Archive

Archive for the ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ Category

વાહ અમેરિકા આહ અમેરિકા ! – તારક મહેતા

અમે ગ્રેહાઉન્ડ બસમાં ફ્લોરીડાથી ન્યૂયોર્ક અમારા યજમાનને ત્યાં પહોંચ્યા તે દિવસોમાં આપણા દેશમાંથી એક નામાંકિત સંતપુરુષ ન્યૂયોર્ક પધાર્યા હતાં અને એમનું ધર્મકથાપરાયણ ત્યાં ચાલી રહ્યું હતું. અમેરિકાના ખૂણે ખૂણેથી શ્રધ્ધાળુ ગુજરાતીઓ કામધંધામાંથી રજા લઈ પારાયણ સાંભળવા ન્યૂયોર્કમાં ઉમટ્યા હતા. એમ તો શ્રીદેવી કે અમિતાભના સ્ટેજ શો જોવા યા લતા મંગેશકર કે પંકજ ઉધાસને સાંભળવા પણ ગુજ્જુઓ પડાપડી કરતા હોય છે. ગુજરાતમાંથી કોઈ કવિ કે સાહિત્યકાર પધારે ત્યારે શ્રોતાઓને સામેથી નિમંત્રવા પડે છે. અમેરિકાના ગુજરાતીને સૌથી વધારે રસ ધાર્મિક કથાકીર્તનમાં હોય છે, તે પછી મનોરંજનમાં તેમને રસ ખરો. ગુજરાતી સાહિત્યમાં એને રસ નહીં (આમ તો ગુજરાતમાં પણ સાહિત્યકારને સાંભળવા ક્યાં પડાપડી થાય છે?)

ચંપકલાલના પેટલાદના લંગોટિયા મિત્ર છબીલદાસના પુત્ર રમણભાઈને ત્યાં અમે અગાઉ ઉતરેલા ત્યારે છબીલદાસે અમને આખું ન્યૂયોર્ક દેખાડી દીધેલું પણ અમે ફ્લોરિડાથી એમને ત્યાં પાછા ગયાં ત્યારે એ પ્રસન્ન ન થયાં. કારણકે એમને કથાશ્રવણમાં રસ હતો તેમાં વળી ચંપકલાલે છબીલદાસની દુઃખતી નસ દબાવી.

“છબા, આપણે તો નાનપણમાં રામાયણ, મહાભારત, ભાગવત, ગીતા, હત્નારણની કથાનાં ઘણાં પારાયણ હાંભળ્યાં છે. હવે એ હાંભળીને શું ઉધ્ધાર થવાનાં ! આ તારા રમુડાનાં છોકરાઓને હાંભળવા મોકલી આલ. છોકરાં માંશ મચ્છી ખાતા થઈ ગયા છે, વટલાઈ ગયા છે. વાતવાતમાં તને ડેમ ફૂલ કહેતા થઈ ગયાં છે. એમને કાને કથાના બે વેણ પડે તો એમનામાં કોઈક સંસ્કાર જાગે. બાકી કથા હાંભળીને તારો શું શક્કરવાર વળવાનો ! કથામાં વાર્તા તો એ ની એજ ને? કૈકયી એ રામને વનવાસ ધકેલ્યા, રાવણ સીતાજીને ઉપાડી ગયો. રામે રાવણનો કચરો કર્યો ને સીતાજીને પાછા લઈને પાછાં વનમાં ધકેલ્યાં. મુંબઈ થી અમે નીકળ્યા ત્યારે ટીવી પર કંઈ રામાયણ દેખાડતાં’તા. આવા તે કંઈ રામ લક્ષ્મણ હોતા હશે? આપણે પેટલાદમાં રામલીલા જોવા જતાંતા એવા ખેલ કરે છે ટીવી વાળા. એનાં કરતાં તો ઘેર બેસીને મારી કથા હાંભળ”

છબીલદાસ છંછેડાયા. ગુસ્સાથી એમના કાન પતંગિયાની પાંખોની જેમ ફરફરવા લાગ્યા. નાકનું ટેરવું પણ પિસ્તોલની નળીની જેમ ચંપકલાલ ભણી તગતગ્યું.

“ચંપુ, બહુ ફિશિયારી ના કર. મારાં છોકરાની પટલાઈ કર છઅઅ. એને બદલે તારું પોતાનું હંભાળને ! ના જોયો હોય તો મોટો કથા કહેવાવારો, એલા, તારી ઉંમરે તો આપણે ત્યાં લોકો ચાર ધોમની જાતરા કરવા જાય તાણ તને વરી ઓંય અમેરીકા આવવાના હવાદ ઉપડ્યા. અમે તો વખાના માર્યા ઓંય કમાવા આયા શીએ. પણ તારું ઓંય શું દાટ્યું છે? મારા રમુના છોકરાઓને તો નેહાળમાં પરાણે મોંશમોંટી ખવડાવે છે. પણ તારો ટપુ તો ઓંય આવતાવેંત હોટ્ડોગ કૈડવા મંડ્યો તેનું શું? નકામી તારી બધી શફ્ફાઈ જવા દે. પાશલી ઉંમરમાં તને મોજમજાહ કરવાનો કીડો ઉપડ્યો છે તે લખ્ખણ હારા નહીં આ અમે તો પાપ ધોવા હારૂ કથા હોંભરવા જઈએ છીએ પણ તું તો પાપનાં પોટલાં બોંધવા અઓંય દટાયો છે. મારાં મોંમાં ઓંગરા નાખીને વધારે બોલાયેશ નઈ, નઈ તો કોંક મારાથી ના બોલવાનું બોલાઈ જાશે

બે ખડૂસો વચ્ચે ખટકી ગઈ અને તે પણ ધર્મની બાબતમાં.

“બોલી નાખ, બોલી નાખ, છબા ઓકી નાખ, કથા હાંભળીને જે કંઈ શીખ્યો હોય તે હંભળાય એટલે તારે કાળજે ટાઢક થાય.”

બંને વચ્ચે જુગલબંધી જામી. સાંભળવાની તો મજા આવી સાથે સાથે એ પણ સમજાઈ ગયું કે હવે એમને ત્યાં પડ્યા રહેવાનો કશો અર્થ ન હતો. આમે અમારે ઘણું જોવાનું બાકી તો હતું જ. રાત્રે એમના સ્ટોર પરથી આવેલા રમણભાઈએ પણ એ જ કહ્યું.

“રમણભાઈ, યોર પંકજ મેડ વેરી ગડબડ” અમેરીકાના રંગે રંગાયેલા જેથાલાલે અંગ્રેજીમાં અખતરા કરવા માંડ્યા. “અમારે વોશિંગ્ટન જોવું તું પણ યોર પંકજ અમને પરાણે ટુક અસ ઈન વન મેરેજ. એટલે અમે ફસાઈ ગયા, એન્ડ વેન્ટ ટુ ફ્લોરીડા. ધેન પોલીસનું લફરું હેપન્ડ સો અમે ગભરાયાં એન્ડ કેમ બેક.”

“યૂ આર મોસ્ટ વેલકમ જેઠાભાઈ !”

“યા….યા” જેઠાલાલે દીધે રાખ્યું.

“બાપુજી, બોમ્બે જઈને તમે યા…યા… ન બોલતા” અમારી વાતો સાંભળતો ટપુ બોલ્યો.

“વ્હાય, વ્હાય?”

“મરાઠીમાં યા યા એટલે આવો આવો એવું બધા સમજે, તમે ત્યાં યા – યા બોલ્યા કરશો તો બધા મરાઠી આપણા ઘરમાં ઘૂસી જશે” પિતાને ઉલ્લુ બનાવી રાજી થયેલો ટપુ નફ્ફટાઈથી હસ્યો. જેઠાલાલ તપ્યા.

“શટ અપ શેતાન, ડોન્ટ બી વેરી ચાંપલા, ગેટ આઉટ, મોટા મોટા ટોક કરતા હોય ત્યારે ડોન્ટ ટોક ઈન ધ મીડલ, ગો…ગો….નહીં તો આઈ ગીવ યુ વન ડાબા હાથના લાફા”

“આવું અંગ્રેજી બોલશો તો કોઈ ધોળિયા વીલ ગીવ યુ બંને હાથના લાફા” કહી ટપુ ભાગી ગયો. હું અને રમણભાઈ ખૂબ હસ્યા. ટપુ પાછળ દોડવાની તીવ્ર ઈચ્છા પર માંડ માંડ કાબૂ મેળવી જેઠાલાલ ક્ષોભથી આંખો મટમટાવતા બેસી રહ્યા.

– વાહ અમેરિકા આહ અમેરિકા ! – તારક મહેતા

(http://aksharnaad.com/2008/11/07/vah-america-aah-america-by-tarak-mehta/ માંથી)

બબીતાજીને ઐયર પસંદ નથી!

મુન મુન દત્તા કે જે હાલમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતાની ભૂમિકા ભજવી રહી છે. તેને કોઈ પણ વ્યક્તિ કારણ વગર સ્પર્શ કરે તો તે ગુસ્સે થઈ જાય છે. તેને બિલકુલ પસંદ નથી કે તેને કારણ વગર સ્પર્શ કરવામાં આવે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સાથી કલાકારો મુનમુને હાથ અડાડે કે તેને સ્પર્શ કરે તો તે ગુસ્સે થઈ જાય છે. આટલું જ નહિ તેનો ટચ મી નોટના વલણને કારણે યુનિટ મુશ્કેલીમાં મુકાઈ જતું હોય છે. એકવાર તો વાત એટલે હદ સુધી બગડી ગઈ હતી કે, મુનમુનને કેટલાંક એપિસોડથી દૂર કરી દેવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુનમુન ઘણી જ સારી યુવતી છે પરંતુ તેને કોઈ સ્પર્શ કરે તે બિલકુલ પસંદ નથી. આ સિવાય તેને કાળા રંગના વ્યક્તિની પત્ની બનવું પણ પસંદ નથી. સીરિયલમાં તે ઐયર(તનુજ મહાશાબ્દે)ની પત્નીની ભૂમિકા ભજવી રહી છે. આ વાતથી મુનમુન ઘણી જ નારાજ છે અને તેને કારણે તે તનુજ સાથે અંતર જાળવી રાખે છે.

સીરિયલમાં હોળીનું શુટિંગ ચાલી રહ્યું હતું ત્યારે પરિસ્થિતિ ઘણી જ બગડી ગઈ હતી. મુનમુને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે, કોઈ પણ તેને અડી શકશે નહિ. જ્યારે શુટિંગ શરૂ થયું ત્યારે એક કલાકાર મુનમુનને રંગે છે, ત્યારે જ મુનમુન જોરથી બૂમ પાડીને કહે છે કે ગમે તે વ્યક્તિ કઈ રીતે તેનો સ્પર્શ કરી શકે. આ સાંભળીને સીરિયલના યુનિટને આઘાત લાગે છે. સીરિયલના દિગ્દર્શક ધર્મેશ મહેતા આવીને પરિસ્થિતિને થાળે પાડે છે. હાલમાં તો મુનમુન રજા પર છે. જો કે માનવામાં આવે છે કે દિગ્દર્શકે તેને પડતી મુકી છે.

જ્યારે મુનમુનનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેને આ પ્રકારની કોઈ વાત બની હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. તેને કહ્યું હતું કે, સેટ પર મિત્રતાભર્યુ વાતાવરણ છે. કોલકતામાં તેના પિતા બીમાર હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને આથી જ તે રજા પર છે. હાલમાં સીરિયલની કથા બાળકો પર કેન્દ્રીત થતી હોવાથી મુનમુનને રજા મળી શકે તેમ હતી.

(દિવ્ય-ભાસ્કર)

અસલ તારક મહેતાની અસ્સલ ફટકાબાજી

તબિયતનાં કારણોસર તારકભાઇ બોલતી વખતે સાવ ‘બ્લેન્ક’ થઇ જાય છે, એવી ઘણા સમયથી એમની (સાચી) ફરિયાદ છે. એટલે તારકભાઇ સામાન્ય રીતે સમારંભોમાં જવાનું ટાળે છે અને જાય તો સવાલોના જવાબ સ્વરૂપે બોલવાનું વઘુ પસંદ કરે છે. ચાર-પાંચ વર્ષ પહેલાં ‘આરપાર’ માટે અમે તૈયાર કરેલા ‘જ્યોતીન્દ્ર દવે વિશેષાંક’ના સમારંભ નિમિત્તે હાસ્યબારશના કાર્યક્રમમાં વર્ષો પછી પહેલી અને છેલ્લી વાર ચાર હાસ્યલેખકો એકસાથે મંચ પર આવ્યાઃ બકુલ ત્રિપાઠી, તારક મહેતા, વિનોદ ભટ્ટ અને રતિલાલ બોરીસાગર. પ્રેમવશ તારકભાઇ ઉપસ્થિત રહ્યા અને બોલ્યા પણ ખરા. એ વખતે વચ્ચે તે પ્રોમ્પ્ટિંગ માગી લેતા હતા. ડિસેમ્બરમાં મારી મોક કોર્ટના કાર્યક્રમ વખતે પણ તે સાક્ષી તરીકે આવ્યા હોવાથી સવાલ અને આરોપોનું ફોર્મેટ જ હતું. રવિવારના કાર્યક્રમમાં પણ યોગ્ય રીતે જ તારકભાઇને સવાલો પૂછવામાં આવ્યા અને તારકભાઇએ મહેતા-સ્પેશ્યલ આપીને શ્રોતાઓને મઝા કરાવી દીધી.

