી દેવામાં આવ્યો.

ડાઁ. પાઠક સાહેબની દિલગીરીનો કોઇ પાર ન રહ્યો. એમને એક વાત આજ લગી સમજાઇ નથી, ભારતમાં ભ્રષ્ટાચાર છે એ કારણે નાસીને આવેલો વિપુલ ખુદ ઇંગ્લેંડમાં શું કરી રહ્યો હતો ? ખરેખર ખરાબ કોણ હોય છે; દેશ કે દેશવાસીઓ ?

(શીર્ષક પંકિત: શેખાદમ આબુવાલા)

(http://www.gujaratiliterature.wordpress.com માંથી )

રે મન, ચાલ મહોબ્બત કરીએ, નદી-નાળામાં કોણ મરે, ચલ, ડૂબ ઘૂઘવતે દરિયે

”જો, આ શું છે ? જોઇ લે, તારી આંખો ફાટી જશે !” વલ્લભના બોલવામાં મગરૂરી હતી, એની આંખોમાં અભિમાન હતું અને લંબાયેલા જમણા હાથમાં સિનેમાની ટિકીટનું ફાટેલું અડધિયું હતું. મારી આંખો ફાટી તો નહીં, અલબત્ત, ઝીણી અવશ્ય થઇ.

”શું છે ?” હું સિનેમાની ટિકીટમાં છુપાયેલો સંકેત સમજી શકું એટલો ચાલાક સાબિત ન થયો.

”શું છે એમ પૂછે છે ?!” વલ્લભના અવાજમાં મારી બાલિશતા પ્રત્યેનો પ્રગટ તિરસ્કાર દેખાઇ રહ્યો હતો: ”અરે, ‘શોલે’ની ટિકિટ છે ‘શોલે’ની…”

”તો ?” હું એણે કહ્યું એ તો સમજ્યો, પણ એ જે કહેવા માગતો હતો એ હજીયે સમજી ન શકયો.

”અરે, ગાંડા ! ‘શોલે’ પડયું એની પહેલાં દિવસના પહેલાં ‘શો’ની ટિકિટ છે !! શુક્રવારે ત્રણથી છનાં શોમાં બાલ્કનીમાં બેસીને બંદા જોઇ આવ્યા. બહાર તો જે ભીડ હતી, જે ભીડ હતી ! પડે એના કટકા ! પણ બંદાએ તો સવારથી જ બુકીંગ કરાવી રાખેલું.!”

મને એની બાલિશતા ઉપર દાઝ ચડી: ”પહેલાં જ દિવસે ફિલ્મ જોવામાં કોઇ ખાસ ફાયદો થાય છે? એ લોકો એક વધારાનું રીલ બતાવે છે ! કે પછી આવા પ્રેક્ષકોનું જાહેરમાં સન્માન કરે છે ?”

પણ મારી કરામત નિષ્ફળ ગઇ. મેં ફેંકેલો કટાક્ષ નિશાન ચૂકી ગયો. વલ્લભની ટટ્ટાર ગરદન એક સેન્ટીમીટર જેટલું પણ ન ઝૂકી.

”એ તને નહીં સમજાય. વરસાદ તો ચોમાસાનાં ચારેય મહિના વરસતો હોય છે, પણ પહેલા વરસાદની તોલે આખું ચોમાસું યે ન આવે. એવું જ આ ફિલ્મોનું છે. મેં તો જેટલી ફિલ્મો જોઇ છે એ બધી જ આ રીતે જોઇ છે.’

મને એની વાત તદૂન અર્થહીન તો ન લાગી, પણ એનો તર્ક સાચો ન લાગ્યો. એકવાતમાં તો હું પણ સંમત હતો, પ્રથમ શોમાં ફિલ્મ જોવાનો મોટો ફાયદો એ કે આપણે એ ફિલ્મની ગુણવત્તા વિષે, કે બોકસ-ઓફિસ ઉપરની એની સફળતા કે નિષ્ફળતા વિષે સભાન ન હોઇએ. એટલે આપણો અભિપ્રાય એ માત્ર આપણો જ હોય, બીજાનો નહીં, પણ વલ્લભની કાર્યપ્રણાલી પાછળ આવી કોઇ સમજણ ન હતી, એમાં તો હતી નરી છલકાઇ, અર્થહીન મગરૂરી અને કોઇપણ કારણ વગરનું અભિમાન. પહેલાં શોમાં ફિલ્મ જોવાથી જાણે જગત જીતાઇ ગયું હોય એવી એની બોડીલેંગ્વેજ બની ગઇ હતી. એનું ચાલે તો એ ‘શોલે’ ફિલ્મ બનતી હતી, ત્યારે એના લોકશન ઉપર જઇને જોઇ આવે.!

વલ્લભ ડાઁકટર તો અત્યારે છે, બાકી પંચોતેરની સાલમાં તો એ માત્ર વલ્લભ જ હતો. અલબત્ત, એ વખતે એ મેડીકલ સ્ટુડન્ટ અવશ્ય હતો. હું જામનગરની મેડીકલ કોલેજમાં ભણતો હતો અને વલ્લભ અમદાવાદમાં, કયારેક વેકેશનમાં અમે મળી જતા, ત્યારે મને એના આગવા ‘વલ્લભ સંપ્રદાય’ નો પરીચય મળી જતો.

આવી જ રીતે એક દિવસ એણે મને એસ કલરનું એક શર્ટ બતાવીને પૂછૂયું હતું: ”કયું કાપડ છે આ ? કહી બતાવે તો ખરો !”

મેં પહેલાં પગથીયે જ હાર કબુલી લીધી: ”હું માણસ પારખી શકું છું, પણ કાપડ નથી પારખી શકતો. મારી પોતાની મીલ હોય અને તું એનું કાપડ બતાવે તો પણ હું ઓળખી ના શકું…!!”

”ઓનલી વિમલ !!!” એ જાહેરાતનું જીંગલ ગાતો હોય એવી રીતે બોલ્યો.

”એમ ? સારૂં કાપડ છે. ” મેં વાતને વહેતી રાખવા માટે જરૂર પૂરતાં વખાણ કર્યા.

”પહેલા તાકામાંથી પહેલો ‘પીસ’ ફડાવ્યો છે !” એના બોલવામાં અચાનક દર્પ ભળી ગયો.

”એની ખાતરી શી ?”

”હજુ તો અમદાવાદમાં એક જ શો-રૂમ ખૂલ્યો છે, દસ દિવસ પહેલાં તો ઉદ્ઘાટન હતું. એના આગલા દિવસે સાંજે માલ આવતો હતો, એમાંથી જ આ કાપડનો ટુકડો ફડાવી લીધો. દુકાનના માલીકનો દીકરો મારો મિત્ર છે.!”

મેં આગળ દલીલ ન વધારી. બાકી હું પૂછી શકતો હતો કે પહેલાં તાકામાં ધીરૂભાઇએ વધુ સારો રંગ વાપર્યો હોય એવું બની શકે ! પણ વલ્લભ આગળ આવી કોઇ જ તાર્કિક દલીલને અવકાશ ન હતો.

