Archive

Posts Tagged ‘બહેન’

રક્ષાબંધનને સાર્થક કહેવડાવે એવો બહેનનો ભાઇ પ્રત્યેનો પ્રેમ

સાંજે 6:30 ની આસપાસનો સમય. હું ઓફિસથી છુટીને ઘરે આવતો હતો. અમદાવાદમાં “અંધજન મંડળ” આગળ આવેલા ચાર રસ્તાએ સિગ્નલ લાલ લાઇટનો પ્રકાશ આપી રહ્યું હતું. રોડની બંન્ને સાઇડમાં ઓવરબ્રિજનું બનાવવાનું કામ પુરજોશમાં ચાલુ હતું. બંન્ને બાજુ ફૂટપાથ પર ઝૂપડપટ્ટી પથરાયેલી હતી. સામેના કોર્નરમાં મોટી સ્ક્રિન ઉપર “Blind People” એ કરેલાં અદભૂત કાર્યો જોવામાં હું મગ્ન હતો. ત્યાં જ એક છોકરો રડતો-રડતો રોડની વિરુધ્ધ સાઇડથી રોડ ક્રોસ કરી આવી રહ્યો હતો. સાથે એની બહેન પણ હતી. ઉંમરમાં એના કરતાં 3-4 વર્ષ મોટી હશે અને બંન્નેનાં પહેરવેશ પરથી લાગતું હતું કે બાજુમાં આવેલી ઝૂપડપટ્ટીમાં જ રહેતા હશે.

મેદની, અવાજો અને ઘોંઘાટોની વચ્ચે બંન્ને ભાઇ-બહેને એક રોડ ક્રોસ કર્યો અને B.R.T.S. Track પર આવી ગયાં. નાનો ભાઇ મોટી બહેને પકડેલો હાથ છોડાવવા માંગતો હતો પણ બહેને હાથ કડકાઇથી પકડી રાખ્યો હતો. નાનકાને રોડ ઉપર દોડવાની અને રસ્તો “જાતે” ક્રોસ કરવાની તાલાવેલી હતી પણ રોકેટગતિએ આવતા વાહનોએ બહેનને હાથ વધારે જોરથી પકડવા મજબૂર કર્યા. B.R.T.S નો Track ખાલી હોવા છતાં પેલી બહેને નાના ભાઇનો હાથ ના જ છોડ્યો. છેવટે કંટાળી પેલા છોકરાએ બૂમો પાડી, બહેનને પેટમાં માર્યું, ધમપછાડા કર્યા પણ પક્ષી પાંજરાની બહાર ના છટકી શક્યું. ના છૂટકે છોકરાએ  બહેને પકડેલા હાથ ઉપર બચકું ભરી લીધું.  પેલી છોકરીના મોઢામાંથી ચીસ નખાઇ ગઇ અને ચહેરો રડમસ થઇ ગયો છતાંય જનેતા સમાન આ બહેને ભાઇને છૂટો ના જ મૂક્યો. સામે આવેલા હનુમાનજીનાં મંદિરે પહોંચ્યા પછી જ એણે હાથ છોડ્યો. બહેનનો ભાઇ પ્રત્યેનો આ પ્રેમ હું નિહાળી રહ્યો.

પાછળથી “Horn” નો મારો ચાલુ થયો. સિગ્નલ ઉપર નજર પડતાં તેણે આગળ જવાની મંજૂરી આપી દીધી હતી. બાઇક સ્ટાર્ટ કરીને હું ઘર તરફ રવાના થયો.

                                            ——- * ——- * ——-

આ જમાનામાં ભાઇ-ભાઇ વચ્ચે મિલકત માટે લડાઇ થાય, ક્યારેક ખૂન થાય, બહેન પિયરમાં પોતાનો હક માંગે ત્યારે થાય કે આવો નિખાલસ પ્રેમ દુનિયામાં ક્યાંક જ જોવા મળે છે અને એ પણ નસીબમાં હોય તો જ…

બહેન

ગોપાલ- “ફોન પર કેમ આટલી ધીમેથી વાત કરે છે?”

પ્રતિક- “બહેન છે…”

ગોપાલ- “તો બહેન છે તો શું થયું?”

પ્રતિક- “બહેન છે…તારી બહેન છે…”