તારકભાઇમાં રહેલી અ-નાગરી નિખાલસતા તેમના જવાબોની ખાસિયત રહી છે. ગઇ કાલે પણ એ માણવા મળી. કાર્યક્રમનાં સંચાલક, નવલકથાકાર અને ‘નવભારત સાહિત્ય મંદિર’નાં લેખિકા કાજલ ઓઝા-વૈદ્યએ તારકભાઇ સાથે મળીને થોડીઘણી તૈયારી કરી રાખી હતી. તેમણે તારકભાઇને પૂછેલા સવાલો અને તારકભાઇના જવાબોની ઝલકઃ

‘જવાબ ઊભા રહીને આપશો કે બેઠાંબેઠાં?’ એ સૌથી પહેલો સવાલ હતો. તારકભાઇ કહે,‘ઓડિયન્સને પૂછો. ઓડિયન્સ માટે જીવ્યો છું ને ઓડિયન્સ માટે જ લખ્યું છે.’ તેમની શારીરિક અશક્તિને ઘ્યાનમાં રાખીને ઓડિયન્સે કહ્યું,‘બેઠાં બેઠાં જ બોલો,’

સવાલઃ ટર્નિગ પોઇન્ટ કયો? લખવાનું શરૂ કેમ કર્યું?
તારકભાઇઃ વખાના માર્યા. (હસાહસ) વડીલોએ કોમર્સ કોલેજમાં ધકેલ્યો. ત્યાં સતત ત્રણ વર્ષ એકાઉન્ટન્સીમાં નાપાસ થયો. બાપાને વિનંતી કરી. નાટક-સિનેમાનો ચટકો એ વખતથી જ હતો. આર્ટ્સમાં જઇને પણ ભણતો હોય તો સારૂં એમ વિચારીને બાપાએ આર્ટ્સમાં મુક્યો. ઇન્ટરઆર્ટ્સમાં બાપાનું લખેલું દ્વિઅંકી નાટક ભજવ્યું. પણ પરીક્ષામાં એક વિષયમાં ચોરી કરતાં પકડાયો. ૩ વર્ષ માટે રસ્ટીકેટ થયો. એટલે રાતની ટ્રેન ઉપડ્યા પછી જ ચીઠ્ઠી મળે એ રીતે ચીઠ્ઠી મુકીને મુંબઇ ભાગી ગયો.

મુંબઇ ટાંટીયાતોડ કરી. નાટકોની લાયકાત નોકરી મળે એવી નહીં, નોકરી હોય તો પણ જતી રહે એવી. એ વખતે મેં પંદર-પંદર રૂપિયામાં વાર્તાઓ વેચવાનું શરૂ કર્યું. અઠવાડિક મેગેઝીનના તંત્રીએ વાર્તા દીઠ પુરસ્કાર આપવાને બદલે મહિને સામટો પુરસ્કાર લેવા આવવાનું કહ્યું. મહિના પછી લેવા ગયો તો મેગેઝીન બંધ થઇ ગયું હતું. એક જણ માટે મેટ્રિકની પરીક્ષા આપવા બેઠો. આપી પણ ખરી. એમાં ઠરાવેલા પૈસા ન મળ્યા. બી.એ. થયો. એમ.એ.થયો. પત્રકાર થયો અને સરકારના ફિલ્મ્સ ડિવિઝનમાં ૨૯ વર્ષ નોકરી કરી. ગેઝેટેડ ઓફિસર થયો. ‘સરકારી નોકરીમાં બહુ મોટી સગવડ છે કે ત્યાં રહીને બહારનું કામ થઇ શકે. એ સગવડને લીધે નાટક અને સીરીયલ લખતાં અહીં સુધી પહોંચી ગયો.

***

સઃ તમે નિખાલસ આત્મકથા લખી તેની સામે કોઇને વાંધો..?
જઃ સગાંવહાલાંનો સૌથી વધારે વિરોધ હતો. પણ મેં મારી જાતને મોટી ચીતરી નથી. મારાથી જ હું શરૂઆત કરૂં એટલે બીજાના વિરોધનો સવાલ ન રહે.
સઃ ટપુડા સિરીઝમાં જેઠાલાલનું સંતાન છે, પણ તારક મહેતાની ઇશાની (પુત્રી)નું કેમ પાત્ર નથી.જ ઃ ઇશાની એ વખતે સ્કૂલે જતી હતી. એના નામનું પાત્ર બનાવીએ ને સ્કૂલમાં તેને કદાચ હેરાનગતિ થાય.અને લખવાનું શરૂ કર્યું ત્યારે ખબર પણ ન હતી કે આટલું લાંબું ચાલશે.
સઃ તમે ક્યારેય ફરિયાદ કરતા નથી. તકલીફો હસીને વેઠી છે.
જઃ હાસ્ય સ્વબચાવનું હથિયાર છે. કાં આપઘાત કરો, કાં હસતાં શીખો. બીજા વિકલ્પો હોતા નથી.
સઃ હાસ્યલેખકની આત્મકથા આટલી બોલ્ડ હોય…
જઃ જે દુકાનેથી જે મળતું હોય એ જ મળે. મારી સાહિત્યિક એમ્બિશન નહોતી. મુંબઇમાં ટકવાનું હતું. એટલે ફેક્ટરી ચાલુ કરે અને હજુ ચાલે. મારો માલ ઉપડે છે. આત્મકથામાં પણ એ ઘ્યાન રાખવું પડે…(આત્મકથામાં) મણિલાલ નભુભાઇ મારી પ્રેરણા હતા. તેમણે એવી સૂચના આપી હતી કે તેમના જીવતે જીવ આત્મકથા પ્રકાશિત ન થાય. પણ હું એવો ઉઘાડો પડી ગયો હતો…મુંબઇમાં એવું જીવન જીવ્યો હતો કે કંઇ ઢાંકવા જેવું રહ્યું ન હતું.
સઃ મુંબઇ અને અમદાવાદ વચ્ચે શું તફાવત?
જઃ અમદાવાદ બ્લેક એન્ડ વ્હાઇટ છે ને મુંબઇ ટેકનિકલર- અમદાવાદની સરખામણીએ અને મારી દૃષ્ટિએ.
સઃ હજુ શું કરવાનું બાકી છે?
જઃ ફેક્ટરી ચાલુ રહે એજ વળી. લોકોને મનોરંજન આપવાનો નિર્ધાર હતો. લોકો જ્યાં સુધી મેગેઝીન ખરેદે ત્યાં સુધી આપણે છીએ…
સઃ ચિત્રલેખા સિવાય બીજે ક્યાંય લખતા હોત તો પણ આટલા જ પોપ્યુલર હોત?
જઃ મને સામયિકો બદલવાની ટેવ નહીં. નાટકોની સંસ્થા પણ બદલતો ન હતો. આઇએનટીમાં દસ વર્ષ રહ્યો તે રહ્યો. એટલે ચિત્રલેખામાં પણ એવું થઇ ગયું કે ચિત્રલેખા એટલે તારક મહેતા અને તારક મહેતા એટલે ચિત્રલેખા. એ બન્ને પક્ષે લાભદાયક છે.
સઃ ગુજરાતી સાહિત્યના પોલિટિક્સ વિશે…
જઃ હું સાહિત્યમાં છું જ નહીં. એટલે પોલિટિક્સનો અનુભવ નથી. હજુ સુધી એવો અનુભવ નથી કે મને કોઇએ સાહિત્યકાર ગણ્યો હોય.
સઃ કઇ ભૂલો ન કરો?
જઃ પરીક્ષામાં ચોરી ન કરૂં. બીજી ભૂલો તો એના ક્રમમાં ચાલે.

રેપિડ ફાયર રાઉન્ડ

જિંદગી બે લીટીમાં: મનોરંજન, મનોરંજન, મનોરંજન
પ્રેમ વિશે શું માનો છોઃ એ માનવાની વાત નથી, અનુભવવાની વાત છે.
લેખક ન હોત તોઃ કંઇ ન હોત.
અમદાવાદીઓની ખાસિયતઃ એમની રમૂજવૃત્તિ. જાત પર હસી શકે. આવી ખાસિયત યહૂદીઓમાં છે.
પ્રવાસમાં શું અનિવાર્યઃ (થોડું વિચારીને) કપડાં પહેરીને નીકળવું તે
ભગવાન વિશેઃ હજુ મળ્યો નથી. મળ્યા વગર શું માનીએ?
અત્યારેઃ આનંદ છે, સંતોષ છે.

છેલ્લો રાઉન્ડ

હાસ્યલેખકઃ વખાના માર્યા
પ્રકાશકઃ ન બોલ્યામાં નવ ગુણ
આજની ફિલ્મોઃ જનરલાઇઝ કરાય એવું નથી
ગુજરાતી સાહિત્યઃ પરિચય નથી
વાચકોઃ સલામ
જેઠાલાલઃ મારો ઓલ્ટર ઇગો. હું મુંબઇમાં ગયો ત્યારે જે હાલતમાં હતો એ હાલત એ (જેઠાલાલ દ્વારા) કન્ટીન્યુ કર્યું.
સફળતાઃ હજુ સફળ થયો નથી. પ્રયત્ન ચાલુ છે.
ક્રિકેટઃ હવે આંખની તકલીફને લીધે ક્રિકેટરો દેખાય છે, પણ બોલ દેખાતો નથી.

-(ઉર્વીશભાઇ  કોઠારી)

તારક મહેતા – મેડમને દેશનો ઇતિહાસ કોણ ભણાવે?

હું બદરી-કેદારની જાત્રાએથી પાછો આવ્યો. ત્યાં સુધીમાં ‘બાલુભાઇ વાડીભાઇ સ્મૃતિ ઉધાન’ ઉર્ફે બાવાના બગીચામાં રોજ સાંજે હવાફેર કરવા જવાની ટેવ છૂટી ગઇ હતી. હિમાલયમાં દસ દિવસમાં પૂરતો હવાફેર થઇ ગયો હતો અને અહીં ચૂંટણીઓની તારીખો જાહેર થઇ ગઇ પછી રાજકારણનો વાઇરસ ફેલાયો હતો. તેમાં ગુજરાતનાં રમખાણો ઉપર એક ટીવી ચેનલે તહેલકા કર્યું. ગોધરા સ્ટેશને ટ્રેન સળગાવવા ભાજપવાળાએ કેરોસીનની પરબ ખોલી હતી અને છેક નરોડા સુધી કોમવાદી કેરોસીનના રેલા આવ્યા હતા એવું પુરવાર કરવાનો પ્રયત્ન થયો હતો.

થોડા દિવસ પહેલાં સોનિયાજી ગુજરાતીઓને સમજાવતાં હતાં, ગુજરાતનાં રમખાણો અને નંદીગ્રામનાં તોફાનો સરકાર પ્રેરિત હતાં. સેકયુલર સોનિયાજીએ એકવીસમી સદીની મહાન શોધ કરી છે, કે કોમી રમખાણો નરેન્દ્ર મોદીની મૌલિક શોધ છે. મેડમને દેશનો ઇતિહાસ કોણ ભણાવે? એમના ચમચાઓ તો એવો જ ઇતિહાસ ઠસાવે કે આ દેશમાં જે કંઇ સર્વશ્રેષ્ઠ છે તે ઇંદિરાજી અને રાજીવજીના પ્રતાપે છે અને એમનાં અધૂરાં મહાન કાર્યોપરિપૂર્ણ કરવા રાહુલબાબા નિર્માયા છે.