છ મહિના પછી સેકન્ડ એમ.બી.બી.એસ.ની પરીક્ષાનું પરીણામ જાહેર થયું. વલ્લભ ત્રીજા નંબરે પાસ થયો. મેડીકલના અભ્યાસક્રમનું સ્તર ઓલિમ્પિકની રમત સાથે સરખાવી શકાય. ઓલિમ્પિક ગેઇમ્સમાં કાંસ્ય ચંદ્રક પણ મહત્વનો ગણાય. મેં વલ્લભને અભિનંદન આપતો પત્ર લખ્યો. જવાબમાં એનો અફસોસ વાંચવા મળ્યો: ”તું તો મિત્ર છો, એટલે અભિનંદન આપે છે, પણ હું એનો સ્વિકાર શી રીતે કરૂં ? ત્રીજા નંબર અને છેલ્લા નંબર વચ્ચે ફરક શો ? તને તો ખબર છે કે હું પ્રથમ આંકડાનો માણસ છું. રોજ સવારે ઊઠીને કેન્ટીનમાં જઇને ફાફડા પણ પહેલાં ઘાણના જ આરોગું છું. ભગવાને મને ચાર ભાઇઓ અને ત્રણ બહેનો આપ્યાં છે, એ પણ મારો જન્મ થયા પછી…! હું ગામડામાં હતો ત્યારે દૂધ પણ ભેંસ દોહવાય ત્યારે પહેલી ધારનું પસંદ કરતો. ! અને પરીક્ષામાં ત્રીજો નંબર ? કોઇ રીતે ન ચલાવી લેવાય ! છેલ્લાં વરસમાં જોઇ લેજે ! પાસ થઇશ તો પ્રથમ નંબરે, બાકી…”

હું એની મક્કમતાને મૂર્ખામી ગણીને વિસરી ગયો. તબીબી પરીક્ષામાં કોઇપણ વિઘાર્થી પ્રથમ નંબર લાવવાનો આત્મવિશ્વાસ રાખી ન શકે. આઇન્સ્ટાઇન પણ નહીં. અને જો એ રાખે, તો એને બડાશ માનવામાં આવે.

પણ દોઢ વરસ પછી જાણવા મળ્યું કે વલ્લભે જે આગાહી કરી હતી એ કોઇ બડાશ નહોતી, પણ એની બુદ્ધિમાં સમાયેલો એનો વિશ્વાસ હતો, એના પરસેવામાં રહેલી એની શ્રદ્ધા હતી, પહેલાં નંબર માટેનું એનું ઝનૂન અને આગ્રહ એનો રંગ બતાવી રહ્યો હતો.

એમ.બી.બી.એસ. પૂરૂં કર્યા પછી વલ્લભે જો ધાર્યું હોત તો એ આગળ ભણી શકયો હોત. કોઇ ગ્રીન કાર્ડ હોલ્ડર છોકરીને પરણીને અમેરિકા પણ જઇ શકયો હોત. પણ બધાંના આશ્ચર્ય વચ્ચે એને એના ગામની નજીકના નાનકડાં શહેરમાં ખાનગી કિલનિક શરૂ કરી દીધું.

મેં આઘાત વ્યકત કર્યો, ત્યારે જવાબમાં એણે ખુલાસો પાઠવ્યો: ”આવી રીતે પહેલા નંબરે પાસ થયા પછી પોસ્ટગ્રેજ્યુએશન કરવાને બદલે જનરલ પ્રેકટીસ શરૂ કરનાર મારા સિવાય બીજા કેટલાં ? હું અવશ્ય પહેલો જ હોઇશ !

અને એના કિલનિકના પ્રારંભ સમયે સમારંભમાં હાજરી આપવા માટે હું ગયો, ત્યારે મેં જોયું કે પહેલાં દિવસે જેટલાં આમંત્રિતો હાજર હતા એનાં કરતાં પણ વધુ તો દરદીઓ હતાં ! શરૂઆતથી જ ડાઁ. વલ્લભ કમાણીની બાબતમાં પણ એ શહેરમાં પ્રથમ ક્રમ ઉપર ગોઠવાઇ ગયો હતો.

અને પછી અચાનક જિંદગીનું ગરૂડ સમયના આકાશમાં ફડફડાટ પાંખો વિંઝતું ઊડવા માંડયું. મારૂં મળવાનું ઓછું થતું ગયું. હું એના લગ્નની કંકોતરીની રાહ જોતો રહ્યો. પણ મને કયારેય જાણવા ન મળ્યું કે વલ્લભના લગ્ન કયારે થઇ ગયાં ! થયાં કે નહીં એની પણ કોને ખબર ? કદાચ એમાં પણ એ કંઇક એવું નવતર કરવા માગતો હોય જે એની પહેલાં દુનિયામાં કોઇએ ન કર્યું હોય !

હમણાં થોડા સમય અગાઉ મારે એના ઘરે જવાનું બન્યું. ગયો હતો તો ત્યાં એક સાહિત્યના સમારંભમાં હાજરી આપવા માટે, પણ એ પૂરો થયા પછી હું ડાઁ. વલ્લભના કિલનિક ઉપર એને મળવા માટે જઇ ચડયો. વલ્લભ જામી ગયો હતો. બહાર બેઠેલાં દરદીઓની ભીડ એની સમૃદ્ધિની ચાડી ખાતી હતી. મને જોઇને ખુશ થઇ ગયો. કહે: ”ચાલ, ઘરે…! તારી ભાભીની ઓળખાણ કરાવું.”

મેં ”ભાભી’ વિષે કલ્પનાનો મહેલ ચણવા માંડયો. વલ્લભ ગામડાંનો હતો, પણ તંદુરસ્ત હતો, ગોરો હતો અને હવે તો સારા કપડાં પહેરવાને કારણે દેખાવડો પણ દેખાતો હતો. એની પત્ની જરૂર સુંદર જ હોવી જોઇએ. પણ સુંદર એટલે કેટલી સુંદર? એ તો એના ઘરે ગયા પછી જ જાણવા મળે.

અને ઘરે જઇને જે જોયું એ જાણવા જેવું ન હતું, આંખોએ માણવા જેવું ન હતું, કલમથી વખાણવા જેવું પણ ન નીકળ્યું.

”આ મારી ‘વાઇફ’ શ્યામા…. અને શ્યામા, આ મારો બહુ જુનો ફ્રેન્ડ…” વલ્લભે પરિચય કરાવ્યો અને મેં ‘નમસ્તે’ની મુદ્રામાં હાથ જોડયા, પણ કોની સામે ?

મારી સામે ઉભી હતી એક શ્યામા, અતિશય શ્યામ સ્ત્રી જેને રૂપ સાથે તો કોઇ જાતનું સગપણ ન હતું, પણ નમણાશ નામનો શબ્દ પણ એનાં શબ્દકોષમાં નહોતો ! ચહેરા ઉપરથી વાચી શકાતું હતું કે સ્વભાવે પણ એ શ્યામ જ હોવી જોઇએ. વલ્લભ સાથેનું એનું વર્તન રૂક્ષ હતું. ઊઠવામાં, બેસવામાં, પાણી લાવવામાં, ચા આપવામાં…એની પ્રત્યેક ક્રિયામાંથી તોછડાઇ ટપકતી હતી.

