Home > ડો. જગદીશ ત્રિવેદીની કોમેડી > જગદીશ ત્રિવેદી – જનતાથી મોટો કોઇ જજ નથી

જગદીશ ત્રિવેદી – જનતાથી મોટો કોઇ જજ નથી

જે લોકો સારું સાહિત્ય લખી શકતા નથી તથા સુંદર મૌલિક લખાણને વાંચીને વધાવી શકતા નથી તે લોકો વિવેચક બનીને સરળ ભાષામાં સર્જાયેલી સાહિત્યકૃતિનું અઘરામાં અઘરા શબ્દો વડે મૂલ્યાંકન કરી શકતા હોય છે.

મને કોઇ નિણાર્યક કે વિવેચક સાથે વાંધો નથી પણ આ વાત એટલા માટે લખું છું, કારણ કે થોડા દિવસો પહેલાં હું એક ગુજરાતી ટી.વી. ચેનલની નવોદિત હાસ્ય કલાકરો માટેની સ્પાર્ધામાં નિણાર્યક તરીકે જઇ આવ્યો છું અને હાસ્યના ક્ષેત્રમાં હું પોતે નવોદિત હોવા છતાં જૂનોદિત હોવાનો સફળતાથી ડોળ કરીને સુખરૂપ ઘરે પહોંચી ગયો છું.

ત્રીજી ઓગસ્ટથી દર અઠવાડિયે એક કલાક સુધી રજૂ થનારા આ કાર્યક્રમમાં તદ્દન નવા કલાકારો, બ્રાન્ડ ન્યુ જૉકસનો ખજાનો લઇને રજૂ થવાના છે. આશરે પાંચસો નવા ચહેરાઓને સાંભળીને પચાસને પસંદ કરવાના હતાં. આ પ્રસંગે થયેલી સાવ સાચી રમૂજૉમાંથી થોડી અહીં ઉતારું છું.

એક કલાકારને રજૂઆત માટે અંદર બોલાવ્યો તો અમારા સૌના આશ્ચર્ય વરચે એ તાજી ખરીદેલી સૂટકેસ ઉઘાડી, મદારી જેમ કરંડિયામાંથી નાગ કાઢે એમ એણે લેંઘો બહાર કાઢયો. ત્યાર પછી ચટ્ટાપટ્ટાવાળી ચડ્ટીનું વિમોચન કર્યું, એ પણ કયારેય પહેરાઇ ન હોય એવી કોરી કટ્ટ હતી.

એવું જ અબોટ ગંજીફરાક, તદ્દન નવો હાથરૂમાલ, આ બધું જૉઇને મારાથી પુછાઇ ગયું કે ભાઇ તમે જૉકસ કહેવા આવ્યા છો કે કપડાં વેચવા આવ્યા છો? ત્યારે એ અખંડ બુદ્ધિશાળી બોલ્યો કે ગયા મહિને ઓડિશન માટે આવ્યો ત્યારે પ્રોડયુસર કહેતા હતા કે કુછ નઇ ચીજે લેકર આઓ.

વડોદરા શહેરના હાથીસાહેબ પાંસઠ વર્ષે હિંમત કરીને નવોદિત હાસ્ય કલાકાર તરીકે રજૂ થયા, તેમણે કહ્યું કે મારાં પત્નીની પિયરની અટક માંકડ છે. મદનિયામાંથી હાથી બનતાં હાથીના બરચાને પણ વરસો લાગે છે જયારે મારી પત્ની એક જ દિવસમાં માંકડમાંથી હાથી બની ગઇ.

એક સ્પર્ધકને મેં કહ્યું કે એક મહિના અગાઉથી ફોન કરીને જણાવ્યું હતું કે તમે તદ્દન નવા ટૂચકાઓ તૈયાર કરીને લાવજૉ છતાં તમે ચવાઇને ચૂંથો થઇ ગયેલી રમૂજૉ અમારા માથામાં શા માટે મારી છે? ત્યારે એ બોલ્યો કે મારા ઉપર ફોન આવ્યા પછી પચીસ દિવસ સુધી મેં એમ જ માન્યું કે કોઇ મિત્રએ મારી મશ્કરી કરી લાગે છે, મારામાં એવું શું છે કે મને ટી.વી.વાળા ફોન કરે? પાંચ દિવસ પહેલાં અજયભાઇનો ફરીથી ફોન આવ્યો ત્યારે લાગ્યું કે એ લોકોએ મારામાં વિશ્વાસ મૂકવાની ખરેખર ભૂલ કરી લાગે છે, પાંચ દિવસમાં નવા જૉકસ તૈયાર થાય નહીં એટલે તમે જાણીતા કલાકારો વરસોથી જે એકના એક વાસી જૉક ફટકારો છો એ ગોખીને લાવ્યો છું. એક કલાકારે કહ્યું કે હું ઓડિશન માટે નીકળતો હતો અને મારી પત્ની ઇન્સ્યુરન્સની ફાઇલો ખોલીને પોલિસીઓ જૉતી હતી, મેં કહ્યું કે મને શુભેરછા આપવાને બદલે પોલિસીઓ શા માટે ઉથલાવે છે? ત્યારે બોલી કે તમે રથયાત્રાના દિવસે અમદાવાદ જાવ છો એટલે.

એક એપિસોડના અંતમાં નિણાર્યક તરીકે પ્રતિભાવ આપતા મેં રમૂજ કરી કે મારા દીકરાએ મને પૂછ્યું કે પપ્પા, કળિયુગ આવી ગયો છે એનું પ્રમાણ શું? ત્યારે મેં જવાબ આપ્યો કે હાસ્ય કલાકારોની સ્પર્ધામાં જગદીશ ત્રિવેદી નિણાર્યક હોય એનાથી મોટં પ્રમાણ કયું હોઇ શકે? કોઇ પણ ક્ષેત્રમાં જનતાથી મોટો કોઇ જજ નથી, જનતાથી મોટો જજ પણ છે, પરંતુ એ ત્રિવેદી જગદીશ નથી પણ ભગવાન જગદીશ છે.

– જગદીશ ત્રિવેદી  (દિવ્ય ભાસ્કર)

Leave a comment