મેડમને કોણ ભણાવે કે કોમી રમખાણો મોગલો, અંગ્રેજૉ અને કોંગ્રેસ કાળમાં થતાં હતાં. કોમવાદી પક્ષોને કારણે કોમી રમખાણો નથી થતાં બલકે રમખાણોને કારણે કોમીવાદી પક્ષોને પ્રોત્સાહન મળ્યું છે. ૧૯૪૮માં હું કોલેજના ફસ્ર્ટ યરમાં હતો ત્યારે અમદાવાદના રમખાણમાં અમારું ખાડિયા ચારે બાજુથી ધેરાઇ ગયું હતું. રાત્રે ગોલવાડ અને રાયપુર દરવાજા તરફથી ‘અલ્લાહુ અકબર’ના પોકારો સંભળાતા ત્યારે આખા ખાડિયાની ઘ ડી જતી. અમારાં એક દાદી દરેક પોકારે જાજરૂમાં ભરાઇ જતાં. અફવાખોરાના રાફડા ફાટયા હતા. ફલાણી પોળ પાસે લાશો પડી છે. ફલાણા દરવાજે બે ટોળાં વરચે ધિંગાણું ચાલી રહ્યું છે. મુંબઇથી રોજ સો મવાલીઓ છરીછાકાં સાથે આવે છે.

રમખાણોનો સિલસિલો ચાલતો જ રહ્યો છે અને ચાલ્યા કરશે કારણ કે આપણા રાજકારણીઓ લોકોને સેકયુલર રમકડાંથી રમાડે છે. હવે લઘુમતીઓ પણ એ જૂનાં રમકડાંથી છેતરાતી નથી. આ વખતે માયાવતીએ એવાં રમકડાં કાઢયાં જે બધી વરણના લોકોને લપેટમાં લઇ લે.

લાલીઆઓએ નંદીગ્રામમાં લાલ વાવટા ફરકાવ્યા તો સરકારની તાનાશાહીથી ત્રાસેલી પ્રજાએ કોલકાતાની સડકો સળગાવી. સોનિયામાતાજી ત્યાંનાં તોફાનોને સરકાર પ્રેરિત કહે છે. પ્રેરિત બેરિત જેવું કંઇ છે નહીં. સરકાર પોતે જ પોતાના ગુંડાઓને પોલીસના યુનિફોર્મ પહેરાવી પ્રજા ઉપર છોડી મૂકે છે. પછી લાશો પડે, આગ, લૂંટફાટ, અત્યાચાર-બળાત્કારના આંકડા કોણ નોંધે? સરકાર પોતે જ આવી લાલીલીલા કરે પછી મમતાદીદી ઝાંસીની રાણી પેઠે તલવાર વીંઝ્યાં કરે તો એ બચારી બાઇને કોણ સાંભળે છે? મીડિયાવાળાની ઐસીતૈસી. જૉસેફ સ્ટેલીને રશિયામાં અને માઓએ ચીનમાં લાખ્ખો માણસોની કત્લેઆમ કરી હતી. નથી સ્ટેલીન રહ્યો, નથી સામ્યવાદ. ચીનમાં સરકારે સામ્યવાદનાં વરખ ચોંટાડી રાખ્યાં છે અને પોતે જ મૂડીવાદી થઇ ગઇ છે.હરિ હરિ!

હવે રહી રહીને પિશ્ચમ બંગાળ સરકારને ઔધોગિકિકરણનું ફેફરું પડયું છે. પોતે કમાવા માગે છે પણ ગરીબ પ્રજા પોતાના માનવ હક્કોની માગણી કરે છે તો દે ધનાધન. સાલા, મારવાના થયા છો, તો લેતા જાવ. ગુજરાતમાં બંગાળ થાય તો સોનિયામાતાજી પ્રતિભા પાટીલજીને સોંપી દે પણ લાલ વાવટાને ફરકવા દેવા જ પડે. ગરીબોની લાશો કરતાં અમેરિકા સાથે પરમાણુ કરાર અગત્યના છે અને નંદીગ્રામ પછી કોલકાતામાં દાઝેલા લાલભાઇઓ કુણા પડયા છે. રહી રહીને લાલીઆઓને કોંગ્રેસની ગરજ પડી છે. આવ ભાઇ હરખા, આપણે બે સરખા.

નવેમ્બર મહિનો આવ્યો એટલે દિલ્હીના શીખોના હત્યાકાંડની સંવત્સરી તાજી થઇ. અંગ્રેજીમાં લખતા નામાંકિત લેખક સરદાર ખુશવંતસિંહે ‘હિંદુસ્તાન ટાઇમ્સ’માં બળાપો કાઢયો. ૧૯૮૪ના નવેમ્બર ૨૩(કે ૨૪)ના ધોળે દહાડે હજારો શીખોને રહેંસી નખાયા હતા. એમનાં ઘરબાર લૂંટાયાં અને બાળવામાં આવ્યાં હતાં કારણ કે વડાપ્રધાન ઇંદિરાજીની શીખ ચોકીદારોએ હત્યા કરી. તે વખતના રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંઘ પોતે શીખ હતા અને આ હિંસાનો વિરોધ કરવાને બદલે રાષ્ટ્ર્પતિ ભવનમાં ભરાઇ રહ્યા હતા, ખુશવંતસિંહ ટેલિફોન પણ રિસીવ કરતા નહોતા.એચ.કે.એલ ભગત, જગદીશ ટાઇટલર, સજજનસિંહ જેવા કોંગ્રેસના મોટાં માથાં આ હિંસક આક્રમણના ઉધાડેછોગ સેનાપતિ થયા હતા. નજરે જૉનાર સાક્ષીઓની હજારો ફરિયાદો થઇ હતી, પણ વાઘને કેમ કહેવાય-તારું મોં લાલ છે? તહેલકાવાળા ત્યારે ઘતા હતા.

જ્ઞાનપીઠ ઉપરાંત અન્ય કેટલાક પુરસ્કારોના વિજેતા, નકસલવાદી, બંગાળના આદિવાસી સમાજના પ્રખર સુધારક, બંગાળી સાહિત્યસર્જનમાં અમૂલ્ય પ્રદાન દ્વારા દેશભરમાં નામાંકિત થયેલાં વયોવૃદ્ધ પદ્મશ્રી શ્રીમતી મહાશ્વેતાદેવીએ તાજેતરમાં જ ટકોર કરી હતી: બંગાળે ગુજરાત પાસેથી ઘણું શીખવા જેવું છે.

પણ સામ્યવાદીઓ મનમોહનસિંહ અને સોનિયાજીને શીખવામાં પડયા છે. બંગાળના અગ્રણ્ય સાહિત્યકારો, કલાકારો અને બૌદ્ધિકોએ ઠેરઠેર લાલીઆઓનાં દમનનો વિરોધ કર્યોપણ એ કોઇને ગાંઠતા નથી. ચૂંટણીને માથે રાખી મારે કબૂલવું પડશે, મારા શાળાકાળથી પીઢ સરકારી અમલદાર થયો ત્યાં સુધી હું કટ્ટર કોંગ્રેસી હતો. પણ ઇન્દિરાજીએ ઇમરજન્સીનો દંડુકો વીંઝ્યો તેમાં રાજકારણ અને લોકશાહીનાં ચીંથરાં થઇ ગયાં. કોંગ્રેસ સિવાયના પક્ષો જૉરમાં આવતા ગયા.

હું તો હવે એકેય પક્ષમાં રહ્યો નથી કારણ કે મને ચારે બાજુ કોંગ્રેસનાં કાટૂર્ન દેખાય છે. નવાં ટાઇટલ સાથે જૂનાં નાટકો ભજવાતાં દેખાય છે. ઇતિહાસમાંથી માણસ એટલું જ શીખ્યો, કે ઇતિહાસમાંથી કંઇ શીખવા જેવું નથી.

– તારક મહેતા

(દિવ્ય-ભાસ્કર)

તારક મહેતા – ભ્રષ્ટાચાર કથા

બોમ્બબ્લાસ્ટના મુખ્ય આરોપીની માફક વરસાદ હજી લાપતા છે. ઉનાળાએ એની ગેરહાજરીમાં પોતાના કરતબ ચાલુ રાખ્યા છે. બગીચાનાં ઘટાદાર વૃક્ષોમાં ઉકળાટને કારણે અસંતુષ્ટ રાજકારણીઓની માફક કૂદાકૂદ કરી નિર્દોષ પક્ષીઓને પજવે છે.

આ બધી લીલાઓથી ટેવાઈ ગયેલા મારા જેવા સિનિયર સિટિઝનો બગાસાં ખાતાં ખાતાં પરસેવો લૂછે છે અને માણેકચોકમાં શાક લેવા નીકળી પડયા હોય તેમ બાંકડા ઉપર ડાફરિયાં મારતા અને વખતોવખત અમારાં વસ્ત્રોમાં ઘૂસી ઉપદ્રવ કરતા મંકોડાઓને ઝાટકીને અમે ટાઇમપાસ કરીએ છીએ. આ મોસમી કંટાળો દૂર કરવા, અમે વાતો પણ કરીએ છીએ.

મારી સામેના બાંકડે બિહારીની બાજુમાં કલ્પેશ કચુકા બેઠો છે. બિહારી ઝભ્ભા લેંઘામાં છે. કલ્પેશ શર્ટ-પેન્ટમાં છે. મારી બાજુના બાંકડે અડવાણી બ્રાન્ડની ટાલવાળો ગોપાલ ખત્રી છે. બિહારીની બાજુના બાંકડે વડીલ વિષ્ણુભાઈ એમના શેતરંજી તકિયા ઉપર હંમેશ મુજબ ઢળ્યા છે.

`છેવટે પ્રતિભાતાઈ રાષ્ટ્રપતિભવનમાં ગોઠવાઈ ગયાં.’ કલ્પેશે બગીચાની શાંતિમાં તડ પાડી. શ્નતેમાં તેં નવું શું કહ્યું? જેમની સરકાર હોય તેમનો જ રબરસ્ટેમ્પ બને. રબરસ્ટેમ્પની લાયકાત જૉવાની ન હોય. એમને વોટ આપનારા પણ એવા જ હોય છે. પોલિટિકસમાં એવું જ ચાલે છે.’ ગોપાલે ટેનિસના ખેલાડીની પેઠે કલ્પેશને દડો પાછો મોકલી આપ્યો. `કલામસાહેબ રાષ્ટ્રપતિ નિમાયા ત્યારે કશી હોહા નહોતી થઈ અને આ પાટીલમેડમ વખતે તો આક્ષેપોની ઝડી વરસી.’ કલ્પેશ કચુકાએ દડો પાછો મોકલી આપ્યો.

`આક્ષેપોને કોણ ગણકારે છે? મનમોહનસિંહે શિબુ સોરેન જેવા હત્યારાને મિનિસ્ટર બનાવ્યો જ હતો ને? લાલુ યાદવ મિનિસ્ટર છે જ ને? બિહારનો ચીફ મિનિસ્ટર હતો ત્યારે ગાય-ભેંસોનો ઘાસચારો ડૂચી ગયો’તો.

હવે રેલવે મિનિસ્ટર તરીકે એન્જિનના કોલસા ચાવી જશે તો ય મનમોહનસિંહ તો એનો એ જવાબ આપશે કે – જયાં સુધી આરોપ સાબિત ન થાય ત્યાં સુધી આરોપી નિર્દોષ છે. એટલે તો માયાવતીએ પોતાની પાસે બાવન કરોડ છે એમ બેધડક કહી દીધું.

કહે છે, દલિતોને મારી ગરીબીની દયા આવી એટલે મારે માટે ઉઘરાણું કર્યું. દલિતોની ગરીબી જતા જશે પણ માયાવતીનો ઉદ્ધાર થઈ ગયો. ઇન્દિરાજીએ મહાન સત્ય ઉરચારેલું, ભ્રષ્ટાચાર વિશ્વવ્યાપી છે. હવે આપણે એમણે ચીંધેલા માર્ગે આગળ વધીને કહેવાનું, ભ્રષ્ટાચાર સર્વસ્વીકૃત છે. હવે ભ્રષ્ટાચારને સ્વીકૃતિ મળી છે.’ ગોપાલે ભરડી નાખ્યું.

`એ વાત ખોટી છે.’ આંખો બંધ કરીને સાંભળી રહેલા વડીલ વિષ્ણુભાઇએ વિરોધ જાહેર કર્યો. ટીવી ઉપર `બ્રેકિંગ ન્યૂઝ’ શબ્દો ચમકે અને દર્શકો ઉત્સુકતાથી પડદા ભણી તાકી રહે તેમ અમે એમને તાકી રહ્યા. ચર્ચામાં નાટકીય એન્ટ્રી મારતા હોય તેમ એ બોલ્યા, શ્નતમે બધા અજ્ઞાની છો.’