શું જોઇને વલ્લભે આ ‘સ્ત્રી’ને પસંદ કરી હશે ? વલ્લભ નિ:શંકપણે એની જ્ઞાતિમાં સૌથી શ્રેષ્ઠ મુરતીયો હતો. એ ધારે તો મિસ માધુરી પટેલ કે મિસ ઐશ્વર્યા પટેલને પામી શકે એમ હતો, તો પછી આ મિસ કોલસો કયાંથી ભટકાઇ ગયો ? ‘કોલસો’ શબ્દ વાપરતી વખતે હું એ વાતથી પૂરેપૂરો સભાન છું કે ચામડીનાં રંગને અને તે વ્યકિતના સદૂગુણોને કોઇ વાતનો સંબંધ હોતો નથી. મારી જિદંગીમાં મેં સૌથી વધુ સારા સ્વભાવની સ્ત્રીઓ જે પણ જોઇ છે એમાં એકપણ સ્ત્રી ગોરી નથી. સારા સ્વભાવની રૂપાળી સ્ત્રીઓ ફકત ફિલ્મોમાં અને નવલકથાઓમાં જ હોય છે.! પણ શ્યામા તો સ્વભાવે પણ કોલસો હતી ! વલ્લભની એવી કઇ મજબુરી હતી કે એણે આ કોલસાની ખાણમાં પડવું પડયું ?

એ કદાચ મારી આંખ વાંચી ગયો હશે. એ સ્થળ અને સમય આ ચર્ચા માટે સાનુકૂળ નહોતાં, પણ હું અમદાવાદ પહોંચી ગયો એ પછી એનો ફોન આવ્યો.

વલ્લભે જ વાત કાઢી: ”તને લાગેલો આઘાત હું સમજી શકું છું, કારણ કે જે પણ મિત્ર, સંબંધી કે પરિચિત શ્યામાને જુએ છે એ તારી જેમ જ આઘાત પામે છે. પણ મજબુરી મારી નહોતી. મારે શ્યામાની સાથે પરણવું પડયું, કારણ કે એ શ્યામાની મજબુરી હતી.”

”હું સમજ્યો નહીં.”

”શ્યામા ગરીબ ઘરની છોકરી હતી. કોલેજમાં હતી અને એક છેલબટાઉ જુવાનની જાળમાં માછલી બનીને ફસાઇ ગઇ. પેલો બદમાશ એક પ્રધાનપુત્ર હતો. એને જાત-જાતની અને ભાત-ભાતની માછલીઓ આરોગવાનો વિકૃત શોખ હતો. શ્યામા જેવી કાળી છોકરી એના માટે એક વેરાઇટી હતી. એણે આ વિશિષ્ઠ વાનગી પેટભરીને આરોગી અને ચાર વરસ પછી એંઠવાડ વધ્યો એ ફેંકી દીધો.

હું મારા માટે એક અતિશયય રૂપાળી પત્નીની તલાશમાં હતો, ત્યાં શ્યામાને બેહોશીની હાલતમાં મારા કિલનિકમાં લાવવામાં આવી. એણે આઘાતના માર્યા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સમયસરની સારવારને કારણે એ બચી તો ગઇ, પણ એ સાજી થયા બાદ એનાજ મુખે જયારે મેં એની ભયંકર દર્દનાક દાસ્તાન જાણી, ત્યારે મને સમજાયું કે શ્યામા ફરીથી આપઘાત કરવાની કોશિશ કરશેજ ! અને આ વખતે એ નિષ્ફળ નહીં જાય. એ રાત મારા માટે કશ્મકશની રાત હતી. એને બચાવવાનો એક જ ઉપાય હતો. હું એને ડાઁકટર તરીકે તો એક જ વાર બચાવી શકું, એને કાયમી જીવતદાન આપવા માટે તો મારે એક પુરૂષ બનવું પડે એમ હતું, એક પતિ બનવું પડે એમ હતું. અને મેં નક્કી કરી લીધું. એની સાથે પરણી ગયો. અને આજ સુધી એક પણ વાર મેં એના ભૂતકાળની યાદ શ્યામાને અપાવી નથી.!”

”પણ શ્યામાનો સ્વભાવ…”

”એ એની અંગત સમસ્યા છે, પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય છે ! મેં એનો સ્વભાવ જોઇને લગ્ન નથી કર્યું, એની મુશ્કેલી જોઇને કર્યું છે. ચાલ્યા કરે છે.’

હું શું બોલવું એ નક્કી કરી શકતો નહતો, વલ્લભને શાબાશી આપવી ? કે ઠપકો આપવો ?

શાબાશી જ અપાય. આવા મિત્રને , આવા કાર્ય માટે જો શકય હોય તો ટેલીફોનના રિસિવરમાંથી હાથ બહાર કાઢીને એની પીઠ ઉપર ધબ્બો મરાય !

મેં એમ જ કર્યું, હાથ વડે નહીં તો શબ્દો વડે: ”વલ્લભ દોસ્ત ! આઇ એમ પ્રાઉડ ઓફ યુ ! મને યાદ છે કે કોલેજમાં હતા ત્યારે તને દરેક બાબતમાં ‘પ્રથમ’ ચીજનું કેવું વળગણ હતું ! પણ તે સ્ત્રીની બાબતમાં ”પ્રથમ”નો આગ્રહ ન રાખ્યો. આવો આગ્રહ જતો કરનાર કદાચ તું પહેલો જ પુરૂષ હોઇશ. તને હવે ”વલ્લભ’ નહીં કહું, તું તો ”પૃથ્વી વલ્લભ” કહેવડાવવાને લાયક છે….!”

(http://www.gujaratiliterature.wordpress.com માંથી )

કંચન થયા પછીય બદલવાં પડે છે ઘાટ, કલગી હતો હું કાલ, હવે બાજુ-બંધ છું

બારી બંધ કર્યે માંડ પાંચ મિનિટ થઈ હશે, ત્યાં આગળની સીટવાળા આદિવાસીએ ફરી વાર ખિસ્સામાંથી ખાખી બીડી કાઢી. લાઈટર તો એની પાસે કયાંથી હોય ? દિવાસળી પેટાવી. બે-ત્રણ ફૂંક ખેંચીને બીડી ઝગાવી. તમાકુનો તેજ કશ ફેફસામાં ખેંચ્યો અને પછી ધૂમાડાના ગોટે-ગોટા બસમાં ફેંકયા.

ડો. ભટ્ટ માણસ હતા, પણ અત્યારે ખાખી બીડી જેવા બની ગયા; સળગી ગયા. દાહોદ- અમદાવાદની બસમાં એ વચ્ચેથી ચડયા, ત્યારથી માંડીને આ પાંચમી જગ્યા હતી. આખી બસ આદિવાસી- મજુરવર્ગથી ભરેલી હતી અને બસની અંદર પ્રવાસ કરતા મુસાફરોમાં ધૂમ્રપાનનો દર નવ્વાણું ટકા જેટલો ભારે હતો. જો કોઈ અપવાદ હોય તો એ ફકત પોતે હતા. શિયાળાની કડકડતી ઠંડી હતી, એટલે બારીનાં કાચ ફરજીયાત બંધ રાખવા પડતા હતા. પણ બંધ બસની અંદર બે મિનિટથી વધારે સમય બેસી શકાય એમ નહોતું. આખી બસ ‘ગેસ ચેમ્બર’ જેવી બની ગઈ હતી.