લાંબુ બોલવાની તૈયારી કરતા હોય એમ તેમણે ઊંડો શ્વાસ લીધો અને વાંદરાઓ પણ ધ્રૂજી જાય તેવો ખોંખારો ખાધો. `પુરાણકાળથી ઈશ્વરને નામે બ્રાહ્મણો દક્ષણિ લેતા આવ્યા છે. ઈશ્વરને ફકત આ પૃથ્વી સંભાળવાની નથી, આખું બ્રહ્માંડ સંભાળવાનું છે. એમને તમારા ચલણ અને બીજી-તીજી સામગ્રી શા ખપનાં, મૂર્તિઓને ઘી-તેલ ચોળો એ ઈશ્વરને ચઢે છે? અમારો ગોર તો શ્રાદ્ધ વખતે દક્ષણિમાં રંગીન ટીવીનો સેટ પણ લઈ ગયો હતો. એ બેઠાં બેઠાં આપણી સિરિયલો કે ટેસ્ટમેચો જૉતા હશે?

પણ આપણને ઠસી ગયું છે કે ઈશ્વરે બ્રાહ્મણોને ખાસ પ્રતિનિધિઓ નીમ્યા છે અને એમના થકી બધું ઈશ્વરને પહોંચે છે. આ મેન્ટાલિટી પ્રાચીન છે. એક સર્વમાન્ય વ્યવહાર છે એટલે આપણે ત્યાં મોગલો, વલંદાઓ, ફિરંગીઓ, અંગ્રેજૉ સહેલાઈથી રાજ કરી શકયા. અંગ્રેજૉ બક્ષસિ લઇને આપણા દેશીઓને ખિતાબો વહેંચતાં.

રાવ બહાદુર, દીવાન બહાદુર, જંગ બહાદુર. અમારી પોળમાં એક ફાલતુ કારકુન એના ઉપરી સાહેબોને ઘરે બોલાવી બધી રીતે એન્ટરટેઇન કરતો. ગોરા સાહેબોએ રાજી થઇને એને રાવસાહેબનો ખિતાબ આપેલો. એ રાવસાહેબ કટકી લઇને લોકોનાં કામ કરાવી આપતો.

પેલા સલમાન રશદીએ ઇસ્લામની કુથલી કરી તો ઇંગ્લેન્ડની મહારાણીએ એને શ્નસર’નો ખિતાબ આપી દીધો. આપણે ત્યાંયે ખિતાબોનું ડીંડવાણું ચાલે જ છે ને. અરે નહેરુજીના ટાઇમમાં બનેલો કિસ્સો કહું. આમ તો સત્યકથા તરીકે સાંભળેલી પણ કદાચ જૉક પણ હોય. અમે જયારે નાના હતા ત્યારે મારા બાપાના એક ઓળખીતા વેપારી લાલજીભાઈની માધુપુરામાં કરિયાણાની દુકાન હતી. એ વખતે આઝાદીની લડતનો પવન ફૂંકાયેલો. બ્રિટિશ સરકારે સપાટો બોલાવી નાના-મોટા નેતાઓને જેલમાં ખોસી દીધેલા, તેમાં લાલજીભાઈ પણ હતા. જેલમાં એમણે નહેરુજીની બહુ સેવા કરેલી. જેલમાંથી છૂટયા પછી લાલજીભાઈ ધંધામાં ઘ્યાન આપવાને બદલે આખો દિવસ પોતાના જેલના અનુભવો ગ્રાહકોને સંભળાવ્યા કરતા.

એમના બંને દીકરાઓ રોજેરોજ આપવીતી સાંભળી સાંભળી કંટાળવા લાગ્યા ત્યારે મોટા દીકરાએ એક દિવસ લાલજીભાઈને સંભળાવ્યું, શ્નબાપા, તમે રોજ નહેરુજીના નામના મંજિરાં વગાડો છો તેમાં આપણું શું રંધાયું.

તમારી જૉડે જે બધા જેલમાં હતા એ બધા આઝાદી પછી બહાર બંગલાઓ બંધાઈને બેસી ગયા છે ને આપણે અહીં ગોલકામાં ગોળ જૉખતા બેસી રહ્યા છીએ. તમારે નેહરુજી જૉડે દોસ્તી થઈ ગઈ’તી તો એમને મળીને એકાદ ભલામણ ચિઠ્ઠી લઈ આવો તો અમારું કંઈ ભલું થાય.’

ધેર લાલજીભાઈનાં વાઇફ પણ દીકરાઓ સાથે જૉડાઈ ગયાં. થોડા દિવસ ટિટિયારો ચાલ્યો ત્યારે ડંખતા આત્મા સાથે એ સુદામા જેમ કૃષ્ણને મળવા ગયેલા તેમ નહેરુજીને મળવા દિલ્હી પહોંરયા. નહેરુજીએ ઉમળકાથી આવકાર્યા. લાલજીએ અચકાતા અચકાતા પોતાનો પ્રોબ્લેમ કહ્યો.

નહેરુજીએ પોતાના સેક્રેટરીને બોલાવી ગુજરાત સરકાર ઉપર કાગળ ડિકટેટ કરાવ્યો. લાલજીભાઈ હરખાતા હરખાતા અમદાવાદ આવ્યા. દીકરાઓ હરખાતા હરખાતા જૂના સચિવાલય પર પહોંરયા. કોઈ કારખાનું ખોલવાનો પ્લાન કહ્યો. ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટના અમલદારે ખાનગીમાં દીકરાઓ પાસે પચીસ હજાર માગ્યા.

દીકરાઓ વીલે મોંઢે પાછા ફર્યા. વાત સાંભળી ઉશ્કેરાયેલા લાલજી દિલ્હી પહોંરયા. એમને મનમાં એમ કે જવાહરલાલ ગુજરાત સરકારને ધધડાવી નાખશે. તેને બદલે જવાહરલાલે ઠંડે કલેજે કહ્યું, `લાલજી, તારે પૈસા તો આપવા જ પડશે.’

`તમારી ચિઠ્ઠી છે તો પણ?’ `જૉ લાલજી, ચિઠ્ઠી છે તો તારું કામ નક્કી થશે. બાકી તો વર્ષોસુધી તને ધક્કા ખવડાવશે ને તારા પૈસા ચાંઉ થઈ જશે. સરકારો બધી આમ જ ચાલે છે, સમજયો?’

વડીલ વિષ્ણુભાઇએ વાત પૂરી કરતાં ઉમેર્યું, શ્નનહેરુના ટાઇમમાં પણ કૌભાંડો થયેલાં પણ ત્યારે મીડિયા આજના જેટલું સજાગ નહોતું. નહેરુ આંખ આડા કાન કરતા. ઇન્દિરાજીએ ખુલ્લે છોગે ડીંડવાણું ચલાવેલું અને એ બાબતમાં બધી સરકારો સરખી છે. હવે રબરસ્ટેમ્પ હાથમાં આવી ગયો છે. દે દામોદર, દાળમાં પાણી. જૉયા કરો.’ ઇતિ શ્રી ભ્રષ્ટાચાર કથા સમાપ્ત.

– તારક મહેતા

(દિવ્ય-ભાસ્કર)

તારક મહેતા – પશ્ચિમવાળાઓ જેટલું ન કરે એટલું ઓછું

આખું વર્ષ જે સ્ત્રી વર અને ઘરનો બોજૉ વેંઢારતી હોય તેને એક દિવસ બરડે ચઢાવી સહેલ કરાવવાની ભાવના ઉત્તમ છે

ઉનાળાને ગુજરાતમાંથી ગયા પછી જાણ્ો યાદ આવ્યું હોય કે સાલુ, આ વખતે જૉઇએ એવો દેકારો મરયો નહીં એટલે હિંદી ફિલમની સિકવલની પેઠે ચોમાસાના ઇન્ટરવલમાં એણ્ો પાછી એન્ટ્રી મારી અને માંડ રાહત ભોગવી રહેલા લોકોને ઉકાળવા માંડયા. મેં બગીચામાં જવાનું શરૂ કર્યું હતું અને વડીલ વિષ્ણુભાઈની પેઠે મારા નેપકીનથી પરસેવો લૂછ્યા કરતો હતો ત્યાં ઓચિંતો ઞોકામાંથી જાગ્યો હોય તેમ બિહારીએ પૂછ્યું : ‘તારક તેં છાપામાં વાંરયું?’

‘શું?’‘ફિનલેન્ડના હેલસિન્કિમાં પત્નીને બરડા ઉપર બટાટાની ગુણની જેમ ઊંચકી દોડવાની પતિઓની હરીફાઈ થઈ.’

‘એક દિવસ ટીવી ઉપર સિર્ફંગ કરતાં મેં એક જડસાને એક બૈરીને એના બે પગથી ઊંચકી બરડા ઉપર ઊંધી લટકાવી દોડતો જૉયેલો. મને ખબર ન પડી. થયું કે બાઇને કંઈ આફતમાંથી બચાવીને પઠ્ઠો દોડતો હશે.’

‘એ તો પચાસ કપલોની સો મીટર દોડ, પણ એમાં બૈરાનું વજન ઓછામાં ઓછું ઓગણપચાસ કિલો હોવું જૉઇએ. રસ્તામાં કાંકરા, કાદવ, ઘાસ બધું આવે. બૈરું પડવું ન જૉઇએ. જે પરણ્ોલા ન હોય અને ભાગ લેવા માગતા હોય તે ઊછીનું બૈરું પણ લાવી શકે, બોલ.’‘શું બોલે! પિશ્ચમવાળાઓ જેટલું ન કરે એટલું ઓછું.’ મેં કહ્યું.

‘એ લોકો સાલા એન્જૉય કરે છે. આવી હરીફાઇઓ અહીં થવી જૉઇએ.’ બિહારીએ ઉત્સાહ દેખાડયો.‘તારું ભવન ફરી ગયું છે, બિહારી?’ ધ્ોરથી લાવેલાં શેતરંજી-તકિયા પર આરામથી સૂતેલા વિષ્ણુભાઈ તપ્યા, ‘અલ્યા, ત્યાં બાર મહિનામાં છ મહિના બરફ પડતો હોય એટલે ગરમાવો લાવવા આવું બધું કરવું પડે. એ લડધાઓના આપણાથી વાદ ન થાય. જૉજે આવા પ્રયોગ કરતો, બૈરીને ઊંચકવાના સાહસમાં કેડના મણકા વેરાઈ જશે તો કોઈ ડા÷કટરને લીલાલહેર થઈ જશે.’અમે હસ્યા.

‘તમે પણ શું વિષ્ણુભાઈ, યાર, મારી ફિલમ ઉતારો છો. એ લોકો કાચું માંસ ખાય, તપેલું ભરીને દૂધ પીએ ને બાટલી ભરીને દારૂ પીએ. માતેલા સાંઢની પેઠે ધીંગામસ્તી કરે. આપણ્ો તો દાળભાત ખાઇને રાસ રમીએ ને ટીવી પર ક્રિકેટ મેચ જૉતાં જૉતાં તાળીઓ પાડીએ.’

‘ના હોં, એ જમાનો ગયો. આજની જુવાન પેઢી પેલા રિતિક અને સલમાનને જૉઇને જીમમાં જઇને બોડી બનાવવા માંડી છે. ભવિષ્યમાં જુવાન પેઢી નામ કાઢશે.’

અમારી વાત શાંતિથી સાંભળી રહેલા નગીનભાઈ માળીએ ભવિષ્યની પેઢીમાં પોતાની શ્રદ્ધા વ્યકત કરી.

‘નગીન, તું ખાંડ ખાય છે. આ જીમ-બીમ બધું ફેશન થઈ ગઈ છે. શેિઠયાઓના છોકરા-છોકરીઓને એની મેમ્બરશિપ પરવડે. આપણા દેશના કેટલા ખેલાડી ઓલિમ્પિકસમાં જાય છે ને કેવું ઉકાળે છે?’‘ઓલિમ્પિકસમાં બૈરાંઓને ઊંચકીને દોડવાની હરીફાઈ ગોઠવાય તો આપણા દેશમાંથી ઘણા ખેલાડી પહોંચી જાય.’ વિષ્ણુભાઈ બોલ્યા.

‘ના વિષ્ણુભાઈ, ખેલાડીઓ કરતાં પોલિટિશિયનોની સંખ્યા વધી જાય.’ મેં કહ્યું, ‘કારણ કે આપણા દેશના મોટા ભાગના રમતગમતનાં મંડળોના મોવડીઓ બધા પોલિટિશિયનો છે અને બધા એ જ ફરિયાદ કરે છે કે ખેલાડીઓની સાથે જતાં ડેલિગેશનોમાં પોલિટિશિયનોનાં સગાંવહાલાં જ હોય છે, જેમને રમતગમત સાથે કંઈ લેવાદેવા હોતી નથી. આપણા ખેલાડીઓમાં તેમને કંઈ રસ હોતો નથી પછી કયાંથી ચંદ્રક મળે?’

‘જે મહિલા ખેલાડીને ઊંચકનાર પોલિટિશિયનને એ અહીં ઇન્ડિયામાં લઈ આવવાની પરવાનગી મળે તો આપણી અડધી પાલાર્મેન્ટ ત્યાં પહોંચી જાય.’ નગીન બોલતાં બોલતાં ઊભો થઈ ગયો અને એનો સદરો કાઢી ખંખેરવા લાગ્યો.

‘શું થયું? તારા ઉપર ખિજાયેલો કોઈ પોલિટિશિયન કરડયો?’ મેં પૂછ્યું.‘જેવો વરસાદ જાય છે તેની સાથે મંકોડાનો ત્રાસ વધી જાય છે.’ સદરાથી બાંકડો ઞાટકતા નગીન બોલ્યો.

‘આપણ્ો બૈરાંને ઊંચકીને દોડવાની વાત ચાલતી હતી તેમાંથી તમે છેક ઓલિમ્પિકસમાં પહોંચી ગયા.’ બિહારી મૂળ મુદ્દા ઉપર આવ્યો.‘આખો વિષય નાજુક છે, બિહારી.’ મેં કહ્યું.‘કઈ રીતે?’

‘પહેલા તો સ્ત્રીઓને પૂછવું પડે. આખું વર્ષ જે સ્ત્રી વર અને ઘરનો બોજૉ વેંઢારતી હોય તેને એક દિવસ બરડે ચઢાવી સહેલ કરાવવાની ભાવના ઉત્તમ છે. સ્પધાર્ સિવાય પણ એને એ આનંદ આપવામાં કશું ખોટું નથી. આપણી તો એ ઉંમર ગઈ પણ જુવાન પેઢીમાં એવી સ્પધાર્ આવકારદાયક છે. ચિંતા એક જ છે.’‘કઈ?’

‘એમને ધારો કે એમાં મજા પડી જાય અને તેમાંથી ટેવ પડી જાય તો કેવાં ¼શ્યો સર્જાય? નવાં નવાં પરણ્ોલા યુગલોમાં તો એ રીતે ફરવાની ફેશન શરૂ થઈ જાય. આપણ્ો ત્યાં પિશ્ચમનું અનુકરણ કરવાનો ચીલો છે. અહીં તો બધા સવાયા અમેરિકન થવા માગે છે.’

‘નરેન્દ્ર મોદી પરણ્યા નથી એટલે પત્નીને બદલે પાંચ કરોડ ગુજરાતીઓને ખભે ચઢાવી દોડાદોડ કરે છે.’ નગીને સદરો પહેરતા કોમેન્ટ કરી.

‘પાંચ કરોડનો આંકડો જૂનો થયો, નગીન.’‘હા, પણ વિષ્ણુભાઈ, આ વખતે ઘણા વિરોધીઓ એમના ખભેથી ભૂસકા મારે છે.’‘જયારે રાજીવ ગાંધી અચાનક ગુજરી ગયા ત્યારે થોડા દિવસ પ્રતિભા પાટિલે સોનિયા ગાંધીના રસોડાની દેખરેખ રાખી હતી એ સેવાઓની કદર રૂપે સોનિયાએ પ્રતિભાબહેનને યુપીએના બરડે લટકાવી દીધા.’

‘વિષ્ણુભાઈ, તમે અહીં પોલિટિકસની ચચાર્ પર પ્રતિબંધ મૂકયો છે.’ મેં વડીલને વાયાર્.‘સા÷રી. બોલાઈ ગયું, ભઇલા. મૂળ મુદ્દા ઉપર આવો.’

અમારે મૂળ મુદ્દા પર આવવું જ ન પડયું.અમારા બગીચાની મુખ્ય પગથી ઉપર એક આધેડ યુગલ નીકળ્યું. મિસ્ટર ઊંચા અને પાતળા હતા અને એમણ્ો લપટાવેલા મિસિસ ઊંચે જવાની આકાંક્ષા રાખ્યા વગર વિસ્તયાર્ હતા. કદાચ ડા÷કટરની સલાહથી બેન વજન ઉતારવા ચાલવા નીકળ્યાં હશે.

‘બિહારી, ફિનલેન્ડની હરીફાઈની વાત આ જૉડીને કર.’મારા સાથીઓ હસ્યા. એ જ વખતે એ યુગલની સામેથી કોલેજિયનોની એક મંડળી આવી અને પેલી જુગલ જૉડીને ‘ફૂ…ફૂ…હાહા… હીહી…’ જેવા દબાયેલા અવાજે હસી.

ચૂપચાપ પસાર થઈ જવાને બદલે પાતળા પતિએ ભારે અવાજે પડકાયાર્. ‘સાલાઓ, તમારે મા-બેન છે કે નહીં?’

‘છે છે, કાકા, પણ તમારાં જેવાં મોડલો નથી.’ એક અવળચંડાએ જવાબ આપ્યો. મંડળીમાં હસાહસ થઈ.

‘પોલીસમાં ફરિયાદ કરીશ.’ પાતળા પતિએ ધમકી આપી.‘હા. હા. બોલાવો પોલીસને. એમને પણ મજા આવશે.’ બીજૉ બોલ્યો.ઉશ્કેરાયેલો પતિ મંડળી ઉપર ત્રાટકવા જતો હતો પણ કોઈ આર્ય પત્નીને છાજે તે રીતે પેલાં ચરબીના ડુંગર જેવાં સન્નારીએ પતિનો ઞભ્ભો ખેંચી સમયસર અટકાવતાં કહ્યું : ‘ભઈસાબ, ભવાડા કરવા રહેવા દો. બધા જુએ છે.’મેદની જામે તે પહેલાં યુગલ આગળ ચાલ્યું. મુકત હાસ્ય કરતી મંડળી રવાના થઈ.

– તારક મહેતા

(દિવ્ય-ભાસ્કર)

તારક મહેતા – બાથરૂમ સિંગર

જયારથી ટીવીવાળાઓ સંગીતની હરીફાઈઓમાં લલ્લુપંજુઓને ગવડાવવા માંડયા છે ત્યારથી છોકરા-છોકરીઓ જયાંત્યાં રાગડા તાણવા માંડયાં.

અમે કેટલાક શાંતિથી અમારા બાંકડાઓ પર મૂંગા મૂંગા બેઠા હતા. ચર્ચા માટે કોઈ વિષય બરયો ન હતો. ચર્ચા ફરજિયાત નથી. આ દેશમાં નવરા સિનિયર સિટિઝનો ટાઇમ પાસ કરવા ચર્ચાના ચાકડા ફેરવ્યા કરે છે અને એને દેશસેવા સમજી રાજી થાય છે. વાતમાં કંઈ માલ હોતો નથી.ત્યાં અમારા બાંકડાવાળી હરોળના બીજા છેડે કલબલાટ સંભળાયો. કેટલાક યુવાનો સામસામે બાંકડાઓ પર બેસી હાહા હીહી હુહુ કરી રહ્યા હતા. અમારા બગીચામાં યુવાનો ભાગ્યે જ ફરકે છે. તેમને રસ પડે તેવું બગીચામાં બહુ ઓછું હોય છે.

ત્યાં એક યુવાને ચાલુ કર્યું, ‘આશિક બનાયા… આશિક બનાયા… આશિક બનાયા… આપને…’ જેટલું જૉઇએ એટલું એ નાકમાંથી ગાતો ન હતો પણ અમારી સુસ્તી ઉડાડી શકે એવા અવાજે ગાતો હતો. એ ગીત પત્યું ત્યાં એણે બીજું શરૂ કર્યું. લોકોને તો આવું બધું ગમતું જ હોય છે. તમાશાને તેડું ન હોય. ભીડ જામતી ગઈ તેમ અમદાવાદી રેશમિયો ખીલતો ગયો. ગીતે ગીતે તાળીઓ પડતી ગઈ અને એ બાજુના બાંકડાઓ પર હાઉસફુલ થઈ ગયું.‘આ બગીચામાં વળી આ તાનસેન કોણ ફૂટી નીકળ્યો, બિહારી?’ ગાયનની દિશા તરફ તકિયો રાખી શેતરંજી પર શરીર લંબાવી બેઠેલા વડીલ વિષ્ણુભાઇએ બાજુના બાંકડા પર બેઠેલા બિહારીલાલને પૂછ્યું, ‘વિષ્ણુભઈ, જયારથી ટીવીવાળાઓ સંગીતની હરીફાઈઓમાં લલ્લુપંજુઓને ગવડાવવા માંડયા છે ત્યારથી છોકરા-છોકરીઓ જયાંત્યાં રાગડા તાણવા માંડયાં. આ અલેલટપ્પુ થાકશે ત્યારે બંધ થઈ જશે.’

‘બિહારી, જઇને એને બંધ કરાવ.’

‘કેમ? આપણને કયાં નડે છે?’

‘જીભને બદલે જરા તારું ભેજું ચલાવ. આજે આ જલસો અહીં જામી જશે તો કાલથી રોજ અહીં આવું ચાલશે. લોકો ભેગા થઇને તાબોટા પાડશે. લુખ્ખાઓની અવરજવર વધી જશે. કેટલાક તો આ બાંકડાઓ પર પડયા રહેશે. દરવાજા બહાર ખાઉધરા ગલી ચાલુ થઈ જશે. જરા વિચાર કરો, બગીચાના ખરા ટ્રસ્ટીઓ તો આપણે જ છીએ. આવા લેભાગુઓથી આપણે જ બગીચાને બચાવવાનો છે. આમાં ચોકીદારનું પણ કંઈ ચાલે નહીં. તને એકલાને ન ફાવતું હોય તો તારકને જૉડે લઈ જા. તમને એ લોકો ગાંઠે નહીં તો પછી મને બોલાવજૉ.’ વિષ્ણુભાઇએ અમને આદેશ આપ્યો.

‘ચાલ, તારક.’ બિહારીએ કહ્યું.

અમે એ તરફ ચાલ્યા. મેદની વધતી ગઈ હતી અને લોકો પેલાની ગાયકી માણી રહ્યા હતા એટલે એમના રંગમાં ભંગ પાડવાનું કામ કપરું હતું અને વડીલ વિષ્ણુભાઈની દલીલમાં દમ હતો. આવા જલસા વખતસર ન દબાવી દઇએ તો રોજ સાંજે અહીં તમાશા થાય. બગીચાનું કોઈ રણીધણી નથી. આવી પબ્લિક શરૂ થઈ જાય તો અમારે ઉચાળા ભરવા પડે. ‘આપણે જરા સંભાળવું પડશે.’ નરવશ અવાજે બિહારી ગણગણ્યો.‘બીવા જેવું નથી, ઘણા ઓળખીતાઓ ત્યાં ઉભા છે.’ હું બોલ્યો.

અમે ત્યાં પહોંરયા અને ઓડિયન્સમાં ભા રહ્યા. એક બાંકડા ઉપર ઠાંસોઠાંસ કેટલાક છોકરાઓ બેઠા હતા. તેમની વરચે રેશમિયા બ્રાન્ડની ટોપી પહેરીને એક સુકલકડી છોકરો લલકારી રહ્યો હતો, ‘મૈં હૂં ડોન…’ એણે ફાલતુ ગોળ ગળાનું ટીશર્ટ અને ધૂળિયા રંગનું મેલું પેન્ટ પહેર્યું હતું. એના દેખાવના પ્રમાણમાં એનો કંઠ સારો હતો. ‘મૈં હૂં… મૈં હૂં…’ જમાવીને એણે પૂÊરું કર્યું. તાળીઓ પડી.

‘નવું શરૂ કરે તે પહેલાં બૂચ માર.’ મેં બિહારીના કાનમાં કહ્યું.

ઓડિયન્સમાંથી ફરમાઇશો શરૂ થઈ ત્યાં બિહારી આગળ વઘ્યો. ‘ભાઈઓ, આ શેનો પ્રોગ્રામ છે?’ મેદનીને સંબોધીને એણે પૂછ્યું.

‘બાથરૂમ સિંગર-’ સિંગરની બાજુમાં બેઠેલો એક જણ ઉત્સાહથી બોલ્યો.

‘હેં?’

‘કાકા, તમને ખબર નથી? ટીવી ઉપર બાથરૂમ સિંગરોની હરીફાઈ થવાની છે?’

‘ઓ!’

‘અમે આ ગીગાની એન્ટ્રી મોકલી છે. એને ઓડિશન ટેસ્ટ માટે મુંબઈ બોલાવ્યો છે.’

‘પણ આ બાથરૂમ નથી, બગીચો છે તેનું શું?’

‘કાકા, બાથરૂમ હોય કે બગીચો મ્યૂઝિકમાં કંઈ ફેર ન પડે.’ એક પ્રેક્ષકે બિહારીને સંગીતનું જ્ઞાન આપ્યું.