ગૂંગળામણ અસહ્ય બની ગઈ ત્યારે ડો. ભટ્ટે બારીનો કાચ ધકેલ્યો. બરફના વરસાદ જેવું હવાનું ઝાપટું બહારથી ધસી આવ્યું. ભટ્ટ સાહેબ થીજી ગયા. એમણે ઝડપથી કાચ ખેંચી લીધો. ઠંડી ઓછી થઈ, તો તમાકુની દુર્ગંધ નાકને અકળાવી ગઈ.

”શું કરવું ?” ભટ્ટ સાહેબ ભયંકર મથામણમાં ડૂબી ગયા. બંને બાજુ મોત હતું. બારી ખોલે તો હિમાલયનના બર્ફીલા શિખર ઉપર લંગોટી પહેરીને બાવાની જેમ બેસી ગયા હોય એવું લાગતું હતું. અને બારી બંધ કરે તો ભઠ્ઠીમાંથી ઊઠતો ધૂમાડો હતો.

”એ ભ’ઈ… ! આ તારી ચીમની બંધ કર.” ડો. ભટ્ટે સળગતી બીડીનાં લાલ અંગારા જેવા ધગધગતા અવાજે હુકમ કર્યો. સામાન્ય રીતે ભટ્ટ સાહેબ સંસ્કારી હતાા, શાલીન હતા, સૌમ્ય હતા. ઘરમાં પત્ની સાથે પણ ઊંચા અવાજે વાત કરી શકતા નહોતા. દરદીઓ સાથેનું એમનું વર્તન પણ એક માણસને છાજે એવું જ રહેતું. પણ છતાંયે એમણે અવાજની ધાર તેજ કરવી પડી, એનું કારણ ભૂતકાળનો અનુભવ હતો.

આ રૂટ ઉપરની બસમાં એ છેલ્લાં બે વરસથી નિયમિત પ્રવાસ કરતા રહેતા હતા. બસનો સમય બદલાય, અંદરના પ્રવાસીઓ બદલાય, પણ ધૂમ્રપાનની કુટેવ ન બદલાય. એ અવાર-નવાર ટકોર કરતા, પણ જવાબમાં ધૂમાડો જ હાથમાં આવતો.

”ભ’ઈ, મહેરબાની કરીને ધૂમ્રપાન બંધ કરશો ?” એક વાર એમણે વિનંતી કરેલી. બીડી પીનારને પહેલાં તો ધૂમ્રપાન એટલે શું એની જ સમજ ન પડી, પણ એટલું સમજાયું કે કશુંક બંધ કરવાની વાત હતી. એણે આંખથી જ પૂછયું: ”કેમ ?”

”મને ધૂમાડાનો વાંધો છે.”

”તો બીજે જઈને બેહો.”

બીજી એક વાર એમણે કાયદો ચીંધ્યો: ”બસમાં બીડી પીવાની મનાઈ છે.”

આ વખતે બીડી પીનાર માણસ આદિવાસીઓનો નેતા હતો અને કોઈપણ નેતાની જેવો જ નફૂફૂટ હતો. એનો જવાબ આજે પણ ડો. ભટ્ટને યાદ છે: ”ભારતમાં કાયદા જેવું છે જ કયાં ? એમ જોવા જાવ તો આપણા દેશમાં ખૂન કરવાનીયે મનાઈ છે, બળાત્કારનીયે મનાઈ છે, લાંચરૂશ્વત, દારૂ પીવો, દાણચોરી કરવી…. ! કઈ વાતની છુટ છે ? અને છતાં પણ બધું થાય છે ને ? માટે મહેરબાન, ચાલતું હોય એમ ચાલવા દો ! બીડી બંધ નહીં થાય, તમે બંધ થઈ જશો…”

છેલ્લાં વાકય સાથે એ જુવાન જણ ઊભો થઈ ગયેલો. એની સાથે બીજાં પણ ચાર-પાંચ આદિવાસીઓ ઊભા થઈ ગયા હતા. ડો. ભટ્ટ ખરેખર બંધ થઈ ગયા…. બોલતાં બંધ….!

અને લગભગ સાતેક વખત મળેલો જવાબ ખરા અર્થમાં જવાબ નહીં પણ સલાહ જેવો હતો: ”ભ’ઈ, તમે કોણ છો બીડી પીવાની ના કહેનારા ?”

”હું…. હું ડાઁકટર છું….”

”તો એક કામ કરો. બસને બદલે તમારી પ્રાઈવેટ ગાડી લઈ લો. એમાં અમે બીડી પીવા નહીં આવીયે.”

આવો ઊઘાડો પ્રત્યુત્તર સાંભળીને સળગી જતા ભટ્ટ સાહેબ. આ શબ્દો તમારા જેવા લાગતાં. પણ કરવું શું ? એમનું ચાલે તો ખરેખર પોતાની ગાડીમાં જ ફરે, પણ અફસોસ કે સરકારી નોકરીમાં એમનું વિશાળ કુટુંબ આરામથી જીવી શકતું હતું, પણ ડાબા હાથની કમાણીની ‘સારી’ ટેવ અપનાવી નહોતી, એટલે કાર જેવી સાહ્યબી એમને પોસાય એવી નહોતી. (આ વાતને વરસો થયાં, ત્યારે ગાડી માટે ગમે તે બેંક ફાવે તે ઘરાકને લોન ધીરવા માટે પડાપડી કરતી ન હતી.)

ભૂતકાળના અનુભવો આવા કાતીલ હતા, એટલે આ વખતે ભટ્ટ સાહેબે યુકિત વિચારી. એક સાવ નવો જ ઉપાય એમને લૂઝયો અને આગળ-પાછળ વધુ કંઈ વિચાર્યા વગર અમલમાં મૂકયો.

”એ ય મિસ્ટર !” એમણે અવાજને ઈસ્ત્રીદાર બનાવ્યો. આગલી બેઠકમાં બેઠેલા બીડીધારીને ખભે ટાપલી મારી: ”આ બીડી બંધ કર.”

‘તુંકારા’ની ધારી અસર થઈ. પેલો પચાસ ટકા જેટલો ડઘાઈ ગયો. બાકીના પચાસ ટકા હવે આવ્યા. ભટ્ટ સાહેબે એના હોઠ વચ્ચેથી સળગતી બીડી ખેંચી લીધી, બારીનો કાચ ખોલ્યો, બીડીનો ઘા કર્યો અને બારી ફરીથી વાસી દીધી. આખી બસમાં સોપો પડી ગયો. થોડી વારે માંડ પેલાને કળ વળી. દબાયેલા અવાજે એણે પૂછયું :

”તમે…. તમે કોણ છો…..?”