‘જૉ ભઇલા, જયાં જે ગવાતું હોય તે ગવાય, કાલે ઠીને તમે બેડરૂમના ગાયકો, પબ્લિક મૂતરડીઓના ગાયકો, પોલીસચોકીના, જેલના એવા એવા ગાયકોને પકડી લાવો એ ન ચાલે.’

‘પણ અમને ગીગાનો અવાજ ગમે છે.’ ગીગાનો સાથીદાર સામો થયો.

‘તો લઈ જાવ તમારે ધેર. એને બાથરૂમમાં પૂરીને ગવડાવો. અમને બોલાવશો તો અમે પણ તમારી બાથરૂમની બહાર બેસીશું. પણ અહીં આ બધું નહીં.’ બિહારીએ મક્કમતાથી સંભળાવી દીધું.

‘એ મિસ્ટર, બગીચો તમારા બાપનો નથી.’ પાછળથી કોઈ બોલ્યો.

હવે બિહારીની તપેલી તપી. એણે અવાજની દિશામાં નજર કરી. ‘કોના બાપનો છે એ નક્કી કરવા ચાલ પોલીસમાં જઇએ, એ લોકો ભલભલાને ગાતા કરી દે છે.’‘દાદાગીરી કરો છો?’ ટોળાની પાછળથી એણે વાક્યુદ્ધ ચાલુ રાખ્યું.‘બધા કહે તેમ કરીએ.’

ટોળામાં ગણગણાટ શરૂ થયો. અમારા પરિચિતો ગીગાના ઉશ્કેરાયેલા ચાહકોને ટાઢા પાડવા લાગ્યા.

અચાનક કોઇની ત્રાડ સંભળાઈ : ‘ગીગલા, હરામખોર, નોકરી કરવી છે કે ભટકી ખાવું છે?’

મોટા પેટ અને પરસેવે રેબઝેબ ખમીસ-પાટલુનવાળો એક શખ્સ ડોળા કાઢતો અને અવાજ ફાડતો ઓડિયન્સની આગળ ધસી આવ્યો. તેને જૉઇને ગીગો જવાબ આપ્યા વગર ભાગ્યો.

‘સાલો, મારી કીટલી ઉપર નોકરી કરે છે પણ થોડા દાડાથી આ બધા ચાંદવાઓએ એને ચઢાઈ મેલ્યો છે તે કીટલી ઉપર રાગડા તાણ્યા કરે છે ને પેલા ટીવીવાળા જેવી વાંદરાટોપી પહેરીને એના જેવા નાકમાંથી અવાજૉ કાઢે છે. ઘરાકીને ટાઇમે ભાગી જાય છે. એનાં મા-બાપે મારે ભરોસે અહીં મોકલ્યો તો વગર જૉઇતો વંઠી ગયો.’ કીટલીમાલિક ઓડિયન્સ સામે ખુલાસો કરી બાંકડે બેઠેલા ચાહકો તરફ ફર્યો, ‘ખબરદાર, જૉ તમે ગીગલાને ફટવ્યો છે તો. ચૂપચાપ ચા પીને ચાલતી પકડવાની. લખી રાખો.’

બગીચામાં સોપો પાડી કીટલીમાલિક ચાલતા ચાલતા ચૂપચાપ અમારી પાછળ આવીને ભા. વિષ્ણુભાઇએ ઉદ્ગગાર કાઢયા : ‘ટાઢે પાણીએ બાથરૂમ સિંગર ગયો.’‘કોને ખબર છે, કદાચ ટીવીસ્પર્ધામાં જીતી પણ જાય.’ મેં કહ્યું.

‘તો સારું. અહીં તો શાંતિ.’

– તારક મહેતા

(દિવ્ય-ભાસ્કર)

ચાલો ફિલ્મ જોવા – તારક મહેતા

મારા પાડોશી જેઠાલાલને ત્યાં પચ્ચીસ વર્ષ પછી એમના પિતાશ્રીએ પેટલાદથી પધરામણી કરી ત્યારથી જેઠાલાલની ડાગળી ચસકું ચસકું થયા કરતી હતી. જેઠાલાલને એમના એકના એક ચિરંજીવી ટપુડાએ માનસિક રીતે હાલમડોલ તો કરી જ નાખ્યા હતા. તેમાં પિતાશ્રી ચંપકલાલના આવ્યા પછી તો જેઠાલાલ અમારા માળાની સીડી ઉપરથી બે વાર ગોથાં ખાઈ ગયા હતા. રસ્તો ક્રોસ કરવા જતાં એક-બે વાર એ મોટરો નીચે આવતા બચી ગયા હતા. તે ખોટી બસમાં ચઢી જતા અને દુકાનમાં ગ્રાહકો જોડે લડી પડતા. એમ જ લાગે કે જાણે ચંપકલાલ અને તેમના પુત્ર ટપુડાએ એકઠા થઈને જેઠાલાલને પાગલ બનાવવાનું વ્યવસ્થિત કાવતરું કર્યું હતું.

દુકાનેથી પોતાને ઘેર જવાને બદલે હવે જેઠાલાલ મારે ત્યાં આવી તેમની હૈયાવરાળ કાઢતા અને પછી નાછૂટકે મારા આગ્રહને વશ થઈને પોતાને ઘેર જતા. રોજની જેમ આજે એમની રોતી સૂરત સાથે દાખલ થઈ મારા સોફામાં પોટલું થઈને પડતાં જેઠાલાલ કહે :
‘મારા ટપુડાએ ડોસાને ચાકી ચઢાવી ફિલ્મ જોવા તૈયાર કર્યા છે.’ જેઠાલાલે બગડેલા પ્રાઈમસ જેવો નિસાસો નાખતાં કહ્યું.
મને જેઠાલાલનું વલણ પસંદ ના પડ્યું. ‘જુઓ જેઠાલાલ, આ તમારી વાત ખોટી છે. માણસ ઘરડું થાય એટલે શું એને મનોરંજન મેળવવાનો અધિકાર નથી ?’
‘અરે ભાઈસા’બ, એ વાત નથી. મારા ડોસાને બન્ને આંખે મોતિયા પાક્યા છે. એમને એક ફૂટ દૂરનું પણ દેખાતું નથી. દિવસમાં દસ વાર ભીંત સાથે અથડાય છે. આપણે બેઠા હોઈએ ત્યાં આવીને આપણી ઉપર બેસે છે. હવે એમાં શું ફિલ્મ જોવાના હતા ?’
‘એમ તો શ્રવણનાં મા-બાપ આંધળાં હતાં. તોય એણે કાવડમાં બેસાડી ચાર ધામની જાત્રા કરાવી. તો તમારે બાપાને ટેક્સીમાં લાવવા-લઈ જવા છે. દેખાશે નહિ તો ચાર-છ ગાયન સાંભળશે એટલે જરા ખુશ થશે.’ મે જેઠાલાલને હિંમત આપી.

‘મને ખાતરી જ હતી કે તમે આમ જ બોલવાના એટલે મેં ભેગી તમારી પણ બે ટિકિટ લીધી છે.’
‘પણ-’
‘પણબણ કંઈ નહિ. “ધરમ-કરમ”ની છ ટિકિટો લાવ્યો છું.’
‘ધરમ-કરમ ! એ તો ધમાધમીનું ચિત્ર છે.’ મેં કહ્યું.
‘હા- પણ ફિલ્મના નામ ઉપરથી ડોસા એને ધાર્મિક ફિલ્મ સમજ્યા છે. મેં એમને સમજાવ્યા તો કહે : ‘જેઠિયા, પાજી, એમ કહેને કે તારે મને લઈ જવો નથી.’ બોલો, હવે મારે શું કરવું ?’
‘ભલે અમે આવશું’ મારે હા પાડવી પડી.
‘તો જમીને તૈયાર રહેજો. છેલ્લા શોમાં જવું છે.’ કહી જેઠાલાલ ઊપડી ગયા.

રાત્રે સાડા આઠ વાગે અમારો વરઘોડો નીકળ્યો. અમે છ જણ હતા એટલે વિકટોરિયા રોકી. જગાના અભાવે ટપુડો દાદાના ખોળામાં બેઠો અને અમારી રથયાત્રા આગળ ચાલી. ખોળામાં બેઠેલા ટપુડાએ દાદાજીને રનિંગ કોમેન્ટ્રી આપવા માંડી. બે પેઢી વચ્ચે સેન્ડવીચ થઈ ગયેલા જેઠાલાલ મૂંગા મૂંગા ચારે બાજુ ડાફરિયાં મારી પોતાની અસ્વસ્થતા ઢાંકતા હતા.

અમારો વરઘોડો ‘અલંકાર’ સિનેમા પહોંચ્યો. ચંપકલાલની આંખની કચાશને કારણે રસ્તો ઓળંગી સિનેમા સુધી પહોંચવામાં જ અમને બીજો પા કલાક નીકળી ગયો. ફિલ્મ શરૂ થઈ ગઈ હતી. અંદર અંધારું થઈ ગયું હતું. એટલે અમારા બધાની હાલત આંખે મોતિયા જેવી થઈ. ડોરકીપરની બેટરીને આધારે અમે અમારી બેઠકો તરફ આગળ વધ્યા, પણ ટપુડાના ટેકે આગળ વધી રહેલા ડોસાએ કોઈક સન્નારીનો પગ કચર્યો. સન્નારીએ અંધારામાં ચિત્કાર કર્યો એટલે સન્નારી સાથેના પુરુષે જોરથી ઘાંટો પાડ્યો :
‘અબે અંધા હૈ ક્યા ? દીખતા નહીં હૈ !’
મેં કહ્યું : ‘હા ભાઈ, બુઝર્ગ આદમી હૈ, જરા દેખનેમેં તકલીફ હૈ.’
‘તો ફિલમ દેખને ક્યું આતા હૈ ?’
ત્યાં ટપુડાને દાદાનું અપમાન થતું જોઈ શૂર ચઢ્યું : ‘તેરે બાપુજી કા થિયેટર હૈ ?’

સાંભળીને પેલો પુરુષ એકદમ સીટમાંથી સળંગ ઊભો થઈ ગયો અને નજીકથી પસાર થઈ રહેલા જેઠાલાલની બોચી પકડી. પણ અકળાયેલા જેઠાલાલે એને હડસેલો માર્યો. ઊભો થયેલો પુરુષ એની જ સ્ત્રી ઉપર પડ્યો અને સ્ત્રીએ પાછી ચીસ પાડી. દરમિયાનમાં આજુબાજુ બેઠેલા પ્રેક્ષકોએ પણ જાતજાતના અવાજો કરી એમનો વિરોધ દર્શાવવા માંડ્યો. એટલે ડોરકીપરો દોડી આવ્યા અને બૂમાબૂમ કરી રહેલા પેલા પુરુષને સિનેમાની બહાર ફેંકી દેવાની ધમકી આપી. પેલા પુરુષે અમને ધમકી આપી.

અમારા તરફથી ટપુડો યુદ્ધમાં ઊતરવા ઊભો થતો હતો. પણ અમે એને માંડ માંડ રોક્યો. મારાં પત્ની મારા કાનમાં બબડ્યાં, ‘કહું છું, મને તો બીક લાગે છે.’
‘છો લાગે, હમણાં ચુપચાપ બેસી રહો.’ મેં કહ્યું. હજી પત્નીને શાંત પાડું છું ત્યાં ચંપકલાલ કહે, ‘અલ્યા જેઠ, તું ભારે રઘવાટિયો છે. મારે બાથરૂમમાં જવું’તું ને તું મને બારોબાર સિનેમામાં ખેંચી લાયો.’
જેઠાલાલ ધીરેથી કહે, ‘બાપુજી, હવે તો ફિલમ શરૂ થઈ ગઈ. ઈન્ટરવલમાં જજો.’
‘કેમ ! તારે મને બે કલાક આમ બેસાડીને મારી નાખવો છે ?’ ચંપકલાલે ગર્જના કરી. પાછળના પ્રેક્ષકોએ વિરોધ નોંધાવ્યો, પણ દાદાના લાડકા ટપુડાને શૂરાતન ચડ્યું, ‘ચાલો દાદાજી, લઈ જાઉં.’ કહેતો એ ઊભો થયો. સાથે સાથે ડોસા પણ ઊભા થયા. ઉશ્કેરાયેલા જેઠાલાલે બૂમ પાડી, ‘બેસ.’ તેનાથી પાછળ બેઠેલો કોઈ પ્રેક્ષક ધીરજ ગુમાવી બેઠો એટલે એણે ઊભા થઈ ટપુડાને પરાણે બેસાડવા પ્રયત્ન કર્યો. ટપુડો બેસવાને બદલે પોતાની સીટ ઉપર ઊભો થઈ પેલા પ્રેક્ષકને ધક્કા મારવા લાગ્યો. ટપુડાના અણધાર્યા પ્રતિકારથી ઉશ્કેરાયેલા પ્રેક્ષકોએ ટપુડા ઉપર આક્રમણ કર્યું. વળી પાછી ધક્કામુક્કી, ચીસાચીસ થતાં ડોરકીપરોએ અમારા ઉપર બેટરી ફેંકી. બેટરીના અજવાળાથી બધા હતા તેમ ગોઠવાઈ ગયા.