”આઈ એમ પોલીસ ઈન્સ્પેકટર વાઘેલા.” ભટ્ટ સાહેબને ખુદનેય નવાઈ લાગતી હતી કે એમના અવાજમાં આવું જોશ કયાંથી આવી ગયું ! એમના અવાજની કરડાકી જોઈને પેલો બીડીવાળો જુવાન પણ થથરી ગયો. એણે જરૂર નહોતી તોયે સલામ ભરી અને ચૂપચાપ પોતાની બેઠક ઉપર બેસી ગયો.

અસર માત્ર એના એકલાની ઉપર નહીં, પણ આખી બસ ઉપર થઈ. ટપોટપ બીડીઓ બારીની બહાર ફેંકાવા માંડી. કન્ડકટર પણ પોતાની જગ્યાએ બેઠો હતો ત્યાંથી ઊભો થઈ ગયો. કારણ વગર બસમાં આંટા મારવા માંડયો. ‘વાઘેલા’ સાહેબની સામે જોઈને વિનમ્રપણે હસી પણ લીધું. બસની અંદરનું પર્યાવરણ મંદિર જેવું પવિત્ર અને શુધ્ધ બની ગયું.

પંદર મિનિટ પછી એક ગામ આવ્યું. બસ ઊભી રહી. ઊતારૂઓ નીચે ઊતરવા માંડયા. બીડીની તલપ પૂરી કરવા માટે હવે આ એક જ રસ્તો હતો. આખી બસ ખાલી થઈ ગઈ. ડો. ભટ્ટને પણ પગ છુટ્ટો કરવાની ઈચ્છા થઈ આવી, પણ હવે એ સામાન્ય પ્રાયમરી હેલ્થ સેન્ટરમાં નોકરી કરતા સામાન્ય ડોકટર ન હતા, હવે એ એક જાંબાઝ પોલીસ ઓફિસર હતા. એમનાથી આમ સામાન્ય પેસેન્જરની જેમ બસમાંથી નીચે ન ઊતરી પડાય. એમને તો જે જોઈએ તે….

અને ખરેખર, બન્યું પણ એવું જ ! સામેની હોટલમાંથી વગર કહ્યે છોકરો આવીને આખો કપ ચાનો આપી ગયો. ઉપરથી પાછો પૂછતોય ગયો: ”નાસ્તામાં શું ચાલશે, સાહેબ ?”

”કશું પણ નહીં.” ડો. ભટ્ટ સાહેબે ના પાડી. ત્યાં અચાનક એમની પાછળથી કોઈનો અવાજ સંભળાયો.

”નાસ્તો કરો ને, વાઘેલા સાહેબ ? તમે કેમ બહારનું ખાવાની ના પાડો છો ? એ તો ડોકટરો ન ખાય….”

ડો. ભટ્ટ ચમકી ગયા. ગરદન ઘૂમાવીને એમણે પાછળ જોયું. છેક છેલ્લી સીટ ઉપર કોઈ બેઠું હતું. સફેદ પેન્ટ, સફેદ શર્ટ, આંખ ઉપર ચશ્માં… અને ચહેરો… અરે, આ તો પોલીસ ઈન્સ્પેકટર વાઘેલા હતા ! ડો. ભટ્ટ સ્તબ્ધ બની ગયા. પથ્થરની મૂર્તિની જેમ ન હલ્યા, ન ચલ્યા. આ કેવો જોગાનુજોગ ?! એક ચોક્કસ ક્ષણે પોતે પોલીસ અધિકારી બનવાનો અભિનય કર્યો અને જે પરિચિત નામ યાદ આવ્યું એ રજુ કરી દીધું, એ જ સમયે એ જ અસલી અધિકારી બસમાં હાજર હોય એ વાતને શું ગણવી ? ભટ્ટ સાહેબના ક્ષોભનો કોઈ પાર ન રહ્યો. પોતે જ્યારે વાઘેલા સાહેબનું નામ દઈને પેલા બીડી ફૂંકનારને ધમકાવી રહ્યા હશે, ત્યારે આ વાઘેલા સાહેબ પણ એ વાકય સાંભળી રહ્યા હશે ! અને છતાં એ ચૂપ રહ્યા. પણ હવે એ જરૂર ઠપકો આપવાના….!

ડો. ભટ્ટ ઊભા થયા. બસમાં એ બંનેને બાદ કરતાં ત્રીજું કોઈ જ હાજર ન હતું. વાઘેલા સાહેબની માફી માગી લેવાનો આ ઉત્તમ સમય હતો. ભટ્ટ સાહેબ છેલ્લી ‘સીટ’ પાસે ગયા. વાઘેલા સાહેબ પાસે પહોંચીને બે હાથ જોડવા ગયા, પણ વાઘેલાએ એમને રોકી લીધા. બે હાથને ભેગા ન થવા દીધા. એને બદલે એક હાથ પોતાના હાથમાં લઈને હસ્તધૂનન કર્યું.

ડો. ભટ્ટે બોલવાની શરૂઆત કરી: ”માફ કરજો, વાઘેલા સાહેબ, પણ મારાથી…”

”શી…શ….!” વાઘેલા સાહેબે નાક ઉપર આંગળી મૂકી: ”મને અત્યારે વાઘેલા કહીને ન બોલાવશો; કોઈ સાંભળી જશે.”

”પણ તમે તો વાઘેલા સાહેબ છો જ !”

”ના, નથી. અત્યારે નથી.” વાઘેલાએ ધડાકો કર્યો: ”અત્યારે હું ડયુટી ઉપર છું, છતાં યુનિફોર્મમાં નથી એ જોયું તમે ? અત્યારે હું એક સીક્રેટ ઓપરેશન ઉપર જઈ રહ્યો છું. બસમાં કોઈને શક ન પડે એટલે સફેદ પેન્ટ-શર્ટ પહેરીને નીકળ્યો છું. મારી આજુબાજુવાળાને મેં મારી ઓળખાણ ડો. ભટ્ટ તરીકે આપી છે. માટે જેમ ચાલતું આવ્યું છે એમ જ ચાલવા દો.”

”પણ તમને બસમાં કોઈ ઓળખી જનારું નહીં હોય ?” ડો. ભટ્ટે પાયાનો પ્રશ્ન ઊઠાવ્યો.

”મને નજરે જોનાર એક માત્ર તમે છો.” વાઘેલા સાહેબ હસ્યા: ”અને તમે તો જાહેર કરી શકો એમ નથી કે અસલી પોલીસ ઈન્સ્પેકટર તમે નહીં, પણ હું છું.”

બંને જણાં ખડખડાટ હસી પડયા. વાઘેલા સાહેબે ખિસ્સામાંથી પાંચસો પંચાવન સિગારેટનું પાકિટ બહાર કાઢયું. અંદરથી એક સિગારેટ કાઢવા ગયા, પણ ડો. ભટ્ટે એમને અટકાવ્યા: ”નો, નો, ડો. ભટ્ટ ! તમે બસમાં તો શું પણ બસની બહાર પણ ધૂમ્રપાન નહીં કરી શકો ?”

”કેમ ?” વાઘેલા સાહેબને આશ્ચર્ય થયું.