પડદા ઉપર પ્રેમનાથ પડખામાં એક બાળક લઈ વરસતા વરસાદમાં ભાગંભાગ કરતો હતો. વાર્તા જામી ત્યાં પાછા ચંપકલાલ કહે : ‘અલ્યા જેઠા, મારા મોઢમાંથી ચોકઠું પડી ગયું.’
‘હવે અંધારામાં ચોકઠાં ના જડે, બાપુજી. ઈન્ટરવલમાં ખોળજો.’
ચંપકલાલથી એ સહન ન થયું : ‘તને તારા બાપની પડી નથી. તને ફિલમની પડી છે.’
‘પણ બાપુજી, ફિલમ કંઈ ખાવાની વસ્તુ નથી કે તમારે ચોકઠાની જરૂર પડે. જોતા નથી ? આજુબાજુવાળા આપણને મારવા તૈયાર થઈ ગયા છે તે !’ જેઠાલાલે માંડ માંડ ગુસ્સો કાબૂમાં રાખી કહ્યું.
‘હટ બાયલા, તારા કરતાં તો મારો ટપુડો બહાદુર છે. ટપુડા બેટા, ચાલ, જોઉં મારું ચોકઠું ખોળી કાઢ.’

દાદાજીના પ્રોત્સાહનથી રંગમાં આવેલા ટપુડો સીટ ઉપરથી નીચે ઊતર્યો અને ઘૂંટણિયાં તાણી અંધારામાં ખાંખાખોળાં કરવા લાગ્યો. તેમાં એનો હાથ કોણ જાણે આગલી હરોળમાં બેઠેલી કોઈ બાઈને અડી ગયો અને બાઈ અંધારામાં સફાળી ઊભી થઈ ગઈ.
‘હાય, હાય, કંઈ છે, કંઈ છે.’ બોલતી ખુરશીમાં પગ લઈ લીધા.
સમયસૂચકતા વાપરી ટપુડો ડાહ્યોડમરો થઈ ખુરશીમાં બેસી ગયો અને આગલી હરોળવાળાએ ડોરકીપરને બોલાવી ઉંદરો ફરે છે એવી ફરિયાદ કરી. દરમિયાનમાં અમારી આસપાસ જાતજાતની ગાળો-સિસોટીઓ અને હોંકારાઓ ચાલુ થઈ ગયા.
ચંપકલાલ કહે, ‘જેઠા, મારા ચોકઠા ઉપર હું જ બેઠો છું. મને સખત ચપટી ભરાઈ છે.’

મરણિયા થયેલા જેઠાલાલનાં પત્ની દયાબહેને જાણે એ જ પળની રાહ જોઈ રહ્યાં હોય તેમ ઊભાં થઈ ચાલવા માંડ્યું. પ્રેક્ષકોના ગાલીપ્રદાન વચ્ચે અમે ‘ધરમ-કરમ’ છોડ્યું. વરઘોડો જેમ આવ્યો હતો તેમ પાછો વિક્ટોરિયા ગાડીમાં પાછો ફર્યો. માત્ર ચંપકલાલ બોલતા હતા : ‘ટપુડા, ફરી વાર આપણે બે એકલા જ ફિલમ જોવા આવીશું. જેઠો નકામો લોહી પીએ છે, સુખે સિનેમા જોવા નથી દેતો.’

જેઠાલાલ લાચારીથી મારી સામે જોઈ રહ્યા હતા.

(દિવ્ય-ભાસ્કર)

ચંપકલાલની લાચારી – તારક મહેતા

[લોકપ્રિય હાસ્યલેખક શ્રી તારકભાઈની સુપ્રસિદ્ધ કૉલમ ‘દુનિયાને ઊંધા ચશ્માં’ પરથી બનેલ હાસ્ય ધારાવાહિક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સોની-સબ ટી.વી પર સોમથી ગુરુ રાત્રે 8.30 વાગે પ્રસારીત થઈ રહી છે જે વાચકમિત્રોની જાણ માટે.  ચિત્રલેખાના સૌજન્યથી પ્રકાશિત પ્રસ્તુત લેખ માટે પરવાનગી આપવા બદલ શ્રી તારકભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 79 26302647 સંપર્ક કરી શકો છો. (કાર્યક્રમની વધુ માહિતી માટે જુઓ : http://www.sabtv.com/shows/shows_inside.php?id=45)%5D

મુંબઈનો ઉનાળો અકળાવી નાખનારો છે. બફારાને લીધે આખો દહાડો પરસેવાના રેલા નીતર્યા કરે છે. સવારે પહેરેલાં કપડાં બપોર સુધીમાં પરસેવાથી ગંધાતાં થઈ જાય છે. લોકોને બેસવા કે ઊભા રહેવાની શું, ટ્રેનમાં ઘૂસવાની જગા મળતી નથી. ડબ્બામાં છત પર લટકતા પંખા પોતાનું મોં વકાસીને આમથી તેમ ઘુમાવી પેસેન્જરોની દશા જોતા રહે છે. પંખા પણ પરસેવે રેબઝેબ હોય છે. પેસેન્જરોનાં શરીર એકબીજાં સાથે એટલાં ભીંસાય છે કે આજુબાજુના પેસેન્જરોના પરસેવાની દુર્ગંધ પોતાના શરીરમાંથી આવતી થઈ જાય છે. મુંબઈના રસ્તા એથીય બદતર હાલતમાં છે. વરસાદ પહેલાં ગટર સાફ કરવાનું સુધરાઈને ઝનૂન ચડ્યું છે. બધે ખોદકામ ચાલી રહ્યાં છે. વાહનો એકબીજાના બમ્પર સૂંઘતાં સૂંઘતાં ગોકળગાયની ગતિએ ચાલે છે. કારમાં બેઠેલો માણસ ઘણી વાર પગે ચાલતા માણસોની ઈર્ષ્યા કરતો થઈ જાય છે.

ઑફિસમાંય ચેન નથી. મારા બેમાથાળા બૉસના દસ-બાર લાખ શૅરબજારની અફડાતફડીમાં ડૂબી ગયા છે એટલે એમની કમાન સતત છટકેલી રહે છે. ગલીમાં રખડતા ડાઘિયા કૂતરાની જેમ એ બધા સામે વડચકાં ભરતાં રહે છે. ઑફિસેથી છૂટીને બસમાં પણ એ જ રામાયણ. બળદગાડાની માફક ચાલતી બસમાં બારી પાસે જગા મળે તો નાકમાં ધૂળ અને ધુમાડા જાય. ઊભા રહેવું પડે તો આખી બસ રેતી, સિમેન્ટ અને કાંકરાનું મિશ્રણ કરતાં પેલાં મશીન જેવી લાગે. સાંજે ઘેર પહોંચતાં સુધીમાં એવા નિચોવાઈ જવાય છે કે સોફા પર ફસડાઈને બેસી પડ્યા પછી ટીવીના રિમોટનું બટન દબાવવાની તાકાત રહેતી નથી. જમ્યા પછી જરા સારું લાગે છે.

એક રાત્રે જમ્યા પછી હું ટીવીમાં ભારત-વેસ્ટઈન્ડિઝની મૅચ જોતો બેઠો હતો. સહેવાગને ઊંઘમાં ઊભાં ઊભાં સાતમી વખત હવામાં બૅટ વીંઝતો જોયા પછી મને પણ એની ઊંઘનો ચેપ લાગી રહ્યો હતો. ત્યાં જ બારણું ખખડ્યું. અમારાં શ્રીમતીજીએ બારણું ખોલ્યું કે તરત જેઠાલાલ પાછળ મારકણો સાંઢ પડ્યો હોય એમ ધસી આવ્યા. હું સોફામાં બેઠો થઈ ગયો.
‘મહેતાસાહેબ, આફત થઈ ગઈ.’
‘એ તો તમને જોઈને જ હું સમજી ગયો.’ મેં ટીવી ઓલવતાં કહ્યું, ‘હવે મને કહેશો કે પાછું શું થયું ?’
‘ડોસા….’
‘કેમ, તમારા બાપુજીને કંઈ થયું ?’ એકસાથે અનેક અશુભ અટકળો કરતાં મેં પૂછ્યું.
‘ડોસા હજી ઘેર નથી આવ્યા.’ કાંપતે અવાજે જેઠાલાલ બોલ્યા.
‘ક્યાં ગયા છે ?’
‘રોજની જેમ સાંજે પાંચ વાગ્યે ફરવા જાઉં છું કહીને ગયા છે. નવ વાગવા આવ્યા તોય પત્તો નથી.’
‘એમનો સરસામાન તો ઘરમાં જ છે ને ?’
‘એટલે ?’
‘એટલે એમ કે તમારી સાથે ઝઘડીને ડોસાએ કંઈ ગાડી તો નથી પકડીને ?’
‘ના રે ના, એમ એ કંઈ ગામભેગા થઈ જાય એવી કાચી માયા નથી. એ તો મને ગાડી પકડાવે એવા છે.’ જેઠાલાલે ધોતિયામાં નાક સીકડતાં કહ્યું.
‘કંઈ સિનેમા-બિનેમામાં બેસી ગયા હશે.’
‘ના મહેતાસાહેબ, એમને આંખે કાચું છે, એકલા એકલા એ ક્યાંય ઘૂસે એમ નથી. અંધારું થાય એ પહેલાં તો એ ઘેરભેગા થઈ જાય છે.’
‘રસ્તામાં કોઈ ઓળખીતું ભેટી ગયું હશે.’
‘અરે ભાઈસા’બ, રસ્તામાં હું ભેટી જાઉં તો મને પણ એ ઓળખે નહીં એમ ચાલ્યા જતા હોય છે. મને તો મહેતાસાહેબ, ફડકો પડી ગયો છે કે ક્યાંક એમને એક્સિડન્ટ-બેક્સિડન્ટ ન થયો હોય. મેં ટપુડાને પણ દોડાવેલો, એ પણ કલાક બધે જોઈ આયો, પણ ક્યાંય કંઈ ડોસાની એંધાણી નથી.’

જેઠાલાલની વાત સાંભળીને હું પણ ચિંતામાં પડી ગયો. એમના પિતા ચંપકલાલ અવારનવાર અણધારી આફતો ઊભી કરતા હતા, પણ એ પોતે એકાએક ક્યાં અલોપ થઈ ગયા એ જબરું રહસ્ય બની ગયું. જો કે મુંબઈની માયાજાળ એવી છે કે ભલભલા ગાયબ થઈ જાય. વિવિધ અટકળોને અંતે હું અને જેઠાલાલ એવી તારવણી પર આવ્યા કે ચંપકલાલને જરૂર ક્યાંક અકસ્માત થયેલો હોવો જોઈએ. ચંપકલાલની આંખે કાચું દેખાતું એટલે ઘરમાં હરતાં-ફરતાંય નજીવા અકસ્માતના ભોગ તો એ બનતા જ હતા. આજે કોઈ વાહનની અડફેટમાં આવી હૉસ્પિટલમાં પડ્યા હશે એવી અમને દહેશત જાગી.

તાત્કાલિક અમે અમારા લત્તાના પોલીસસ્ટેશનને પહોંચ્યા. ટપુના ઉધમાતોને કારણે પોલીસ સ્ટેશનના અમલદારો, હવાલદારો અમારાથી પરિચિત હતા. ચામાં માખી પડે ને માણસનું મોં બગડે એમ અમારા પ્રવેશ સાથે આખા પોલીસસ્ટેશનનું મોં બગડી ગયું. જેઠાલાલે એમના પિતા ચંપકલાલ ગુમ થયા છે એવું નિવેદન કર્યું ત્યારે ઘડીભર તો પોલીસસ્ટેશનમાં એવું તો હર્ષનું મોજું ફરી વળ્યું કે અમને એમ જ લાગ્યું, કદાચ પોલીસ ઈન્સ્પેક્ટર મીઠાઈ વહેંચશે, પણ જેઠાલાલનું દુ:ખી ડાચું જોઈ ઈન્સ્પેક્ટરે પોતાનો આનંદ અંકુશમાં લઈ લીધો અને અકસ્માતને લગતી યાદી મગાવી. અમારા લત્તામાં તો એવો કોઈ એક્સિડન્ટ થયો નહોતો. ઈન્પેક્ટરે માનવતાનું એક પગથિયું ઉપર ચઢી આસપાસનાં બીજાં સ્ટેશનોનો પણ સંપર્ક સાધ્યો. જ્યાં એક્સિડન્ટ થયા હતા ત્યાં ચંપકલાલ જેવી કોઈ વ્યક્તિ ઈજા પામી નહોતી.