”કારણ બહુ સ્પષ્ટ છે; અસલી ડો. ભટ્ટને સ્મોકીંગની આદત નથી અને નકલી પોલીસ ઈન્સ્પેકટર વાઘેલાને એ વાત પસંદ નથી કે કોઈ પણ પેસેન્જર બસમાં બેસીને ધૂમ્રપાન કરે…..”

એક જોરદાર હાસ્યનો ફૂવારો ઉડયો જેમાં આખી બસ નહાઈ રહી.

(http://www.gujaratiliterature.wordpress.com માંથી )

મોકલ્યું પરબીડિયામાં મેં ગુલાબ, છે પ્રતીક્ષા કે મળે તારો જવાબ

‘દીકરી, લગ્ન એ ભરેલું નારિયેળ છે. એ કેવું નીકળશે એ જાણવા માટે એને વધેરવું પડે છે. તું મને પૂછે છે માટે સલાહ આપું છું. દિમાગના ઈશારા તરફ દુર્લક્ષ સેવજે, દિલની વાત સાંભળતી રહેજે. અને કિસ્મતના સંકેતની વાત કરતી હતી ને તું ? તો બેટા, સમજી લે; કિસ્મતનો સંકેત દિલના ઈશારાનો ગુલામ છે. જા, મારા આશિર્વાદ છે, મહાદેવ તને સાચો રસ્તો જ બતાવશે.’

”મારું નામ કૈલાસ.” પચીસ વરસના પંજાબી (શીખ નહીં, પણ પંજાબી હિંદુ) યુવાને એની જ ઓફિસમાં કામ કરતી નવી-નવી અર્પણાને કહ્યું : ‘કૈલાસ રાઠોડ.’

અર્પણા મીઠું હસી : ‘કૈલાસ તો છોકરીનું નામ હોય છે.’

‘એ ખોટું છે. કૈલાસ પર્વત સ્ત્રીલીંગ છે કે પુલીંગ ? અને કૈલાસ પંડિત નામના તો જાણીતા શાયર પણ થઈ ગયા. અમારે ત્યાં પંજાબમાં કૈલાસનો ઉચ્ચાર કૈલાશ કરે છે અને રાઠોડનો રાઠૌર. કેવું લાગ્યું નામ મારું, મિસ… ?”

‘અર્પણા. આઈએમ અર્પણા સોની. અને મી. કૈલાશ રાઠૌર ! નામ સારુ ંલાગે તો સાંભળનાર વ્યકિતએ સામેથી એની જાતે જ પ્રશંસા કરવાની છે. વખાણ મેળવવાની માર્દવ જરા ઓછું થયું. એનું સ્થાન આર્જવે લીધું.’

અર્પણા બહુ સીધી છોકરી હતી. સારા, અને સંસ્કારી મા-બાપની દીકરી હતી. પણ તોયે ઉંમરમાં આવેલી યુવાન છોકરી હતી. કોઈ સાવ અજાણ્યો જુવાન ભીના ગળે જ્યારે આવો ભીનો-ભીનો સવાલ દબાયેલા સ્વરમાં પૂછે ત્યારે એનો અર્થ શો થાય એ સમજતાં વાર ન લાગે એટલી તો એ સમજદાર હતી.

અને કૈલાશ પણ હિંમતવાન જુવાન હતો. પોતાનો ઇરાદો સમજી જવા છતાં સામે ઉભેલી નાઝનીન જો પગમાં પહેરેલા ચંપલ તરફ નજર ન ફેંકે તો વાતચિતમાં પૂર્ણવિરામ મૂકવાની જરૂર નથી એટલું તો એ પણ જાણતો હતો. પણ સામે પક્ષે એ પણ સત્ય હતું કે અર્પણાએ એને કોઈ પ્રતિસાદ આપ્યો ન હતો.

પણ કૈલાશે આખરે જે જીભ ઉપર હતું એ કહી જ નાખ્યું : ‘તું મને ગમે છે, અર્પણા, હું તને ચાહું છું. તું જો હા પાડીશ તો તારી સાથે લગ્ન કરવા પણ હું તૈયાર છું.’

‘વન મિનિટ !’ અર્પણાએ એને અટકાવ્યો : ‘આ ઓફિસમાં આવ્યે મને હજુ ફકત બે જ દિવસ થયા છે. તમે તો કદાચ મને આજે જ પહેલીવાર જોઈ હશે. આટલા ઓછા સમયમાં પ્રેમ અને ચાહવું અને લગ્ન… !! મને કંઈ જ સમજાતું નથી.’

‘હું સમજાવું, અર્પણા. આ જે કંઈ થયું છે એ ચોવીસ કલાકમાં જ થયું છે અને એટલે જ એ પ્રેમ છે. પ્રથમ નજરે હૃદયના પેટાળમાંથી ઊછળતો આવેગ એટલે પ્રેમ. બાકી ધીમે ધીમે એદી માણસ આળસ મરડતો હોય એમ જાગે એ તો ગોઠવણ કહેવાય. હું એ પ્રકારની વ્યવસ્થામાં વિશ્વાસ નથી ધરાવતો; મને તો હૃદયમાંથી ફૂટતા અને ફાટતા લાલચટ્ટાક લોહીના લાવારસમાં શ્રધ્ધા છે.’

‘સોરી, કૈલાશ ! હું કંઇ જવાબ નથી આપી શકતી. મારી માથે મારા મમ્મી-પપ્પા બેઠા છે અને… હું એમને ચાહું છું. જિંદગીની પરીક્ષાનું આટલું બધું અઘરું પેપર હું એમને પૂછૂયા વગર એકલી ન લખી શકું.’

‘તો ચોરી કરવાની છુટ છે.’ કૈલાશે વાતચિતમાં હળવાશ પ્રસરાવી.

‘જોઉં છું. એમ કરવા માટે પણ હિંમત જોઇએ.’ અર્પણાએ નિર્ણયના મુકદ્દમામાં મમ્મી-પપ્પાની સંમતિના નામની મુદ્દત પાડી.

કૈલાશ નિરાશ જરૂર થયો, પણ નાહિંમત નહીં. અર્પણાએ હા નહોતી પાડી, તો ના પણ કયાં પાડી છે ? મમ્મી-પપ્પાની મંજુરીની વાત કરી એનો મતલબ એ જ કે એ પોતે તો રાજી છે જ. નહીંતર ‘શટ અપ’ નામના બે શબ્દના તમાચા સાથે વાર્તા પૂરી થઇ ગઇ હોત.