જેઠાલાલ અને હું એકબીજાની સામે પ્રશ્નાર્થ ચિહ્નની જેમ જોઈ રહ્યા. ત્યાં ઈન્સ્પેક્ટરે સલાહ આપી કે ઘણી વાર એવા એક્સિડન્ટ બને છે કે જે પોલીસને ચોપડે નોંધાતા નથી. લોકો બારોબાર જ માણસને ઈસ્પિતાલમાં નાખી આવે અને પછી કોર્ટ-કચેરીની બીકે અમને ઈન્ફોર્મ ન કરે. એનો અર્થ એ થયો કે અમારે હવે હૉસ્પિટલમાં તપાસ શરૂ કરવાની હતી. શહેરની હૉસ્પિટલમાં ચંપકલાલનો પત્તો મેળવવો એ ઘાસની ગંજીમાંથી સોય ખોળી કાઢવા જેટલું કપરું કામ હતું. અમે વ્યથિત ચહેરે પોલીસસ્ટેશનની બહાર પડ્યા. નજીકની હૉસ્પિટલથી અમારી શોધખોળનો આરંભ કરવાનો વિચાર કરતા ટપાલપેટીની જેમ મોં પહોળાં કરી ઊભા હતા ત્યાં તો દૂરથી ટપુ આવતો દેખાયો. સુપુત્રને આવતો જોઈ જેઠાલાલમાં આશાનું કિરણ ફૂટ્યું.
‘ડોસા ઘેર આવી ગયા લાગે છે.’ જેઠાલાલના જીવમાં જીવ આવતાં એ ઉત્સાહથી બબડ્યા.
‘તો તો સારું.’ મેં કહ્યું.
‘બાપુજી જડી ગયા ?’ ટપુ નજીક આવ્યો એટલે અધીરા જેઠાલાલે એના તરફ ધસતાં પૂછ્યું.
‘ના.’
‘તો તું અહીં કેમ રખડે છે ?’ જેઠાલાલે ટપુ પર અકળામણ ઠાલવી.
‘મારા એક બૂટ-પૉલિશવાળા ફ્રેન્ડે દાદાજીને જોયેલા.’ ટપુએ ટમકો મૂક્યો. સાંભળીને જેઠાલાલ આશ્ચર્યથી એવા ઊછળ્યા કે એમની ટોપી પણ હવામાં અડધો ફૂટ ઊછળી પાછી માથા પર ગોઠવાઈ ગઈ.
‘ક્યાં છે ? ક્યાં છે ? ક્યાં છે ?’ પિતાને પકડવા અધીરા જેઠાલાલ દોડવા માટે તૈયાર થઈ ગયા.
‘મારો ફ્રેન્ડ કહેતો હતો કે દાદાજીને પોલીસવાળા પકડી ગયા.’
ટપુના જવાબથી જેઠાલાલને આંખમાં કોઈએ અંગૂઠો ખોસી દીધો હોય એવો આંચકો લાગ્યો :
‘ડોસાએ એવું શું કર્યું કે પોલીસે પકડ્યા !’
‘ખબર નથી. દાદાજી રસ્તો ક્રૉસ કરતા હતા ત્યાં પોલીસવાળાનો ખટારો આવ્યો ને ત્યાં ઊભેલા બધા ભિખારીઓને પકડી ગયા.’
‘સત્યનાશ.’ જેઠાલાલે ફૂટપાથ પર એવી જોરથી રાડ પાડી કે પોલીસસ્ટેશનમાંથી બે હવાલદાર અમારી પાસે દોડી આવ્યા. હવાલદારોને જોઈ જેઠાલાલ જુસ્સામાં આવી ગયા :
‘મારા બાપને તમે ભિખારી સમજો છો ?’ હવલદારનો કમરપટ્ટો પકડી જેઠાલાલ બૂમો પાડવા લાગ્યા : ‘બોલ ! બોલ ! ક્યાં છે મારો બાપ ?’

જેઠાલાલના અણધાર્યા હુમલાથી બન્ને હવલદાર કાચી ઊંઘમાંથી ઓચિંતા જાગ્યા હોય એમ હેબતાઈને એકબીજા સામે જોઈ રહ્યા. જેઠાલાલની બૂમાબૂમથી જિજ્ઞાસુ જનતા જમા થવા લાગી. મને ભય લાગ્યો કે જેઠાલાલ એ હવલદારને હચમચાવી નાખશે તો બાપને છોડાવવાને બદલે એ પોતે જ ઝડપાઈ જશે. ટપુ ઉત્સુકતાથી પિતાના પરાક્રમને નિહાળી રહ્યો હતો. જેઠાલાલને સ્થિતિની ગંભીરતા સમજાવી હું એમને પાછા પોલીસસ્ટેશનમાં ખેંચી ગયો. હવાલદારો તમાશો જોવા એકઠા થયેલા લોકોને વિખેરવામાં પડ્યા. અમે ઈન્સ્પેક્ટરને સમજાવ્યું કે હવાલદારોએ ભૂલથી ચંપકલાલને ભિખારી સમજી પકડ્યા છે. ઈન્સ્પેકટરે અમને કહ્યું : ‘પકડાયેલા ભિખારીઓને ચેમ્બુરના બેગર્સ હોમમાં રાખવામાં આવે છે. ડોન્ટ વરી, જેઠાલાલ, તમારા ફાધર સલામત છે.’
અમે ઊભા થયા ત્યાં ઈન્સ્પેક્ટરે ઉમેર્યું :
‘મિસ્ટર જેઠાલાલ, તમારા ફાધરને જરા સારાં કપડાં પહેરાવો, નહીં તો રોજ આવી રીતે એ પકડાશે.’

અમે ટૅક્સી કરી ચેમ્બુર ગયા. ત્યાં પણ અમારે એ જ ઉપાધિ થઈ. બેગર્સ હોમના અધિકારી કહે :
‘એમ અમે તમને માણસ સોંપીએ નહીં. એ ચંપકલાલ ભિખારી નથી એનો પુરાવો શું ?’
અત્યાર સુધી શાંત બેઠેલો ટપુ એકાએક તપી ગયો : ‘મારા દાદાને ભિખારી કહે છે ? તારો બાપ ભિખારી હશે, પૂરી દે એને.’
અધિકારી ટપુના વાકપ્રહારથી ઘડીભર હેબતાઈ ગયો. પછી એણે જોરજોરથી ટેબલ-ઘંટડી વગાડી ચપરાસીઓને બોલાવ્યા. મને લાગ્યું કે મારે હવે કડક થવું પડશે. મેં અધિકારીને કહ્યું : ‘ભિખારી હોય કે ન હોય, પણ અહીં દાખલ થનાર દરેક માણસનાં સગાંવહાલાંને તમારે ખબર આપવી જોઈએ.’
‘અહીં તો પોલીસવાળા રોજના સો ભિખારીને પકડી લાવે છે, એમ દરેકનાં સગાંવહાલાંને અમે ખોળવા જઈએ તો આ બેગર્સ હોમનો બંદોબસ્ત કોણ સંભાળે ?’ અધિકારી બોલ્યા.
મેં કહ્યું : ‘જુઓ સાહેબ, હું એક વકીલ છું અને ચંપકલાલ મારો અસીલ છે. તમે એને ભિખારી ગણીને એની સમાજમાં બદનામી કરી છે. એ બદલ હું સરકાર સામે કેસ કરીશ અને એ વખતે તમારે કોર્ટમાં પુરવાર કરવું પડશે કે એ ભિખારી છે.’
મારી વાત સાંભળી અધિકારી સાહેબ ઢીલા પડ્યા. એમણે ચંપકલાલને બોલાવી મગાવ્યા. પ્રવેશતાવેંત જ ડોસાનો પારો આસમાને પહોંચ્યો : ‘અલ્યા જેઠિયા, આ હાળા કઈ જાતના પોલીસવાળા છે. રસ્તામાં મારે બીડી ચેતાવવી હતી તો એક માણસ પાસે મેં દીવાસળીનું બાક્સ માગ્યું પછી મને થયું કે વરસાદના છાંટા પડે છે કે શું ? એ જોવા માટે મેં હાથ લંબાવ્યો ત્યાં કોઈકે મારી હથેળીમાં આઠ આની મૂકી દીધી. હજી હું કંઈ બોલું એ પહેલાં તો આ હાળાઓએ મને ઊંચકીને એમના ખટારામાં નાખ્યો ને અહીં લાવીને ખોસી દીધો.’

‘બાપુજી, અમે તમને લેવા જ આવ્યા છીએ.’ જેઠાલાલે પિતા પ્રત્યે સહાનુભૂતિ દાખવતાં કહ્યું.
‘ડફોળ, તારા બાપને તું કેવો ફેરવે છે કે બધા ભિખારી કહે છે. અહીંના ભિખારીઓ પણ મને કાકા કહીને બોલાવતા હતા. કોઈ માનવા તૈયાર નહોતું કે મારો દીકરો વેપારી છે.’
પછી ડોસ પેલા અધિકારી તરફ ફર્યા :
‘અલ્યા ટુણિયાટ, મેં તને નહોતું કહ્યું કે હું ભિખારી નથી, જો, જો હવે તો માને છે ને !’
‘દાદાજી, મેં તો આ ટુણિયાટને એક ગાળ દઈ દીધી.’ ટપુએ ઉત્સાહથી કહ્યું.
હવે પેલો સાહેબ ઉશ્કેરાયો : ‘એય મિસ્ટર, જબાન સંભાળીને બોલો. હવે પછી આ ડોસો અને છોકરો ડબડબ કરશે તો બન્નેને અંદર પૂરી દઈશ.’
‘કેમ તારા બાપનું રાજ ચાલે છે ?’ જેઠાલાલ ઊછળ્યા. મેં એમને ઝાલ્યા. પેલા સાહેબે આંખો કાઢતાં કહ્યું : ‘ઠીક છે. લઈ જાવ, પણ તમારે મને લેખિતમાં રસીદ આપવી પડશે.’
‘રસીદ ? કેવી રસીદ ?’ હું ચોંક્યો.
‘વડીલ પાછા મળ્યાની રસીદ. કાલે ઊઠીને તમે મારા ગળે પડો તો ? અહીં બેસીને લખી આપો કે તમે આ, જે નામ હોય તે ભિખારીને, સૉરી, વડીલને જોઈ-તપાસીને પાછા મેળવી લીધા છે. ડિલિવરી લેતી વખતે કોઈ તોડ-ફોડ કે નુકશાની થયેલી માલૂમ પડી નથી. અને એમ પણ લખજો કે અમે વડીલને ફરીથી આ રીતે છૂટા-રખડતા નહીં મૂકીએ.’
‘છૂટા એટલે ? દાદા કંઈ રખડતા કૂતરા છે ?’ ટપુ ઉકળ્યો. મેં ટપુને વાર્યો. હવે એક મિનિટ પણ વધારે રોકાવામાં જોખમ હતું. મેં પરિસ્થિતિનું સુકાન હાથમાં લઈને અધિકારીને મનાવી લીધા. એમને જોઈતી હતી એવી રસીદ ફટાફટ લખી આપી. ચંપકલાલને છોડાવી અમે બહાર નીકળ્યા.

‘બાપુજી, આજ પછી હવે તમારે એકલા બહાર ફરવા નહીં જવાનું.’ જેઠાલાલે આદેશ આપ્યો.
‘જા, જા, ડોબા, તારા ઘર કરતાં તો મને અહીં વધારે શાંતિ હતી.’ ચંપકલાલ ઉવાચ.
‘ખરેખર, દાદાજી ? તો પછી તમે ફરીથી પકડાઓ ત્યારે જોડે મને પણ લેતા આવજો.’ ટપુએ મહેચ્છા પ્રદર્શિત કરી. જેઠાલાલ સમસમીને શાંત થઈ ગયા. ટૅક્સીમાં દાદા અને પૌત્રનો સંવાદ ચાલતો રહ્યો. મને થયું કે એમની વાતો સાંભળીશ તો કદાચ મને પણ ભિખારી બનવાનું મન થઈ જશે એટલે નાછૂટકે હું ચૂપચાપ આંખ મીંચી ઊંઘવાનો પ્રયત્ન કરતો પડ્યો રહ્યો.

(દિવ્ય-ભાસ્કર)