આ બાજુ અર્પણાની હાલત બહુ વિચિત્ર હતી. એ બહુ સીધા-સાદા અને સંસ્કારી પરિવારમાં ઉછરી હતી. એનાં મમ્મી-પપ્પા તો એક નાનકડાં શહેરમાં રહેતા હતાં. એક ભાઇ હતો, અર્પણાથી ચારેક વરસ નાનો. અર્પણા અમદાવાદમાં માસી-માસાના ઘરે કોમ્પ્યુટરના અભ્યાસ માટે આવી હતી. ફાજલ સમયના સદુપયોગ માટે આ નોકરી સ્વીકારી હતી. મમ્મી-પપ્પાએ કયારેય એને કહ્યું નહોતું કે અજાણ્યા જુવાન છોકરાઓ જોડે વાત ન કરવી, કોઈના પ્રેમમાં ન પડવું અને લગ્ન એમને પૂછૂયા વગર ન કરવા. એ લોકો દીકરીને શિખામણ આપવાને બદલે સમજણ આપવામાં શ્રધ્ધા ધરાવતા હતાં. દીકરીનો ઉછેર જ એમણે એવી રીતે કર્યો હતો. સાક્ષાત કામદેવ જેવો કામદેવ પણ સાકાર અને સજીવ થઇને અર્પણાની સામે આવીને ઊભો રહે તો દીકરીનાં મનમાં એના પ્રત્યે આકર્ષણ પછી જાગે, પહેલાં મમ્મી-પપ્પાનું સ્મરણ જાગે.

કૈલાશ એને અવશ્ય ગમ્યો હતો, પણ એથી શું થઇ ગયું ? અને મમ્મી- પપ્પાને એમ એનાથી પૂછાય પણ શી રીતે ? એટલી હિંમત કયાંથી લાવવી ? માસી-માસાને તો આ વાતની ગંધ સરખી પણ આવવા ન દેવાય. નહીંતર એમના ઉપર બદનામીનો પહાડ ઉતરી આવશે એમ માનીને એ લોકો તો ભાણીને સીધી એનાં ઘરે જ રવાના કરી દે. એ સાંજ અર્પણાએ વિચારોમાં જ વિતાવી. રાત પણ મનમાં જામેલા મહાભારતમાં જ પસાર થઇ ગઇ.

બીજા દિવસે ઓફિસમાં એ કૈલાશને મળી ત્યારે બંને જણની ચારેય આંખો લાલચોળ હતી. આખી રાતનો ઊજાગરો આંખોમાં હોળી બનીને ભડભડ સળગી રહ્યો હતો.

રીસેસમાં કૈલાશે પૂછૂયું : ‘શું નક્કી કર્યું, અર્પણા ?’

‘મારું મન ના પાડે છે. આઈ એમ સોરી.’

‘મનની વાત છોડ, એ બહુ શૈતાની ચીજ છે. એ જણાવ કે તારું દિલ શું કહે છે ?’

‘દિલ તો હા પાડે છે, પણ એનું સ્થાન છાતીમાં છે. દિલની હાઈકોર્ટ ઉપર દિમાગની સુપ્રિમ કોર્ટ બેઠેલી છે જે નીચલી અદાલતનો ફેંસલો રદ કરી નાખે છે, કૈલાશ ! મને ભૂલી જા.’ અર્પણાનાં નિર્ણયમાં દર્દ હતું, પણ સાથે સાથે દ્રઢતા પણ હતી. કૈલાશ એ દ્રઢતાને જોઈ શકયો. વધુ કંઈ જ બોલ્યા વગર એ ચાલ્યો ગયો.

બીજા દિવસે ઉત્તરાયણ હતી. શનિ-રવિના અનુસંધાન સાથે ચાર દિવસની રજાઓ હતી. કૈલાશ ચંડીગઢ ચાલ્યો ગયો અને અર્પણા એનાં મમ્મી-પપ્પાને ત્યાં. એને ગુમસુમ દશામાં જોઇને એની મમ્મીએ પૂછૂયું પણ ખરું : ‘અર્પણા, ઠીક તો છે, ને બેટા ?’

‘હા, મમ્મી.’ અર્પણા આનાથી વધુ કંઇ બોલી ન શકી. અહીં બેઠાં બેઠા એને કૈલાશ યાદ આવતો હતો અને કૈલાશની સામે ઊભી હોય ત્યારે ઘરની મર્યાદા ! આ પોટલું છોડવું તો કોની સામે છોડવું !

ત્યાં બારણું ઊઘાડીને દક્ષેશકાકા આવ્યા. દક્ષેશકાકા ગુજરાતીના પ્રાધ્યાપક હતા. અર્પણાના પપ્પાના ખાસ મિત્ર હતા. સંબંધના ભૂખ્યા માણસ અને સ્વાર્થના શત્રુ હતા. અર્પણા એમની લાડકી ભત્રીજી. અંગત જીવનમાં એ ઝખ્મી હતા. દુ:ખી દામ્પત્યના ભગ્ન અવશેષો ઉપર હાસ્યનો મુખવટો પહેરીને જીવી રહ્યા હતા.

‘કાકા, એક કામ કરશો ? મારી સાથે ગોપેશ્વર મહાદેવના દર્શને આવશો ?’ અર્પણા વહાલા કાકાને જોઇને ઊછળી પડી.

‘તું કહેતી હોય તો આ કાકો તો અત્યારે તારો માંડવો રોપવા ય તૈયાર છે. હુકમ કર એટલી જ વાર.’ દક્ષેશકાકાએ મજાક કરી. પણ અર્પણા થડકી ગઇ. કાકાએ અમથું જ કહ્યું હશે કે પછી એ કંઇક જાણતા હશે ?

મનમાં ઉઠતા વિચારોને ચૂલામાંથી ઊઠતા ધૂમાડાની જેમ એણે હાથ હલાવીને દૂર કર્યા. તૈયાર તો એ હતી જ, એટલે કપડાં બદલવાની જરૂર પણ ન હતી. બંને જણાં નીકળી પડયાં.

ગોપેશ્વર મહાદેવનું મંદિર ગામની બહાર સહેજ ઊંચી ટેકરી ઉપર આવેલું હતું. વસ્તીથી દૂર નીકળ્યા એટલે તાજી હવા શ્વાસમાં ભરીને દક્ષેશ અંકલે વાતની શરૂઆત કરી :

‘બોલ,દીકરી, છોકરો તને ગમ્યો કે નહીં ? પહેલાં એ વાત કર.’

‘અંકલ !!’ અર્પણા ચોંકી ગઇ : ‘તમને… ?’

‘ખોટા તર્ક ન કરીશ, બેટા ! આ કોઈ જાલૂસી જાણકારી નથી, આ તો માત્ર તારા વર્તને ફૂંકેલી ચાડી છે. બાકી હું તો તારા ઘરે છેલ્લાં વીસ વરસથી આવું છું. એમાંથી તે કેટલીવાર કહ્યું કે આપણે મંદિરે જઈએ… !’

‘હા, અંકલ ! મને કૈલાશ ગમ્યો છે. પણ હું કિસ્મતમાં માનું છું. એ કયાં જન્મ્યો અને હું કયાં જન્મી ? કયાં પંજાબ અને કયાં ગુજરાત ? ભાષાથી માંડીને ખાન-પાન અને રીતરિવાજના ભેદ હું કેવી રીતે ભૂલી શકું ? અને મમ્મી-પપ્પા આ વાતનો સ્વીકાર કેવી રીતે કરશે ?’

‘એ તું તારા પર છોડી દે. તું કહેતી હોય તો હું એમને વાત કરું.’

‘ના, અંકલ ! મેં નક્કી કરી લીધું છે. મારો નિર્ણય મેં કૈલાશને પણ જણાવી દીધો છે.’

‘તો પછી મને અત્યારે ગોપેશ્વર સુધી ઘસડી લાવવાનો કંઈ મતલબ ?’

‘હળવા થવાનો, બીજો કશો નહીં, મારા નિર્ણયની દિવાલમાં તમારી મંજુરીનો સિમેન્ટ ભેળવવાનો. તમે શું કહો છો. મેં જે કર્યું એ સાચું કર્યું કે ખોટું ?’

દક્ષેશ ઠાકર એક ઊંચી ચટ્ટાન પાસે આવીને ઊભા રહી ગયા. શહેર હવે પાછળ છુટી ગયું હતું. સાંજ બહુ રમણીય લાગતી હતી, પણ લૂરજ ડૂબી રહ્યો હતો.

‘દીકરી, લગ્ન એ ભરેલું નારિયેળ છે. એ કેવું નીકળશે એ જાણવા માટે એને વધેરવું પડે છે. બાકી મારી ઊંમરે મને શિખવ્યું છે કે જીવનસાથીની પસંદગી કાચના પાત્ર જેવી હોય છે. ગોઠવી-ગોઠળીને, ટકોરા મારીને કરેલું લગ્ન કાચની બારી જેવું નીકળે છે, પવનના લૂસવાટા માત્રથી એમાં તીરાડ પડી જાય છે અને કયારેક સાવ અજાણ્યા પાત્ર સાથે અનાયાસ જોડાઈ ગયેલો સંબંધ બેલ્જીયમના કાચના ઝુમ્મરની જેમ સાત-આઠ દાયકા સુધી જીવતો રહે છે. તું મને પૂછે છે માટે સલાહ આપું છું. દિમાગના ઈશારા તરફ દુર્લક્ષ સેવજે, દિલની વાત સાંભળતી રહેજે. અને કિસ્મતના સંકેતની વાત કરતી હતી ને તું ? તો બેટા, સમજી લે; કિસ્મતનો સંકેત દિલના ઈશારાનો ગુલામ છે. જા, મારા આશિર્વાદ છે, મહાદેવ તને સાચો રસ્તો જ બતાવશે.’

કાકો-ભત્રીજી મહાદેવના ચરણોમાં માથાં નમાવીને ઘરે આવ્યાં. બે દિવસ પછી અર્પણા પાછી અમદાવાદમાં હાજર થઇ ગઇ. આ વાતને એક મહીનો થઇ ગયો. ચૌદમી ફેબ્રુઆરી આવી પહોંચી. અત્યાર સુધી શાંત રહેલા કૈલાશે એક સુંદર ગ્રીટીંગ-કાર્ડ અર્પણાના હાથમાં મૂકયું.

અર્પણા ભડકી ઊઠી : ‘આ શુંં છે ?’

‘વેલેન્ટાઈન ડેનું ગ્રીટીંગ છે. તારી આંખો માટે, મારા હૃદય તરફથી.’

અર્પણાએ કાર્ડ ખોલ્યું : ‘પણ આમાં તો કંઈ નથી. મારું કે તારું નામ પણ નહીં. માત્ર છાપેલું લખાણ જ છે !’

‘જાણી-જોઈને મેં એમાં નામ નથી લખ્યાં. કિસ્મતને મંજુર હશે તો એ જાતે આવીને કાર્ડમાં નામ ભરી જશે.’ એકપણ શબ્દ વધુ બોલ્યા વગર કૈલાશ કાર્ડ આપીને ચાલ્યો ગયો. અર્પણા ફરીથી વિચારોના વમળમાં ડૂબી ગઈ. રીસેસ પછી ઓફિસનાં કામમાં પણ એનું મન ન લાગ્યું. પાંચ વાગ્યે કામ આટોપીને એ ઘરે જવા નીકળી. રીક્ષામાં બેઠા બેઠા પણ એ ખોવાયેલી જ રહી. ઘર નજીક આવી ગયું. શેરીના નાકે એણે રીક્ષા ઉભી રખાવી. ભાડું ચૂકવીને એ નીચે ઊતરી. ઘરની દિશામાં પગ ઉપાડતાં પહેલાં એક પળ માટે એ ઊભી રહી. એની પર્સમાંથી એણે કૈલાશે આપેલું ગ્રીટીંગ કાર્ડ કાઢૂયું. અત્યાર સુધીમાં એણે નિર્ણય લઇ લીધો હતો. એમાં એ કોઈ જ ફેરફાર કરવા માગતી ન હતી.

ગ્રીટીંગ કાર્ડ એણે શેરીનાં નાકા પાસે પડેલા કચરાના ઢગલામાં ફેંકી દીધું. પછી એ તરફ નજર પણ ફેંકયા વગર એ સડસડાટ માસીના ઘર તરફ ચાલતી થઈ.

માસીએ અર્પણાના વર્તનમાં આવેલો ફેરફાર નોંધ્યો. હવે એ પૂરેપૂરી સ્વસ્થ લાગતી હતી.છેલ્લાં બે મહીનાના તણાવમાંથી એ હવે મુકત થઇ ગઇ હતી. રાત માટેની રસોઈ બનાવવામાં એણે માસીને મદદ કરી. પછી બધાં ટેલીવીઝન જોવા માટે બેઠાં.

ત્યાં જ બહાર રમવા ગયેલો માસીનો દીકરો પપ્પુ ઘરનું બારણું ધકેલીને દાખલ થયો.

‘દીદી, દીદી ! જો ને ! કેટલુ ંસરસ ગ્રીટીંગ કાર્ડ છે ? કોઈક બુધ્ધુએ ફેંકી દીધેલું… ઉકરડામાં. મેં જોયું. કોરું હતું. હું લઇ આવ્યો. જો ને, સરસ છે ને ?’

અર્પણા સ્તબ્ધ થઇને જોતી રહી. આ જ કાર્ડ હતું જે બે કલાક અગાઉ એ ફેંકી ચૂકી હતી. મતલબ કે કૈલાશ એની જિંદગીમાં પાછો ફર્યો હતો. આ સંકેત હતો; કિસ્મતનો સંકેત !

એને દક્ષેશ અંકલના શબ્દો યાદ આવી ગયા : ‘કિસ્મતનો સંકેત પણ હૃદયના ઇશારાનો ગુલામ હોય છે. એના અવાજને કાન દઇને સાંભળવાની કોશિશ કર. સુખી થઇશ.’

બીજા દિવસે એણે એક પછી એક બે કામ કર્યા; પહેલું કામ દક્ષેશ અંકલને ફોન કરવાનું અને કહેવાનું કે તમે મારા મમ્મી-પપ્પાને સમજાવજો કે મેં અહીં એક પંજાબી છોકરાને પસંદ કરી લીધો છે, તમારી મંજુરીની અપેક્ષાએ.

અને બીજું અતિ મહત્ત્વનું કામ કૈલાશ રાઠૌર નામના ઉદાસ પંજાબીને રૂબરૂ મળીને જાણ કરવાનું કે મને તારું નામ ગમ્યું છે… અને તું પણ !!

(http://www.gujaratiliterature.wordpress.com માંથી )